સુખી જીવનનું રહસ્ય – શ્રી લલિતપ્રભ

[ સુખી, સફળ અને મધુર જીવન જીવવાનું શ્રેષ્ઠ માર્ગદર્શન આપતા તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘જીવન જીવવાની કળામાંથી આ લેખ સાભાર પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર.]

દરેક મનુષ્યના અંતર્મનમાં ઈચ્છા હોય છે કે તે પોતાના જીવનમાં વધુમાં વધુ ખુશી મેળવી શકે. પ્રાર્થનાથી પૂજાસુધી અને વ્યવસાયથી ભોજનવ્યવસ્થા સુધી તેના દ્વારા જેટલાં પણ કાર્યો થાય છે, તે બધાં જીવનમાં સુખ અને ખુશી મેળવવાને જ અંબંધિત હોય છે. મનુષ્ય જન્મતી મૃત્યુ સુધી એની પળોજણમાં રહે છે કે જીવનમાં વધુમાં વધુ સગવડો કેવી રીતે પ્રાપ્ત થાય. તે એ વાત નથી જાણતો કે તેને નસીબ વડે સગવડ તો મળે છે, પણ જીવનને સુખ-શાંતિપૂર્વક ખુશીથી ભરીને જીવવું વ્યક્તિના પોતાના હાથમાં છે. જો આપણે જીવનને સુખમય જીવવા ઈચ્છીએ તો પણ આપણે એ કાર્ય પાર પાડી શકતા નથી, જેનાથી જીવન આનંદથી જીવી શકાય. આપણે સારી રીતે જાણીએ છીએ કે બધી સગવડ હોવા છતાં વ્યક્તિ પોતાનાં જ કોઈ કર્મોનાં કારણે સુખથી દૂર રહે છે. સગવડો સુખનો માપદંડ ન બની શકે. આપણે જેને સગવડોના આધારે સુખી માનીએ છીએ, શક્ય છે, કે તે માનસિકરૂપથી દુ:ખી હોય. હકીકત તો એ છે કે શહેરની સૌથી સુખી અને જાણીતી વ્યક્તિને પણ તેને પોતાનું આંતરિક દુ:ખ ખોખરો કરી રહેલ છે.

શાંતિમાં જ સુખ

‘સમૃદ્ધ જ સુખી છે’ એવો ખ્યાલ હવે બદલાઈ જવો જોઈએ. મધ્યમવર્ગનો માનવી મોટે ભાગે અતિસમૃદ્ધ વ્યક્તિની સગવડો જોઈને વિચાર્યા કરે છે કે એની પાસે કાર છે, મોટો ધંધો છે, મહેલ જેવું ઘર છે, સુંદર પત્ની છે, તેથી તે જરૂર સુખી હશે, પરંતુ આ બહારથી દેખાતી સમૃદ્ધિ કેટલી છેતરામણી છે, એ વાત તેના દિલને પૂછો ! કેટલી નાસભાગ છે, કેટલો તણાવ છે, કેટલી ચિંતા છે, તેટલું માત્ર તે જ જાણે છે, કારણ કે તેની પાસે શાંતિથી બેસવા માટે સમય નથી. તે બે ક્ષણ પણ શાંતિથી નથી વિતાવી શકતો. સમૃદ્ધ વ્યક્તિને સગવડ આપી શકે છે, પરંતુ સુખ નહીં. ક્યાંક એવું તો નથી કે બહારથી હસતી વ્યક્તિ અંદરથી રિબાઈ-રિબાઈને જીવી રહી હોય. જો તમે ધન-દોલત જમીન-મિલકતને જ જીવનનું સુખ માનો છો, તો આપની દૃષ્ટિએ હું દુ:ખી હોઈ શકું છું, કારણ કે મારી પાસે તો કંઈ પણ નથી. ન ધન, ન તો બે ફૂટ જમીન અને ન તો પત્ની અને બાળકો ! તો પણ હું તમારાથી વધુ સુખી છું, કારણ કે મારી પાસે શાંતિ છે, અંતર્મનની શાંતિ. જો તમે સુખની બે રોટલી ખાઈ શકો અને રાતે નિરાંતે સૂઈ શકો અને કોઈ માનસિક જંજાળ ન હોય તો જાણી લો કે તમારાથી વધુ કોઈ સુખી નથી.

