સહેલાણીઓનો દેશ સિંગાપોર – પ્રવીણ શાહ

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9426835948 અથવા આ સરનામે pravinkshah@gmail.com સંપર્ક કરી શકો છો.]

2_Merlion (640x480)

સિંગાપોર વિષે તો આપણે બધાએ ઘણુ સાંભળ્યું છે અને ઘણુ વાંચ્યું છે. ઘણાએ તો સિંગાપોર જોયું પણ હશે. તમારે એક સુંદર, સ્વચ્છ, પ્રદૂષણરહિત અને રળિયામણો દેશ જોવો હોય તો સિંગાપોરની એક વખત મુલાકાત લેવી જોઈએ. એક ટાપુ પર વસેલો અને માત્ર ૩૫ લાખની વસ્તી ધરાવતો દેશ આખુ વર્ષ સહેલાણીઓથી ઉભરાય છે. સિંગાપોર આટલો નાનકડો દેશ હોવા છતાં દેશવિદેશમાં જાણીતો છે. સિંગાપોરના આવા આકર્ષણથી અમે સિંગાપોરનો એક પ્રવાસ ગોઠવી કાઢ્યો.

સિંગાપોર ભારતથી પૂર્વમાં અને થોડે દક્ષિણે બંગાળાના ઉપસાગરમાં આવેલો ટાપુ છે. તેની લંબાઈ ૪૨ કી.મી., પહોળાઈ ૨૩ કી.મી. અને વિસ્તાર આશરે ૬૦૦ ચો.કી.મી. છે. ચેન્નાઈ(મદ્રાસ)થી સિંગાપોરનું અંતર ૩૦૦૦ કી.મી. જેટલું છે. સિંગાપોર જવા માટે ચેન્નાઈથી સ્ટીમર તેમ જ વિમાની સેવા ઉપલબ્ધ છે. સિંગાપોરનું ચાંગી એરપોર્ટ દુનિયાના ઘણા બધા દેશો સાથે સંકળાયેલું છે. સિંગાપોરની ઉત્તરે મલેશિયા અને દક્ષિણે ઇન્ડોનેશિયા દેશ આવેલા છે. સિંગાપોરથી ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા નજીક ગણાય. અમે અમદાવાદથી ચેન્નાઈ અને ત્યાંથી બંગાળાના ઉપસાગર, આંદામાન-નિકોબાર, સુમાત્રા, મલેશિયા વગેરે દેશો પરથી ઉડીને સિંગાપોર પહોંચ્યા. વિમાનમાંથી ઉતર્યા ત્યારે વિદેશની ધરતી પર પગ મૂક્યાનો રોમાંચ થયો. આમ તો ધરતી બધે જ સરખી છે, પણ માણસોએ દેશ-દેશ વહેંચી લીધા છે.

ભૌગોલિક દ્રષ્ટિએ જોતાં, સિંગાપોર લગભગ વિષુવવૃત પર આવેલું છે. એટલે ત્યાંની આબોહવા આપણા દક્ષિણ ભારત જેવી ગણાય. આમ છતાં તે ટાપુ હોવાથી ત્યાં બારે માસ વરસાદી વાદળ છવાયેલાં રહે છે. વરસાદ ક્યારે તૂટી પડશે એ કહેવાય નહિ. મુંબઈની જેમ, ત્યાં પરસેવો પણ સખત થાય. સિંગાપોરનો સમય, આપણા દેશના સમય કરતાં અઢી કલાક આગળ છે. આપણે સવારે પાંચ વાગે હજુ ઉંઘતા હોઈએ, ત્યારે સિંગાપોરમાં સાત વાગ્યા હોય અને લોકોને ચાપાણી પતી ગયાં હોય. સિંગાપોરનું નાણું સિંગાપોર ડોલર છે.

