દિવાળી ક્યાં છે ? એ તો ગઈ…… – મણિલાલ હ. પટેલ

જીવનનો અસલ આનંદ તો પ્રકૃતિની ગોદમાં જ મળે છે. યુરોપ અને અમેરિકાના દેશો પ્રકૃતિનો મંત્ર જાણતા ને પ્રમાણતા આવ્યા છે. પૂર્વની આપણી સંસ્કૃતિ તો પ્રકૃતિના પારણામાં ઊછરેલી છે. વળી પ્રકૃતિની કૃપા એ જ તો આપણું સાચું જીવન છે. છતાં યંત્રોના આક્રમણને આપણે વહાલું ગણતા રહ્યા અને પ્રકૃતિએ આપેલા જીવનમંત્રને ભૂલતા રહ્યા છીએ. પરિણામે ઋતુ-ઋતુના પર્વો-તહેવારોનો અસલ અર્થ અને ખરો આનંદ આપણે ગુમાવતા જઈએ છીએ… સગવડોને આપણે સુખ માની બેઠા છીએ. એટલે પેલો અંતરનો આનંદ આપણી ભીતરમાં જ દબાતો જાય છે. વરસાદની ઝડીઓમાં તથા ઝડઝમકમાં ન્હાવાનો આનંદ અને બાથરૂમમાં ‘શાવરબાથ’ની ગોઠવણ બંનેમાં જમીન-આભનું અંતર છે. વરસાદની ફુહારોનો સ્પર્શ વનરાજીને અને માનવલોકને પ્રફુલ્લિત કરીને અપૂર્વ આનંદ આપે છે.

આપણી દિવાળીનું મૂળ રૂપ પણ અદભુત હતું. એ માત્ર વ્યતીત નથી… હજીયે આપણી સાંપ્રત સભ્યતાની તરસ છે… યાદ કરો એ અસલ દિવાળીના દિવસો ! દિવાળી માત્ર માણસજાત જ ઊજવે એવું નહોતું. અરે, પ્રકૃતિમાં, સીમ-ખેતર-વગડામાં ને દિવસરાતનાં અનેક રૂપોમાં પણ, દિવાળી ઋતુ બનીને રંગે ચઢતી હતી. ભાદરવાના આકરા તાપ અનાજ પકવવા અને સીમને સોનાથી મઢી દેવા આવી જતાં.ચાંદની રાતો અને અંધારિયા વનવગડાઓ વર્ષાની વિદાય પછી પ્રકૃતિમાં, પશુપંખી અને માણસજાતમાં નવી ચેતનાનો સંચાર કરતાં હતાં. ત્યારે તો લોકોને શરદઋતુની સોનાવરણી સીમનું આકર્ષણ રહેતું… શરદઋતુ પણ સુગંધવંતી ઋતુ છે. પારિજાતની મહેકથી રાત્રિઓ નવયૌવના શી મદમસ્ત બને છે. ચોળાની સીંગોની મીઠાશ જેવાં સવાર-સાંજ ચાખવા જેવાં હોય છે. આજેય શરદ અને સાચી દિવાળીનો આનંદ લેવા તમારે ગામડે જવું પડે… તમારું વતનગામ તમને યાદ આવે છે ને ?

ક્યાં છે દિવાળી…દીપાવલિ તું ક્યાં ખોવાઈ ગઈ છે ? બોલ ! કહો, ક્યાં છે આપણી, ભીતર-ભોંયમાં ઉલ્લાસ અને સ્નેહાદર જગવતી, આપણને અસલ ગામના સાચા માણસ બનાવી દેતી દિવાળી ક્યાં છે ? દિવાળી તો એક આખો માસ ચાલતી પર્વમાળા હતી ! હા, ભાદરવાની અમાસે બધા જ પૂર્વજોને કાગવાસથી તર્પણ કરી આપણે આસોના આંગણામાં આવીને પહેલું નોરતું ઊજવવા થન થન થતા હતા ! હા, રવીન્દ્રનાથના શબ્દોને મેઘણીભાઈએ આપણી માત્રુભાષામાં વધારે જીવતાજાગતા કરી દીધા હતા તે આ રહ્યા.