સુખ અને દુ:ખ વ્યવસ્થાઓથી ઓછા, પણ વૈચારિક આધાર પર વધારે ઊભાં થાય છે. પરિસ્થિતિ સ્થિર હોવા છતાં માણસ ક્યારેક સુખી અને ક્યારેક દુ:ખી રહે છે. નિમિત્ત પ્રમાણે સુખ અને દુ:ખના પર્યાય બદલાતા રહે છે. આ નિમિત્તો (કારણો) પણ બહાર જ શોધાય છે, પણ આપણને ન તો કોઈ દુ:ખ આપી શકે છે કે ન સુખ ! આપણા સુખ અને દુ:ખના જવાબદાર આપણે પોતે જ છીએ. નહીંતર જે વ્યવસ્થા કાલ સુધી સુખ આપી રહી હતી, તે જ આજે કેમ અચાનક દુ:ખ આપવા લાગી ? કાલ સુધી જે પત્ની સુખ આપતી પ્રતીત થતી હતી, તે જ પત્ની આજે જો ક્રોધ કરવા લાગે તો દુ:ખ કેમ થાય છે ? ખરેખર સુખ પત્નીથી નહીં, પણ તેના વ્યવહારથી હતું અને તે વ્યવહાર જ બદલાયો તો પત્ની દુ:ખદાયી થઈ ગઈ.

સગવડોમાં સુખ ક્યાં ?

જુઓ, આપ સુખી અને દુ:ખી કેવી રીતે થઈ જાઓ છો ? આપ એક મકાનમાં રહો છો, જેની બંને બાજુ પણ મકાન છે. એક મકાન તમારા મકાન કરતાં ઊંચું અને ભવ્ય છે તથા બીજું મકાન તમારા મકાન કરતાં નાનું અને ઝૂંપડા જેવું છે. આપ ઘરની બહાર નીકળો છો અને જ્યારે પણ આલીશાન મકાન જુઓ છો તો આપ દુ:ખી જ થઈ જાઓ છો અને ઝૂંપડું જુઓ છો તો સુખી થઈ જાઓ છો. ભવ્ય ઈમારતને જોઈને મનમાં વિચાર આવે છે, ઈર્ષ્યા જાગે છે – તે મારાથી વધુ સુખી, જ્યાં સુધી ત્રણ માળવાળું મકાન ન બનાવી લઉં, ત્યાં સુધી સુખી નહીં થઈ શકું. પરંતુ જો તમે ઝૂંપડું જોશો તો સુખી થઈ જશો, કારણ કે આપને લાગે છે કે આ તો આપના કરતાં વધુ દુ:ખી છે.

પ્રકૃતિની વ્યવસ્થા તો બધા માટે એકસમાન છે, પણ મોટે ભાગે પોતાના મનમાં ચાલતાં દ્વંદ્વને કારણે વ્યક્તિ દુ:ખી થઈ શકે છે. માનો કે આપે લોટરીની ટિકિટ ખરીદી. લોટરી ખૂલી અને આપે વર્તમાનપત્રમાં જોયું કે તેમાં એ જ નંબર છપાયેલો છે, જે આપની ટિકિટ પર છે. આપનું નસીબ જ ખૂલી ગયું. આપે ખુશ થઈ ઘરમાં જણાવ્યું કે પાંચ લાખની લોટરી મળી છે. બધાં બહુ ખુશ છે. ખુશીના માર્યા આપે એક સર્સ મિજલસનું આયોજન પણ કર્યું. મિત્રો આવ્યા, બાહ્ય મનથી આપને અભિનંદન મળ્યાં, અંદરથી તો તેમને ઈર્ષ્યા થઈ રહી હતી કે લોટરી તો તેમણે પણ ખરીદી હતી, પણ આની કેવી રીતે ખૂલી ? ભલે, રાતના સૂવા ગયા તો વિચાર આવ્યો કે આ ઈનામના પૈસા કેવી રીતે ખર્ચવા ? વિચાર્યું કે એક કાર જ લઈ લેવામાં આવે. ત્યારે બીજા વિચારે જોર કર્યું કે બે લાખ રૂપિયા જમા કરાવવામાં આવે જેથી ભવિષ્ય સુરક્ષિત રહે. આ વિચારોના દ્વન્દ્વમાં રાત પસાર થઈ. બીજા દિવસે દરરોજની જેમ વર્તમાનપત્ર લીધું. કાલે જે ખૂણામાં જે નંબર હ્હપાયા હતા, ત્યાં આજે એક અન્ય જાહેરાત હતી. નજર તેના પર પડી અને આપ દુ:ખી થઈ ગયા, કારણ કે તેમાં એક કોલમ હતું, ‘ભૂલ-સુધારણા’. ત્યાં લખ્યું હતું કે, પ્રથમ ઈનામ માટે કાલે જે લોટરી ખૂલી હતી, તેમાં છેલ્લો આંકડો ત્રણને બદલે બે વાંચવામાં આવે. ન તો રૂપિયા આવ્યા, ન ગયા, છતાં તે સુખ અને દુ:ખ આપી ગયા.

