સંબંધોની વાડ – પ્રતિભા ગજેરા

રક્ષણને માટે લોકો ઘર, ખેતરની આસપાસ કાંટાળા થોરની વાડી કરતાં હોય છે. તમને સાચવવા માટે મેંય આ સંબંધો રૂપી થોરને મારી આસપાસ વાવ્યો છે. તેના કાંટા મનને ચૂભે છે અને એ સહન કરવું છે, તમારી રક્ષા માટે તમે મારા આત્મામાં સમાઈ શકો તે માટે. એક ઘડી એવી આવશે કે, જેમાં હું સાદ નહિ પાડું અને તમારે દોડીને મારી પાસે આવવું પડશે, મને મુક્તિ આપવા માટે. નહિતર જગતનો ‘અનુરાગ’ પરથી વિશ્વાસ તૂટી જશે. કોઈ જ વ્યક્તિ ક્યારેય આટલી કઠોર ન હોઈ શકે ! તમે ઈશ્વર છો. એટલે કઠોર તો નથી જ. બસ ! પરીક્ષાઓ લીધા કરો છો. તનેય મારી જેમ શાશ્વત સ્નેહની જ અભિલાષા હોય ને ?! હું સમજી શકું છું. મારા પ્રભુને – મને બાળીને કદાચ ખરું સોનું બનાવતો હોઈશ ! કોને ખબર તેં મારા માટે શું વિચાર્યું હશે ? મારી જે જિંદગી છે એ તને સોંપ્યા પછી. તારી ઈચ્છા મુજબ જ જીવવાનું નક્કી કર્યા પછી હવે આ ફરિયાદ પણ શું કામની ? બસ ! તમારો આનંદ જ મારી મૂડી. શાંતિને ચીરીને કારમી ચીસ પાડીને તને બોલાવવાની ઈચ્છા થાય છે અને તને કેટલુંય પૂછવાનું છે. કેટલાય સવાલો સંભળાવવા છે. તું કાંઈ ન બોલે તોપણ?! તમારું અકળ સ્મિત મારા માટે એક કોયડો છે. હું મારી વેદનાને તમારી સાથે વહેંચું છું. એક અધિકારથી કે તું મારો માત્ર મારો અનુરાગ છે. ઈશ્વર છે અને તું ?!

આજે ઝઘડો કરવાનુંય મન થાય છે, પણ તમે છો કયાં?! હું ક્યારની તમને બોલાવું છું? કદાચ કોઇ વનના લીલાછમ વૃક્ષ નીચે શાંત મને બેઠા હશો ! સરસ ! આવું એકાંત માણવાનું ભાગ્યે જ મળે બરાબર ને?! થોડા વિરામ પછી ફરીથી હાજર થાઉં છું. થાકવાની મનાઈ છે. આ સ્નેહથી ગૂંગળામણ ન થવી જોઇએ. તું સ્નેહને પામવા માટે જ ઈશ્વર બન્યો છે. તો હવે તમે આ વહેણમાંથી છટકી ન શકો. તમારે પ્રેમથી તરબોળ થવું હતું. એ જ એક તમારી મોટી અને પહેલી ઈચ્છા હતી. એટલે હવે હું જ્યારે તમને ભીંજવવા સર્જાઈ છું. અલબત, તમે જ મારું સર્જન કર્યું છે. તો ડૂબી જાવ આ સ્નેહસાગરમાં અને મને આપો મોક્ષ. સમય સરતો જાય છે. સાંજ પડતી જાય છે અને હું તમારી વધુ ને વધુ નજીક આવતી જાઉં છું. સંધ્યા ટાણે તમને આરતી કરીને નીરખવાના છે. ઘંટડીઓના અવાજમાં સૂના પગલે તમારી પાસે આવવું છે. સ્થળ, સમય અને કાળ તેમની રમત રમ્યે જાય છે. મારે જીવવું નથી – નહોતું કયારેય તમારા વગર. છતાં, બસ ! શ્વાસ અવિરત ચાલે છે. થંભી જાય છે તો બસ! એકલતા, સન્નાટો અને વેદના. વહી જાય છે તો બસ! આંસુઓ અને બાકી રહે છે તો બસ ! તમારા સાંનિધ્યનું સુખ.

