બા – માતૃત્વની આત્મશક્તિ – મીરા ભટ્ટ

મારાં સાસુમા દુર્ગાબાની જન્મશતાબ્દિ નિમિત્તે બે શબ્દ લખવા બેઠી છું. અગાઉ બાના મૃત્યુ ટાણે એક લેખ ‘મૈત્રી’માં લખેલો. સ્વ. બાપુજીનું જીવનચરિત્ર લખેલું ત્યારે મુ.મનુભાઈ, જયાબહેન જેવાએ આગ્રહપૂર્વક કહેલું કે લખવા જોગ પુસ્તક તો દુર્ગાબહેનનું છે. તું જ એ લખી શકે. ત્યારે મેં કહેલું કે જાહેર પુસ્તકને લાયક સામગ્રી મળશે તો જરૂર લખીશ. એ માટે માનભાઈ સાથે પણ કલાકેક બેઠેલી, પરંતુ વિશેષ પ્રસંગો સાંપડ્યા નહીં, એટલે કલમ ચાલી નહીં. પરિવાર-મિલનમાં વ્યક્ત થતી વાતોથી એકાદ-બે લેખ લખાય, પરંતુ પુસ્તક ભરાય તેટલી સામગ્રી મળી નહીં. આ તો સાર્વજનિક દૃષ્ટિબિંદુએ જાણેલી હકીકત. બાકી જીવનના પ્રત્યક્ષ ધબકારા રૂપે બાના વ્યક્તિત્વમાં અને જીવનમાં ભરપૂર સામગ્રી એવી ભરી હતી, જેમાંથી નર્યુ શુભ જ શુભ અવતરે. એમનામાં દોષો નહોતા એવું તો શી રીતે કહેવાય, તેમ છતાંય એવું લાગતું હતું કે એમની ભીતર ઊછળતો સાગર ખારો નહીં, પરંતુ વર્ષાજળ સમો મીઠો હશે. આમ તો એ મારાં સાસુમા થાય, પરંતુ મેં એમને કદી ‘સાસુ’ની નજરે જોયાં જ નથી, નથી તો એમણે કદી મને ‘સાસુ’નું રૂપ જોવા દીધું. પહેલાં મારે મન એ અરુણનાં ‘બા’ હતાં, પછી તો ‘આપણા બા’ બની ગયેલાં. સાસુપણું દાખવી શકે એવા ઘણા પ્રસંગો નજર સામે આવે છે, પરંતુ ત્યારે પણ મને તો મા જ સાંપડી. એના કારણમાં મારી જન્મદાત્રી મા જીવતી નહોતી એ પૂરતું કારણ નથી જ. એમના પોતાનામાં માતૃત્વ એવું પાંગર્યું હતું કે પોતાની કૂખે નહીં જન્મેલાં બાળકોને પણ પોતાના બનાવી શકે, અને ‘વહુ’ નામના સંબંધની નીચે અધોરેખા દોરતા જઈ વહુને સતત વહુપણું યાદ કરાવ્યા વગર વહુની પણ મા બની શકે.

પ્રસંગો આંગળીને વેઢે ગણાય તેટલા જ હશે, છતાંય એમાંથી બાનું જે ભાવજગત અને કર્તૃત્વશક્તિ પ્રગટ થાય છે, તે અનોખાં છે. કોણ જાણે કેમ પણ મને ‘સાસરું, સાસરવાસ કે સસરા-સાસુની ટર્મિનોલોજી ફાવી જ નથી. મારા મોંમાંથી સાસુ-નણંદ-જેઠ-દિયરના પરિચય આપતી વખતે અરુણનાં બા, બહેન, ભાઈ એવા જ શબ્દો નીકળતા રહ્યા છે. તેમાંય મહેન્દ્રે તો વિનોબા-પદયાત્રામાં મારાં કપડાં પણ ધોઈ આપેલાં અને અનેક વાર મેં એની કાનપટ્ટી પણ પકડી હશે. એને ‘દિયર’ રૂપે સ્થાપવો મારા માટે મુશ્કેલ હતું એટલે જ લગ્ન પહેલાં જ્યારે બાનો પત્ર મળ્યો કે લગ્ન પછી આપણે સૌ કોલંબો જઈશું, તું તૈયારી રાખજે, ત્યારે બાને મેં અત્યંત સહજભાવે લખી નાંખેલું કે તમારા સૌની સાથે પ્રવાસે આવવું ગમે, પરંતુ બાબાને છોડીને ત્યાં આવું કે તરત સહેલગાહે નીકળી જવું મને નહીં ફાવે. ભાવનગરમાં ‘સર્વોદય-પાત્ર’નો કાર્યક્રમ ઉઠાવીને જ હું બાબાનો વિયોગ સહન કરી શકીશ . . . ! પણ બાએ કશું જ મનમાં ન રાખ્યું. લગ્ન બાદ પહેલી વાર ભાવનગર આવી. રાંધણિયા પર તપેલું મૂકવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે લાપસી તારે રાંધવાની છે. ત્યારે બાને ખૂણે લઈ જઈને હું કહી શકી હતી કે બા, મને લાપસી શું, સાદી રસોઈ સિવાય બીજું કશું બનાવતાં આવડતું નથી. પરંતુ બાએ કહી દીધું, ‘કશો વાંધો નહીં, હું છું ને ?’ અને પછી તો બા દીકરીને શીખવે તેમ મને એકેક વાનગી શીખવતાં રહ્યાં. હું એમની હાથવાટકી બની ગઈ. એ માંગે ‘ત્રાંસ’ હું ‘કથરોટ’ હાજર કરું. ક્યારેક સમજણ ન પદે તો અરુણને જઈને અર્થ પૂછી આવું. જિંદગીમાં ક્યારેય સગડી સળગાવી નહોતી. તેમાં ભાવનગરમાં પથ્થરના કોલસાની સગડી, ક્યારેય એનાં નામ-રૂપ ઓળખ્યાં નહોતાં. એને સળગાવવાની ખાસ પદ્ધતિ. મારી સગડી ધુમાડા જ કાઢ્યા કરે. પછી એક, બે, ત્રણ એમ ક્રમાંક સમજાવી બાએ સગડી પેટાવતાં શીખવ્યું.

લગ્ન બાદ થોડા જ દિવસોમાં બા કહે, ‘જો બેટા, મેં મારી મોટી વહુને એટલે કે મધુને સોનાની બંગડી વગેરે આપ્યું છે. તને પણ મારી બંગડી આપવા માંગું છું. ત્યારે મારા અડવા હાથ સામું જોઈ મેં બાને કહેલું, ‘બા, તમે આપો ને હું ન લઉં તે મને ન ગમે. પરંતુ સમાજની ગરીબી જોયા પછી સોનાની બંગડીને હું સાંખી નહીં શકું. પરંતુ તમારી આટલી લાગણી છે, એટલે ભલે; કાચની કે પ્લાસ્ટિકની બંગડીઓ પહેરીશ.’ અને બા જીવ્યાં ત્યાં સુધી મારા હાથને મેં બંગડી વિહોણા ન રાખ્યા. . . આ પ્રસંગે પણ બાએ રિવાજ કે સગાંવહાલાંને સામે ધરી કશુંજ સાસુપણું દાખવ્યું નહીં. ધીરે ધીરે અમારી દોસ્તી વધતી જતી હતી. આમ તો બાને આખો દિવસ અતંત વ્યસ્તતામાં જ ગુજારવો પડતો. સવારે ઊઠીને નાહી-ધોઈ પરવારી તરત હાથમાં ટિફિન લઈ ઘર છોડી દેવું પડતું, તે ઠેઠ સાંજે છ વાગ્યે ઘેર આવતાં. આવે ત્યારે એટલાં થાકી જતાં કે ગરમાગરમ ચા પીવા પણ અંદર આવી ન શકતા. બહાર ખાટલા પર જ વાંસો આડો કરતાં. પછી તો જમીએ કરીએ, ઓટલે બેસી થોડાંક ગપ્પાં મારીએ ત્યાં સૂવાનો સમય થઈ જાય. પણ આટલી વ્યસ્તતા વચ્ચે પણ રોજ જોવા મળતું એક દૃશ્ય આજે પણ મારી નજર સમક્ષ છે. અંદરનાં ઓરડામાં કબાટમાં જડેલા આયના સામે ઊભા રહી રોજ કસરત કરતાં. મહેશે કદાચ બાના જ આ સંસ્કાર ઝીલ્યા હશે. બાની દેહાકૃતિ પણ સૌષ્ઠવયુક્ત હતી. સ્ત્રીઓની સામાન્ય ઊંચાઈ કરતાં વધુ ઊંચાઈ, માપસરની દેહયષ્ટિ, ઘઉંવર્ણો રંગ ! ખાદીની સફેદ સાડીમાં એમનું વ્યક્તિત્વ દીપી ઊઠતું. બાપુજી પ્રમાણમાં ઠીંગણા લાગે. સવારની ચા બા બાપુજી સાથે હીંચકે ઝૂલતાં ઝૂલતાં પીએ ત્યારે આગલો ઓરડો શીળી છાંયાથી ભર્યો ભર્યો હૂંફાળો લાગે. બાપુજી પોતે તો ચા ન જ પીએ. કોઈને પિવડાવે પણ નહીં. પણ બાના માથાના દુખાવાને કારણે ઘરમાં ચા-પાણીને પરવાનગી મળેલી. આત્મારામભાઈના ઘરમાં ચા-પ્રવેશનો વારસો લગભગ વહુઓએ જ સંભાળ્યો.

