દક્ષિણનાં મીરાં ‘આંડાલ’ – યજ્ઞેશચંદ્ર હીરાલાલ દોશી

[ ‘રીડગુજરાતી’ને આ લેખ મોકલવા બદલ શ્રી યજ્ઞેશભાઈનો (દાહોદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 2673248742 સંપર્ક કરી શકો છો.]

કહેવાય છે કે ભક્તિમાર્ગનો જ્ન્મ દક્ષિણમાં થયો. ઉત્તરભારતનાં શ્રી ચૈતન્ય મહાપ્રભુજી, સંત રામાનંદ સુરદાસ, તુલસીદાસ, કબીર, મીરાંબાઈથી પણ સેંકડો વર્ષ પહેલાં ઈ.સ. 700થી દસમી સદીની વચ્ચે દક્ષિણભારતમાં કેટલાય મહાન ભક્તો થઈ ગયા. તેમાં શૈવ પરંપરા અને વૈષ્ણવ પરંપરા બંનેના હતા. તામિલ શિવ ભક્ત ‘નયનામાર’ અને વિષ્ણુના ભકતો ‘અલ્વાર’ના નામે પ્રસિદ્ધ થયા. કુલ 63 શૈવ ‘નયનામાર’ સંતો થયા. વૈષ્ણવ ‘અલ્વાર’ સંતોમાં 12 સંતો ખુબ જ પ્રસિદ્ધ છે. તેમાં નમ્બાલકર, મધુર કવિ, કુલ શેખર, વિષ્ણુચિત્ત અને આંડાલ નોંધપાત્ર છે. આ બારે ‘અલ્વાર’ સંતોમાં આંડાલ એક માત્ર સ્ત્રી અલ્વાર સંત છે. તે દક્ષિણની ‘મીરાં’ કહેવાય છે. તેનો જન્મ દક્ષિણભારતમાં મદુરાઈ પાસે શ્રીવિલ્લીપુત્તર નામે તીર્થમાં થયો હતો. ત્યાં વિષ્ણુનું એક જુનું મંદિર છે. વિલ્લીપુત્તર એ માટે પ્રસિદ્ધ છે કે ત્યાં આંડાલનો જ્ન્મ થયો હતો. સંશોઘન પ્રમાણે તેનો જન્મ ઈ.સ. 715 કે 716 માં થયો હતો. આ બાર ‘અલ્વાર’ સંતોમાં વિષ્ણુચિત્ત ‘પેરિયાલવાર’ કહેવાતા. બાર ‘અલ્વાર’ સંતોમાં ‘પેરિયાલવાર’નું સ્થાન ખૂબ જ ઊંચું છે. કહેવાય છે કે તેઓ વિષ્ણુના વાહન ‘ગરૂડ’ના અવતાર હતા. તેઓએ સુરદાસની જેમ શ્રીક્રુષ્ણની બાળલીલાના માઘ્યમથી સામાજિક જાગૃતિ આણી હતી.

આંડાલ વિષ્ણુચિત્તની પાલતીપુત્રી ગણાય છે. વિષ્ણુચિત્તને તેમની પુષ્પવાટિકામાં એક તુલસીક્યારાની નીચે આ બાલિકા મળી આવી હતી. વિષ્ણુચિત્તે બાલિકાને ભગવાનનો પ્રસાદ માનીને ઘેર લઈ આવ્યા. તેમણે વિચાર્યું કે જનકને સીતા આપી તેમ મને આ દીકરી આપી છે. વિષ્ણુચિત્તે તેનું નામ ‘કોદૈ’રાખ્યું પરંતુ લોકો લાડમાં તેને ‘ગોદા’ કહીને બોલાવતા. ગોદાનો અર્થ થાય છે ‘ધરતી માતાએ આપેલી ભેટ’. તામિલમાં ગોદાનો એક અર્થ થાય છે : ફુલોની માળા જેવી સુંદર.’ ગોદા ખરેખર તેવી જ સુંદર હતી. વિષ્ણુચિત્તે તેનો ભક્તિભાવે ઉછેર કર્યો. પિતા જ્યારે શ્રીકૃષ્ણના ભજનો ગાતા ત્યારે તે પણ ગાતી. વિષ્ણુચિત્તે તેને શ્રીકૃષ્ણલીલાની વાતો કહેતાં. ગોદા નાનપણથી જ કૃષ્ણભક્તિના રંગે રંગાઈ ગઈ. જેમ-જેમ તે મોટી થતી ગઈ તેમ મીરાંબાઈની જેમ શ્રીકૃષ્ણને પતિરૂપે માનવા લાગી. તે રોજ ભગવાન શ્રીરંગનાથ માટે ફુલોની માળા બનાવતી. ગોદા રોજ માળા ગુંથી દર્પણમાં જોઈ લેતી. મારી માળા સારી બની છે કે નહીં? જે માળા મને ના શોભે તે મારા શ્યામને કેવી રીતે ગમે ? પછી તે માળા ભગવાન માટે મંદિરમાં મોકલતી.
એક વાર પૂજારીએ માળા સાથે ચોંટેલો વાળ જોયો. તેણે માળા ‘ઉચ્છિષ્ટ’ ગણીને પાછી મોકલી. પિતાએ ગોદાને આ રીતે પહેરેલી માળા ભગવાનને મોકલવા માટે ઠપકો આપ્યો. તેમણે જાતે જ બીજી માળા ગુંથી એ મંદિરે ગયા. અડધી રાત્રે શ્રીરંગમના શેષશાયી ભગવાન રંગનાથે વિષ્ણુચિત્તને સ્વપ્નમાં આવી કહ્યું ‘હું ગોદાના પ્રેમને વશ છું. એણે પહેરેલી માળા મને બહુ પ્રિય છે. ગોદાના પહેરવાથી માળા અપવિત્ર થતી નથી. ઉલટુ પવિત્ર થાય છે. હવે ગોદાએ પહેરેલી માળા લઈને જ મંદિરમાં આવજે. પછી તો વિષ્ણુચિત્ત જાતે જ ભગવાનને પહેરવાની માળા ગોદાને પહેરાવતા અને પછી જ એને મંદિરમાં લઈ જતા. વિષ્ણુચિત્તે હવે એનું નામ ‘આંડાલ’ પાડ્યું. પછી તો લોકજીભે પણ આજ નામ પડી ગયું. આંડાલનો અર્થ થાય છે: ‘જે પોતાના પ્રેમથી અન્યને વશ કરે.’ આંડાલે એના પ્રેમથી શ્યામને પરવશ કરી મુક્યા. આંડાલે તો ભગવાન રંગનાથને પતિ તરીકે પસંદ કરી લીધા. માગસર માસમાં આંડાલે કાત્યાયની વ્રત કર્યું. જેથી દેવી મનગમતો વર આપે.

