આધ્યાત્મિકતા – આધુનિક યુગનું અગ્રિમ ચરણ – ગોવર્ધનભાઈ દવે

[‘ભૂમિપુત્ર’ માંથી સાભાર.]

પ્રકૃતિના ઉત્ક્રાંતિક્રમાં એક તબક્કે આત્મસભાનતા અને આત્મપ્રભુત્વની સંભાવના ધરાવતી એક હસ્તી તરીકે મનુષ્યનો આવિર્ભાવ થયો. આ મનુષ્યનો પિંડ પ્રકૃતિના અંશોમાંથી બંધાયો હોવા છતાં એનું મૂળ સત્વ અથવા એમ કહો કે એનો આત્મા એ પ્રકૃતિનું સર્જન કે તેઓ કોઈ ભાગ નથી. આમ મનુષ્ય પ્રકૃતિમાં અવતરે છે, પરંતુ એની ઉપજ નથી. એની આ વિશિષ્ટતાને લીધે એના વિશેષ પુરુષાર્થ દ્વારા પ્રકૃતિની પોતાની ગતિવિધિનું સીધું પરિણામ ન હોય એ પ્રકારના એક અલાયદા જીવનનું, એક અલાયદા માનવીય વાતાવરણનું, સંસ્કૃતિ અને સભ્યતાનું નિર્માણ થયું. નિર્માણની આ પ્રવૃત્તિનો આરંભ પ્રકૃતિના આધિપત્યથી અવશ્ય થયો પરંતુ એ ક્રમશ: પ્રકૃતિ પરના આધિપત્યની દિશા તરફ આગળ વધે એ એની લાક્ષણિકતા બની ગઈ. મનુષ્યને આ ઉપક્રમ દરમિયાન એક ઉચ્ચતર તબક્કે સ્થૂળ જીવનની ભીતર રહેલા એની ગતિવિધિના સંચાલક આત્મતત્વ અને એના સામર્થ્ય સાથે જીવનનું અનુસંધાન થતાં જીવનની ગતિવિધિમાં એક નિર્ણાયક વળાંક આવે છે અને મનુષ્ય અંતર્મુખ બને છે. એ સાથે એનો આત્મા જે પરમાત્માનો અંશ છે, તેના હેતુને સૃષ્ટિજીવનમાં સાર્થક કરવા માટે મનુષ્યના આત્મસભાન સહયોગનો આરંભ થાય છે.

આ સહયોગનું પ્રથમ ચરણ મનુષ્યના જીવનનું આંતરીકરણ અને અધ્યાત્મીકરણ છે. એમ છતાં જીવનમાં વૈયક્તિક સ્તરે ટેવો અને સામાજિક સ્તરે સંસ્થાઓ અને એમના રીતિરિવાજોના સ્વરૂપમાં પરિવર્તન આવે છે અને એ સામાજિક નિયંત્રણ્ના એજંટ કે કર્તા નહિ રહેતાં મનુષ્યના ઉમદાપણાની, એની ઉન્નત ભાવના કે આદર્શોની અભિવ્યક્તિનું સાધન અને માધ્યમ બની રહે છે. આમ જીવનની તમામ આંતર્બાહ્ય ગતિવિધિનું ઉદગમસ્થાન આત્મા બને ત્યારે એમાં દોષ પેદા થવાની સંભાવના માત્ર ઓગળી જાય છે. समरथ को नहीं दोष गुंसाई.

