સ્ત્રી અને પુરુષ – સોનલ પરીખ

[ ‘જન્મભૂમિ પ્રવાસી’ માંથી સાભાર. આપ સોનલબેનનો આ સરનામે sonalparikh1000@gmail.com અથવા આ નંબર પર +91 9221400688 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

‘હું શું મોટો ડોસો છું ?’ ઇશ એક દિવસ બગડ્યો. અમે ત્યારે નવાં નવાં પરિચયના કાળમાં હતાં.
‘હેં ? શું ?’ હું ગભરાઇ.
‘તું મને તમે-તમે કર્યા કરે છે એટલે પૂછું છું. હું તને પોતાનો નથી લાગતો ?’
‘લાગો છો.’
‘તો પછી ?’ તેણે એવા અઘિકારથી કહ્યું કે હું તરત તેને ‘તું’ કહેતી થઈ ગઇ.
તેણે ચોખ્ખા શબ્દોમાં હજી સુધી કહ્યું નથી, પણ તે પ્રેમમાં સમાન અધિકાર અને મિત્રતામાં માને છે તે મને ક્યારનુ સમજાઇ ગયું છે. સ્ત્રીપુરુષ સંબંધ જૂગજૂનો અને નિતનવો છે. પ્રણયથી માંડી પરિણય, મૈત્રીથી માંડી આદર, અધિકારથી માંડી સમર્પણ સુધીનાં તેનાં હજારો પરિમાણો છે. માનવ સ્વભાવ ત્રિપાર્શ્વ કાચની જેમ શુદ્ધ-શ્વેત પ્રેમને જુદાં જુદાં રંગોમાં વિભાજિત કરતો રહે છે. આ રંગો પેઢીએ પેઢીએ, સમયે સમયે, વ્યક્તિએ વ્યકિતએ બદલાતાં જાય છે. સંબંધનું હાર્દ પ્રેમ જ હોય છે, પણ પ્રેમની વ્યાખ્યા પણ સમયે સમયે બદલાતી હોય છે. જીવનશૈલીમાં, વિચારોમાં પરિવર્તન આવે તેમ સહજીવનમાં અપેક્ષાઓ, આકાંક્ષાઓ બદલાતાં જાય છે.

matchmakingઆજે કેટલાં બધાં ઉદાહરણો યાદ આવે છે. અમારાં એક ભાભુ હતાં. એમનાં લગ્ન આજથી નેવું વર્ષ પહેલાં તેમનાથી દસ વર્ષ મોટા અમારા બાપુજી સાથે થયા. બાપુજી કડક. ધાકમાં રાખવાવાળા. ભાભુ બારતેર વર્ષનાં. રસોઇ કરતાં, રસોઇનો સામાન ખૂટ્યો હોય તો તે લાવવાનું કહેતા પણ ધ્રૂજે. ધીરે ધીરે ગોઠવાયાં અને પંચોતેર વર્ષનું સરસ દાંમ્પત્ય ભોગવ્યું. મેં તેમને બહુ નાની ઉંમરે એકાદ વાર જોયાં હશે. તેમનાથી દસેક વર્ષ નાની ઉંમરનું એક દંપતિ યાદ આવે છે. મને યાદ છે કે એ જમાનામાં પણ તેઓ મિત્રભાવે, આનંદથી રહેતા. ત્યાર પછી મારા માતાપિતાની પેઢીનાં યુગલો મને બરાબર યાદ છે. ત્યારે પતિ લગભગ પરમેશ્વર હતો. ‘પતિ કહે તેમ કરવાનું. સામું નહીં બોલવાનું’ તેવી શીખ સાથે કન્યાઓ વિદાય થતી. મોટે ભાગે એ શીખનું પાલન થતું. ઉલ્લંઘન થાય ત્યારે પતિઓ હાથ સાફ કરી લેતા. પતિઓ આમતેમ ભટકી આવે તો પણ પત્નીએ મર્યાદા સાચવવી પડતી. ચાલાક સ્ત્રીઓ પતિને વશમાં રાખીને કે પજવીને સાસરિયા પ્રત્યેની ફરજોમાંથી થોડી મુક્તિ મેળવી લેતી કે બેચાર ઘરેણાં કરાવી લેતી. બાકીની ભારતીય નારીનો આદર્શ પાળવા શહીદ થતી. ચૂપચાપ રડી લેતી. ન પિતા પાસે કશું ઇચ્છતી, ન પતિ પાસે. જરૂર પડે તો તેની પાસે થોડા રૂપિયા પણ ન નીકળે. સંસ્કારી યુગલો ઝઘડા ન કરતા પણ થતું પતિની ઇચ્છા પ્રમાણે જ.