આંડાલ તો ભગવાન સાથેના લગ્નની નવી-નવી કલ્પનાઓ કરવા લાગી. એ સમયે વિવાહની જે પ્રથાઓ હતી તે પ્રથાઓને મધુર પદોમાં ગુંથી લીધી. આજે પણ તામિલનાડુમાં લગ્નના મંગળ પ્રસંગે આ પદો ઊલટભેર ગવાય છે. ‘ગોદા’નો એક અર્થ થાય છે વાણીની દેવી. ગોદા આ પદોના કારણે અમર રહેશે. આવા એક પદમાં ગોદા લખે છે : ‘હે સખી, કાલ રાતે મને સપનું આવ્યું. મેં સપનામાં ભગવાન શ્રીકૃષ્ણને આવતા જોયા. એમની પાછળ હજારો હાથી ચાલતા હતા. આખું ગામ ધજાપતાકા ફુલહારથી શણગાર્યું હતું – ઘરે ઘરના ઉંબરે સોનાના કુંભ ગોઠવ્યા હતા. આ સપનું મેં કાલ રાત જોયું. આવતી કાલે તો મારા ભગવાન સાથેના લગ્ન થવાની શુભ ઘડી આવી પહોંચી છે. સિંહ જેવી શક્તિવાળા અને વૃષભ જેવી યુવાનીવાળા ગોવિંદ આવી રહ્યા છે. બધા દેવોએ મને આશિર્વાદ આપ્યા અને નવવધૂ તરીકે મારો સ્વીકાર કર્યો, મા દુર્ગાએ મને નવવધુની ચૂંદડી ઓઢાડી. વધૂ માટે બનાવેલો હાર મને પહેરાવ્યો. હે સખી, કાલે રાત્રે મને આ સપનું આવ્યું હતું.

હવે વિષ્ણુચિત્તની ચિંતા વધી પડી, દીકરીને રંગનાથ સાથે કેવી રીતે પરણાવવી ? એ થોડા જીવતા-જાગતા માણસ છે ? કહેવાય છે કે એક રાત્રે ભગવાને ફરી તેમને સ્વપ્નમાં દર્શન આપ્યાં. આંડાલને નવોઢાના રૂપમાં શ્રીરંગમના મંદિરમાં લાવો. હું એનું પાણિગ્રહણ કરીશ. મદુરામાં એ દિવસોમાં પાંડ્ય રાજા વલ્લભદેવ રાજ્ય કરતા હતા. ભગવાને તેમણે પણ આદેશ આપ્યો. તેઓ આંડાલને શ્રીવિલ્લપુત્તરથી શ્રીરંગમ લાવે. આંડાલને સરસ રીતે શણગારી પાલખીમાં બેસાડી વાજતે – ગાજતે સૌ શ્રીરંગમ પહોંચ્યા. ચારે બાજુથી હજારો લોકો આ વિવાહોત્સવ જોવા આવી પહોંચ્યા. રાજા વલ્લભદેવ પણ આ પ્રસંગે ઉપસ્થિત થયા. રસ્તાના કિનારે લોકો પુષ્પની વર્ષા કરતા હતા. એવું લાગતું હતું કે જાણે કોઈ રાજકુમારી પોતાના પતિના દેશ જઈ રહી હોય. યાત્રા કાવેરીના કિનારે ભગવાન રંગનાથના મંદિરે રોકાઈ. આંડાલે પાલખીમાંથી ઉતરી ભગવાનનાં દર્શન કર્યાં પછી ગોદાએ જાતે બનાવેલી તુલસી અને કમળની માળા પોતાના હાથે ભગવાનને પહેરાવી. મંદિરમાં ભગવાન સાથે ગોદાના વિધિપૂર્વક લગ્ન થયાં. આંડાલ ભગવાનનાં ચરણોમાં બેસી ગઈ. લોકોએ ચકિત થઈ દેખ્યું તો આંડાલ ત્યાં નહોતી. કહેવાય છે કે જેમ મીરાંબાઈ દ્વારકાધીશમાં સમાઈ ગયા તેમ આંડાલ શ્રીરંગમાં સમાઈ ગયા. ધાર્મિક ગ્રંથો અનુસાર ત્યારે તે 15 વર્ષની જ હતી.