અહીં ‘समरथ’ ‘સમર્થ’ શબ્દ ધનકુબેર કે સત્તાધીશનો નહિ પરંતુ આત્મજ્ઞ કે આત્મસ્થ પુરુષનો નિર્દેશ કરે છે. પ્રાચીન ઋષિમુનિઓએ પંડિત અને જ્ઞાની વચ્ચેના ભેદનો વિચાર કર્યો હતો. તદનુસાર પંડિત આત્મા કે બ્રહ્મના વિષયમાં અન્ય વિષયની જેમ માત્ર જાણકારી ધરાવે છે. એને માટે એ અન્ય વિષયો જેવો એક વિશય હોય છે જેનું જ્ઞાન મેળવવાના પ્રયત્ન દરમિયાન કે ત્યારબાદ એની પોતાની અંદર બદલાવની ખાસ અપેક્ષા રહેતી નથી અને એનો જીવનક્રમ કોઈ ફેરફાર વિના પૂર્વવત ચાલુ રહે છે. પરંતુ જ્ઞાની આત્માની પ્રત્યક્ષ અનુભૂતિ મેળવે કે એની સાથે તાદાત્મ્યનો અનુભવ કરે ત્યારે જ નહિ, તે એ દિશામાં વળે એ સાથે તેના જીવનના પરિવર્તનનો આરંભ થાય છે. એ આત્મકેન્દ્રી કે આત્મસ્થ બને છે અને નિમ્ન ચેતના સહિત એની સમગ્ર ચેતનાના ઊર્ધ્વીકરણનો આરંભ થાય છે; એમ કહી શકાય કે શુભત્વ ક્રમશ: એના જીવનની સાહજિકતા, લાક્ષણિકતા બની જાય છે. આ સ્થિતિમાં એણે સારાં કર્મ માટે વિશેષ પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી, એ જે કાંઈ કરે છે તે ઊર્ધ્વ ચેતના દ્વારા પ્રેરિત હોવાને લીધે અનિવાર્યપણે સારું હોય છે. અહીં શુભત્વ એક સ્વયંપ્રેરિત ઘટના હોવાથી દુષ્કૃત્યો તરફ દોરી જતા નિમ્નવૃત્તિઓના ખેંચાણ માટે કોઈ અવકાશ રહેતો નથી. એ વૃત્તિઓનો જ લોપ થઈ જતાં તેના જીવનના બાહ્ય નિયમનની આવશ્યકતાનો સુધ્ધાં લોપ થઈ જાય છે.

મનુષ્યમાં આ આત્મા સાથે પ્રત્યક્ષ સંબંધ સ્થાપી જીવનમાં એને સક્રિય કરવાની ક્ષમતા છે. તેથી એનો પુરુષાર્થ છેવટે એ દિશામાં વળે ત્યારે વિચાર અને જીવનના છૂટાંછવાયાં સૂત્રો વચ્ચેના આંતરિક સંવાદની પ્રતીતિ થતાં એમના સમંવય અને એકીકરણ્ની પ્રવૃત્તિ આરંભાય છે અને ભેદવાદીમાંથી અભેદવાદી અથવા અદ્વૈતના પરિપ્રેક્ષ્યનો પ્રાદુર્ભાવ થાય છે. એ સાથે વ્યવહાર અને સિદ્ધાંત, ભૌતિક અને આધ્યાત્મિક, બાહ્ય અને આભ્યંતર, ઊર્ધ્વ અને નિમ્ન તેમ જ સંસાર અને પરમાત્મા વચ્ચેનાં અંતર દૂર થઈ એમના ભેદોમાંથી ઉદભવતી સમસ્યાઓનું નિરાકરણ થાય છે અને વ્યક્તિ અને સમષ્તિ વચ્ચે સંવાદિતાની સ્થાપના સાથે જીવન અને મૃત્યુનાં રહસ્ય ઉકેલાય છે. જીવનના અધ્યાત્મીકરણની આ ફલશ્રુતિ છે. વૈયક્તિક અને સામુદાયિક અથવા સમષ્ટિગત જીવનની સાથે જ્ઞાનવિજ્ઞાન તેમ જ સંસ્કૃતિ અને સભ્યતાના સાંપ્રત પ્રવાહો અથવા એમ કહો કે માનવજાતિનો સમગ્ર ઇતિહાસ માનવજીવનને આ અધ્યાત્મીકરણની દિશામાં દોરી જતો દેખાય છે, તેથી વિશ્વની પ્રગતિશીલ વિચારધારા સકારણ પૌર્વાત્ય અને સવિશેષ ભારતીય દર્શન તરફ વળી છે. ભારતનું આ અધ્યાત્મદર્શન યોગાનુયોગ વર્તમાન ભારતના મનીષીઓના પ્રદાનને લઈને શરૂ થયેલા નવજાગરણ સાથે અગાઉના વૈરાગ્યપ્રધાન પારલૌકિક અભિગમની મર્યાદાથી ઉપર ઊઠીને ઈહલોકના અભ્યુદયનો પણ એના વ્યાપમાં સમાવેશ થઈ જાય એવા સર્વસમાવેશક સમંવયની દિશામાં અગ્રસર થયું. તેના પરિણામે પારલૌકિક અને ઈહલૌકિક જીવનના તથા મનુષ્યના આભ્યંતર આધ્યાત્મિક અને બાહ્ય જીવનના દ્વૈતનું વિલીનીકરણ થાય એવી ભૂમિકા રચાઈ.