સિંગાપોરમાં કોઈ મોટા ઉદ્યોગોનો વિકાસ થયો નથી. જમીન ફળદ્રુપ નથી, એટલે ખેતી પણ થતી નથી. પશુપાલનનો વ્યવસાય પણ નથી. અહીં તમને ક્યાંય ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, ઉંટ વગેરે જોવા નહિ મળે. કૂતરાં પણ નહિ. હા, કો’ક બિલાડી જોવા મળી જાય ખરી. તમને પ્રશ્ન થશે કે ખેતીવાડી કે પશુઓ વગર અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, ફળ વગેરે ક્યાંથી મળે ? આ બધી જ ચીજો અહીં મલેશિયાથી આયાત થાય છે. સિંગાપોર અને મલેશિયા વચ્ચેનો દરિયાઈ પટ્ટો ફક્ત એક કી.મી. જેટલો જ પહોળો છે. સિંગાપોરનું બંદર ખૂબ જ મોટુ અને આધુનિક છે, અને રોજ ટનબંધી માલ સિંગાપોરના કાંઠે ઉતરે છે. આ બંને દેશોને જોડતો રેલ્વે તેમ જ સડક માર્ગ પણ છે. જો કે મલેશિયા જવું હોય તો તેનો વિસા લેવો પડે છે. સિંગાપોરમાં ખેતી કે ઉદ્યોગો ન હોવાથી, કમાણી માટેનું કંઇક સાધન તો શોધવું પડે ને ? સિંગાપોરે આ માટે પ્રવાસન(tourism)નો ધંધો વિકસાવ્યો છે. બલ્કે અહીનો મુખ્ય ધંધો જ ટુરિઝમનો છે. આખું વર્ષ દેશવિદેશના પ્રવાસીઓ અહીં આવ્યા જ કરે તેવાં આકર્ષણો ઉભાં કર્યાં છે.

પ્રથમ તો તમે સિંગાપોરનું ચાંગી એરપોર્ટ જોઈને જ ખુશ થઇ જશો. આખું એરકન્ડીશન્ડ કલરફૂલ બિલ્ડીંગ, એસ્કેલેટર્સ, જમીન પર જાજમ, ટુરીસ્ટ જગાઓની માહિતી દર્શાવતાં ચોપાનિયાં, નકશા – આ બધુ જોઈને સિંગાપોરમાં ફરવાનું મન અહીંથી જ થઇ જાય. સિંગાપોરમાં બધાં જ મકાનોને થોડા થોડા વખતે રંગવાની પ્રથા છે, એટલે અહીંનો કોઈ પણ વિસ્તાર હંમેશાં નવોનકોર જ લાગે. અહીંની ટ્રેન વ્યવસ્થા અફલાતૂન છે. તે MRT (Mass Rapid Transit)ના નામે ઓળખાય છે. મુખ્ય રેલ્વે લાઈન પૂર્વ-પશ્ચિમ આશરે ૩૪ કી.મી. લાંબી છે. તેમાં મોટા ભાગનો રસ્તો થાંભલાઓ પર છે. નીચે થાંભલાઓની વચ્ચેથી રોડ પણ પસાર થાય. શહેરના મધ્ય ભાગમાં જ્યાં વ્યાપારી વિસ્તાર અને ઓફિસો આવેલી છે ત્યાં રેલ્વે અન્ડરગ્રાઉન્ડ હોય. ટ્રેનનો માર્ગ જમીન પર ન હોવાથી ક્યાંય રેલ્વે ક્રોસિંગ ન હોય. આથી વાહનવ્યવહાર કેટલો સરળતાથી ચાલે ! દરેક સ્ટેશને ઉપર ચડવા કે અન્ડરગ્રાઉન્ડમાં ઉતરવા એસ્કેલેટર હોય. સ્ટેશનનું પ્લેટફોર્મ સરસ લીસી રંગીન ટાઈલ્સથી મઢેલું હોય. પ્લેટફોર્મ પર તથા ટ્રેનના બારણા આગળ અંદર-બહાર રેલ્વે મેપ દોરેલો હોય. ટીકીટ માટે પાસ કઢાવી લેવાનો એટલે રોજ ટીકીટ લેવાની ઝંઝટ નહિ. પાસ ગેટના કાણામાં નાખો તો જ લીવર ખુલે અને પ્લેટફોર્મ પર જવાય, એટલે વગર ટીકીટે મુસાફરી શક્ય જ નથી. બીજી એક ખાસ વ્યવસ્થા એ છે કે રેલવેનો પાસ, સીટી બસમાં પણ ટીકીટ માટે વાપરી શકાય છે. ટ્રેનો, બસો બધું જ એરકન્ડીશન્ડ અને પ્લેટફોર્મ પર ખાણીપીણી વેચનારા ફેરિયા પર સંપૂર્ણ પ્રતિબંધ. પહેલે દિવસે તો પહોંચીને આરામ કર્યો. બીજે દિવસે બપોરે અમે બસમાં બેસીને સાયન્સ સેન્ટર જોવા ગયા. તેનું પ્રવેશદ્વાર ભવ્ય છે. અહીં ઓમ્ની થીયેટર, સીમ્યુલેટર અને સાયન્સ વિભાગ જોવા જેવા છે. ઓમ્ની થીયેટરમાં મોટા અર્ધગોળાકાર કરતાં યે મોટા ભાગમાં પડદો છે. પડદો સામે, ઉપર અને આજુબાજુ વિસ્તરેલો હોવાથી તેના પર રજૂ થતુ વૈજ્ઞાનિક મૂવી ચિત્ર તાજુબ કરી દે છે. આપણે એ દ્રશ્યોમાંના એક હોઈએ એવો અનુભવ થાય છે.