આપણા દેશમાં ચાર મીરાં થયા. તેમાં ચિત્તોડનાં મીરાંબાઈ, કાશ્મિરના લલ્લેશ્વરી અને કન્નડભાષી અક્કામહાદેવીએ ભગવાનને પતિરૂપે સ્વીકાર્યા છે. પરંતુ ભગવાન સાથે વિધિવત લગ્ન તો માત્ર દક્ષિણના મીરાં આંડાલના જ થયા છે. દક્ષિણ ભારતના વૈષ્ણવ અર્થાત રામાનુજીય સંપ્રદાયના મંદિરોમાં આજે પણ દર વર્ષે આંડાલના શ્રીરંગનાથ સાથેના વિવાહનો ઉત્સવ (શ્રીઆંડાલ તિરૂકલ્યાણ) સૌર ફાલ્ગુન માસમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર હોય તે દિવસે ભારે ધામધૂમથી ઉજવાય છે. દક્ષિણભારતનાં દરેક વિષ્ણુમંદિરમાં તેની પ્રતિમા મળે છે. ત્યાં એવું કોઈ જ ઘર હશે જ્યાં તેની દિવાલ પર આંડાલનું ચિત્ર ના હોય.

આંડાલ રચિત કૃષ્ણભક્તિના 2 ગ્રંથો ઉપલબ્ધ છે :

[1] નાચ્ચિપાર તિરુમોળી : આનો અર્થ છે ‘પહેલા માળા પહેરવાવાળી રમણી.’ આંડાલ ભગવાનના પહેલા માળા પહેરતી હતી તેનો અહીં સંકેત છે. ‘તિરુમોળી’નો અર્થ થાય છે ‘દિવ્યવાણી.’ આ ગ્રંથમાં 153 પદો છે.
[2] તિરુપાવૈ : આ ગ્રંથમાં 30 પદો છે. ‘તિરુ’ શબ્દનો અર્થ છે ‘શ્રી’ અને ‘પાવૈ’નો અર્થ છે ‘વ્રત’. એટલે ‘શ્રીવ્રત’. તિરુપાવૈના બધા પદો સરળ, મધુર અને ગાવાલાયક છે. તે ‘પ્રભાતિયા’ જેવા ગીતો છે. ફક્ત ભારતમાં જ નહીં દૂર દૂરના દેશોમાં પણ તેનો પ્રચાર છે.

તામિલનાડુમાં માગસર મહિનો ‘તિરુપાવૈ’નો માસ કહેવાય છે. પરિણીત સ્ત્રી ‘સુખસુહાગ’ માટે અને કુમારિકાઓ મનપસંદ વર માટે શ્રીવ્રત રાખે છે અને ગોપીઓની જેમ માંગે છે:

કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી
નંદગોપસુતં દેવી પતિ મે કુરુ તે નમ:

હે કાત્યાયની, હે મહામાયા, હે મહાયોગિની, હે અધીશ્વરી, હે દેવી, નંદગોપના દીકરા (શ્રીકૃષ્ણ)ને મારા પતિ કરો.

આંડાલ તો મીરાંનો અવતાર છે અને મીરાં આંડાલનો અવતાર છે. બંને શ્રીકૃષ્ણને પોતાના પતિ માનતી હતી. બંને પ્રભુની મૂર્તિમાં સમાઈ ગયાં. જેમ ઉત્તર ભારતમાં લાખો લોકોને મીરાંના પદો કંઠસ્થ છે તેમ દક્ષિણભારતમાં લાખો લોકોને આંડાલના પદો કંઠસ્થ છે માટે તે મીરાં છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “દક્ષિણનાં મીરાં ‘આંડાલ’ – યજ્ઞેશચંદ્ર હીરાલાલ દોશી”

Copy Protected by Chetan's WP-Copyprotect.