આમ જે અદ્વૈતની પ્રસ્થાપના થઈ તેની સંકલ્પના મુજબ આધ્યાત્મિક સત્તાની ગણના સકલ સૃષ્ટિના પરમ સત્ય અને સૃષ્ટિના ઉદભવ તથા વિકાસના અધિષ્ઠાન તેમ જ કારણ તરીકે થઈ. ક એવા વિચારનું પ્રચલન થયું કે આ સૃષ્ટિ કદાપિ એ સત્યની વિરોધી હસ્તી હોઈ શકે નહિ અને એ સત્યના સંદર્ભમાં આ સૃષ્ટિને માયા ગણીને એનો નિષેધ પણ કરી શકાય નહિ પરંતુ એનો અર્થ તથા મૂલુ તથા નીજી આદર્શ અને લક્ષ્ય પ્રાપ્ત થયાં છે, એ સત્યમાં જ એની લક્ષ્યસિદ્ધિનો આધાર અને બળ પણ રહેલાં છે. વેદ, ઉપનિષદ અને ગીતા જે ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિના મૂળ પ્રેરણાસ્રોત છે એમની વિશિષ્ટ શૈલીમાં કહીએ તો આ સૃષ્ટિનો આવિર્ભાવ પરમ સત્ય કે પરમાત્મામાંથી થયો અથવા એમ કહો કે પરમાત્મા સ્વયં સૃષ્ટિરૂપ બન્યા. ‘તે એક’એ સંકલ્પ કર્યો અને તપ કરીને સ્વયં ‘બહુ’ બન્યા અને તે બહુવિધતામાં વ્યાપી ગયા; એ બહુમાં એનો નિવાસ થાય એ માટે એણે બહુમાંથી પ્રત્યેકના હૃદયમાં ગુઢ રીતે પ્રવેશ કર્યો, એમ કહો કે એનો જ અંશ આ સૃષ્ટિમાં જીવરૂપ બન્યો અને એ બહુ સાથેનું સંપર્કસૂત્ર જાળવી રાખી એની તમામ ગતિવિધિનું સંચાલન કરતારહ્યા, જેથી અંતતોગત્વા આ સૃષ્ટિમાં તેમનો પૂર્ણ આવિર્ભાવ થાય. આમ માનવજીવ એ પરમાત્માનો અંશ છે, તેમ એનું જીવન અને સકલ સંસાર પણ એના અંશ છે, એટલું જ નહિ, જે પ્રકૃતિ સાથે આ જીવનનો સંબંધ છે એ પણ એનો જ અંશ છે. તેથી આધ્યાત્મિક પુરુષાર્થ દરમિયાન પ્રવર્તમાન જીવનની મર્યાદાઓથી ઉપર ઊઠવું ભલે જરૂરી હોય, પણ જીવનવિમુખ થવું કે સંસારવિમુખ થવું લેશ પણ જરૂરી કે અનિવાર્ય નથી. વાસ્તવમાં જીવન તેમ જ એ જેની સાથે અનિવાર્યપણે સંકળાયેલું છે એ વિશ્વ પણ એ સત્યની અભિવ્યક્તિનું સાધન અને માધ્યમ બને એમાં જ સૃષ્ટિજીવનનું સાર્થક્ય રહ્યું છે.

