ચાર જાદુઈ કઠપૂતળીઓ (બાળવાર્તા) – પ્રણવ કારિયા

[ ‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.]

કેશવ કઠપુતળી બનાવવાનો કુશળ કારીગર હતો. તેનો દિકરો અનંગ પણ મોટો થતાં તેનાં ધંધામાં લાગી જાય એવી કેશવની મહેચ્છા હતી, પરંતુ અનંગે તેના પિતાને કહ્યું: ‘પપ્પા ! મારે નસીબ અજમાવવા શહેરમાં જવું છે ! કેશવને આ સાંભળીને દુ:ખ થયું ! તેણે ભારે હૃદયે અનંગને રજા આપી અને તેની સફરમાં મદદરૂપ થવા તેને ચાર કઠપૂતળીઓ આપી. આ ચાર કઠપૂતળીઓને કેશવે ભવ્ય રીતે લાકડામાંથી કોતરેલી હતી, રંગબેરંગી રેશમી કપડાં પહેરાવીને શણગારેલી હતી. એટલું જ નહિ, પણ આ ચારેય કઠપુતળીઓ વિશિષ્ટ ગુણો ઘરાવતી હતી. તેમનામાં જાદુ હતું !
પ્રથમ કઠપૂતળી બુદ્ધિની દેવી હતી. ડહાપણનો ભંડાર હતી. બીજી કઠપૂતળી શક્તિની દેવી હતી. તેમાં હજાર યોદ્ધાનું બળ હતું. ત્રીજી કઠપૂતળી યોગવિદ્યાની દેવી હતી. તે આકાશમાં ઊડી શકતી હતી અને ચોથી કઠપૂતળી સાધ્વી દેવી હતી, જે દયાની અને ભલાઈની મૂર્તિ હતી!

અનંગે લાકડીને એક છેડે આ ચાર કઠપૂતળીઓને બાંધી અને બીજે છેડે કપડાં અને ભાતાની પોટલી બાંધી અને લાકડીને ખભા પર લટકાવી ચાલી નીકળ્યો. ચાલતાં ચાલતાં રાત પડી ત્યારે અનંગ એક ઘનઘોર જંગલમાં આવી પહોંચ્યો અને વડલાના ઝાડ નીચે ભાતું છોડીને જમ્યો અને ત્યાં જ સૂવા માટે સુંદર જગ્યા છે એમ વિચારતો હતો ત્યારે તેના મનમાં થયું : ‘લાવને, આ બુદ્ધિની દેવીની સલાહ લઉં ! તેને પૂછી જોઉં ! અને તેણે બુદ્ધિની કઠપૂતળીને પૂછ્યું :
‘ઓ બુદ્ધિની કઠપુતળીબેન ! બિછાવું આ વડલા નીચે મારી સેજ ?!’
અનંગની વાત સાંભળીને બુદ્ધિની કઠપૂતળી લાકડી પરથી નીચે ઊતરી અને જીવતીજાગતી મોટા કદની પૂતળી થઈ ગઈ અને અનંગને કહ્યું : ‘ઓ અનંગ ! તારી આંખો ઉધાડ અને ચારેબાજુ જોઈ વિચારીને નક્કી કર ! જો સાચું શું છે તે તું નહીં જાણે તો લોકો તને છેતરી જશે અને જંગલી જાનવર ખાઈ જશે !’ આમ કહી બીજી જ પળે બુદ્ધિની કઠપૂતળી લાકડીને છેડે લટકતી થઈ ગઈ!