સીમ્યુલેટરની મજા તો કંઇ ઓર જ છે. ખુરશી પર બેસીને સામે પડદા પર જે દ્રશ્ય જોતા હોઈએ એ દ્રશ્ય પ્રમાણે ખુરશી આગળ, પાછળ, ઉપરનીચે, આજુબાજુ એમ જાતજાતની રીતે હાલતી હોય છે એટલે આપણે એ દ્રશ્ય સાથે ફરતા-દોડતા-પડતા હોઈએ એવો ભાસ થાય છે. એક વાર આ અનુભવ કરવા જેવો ખરો ! જો કે હવે તો અમદાવાદમાં પણ સાયન્સસીટીમાં આવાં સીમ્યુલેટર આવી ગયાં છે. સાંજ પડી ગઈ એટલે અહી થોડુક જોવાનું બાકી રહી ગયું. ટ્રેનમાં બેસીને પાછા આવ્યા.

બીજા દિવસે ‘હાઉ પર વિલા’ જોવા ગયા. આ સ્થળ ચીની સંસ્કૃતિનું પ્રતિક છે. અહીં ચીની ધર્મગ્રંથો પર આધારિત, જીવન અને મૃત્યુની ફિલોસોફી દર્શાવતી વિશાળ પ્રતિમાઓ ઉભી કરેલી છે. જોવાનું ગમે એવું છે. સિંગાપોરમાં પ્રવાસીઓને ખરીદી કરવાનું જબરૂ આકર્ષણ છે. અહીં ખરીદી માટે મોટા ભવ્ય સ્ટોર છે. દરેક સ્ટોરમાંથી તમને જોઈતી બધી વસ્તુ મળી રહે. હવે તો જો કે આપણે ત્યાં પણ સ્ટોર અને મોલ કલ્ચર આવી ગયું છે. સિંગાપોરની લગભગ મધ્યમાં આવેલ સીટી હોલ નામના સ્ટેશનની આજુબાજુનો વિસ્તાર, મુખ્ય વ્યાપારી વિસ્તાર છે. અહીં સનટેક સીટી નામનો ખૂબ ભવ્ય સ્ટોર છે. આ જગાએ એક મોટો ફુવારો છે, તે fountain of wealthના નામે ઓળખાય છે. દુનિયામાં મોટામાં મોટા ફુવારા તરીકે ગીનેસ બૂકમાં તેનું નામ છે. આ એક જોવાલાયક જગા છે. આ વિસ્તાર એટલો ભવ્ય છે કે તેને માટે ‘ભવ્ય’ શબ્દ નાનો લાગે. હાઉ પર વિલા જોયા પછી અમે આ વિસ્તારમાં ફર્યા અને બરાબરના થાક્યા.

