મારી વાચનકથા – મનુભાઈ પંચોળી ‘દર્શક’

[ ‘આપણું વિચાર વલોણું’ સામાયિકમાંથી સાભાર.]

મારા પિતાજી લુણસરની શાળાના મુખ્ય મહેતાજી હતા, એટલે લુણસર શાળાની નાનકડી લાઈબ્રેરી મારા માટે ખુલ્લી સંપત્તિ હતી. લીલાં અને પીળાં પૂંઠાવાળી ‘વિજ્ઞાન વિલાસ’ની થોડી ફાઈલો હજુ મારી નજર સામે તરે છે. તેમાં કટકે કટકે છપાયેલ વીર દુર્ગાદાસની વાતોએ મારા પર ભારે જાદુ કરેલું, ફરી ફરીને હું વાંચ્યા કરતો. એ બાળવયે મેં તેના એકેએક પ્રસંગ સાથે મારા અંતરના તાણાવાણા ગૂંથેલ. શૌર્ય, ખાનદાની, વફાદારીના જે સંસ્કારોનાં બીજ મારામાં હશે, તેમાં આ વાર્તાના ફરી ફરીના વાચને પૂર આવેલ. ઔરંગઝેબ અને રજપૂતો વચ્ચેના વિગ્રહના આ વાર્તારૂપ વાચને મારા મનમાં ગુલામી નિવારવા અને રાષ્ટ્રને મુક્ત કરવાની ઝંખના ઊભી કરી હોય તો નવાઈ નહિ. એક બીજું મોટું થોથું એ નાનકડી લાઈબ્રેરીમાં હતું તે હતું ‘નર્મગદ્ય’. આ ‘નર્મગદ્ય’ના સામાજિક સુધારા વિષયક લેખોએ મારા પર બહુ અસર કરી હોય તેવું સ્મરણ નથી. પણ મને રસ, ભાવના ને વીરોદ્રેકથી તરબોળ કરી મૂક્યો હોય, તો એ ‘નર્મગદ્ય’માં સંઘરાયેલ ‘ઈલિયડ’, ‘રામાયણ’ અને ‘મહાભારત’ના સારભાગે. આ ત્રણ મહાન ગ્રંથોના સરળ છતાં સજીવ સંક્ષેપો મને એ ઉંમરે વાંચવા મળ્યા, તેને હું મારા જીવનનું એક પરમ સૌભાગ્ય ગણું છું.

‘મહાભારત’ અને ‘રામાયણ’ના સાર કરતાંય નર્મદે તેનાં પાત્રો વિશે જે ટૂંકા ટૂંકા વાક્યોમાં નિર્ભય સમાલોચના કરી છે, તેની મારા પર ઊંડી છાપ પડી હતી. શ્રીકૃષ્ણ જેવા અવતારી પુરુષની તેણે જે શબ્દોમાં હિંમતભરી મૂલવણી કરી છે તેણે મને મહાપુરુષોને તટસ્થ રીતે જોવા – કસવાના સંસ્કાર આપ્યા. ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિક્ના ભેટપુસ્તક તરીકે ‘સૌરાષ્ટ્રરસધાર’ આપવાનું શરૂ થયું. સોરઠ દેશના વાસી તરીકે આ વાર્તાઓનું વાચન ને પઠન અસાધારણ અનુભવ હતો. ‘રસધાર’ આવ્યા પછી પિતાજી રાતે રાતે મારી બાને અને અમને સૌને એમાંની કોઈક ને કોઈક વાર્તા વાંચી સંભળાવતા. એક બપોરે મારાં બા ધોવા ગયેલાં ને હું મારી નાની બહેનને હીંચોળતા હીંચોળતા ‘કુમાર’નો તાજો અંક વાંચતો હતો. એમાં મેઘાણીની લખેલી ‘કલોજી લુણસરિયા’ની વાર્તા હતી. લુણસરનો કલોજી? સોરઠનો-ને તે પણ આ મારા જ ગામનો? હું જ્યાં રમું-ભમું છું ત્યાં, આ રણમેદાન વચ્ચે કમળપૂજા કરનારો વીર પાકેલો? વાર્તામાં હતું કે કલોજીએ ચાલીસમાં વર્ષે શંકરની કમળપૂજા કરવાનું ધારેલું. પણ ગાયોને બચાવવા જતાં, પાંત્રીસમે વર્ષે મરવાનો વારો આવ્યો.