અનંગ થોડો ગભરાઈ ગયો. તેણે આજુબાજુ બારીકાઈથી જોયું તો જંગલી પ્રાણીઓના પંજાનાં નિશાન હતાં. એટલે અનંગ વડલાની ઊંચી ડાળીએ ચડીને સૂઈ ગયો અને તેને આનંદ થયો કે અડધી રાતે એક વાધ વડલા નીચે આવીને સૂતો હતો ! બીજા દિવસે અનંગ જંગલમાંથી હાંફળોફાંફળો નીકળીને ગિરિમાળાની કેડીએ પર્વતની ટોચ પર જઈને રાત વિતાવી અને સવારે જાગ્યો ત્યારે એક વણજાર તળેટીમાંથી ચાલી જતી હતી.દસબાર ગાડાઓમાં કીંમતી સામાન, સોના-મોતીના દાગીનાઓથી ગાડાં ભરેલાં હતાં. વણજાર પૈસાદાર વેપારીની હોય એમ લાગતું હતું. અનંગને મનમાં વિચાર આવ્યો કે મારી પાસે આટલી ઘન –દોલત આવી જાય તો કેવું સારું ?! અનંગને શક્તિની કઠપૂતળી યાદ આવી. તેણે શક્તિની કઠપૂતળીને પૂછ્યું,
‘ઓ હજાર સૈનિક જેવી શક્તિની કઠપૂતળી ! મને મેળવી આપ આવી ઘન-દોલત સઘળી !!’ અનંગની અજાયબી વચ્ચે શક્તિની કઠપૂતળી લાકડીને છેડા પરથી નીચે ઊતરી અને જીવતીજાગતી મોટાકદની પૂતળી થઈને તેણે જોરથી પગ પછાડ્યો કે તરત જ ઘરતી ધણધણી ઊઠી, પર્વત પરથી ભેખડો નીચે ધસી આવી ને ગાડાના મારગમાં વચ્ચે પડી ! રસ્તો બંધ થઈ ગયો. ધરતીકંપ થયો કે શું એમ માનીને ગાડાવાળાઓ જીવ બચાવવા નાસી ગયા ! અનંગે બધાં ગાડાની સંપતિ ભેગી કરીને લઈ લીધી !

એક ગાડામાં વણજારના માલિકની દિકરી અમિતા બેઠી હતી અને ધ્રૂસકાં ભરતી રડતી હતી. અનંગે અમિતાને આશ્વાસન આપ્યું. અમિતાએ અનંગને પૂછ્યું : ‘તમે કોણ છો ?’
‘મારું નામ અનંગ છે. તમે નિર્ભય રહેજો. તમારો વાળ વાંકો નહિ થાય !’
આ સાંભળી અમિતા ક્રોધથી લાલ –પીળી થઈ ગઈ ! અને બૂમ પાડીને અનંગને સંભળાવી દીધું કે તમે ચોર-લૂંટારા છો !’ તમારી સાથે કદી બોલીશ નહિ!
શક્તિની કઠપૂતળીએ દિલાસો આપતાં કહ્યું, ‘તમે અમિતાની વાત ધ્યાનમાં લેતા નહિ !’
શક્તિની કઠપૂતળીએ પળવારમાં રસ્તો સાફ કરી આપ્યો. અનંગ શહેરમાં આવ્યો અને શક્તિની કઠપૂતળીને પૂછ્યું: ‘હવે મારે આટલી સંપતિનું શું કરવું જોઈએ?’ શક્તિની કઠપૂતળીએ કહ્યું, ‘તમે યોગમાયાની કઠપૂતળીની સલાહ લઈ શકો !’
આમ કહીને શક્તિની કઠપૂતળી ટપ દઈને લાકડીને છેડે લટકતી થઈ ગઈ! અનંગે યોગમાયાની કઠપૂતળીને પૂછ્યું,
‘ઓ યોગમાયા ! મારી પાસે ધન-દોલત અપાર ! મારે કેમ કરવો અને શાનો કરવો વેપાર ?!’ આ સાંભળી યોગમાયાની કઠપૂતળી લાકડીને છેડેથી નીચે ઊતરી આવી અને જીવતીજાગતી મોટા કદની થઈ ગઈ અને આ જોઈ અનંગની બાજુમાં અમિતા બેઠી હતી તે અચંબામાં પડી ગઈ – આશ્ચર્યથી તેની આંખો પહોળી થઈ ગઈ !