સિંગાપોરની વચમાંથી પસાર થતી નદીના કિનારે મરલીઓન પાર્ક છે. તેમાં મરલીઓનનું મોટુ પૂતળુ ઉભુ કરેલુ છે. આ પૂતળાનો માથાનો ભાગ સિંહનો અને બાકીનો ભાગ માછલીના આકારનો બનાવેલો છે. મરલીઓન એ સિંગાપોરની ઓળખ છે અને તે “સિંગાપોર સહેલાણીઓનો દેશ છે” એવું દર્શાવતું પ્રતિક છે. આ વિસ્તારમાં ઉંચાં ઉંચાં સ્કાયસ્ક્રેપર બિલ્ડીંગો આવેલાં છે. નદીમાં બોટમાં પ્રવાસ કરી શકાય છે. બીજા દિવસે અમે ડિસ્કવરી સેન્ટર જોવા નીકળ્યા. અહીં ઘણી અદભૂત અને મનોરંજક બાબતો જોવા મળે છે. દાખલ થતામાં જ એક રોબોટ ગોઠવેલો છે. તમે તેને કોઈ પ્રશ્ન પૂછો (બોલીને) તો તે તેનો જવાબ આપશે. દા.ત. તમે પૂછો કે ‘What is your name ?’ તે બોલશે, ‘My name is little George’ વિગેરે. અહી એક ૩-ડી શો તથા સીમ્યુલેટર પણ છે.
અહીંથી અમે સાયન્સ સેન્ટર ગયા. અને તે દિવસે જે જોવાનુ બાકી રહી ગયુ હતુ, તે બધુ જોયુ. વિમાનના સિધ્ધાંતો, રસાયણો, કોમ્પ્યુટર, અરીસા-એ બધુ જોવાની મજા આવી. અરીસાઓની ભૂલભૂલામણી ભલભલાને ગોથુ ખવડાવી દે તેવી છે. ટનલ ઓફ ઈલ્યુઝનમાં આપણે ખુરશી પર બેઠા હોવા છતાં, આપણી બાજુવાળાને આપણી ખુરશી ખાલી દેખાય છે. આવી ઘણી કરામતો અહીં છે. સાયન્સ સેન્ટરની બાજુમાં ચાઈનીઝ અને જાપાનીઝ ગાર્ડન આવેલા છે. અમે એક દિવસ બે મ્યુઝીયમ જોવા માટે ફાળવ્યો હતો. પહેલાં એશિયન સિવિલાઈઝેશન મ્યુઝીયમ જોવા ગયા. આજે જન્માષ્ટમી હતી, તેથી મ્યુઝીયમમાં શ્રીકૃષ્ણને લગતી માહિતી પ્રદર્શિત કરી હતી. આ જોઈને ખૂબ આનંદ થયો અને સંતોષ થયો કે ચાલો, સિંગાપોરમાં પણ લોકો શ્રીકૃષ્ણને જાણે છે ખરા ! એટલું જ નહિ, જન્માષ્ટમી પણ ઉજવે છે ! સિંગાપોરમાં શ્રીકૃષ્ણ મંદિર પણ આવેલું છે. બીજુ એક સિંગાપોર હિસ્ટ્રી મ્યુઝીયમ હતું, પણ ખાસ જોવા જેવું લાગ્યું નહિ.

પછીના દિવસે સિંગાપોરના ઉત્તર ભાગમાં આવેલા ઝુઓલોજીકલ ગાર્ડન અને નાઇટ સફારી જોવા ગયા. આ ગાર્ડનમાં વિવિધ પ્રાણીઓના શો જોવા જેવા છે. અહીં તમે ચિમ્પાન્ઝી સાથે ફોટો પડાવી શકો છો. ચિમ્પાન્ઝી આપણી બાજુમાં બેસી આપણા ખભા પર હાથ મૂકે, માણસની જેમ જ, અને એનો ફોટો પડે. અમે ફોટો પડાવ્યો જ. નાઇટ સફારીના પ્રવેશ આગળ એક શો હતો, તે જોયો. બિલાડી દસેક ફૂટ જેટલું ઉંચુ કુદીને ફેંકેલો ટુકડો ઝડપી લે – એવુ બધુ જોવાની મજા આવી ગઈ. નાઇટ સફારી રાત્રે અંધારુ થયા પછી શરુ થાય છે. અહીં વિશાલ જંગલમાં હરણ, વાઘ, સિંહ, વગેરે પ્રાણીઓ રાત્રે કેવી રીતે પોતાનો સમય વ્યતીત કરે છે, તે કુદરતી પરિસ્થિતિ જોવા મળે. આ બધુ તમે અવાજરહિત ગાડીમાં ફરતાં ફરતાં જોઈ શકો છો.

