હું જાતે જ પાછી આવીશ – કુસુમ ભૂપેન્દ્ર દવે

[ ‘નવચેતન’ સામાયિકમાંથી સાભાર.]

આકાશ બિલકુલ સાફ હતું. ચંદ્રમાની સફેદ ચાંદની ચારેતરફ ફેલાયેલી હતી. પરંતુ ધરતી ઉપરની ચાંદનીમાં ઉદાસી ફેલાયેલી હતી. આજે વિભાની આંખમાં ઊંઘ નહોતી. તેનું દિલ કહેતું કે, આવી જ રાત હંમેશા રહે. કદી સવાર ન પડે અને તે આવા જ અંધારામાં ગુમ થઈ જાય. સવાર થાય, બધા જાગે, તેને સવાલો પૂછે, તે શું જવાબ દે ? એ કે નિરવે એવો નિર્ણય કેમ લીધો ? તેની આંખોમાંથી આંસુની ધાર વહેતી હતી. સાંજથી જ તે રડી રહી હતી. નિરવ…તેનો પતિ શું હવે તેનો પતિ કહેવાશે ? સાંજના ભાઈને તેણે નોટિસ આપી હતી કે તે કાયદાની દૃષ્ટિએ આટલાં કારણોસર તેનાથી છૂટાછેડા લેવા માંગે છે. તેના દિલ ઉપર ચોટ લાગી. નિરવ તેની સાથે આવો વ્યવહાર કઈ રીતે કરી શકે ? વિભાનું હૃદય જાણે બંધ પડતું લાગ્યું. તેની આજુબાજુ ભાઈ અને માના શબ્દો સંભળાઈ રહ્યા હતા. ‘અમારી દીકરીને શું સમજી બેઠા છે ? તેને શું એમ છે કે વિભા એકલી છે ? અમે તેને જોઈ લઈશું….’ વિભા ધ્રૂજવા લાગી. ઠંડા પવનથી તેની ધ્રુજારી વધી ગઈ. તેણે સાડીના છેડાથી તેનું શરીર ઢાંકી દીધું. રૂમમાં આવી તો ફરીથી સૂનકારભર્યા વાતાવરણથી તેનું મન વધુ ગમગીન બન્યું. તેનું મન ભરાઈ આવ્યું. હવે આવો જ અંધકાર અને સૂનકાર તેના જીવનમાં રહ્યો છે. તેમાં તેને જીવવાનું છે. તેનો નિરવ તેની પાસેથી દૂર ચાલ્યો ગયો છે.

નિરવ તેનો હતો જ ક્યારે ? ભાઈનો ક્લાસનો મિત્ર, નિરવ જ્યારે તેને પહેલી વખત મળ્યો. વિભા તેને જોતી જ રહી. લાંબો, શામળો, અને શાંત. ત્યારબાદ ભાઈએ જ્યારે તેને કહ્યું કે ‘નિરવ તેની સાથે લગ્ન કરવા માંગે છે’ તો તેને આશ્ચર્ય થયું. તેણે હા કહી. ના કહેવાનો પ્રશ્ન જ નહોતો. ભાઈ તેના કુટુંબને જાણતા હતા. તરત જ લગ્ન થઈ ગયાં. વિભા તેના સ્વપ્નાના મહેલને સજાવવા નિરવના ઘેર આવી ગઈ. નિરવે તેને લગ્ન બાદ તરત જ કહ્યું હતું કે ‘નોકરી તેના માટે મહત્વની છે. તે દિવસરાત મહેનત કરતો હતો. તેને જલદી આગળ વધવું હતું. વિભા તેની વાતો સાંભળતી રહી. તેને સારું લાગતું કે તેનો પતિ ખૂબ મહેનતું છે. ઘરમાં બધું જ હતું. નિરવે કહ્યું કે તે ઈચ્છે તો તે પણ નોકરી કરી શકે છે. તેનો સમય પણ વીતી શકે. વિભાએ તેને ના પાડી દીધી. તે ઘર શણગારવા માગતી હતી. તેના પતિને દરરોજ જુદું જુદું જમવાનું બનાવીને જમાડવા માગતી હતી. પરંતુ પતિ જમવામાં હોય તો ને ? તે તો રાતના અગિયાર વાગ્યે આવતો હતો. વિભા ગરમ રોટલી બનાવવા કહેતી તો તે કહેતો, ‘એવી જ રોટલી દે. હું બસ એક જ રોટલી ખાઈશ.’ નિરવ તેની ચાર કલાકની મહેનતથી બનાવેલા કોફતાને એક ચમચી ભરી વાટકામાં નાખતો, તેમાં બે ચમચી દહીં નાખીને બે ટુકડામાં એક રોટલી બોળીને ગળી જતો અને પાણી પી લેતો. વિભાનો બધો ઉત્સાહ ઓસરી જતો. તે આશા કરતી કે નિરવ તેની બનાવેલી રસોઈનાં વખાણ કરે. પ્રેમથી બેસીને જમે. પરંતુ વિભાને એ સુખ કદી ન મળ્યું.