‘મન મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે…’

ફળિયામાં, શેરી, પોળ, માઢ કે ખડકીમાં આસોનો સોનાવરણો તડકો આપણા હાસ્ય જેવો ઊજળો. એની સાથે ગોરમટીનાં ગાડાં ઠલવાતાં, આગણાં ને ભીંતો., ઓટલી ને ઓસરી રતુંબડી માટીથી લીંપાઈ જતાં…, આહ ! શી એની સુગંધ ફોરતી હતી ! ને ભીંતો ખડી-ચૂનો-ગળીથી કરેલાં ચિતરામણથી શોભી ઊઠતી ! મેડી-માળા ચોખ્ખાં થઈ જતાં ને મા વાડામાં ગાદલાં-ગોદડી તપાવવા નાખતી ને આકાશમાં એવાં જ, શરદનાં ખાલી વાદળો આવતાં ને જતાં ! બેન-દીકરીઓ સાથે ભાભીઓ વાસણો અજવાળવા નદી-તળાવે ભેગી મળતી… ને ફરીથી ઓરડાઓ – અભરાઈઓ તાંબા-પિત્તળનાં વાસણોની હારમાળાથી હસી ઊઠતાં… ઘર નવું થઈ જતું ને ખોળિયા જેવું વ્હાલું લાગતું ! હજી ગામડે કયાંક આ બચ્યું છે પણ આપણે તો આ વૈભવ ગુમાવી જ બેઠા છીએ. આપણે સોસાયટીઓ અને બંગલા, એપાર્ટમેંટ અને ટાઉનશીપના કૃત્રિમ તથા ઉપરછલ્લા ભપકાઓમાં અને દંભદેખાડાના આચારમાં ડૂબી ગયા છીએ… દિવાળી હવે ફુવારો બનીને આપણામાં ઊછળતી નથી… બધાંને મળવાનુંય આપણે ઔપચારિક બનાવી દીધું… હવે મનથી મન નથી મળતાં ! અરેરે !

નવરત્રિના ગરબા…રંગીન ભાતનાં માટલાં ને કોરેલા ગરબામાં ઝગમગતા દીવા… કુંભારે શુકનમાં આપેલાં રાતાં કોડિયાં… એમાં જીવતરની વાટ જેવી દીવેટ અને માના હેત જેવું ઘી ! એ કોડિયાંમાં ઝળહળતા દીવા ગોખે ને મેડીએ.. ઓરડે ને ઉકરડે… મંદિરે ને ત્રિભેટે – આજે તો દીવડા પણ મીણના ને વીજળીના ! હા, એ રંગો છાંટે પણ તમે એનાથી ભીંજાતા નથી ને ! ઘી-દીવાની સુગંધો ગઈ ને આંગણાની અસલ રંગોળીઓ પણ ગઈ… હવે તો રંગોળીઓ પણ તૈયાર… કાચની અને હીરામોતીની મોંઘી… પણ નણંદ-ભોજાઈની દિલદારી જેવી જાતે પૂરેલી રંગોળી તો અલોપ થઈ ગઈ… જાણે પ્રેમ અને સંબંધોનો અસલી ચહેરો પણ ભૂંસાતો જાય છે. સીમમાં સોનું પાકે… ખળામાં ધાનનાં ગાડાં ઠલવાય. નવાં ભાભી આણે આવે ને દેશાવર કમાવા ગયેલો ભાઈ કપડાં-પૈસા-મીઠાઈ ને ફટાકડા લઈને ઘેર આવે. મા લાડુ બનાવે ને ભાભી ઘૂઘરા વણે, બહેન જીરાપૂરી તળે ને સુંવાળીના ડબ્બા ભરે… છોકરાંને તો ક્ષણે દિવાળી જ દિવાળી ! આ બધું યાદ આવતાં જ વતનગામ સાંભરે. એ પાદર ને મંદિર.. એ નદીમાં રમતા મૂકાતા ગરબા… પોયણાં ભરેલું તળાવ અને ભાગોળમાં થતી બેઠકો તથા કસુંબા… સૌ રામરામ બોલીને ગળે મળતા ને વેરઝેર ભૂલી જતાં ! દિવાળી જીવતરને પુન: સાબદું કરી દેતી હતી. આજે ધનવૈભવ હશે પણ ખરો ઉમળકો ને અસલ મસ્તીનો રંગ કે પ્રેમ નથી. બધું ગોઠવેલું ને કામચલાઉ લાગે છે. કેમ કે આપણે નર્યાં ભૌતિક સુખોમાં સ્વાર્થી ને સંકુચિત બની ગયાં છીએ.