હવે સિંગાપોરમાં એક ખાસ જોવાલાયક સ્થળની વાત કરીએ. એ છે સેન્ટોસા ટાપુ. સેન્ટોસા ના જુઓ તો સિંગાપોરની મુલાકાત અધૂરી ગણાય. સેન્ટોસા એ સિંગાપોરની સાવ નજીક દક્ષિણે આવેલો નાનકડો ટાપુ છે. આ ટાપુ પર ફેરી બોટમાં, કેબલ કારમાં કે બસમાં બેસીને જવાય છે. એક વાર સેન્ટોસાની પ્રવેશ ટીકીટ લઇ લો પછી આ ટાપુ પર ફરતી મોનોરેલ કે બસમાં મફત ફરી શકાય છે. હા, અહી ફરવાના સ્થળોની જુદી ટીકીટ લેવાની રહે. અમે એક પેકેજ ટીકીટ લઈને પ્રથમ તો અન્ડરવોટર વર્લ્ડ જોવા ગયા. અહીં પ્રથમ તો બે માળ જેટલુ નીચે ભોંયરામાં ઉતરવાનું. ત્યાં એક લાંબી ટનલ છે, અને તેની આજુબાજુ, ઉપર – એમ બધી બાજુ કાચ અને મોટુ માછલીઘર છે. આપણે જાણે કે દરિયાને તળિયે ઉભા હોઈએ એવું લાગે. ફોર્ટ સીલોસોમાં બંકર્સ, સૈનિકોના પૂતળાં, તોપો અને સાથે વાગતી રેકોર્ડ – આ બધુ લડાઇનુ આબેહૂબ દ્રશ્ય ખડુ કરી દે છે. સીલોસો બીચ આગળ પોચી મખમલી રેતી, દરિયાનાં ચોખ્ખાં બ્લ્યુ પાણી અને તેમાં આવતાં મોજાં જોઈને એમ થાય કે બસ, આપણું અમદાવાદ ભૂલી જઇને અહીં દરિયાકિનારે બેસી જ રહીએ ! અહીં નહાવાની બહુ જ મજા આવે એવું છે.

સેન્ટોસા ટાપુની વચમાં જ દસ માળ ઉંચો મરલીઓન છે. તેમાં ટોચ સુધી જવા માટે લિફ્ટ છે. ઉપરથી આખો ટાપુ દેખાય છે. મરલીઓનની એક બાજુ માછલી આકારના ફુવારા બનાવ્યા છે. પાણીનો એક ટુકડો એક માછલી આકારમાંથી બીજામાં પડે, બીજામાંથી ત્રીજામાં – જાણે કે માછલીઓ કૂદતી દેખાય. મરલીઓનની બીજી બાજુ ફ્લાવર ટેરેસ છે. ફ્લાવર ટેરેસ એટલે ઢોળાવ પર બનાવેલા બગીચા. આ બગીચા બહુ જ સરસ દેખાય છે. મરલીઓનની સામે સાદા તથા ડાન્સીંગ ફુવારા છે, અને તેની જોડે મોટુ સ્ટેડીયમ છે. ડાન્સીંગ ફુવારાનો પ્રોગ્રામ સાંજે જોવાનો હતો. અહીંથી અમે ઇમેજીસ ઓફ સિંગાપોર, બટરફ્લાય પાર્ક, ફેન્ટેસી લેન્ડ અને વોલ્કેનો લેન્ડ જોવા ગયા. ઇમેજીસ ઓફ સિંગાપોરમાં ચીનની સંસ્કૃતિ, તહેવારો વગેરે પ્રદર્શિત કરેલું છે. ફેન્ટેસી લેન્ડમાં આપણા વોટર પાર્ક જેવી રાઈડ્સ છે. વોલ્કેનો લેન્ડમાં અઘોરી બાવાની ગુફા જેવું દ્રશ્ય ખડુ કર્યું છે. પછી એક આડાંઅવળાં પાટિયાં ઠોકીને બનાવેલી ખખડધજ લીફ્ટમાં બધાને પૂરી દઈ, લિફ્ટને ચારણીની જેમ બરાબર ધુણાવી નાખે. શરૂઆતમાં ડર લાગે પણ પછી મજા આવે.