યોગમાયાની કઠપૂતળીએ એક લાલ દુપટ્ટો અનંગની કમર પર બાંધ્યો અને તેને લઈને બેઉ આકાશમાં ઊડવા લાગ્યાં. યોગમાયાએ અનંગને ધરતી પર ફળદ્રુપ જમીન બતાવી અને પર્વતની ટોચ પર હીરા-મોતીની નીક બતાવી – ખજાનો બતાવ્યો અને આંખના પલકારામાં ધરતી પર પાછા બેઉ ઊતરી આવ્યાં અને યોગમાયાની કઠપૂતળી ટપ દઈને લાકડીને છેડે બેસી ગઈ ! અનંગે શહેરમાં પતપેઢી શરૂ કરી. શહેર પાસેની ફળદ્રુપ જમીન ખરીદી લીધી અને ધનધાન ઉત્પાદન અને વેપાર શરૂ કર્યો અને જોતજોતામાં માલેતુજાર ધનવાન બની ગયો અને શહેરમાં મોટો મહેલ બંધાવ્યો અને અમિતાને રાજરાણી જેવી ભેટસોગાદો આપી, માનપાન આપ્યું, પણ અમિતાએ તેનું અપમાન કર્યું અને રાતોરાત મહેલ છોડીને ચાલી ગઈ. અમિતા ચાલી જતાં અનંગનું દિલ તુટી ગયું. અનંગને સાધ્વી કઠપૂતળી યાદ આવી. મહેલના ખાસ ઓરડામાં, જ્યાં કઠપૂતળીઓ હતી ત્યાં અનંગ ગયો અને સાધ્વી કઠપૂતળીને પૂછ્યું,
‘ઓ સાધ્વીજી ! લખલખ સંપત્તિ હોવા છતાં મને શાને આટલું દુ:ખ ! કૃપા કરીને કહો તરત, કેમ મળે મને અહીં શાશ્વત સુખ ?!
સાધ્વી કઠપૂતળી અનંગની વાત સાંભળી નીચે ઊતરી આવી અને જીવતીજાગતી મોટા કદની પૂતળી થઈને અનંગને કહેવા લાગી,
‘ઓ અનંગ ! સાચું સુખ ધન-દોલતથી નહિ મળે ! ધન-દોલતથી એશ-આરામ મળે છે. સાચું સુખ દયા-દાન અને ધર્મકાર્યથી મળે છે. તમારી પાસે કેટલી સંપત્તિ છે એ મહત્વનું નથી, પણ તમે તેનો સદુપયોગ કેવી રીતે કરો છો તે જ અગત્યનું છે !’

આ સાંભળી અનંગની આંખ ઊઘડી ગઈ. તેણે બધી મિલકત અને શક્તિ લોકોનાં કલ્યાણ માટે વાપરવાનું શરૂ કર્યું. ગામડામાં કૂવા-જળાશય બંધાવ્યાં અને મુસાફરખાના શરૂ કર્યાં ! એક દિવસ તેના આ મંદિર અને મુસાફરખાનામાં અમિતા અને તેના પિતા સ્વચ્છ અને સફેદ કપડામાં આવી ચડ્યાં. અનંગ તેમને ઓળખી ગયો અને બોલી ઊઠ્યો, ‘ઓ અમિતા ! ઓ પિતાજી !! મેં બહુ મોટી ભૂલ કરી છે અને તે માટે આપની માફી માગું છું. આ ધન-દોલત જે છે તે સઘળી આપની જ છે અને આપને ચરણે સહર્ષ ધરી દઉં છું ! મને આપના સેવક તરીકે સ્વીકારી લો !!’ અનંગે ઘૂંટણિયે પડી બેઉની માફી માંગી ! ‘બાપુજી ! આ અનંગ હવે સુધરી ગયો છે. આપ તેને ધંધામાં ભાગીદાર બનાવો !’ અમિતાએ તેના પિતાને વિનંતી કરી. અનંગને અમિતાના પિતાએ માફી આપી અને બન્ની મળીને ધમધોકાર વેપાર શરૂ કર્યો અને ત્રણેયની ત્રિપુટી સુખી થઈ ગઈ !!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “ચાર જાદુઈ કઠપૂતળીઓ (બાળવાર્તા) – પ્રણવ કારિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.