વિચારો અને પસંદગીઓનું પરિણામ એટલે જ . . . . ! – હરેશ ધોળકિયા

દરેક વ્યવસાયમાં બે પ્રકારના લોકો હોય છે. એક માને છે કે એ વ્યવસાયમાં અવાયું છે એટલે કામ કરવું. અલબત્ત, સારી રીતે અને વફાદારીપૂર્વક કામ કરવું. પણ ચૂપચાપ કરવું. તે વિશે બહુ ન વિચારવું. સામે આવે તે કામ કરવું. કામ પૂરું થાય એટલે ભૂલી જવું. કામ કરતી વખતે તેમાં ભૂલ દેખાય કે કે એમ લાગે કે આને સુધારવાની જરૂર છે, તો તેની માથાકૂટમાં ન પડવું. જ્યાં સુધી કામ કરવાનું છે ત્યાં સુધી કર્યા કરવું. પણ બીજા પ્રકારના જે લોકો હોય છે, તેઓ જાગૃત લોકો હોય છે. તેઓ જે વ્યવસાયમાં કામ કરે છે, તેમાં તેઓ પણ વફાદારીપૂર્વક કામ તો કરે જ છે, પણ પરંપરાગત ચલાવી લેતા નથી. જે શીખ્યા હોય છે કે જે સોંપાયું હોય છે તે સાચું અને ફાઈનલ જ છે એમ નથી માની લેતા. તે તો કરે જ છે, પણ તેમાં પણ સંશોધન કર્યા કરે છે. તેમાં કદાચ કોઈ મર્યાદા દેખાય તો તેને ચલાવી લેતા નથી. તેને સુધારવાનો પ્રયાસ પણ કરે છે. તે માટે કદાચ વિરોધનો સામનો કરવો પડે તો પણ કરે છે, પણ પોતાની વાત મૂકતા નથી. આવા લોકો સતત પ્રગતિ કરે છે. તે નવા વિચારો પણ આપે છે. અથવા અનેક વિચારોનું સંકલન કરી સુગ્રથિત ચિંતન પણ આપે છે. આવા લોકો સમાજ માટે હિતકર હોય છે. તે જાગૃતિથી સમાજની ચિંતા કરે છે.

બીજા વ્યવસાયો તો ઠીક છે, પણ કેટલાક વ્યવસાયોમાં તો આવા લોકો બહુ જરૂરી છે. ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય, ધર્મમાં તો ખાસ જરૂરી છે. આ ત્રણ ક્ષેત્ર એવાં છે જે સમાજને સ્વસ્થ રાખે છે અને પ્રગતિના માર્ગે લઈ જાય છે. પણ તેમાં મોટા ભાગે પરંપરાગત અને નિષ્ક્રિય લોકો વધારે હોય છે. દૈનિક કામ બરાબર કરે છે, પણ જાગૃતિ દર્શાવતા નથી. પરિણામે સમાજને ભારે નુકસાન જતું હોય છે. ધર્મમાં આવા લોકોના કારણે અંધશ્રદ્ધા વધે છે. મન પછાત રહે છે. આરોગ્યમાં તો જબરું નુક્સાન થતું રહે છે. શિક્ષણમાં આવા લોકોના કારણે સેંકડો-હજારો બાળકો પાછળ રહી જાય છે. એટલે ક્યાંય જાગૃત વ્યક્તિ જોવા મળે, તો આનંદ થાય કે સમાજને કશોક ફાયદો થશે. મેડિકલ ક્ષેત્રમાં આમ તો મોટા ભાગના ડોક્ટરો તેમને જે શીખવવામાં આવે છે, તેને ફાઈનલ માની કામ કરે છે. તેને ચકાસતા કે પડકારતા નથી. એલોપથી તો ખૂબ જ વિકસિત ક્ષેત્ર છે. માનવ કલ્યાણ માટે સતત મથે છે. પણ તેમાં થતાં સંશોધનો પણ પૂર્ણ સત્ય છે એમ ન મનાય. તેની સૌથી મોટી મર્યાદા એ છે કે તે માનવશરીરને ખંડિત જુએ છે. વળી, માત્ર ભૌતિક રીતે જ જુએ છે. તેની ચેતનાને અવગણે છે. માણસને યંત્ર માને છે. તેની સમગ્ર સારવાર પદ્ધતિ યાંત્રિક છે. પરિણામે સમગ્ર ચિંતન પણ યાંત્રિક અને કેવળ શારીરિક છે. માણસ એક અખંડ વ્યક્તિત્વ છે. તેને તે રીતે જોવાનો છે એમ નથી માનતા કે શીખવતા. પરિણામે તે સારવાર ક્યારેક જબરું નુક્સાન કરે છે.

