ચાલો, ગુજરાતી ભાસાની ખબર કાઢવા – કલ્પના દેસાઈ

[ હાસ્યલેખિકા કલ્પનાબેન દેસાઈના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘Punch ત્યાં પરમેશ્વર’માંથી સાભાર. આ પુસ્તક રીડગુજરાતીને ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. અત્રે ગુજરાતી ભાષા બિમાર હોવાને કારણે ભાષાની કેટલીક અશુદ્ધિઓ જાણી જોઈને રાખવામાં આવી છે. આપ કલ્પનાબેનનો આ નંબર પર +91 2628 231123 સંપર્ક કરી શકો છો.]

‘આજે સાંજે અમે ગુજરાતી ભાસાની ખબર કાઢવા જવાના છીએ. તમે આવસો ને ?’
‘કેમ વળી અચાનક જ ગુજરાતી ભાસાને શું થઈ ગયું ?’
‘તમને નથી ખબર ? ગુજરાતી ભાસા તો મરવા પડી છે, એકદમ સિરિયસ છે !’
‘એમ ? મને કેમ ખબર ના પડીએ ? તમે મને આટલા દિવસ સુધી કહ્યું કેમ નહીં ? હવે જ્યારે મરવાની અણી પર આવી ગઈ ત્યારે એની ખબર કાઢવાનું સૂઝ્યું ? ને આપણે હવે ખબર કાઢવા જઈએ તો કેટલું ખરાબ દેખાશે ?’
‘ના, ના. એવું કંઈ નથી. બધાને પણ હમણાં જ, મોડા-મોડા જ સમાચાર મળ્યા છે. રોજરોજ બધાં એની ખબર કાઢવા ટોળે વળીને જઈ રહ્યાં છે. તો મે’કુ, આપણે પણ જઈ આવીએ !’
‘કઈ હોસ્પિટલમાં છે ?’
‘લગભગ સરકારી હોસ્પિટલમાં જ છે.’
‘મરવાની અણી પર આવી ગઈ એટલે મને લાગે છે કે, આઈ.સી.યુ.માં જ હશે.’
‘ના, ના, કોઈ કે’તું’તું કે એને તો જનરલ વોર્ડમાં જ રાખી છે. બધાં મળવા જઈ સકે ને ?’
‘પણ, જનરલ વોર્ડમાં તો એની સારવાર કેવીક થાય ?’

‘તે એને ક્યાં વધારે સારવારની જરૂર પણ છે ? એને તો, બધાં એને જોવા જાય ને મળવા જાય તેમાં જ બધું મળી જાય છે. ડોકટરોનું તો કે’વું છે કે, આમ જ જો બધાં એને મળતાં રે’સે ને તો થોડા દિવસોમાં એ પાછી બેઠી પણ થઈ જસે. નવાઈની વાત કે’વાય ને ? હોસ્પિટલમાં તો વધારે લોકોને મળવાની ડોક્ટર કાયમ ના પાડતા હોય. પેસંટ વધારે માંદા પડી જાય. પણ આ તો ઊલટી ગંગા જણાય છે ! જેમ ખબર કાઢવાવાળા વધારે તેમ પેસંટની તબિયત વહેલી સારી થાય !’
‘ખબર કાઢવા જઈએ છીએ તો કંઈ ફ્રૂટ કે એવું લઈ જવું પડશે ને ?’
‘અરે, ના ના ! એને એવી બઘી કોઈ જરૂર નથી. બૌ સાદી છે. મળવા જઈસું તેમાં જ બૌ ખુસ થઈ જસે, જોજો ને !’
‘તમે તો એને બૌ સારી રીતે ઓળખતાં હો એમ વાત કરો છો !’
‘લો…! ઓળખું કેમ નહીં ? મારા ગામની જ છે. બૌ નાની હતી ત્યારથી એને ઓળખું છું. સ્વભાવે એકદમ સરળ ને મળતાવડી. બધાંમાં ભળી જાય ને પોતાનામાં સહેલાઈથી બધાંને સમાવી લે તેવી.’
‘એનાં કોઈ સગાંવહાલાં નથી ?’
‘છે ને… અરે… એના કાકા-મામા-માસીની દીકરીઓ જ કેટલી બધી છે અને એને જોતાં જ ઓળખી જનારાનો ને પોતાની ગણનારાનો તો પાર નહીં. દેસ-વિદેસમાં એને માનવાવાળા કેટલાય પડ્યા છે. એમ તો એનો વટ ભારે છે, માનપાન બૌ મળે પણ ખબર નહીં અચાનક શું થઈ ગયું તે હોસ્પિટલમાં દાખલ કરવી પડી ને વાત ફેલાઈ ગઈ કે, એ મરવા પડી. મને ચિંતા થઈ, તે એની ખબર કાઢવા જવાનું નક્કી કર્યું. તમને પણ એના માટે લાગણી છે તે મને ખબર એટલે મે’કુ પૂછી જૌં, આવતા હો તો.’
’હા, હા, ચાલો. હું પણ આવું જ છું. ગુજરાતી ભાષા પ્રત્યે લાગણી તો મને પણ તમારા જેટલી જ છે પણ શું થાય છે કે આજકાલ બધે ફરવામાં ને બધા બૌ લોકોને મળવા-મૂકવામાં મારાથી એને જરા સાઈડ પર મુકાઈ ગઈ’તી. વચ્ચે-વચ્ચે ઘણી વાર યાદ આવતી ત્યારે થતું કે એ કેમ હશે ? મજામાં હશે ને ? એકલી તો નહીં પડી ગઈ હોય ને ? થોડી વાર ચિંતા થતી, પણ વળી કામમાં ભુલાઈ જતી, આ તો સારું થયું તમે મળી ગયાં તો એ બહાને એને પણ મળી લઈશ. બૌ વખતે મને જોઈને એને પણ આનંદ થશે.’
‘તમારાં બાળકોને પણ સાથે લઈ લો ને ! એ બહાને એમને ફરવાનું મળસે ને માતૃભાસાને મળવાથી કેટલો આનંદ મળે, તે પણ જોવા મળસે. ગુજરાતી તો બાળકોને જોઈને ખુસ-ખુસ થઈ જસે. મારાં બાળકોને પણ સંગાથ મળસે – ચાલો.’
‘અરે ! તમે કે’તાં હો તો વારાફરતી ઘરનાં બધાંને ગુજરાતીને મળવા મોકલી આપીશ. પણ એ તો કહો, કયા ડોક્ટરની સારવાર ચાલે છે ? કોઈ સારા ડોક્ટરને બતાવ્યું છે કે પછી જનરલ વૉર્ડ ને સરકારી હૉસ્પિટલ એટલે ન મરતી હોય તોય મરી જાય એવું તો નથી ને ?’
‘ના, ભાઈ, ના ! મેં તમને પે’લાં જ કહ્યું કે, ભલેને સરકારીમાં રહે કે જનરલમાં, એને તો લોકોનો પ્રેમ જોઈએ છે ને લોકો એને યાદ તાખે, ભૂલી ન જાય એટલું જ એ ઈચ્છે છે. બીજું કંઈ નહીં.’