કથા વાંચીને પૂરી કરતાં મારું શરીર શૂરવીરતાથી ધ્રૂજવા લાગ્યું-જાણે કોઈક સરમાં આવ્યું ન હોય ! હીંચકો નાખવાનું ભુલાઈ ગયું-મન તો ચાલ્યું ગયું કલોજી અને તેના પર ચાર પગ રાખી તેનો દેહ સાચવતી જાતવંત ઘોડી તરફ . મારી બા ક્યારે ધોઇને આવ્યાં, ક્યારે કપડાં સૂક્વ્યાં, કયારે નાની બહેન રોવા લાગી, આ બધું ઓસાણચૂક થઈ ગયું. પણ આ અરસામાં વાંચવાનો મારો ઘણોખરો સમય લીધો તે વ્યાસ-વલ્લભના ‘મહાભારતે’. તે દિવસોમાં ઘણાં ગામોમાં આ ‘મહાભારત’ ભટ્ટો ચોરે-ચૌટે વાંચતા. મારા હાથમાં તો એ મોટું થોથું આવતાં અલ્લાઉદ્દીનનો ખજાનો આવ્યા જેવું થઈ ગયું. નવરાશની એકએક ક્ષણ હું એની ઉપર તૂટી પડતો . નિશાળમાં પણ બહાનાં કાઢી ન જતો, રમવાનું પણ રહી જતું, ખાવાનું વિસરાઈ જતું. લુણસરમાં પાંચ ગુજરાતી પૂરી કરીને મારે વાંકાનેર હાઈસ્કુલમાં ભણવા જવાનું થયું. વાંકાનેરમાં પણ એક લાઈબ્રેરી હતી. ત્યાં છાપાં વાચવા મળતાં, પણ પુસ્તકો માટે તો ફી ભરવી જોઈએ, તે ક્યાંથી કાઢું? પરીક્ષા વખતે એક –બે છોકરાઓને ભણાવવાનું માથે લીધું. ટ્યુશનો દર મહિને આઠ આના ! બે-ત્રણ મહિના આમ કરી વર્ષ આખાનું લવાજમ ભર્યું.
પણ આ પુસ્તકાલય મારે માટે લુણસર જેવું નિર્દોષ ન નીવડ્યું. તેમાં પુસ્તકાલયનો વાંક પણ ન ગણાય. તે મોટાઓ માટે પણ હતું – માત્ર કિશોરો માટે ન હતું. એટલે એવું પણ સાહિત્ય મારા હાથમાં – એટલે આખરે તો હૃદયમાં – આવ્યું કે જે મીઠા ઝેર જેવું નીવડ્યું. એટલે તે એક-બે વર્ષોમાં મેં કેટલીયે અનર્થકારી નવલકથાઓ વાંચી. આ નવલકથાઓએ મને તરંગો-દીવાસ્વપ્નોની દુનિયામાં મૂકી દીધો. આ રદ્દી નવલકથાઓની વચ્ચે જ મને ‘ગુજરાતનો નાથ’ અને ‘રાજાધિરાજ’ પણ વાંચવા મળ્યાં. આજે પણ એ બંને નવલકથાઓ હાથમાં લેતાં તરવરાટભર્યા આંદોલનો અનુભવું છું. કેટલી બધી વખત એ કૃતિઓ વાંચી છે – હજુ પણ એ જ તાજગીથી કેટલી બઘી વખત વાંચીશ ! એ નવલકથાઓએ જીવન સંસ્કાર–સમૃદ્ધ પરાક્રમો માટે છે તેનું ભાન કરાવ્યું. શબ્દો વેડફ્યા વિના સર્જન કરવાની કળા પ્રત્યક્ષ કરી. વાંકનેરમાં હું પાંચમી અંગ્રેજીમાં ભણતો હતો, તે વખતે જ 1930ની સત્યાગ્રહની લડત આવી. અમારું કુટુંબ ગરીબ ગણાય, પિતાજીને ત્રીસેક રૂપિયા પગાર મળતો. અને મેં અભ્યાસ મૂકી લડતમાં પડવાનો સંકલ્પ કર્યો. બાપુજીને ટેલિફોન પર અરધીપરધી વાત કરી રજા મેળવી. મને પ્રશ્ન એ થાય છે કે વાંકાનેર જેવા શહેરમાંથી એ દિવસે હું એકલો જ હોવા છતાં નીકળ્યો, તેનું આંતરિક કારણ શું? ત્યારે એક જવાબ મળે છે કે – મારા વાચને આપેલ પ્રેરણા-બળે.