તે રસોડું સાફ કરીને જ્યારે રૂમમાં આવતી તો નિરવ સૂઈ ગયો હોય. તેને થતું કે, તેને ખખડાવી નાખે કે, ‘હું દિવસ આખો એકલી હોઉં છું. તો અત્યારે મારી સાથે બે મીઠી વાતો કર, મારી વાતો સાંભળ.’ આ રીતે દિવસ વીતતા હતા. સવારમાં નિરવ વહેલો ઊઠીને ફરવા જતો. સાડા આઠ વાગ્યે ઘેર આવીને નહાઈને નાસ્તો કરતો. ફક્ત નાસ્તાનો સમય તેને મળતો. નાસ્તામાં ફક્ત બ્રેડ અને બટર સાથે એક કપ દૂધ લેતો. તે પણ પેપર વાંચતા વાંચતા નાસ્તો કરતો. તે વખતે પણ વિભા સાથે વાત કરવાનો તેને સમય ન મળતો. રવિવારના દિવસે તે બાર વાગ્યે ઊઠતો. ત્યારે વિભાને થતું કંઈ નવું બનાવું. પરંતુ નિરવ કહેતો, ‘આખું સપ્તાહ મેં તળેલું-બાફેલું ઘણું ખાધું છે. તું આજે પાતળી દાળ અને ભાત બનાવી દે બસ.’ સવારમાં દૂધ સાથે બે બ્રેડ ખાઈને ટીવીની સામે બેસતો. બપોર થતાં જ નિરવની બહેન તેનાં બાળકો સાથે આવી જતી. કોઈ વાર મિત્રો કુટુંબ સાથે આવી ચડતા. સાંજ તેમની સાથે વીતતી. રાતના જમવા બધા બહાર જતા. કોઈ વખત તક મળે તો સિનેમા જોવા જતા. રાતના હંમેશની જેમ એકાદ-બે પ્રેમભરી વાતો કરીને ફરીથી તે નસકોરાં બોલાવતો. સપ્તાહ, બે સપ્તાહ, મહિનાઓ સુધી આમ જ રફતાર ચાલી.

