મા – 1042 બાળકોની – સોનલ પરીખ

[  રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ સોનલબેનનો ખૂબ ખૂબ આભાર.  આપ સોનલબેનનો આ સરનામે sonalparikh1000@gmail.com અથવા આ નંબર પર +91 9221400688 સંપર્ક કરી શકો છો. ]

60મા વર્ષે પહેલી વાર વિમાનમાં બેઠેલા પ્રૌઢ મરાઠી મહિલાને બાજુમાં બેઠેલા સહયોગી કહે છે, ‘તાઈ, ગભરાશો નહીં.’ ગભરાટ વચ્ચે પણ સ્મિત વેરી તે કહે છે, ‘તાઈ નહીં, માઈ કહે બેટા. બધા ‘માઈ’ જ કહે છે.’ વિમાન ઊંચકાયછે. તાઈની બીક જતી રહે છે. બારીમાંથી દેખાતાં નાનાં ગામડાં જોઈ તાઈને યાદ આવે છે પોતાનું નાનકડું ગામડું ને ચંપાનાં ફૂલોમાંથી ઝાકળ પીતી, ઘર – ખેતરનાં કામોમાં દોડાદોડ કરતી, મોડી પહોંચવા બદલ નિશાળના માસ્તરની વઢ ખાતી નાનકડી ચિંદી. ભણવામાં હોંશિયાર હતી. બાપ કહેતો, ‘ભણશે તો ક્યાંક પહોંચશે.’ મા કઠોર સ્વરે વાત કાપી નાખતી, ‘છોકરીને વળી ક્યાં પહોંચવાનું ? સાસરે. ત્યાં કામ આવ એ જ શીખવાનું.’ ને 12 વર્ષની ચિંદીના લગ્ન તેનાથી 20 વર્ષ મોટા પુરુષ સાથે થઈ ગયાં. હવે સાસરામાં વઢ ખાવાની હતી.

વિમાનની સફર સાથે માઈની આયુષ્યની સફર ચાલે છે. 12 વર્ષની કન્યા પર પતિનું પહેલીવારનું જાતીય આક્રમણ – આજે ય તેની સ્મૃતિ સહેવાતી નથી. તેવું જ અસહ્ય હતું પોતે ચોપડી વાંચતી હતી તેથી પતિનું ઢોરમાર મારવું. ચોપડીના ફાટેલાં પાનાં વરસાદના ડહોળા પાણીમાં તરવા લાગ્યા હતાં ને ચિંદી મળવા આવેલા બાપ પાસે રડી પડી હતી. બાપે કહ્યું, ‘ભણવાનું એટલે માત્ર લખવા-વાંચવાનું નહીં. શિક્ષણ એટલે બુદ્ધિ અને હૃદયના અવાજને અનુસરવું.’ આ બાપ પણ ચાલ્યો ગયો મૃત્યુના પંથે. ‘આ છોકરું મારું નથી’ કહી પતિએ સગર્ભા ચિંદીને કાઢી મૂકી ત્યારે તે ચોવીસ વર્ષની હતી. ગાયની કોઢમાં જાતે પ્રસૂતિ પતાવી નવજાત કન્યાને લઈ ચિંદી ગમે તેમ મા પાસે પહોંચી અને ‘તારા પાપનું પોટલું લઈને અહીં કેમ આવી ?’ એવો જાકારો પામી. ઉપર આભ ને નીચે ધરતી. અસ્તિત્વના સંઘર્ષે ચિંદીને તાવ્યા કરી. એક દિવસ ‘ચિંદી’ નામનો ત્યાગ કરી પોતાને નિશાળમાં ગમી ગયેલી ‘સિંધુ’ નદીનું નામ ધારણ કર્યું. વ્રત લીધું, ‘જેનું કોઈ નથી તેની હું છું.’ વાઈના દર્દને લીધે પરિવારે છોડી દીધેલા દીપકને અપનાવ્યો ને તાઈમાંથી ‘માઈ’ બન્યાં. નાની જગ્યામાં , આર્થિક સાંકડમાં બને તેટલાં અનાથ બાળકોને રાખ્યાં. ‘સંસારમાં હું એક જ સંબંધને સમજું છું – તે છે મા અને બાળકનો સંબંધ.’ પણ ‘એકની મા બન્યે નહીં ચાલે. ચારે બાજુ મમતા ભૂખ્યાં બચ્ચાં ટળવળે છે.’ જરૂરતોને પહોંચી વળવા ભાષણો કર્યાં, પૈસા ઉઘરાવ્યા – ‘ભાષણ હૈ તો રાશન હૈ.’