આ અરસમાં જ મારા હાથમાં ‘ત્યારે કરીશું શું?’ આવ્યું. કાકાસાહેબે આ ગ્રંથને ‘ઊંઘ બગાડી મૂકનાર’ એવું પ્રમાનપત્ર તેની પ્રસ્તાવનામાં યથાર્થ આપેલું છે. ‘ત્યારે કરીશું શું?’ વાંચીને પોતાના જીવન વિશે વાચક વિચાર કરતો ન થાય તેવું ભાગ્યેજ બની શકે. ટોલ્સટોયે ભાષાની સાહિત્યિક શક્તિ આ નિબંધમાં સર્વોત્કૃષ્ટ શિખરે પહોંચાડી છે, એમ તેમના ઘણાંખરાં લખાણ વાંચ્યા પછી મને લાગ્યું છે. ગાંધીજીવનમાં મનનારાઓ જ નહિ, પણ નવી રચના કરી માણસ માત્રને સુખી કરવાની ઈચ્છા રાખનારા સૌએ ફરી ફરીને તીર્થરૂપ આ ગ્રંથને વાંચવા જેવો છે. જેલમાં વિક્ટર હ્યુગોના ‘લા મિઝરેબલ’નો અંગ્રેજી સંક્ષેપ હાથમાં આવ્યો. આ પૂર્વે મેં આવી કોઈ નવલકથા વાંચી નહોતી. ઉપવાસીને મનમાન્યું ભોજન મળે તેવું મારું થયું. કૃતિ તેના મૂળ સ્વરૂપમાં તો બહાર આવ્યા પછી વાંચી, પણ મારા માટે તે વખતે આ સંક્ષેપ એ મૂળ કરતાં પણ વધુ સુખદાયી નીવડ્યો. આવી મહાકાય કૃતિ મૂળ સ્વરૂપમાં પહેલી જ વાર મારા હાથમાં આવી હોત, તો સંભવ છે કે હું તે વાર્તાનો રસાસ્વાદ પૂરો ન માણી શક્યો હોત. ‘લા મિઝરેબલ’ સાહિત્ય જગતની મહાન કૃતિ છે.

મારા ચિત્તના ઊર્ધ્વીકરણમાં સહજભાવે અનન્ય સહાય કરી હોય તો શરદચંદ્રે. 1930થી 1940ના ગાળામાં શરદ-સાહિત્યની ગંગા જ ગુજરાતમાં ઊતરી. : સર્વશ્રી નગીનદાસ પારેખ, ભોગીલાલ ગાંધી ને રમણલાલ સોની, સૌએ શરદચંદ્રની કૃતિઓને અનુવાદિત કરી. મને તો તે દ્વારા નવું જગત, જીવન વિશે નવો અભિગમ મળ્યો. સાહિત્યકારો ઢોલ-ત્રાંસાં, તલવાર-ભાલા કે રેંટિયો લઈને નીકળી પડતા નથી, પણ તેઓ સાચા સાહિત્યકારો હોય તો પોતાના શાંત એકાંત ખૂણેથી પણ અંતરિક્ષમાંથી પ્રગટતા અદૃશ્ય તેજ જેવી શક્તિ પેદા કરી શકે છે. આ જ અરસામાં મને ‘ઘરે-બાહિરે’ હાથ લાગ્યું. રવીન્દ્રનાથ જે કાંઈ લખે તે સુંદર હોય જ. પણ ‘ઘરે-બાહિરે’ એ પણ મને ગાંધીજીના સાધનશુદ્ધિના વિચારને હાથમાંના આમળાની જેમ પ્રગટ કરી બતાવ્યો. ગાંધીજીના સાધનશુદ્ધિના આગ્રહને જાણે યથાર્થ રીતે સમજવો હોય, તેને માટે ‘ઘરે-બાહિરે’થી કોઈ વધારે સહાયક કૃતિ નથી. જગતની દસ-બાર નવલકથાઓમાં નિસંકોચપણે ‘ઘરે’બાહિરે’ ને મૂકું. મહાવિદ્યાલયના વર્ગોમાં, જેલમાં મેં તેનું પારાયણ કર્યું ત્યારે અંધરાષ્ટ્રવાદ, આત્મવંચના અને અનાસ્થાના પડને ઓગાળી નાખનારું રસાયણ તેમાં પ્રકરણે પ્રકરણે છે તેવો અનુભવ થયો છે.