છેવટે આધ્યાત્મિક પુરુષાર્થ પરંપરાગત માન્યતા મુજબની વૈયક્તિક ઉપલબ્ધિ પૂરતો સીમિત નહિ રહેતાં એને વિશ્વવ્યાપી કે સમષ્ટિગત પરિમાણ પ્રાપ્ત થયું. વાસ્તવમાં આધ્યાત્મિકતાના આ પરિમાણની અવજ્ઞા અને વૈયક્તિક પરિમાણને પણ સીમિત કરી દે છે. આ રીતે આધુનિક યુગમાં આધ્યાત્મિકતાના પારલૌકિક અને ઈહલૌકિક અભિગમના સમંવયને સમષ્ટિગત પરિમાણ પ્રાપ્ત થતાં ભારતીય દર્શનશાસ્ત્રે સત્યના ઉચ્ચતમ શિખર પ્રતિ અગ્રસર થઈ માત્ર ભારતને જ નહિ, પરંતુ સમસ્ત વિશ્વને એના ઉજ્જવળ ભાવિ તરફ દોરવાની ક્ષમતા પ્રાપ્ત કરી છે. એ સાથે આધુનિક યુગ એના પ્રયાણની મંજિલે પહોંચે એની પૂર્વતૈયારી થઈ ગઈ હોવાની પ્રતીતિ થાય છે. અસીમે પોતાને દેશકાળની સીમામાં ઢાળવાનો પરિશ્રમ કર્યો, તેમાં સીમાના કેન્દ્રમાં પોતાના સત્વનું જે બીજ મૂક્યું તેના ગુહ્ય આંતરિક દબાણે ઉત્ક્રાંતિની પ્રક્રિયાનો આરંભ થયો. આત્માતિક્રમણ કે પ્રગતિશીલતા એનું અનિવાર્યલક્ષણ બન્યું અને એની પ્રારંભિક અચેતન કે અવચેતન અથવા જડતાની અવસ્થાથી આત્મસભાંચેતનાના આવિર્ભાવનાની દિશામાં ગતિ થઈ. આ ઉપક્રમમાં પ્રાણ અને મન અસ્તિત્વમાં આવ્યાં અને મનુષ્યનું નિર્માણ થયું. આ મનુષ્ય એના વિકાસના વિવિધ તબક્કાઓમાંથી પસાર થતાં એની આત્મસભાનતાની અને એની સાથે સંકલિત આત્મપ્રભુત્વની ક્રમશ: અભિવૃદ્ધિ થાય એ હકીકતમાં એના જીવનના સમગ્ર ઇતિહાસનું રહસ્ય રહ્યું છે. આ ઉપક્રમમાં માનવજાતિના ઉજ્જવળ ભાવિ તરફ એક નવપ્રસ્થાનની ભૂમિકા રચાઈ. એનું લક્ષ્ય છે પરમ સત્ય અને પાર્થિવ જીવનના સમંવય દ્વારા, પરમ તત્વના સંદર્ભમાં ઈહલોકના રૂપાંતર દ્વારા, પ્રતીકાત્મક ભાષામાં સ્વર્ગ અને પૃથ્વીના મિલન દ્વારા પૃથ્વી પર દિવ્ય જીવનની પ્રસ્થાપના. માનવજીવન એની આત્મસભાનતાની ઉચ્ચતમ અવસ્થાએ પહોંચે અને એનું અધ્યાત્મીકરણ થાય એ આ નવપ્રસ્થાનની પૂર્વશરત છે.

પાશ્ચાત્ય સંસ્કૃતિમાં જીવનના બાહ્ય અને ભૌતિક પાસા ઉપર એકાંતિક એકાગ્રતા થતાં મનુષ્યના આંતરિક આત્મતત્વની ઉપેક્ષા થઈ અને ભૌતિક સંપત્તિમાં જીવન અટવાઈ ગયું. એનાથી વિપરીત ભારતામાં આત્માના રહસ્ય પર આત્યંતિક એકાગ્રતા થઈ તેથી ભૌતિક જીવનની ઉપેક્ષા થતાં એ જીવનની અવનતિ થઈ. આમ બંને સંસ્કૃતિઓમાં માનવજીવનની સમતુલા જળવાઈ નહિ, એ સ્થિતિનાં વિપરીત પરિણામ આવતાં એ બંનેની મર્યાદા પ્રગટ થઈ અને માનવજાતિને ઉજ્જવળ ભાવિ તરફ દોરી જાય એવા સમંવયાત્મક દાર્શનિક અભિગમની આવશ્યકતા પ્રસ્થાપિત થઈ, એટલું જ નહિ, એની સબળ ભૂમિકા પણ રચાઈ. એ ભૂમિકાની સાથે એક એવી પ્રતીતિ સંલગ્ન થઈ કે માનવજીવનનું નિર્માણ એનો વિનાશ થાય કે એ કરમાઈ જાય કે લુપ્ત થઈ જાય એ માટે નહિ, પરંતુ પૂર્ણપણે પ્રફુલ્લિત થવા માટે થયું છે ને એની નિયતિ રિક્તતા કે ઊણપ નહિ પણ પૂર્ણતા અને ઐશ્વર્ય છે, દુ:ખ કે યાતના નહિ પણ આનંદ છે, વિલીનીકરણ કે મૃત્યુ નહિ પણ અમરત્વ છે. આ દર્શન આંતર્બાહ્ય જીવનના સંતુલિત વિકાસની આવશ્યકતાનું પ્રતિપાદન કરે છે. પરિણામે મનુષ્યને માત્ર ભૌતિક પ્રગતિ ને વિકાસ નહિ, પરંતુ સર્વસમાવેશક અને સમતોલ આંતર્બાહ્ય વિકાસ અને પ્રગતિનો પ્રેરણાદાયી મંત્ર પ્રાપ્ત થશે. મનુષ્યનો પુરુષાર્થ એ દિશામાં વળે ત્યારે જ જીવનમાં સ્વસ્થતા આવે છે અને તમામ સમસ્યાઓનો વાસ્તવિક અને સંતોશકારક ઉકેલ શક્ય બને છે. આથી ઉપનિષદના ઋષિઓએ વિદ્યા અને અવિદ્યા, પરમાત્મા અને સૃષ્ટિ ઉભયના જ્ઞાનની એક સાથે ઉપાસના કરવાનું ઈષ્ટ ગણ્યું હતું. એમણે અગ્નિને આંતર્બાહ્ય વૈભવ તરફ દોરી જતા સુપથ ઉપર લઈ જવાની પ્રાર્થના કરી હતી. ઉપરાંત ગુરુઓનાં દીક્ષાંત પ્રવચનમાં સત્ય અને ધર્મના અનુશીલનના આદેશ સાથે સકલ પૃથ્વી સર્વ પ્રકારની સંપત્તિથી પરિપૂર્ણ બનો એ ભાવના સાથે ભૌતિક પદાર્થની અવજ્ઞા થાય નહિ, પ્રજાતંતુ છેદાય નહિ અને ભૌતિક સંપત્તિના ઉપાર્જનમાં પ્રમાદ સેવાય નહિ એની કાળજી લેવાના આદેશનો પણ સમાવેશ કરવામાં આવ્યો. ભારતીય દર્શનના ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પરસ્પરાશ્રિત અને સર્વ સમંવયાત્મક આદર્શની સંકલ્પનામાં ઉપનિષદના ઋષિઓની આ દૃષ્ટિ અભિવ્યક્ત થઈ છે.