હું કદી પણ ઈશ્વર પાસે સુખની ઈચ્છા નથી કરતો. એ અતૂટ વિશ્વાસ છે કે, દુનિયામાં કોઈ પણ વ્યક્તિ ઈશ્વર પાસે ક્યારેય દુ:ખની ઈચ્છા નથી રાખતો, પણ દરેકને દુ:ખ ભોગવવું પડે છે, એ જ રીતે સુખની ઈચ્છાની જરૂર નથી. જ્યારે દુ:ખ વગર માંગે આવે છે, તો સુખને પણ વગર માંગે જાતે જ આવવા દો. જીવનમાં સુખ આવે કે દુ:ખ, બંનેનું દિલથી સ્વાગત કરો. સુખનું સ્વાગત દરેક જણ કરે છે, પણ વ્યક્તિ સુખી ત્યારે થઈ શકે છે કે જ્યારે જીવનમાં આવનારાં દુ:ખોનું સ્વાગત કરવા પણ તૈયાર હોય. આને આ રીતે સમજો – જેમ આપણા ઘરે કાકા મહેમાન બનીને આવે છે, આપણે તેમને સન્માન આપીએ છીએ અને બે મીઠાઈઓ સાથે ભોજન કરાવીએ છીએ, પણ જતી વખતે આપણા બાળકોના હાથમાં સો રૂપિયાની નોટ મૂકી જાય છે. એટલે ત્રીસનું ભોજન કર્યું ને સો આપ્યા, પણ આપણા ઘરે જમાઈ આવે છે, તો તેનું સ્વાગત-સન્માન આપણે કાકા કરતાં વધારે કરીએ છીએ અને અંત:કરણપૂર્વક ચાર મીઠાઈઓ સાથે જમાઈને ભોજન કરાવીએ છીએ અને કાકા તો જતી વખતે સો રૂપિયા આપી જાય છે, પણ જમાઈને તો સો રૂપિયા આપવા પડે છે ! સુખ-દુ:ખનું આ જ વિજ્ઞાન છે. સુખ આવે તો સમજો કાકા આવ્યા અને દુ:ખ આવે તો સમજો જમાઈ આવ્યા છે. બંનેનું સન્માન કરો. કાકાના સન્માનમાં ત્રુટી રહી જાય તો ચાલી જશે, પણ જમાઈના સન્માનમાં કોઈ સરતચૂક ન થાય તેની સવધાની રાખજો.

સગવડોના લીધે જે લોકો સુખી થાય છે, તેઓ સગવડો છીનવાઈ જતાં દુ:ખી થઈ જાય છે. જે લોકો જીવનથી આરપાર સુખી હોય છે, તેઓ સગવડો લુપ્ત થતાં પણ સુખી રહે છે. આજે હું આપને કેટલાક એવા મંત્રો આપવા માંગું છું કે જેને જો આપ પોતાની પાસે સહજતાથી રાખો છો, જેને આપ પોતાના મન-મસ્તિષ્કમાં પ્રવેશ કરવા સ્થાન આપો છો, જેને આપ જીવનની રોજિંદી ગતિવિધિઓ સાથે જોડો છો, તો આપના જીવનાઅ કાયાકલ્પને માટે કલ્યાણકારી થઈ શકે છે. આ મંત્ર આપના જીવનની દરેક ક્ષણને સુખી બનાવી શકે છે.