એક સીમા પર આવીને બધું જ અટકી જાય છે. બસ ! એક મારા સ્નેહની જ સીમા નથી. તે અઢળક છે, અમાપ છે, અનરાધાર છે, અચળ છે, આહલાદક છે અને અનુરાગ છે. તે તમારા માટેનો સ્નેહ છે. જે તમારા પર ઓળઘોળ છે. વષોથી તમારા માટેની ઝંખનાને આજે શબ્દ સ્વરૂપે જણાવું છું. એક મીરાં અને એક રાધાએ નાની વયે તમને ચાહ્યા ! એ તેમનું ભોળપણ હતું. તેમનો નિર્મળ સ્નેહ હતો. તેમાં તમારી ઈચ્છા હતી. અને મારી ઝંખનામાં તમારા આશીર્વાદ નહોતા. હું તમારી ભકિતને લાયક નહિ હોઉં? અને છતાં, બસ આપીને છૂટી જવું છે. તું સ્નેહથી સ્વીકારે કે ન સ્વીકારે. અંતે તો ઈશ્વરને આધીન જ બનવાનું છે. મને આત્મસંતોષ છે મારા સ્નેહથી આપણે જ કાંઈ કામ કરીએ તેનાથી સંતુષ્ટ હોઈએ તો આનંદ થાય છે. મનેય આનંદ છે કે મારા તમારા માટેના પ્રેમમાં, ભક્તિમાં કોઈ કચાશ દેખાતી નથી અને કમી જ્યારે તમારા મનમાંથી નીકળી જશે ત્યારે જ મને મુક્તિ મળશે! તમે મારા અનુરાગી ઈશ્વર છો. જે આપશો તે કબુલ. જીવન તમારા માટે ખર્ચી નાખ્યું. મૃત્યુ તો તમારે નામે જ આવશે. મન, આત્મા અને હૈયા પછી શરીરનો જ વારો આવશે. બધું જ દર્દ હવે તન સુધી આવી રહ્યું છે અને હું તૂટતી જાઉં છું. છતાં સ્વીકાર્ય છે બધું જ. માત્ર તમારા આદેશના પાલન માટે.

તેં મને તારા વગર જીવવાનો હુકમ કર્યો છે તો એ પણ સ્વીકાર્ય જ હતું અને રહેશે. આ જગતમાં જન્મ આપીને તમે તમારું મહત્વ પુરવાર કર્યું છે અને તમને ભક્તિ આપીને હું મારું મહત્વ પુરવાર કરી રહી છું.બસ ! તમારી કૃપા અને કરુણા નહિ. તમારો અનુરાગ મેળવવો છે. એ સ્નેહથી જન્મે એ જ તમારે મને આપવાનું છે. મારી યોગ્યતાને ચકાસીને, મારી પીડાને ઓછી કરવા કે જિજીવિષા ટકી શકે તે માટે તમારે મને સ્નેહ આપવાનો નથી. જો ઉદભવે પ્રેમ, તો સ્વીકાર્ય છે. નહિ તો કોઇ જ ફરિયાદ નથી. હું આપું છું એટલે તમારે આપવાનું છે, એવું હું નથી ઈચ્છતી. તમે ભીંજાવ તો જ કહેવાનું છે. નહિતર-બીજો જન્મ છે ભક્તિ માટે. ભવોભવના ફેરા તું જ આપીશ અને તેમાંથી મુક્તિનો માર્ગ તું જ દેખાડીશ અને એ માર્ગ પણ તું જ બનીશ. મને શ્રદ્ધા છે મારા પર. કોઈ જ સંબંધ વગર માત્ર આત્માની શક્તિથી તમને આ જગતમાં લાવવા છે. વય વધતી જાય છે. બાળકમાંથી યુવાન અને હવે વયસ્ક બનતી જાઉં છું. છતાં, સ્નેહની પ્રબળતા એવી ને એવી જ છે. એ અહેસાસ એવો જ છે. સમાયો એટલો સ્નેહ ધરબી રાખ્યો હતો તમારા માટે મનના એક ખૂણામાં. સતત ધબકતો, સતત જીવતો એક અનુરાગ મેં સંઘરી રાખ્યો હતો. બધી જ પળોને માત્ર તારો આદેશ માનીને સ્વીકારી હતી અને આજેય સ્વીકારું છું.