અહીંથી અમે મ્યુઝીકલ ફુવારા આગળ પહોંચ્યા. અહી ૧ કલાકનો શો જોવાની મજા આવી ગઈ. ફુવારાના શોનો માહોલ એવો સરસ છે કે તે જોઈને આખા દિવસનો થાક ઉતરી જાય, મન પ્રસન્ન થઇ જાય. આ સમયે દસ માળ ઉંચા મરલીઓનની આંખોમાંથી નીકળતાં લેસર કિરણો પણ ફુવારાની સાથે નાચતાં હોય એ દ્રશ્ય કેટલું મનોહર લાગે ! સેન્ટોસા ટાપુની આ બધી ખૂબીઓ છે. આ ઉપરાંત, એશિયન વિલેજ, ઓર્ચિડ ગાર્ડન, મેરીટાઈમ મ્યુઝીયમ – કેટકેટલું ઉભુ કર્યું છે સેન્ટોસા ટાપુ પર ! એ બધા વિષે વિગતે લખવું હોય તો એક આખો નવો લેખ થાય. ટુરીસ્ટ માટે સેન્ટોસા એક આકર્ષક સ્થળ છે, તો સિંગાપોર માટે તે કમાણીનું સારું સાધન પણ છે.

પછીના દિવસે અમે ‘મગર અને સાપ’ પાર્ક તથા જ્યુરોંગ બર્ડ પાર્ક જોવા ગયા. મગર અને સાપ પાર્કમાં મગરના અને સાપના શો જોયા, ઠીક છે. તેની સામે જ બર્ડ પાર્ક છે, અને તે જોવાલાયક છે. અહીં દેશવિદેશનાં ઘણાં પક્ષીઓ જોવા મળે છે. પેન્ગવિન જોવાની મજા આવી. ઘણા બર્ડ શો જોવાની પણ મજા આવે છે. અમુક પક્ષી ટેલીફોનની રીંગ જેવો, હસવાનો, રડવાનો – એમ વિવિધ અવાજ કરી બતાવે છે. એક પક્ષી ડોકથી ચાંચ સુધીનો ભાગ હલાવી ડાન્સ કરી બતાવે છે. અમુક પક્ષી ઉડીને રીંગમાંથી પસાર થઇ જાય. એક જગાએ બોલતાં પક્ષી રાખેલાં છે. તેને તમે પૂછો કે ‘How are you ?’ તે બોલશે, ‘Fine’ ત્યાંથી આપણે ખસી જઈએ તો બોલે, ‘બાય, બાય…’(જાણે કે નાનાં છોકરાંને શીખવાડી રાખ્યું હોય તેમ !) બર્ડ પાર્કમાં પીલર પર દોડતી મોનોરેલમાં બેસવાનો આનંદ આવે છે. અહીં માનવનિર્મિત દુનિયાનો સૌથી ઉંચો ધોધ આવેલો છે, પણ ખાસ કંઇ આકર્ષક નથી. અહીંથી એક ગુજરાતી હોટેલમાં જમવા ગયા. સરસ હતું. સિંગાપોરમાં ગુજરાતી ડીશ મળે છે, એ જાણીને ઘણો આનંદ થયો.

સિંગાપોરમાં આ ઉપરાંત ઈસ્ટ કોસ્ટ પાર્ક, નદી કિનારાનાં ભવ્ય બિલ્ડીંગો, ભૂગર્ભનો બસ માર્ગ – વિગેરે જોવા જઈ શકાય. સિંગાપોર ઇલેક્ટ્રોનીક ચીજો માટે પણ જાણીતું છે. સિંગાપોરમાં ઘણાં હિંદુ મંદિરો છે. આ ઉપરાંત, દરિયાની ક્રુઝમાં બે કે ત્રણ દિવસ જલસાથી રહી શકાય છે. પૈસા પણ એવા જ તગડા ખર્ચવા પડે. એક ધ્યાન ખેંચે એવી બાબત એ છે કે આવાં સ્થળો તથા સ્ટોર કે ઓફિસો – દરેક જગાએ પાણી પીવાની અને ટોઈલેટની સગવડ હોય જ, અને તે પણ ખૂબ સ્વચ્છ.