પણ આ ક્ષેત્રમાં પણ કેટલાક ડોક્ટરો જાગૃત રીતે શીખે છે અને કામ કરે છે. તેમને જ્યાં પણ મર્યાદા દેખાય છે, તેને પડકારે છે અને વિકલ્પે નવી પદ્ધતિ પણ શીખે-જાણે છે. તેમનાં કામ જાણીને તો તેમના પર માન વધી જાય. આવા એક ડોક્ટર છે ડેવીડ સાઈમન. અમેરિકાના છે. એમ.ડી. છે. તે પણ પરંપરાગત રીતે જ શીખ્યા, પણ તેને ફાઈનલ ન માનતાં આગળ વધતા રહ્યા છે અને ઘણું કામ કરે છે. તેમણે પોતાના સંશોધનના આધારે એક સરસ પુસ્તક પ્રગટ કરેલ છે જો કે અહીં તો તેમની જાગૃતિ અને વિચારોને જ જાણીએ. આ સાઈમનભાઈની ખૂબી એ હતી કે તેઓ કોલેજમાં ગયા તે પહેલાં જ યોગ અને ધ્યાન શીખી ચૂક્યા હતા. એટલે તેમને શરીર-મન-ચેતનાની એકતાનો ખ્યાલ હતો. તેઓ જ્યારે મેડિકલ કોલેજમાં પ્રવેશ્યા, ત્યારે તેમને થયું કે ત્યાં પણ આ ત્રણની એકતા જ શીખવાશે. પણ તેઓ લખે છે, ‘હું ભોળો (મૂર્ખ) હતો !’ તેઓ કહે છે કે તાં જ્યારે ભણતા હતા, ત્યારે તેઓ એવું અનુભવતા હતા કે જાણે લશ્કરમાં પ્રવેશ્યા હતા. જેમાં રોગ એક દુશ્મન હતો અને તેમનું કામ હતું આ દુષ્ટ દુશ્મનનો નાશ કરવા માટે વિવિધ શસ્ત્રો શીખવાનું અને તેમાં નિષ્ણાત થવાનું. તેઓ કહે છે કે પશ્ચિમી વૈદિક ભૌતિકવાદી છે. તે માનવને શારીરિક સ્તરે જ તપાસે છે. તેમાં જાગૃતિ, વિચારો, સ્મૃતિ, ઈચ્છાઓ, લાગણીઓ, સર્જનશીલતા, આનંદ, ઊર્જા વગેરેને તો મોલેક્યુલર અને ઈલેક્ટ્રિકલ્ સંબંધોની આડઅસર મનાતાં હતાં. તેઓ કહે છે કે લોકો કેવળ શારીરિક મશીન છે અને વિચારે છે. શાંતિ, આનંદ, પ્રેમ, પીડા . . . . વગેરેને આ મેડિકલ વિજ્ઞાનમાં કશું જ સ્થાન નથી. કારણ કે તે માપી શકાતાં નથી.

ડેવીડ કહે છે કે આ મેડિકલ વિજ્ઞાન ખોટું નથી. પણ અધૂરું છે. અલબત્ત, તેમાં કલ્પનાતીત વિકાસ થયો છે. છતાં, કમનસીબે, આધુનિક મેડિકલ વિજ્ઞાન સ્વાસ્થ્ય, આનંદ, ઊર્જા પર ભાગ્યે જ પ્રભાવ પાડી રહ્યું છે. તેણે માંદગીની સારવાર કેમ કરવી તેના પર અઢળક કામ કર્યું છે, પણ સ્વાસ્થ્ય કેમ સર્જવું તે બાબતે અજ્ઞાન છે. તે તો કહે છે કે આરોગ્ય એટલે કોઈ ચોક્કસ રોગની ગેરહાજરી, પણ ડેવિડ કહે છે, મેં મારી પ્રેક્ટીસ દરમિયાન જોયું છે કે હજારો દર્દીઓ અલબત્ત માંદા ન હતા, પણ અસ્વસ્થ તો હતા જ ! પ્રયોગશાળાનાં પરીક્ષણોમાં કોઈ જ તકલીફ ન દેખાય, પણ તેમની જીવનની ગુણવત્તા તો આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ નીચી હતી. ડેવિડ આ માંદગી-સ્વાસ્થ્ય વચ્ચેના વિસ્તારમાં કામ કર્યું. તેમણે બીજી અનેક પરંપરાગત વૈદકીય ચિક્ત્સાઓનો પણ અભ્યાસ કર્યો. આયુર્વેદનો ઊંડો અભ્યાસ કર્યો. તેને આધારે તેમણે થોડાં અવલોકન આપ્યાં જે ધ્યાન ખેંચે એવાં છે. તેઓ કહે છે, ડોક્ટરની ભૂમિકા કેવળ રોગ ટેકનિશીયનની નથી. તેનું કામ જીવનનાં અનેક પાસાંઓનો અભ્યાસ કરવાનું છે. તે સમાંતરે નિદાન કરનાર, દવા આપનાર, મનોવિજ્ઞાની, ધાર્મિક માણસ છે. આ મતે રોગ એટલે શરીર-મન-ચેતના વચ્ચે સુગ્રથિતતાનો અભાવ છે અને આરોગ્ય એટલે આ તત્વોમાં પુન: સુગ્રથિતતા લાવવી.