તે પછીની પેઢી એટલે મારી, આપણી પેઢી. પતિનો એટલો ડર રહ્યો નથી, સાસરિયા પણ રિઝનેબલ બનતા જાય છે. તો પણ દાંપત્યમાં સમાનતા કે મિત્રતાનો કંસેપ્ટ પ્રમાણમાં ઓછો છે. મારો એક પિતરાઇ ભાઇ કહે છે, ‘પતિપત્નીએ કામ સિવાયની વાતો કરવી જ ન જોઈએ. તેમાંથી જ ઝઘડા થાય. અને પ્રેમ ? એ તો સાથે રહીએ, હું બરાબર કમાઉં અને તે બરાબર રાંધે એટલે થઈ જાય.’ તે તેની પત્નીનું માન રાખે છે, ધ્યાન રાખે છે, પણ નિર્ણય બધા પોતે જ લે છે અને તે પ્રમાણે જ થવું જોઈએ તેવો તેનો આગ્રહ હોય છે. ઇશ માટે પ્રેમથી વધારે કશું નથી. તે ખૂબ બુદ્ધિમાન છે અને સમાનતા, સ્વતંત્રતા જેવાં મૂલ્યોને જીવે છે. તેના વિચારો મુક્ત છે. અમે ઘણા બધા વિષયો પર વાતો કરીએ છીએ. મારો વિકાસ, મારો આનંદ, મારી કમ્ફર્ટ તેને માટે ખૂબ મહત્વનાં છે. તેને માટે તે હેરાન પણ થઇ લે છતાં તેને ધાર્યું કરવું ગમે તો છે. પોતે પુરુષ છે તે તે કદી ભૂલતો નથી. મારી એક બહેનપણી તેના પતિને ધાકમાં રાખે છે. તેના ઘરમાં તેનું જ ચાલે છે તેનો તેને એટલો આનંદ છે કે પતિપત્ની અને માબાપ-સંતાનો વચ્ચે તંદુરસ્ત સંબંધો રહ્યા નથી, ઘરના બીજા સભ્યોનાં જીવન રૂંધાય છે તે તેને દેખાતું નથી.

અને નવી પેઢી ? તેની તો મસ્તી જ જુદી છે. તેનો મંત્ર છે ફ્રેંડશીપ, કમ્પેનિયનશીપ. મારી મિત્ર આરતી તેના લગ્નની ઉંમરના દીકરા મેહુલ માટે એક એકથી ચડે તેવી દેખાવડી કન્યાઓ જોતી હતી ત્યાં એક દિવસ તેની સાથે કામ કરતી વંદનાને લૈ આવ્યો. ‘મને આ ગમે છે. અમે લગ્ન કરવા માંગીએ છીએ.’ વંદના મેહુલની સરખામણીમાં કંઇ નહીં. ગુજરાતી ભાષા કે રસોઇ જાણે નહીં. આરતીને થયું, આ લગ્ન છ મહિના પણ નહીં ટકે, પણ ટકી ગયાં અને બંને ખુશ પણ છે. બંને કમાય છે. મેહુલ ઘરના કામમાં જ નહીં, નાનકડી દીકરીને ઉછેરવામાં પણ મદદ કરે છે. ‘તને આમાં શું દેખાયું ? મેં તારા માટે કેવી સરસ છોકરીઓ જોઇ હતી.’ એક દિવસ આરતીએ કહ્યું. ‘સરસ એટલે શું ? વંદના સાથે મારી ફ્રિકવંસી મેચ થાય છે.’ ‘તે તારી પાસે કેટલું કામ કરાવે છે. દીકરીના બાળોતિયાં ય ઘણીવાર તું બદલે છે.’ ‘મમ્મી, તારા જમાનાની વાત ન કર. હવે તો બંને કમાય, બંને ઘર ચલાવે ને દીકરી મારી પણ છે ને – હું તેનું ડાયપર બદલું તેમાં શો વાંધો ?’ આરતી વિચારતી થઇ ગઇ.

સુલેખાનો દેકરો રોહન એંજિનિયર. અંતર્મુખ. સુલેખાએ તેને કહ્યું, ‘તારા માટે ઘણા વખતથી એક છોકરી મારા ધ્યાનમાં છે. સરસ છે, પણ સ્વભાવ તારાથી ઊંધો છે. ખૂબ બોલકી છે અને નાટકમાં કામ કરે છે. એવી છોકરી સાથે તને ફાવે ?’ ઓછા બોલો રોહન એક જ વાક્ય બોલ્યો, ‘ફ્રેંડશીપ હોય તો બધું ફાવે.’ અને મારી દીકરી ? લગ્ન થઇ ગયા પછી પણ તેના પતિ સાથે મિત્રની જેમ અને સાસુ-સસરા પાસે દીકરીની જેમ રહે છે. સાસુ આવે ત્યારે તેમની પાસે રાંધતા, ઘર ચલાવતા ધ્યાનથી શીખે છે. તેની સામે પતિ સાથે ઝઘડી પણ લે છે. સાસુ પરંપરામાં માને પણ એક વાર મને કહેતા હતા, ‘આ બેમાં સારી દોસ્તી છે.’ બંને ઘર સાફ રાખે છે અને બંને કમાય છે. એકબીજાની તકલીફમાં સાથ આપે છે. કહે છે, ફ્રેંડશીપ ઇઝ મસ્ટ. પ્રેમ તેમાં આવી ગયો.’ આ તો થઇ નવા જમાનાની વાત. ‘ફ્રેંડશીપ ઓફન એન્ડઝ ઇન લવ, બટ લવ ઇન ફ્રેંડશીપ – નેવર’માં માનનારો એક બહુ મોટો વર્ગ આજે પણ છે. જો કે આપણા ઋષિમુનિઓએ તો પાંચેક હજાર વર્ષ પહેલાં પણ લગ્નમાં ફ્રેન્ડશીપ અને કમ્પેનિયનશીપની વાત કરી હતી તે તમને ખબર છે ? તેની વાત કરીશું ફરી ક્યારેક.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “સ્ત્રી અને પુરુષ – સોનલ પરીખ”

Copy Protected by Chetan's WP-Copyprotect.