મારા કાવ્યાનુરાગ કે આંશિક સમજદારી માટે પ્રેમાનંદ પછી બીજા કોઈ સાંપ્રત કવિનો હું ઓશીંગણ હોઉં તો તે મેઘાણીનો. કલકત્તામાં એકવાર ત્યાંનું પ્રસિદ્ધ સંગ્રહાલય જોવા અમે ગયેલા. રસ્તામાં ‘શ્રીકાંત’નો પહેલો-બીજો ભાગ મારા હાથમાં આવ્યા. મ્યુઝિયમના દરવાજા આગળ જ હું તે વાંચવા બેસી ગયો. મિત્રો બે કલાક પછી જોઈને આવ્યા ત્યારે પણ હું વાંચવામાં તલ્લીન હતો. આવા અનુભવો સહુને થતાં હોય છે. આટલી બધી એકાત્મતા આણવાની સાહિત્ય કૃતિઓમાં શક્તિ હોય છે. એટલે જ ઉત્તમ સાહિત્ય યુવાનવર્ગના હાથમાં મુકાય તે જરૂરી છે. કારણ કે ચિત્ત જેની સાથે રમમાન થયું તેનું રૂપ તે ગ્રહણ કરે છે અને તેવું તે વાંચનારનું ચરિત્રનિર્માણ થાય છે. સારી કૃતિની એક ખાસિયત ધ્યાન રાખવા જેવી છે. એ કૃતિ તેનું સમગ્ર સ્વરૂપ પહેલા વાચને જ પગટ કરી દે છે તેવું નથી. ઉત્તમ કૃતિ ફૂલ કન્યા છે. વારંવારના અનુનય પછીથી પ્રાપ્ત થાય છે. ઈશુનું ‘ગિરિપ્રવચન’, પ્લૂટોનું ‘સિમ્પોઝિયમ’ કે કાલિદાસના ‘શાકુંતલ’ ની જ વાત નથી, કોઈ પણ સારી કૃતિ પ્રથમ વાચને તેનું સ્વરૂપ આપણને બતાવી દે જ, તેવું નથી.

વાચન પણ એક તપ છે. તેમાં પણ બહારના રસોને થંભાવી દઈ, નિરાહાર થઈ કૃતિ સાથે એકરાર વૃત્તિથી બેસવું પડે છે. રવીન્દ્રનાથનું ‘કૃપણ’, ’આવાગમન’, ‘અભિસાર’ અનેક વખત ભણાવ્યું છે. ને જેટલો એકરાર વૃતિવાળો થઈને તે કાવ્યો પાસે ગયો છું તેટલો નવો અર્થ, નવું રહસ્ય મને મળ્યાં છે. ઉમાશંકર, પ્રહલાદ કે મકરંદનાં કેટલાંક કાવ્યોએ આવો અનુભવ કરાવ્યો છે, તો પ્રેમાનંદમાં તો એનો અનુભવ થાય તેમાં નવાઈ જ શું? અને ‘મહાભારત’ – ‘રામાયણ’ની તો વાત જ શી કરવી ! વસ્તુત: સાહિત્યસેવન એ આનંદ-તપસ્યા છે. તેમાં આનંદ છે માટે લહેર જ લહેર છે, કાંઈ તપસ્યા નથી, એવું નથી. તેમાં પણ અનિંદ અને અનાહારી રહેવું પડે છે. અને ત્યારે જ તેમાં રહેલા દેવતા તેનો વરદ હસ્ત વાચકના શિર પર મૂકે છે.

વાચનની અસર આપના ઘડતર ઉપર પ્રબળપને ઉપસે છે તેમાં શંકા નથી. પણ જીવનમાં એવાં સ્ત્રી-પુરુષોનો સત્સંગ મને મળ્યો છે જેમણે બહુ વાંચ્યું ન હોય, છતાં જેમના જીવનમાં સમત્વ કે સંવેદનશીલતા ઊંચી માત્રામાં પ્રગટ થતાં જ હોય, પરંતુ સાહિત્યનું વૈશિષ્ટ્ય ત્યાં છે કે દરેક યુગમાં દરેકને માટે સુલભ નથી હોતા, જ્યારે સાહિત્ય સુલભ છે. મૂઠી સાકર ભોજનને મીઠું કરે છે, તેમ ઉત્તમ કૃતિઓ જીવનને મધુર કરે છે અને તે પણ કશીય જોરજબરાઈ કર્યા વિના. બારણાની તિરાદોમાંથી કે ઉપરના અજવાળિયામાંથી ફૂલની સુગંધ જેમ વાયુ માટે પથરાય છે, રોમાંચિત કરે છે, તેમ આવું સાહિત્ય ચિત્તમાં પ્રવેશી આનંદ-લહરીથી વાચકને ડોલાવી દે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “મારી વાચનકથા – મનુભાઈ પંચોળી ‘દર્શક’”

Copy Protected by Chetan's WP-Copyprotect.