એક સત્ય એ છે કે – હું પામર જીવ છું અને તમે ઈશ્વર. એટલે આ જીવનનું સમાપન થાય એ પહેલાં મનમાં રાખેલો સ્નેહ આપીને તમારા ઋણમાંથી મુક્ત થવું છે. હવે જીવવાની ઈચ્છા નથી અને તમને જોવાની અદમ્ય ઝંખના છે. આ શબ્દોમાં હું મારી લગાણીઓને પૂરી રીતે વ્યક્ત કરી નથી શકતી. એક મર્યાદા છે આ શબ્દોની પણ, તું અંતર્યામી છો. એટલે સમજી શકીશ, પણ તેના માટે તારી દૃષ્ટિનું મારા પર પડવું જરૂરી છે. એ એક દૃષ્ટિ માટેની આ વિનંતી છે. મન વમળમાં અટવાતું જાય છે. કોઈ ઈચ્છા વગર જીવવાનું શક્ય નથી. એટલે મારી ઈચ્છાઓ મરી ગયા પછી મને આ જીવનનો જરા પણ મોહ નથી અને જ્યારે ન ગમતું કામ કરવાનું હોય ત્યારે પીડા જન્મે છે. તેમ મને આ દુનિયાનો મોહ નથી એટલે જીવવું અતિશય કઠીન બનતું જાય છે. તમને ચાહવાના કોઈ માપદંડ નથી. કોઈ કલા નથી. બસ ! પ્રત્યેક ક્ષણ તમે મનમાં સમાતા જાવ છો. વિચારોના આ યુદ્ધમાં મારો આ હાથ પકડીને તમે જ બહાર કાઢી શકશો મને. હું આ બધું શા માટે કરું છું. એ પણ મને ખબર નથી. કદાચ ! તમને સૌથી સુંદર – પ્રેમનો અહેસાસ કરાવવા માટે !

પણ તમને એની જરૂર છે ખરી ?! એય એક પ્રશ્ન છે. મને કંઈ જ ગમતું નથી. ક્યાંય ગમતું નથી. દિલથી પ્રાર્થના કરું છું કે – મારા સ્નેહમાં શ્રદ્ધા રાખજો. તને તો બધું જ દેખાય છે. તો શું તને મારા પ્રેમમાં હજીય કચાશ દેખાય છે ?! અઢળક વ્હાલ તારા માટેનું તારી પાસેથી ઊઠવા દેતું નથી. તમારી સાથે વાતોએ વળગ્યા પછી અટકવાનું ગમતું નથી છતાં, સોંપાયેલી જવાબદારેઓ મને આમાં ખલેલ પહોંચાડે છે. મારી સાથે જોડાયેલી વ્યક્તિઓ મને પરાણે આ જગતમાં ઢસડી લાવે છે અને હું તમારા સ્મરણ સાથે મારું કામ પૂરું કરવા ઊભી થાઉં છું. વરસતા વરસાદમાં દરિયાનું અફાટ અસ્તિત્વ પણ દેખાતું બંધ થઈ જાય છે. તેમ કદીક મારા સ્નેહના વરસાદમાં તમારું અખંડ અસ્તિત્વ ઓગળશે એવું લાગે છે. કદાચ શ્રદ્ધા છે. તમને અકળાવનારો સ્નેહ નથી. આ તમને બંધન વગરનો સ્નેહ આપું છું. છતાં જોએ ગુંગળામણ બની જાય તો હું અટકી જઈશ. અને તમને જો ભીંજાવાનું ગમતું હશે તો વરસતી રહીશ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “સંબંધોની વાડ – પ્રતિભા ગજેરા”

Copy Protected by Chetan's WP-Copyprotect.