હવે છોકરાં ‘મેરાયા’, લઈને તેલ પુરાવવા નથી નીકળતાં. હવે તો અંગ્રેજી માધ્યમનાં બાળકો ‘વેકેશનમાં ટૂર’ કરે છે. મીઠાઈ નહીં, સ્વીટ ખાય છે. અરે આપણી દેશી-ઘરબનાવટની મીઠાઈનાં નામ પણ આ પેઢીને નથી ખબર. પછી સ્વાદનો જાદુ એ શું માણે ! દશેરાએ રામે રાવણનો વધ કરી અસદ ઉપર વિજય મેળવેલો. સદનો જય એટલે વિજયાદશમી ! પછી શરદની ચાંદનીનો શ્વેત સાગર એમાં ગુર્જરીના ગરબા ચાલે સાથે દૂધ-પૌઆની, ભજિયા-ફાફડા-જલેબીની જ્યાફત પણ હોય ! દિવાળીનો દિવસ એટલે રામ સીતાને લઈને – વનવાસ, પૂરો કરીને – અયોધ્યામાં પાછા આવ્યા હતા એ ઉત્સવ ! આપણે એ દિવસની આસપાસ દેવદેવીઓ અને માનવસંબંધોની વાતો જોડીને ઉત્સવને આઠ દિવસના પર્વમાં બદલી દીધો હતો. એ દિવસો આજે પણ કેલેંડરમાં તો આવે છે પણ માણસોનાં હૃદયમાં-મનમાં ઉલ્લાસ રૂપે પરખાતા કેમ નથી ??

ગામડાની એ અંધારી રાતોમાં કોડિયાંના દીવા અને માથે નક્ષત્રોભર્યું આકાશ તથા સીમમાં ઝાડવે ઝાડવે આગિયાઓથી ઝળહળતો પરિવેશ – એ પણ દિવાળીનું જ રૂપ હતું… હવે તો વીજળી દીવાઓ વચ્ચે આકાશદર્શન કોઈ કરતું નથી…ને આગિયાને તો કોઈ જાણતું જ નથી જાણે !!! આપણે પ્રકૃતિને ગળે પગ દઈ દીધો… જીવનનો અસલ ઉલ્લાસ હતો એને ગળે નખ દઈ દીધો છે. પ્રકૃતિચેતનાને વિસારીને કૃતક યંત્રચેતનામાં રાચતાં રાચતાં આપણે સૌ ઇન્દ્રિયબધિર બની ગયા છીએ. હવે આપણે અસલ અને તળને, આનંદ અને એના મૂળતત્વને – એની સાત્વિકતાને ભૂલી ગયા છીએ… એટલે દિવાળી આપણી જમવાની થાળીમાં તથા ગ્રીટિંગ કાર્ડમાં પૂરી થઈ જાય છે. ખરેખર દિવાળી તો માનવસંબંધો, માનવતા અને નિર્મળ આનંદનો તહેવાર હતો… આજે આપણી પાસે એની યાદો અને સમજણવાળા માણસોની ભીની આંખો જ બચી ગયા છે….!


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સહેલાણીઓનો દેશ સિંગાપોર – પ્રવીણ શાહ
આધ્યાત્મિકતા – આધુનિક યુગનું અગ્રિમ ચરણ – ગોવર્ધનભાઈ દવે Next »   

6 પ્રતિભાવો : દિવાળી ક્યાં છે ? એ તો ગઈ…… – મણિલાલ હ. પટેલ

 1. Piyush says:

  Gam ni yaad aavi gai……!

 2. દિવાળી તો માનવસંબંધો, માનવતા અને નિર્મળ આનંદનો તહેવાર હતો… આજે આપણી પાસે એની યાદો અને સમજણવાળા માણસોની ભીની આંખો જ બચી ગયા છે….!…

  તહેવાર હતો ..ઘણું કહી જાય છે….આજે લોકો ના ઘર મોટા અને હૃદય નાના-સંકુચિત થયી ગયા છે..

 3. Nitin says:

  ખુબ સરસ લેખ છે.ઘડીભર તો આ માહોલ માણતા હોય તેવુ આબેહુબ ચિત્ર આન્ખ સામે આવિ ગયુ.પ્રક્રુતિ ને ભુલિ ને હવે અમે યન્ત્ર થૈ ગય છે.

 4. Tejal Bhatt says:

  અદભુત, શહેરમાં ઉછરેલી આજની પેઢી માટે આ લેખ આખા દ્રશ્યને નજર સમક્ષ રજૂ કરી દે છે.

 5. Arvind Patel says:

  આપણો વિશાળ દેશ, અને આપણી પ્રજા ઉત્સવ પ્રેમી છે. બારે માસ આપણને કોઈ ને કોઈ ઉત્સવ જોઈએ. દિવાળી ગઈ નથી ને ઉતરાયણની તૈયારી, પછી હોળીની તૈયારી આમને આમ આખું વર્ષ તહેવારો ચાલેજ. જોકે આમાં કોઈ ખોટું પણ નથી. આપણો દેશ વિશાળ છે. કેટ કેટલી જાતિઓ, કેટકેટલી ભાષાઓ, ગુજરાતી, પંજાબી, દક્ષીણ ભાષી, બંગાળી, મરાઠી વગેરે, વગેરે.

 6. abhishek says:

  sachi vat 6

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.