મોટો આશ્રમ બનાવવાનું સ્વપ્ન કોણ જાણે ક્યારે પૂરું થાત – પણ નિમંત્રણ આવ્યું સાન ફ્રાંસિસ્કોમાં ભરાઈ રહેલા વિશ્વ મરાઠી સંમેલનમાં ભાષણ કરવાનું, અને તાઈ વિમાનમાં બેસી પહોંચ્યાં ત્યાં. ‘ભગવાન બધે ન પહોંચે તેથી તે માને દુનિયામાં મોકલે છે. પણ જેને મા ન હોય તે શું કરે ? મારું કોઈ નહોતું તેથી મારે જેનું કોઈ ન હોય તેવાની મા બનવું હતું. આજે મારે સેંકડો બાળકો છે, ગાંધારીની જેમ. મારો ધૃતરાષ્ટ્ર પણ અંધ હતો. પણ મેં આંખે પાટા ન બાંધ્યા. એણે લાત મારી ને હું અહીં પહોંચી. મારા બાળકોને મેં દત્તક નથી આપ્યાં. ભણાવ્યાં છે, પરણાવ્યાં છે મારે મોટો આશ્રમ બનાવવો છે. તે માટે ફાળો ઉઘરાવવા સાત દરિયા પાર કરીને આવી છું.’ કહી તાઈએ પાલવ ફેલાવી લોકોની વચ્ચે ફરવા માંડ્યું. ડોલરની નોટોથી પાલવ ભરાતો ગયો. આ રકમમાંથી પૂના પાસે આશ્રમ બન્યો. આજે તાઈ 62 વર્ષની વયે 1042 બાળકોની મા છે. દીકરી માનસશાસ્ત્રી બની છે, ને દીપક આશ્રમનો સંચાલક – વ્યવસ્થાપક. એક દિવસ ક્યાંકથી વૃદ્ધ પતિ આવી ચડ્યો. ‘મને રાખ.’ ‘રહો. પણ હવે હું પત્ની નથી, મા છું.’ અને આશ્રમમાં આવેલા 20 દિવસના બાળકને ગોદમાં લઈ તાઈ કહે છે, ‘તું સૌથી નાનું બાળક. ને સૌથી મોટું આ 80 વર્ષનું બાળક.’