હીંચકાની સામે જ બારી પાસે બાનો પલંગ રહે. એક વાર બાપુજીના શરાબબંધી માટે આમરણ ઉપવાસ ચાલતા હતા. આખું કુટુંબ ભેળું થઈ ગયું હતું. જેમ જેમ દિવસો વધતા જતા હતા તેમ તેમ મહેમાનો, મુલાકાતીઓની અવરજવર પણ વધી ગઈ હતી. જાદવજીભાઈ, વજુભાઈ જેવા સ્નેહીજન તો વિચારવિમર્શ માટે લગભગ આંતરે દિવસે આવતા રહેતા. કલાકો સુધી ચર્ચા-વિચારણા ચાલતી. બા ચૂપચાપ બેસીને બધું સાંભળતા રહે. રાતે જમવા બેસીએ ત્યારે બાને બહાર બોલાવવા જઈએ. બહારના ઝૂલા પર બા એકલવાયા બેઠાં હોય, જમવા આવવાનું કહીએ તો કહેશે, ‘બેટા, તમે બધાં જમી લો ! હું ભૂખ લાગશે તો મોડેથી જમી લઈશ . . . ! એમના મોં પર સ્પષ્ટ વંચાતું કે બાપુજીના ઉપવાસનો માર અહીં ઝિલાઈ રહ્યો છે ! બા લગભગ મૌન જ રહેતાં. ન કશી ચર્ચા, ન ટીકા-ટિપ્પણી, બસ મૂંગાં મૂંગાં બધું સાંભળ્યાં કરે અને ખાલી નજરે બધું જોયા કરે. ઉપવાસ ધીરે ધીરે ત્રીસ દિવસનો આંક વટાવી રહ્યો હતો. તબિયત લથડવા લાગી હતી. એવામાં વજુભાઈ સમાચાર લાવ્યા કે દારૂબંધી અંગેની એક રાષ્ટ્રીય તપાસ સમિતિના પ્રમુખ ટેકચંદ અમદાવાદ આવે છે. એમને સમજાવીને કંઈક આશ્વાસન મેળવી શકાય તો કદાચ ઉપવાસ છૂટે. કોણ મળવા જાય એના અંગે ઘણી ચર્ચા થઈ. આખરે પસંદગી મારા પર ઊતરી. આશાનું આ જ એક કિરણ હતું એટલે સૌની નજર આ મુલાકાત પર હતી. વજુભાઈ પાસેથી બધી દલીલોની વિગતો એકઠી કરી હું જવા માટે તૈયાર થઈ. મારા મનમાં પણ ‘શું થશે’નો થડકો હતો. ભણતી હતી, ત્યારથી મારા મનમાં એક ગાંઠ પડી ગયેલી કે મને કાળો રંગ ફળે છે ! પરીક્ષાને દિવસે કાળું ફ્રોક પહેરીને જતી. પહેલો-બીજો નંબર આવ્યાનો સઘળો યશ પેલો કાળો રંગ લઈ જતો. પણ આવા મહત્વના પ્રસંગે કાળી સાડી પહેરીશ તો મને કપાળે કાળો ચાંદલો કરવા બદલ ટોકતાં ફોઈ યાદ આવી ગયાં. છતાંય મન કાઠું કરીને હું બા પાસે ગઈ. કહ્યું, ‘વહેમ ગણો તો વહેમ, પણ મારું મન કહે છે કે કાળી સાડી પહેરીને જાઉં !’ બાએ ઘડીભર થોભીને કહ્યું, ‘ભલે બેટા, જેમ ઠીક લાગે તેમ કર.’ અને હું કાળી સાડી પહેરીને ટેકચંદજીનું એવું આશ્વાસન લઈને આવી કે એ રામબાણ નીવડ્યું અને બાપુજીએ 40મા દિવસે ઉપવાસ છોડ્યા.

