મેમરી સ્વિચ – રતિલાલ બોરીસાગર

ભારતીય વિજ્ઞાનીઓએ મગજમાં સ્મૃતિસંગ્રહ-પ્રક્રિયાને સક્રિય કરતી મેમરી સ્વિચ શોધી કાઢી છે – એવા સમાચાર થોડાં વર્ષો પહેલાં છાપામાં પ્રસિદ્ધ થયાં હતાં. મારા મગજમાં ‘મેમરી સ્વિચ’ ફિટ કરવાનું કાં તો જગતનિયંતા ભૂલી ગયા છે, અથવા ડેમેજ થયેલી મેમરી સ્વિચ સાથે હું જન્મ્યો હોઉં એમ પણ બને; જે હોય તે – પણ આ સમાચારની વિગત અત્યારે હું ભૂલી ગયો છું. આ સમાચારવાળું છાપાનું પાનું મેં ક્યાંક સાચવીને રાખ્યું છે પણ ક્યાં રાખ્યું છે એ યાદ આવતું નથી. પણ પછી કેટલાંક વર્ષે મને ઓચિંતા મેમરી સ્વિચની વાત યાદ આવી. એટલે તીવ્ર યાદશક્તિવાળા મારા એક મિત્રને આ અંગે પૂછ્યું તો એણે કહ્યું કે ‘હા, આવા સમાચાર મેં વાંચ્યા હતા. પણ મારી યાદશક્તિ પહેલેથી બહુ સારી છે એટલે મારે એ સમાચાર કામના નહોતા. પણ તારા માટે આ સારા સમાચાર ગણાય. તારા મગજમાં ફિટ કરેલી મેમરી સ્વિચ રિપેર કરાવવા માટે તું આ અંગે તપાસ કર. કોઈ સાયંટીસ્ટને પૂછી જો.’ જોકે પછી કોઈ સાયંટીસ્ટને પૂછવાનું તો કાયમ માટે રહી જ ગયું. મારી મેમરી સ્વિચ બગડેલી છે એવું પહેલવહેલું કોણે અને ક્યારે યાદ કરાવ્યું એ તો અત્યારે હું ભૂલી ગયો છું. અત્યાર સુધીની ઉંમરમાં ભૂલી જવાના કારણે અસંખ્યવાર ગોટાળા થયા છે. આ બધા ગોટાળા હું તો ક્યારનો ભૂલી ગયો છું. પણ એમાંના કેટલાક ગોટાળાઓની વાતો ઘરના સભ્યો, મિત્રો, સહકાર્યકરો, પડોશીઓ વગેરે વગેરેએ અનેક વાર મને કહી છે. એટલે એ બધી વાતો મારા મગજમાં છપાઈ ગઈ છે.

મારા ભુલકણાપણાનાં મુખ્ય બે ક્ષેત્રો છે: વ્યક્તિઓને ઓળખવા વિશે અને કોઈ સ્થળ શોધી કાઢવા વિશે. આ બંને બાબતોમાં મેં અનેક વાર અનેક ગોટાળા કર્યા છે. આ સિવાયના પેટાક્ષેત્રો તો પાર વિનાનાં છે ! મારું વેવિશાળ થયું ત્યારે પત્નીને એક બહેન પણ હતી (‘હતી’ એટલે ત્યારે હતી ને આજેય છે). સાળી અને પત્નીના ચહેરામાં કશું સામ્ય નહોતું, પણ બંનેની ઉંમર અને શારીરિક બંધારણમાં ખાસ કશો ફરક નહોતો. એટલે વેવિશાળ પછી પહેલીવાર ઉત્સાહભેર સાસરે ગયો ત્યારે ત્યાં વસતી બે યુવતીઓમાં સાળી કઈ અને પત્ની કઈ એ અંગે મારા મનમાં ભારે દ્વિધા થયેલી. જેને પહેલવહેલી વાર મળવાનું થયું એ પત્ની છે કે સાળી એ મારાથી જલદી નક્કી થઈ શક્યું નહિ. મારી રસિકતામાં સહેજે ઊણપ નહોતી. સખીને સંબોધી શકાય એવી અનેક સંસ્ક્ર્ત ઉક્તિઓ મને કંઠસ્થ હતી. (મારી યાદશક્તિની આ જ તો વિચિત્રતા છે !) પણ આ પત્ની હશે કે સાળી એની નિશ્ચિતતાના અભાવે આ રસિક ઉક્તિઓ કહી બતાવવામાં ઘણું જોખમ હતું. એ જો પત્નીને બદલે સાળી નીકળે તો શ્વસુરગૃહની પ્રથમ મુલાકાતમાં જ મારી રસિકતા ઘણી અવળી અસર ઊભી કરે. ‘તું પત્ની છો કે પત્નીની બહેન?’ – એવું નિખાલસતાથી પૂછી લેવાનો વિચાર મને આવ્યો. પણ જો એ પત્ની હોય તો, પ્રથમ મિલને આત્મા આત્માને ઓળખી કાઢે એ વાત તો બાજુ પર રહી, પણ આત્મા શરીરને પણ ન ઓળખે એ દુ:સ્થિતિ પત્ની સહન નહિ કરી શકે એમ માની નિખાલસતા પ્રગટ કરવાનું મેં મોકૂફ રાખ્યું અને પત્ની હોય તોય ચાલે અને સાળી હોય તોય ચાલે – ચાલે તો નહિ જોકે – પણ નભી જાય એ રીતે કેટલીક ઔપચારિક વાતો મેં કરી.

હું લેખક છું – એ જમાનામાં તો કવિતાઓય લખતો એટલે પ્રથમ મિલને શુંનું શું કહીશ એવી રંગોળીઓ પત્નીએ મનમાં પૂરી રાખેલી. એના હૃદય પર એનો ભારે ઘા પડેલો. એ ઘા રુઝાવવા મેં પત્રોના ઢગલા કરી દેધેલા, પણ બુંદથી ગયેલી આબરૂ હોજથી પાછી ન આવી ! લગ્ન પછી બગડેલી મેમરી સ્વિચને કારણે આનાથીય ચડિયાતા ગોટાળા મેં કરવા માંડ્યા ત્યાર જ પછી પત્નીનો પૂર્વેનો એ ઘા રુઝાયો. પુત્રજન્મ વખતે અમે વતનમાં રહેતાં હતાં. પુત્ર બેસતાં શીખેલો, પણ ચાલતાં ને બોલતાં નહિ શીખેલો. એ વખતે પહેલવહેલી વાર હું એને લઈને બહાર નીકળ્યો અને એક પાનવાળા મિત્રને ત્યાં એને ભૂલીને ઘેર આવતો રહ્યો ! પુત્રને બોલતાં નહોતું આવડતું એમ એ રડતાં પણ શીખેલો નહિ. એટલે ભવિષ્યમાં પોતે કેવા પ્રકારનાં પાન ખાશે એ વિચારતો એમને એમ સ્થિર બેસી રહ્યો. બધા ગ્રાહકો ગયા પછી પાનવાળા મિત્રનું ધ્યાન ગયું. ‘આ કોનો બાબો અહીં રહી ગયો’ એ પ્રશ્ને બિચારા એકદમ મૂંઝાઈ ગયેલા. બીજી બાજુ હું ઘેર પહોંચ્યો અને ‘બાબો ક્યાં ?’ એ પ્રશ્નનો સામનો કરવાનો આવ્યો ત્યારે હું તો એમના કરતાંય વધુ મૂંઝાઈ ગયેલો. પત્ની ને બા રડવા માંડયાં. આડોશીપાડોશી ભેગાં થઈ ગયાં. ‘તમે ક્યાં-ક્યાં ગયા હતાએ યાદ કરો.’ સૌ મેમરી સ્વિચ ઓન કરવાનું કહેવા લાગ્યાં. ઘેરથી નીકળ્યા પછી ઘેર પાછો ફર્યો ત્યાં સુધીમાં પાંચ-છ જગ્યાએ ગયો હતો, પણ એ વખતે એકેય જગ્યા યાદ ન આવી. એને બદલે પંદરેક વર્ષ પહેલાં આવી જ એક સાંજે એક મિત્રના પિતાની તબિયતના ખબર પૂછવા હોસ્પિટલમાં ગયો હતો એ યાદ આવ્યું. (મારી મેમરી સ્વિચ કોઈક વાર એક્દમ ખોટી રીતે ચાર્જ થઈ જાય છે, ત્યારે આવું થાય છે.) પણ એ કશા કામનું નહોતું.

‘એ શું યાદ કરશે ?’ પત્ની રડતાં-રડતાં બોલી. ‘એમના હાથમાંથી કોઈ બાબાને લઈ ગયું હશે તોય એમને ખ્યાલ નહિ રહ્યો હોય.’ પત્નીની વાત સાંભળી સૌ સ્તબ્ધ બની ગયાં. પત્નીની વાતમાં થોડી અતિશયોક્તિ અવશ્ય હતી, પણ આવું તો ન જ બને એવું ખાતરીપૂર્વક કહેવાની હિંમત મારામાં ત્યારેય નહોતી ને આજેય નથી. સદભાગ્યે પાનવાળા મિત્રની મેમરી સ્વિચ બિલકુલ ઓર્ડરમાં હતી. મારે આવદો બાબો છે એની એમને ખબર હતી ને થોડીવાર પહેલાં જ હું એમની દુકાને ગયો હતો એય એમને યાદ હતું એટલે એ બાબાને લઈને મારે ઘેર આવ્યા અને સૌનો શ્વાસ હેઠો બેઠો. એ વખતે મેં પાનવાળા મિત્રને પૂછેલું કે ‘તમે અહીં આવ્યા ત્યારે દુકાન બંધ કરવાનું ભૂલી નથી ગયા ને ?’ આ પ્રશ્ન સાંભળી સૌ હસી પડેલાં એ પણ મને બરાબર યાદ છે. પુત્રનાં દાદીમા અને માતાના મુખે અનેકવાર સાંભળી-સાંભળીને પુત્રની આ કથા મોઢે થઈ ગઈ છે. પુત્રે પોતે પણ મારી હાજરીમાં અનેકવાર એના મિત્રોને આ કથા સંભળાવી છે એટલે કશીય ભૂલ વગર હું આ કથા ઉતારી શક્યો છું.

હમણાં એક પ્રસંગે એક ભાઈની ઓળખાણ થઈ. મારો પુત્ર અને એમનો નાનો ભાઈ મિત્રો છે. એટલે તેઓ મને નામથી ઓળખે છે એમ કહીને પછી એમણે હોંશથી કહ્યું, ‘હું નિકુંજ દવેનો મોટો ભાઈ.’ એમણે ‘નિકુંજ દવે’ એમ કહ્યું એટલે મારા મનમાં મારા નિકટના પરિચિત મુરબ્બી નિકુંજભાઈની છબિ ઊપસી આવી. પણ એ નિકુંજભાઈ તો નિવૃત્ત છે. એ આ સજ્જનના ભાઈ હોય તોય મોટા ભાઈ હોય, નાના ભાઈ શી રીતે હોઈ શકે ? સામાન્ય રીતે હવે ઓળખાણ નથી પડતી તો હું નિખાલસતાથી કબૂલ કરી લઉં છું. પણ આ નિકુંજભાઈ મારા એટલા નિકટના પરિચિત છે કે ઓળખાણ પડવામાં ગરબડ થઈ રહી છે એનો મને સહેજે અણસાર ન આવ્યો. ઊલટું, મને એમ લાગ્યું કે આ ભાઈની મેમરી સ્વિચ મારી મેમરી સ્વિચ કરતાંય વધુ બગડેલી લાગે છે. નિકુંજભાઈ એમના નાના ભાઈ નથી, પણ મોટા ભાઈ છે એ જ બિચારા ભૂલી ગયા છે ! સદગુણોમાં બીજાં જેવાં આપણે ન હોઈએ તો કશું દુ:ખ નથી થતું હોતું, પણ દુર્ગુણોમાં કોઈ આપણા જેવું હોય તો આપણને આનંદ થાય છે. મને પણ આવો મનુષ્યસહજ આનંદ થયો. મેં કહ્યું, ‘તમે તો યાર, ગજબ કરો છો ! નિકુંજભાઈ તમારા મોટા ભાઈ થાય, નાના ભાઈ નહીં.’ પેલા સજ્જન વિસ્ફારિત નેત્રે મારી સામે જોઈ રહ્યા; પછી કળ વળી ત્યારે બોલ્યા, ‘અરે ! નિકુંજ તો મારાથી ઘણો નાનો છે. મારાથી નાની બે બહેનો ને પછી નિકુંજ.’ મને લાગ્યું કે ગોટાળાની દુર્ગમ સીમાઓ હું પાર કરી ગયો છું. જે નિકુંજભાઈની છબી મારા મનમાં ઊપસી હતી એ નિકુંજભાઈ તો એંસી વરસની આસપાસના છે. એમની અટક યાદ કરવાનો પ્રયત્ન કર્યો. પણ યાદ ન આવી, પરંતુ એમની અટક ‘દવે’ નહોતી, પણ એમના જમાઈની અટક ‘દવે’ હતી એટલું યાદ આવ્યું. હું કંઈક ગૂંચવાયો છું એવું લાગતાં એમણે કહ્યું, ‘નિકુંજને ન ઓળખ્યો ? નાટકવાળો નિકુંજ ! તમારા સન જોડે નાટકમાં ભાગ લેતો હતો એ!’ એમણે મને નિકુંજ કયો – એ યાદ કરાવવા મરણિયો પ્રયાસ કર્યો. પણ મને એ જેની વાત કરતા હતા એ નિકુંજ યાદ ન આવ્યો તે ન જ આવ્યો. પછી સૌજન્ય ખાતર મેં કહ્યું, ‘હા-હા નિકુંજ ! એના તમે મોટા ભાઈ, એમ ? તમને મળીને ખૂબ આનંદ થયો.’ મેં નિકુંજને નથી ઓળખ્યો એવો એમને ખ્યાલ આવી ગયો, પણ સૌજન્ય ખાતર એમણે મારી વાત માની લીધી.

થોડા દિવસ પછી નિકુંજ ઘેર આવ્યો. એણે કહ્યું, ‘અંકલ, મારા મોટા ભાઈ તમને મળ્યા હતા. તમે મને ઓળખ્યો કેમ નહિ ?’ ‘અરે તારી વાત હતી ? સાલું, તારી વાત થાય છે એનો મને કેમેય ખ્યાલ ન આવ્યો.’ નિકુંજ મારા પુત્રનો મિત્ર છે ને મહિને-બે-મહિને અચૂક ઘેર આવે છે. પણ તે વખતે એ યાદ ન આવ્યો તે ન જ આવ્યો ! મારા જ નામવાળી સોસાયટી (રતિલાલ પાર્ક)માં છેલ્લાં વીસ વરસથી હું રહું છું. (આખી સોસાયટી મારા નામે છે તેથી ઇંકમ ટેક્સવાળાઓએ ગેરસમજ કરવી નહિ. મારો એક ફ્લેટ પણ માંડમાંડ થયો છે.) વાસ્તુ પછી આ સોસાયટીમાં અમે પહેલવહેલાં રહેવા આવ્યા ત્યારે પહેલે દિવસે સાંજે ઓફિસેથી પાછો ફર્યો ત્યારે મને મારો બ્લોક નહોતો જડ્યો ! છન્નુ ફ્લેટ અને બાર બ્લોક ! આમાં ક્યાંક મારો ફ્લેટ હતો એમાં કશી શંકા નહોતી, પણ આમાંથી કયો ફ્લેટ મારો એ વિશે ખાતરી થતી નહોતી. સોસાયટીમાં બે પ્રકારના બ્લોક છે – મોટા ને નાના એમ બે જાતના ફ્લેટવાળા બે બ્લોક. મારી આર્થિક ગુંજાશ હું ભૂલી શકતો નથી ને ભૂલી જાઉં છું તો લેણદારો તુરત યાદ કરાવી દે છે. એટલે મારો ફ્લેટ નાના બ્લોકમાં છે એની મને ખાતરી હતી. પણ નાના બ્લોક આઠ કે નવ છે તે