જગત અને એમાં પાંગરતા જીવનનું પરમ સત્ય આધ્યાત્મિક સત્તા કે બ્રહ્મ છે અને જગત એ સત્યનો જ આવિર્ભાવ હોવાને કારણે તથા એની અંદર જ સમાયું હોવાના કારણે એનાથી અભિન્ન છે એમ દર્શાવીને આધ્યાત્મિક અદ્વૈત્ની પ્રસ્થાપના થઈ એ દર્શનના ક્ષેત્રની પ્રગતિનું અત્યંત મહત્વપૂર્ણ સોપાન છે, જેને મનુષ્યની સર્વોચ્ચ અભીપ્સાની પૂર્તિનાં દ્વાર ખોલી આપ્યાં. પરંતુ આ અધ્યાત્મવાદે પારલૌકિક અભિગમ અપનાવ્યો એ કારણે આ પ્રગતિ અધવચ્ચે અટકી ગઈ હતી, અથવા એમ કહો કે અટવાઈ ગઈ હતી. વાસ્તવમાં બ્રહ્મ એ પરમ તત્વ હોય અને એનાથી પર કે ભિન્ન કોઈ તત્વ ન હોય તો આ સૃષ્ટિ એ બ્રહ્મમાંથી પ્રાદુર્ભૂત એનો આવિર્ભાવ હોવાનું ફલિત થાય છે. એ સાથે એક એવો સંકેત પણ મળે છે કે આ આવિર્ભાવ સૃષ્ટિ માત્ર અસ્તિત્વમાં આવે એટલા પૂરતો જ સીમિત રહી શકે નહિ. અહીં આ સૃષ્ટિમાં અપ્રૂર્ણતાનો અને અપૂર્ણતામાંથી પૂર્ણતા તરફની ગતિનો જે અનુભવ થાય છે એ દર્શાવે છે કે પરમ સત્તા દેશકાળના માધ્યમ દ્વારા જગત રૂપે પોતાનો ક્રમિક આવિર્ભાવ કરે છે. આ આવિર્ભાવની કોઈ એક અવસ્થાએ પૂર્ણતાની પ્રતીતિ થતી નથી, પરંતુ એના એ અપૂર્ણ સ્વરૂપની ભીતર પૂર્ણતા માટેનો આવેગ સમાયો હોવાની પ્રતીતિ અવશ્ય થાય છે. તેથી આ ઉપક્રમ કોઈ એક તબક્કે અટકતો નથી. એ વણઅટક્યો ચાલુ રહે છે. પરિણામે અહીં ભૂતકાળની અવસ્થાનું વર્તમાનમાં અને વર્તમાનનું ભવિષ્યમાં નિરંતર રૂપાંતર થતું રહે છે. આપણા કવિવર રવિન્દ્રનાથ ઠાકુરે प्रथम प्रभात उदित तव गगने, प्रथम सामरव तव तपोवने -ના ઉદગાનથી જેનું અભિવાદન કર્યું હતું તે પૂર્વાચલમાં પ્રગટેલી ઋષિઓની આ ઉષાના પ્રથમ કિરણ તરીકે જેનો આવિર્ભાવ થયો હતો તે જ છે આ અભિગમ જે શ્રી અરવિંદના દર્શનમાં મધ્યાહને પહોંચતો દેખાય છે. એ સાથે એવી પ્રતીતિ થઈ કે સૃષ્ટિ એક પ્રગતિશીલ હસ્તી છે જે અવસ્થાંતરની પ્રક્રિયા દ્વારા પૂર્ણતા તરફ આગળ વધી રહી છે જે અને આ ઉપક્રમ સૃષ્ટિ ને દિવ્ય જીવનની પ્રસ્થાપનાની દિશામાં દોરી જશે. સૃષ્ટિજીવનની એ અનિવાર્યતા છે. એના આરંભ સાથેજ એની આ નિયતિ એના અસ્તિત્વમાં વણાઈ ગઈ છે. એના આરંભમાં જ એની આ પરિણ્તિનું અભયવચન રહેલું છે.