અમીના જન્મ નિમિત્તે અમદાવાદ જવાનું નક્કી થયું એટલે સામાજિક કામોની તારીખો જોઈ બા-બાપુજીને કહી દીધું કે ફલાણી તારીખે અરુણ મને અમદાવાદ મૂકવા આવશે. તારીખ નક્કી થઈ ગઈ, તૈયારીઓ પન થઈ ગઈ, પરંતુ અચાનક બાના ધ્યાનમાં આવ્યું કે તે તારીખે તો બુધવાર છે. અને બુધવારે આવા કામ માટે જવાની બાએ ના પાડી. પરંતુ બાપુજીએ કહ્યું કે હવે નક્કી કર્યા પછી આવા વહેમમાં ન પડાય. બુધવારે જવાનું એટલે જવાનું ! અમારા માટે તો અઠવડિયાના બધા વાર એકસરખા હતા, પરંતુ ‘બાની ઈચ્છા’નું મૂલ્ય અમારે મન મોટું હતું. બાપુજી મને કહેતા રહ્યા કે તારી ક્રાંતિની આ પ્રસંગે જ કસોટી છે, જોજે હારી ન જાય ! પરંતુ મારે મારી ક્રાંતિને આવા ચૂડી-ચાંદલા કે શુકન-અપશુકનમાં કેદ નહોતી કરી લેવી. મેં કહી દીધું કે બા જે કહે તે મને મંજૂર છે ! બાપુજીનો અતિ આગ્રહ જોઈ આખરે બાએ તોડ કાઢ્યો કે મારી એકાદી સાડી આગલા દિવસે મોટી બાને ત્યાં પહોંચાડી મારી વિદાયનું નાટક કરી લઈ મન વાળી દીધું. બાની આવી અનાગ્રહી વૃત્તિને કારણે ક્યારેય એમને આક્રમક થતાં નથી જોયાં. હું હંમેશાં જોતી કે મધુભાભી બાને પગે લાગે ત્યારે એમના પગ દાબે પહેલાં તો મને સમજાય નહીં કે ભાભી નીચાં વળીને આ શું કરે છે, પરંતુ ઝીણી નજરે જોયું ત્યારે સમજાયું, પણ મને તો કદી આવું પગ દાબવાનું સૂઝ્યુંય નહીં ને ફાવ્યું પણ નહીં. બસ, વાંકી વળીને પગે લાગી લેતી અને બાના ભરપૂર આશીર્વાદ મળી જતાં. આ કારણે બાએ કદાપિ કોઈ વેરોઆંતરો કે ગમો-અણગમો દાખવ્યો નહીં.

ક્યારેક હીંચકા પર સાથે ઝૂલતાં ઝૂલતાં બા પુરાણા દિવસોની વીતકકથા કહેતાં. વચ્ચે વચ્ચે હું પ્રશ્નો પૂછતી રહેતી. બાએ ત્યારે દિલ ખોલીને બાપુજી સાથેના લગ્ન પછીનાં આરંભનાં વર્ષોની વાત, આઝાદીનાં આંદોલનોની વાત, સત્યાગ્રહ કરી જેલવાસ ભોગવ્યાની વાતો – લગભગ બધું અથેતિ સંભળાવેલું. સમાજનાં પુરાણાં મૂલ્યો અને વિચારો હજુ નામશેષ થયાં નહોતાં અને અને નવાં મૂલ્યોની હજુ કૂંપળો ફૂટી નહોતી, એવા સંધિકાળમાં સિદ્ધાંતો કે મૂલ્યોને નામે એમને જે કાંઈ સહન કરવું પડ્યું તે સાંભળી મારી આંખોની અશ્રુધારા વહેતી. પરંતુ એ સ્વસ્થતા અને તટસ્થતાપૂર્વક સંપૂર્ણ આપવીતી કહી શકતાં. લગ્ન પછીનો ખાદીનો સત્યાગ્રહ યો ઠીક, પણ આહારવિહારમાં પણ અસ્વાદના પ્રયોગોમાં સામેલ થવું પડ્યું – એ બધું સાંભળવું અઘરું પડતું હતું. મંદિરમાં જઈ મૂર્તિ પૂજવાની વાત તો નહીં, પણ પાણિયારે દીવો મૂકવામાં કે પ્રસૂતિ માટે દવાખાને પહોંચાડવા ઘોડાગાડીમાં બેસવા અંગે પણ રકઝક થાય એઅસહ્ય લાગતું. બધું સંભળીને મનમાંથી આટલા જ ઉદગાર નીકળતા કે બા, બાપુજીને તો તમે જ જીરવી શકો. સિંહણનું દૂધ સુવર્ણપાત્ર જ ઝીલી શકે એ રીતે આવા આકરા આગ્રહો તમેજ પચાવી શકો. પતિને અનુસરતા રહેવાની આટલી દૃઢતા હોવા છતાં બાએ પોતાની સ્વતંત્ર અસ્મિતા ગુમાવી નહોતી. મોટા વૃક્ષની છાયામાં એમનું જીવનપુષ્પ પૂર્ણપણે ખીલી પોતાનું માધુર્ય ફેલાવી શકતું હતું. બંને પુત્રો સમાજને અર્પણ કર્યા બાદ ત્રીજા મહેન્દ્રને પણ પોતાના આત્માની વિરુદ્ધ કશું ન કરવા માટે અને સમાજસેવાને પંથે જવા દઈ કુટુંબનો સઘળો ભાર પોતાના ખભે ટકાવી રાખવાની જે ક્રાંતિકારિતા આ નારીએ દાખવી જાણી તે ભલભલા ભડવીરો માટે અશક્ય હતી. પોતાનું સર્વસ્વ પરિવારને ચરણે નિચોવી દઈ કદીય કોઈ રોદણાં કે આપવડાઈ કર્યા વગર બધું સહજપણે જીવતાં ગયાં – એ એમના જીવનમંદિરની સુવર્ણકળશરૂપ ઘટના છે.

વળી, મા દીકરા પાસે આશા ન રાખે, પણ વહુ પાસે તો રાખી શકે. પરંતુ લગ્ન બાદ બેત્રણ મહિનામાં જ અમે અડતાળા ગામે જઈ વસવાની વાત મૂકી ત્યારે પણ સીધી કે આડકતરી રીતે પોતાની કોઈ અપેક્ષા સામે ન ધરી. ત્યારબાદ ગામડાંને બદલે વડોદરા આવવાનું નક્કી થયું ત્યારે પણ સંમતિ જ સંમતિ ! બાનું આખું જીવન જાણે ‘અનુકૂળતા’ને કાંઠે જ વહેતું રહ્યું. બાપુજીને અનુકૂળ થયાં. દેશની વિષમ પરિસ્થિતિને અનુકૂળ થયાં, બે નાનકડાં વ્હાલસોયા દીકરા સાથે વેઠવા પડેલા જેલવાસને અનુકૂળ થયાં. સ્વરાજ્યનું ધ્યેય હાંસલ કર્યા બાદ હાશકારો કરી શાંતિથી ગૃહિણીપદ ભોગવાને બદલે નોકરી કરાઅ અનુકૂળ થયાં અને ત્યાર બાદ એકેક દીકરાને સમાજને સોંપવા અનુકૂળતા દાખવી એ અનુકૂળ-શિરોમણી અરુંધતી બની જીવ્યાં. કદી કોઈના માર્ગમાં આડે ન આવ્યાં. વિનોબાના શબ્દોમાં બાનું જીવન એટલે ‘ઓમ’ની ઉપાસના. ‘ઓમ’ એટલે સતત હા, હા અને હા જ. ના પાડવાનો પૂરો હક્ક હોવા છતાંય એમના મુખેથી કદી નકાર ન નીકળ્યો. આ એમનું વિભૂતિમત્વ હતું. સર્વસાધારણ રીતે આ ચીજ દુર્લભ છે ! બસ, બાના સાંનિધ્યના બે-ચાર માસના આ અનુભવો છે. વડોદરા વાસ પછી તો બે-ત્રણ પત્રોની આપ-લે અને કુટુંબના વિશેષ પ્રસંગોના સહિયારા અનુભવો સિવાય ઝાઝું કશું નથી, પરંતુ કોઈ ઘટના નથી એટલે બધું શૂન્યમય છે એવું નથી. ભાવ રૂપે એ સતત હૃદયમાં રહ્યાં. વડોદરામાં મળેલાં નવાં બા (પ્રબોધ ચોક્સીના બા)માં બાની પ્રતિમૂર્તિ ઝીલતાં રહી સતત હૂંફ અને ઉષ્મા ભોગવતાં રહ્યાં. એક પ્રસંગ યાદ આવે છે. કોઈ મિત્રે અત્યંત આકર્ષક અને સુંદર કપ-રકાબીનો સેટ ભેટ આપ્યો ત્યારે થયું કે આ કપમાં તો બા ચા પીએ એ જ શોભે. બાને મોકલાવી આપ્યાં. થોડા વખત બાદ ભાવનગર જવાનું થયું તો કપ-રકાબી શોકેસમાં. બાને પૂછ્યું તો કહે – મને થયું કે આવાં સરસ કપ-રકાબી છે તો સાચવી રાખું. છોકરાં વાપરશે. ત્યારે તરત જ એક સેટ બહાર કાઢીને બાને એમાં ચા પિવડાવવાનું યાદ છે. સહેવાની વાત આવે ત્યારે ‘હું’ અને ભોગવવાની વાત આવે ત્યારે ‘છોકરાં !’