વિભા મૂંઝાયેલી રહેતી. તેની કલ્પનાનો મહેલ ધરાશાયી બનવા લાગ્યો. નિરવે તેને બધી જ સગવડતા કરી આપી હતી. તે કોઈ વસ્તુની માગણી કરતી તો તે તરત જ હાજર થતી. પરંતુ તેની પાસે વિભા માટે સમય નહોતો. તેની સાથે વાત કરવાનો સમય નહોતો. વિભા તેની રોજની સમસ્યાઓની વાત કરતી કે, ‘આજે કામવાળી આવી નથી, દૂધવાળાએ દૂધમાં ઝાઝું પાણી નાખીને આપ્યું છે, રસોડાનો નળ ચૂવે છે, બેડરૂમના બારણાને ઊધઈ લાગી ગઈ છે…’ વગેરે. નિરવ તેના મોં ઉપર એક મીઠું ચુંબન કરીને કહેતો, ‘તું મારી અડધી આસિસ્ટંટ છે તું બધું સંભાળી લે ને ભાઈ. મને કહીશ તો મારાથી સમય વીતી જશે.’ તે તેનું લેપટોપ અને ઑફિસની ફાઈલ લઈને મારુતીમાં ફરર કરતો ચાલ્યો જતો. વિભા ઊભી રહેતી. ઘરની બધી જવાબદારી તેની હતી. નિરવને તેની પરવાહ નહોતી કે તે બિલ ક્યારે ભરે છે ? અને કેટલું ભરે છે ? વિભા તેની જિંદગીથી કંટાળી ગઈ. તેના ભાઈ તો આવું નથી કરતા ! રોજ ઑફિસેથી સાંજે છ વાગ્યે આવે છે. બાળકોની સાથે સમય ગાળે છે. ભાભીની રસોઈમાં મદદ કરે છે. તે પોતે બજારમાંથી શાક લેતા આવે છે. ભાભીની પાસે તે રોજ નવું જમવાનું કરાવે છે. નિરવ એવું કેમ નથી કરતો ? તેણે નિરવ સાથે ઝઘડવાનું શરૂ કરી દીધું. નિરવના ઑફિસે જવાના સમયે તે રડવાનું શરૂ કરી દે છે. ‘તારી પાસે તો મારા માટે સમય જ નથી તો શા માટે લગ્ન કર્યાં ?’

નિરવ સાંભળી રહેતો. તે કદી કાંઈ કહેતો નહીં. તે મીઠા અવાજે કહેતો. મેં તને પહેલાં જ કહ્યું હતું વિભા કે, ‘કામ માટે હું સુલેહ નહીં કરું. મેં તને કંઈ કરવા માટે ના નથી પાડી.’ વિભા બૂમો પાડતી, મને ના પાડ, મને સારું લાગશે. તેં તો ઘરની બધી જવાબદારી મારા ઉપર નાખી દીધી છે. હું બિલ ભરીશ નહીં. તારે જે કરવું હોય તે કર.’ તે દિવસે ટેલિફોન અને લાઈટનું બિલ ભરવા નિરવે ઑફિસેથી એક કલાકની રજા લીધી. બિલ્ડિંગના ચોકીદારને પચાસ રૂપિયા દઈને તેણે તરત કામ કરાવી લીધું. વિભા તે જોઈ રહી. તે તો કલાક ઊભા રહીને બિલ ભરી આવતી હતી. તે દિવસથી બંને વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા. વિભા ઘરનાં કામથી દૂર ભાગતી હતી. નિરવ સવારે ઑફિસ જવા તૈયાર થતો તો કદી તેના શર્ટને ઇસ્ત્રી ન કરતી. કોઈ વાર મેચિંગ કપડાં ન મળતાં. જાણીજોઈને બાથરૂમનો સાબુ ગુમ કરી દેતી. ઝઘડા વધતાં નિરવે તેની સાથે બોલવાનું જ બંધ કરી દીધું હતું. તે ઑફિસેથી મોડો ઘેર આવવા લાગ્યો. એક દિવસ તો હદ થઈ ગઈ. નિરવનો બાળપણનો મિત્ર પથિક અમેરિકાથી તેના પરિવાર સાથે તેમને મળવા આવ્યો હતો. પથિકની પત્ની પણ નોકરી કરતી હતી. તેણે પથિક કઈ રીતે ઘરનાં કામમાં મદદ કરે છે તે વાત જણાવી તો બધાની સામે વિભાએ નિરવને નીચો દેખાડવાનું શરૂ કરી દીધું. નિરવ સ્તબ્ધ થઈ ગયો. પથિકને પણ ખરાબ લાગ્યું. બહારથી મંગાવેલું ભોજન જમીને મહેમાનો ચાલ્યા ગયા.