માનવ ઉત્ક્રાંતિની, અથવા એમ કહો કે સૃષ્ટિની ઉત્ક્રાંતિની એક વિશેષતા એ છે કે એમાં ઊર્ધ્વ દિશાની અભિમુખતા તો છે પણ એની પ્રક્રિયા સીધેસીધી ઊર્ધ્વ દિશામાં નહિ જતાં, સમાંતર સ્તરે વિવિધ શક્યતાઓના અનુભવની સ્મૃદ્ધિ સંપાદિત કરીને, પ્રાચીન પરિભાષાની ચોર્યાસી લાખ યોનિનો અનુભવ મેળવીને ચક્રાકાર ગતિએ ઊર્ધ્વ દિશા તરફ વળે છે. એ દરમિયાન જીવન એની પ્રત્યેક અવસ્થામાં સમસ્યાઓથી ઘેરાયેલું હોવાની પ્રતીતિ થાય છે, છતાં સપાટી પરના અનુભવથી વિપરીત કોઈ અગમ્ય રીતે એ સમસ્યાઓથી ઉપર ઊઠી આગળ ને આગળ વધતું રહે છે. આથી ઉત્ક્રાંતિના જ નહિ પરંતુ સકલ અસ્તિત્વના, આ સમગ્ર સૃષ્ટિના રહસ્યને, એના સત્યને પામવા માટે સપાટીની નીચે અસ્તિત્વના અંતરિયાળમાં અવગાહન કરવાનું રહે છે અથવા એમ કહો કે સૃષ્ટિના હૃદયમાં ડોકિયું કરવાનું રહે છે. માનવ જીવનનું તેમ જ એને ભવિષ્ય તરફ દોરી જતા આદર્શોનું નિયમન અને સંચાલન થાય છે. અને મનુષ્યને આ સકલ ગતિવિધિનું એના પ્રેરક બળનું, આ સૃષ્ટિ જેમાંથી આવિર્ભાવ પામે છે તે સત્યનું જ્ઞાન પણ એની સાથેના તાદાત્મ્ય દ્વારા પ્રાપ્ત થાય છે. આધુનિક યુગનું પ્રસ્થાન માનવજાતિને આ સત્યના જ્ઞાન દ્વ્રારા પાર્થિવ જીવનના દિવ્ય જીવનમાં રૂપાંતરની દિશામાં દોરી જાય તેમાં માનવજીવનની સાર્થકતા અને પરિતૃપ્તિ રહેલી છે અને એ જ ઉત્ક્રાંતિક્રમનું વાસ્તવિક અને અંતિમ લક્ષ્ય હોવાની પ્રતીતિ થાય છે. જીવનની તમામ ગતિવિધિના અધ્યાત્મીકરણનો આરંભ આ લક્ષ્ય તરફની ગતિનું પ્રથમ પગથિયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

Copy Protected by Chetan's WP-Copyprotect.