અમારું સખીપણું સાડીઓના સહિયારાપણામાં પણ ચાલતું. આરંભના જ દિવસોમાં બાએ કબાટ ખોલી બે-ચાર સાડીઓનું પોટલું ખોલી મને કહી દીધું હતું કે તને જ્યારે જે ગમે તે સાડી તું આમાંથી પહેરજે. ત્યારે તો મારી પાસે ગણીગાંઠી સાડીઓ જ હતી. વડોદરાનું ઘર સાવ નાનું હતું એટલે વધારાની સાડીઓની પેટી ભાવનગર જ મૂકી રાખીને બાને કહી દીધું હતું કે તમે પણ આ સાડીઓ વાપરજો. અમારી વચ્ચે ક્યારેય તારું-મારું ન આવ્યું. વડોદરા રહેવાનું નક્કી થયું ત્યારે કહી દીધું કે તારે જે કાંઈ ઠામવાસણ કે પાગરણ વગેરે જોઈએ તે અહીંથી લઈ જા. પોતાની ભીતર ક્રાંતિ તત્વનો મોટો દરિયો ઘૂઘવતો છતાં બહારથી એ સર્વસામાન્ય બનીને લોકોમાં ભળી જતાં. મારા બાપુજી કહેતા – આત્મારામભાઈને એમના સિદ્ધાંતોને કારણે કેમ સાચવવા કે સત્કારવા એ મૂંઝવણનો વિષય થઈ પડે, પરંતુ દુર્ગાબહેન તો પોતાનાં જ માણસ લાગે. એમની સાથે મોકળે મને વાતો થાય. ભાવનગર આવવાનું મન થાય તો એમને મળવાના લોભે જ મન થાય. મારાં દાદીમાનું નામ પણ દુર્ગા હતું અને મારા દાદાનું નામ ‘પ્રભાશંકર’ હતું. આમ ‘દુર્ગા’ સાથેનું ઋણાનુંબંધ પણ પ્રગટ થતું. અમીને લઈને ભાવનગર જવાનું થતું, ત્યારે ‘મારો દીકરો આવ્યો બોલીને ઢગલો વહાલ કરે. બા 1966ની 26 એપ્રિલે ગયાં. અમારો 24મી એપ્રિલે ભાવનગર પહોંચવાનો કાર્યક્રમ અગાઉથી નક્કી થઈ ગયેલો. આ બાજુ અચાનક અમીનું કાકડાનું ઑપરેશન નક્કી થયું અને એ બાજુ અચાનક 26મી એપ્રિલે બાનું હૃદયના હુમલાથી અવસાન થયું. ભાવનગર ગયાં ત્યારે સાંભળવા મળ્યું કે – હજું હમણાં તો દુર્ગાબહેન હોંશભેર કહેતાં હતાં કે મારાં અરુણ-મીરાં અને અમી આવવાના છે.’ પણ છેટું પડી ગયું. બા અચાનક ગયાં. અત્યંત નિસ્પૃહ ભાવે દરિયા જેટલું વહાલ ઠાલવીને પોતાને પંથે જતાં રહ્યાં ! જરૂર કોઈ અસાધારણ જીવાત્મા ! ભલે બાહ્ય પરિવેશ સર્વસાધારણતાનો, પણ ભીતરથી સાગરમાં ઊભેલા કોઈ પ્રકાશદ્વીપ સમો. અંતરાત્માના દીવડે ઝળહળતો દ્વીપ ! એમના જીવનના આ શતાબ્દી પ્રસંગે એમના ચરણોમાં અનંતાનંત પ્રણામ !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “બા – માતૃત્વની આત્મશક્તિ – મીરા ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.