તેઓ કહે છે કે પરંપરાગત વૈદકમાં કેવળ શારીરિક બાબત છે તેમ નથી મનાતું. માંદગી તો ચેતનામાં શરૂ થાય છે. ડોક્ટરમાં એ કુશળતા હોવી જોઈએ કે માનવ અસ્તિત્વમાં રહેલ આ છૂપાં તત્વોને શોધવાં અને અસમતુલા, ભય, ગેરસમજો વગેરે દૂર કરવાં, જે હકીકતે રોગ જન્માવે છે. કદાચ દર્દીનું શરીર માંદગીથી મુક્ત ન થઈ શકે, તો પણ તેની ચેતનાને તો સ્વસ્થ કરી જ શકાય. તેઓ આગળ કહે છે કે મનુષ્ય વૈશ્વિક સંરચનાનો એક હિસ્સો છે. માંદગી વ્યક્તિગત અને વૈશ્વિક વિચાર વચ્ચેનો વિસંવાદ છે. ડોક્ટરનું કામ આ વિસંવાદ દૂર કરી દર્દીને પુન: સ્વાસ્થ્યમાં લઈ આવવાનો છે. તેઓ કહે છે કે આધુનિક વૈદક માંદી વ્યક્તિઓનાં લક્ષણોને સરસ રીતે મેનેજ કરી શકે છે, પણ અસરકારક સ્વાસ્થ્ય લાવી શકતું નથી. તેઓ છેલ્લે કહે છે કે આ દુનિયામાં સૌથી પ્રભાવક આરોગ્ય ફાર્મસી ખુદ માનવશરીર જ છે. આવડત હોય તો આ શરીરની આંતરિક સ્વાસ્થ્ય વ્યવસ્થાને જીવંત કરી શકાય છે. તેના ગાઢ ઉપાય છે. એટલે તેમના મતે દરેક માંદગી પોતાના જીવનમાં શું ખૂટે છે તે શોધવાની અદભુત તક છે અને માણસ ઇચ્છે તો તેના સ્વાસ્થ્ય અને ઊર્જા પુન: પ્રાપ્ત કરવાની સભાન પસંદગી કરી શકે છે. જીવન એક આત્મ-શોધની યાત્રા છે. માણસ પાસે અનંત શક્તિનો ખજાનો છે. તે તેની સેવામાં હાજર છે. તે તેના શ્વાસ જેટલી જ પાસે છે. તેનો ઉપયોગ કરી સ્વસ્થ રહી શકાય છે. અનંત ઊર્જાનો ભરપૂર ઉપયોગ કરી શકાય છે.

આ તો લેખકનું પ્રાસ્તાવિક કથન છે. પછી તો તેઓ અનેક ઉપાયો બતાવે છે. આહાર-વિહાર-મનોવ્યાપાર વિશે ઊંડાણથી વાત કરે છે. પણ સંક્ષિપ્તમાં તો અહીં સૂચવેલ જ બાબતો ચર્ચે છે. તેમની એક જ વાતને યાદ રખાય કે, ‘આરોગ્ય અને માંદગી એ લોકો જે વિચારે અને પસંદગીઓ કરે છે તેનું જ પરિણામ છે.’ તો સ્વસ્થ કેમ રહેવાય તેની ચાવી મળી જાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “વિચારો અને પસંદગીઓનું પરિણામ એટલે જ . . . . ! – હરેશ ધોળકિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.