સિંગાપોર વિષે બીજી થોડી વાતો કરીએ.
ઓગણીસમી સદી સુધી તો સિંગાપોર ટાપુ પર માત્ર છુટીછવાઈ વસ્તી હતી. ઇ.સ. ૧૮૧૯માં અહીં અંગ્રેજોનું આગમન થયું. સ્ટેમ્ફોર્ડ રેફલ્સ નામના એક અંગ્રેજને આ ટાપુનો વિકાસ કરવાનો વિચાર આવ્યો. ટાપુની મધ્યમાં સિંગાપોર નામની જ નદી વહે છે. રેફલ્સે આ નદીને કિનારે મોટાં આધુનિક મકાનો બંધાવ્યાં. પછી તો વધુ ને વધુ લોકો આ ટાપુ પર આવવા લાગ્યા. સિંગાપોર ચીનની નજીક હોવાને લીધે, ચીની લોકો વધુ સંખ્યામાં અહીં આવીને વસી ગયા. આપણે ત્યાંથી દક્ષિણ ભારતના તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના થોડા લોકો પણ ત્યાં પહોંચી ગયા. ધીરે ધીરે સિંગાપોર મોટું શહેર બની ગયું. આમ છતાં, તે અંગ્રેજોની ગુલામી હેઠળ જ રહ્યું. છેક ૧૯૬૩ સુધી અહીં અંગ્રેજોનો પગદંડો રહ્યો. ૧૯૬૩માં અંગ્રેજોએ સિંગાપોર, બાજુના દેશ મલેશિયાને સોંપી દીધું. મલેશિયાને સિંગાપોરમાં વહીવટ ચલાવવાનું બહુ ફાવ્યું નહિ. એટલે ફક્ત બે વર્ષ બાદ, ૧૯૬૫ માં તેમણે સિંગાપોરને સ્વતંત્ર કરી દીધું. ત્યારથી અહીં લોકશાહી ઢબે શાસન ચાલે છે. સિંગાપોરમાં ૭૦% વસ્તી ચીનાઓની છે. ૧૪% મલય પ્રજા છે, ૮% ભારતીયો છે અને બાકીના ખ્રિસ્તી, મુસ્લિમ વગેરે છે. સિંગાપોરમાં લીટલ ઇન્ડિયા અને ચાઈના ટાઉન જેવાં વિસ્તારો પણ છે.

સિંગાપોરમાં ઉડીને આંખે વળગે એવી ઘણી બાબતો છે. ત્યાંના રસ્તા અને ચોખ્ખાઈની વાત કરીએ. સિંગાપોર એ ટાપુ પર વસેલું મોટું શહેર છે. શહેરના રસ્તા સરસ બાંધણીવાળા અને ચોખ્ખા રહે તે માટે ત્યાંનું વ્યવસ્થાતંત્ર ખૂબ જાગૃત છે. અહીં રસ્તામાં ક્યાંય ખાડાટેકરા જોવા ન મળે, રસ્તાની બંને બાજુની ફૂટપાથ પાકી બાંધેલી હોય, ફૂટપાથ પર બેસાડેલા પથ્થર, હુબહુ આપણા ઘરની ટાઈલ્સની જેમ જડેલા હોય, એકાદ પથ્થર પણ જરાય ઉંચો કે નીચો ન હોય, ફૂટપાથ અને મકાન વચ્ચે વરસાદનું પાણી વહી જવા માટે પાકી અન્ડરગ્રાઉન્ડ મોટી નીક હોય, ફૂટપાથ અને મકાન વચ્ચે હજુ જે કંઇ જગા બાકી રહી હોય તેમાં લોન ઉગાડેલી હોય, આથી ક્યાંય ધૂળનું નામોનિશાન ન હોય. તમે સવારે બૂટ પહેરીને ફરવા નીકળો પછી સાંજે ઘેર પાછા આવો ત્યારે બૂટ પર ધૂળનો એક પણ કણ ચોંટ્યો ન હોય ! ફૂટપાથ પર, વરસાદી નીકમાં કે લોન પર ક્યાંય કાગળના ડૂચા,પ્લાસ્ટિકની કોથળીઓ, ગાભા, ઈંટોનાં રોડાં કે એવી કોઈ ચીજ જોવા ન મળે. કચરો, ફૂટપાથ પર થોડા થોડા અંતરે મૂકેલી પ્લાસ્ટિકની ઢાંકણાવાળી કચરાપેટીમાં જ નાખવાનો. કચરાપેટીની આજુબાજુ પણ ખૂબ ચોખ્ખાઈ હોય. ક્યાંય માંખો બણબણતી ન હોય, ગંદા પાણીની નીક ન હોય, પાણીનાં કાદવમિશ્રિત ખાબોચિયાં ન હોય કે ક્યાંય ગંદી વાસ ન આવતી હોય. ચોખ્ખાઈ બાબતમાં આપણે ખૂબ શીખવા જેવું છે. ફૂટપાથ પર ચાની લારી, પાનનો ગલ્લો કે પાથરણાવાળો ફેરિયો – કોઈ દુકાન માંડીને બેસી જાય નહિ. રસ્તા પર કોઈ દબાણ કરે જ નહિ.