તેના જતાં જ નિરવે ગુસ્સે થઈને વિભાને કહ્યું, ‘તને તકલીફ શું છે ? હું તને બધી સુખ-સગવડ આપું છું. છતાં તું મારી કદર કરતી નથી. તું શું ઈચ્છે છે ?’ વિભા ભડકી ગઈ. ‘તમને ખબર નથી કે હું શું ઈચ્છું છું ? હું ઈચ્છું છું કે મારા પતિ પણ બીજાના પતિની જેમ સાંજના સમયસર ઘેર આવે. મને ફરવા લઈ જાય, અને સાથે મળીને ઘરનું કામ કરે.’ ‘હું એ બધું નહીં કરી શકું. મેં તને પહેલાં જ કહી દીધું હતું. હવે કહે, તારે મારી સાથે રહેવું છે કે નહીં ?’ વિભા તરત બોલી ઊઠી, ‘ના, બિલકુલ નહીં. તમે મને શું સમજી ગયા છો ? તમે મારા માટે જરા પણ સમાધાન કરી શકતા નથી તો હું શા માટે કાયમ સમાધાન કરું ?’ ‘ઠીક છે. તો તારે જેમ કરવું હોય તેમ કરજે.’ તે દિવસ હતો. અને આજનો દિવસ ! પૂરા પંદર મહિના થઈ ગયા છે તેને નિરવથી જુદા થયા. આ પંદર મહિનામાં કેટલું બધું જાણી લીધું છે કે, ભાઈનું ઘર ભાભીનું છે કે તેનું નહીં. નિરવે તેને ઘર શણગારવા પૂરી આઝાદી આપી હતી. ભાભીને દરેક કામ ભાઈને પૂછીને કરવું પડે છે. ભાઈ ઓફિસેથી છ વાગ્યે આવી જાય છે. તે કામ માટે મોડે સુધી ઓફિસમાં રોકાતા નથી. તેથી તેમને પ્રમોશન પણ ઘણા વખતથી મળ્યું નથી. એટલે તેમને તેમની આવક પ્રમાણે ઘર ચલાવવું પડે છે તેથી તેમની આવકમાંથી તે ઘરનાં લોકોની કોઈ ઈચ્છા પૂરી કરી શકતા નથી. વિભાએ વિચારી જોયું કે ભાઈ કરતાં તેના પતિની આવક ચારગણી છે. તે તેની મહેનતનું પરિણામ છે.

ભાઈ અને માએ વિચારી લીધું કે, હવે તે વિભાને પાછી નહીં મોકલે. વિભા ચૂપચાપ તેમની વાતો સાંભળતી હતી. નિરવે બે માસ પહેલાં ભાઈ સાથે વાત કરી હતી. પરંતુ ભાઈએ સાફ કહ્યું હતું કે, ‘હવે તે વિભાને નહીં મોકલે. તે તેને છૂટાછેડા આપીને ફરી લગ્ન કરાવશે.’ વિભા મૂંઝાઈ ગઈ હતી. ‘ભાઈ, હું બીજા લગ્ન નહીં કરું. તમે કેમ નિરવને એવું કહ્યું હતું ?’ ભાઈ થોડું ધીમેથી બોલ્યા, ‘હું તો ડરાવી રહ્યો હતો. તેને તેની ભૂલનો અહેસાસ થવો જોઈએ. જોજે તે જાતે જ અહીં આવીને તને તેડી જશે.’ એવું કાંઈ ન બન્યું. વિભાના હાથમાં છૂટાછેડાની નોટિસ આવી. તેને વિશ્વાસ નહોતો આવતો કે તેની સાથે આવું બનશે ! સવાર પડતાં જ ઘરમાં બધાંને જાણ થઈ ગઈ. ભાભીની આંખોમાં વિભા માટે દયાનો ભાવ આવી ગયો. માએ કહ્યું, ‘વિભા હવે અહીં જ રહેશે. તેના માટે ઉપરનો રૂમ ખાલી કરી દ્યો.’ ભાઈનો મોટો દીકરો મોંટુ ખિજાઈ ગયો. ‘ઉપરનો રૂમ તો તમે મને ભણવા માટે દેવાનો હતા ને ? હું ક્યાં ભણીશ ?’ ભાઈ તેની ઉપર ખિજાયા, ‘ચૂપ રહે, મોટાની બાબતમાં વચ્ચે ન બોલ. એ અમારે નક્કી કરવાનું છે.’ મોંટુ ત્યાંથી જતો રહ્યો. વિભાને થયું કે આ રીતે અહીં ક્યાં રહેશે ? તેને થયું કે તે જે રીતે હતી તે જ બરોબર હતું.