સાદાઈ : સર્વશ્રેષ્ઠ શણગાર

જો તમે જીવનમાં ખુશીઓ એકઠી કરવા માંગો છો, તો પહેલો મંત્ર છે, જીવનમાં સાદગીપૂર્ણ રીતે જીવન જીવવાનો પ્રયાસ કરો.
તમે સાંભળ્યું હશે કે – સાદું જીવન, ઉચ્ચ વિચાર, વ્યવહારમાં સાદાએ હોય, આચરણમાં શ્રેષ્ઠતા હોય અને વિચારોમાં પવિત્રતા હોય. તમે જેટલી પ્રગતિ કરશો, તેટલી જ વિનમ્રતા તમારા વ્યવહારમાં આવતી રહેશે. આંબાના ઝાડ પર લટકતી કેરી જ્યારે કાચી હોય છે, ત્યાં સુધી કડક રહે છે, પણ જેમ જેમ તે કેરીમાં રસ ભરાય છે, મીઠાશ અને મધુરતા આવે છે, તેમ તેમ તે કેરીમાં ફેરવાઈ જતાં નમવાનું શરૂ કરે છે. જે કડક રહે છે તે કાચી કેરી અને જે નમી જાય તે પાકેલી કેરી.

જીવનમાં મહાનતા શ્રેષ્ઠ આચરણથી મળે છે. વસ્ત્ર-ઘરેણાં અને પહેરવેશથી નહીં. તેથી જીવન સાદાઈથી જીવો. સાદાઈ સિવાય કોઈ શણાગાર નથી. ઈશ્વરે પણ જે સૌંદર્ય આપવાનું હતું તે આપ્યું. તેને વધુ સુંદર બનાવવા માટે ‘ઉચ્ચ વિચાર અને સાદું જીવન’ અપનાવો, નહીં કે બનાવટી સૌંદર્ય-પ્રસાધન.

શું આપ નથી જાણતાં કે જે સૌંદર્ય-પ્રસાધનનો આપ ઉપયોગ કરો છો, તે હિંસાત્મક રીતે બનાવવામાં આવે છે ? શું તમે એ જાણવાનો પ્રયત્ન કર્યોછે કે આપની સૌંદર્ય-સામગ્રીના નિર્માણમાં પશુઓનું કરુણ રુદન સમાયેલું છે ? શું લિપસ્ટિક લગાવવાળી મહિલાએ ક્યારેય એ જાનવાની કોશિશ કરી છે કે લિપસ્ટિકમાં શું છે ? આખરે ચોવીસ કલાક બની-ઠનીને રહેવાનું શક્ય નથી તો દરેક સમયે સહજ રીતે રહીએ, જેથી આપણું સહજ સૌંદર્ય પણ ખીલી શકે. સાદગીથી વધીને અન્ય સૌંદર્ય શું ? રાષ્ટ્રપતિ કલામનું નામ રાષ્ટ્રપતિ તરીકે નક્કી થયું, ત્યારે વર્તમાનપત્રોમાં તેમના ફોટા આવવા લાગ્યા. જો તેઓ ફોટામાં દર્શાવ્યા મુજબ પોતાના વાળ કપાવી લે અથવા શણગારવા લાગે તો અધિક સુંદર લાગે અથવા કહેવામાં આવ્યું કે જો તેમના પહેરવેશમાં પરિવર્તન લાવે તો અધિક પ્રભાવશાળી લાગશે. પણ હું વિચારું છું કે જો તે વ્યક્તિ કાબેલ છે, તો રાષ્ટ્રપતિ બન્યા પછી એવી જ રહેશે અને હું પ્રશંસા કરીશ કલામસાહેબની કે તેઓ આજે પણ સાધારણ વ્યક્તિની જેમ જીવી રહ્યા છે. આ જ તેમનો શણગાર છે: ‘સાદું જીવન, ઉચ્ચ વિચાર’ સાદાઈથી વધુ બહેતર અન્ય કોઈ શણગાર નથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “સુખી જીવનનું રહસ્ય – શ્રી લલિતપ્રભ”

Copy Protected by Chetan's WP-Copyprotect.