આ છે 2011માં આવેલી મરાઠી ફિલ્મ ‘મી સિંધુતાઈ સપકાળ’ની કહાણી. જિંદગીના ઝંઝાવાતોમાંથી કેવળ હિંમત અને આત્મવિશ્વાસના બળે અસામાન્ય ઊંચાઈએ પહોંચેલી એક સામાન્ય નારી સિંધુતાઈ સપકાળ કોઈ કાલ્પનિક ચરિત્ર નથી, જીવતીજાગતી હકીકત છે. પૂના પાસે તેમનો ‘અભિમાન અનાથાશ્રમ’ છે. તાઈએ લખેલા આત્મચરિત્ર ‘મી વનવાસી’ પરથી બનેલી આ ફિલ્મના દિગ્દર્શક છે અનંત નારાયણ મહાદેવન. પહેલી જ મરાઠી ફિલ્મમાં તેમણે ઉત્કૃષ્ટ દિગ્દર્શકનો એક સુંદર નમૂનો રજૂ કર્યો છે. એક એકલી સ્ત્રી પુરુષસત્તાક સમાજમાં જે રીતે જગ્યા બનાવતી જાય છે તે ખૂબ જ સાદગીથી, કોઈ બૂમરાણ વિના કે ભવ્યતાના કશા ઢોળ ચડાવ્યા વિના અત્યંત હૃદયસ્પર્શી રીતે તેઓ બતાવી શક્યા છે. તેવો જ સાદગીપૂર્ણ અભિનય છે 12 વર્ષની ચિંદીના રૂપમાં પ્રાંજલ શેટ્યેનો, 24થી 40 વર્ષની સિંધુતાઈની ભૂમિકામાં તેજસ્વિની પંડિતનો અને 60 વર્ષના સિંધુતાઈના પાત્રમાં જ્યોતિ ચાંદેકરનો. ટૂંકા, અંતરમાં ઉતરી જતા સંવાદો, ભાવની તીવ્રતાને અનુરૂપ મર્મસ્પર્શી સંગીત, કલાત્મક પટકથા અને પરિપક્વ સિનેમેટોગ્રાફી વડે ઓપતી આ ફિલ્મ અહીં રજૂ થયા પહેલા ઈંટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ખૂબ વખણાઈ છે. 54મા લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં તેનું વર્લ્ડ પ્રિમિયમ થયું. તે પછી ન્યૂયોર્કમાં ‘સાઉથ એશિયન ઈંટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં બતાવવામાં આવી. મુંબઈના ‘થર્ડ આઈ નાઈંથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ’માં પણ તે રજૂ થઈ. તેજસ્વિની પંડિતને બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ મળ્યો. આ નિર્ણય બ્રિસ્બેનમાં ‘એશિયા પેસિફિક સ્ક્રીન એવોર્ડ’ની જ્યુરીએ લીધો હતો.

સિંધુતાઈએ પારાવાર સંઘર્ષ કર્યો છે, ખૂબ પીડા ભોગવી છે, પણ આજે 1042 બાળકો પ્રત્યે વહેલી મમતાના વહેણમાં એ બધું ક્યાંય તણાઈ ગયું છે. આજે સિંધુતાઈ છે સાર્થક, સભર માતૃત્વના ગૌરવથી મંડિત નારીચેતના. ફિલ્મનું છેલ્લું દૃશ્ય અત્યંત સૂચક છે. પ્લેટફોર્મ ખાલી થઈ ગયું છે, સ્ટેશન માસ્તર સિંધુતાઈને કહે છે, ‘છેલ્લી ટ્રેન પણ ચાલી ગઈ છે.’ વર્ષો પહેલા એક વાર હતાશ, યુવાન ચિંદીને સ્ટેશન માસ્તરે આ વાક્ય કહ્યું હતું. તે અસહાયતાપૂર્વક બોલી ગઈ હતી – ‘મારે વળી પહેલી ટ્રેન શું ને છેલ્લી ટ્રેન શું ?’ આજે પણ સિંધુતાઈ એ જ વાક્ય બોલે છે, પણ આત્મવિશ્વાસથી : ‘મારે વળી પહેલી ટ્રેન શું ને છેલ્લી ટ્રેન શું ?’ અંધારામાં પ્લેટફોર્મ પર ચાલતા સિંધુતાઈ – પ્રેક્ષકો તરફ જ તેમની પીઠ છે – આગળ કહે છે, ‘હું તો જોવા આવી છું, કોઈ નોંધારું ભૂખ્યું છોકરું હોય તો.’ અને ટાઈટલ શરૂ થાય છે, દેવકી પંડિતના મધુર અવાજમાં હૃદયને હલાવી મૂકતું ભાવગીત શરૂ થાય છે. પ્રેક્ષકોમાં ભાગ્યે જ કોઈની આંખ કોરી છે – તેમના હૃદય છલકાઈ ઊઠ્યાં છે એક અવ્યક્ત, અત્યંત કોમળ અને પવિત્ર અનુભૂતિથી. સબટાઈટલ્સ અંગ્રેજીમાં ન હોત તો પણ ભાષાની મર્યાદા કોઈને નડી ન હોત, કારણ કે આ અદ્ભુત ફિલ્મ સાથી સાથે, મિત્રો સાથે, પરિવાર સાથે અનુભવવાની ફિલ્મ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “મા – 1042 બાળકોની – સોનલ પરીખ”

Copy Protected by Chetan's WP-Copyprotect.