ધીમે ધીમે બધા સૌ સૌનાં કામમાં લાગી ગયાં. ભાઈ ઓફિસે, બાળકો સ્કૂલે ગયાં. મા અને ભાભી પાડોશમાં કોઈ પ્રસંગે ગયાં. વિભા એકલી રહી ગઈ. તેનું મન બેચેન હતું. હાથમાં છૂટાછેડાની નોટિસ હતી. તેણે નિરવને ફોન કર્યો. ઓફિસેથી ખબર મળ્યા કે આજે તબિયત ખરાબ હોવાથી રજા ઉપર છે. તેણે ધ્રૂજતા હાથે ઘેર ફોન જોડ્યો. આજે ઘણા વખત પછી એનો અવાજ સાંભળતી હતી. નિરવે ‘હેલો’ કહેતાં વિભાનું મૌન રડવામાં ફેરવાઈ ગયું. તેણે પૂછી જ લીધું ‘તમે મારાથી જુદા થવા ઈચ્છો છો ને ?’ વિભાનો અવાજ સાંભળીને નિરવ સ્તબ્ધ થઈ ગયો. છેવટે સ્વસ્થ બની બોલ્યો, ‘મેં ક્યાં જુદા થવાનું કહ્યું છે ?તું જ જાતે ચાલી ગઈ હતી.’
‘તમે કદી મને બોલાવી કેમ નહીં?’
‘વિભા, તારાં ઘરવાળાંઓએ મને કદી તારી સાથે વાત કરવા દીધી નથી. શરૂઆતથી જ કહેતાં કે તમને છૂટાછેડા દેવાના છે. હું ક્યાં સુધી સહન કરું ? બોલ ?’
વિભા ચૂપ રહી. નિરવ સાચું જ કહેતો હતો.
નિરવે પૂછ્યું, ‘તેં શું વિચાર્યુ છે ? બીજા લગ્ન કોઈ સાથે કરે છે ?’
‘ના, એક વખત લગ્ન કરીને જોઈ લીધું. બીજી વખત આવું બને તો સહન નહીં કરી શકું,’
‘શું તને એમ લાગે છે કે તેં એકલીએ જ સહન કર્યું છે ? મેં તારા ઉપર ખરેખરે અન્યાય કર્યો છે ?’
કોણ જાણે તેના મોંએથી નીકળી ગયું, ‘ના, મારો પણ વાંક હતો.’
‘તો તું આવી રીતે કેમ ચાલી ગઈ ?’
વિભાએ કહ્યું, ‘તમે મને બધું આપ્યું હતું. ફક્ત એકબીજાને સમજવાનું જરૂરી હતું. જ્યારે તમારી
પાસે બોલાવાનો સમય ક્યાં હતો ?’
‘હા, તું સાચું કહે છે. એકબીજાને સમજવા માટે વાતો કરવી જરૂરી છે.’ નિરવે કહ્યું.
વિભાએ લાંબો શ્વાસ લીધો. ગમે તેમ નિરવે તેની ભૂલ કબૂલી છે.
‘ચૂપ કેમ બની ગઈ વિભા ? મને ખ્યાલ નહીં કે ફોન ઉપર તારો અવાજ આટલો મીઠો હશે ?’
વિભા ધીમેથી હસીને બોલી, ‘મારો અવાજ તમે કદી સાંભળ્યો જ નથી. ના ઘેર, ના ફોન ઉપર…’
‘મને તારો અવાજ સાંભળવાનું બહુ મન થયું છે. ફોનમાં નહીં. ઘર પર… શું એક વખત સંબંધ ફરીથી ન બની શકે ?’
વિભા પણ આવું જ ઈચ્છતી હતી.
‘હું તને લેવા આવું ?….’નિરવે પૂછ્યું.
વિભાએ ફ્ક્ત એટલું કહ્યું, ‘હું જાતે ગઈ હતી. જાતે જ પાછી આવીશ…’
ફોન મૂક્યો તો તેને થયું કે, નિરવે સાથે વાત કરવામાં તેણે વાર કેમ લગાડી ?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

26 thoughts on “હું જાતે જ પાછી આવીશ – કુસુમ ભૂપેન્દ્ર દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.