હૉસ્પિટલ જતાં રસ્તે જોયું તો હૉસ્પિટલની આજુબાજુના દરેક રસ્તા પર લાંબી લાંબી લાઈનો લાગેલી, હૉસ્પિટલનું કમ્પાઉન્ડ ગુજરાતીની ખબર કાઢવા જનારાઓથી ખીચોખીચ ભરેલું ને શહેરમાં જ્યાં ને ત્યાં ગુજરાતીની તબિયતની, ગુજરાતીમાં જ વાત ને ચર્ચા ને બોલબાલા ! બધાંના ચહેરા પર ખુસી સ્પસ્ટપણે ઊભરી આવી હતી. આટલો પ્રેમ ને આદર મેળવનારી ભાસા ભલા કઈ રીતે મરી સકે ? સો વર્સ પછીની વાત પછી.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વિચારો અને પસંદગીઓનું પરિણામ એટલે જ . . . . ! – હરેશ ધોળકિયા
બા – માતૃત્વની આત્મશક્તિ – મીરા ભટ્ટ Next »   

12 પ્રતિભાવો : ચાલો, ગુજરાતી ભાસાની ખબર કાઢવા – કલ્પના દેસાઈ

 1. khushali vyas says:

  very nice

 2. Malay Joshi says:

  very Nice !!

  It seems that our next generations will be able to only speak gujarati as today there is no compulsory Gujarati subject in English Medium schools.

  It is irony that in Gujarat, Gujarati speaking children are not being taught Gujarati language.
  They are missing so much !!

  • prerak pandya says:

   ભૈ, તમે શરુઆત કરશો તો થસે.

   દાહિ સાસરે ના જાય ને ગાન્દિ ને શિખામન આપે!

 3. Pallavi Mistry says:

  ખુબ સરસ વાહ ભૈ વાહ્….

 4. sandhya Bhatt says:

  પુસ્તકના મુખપ્રુષ્ઠથી માંડીને તમામ લેખો મરક મરક હસાવે તેવા.આ નવા સીમાચિન્હ માટે કલ્પનાબેનને અભિનંદન…

 5. p j paandya says:

  બહુ સરસ ક્લ્પ્નાબેન અભિનન્દન્

 6. kanaiyalal tala says:

  ખુબ ખુબ સરસ્

 7. Jagdish Khamar says:

  આપે કલમને ધારદાર બનાવી . ભવિશ્યના બાલકો શુ કરશે? બોલશે કે લખશે?

 8. મને ખુબ ગમ્યુ

 9. Harish Dhadhal says:

  કલ્પ્ના બહેન,પથ્થર પર પાણી છે.તમારા વ્યંગની અસર વીસ ટકા ગુજરાતી પ્રજાને થાય તોને!
  જે સ,ષ,શ વચ્ચે તફાવત કરવામાં માનતી જ નથી! જે ળ,લ,ડ,ર ને એકજ સમજે છે.મને
  BSNL પરથી મેળવો ને બદલે મેડવો લખી મેસેજ આવે છે.હું સમસમી જાઊં છું.પણ થાય શું!

  • કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

   સાચી વાત કરી , હરીશભાઈ. ગુજરાતીઓ જ ગર્વથી કહેતા ફરતા હોય છે કે … મારા દીકરાને ગુજરાતી નથી આવડતું, યુ નો ! … પછી, ગુજરાતીને કોણ બચાવી શકે ?
   કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 10. Yagna desai says:

  ખુબ જ સરસ

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.