ચાલતી વ્યક્તિએ રોડ ક્રોસ કરવો હોય તો ચાર રસ્તાના સિગ્નલ આગળથી જ કરવાનો. આમ છતાં, અન્ય જગાએથી રોડ ક્રોસ કરો તો સ્પીડમાં આવતી કાર ઉભી રહીને પણ તમને રોડ ક્રોસ કરી લેવા દે. માણસનું મહત્વ પહેલું. અહીંના લોકોને ફાસ્ટફૂડ ખાવાની ખૂબ આદત છે. જો કે આપણે ત્યાં પણ આ ટેવ વધતી જાય છે. સિંગાપોરમાં વ્યાપારી વિસ્તાર હોય કે રહેણાંકનો વિસ્તાર હોય, થોડા થોડા અંતરે આવી દુકાનો મળે જ. આવી દુકાનના ઓટલા પર ટેબલખુરશી વિગેરે હોય, પણ ઓટલો વિસ્તાર પામીને ક્યારેય ફૂટપાથ પર આવી જાય નહિ. આ બધુ જોયા પછી લાગે છે કે સિંગાપોરની સરકારે ટુરિઝમનો ધંધો ખૂબ જ સફળતાપૂર્વક વિકસાવ્યો છે. ફરવાના શોખીનોએ સિંગાપોર દેશ એક વાર તો જરૂર જોવો જોઈએ. ફરવા માટેનાં આવાં આકર્ષણો આપણા દેશમાં પણ કેટલાંયે છે. પરંતુ તેને વિકસાવીને, તેમાંથી નાણા કમાવાની દ્રષ્ટિનો અભાવ છે. સિંગાપોર દેશ ફક્ત આ એક જ ધંધા પર નભી શકતો હોય તો આપણે તો તેના કરતાં ક્યાંય સધ્ધર છીએ. જરૂર છે ફક્ત એક વિઝનની.

સિંગાપોર ફરવા જનાર લોકો પડોશી દેશ મલેશિયાની મુલાકાત લેવાનુ સાથે સાથે ગોઠવી દેતા હોય છે. મલેશિયામાં ખાસ જોવા જેવાં બે સ્થળો છે, એક જેન્ટીંગ હાઈલેન્ડ્સ અને બીજુ પેટ્રોનાસના જોડિયા ટાવરો. અમે સિંગાપોરનો એક અઠવાડિયાનો આ પ્રોગ્રામ બધુ જાતે ગોઠવીને બનાવ્યો હતો. રહેવાનું એક સંબંધીને ત્યાં રાખ્યું હતું. આજે સિંગાપોર – મલેશિયા ફરવા માટે ઘણી પેકેજ ટુરો મળે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

12 thoughts on “સહેલાણીઓનો દેશ સિંગાપોર – પ્રવીણ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.