યાદ ન આવ્યું. (આજે પણ બાર બ્લોકમાંથી નાના બ્લોક આઠ છે કે નવ તે ખાતરીપૂર્વક કહી શકવાની સ્થિતિમાં નથી.) હું નાના બ્લોકની બરાબર સામે ઊભો રહ્યો. સામેથી આવી રહેલા એક સજ્જનને ઊભા રાખીને મેં પૂછ્યું, ‘આ નાના બ્લોકમાંથી એક બ્લોકમાં રતિલાલ બોરીસાગર રહે છે. આજે જ તેઓ અહીં રહેવા આવ્યા છે. તેમનો બ્લોક કયો તે તમે કહી શકો ?’ પેલા સજ્જન ધારી-ધારીને મારી સામે જોવા લાગ્યા. પછી એમણે પૂછ્યું, ‘તમારું નામ શું?’ ‘રતિલાલ બોરીસાગર’ મેં કહ્યું. સોસાયટીમાં માનસિક અસ્થિરતાવાળા સભ્યો પણ રહે છે એ જાણી એમને આઘાત લાગ્યો હોય એવું એમના ચહેરા પરથી લાગતું હતું. મેં કહ્યું, ‘મને કશી માનસિક તકલીફ નથી. હું એકદમ સ્વસ્થ છું, ઓફિસર છું, હાસ્યલેખક પણ છું, પણ અત્યારે પૂરી ગંભીરતાથી પૂછું છું. કારણ કે આજે જ અમે અહીં રહેવા આવ્યાં છીએ. એટલે બ્લોક જડતો નથી. ફ્લેટ નંબર પણ યાદ નથી આવતો. પણ બ્લોક જડી જાય તો ફર્સ્ટફ્લોર પરના બધા ફ્લેટમાં પૂછી શકાય. ફર્સ્ટફ્લોરના એક ફ્લેટમાં હું રહું છું એટલું તો નક્કી છે.’

મારી વાત સાંભળી તેઓ હસી પડ્યા. હું હસાવવાના એકમાત્ર ઉદ્દેશથી બોલું છું ત્યારે શ્રોતાઓ કેટલીક વાર નથી પણ હસતા; પરંતુ અત્યારે હસાવવાનો સહેજે ઉદ્દેશ નહોતો તોય આ શ્રોતા ખડખડાટ હસી પડ્યા. આ પછી એમણે કહ્યું, ‘ચાલો, હું તમને તમારા ફ્લેટમાં લઈ જાઉં. મહિના પહેલાં તમે તમારા ફ્લેટનું વાસ્તુ કર્યું હતું ત્યારે સોસાયટીમાં રહેવા આવી ગયેલા બધા સભ્યોને આઈસ્ક્રીમ ખાવા નિમંત્રેલા. હું પણ એ દિવસે તમારે ત્યાં આવેલો. જુઓ, અત્યારે આપણે જે બ્લોકની નજીક ઊભા છીએ એ જ તમારો બ્લોક છે. આમ છતાં, હું તમને છેક તમારા ફ્લેટમાં મૂકી જાઉં. ઘરના સભ્યોને તો તમે ઓળખી શકશો ને ?’ કહી તેઓ ફરી હસી પડ્યા. આવું છે. મારી મેમરી સ્વિચ બગડેલી છે. ભારતીય વિજ્ઞાનીઓએ મનવમગજમાંની મેમરી સ્વિચ શોધી કાઢી એ ઘણા આનંદની વાત છે. પણ આ મેમરી સ્વિચ રિપેર કરવાની રીત શોધી કાઢવાનું તેઓને યાદ રહે એવી મારી પરમ કૃપાળુ પ્રભુને પ્રાર્થના છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “મેમરી સ્વિચ – રતિલાલ બોરીસાગર”

Copy Protected by Chetan's WP-Copyprotect.