અદ્દભુત શબ્દશિલ્પી : અરવિંદ કુમાર – શ્રી મોહન શિવાનંદ (અનુ. એન. પી. થાનકી)

[ રિડર્સ ડાયજેસ્ટ, જુલાઈ, 2012માંથી સાભાર. રીડગુજરાતીને આ સુંદર અનુવાદિત કૃતિ મોકલવા બદલ શ્રી થાનકીભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે thanki.nilesh@gmail.com અથવા આ નંબર પર +91 9723572677 સંપર્ક કરી શકો છો.]

clip_image002_thumb

અરવિંદ કુમાર માટે આ એક વ્યસ્ત દિવસ હતો. દિલ્હી પ્રેસ સામયિક પ્રકાશક, યુવા પત્રકાર અરવિંદ કુમારનું વાચાળપણું આજે પીછેહઠ કરી રહ્યું હતું. એક નવલિકાનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં હિન્દી ભાષા માટે તેને બંધ બેસતો શબ્દ મળતો ન હતો. ૧૯૫૨ના એ દિવસે તેને મળવા આવેલો એક પત્રકાર તેને નવી દિલ્હીના કોનોટ પ્લેસની નજીકની એક દુકાનમાં લઈ ગયો અને તેને એક પુસ્તક બતાવ્યું. જે બરાબર એક સો વર્ષ પહેલાં એક ડોક્ટરે, પોલિમેથ પિટર માર્ક રોજેટે પહેલીવાર પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકનું લાંબું એવું નામ હતું : “થેસોરસ ઑફ ઈંગ્લિશ વર્ડ્સ અને ફ્રેઈઝિસ ક્લાસિફાઈડ અને અરેંજ્ડ સો એઝ ટૂ ફેસિલિટેટ ધી એક્સ્પ્રેશન ઑફ આઈડિયાસ એન્ડ આસિસ્ટ ઈન લિટરરી કમ્પોઝિશન” દિગ્મુઢ બનેલા અરવિંદે એક નકલ ખરીદી લીધી.

એ સમયે માત્ર ૨૨ વર્ષની ઉમરના એ યુવાને તેના પિતાની ટાંચી આવકમાં ઉમેરો કરવા માટે દિલ્હી પ્રેસ માટે સાત વર્ષ સુધી કામ કર્યું. નાના છોકરા તરીકે ધોરણ ૧૦થી શરૂ કરીને તેણે પ્રેસના કમ્પોસિટરની ટ્રેમાં સીસાના અક્ષરો(ટાઈપ) બદલવાનું કામ કર્યું હતું. તે હવે સાંજની કોલેજમાં અંગ્રેજી ભાષા સાથે એમ.એ. પણ કરી રહ્યો હતો, જે ટાઈપ સેટર, કેશિયર, પ્રૂફરિડર અને સબ એડિટરની કામગીરી પણ સંભાળતો હતો. હવે તે તેના અંગ્રેજી માસિક સાથેની તેની સહયાત્રામાં આ નવું પુસ્તક, જે આજે રોજેટના થિસોરસ તરીકે ઓળખાય છે તેને એક બાજુ મૂકી શકે તેમ ન હતો.

હિન્દીમાં પણ આવું કોઈ પુસ્તક હોય એવી તેની ઈચ્છા હતી. હકીકતમાં, પ્રાચીન ભારતમાં શબ્દકોશ અથવા પર્યાયકોશના લેખન અથવા સંપાદન અંગે જે ધ્યાન આપવામાં આવતું હતું, તેવી રીતે, હજુ હિન્દી ભાષામાં આવા કોઈ થિસોરસનું સંપાદન થયું નથી. તેમાં ‘નિઘંટુ’, જે ૧૮૦૦ વૈદિક શબ્દોનું કશ્યપનું સંપાદન છે અને અમરસિંહના ‘અમરકોષ’ જેમાં ૮૦૦૦ શબ્દો છે તેવા સંસ્કૃત પર્યાયકોશનું ઈસુની ૧૦મી સદી પહેલાં સંપાદન કરવામાં આવ્યું હતું. સમય જતાં ૧૯૬૩માં અરવિંદે તેની નોકરી છોડી દીધી અને દિલ્હી પ્રેસનાં તમામ સામયિકોનો તે વહીવટી સહાયક તંત્રી બન્યો. ટાઈમ્સ ઑફ ઈંડિયા જૂથે તેને, એક સામાન્ય નમ્ર પત્રકાર યુવાનને એક મોટી તક, તંત્રીનું પદ આપ્યું ત્યારે તે મુંબઈમાં આવ્યો. તેને એક ફિલ્મી સામયિક હિન્દી ‘માધુરી’ શરૂ કરવાનું હતું. ‘ફિલમો અથવા તો અભિનેતાઓ વિષે હું વધુ જાણતો ન હતો.’ યાદ કરતાં તે કહે છે, ‘તે એક પડકાર હતો’. હકીકતમાં થોડાં વર્ષમાંમાધુરી હિન્દી સામયિકોમાં આગલી હરોળમાં સ્થાન ધરાવતું હતું.

ડિસેમ્બર, ૧૯૭૩માં અરવિંદે તેના મનમાં બે દાયકાથી સેવાતા ખ્યાલ વિષે તેની પત્ની કુસુમને કહ્યું, ‘હજુ પણ હિન્દીમાં કોઈ પર્યાયકોશ નથી અને હું એક પર્યાયકોશ તૈયાર કરવાનું વિચારું છું. આપણા રાષ્ટ્ર માટે આ કામ કરું છું. તેથી મારે નોકરી છોડવી પડશે. મારે તારો સહકાર જોઈશે.’ તેમનો નાનો પુત્ર સુમિત અને એક દીકરી મીતા હજુ તો શાળામાં હતાં અને કોઈએ ક્યારેય ન વિચાર્યું હોય એવા કામ માટે કાયમી નોકરી અને દક્ષિણ મુંબઈમાં મોખરાના ભાગમાં તેમની કંપની આપેલા ફ્લેટને છોડવાં, એ પહેલાં કેવળ ઉતાવળું કે સાહસભર્યું જ નહીં પરંતુ જોખમી લાગતું હતું.
‘વધુમાં, હું કેવળ ધર્મેન્દ્ર અને હેમા માલિની વિશે જ લખવા જન્મ્યો ન હતો.’ અરવિંદે તેની પત્નીને કહ્યું હતું, ‘જીવનમાં અન્ય ઘણું છે.’
કુસુમે ઉત્તર આપ્યો હતો, ‘એવું હોય તો, આપણે કાળજીથી એક આયોજન કરીએ.’ તેઓએ નક્કી કર્યું કે માધુરી છોડવાનો સાચો સમય પાંચ વર્ષ પછીનો છે. ત્યાં સુધીમાં તેઓ ગાડીના હપ્તાઓ ચૂકવી દેશે અને તેઓ દિલ્હી જશે તો બાળકોના અભ્યાસને પણ વિપરીત અસર થશે નહીં.
અરવિંદે કુસુમને કહ્યું, ‘મારે બે વર્ષનો સમય જોઈશે.પછી હું અન્ય કામ શોધી લઈશ.’ તેણે વિચાર્યું હતું કે હિન્દી થેસોરસનું સંપાદન એટલે કેવળ પર્યાયો અને સમાનાર્થી શબ્દોને સાંભળવાની રોજેટની પદ્ધતિ. પરંતુ આ કામગીરી શરૂ કરતાં તેને આ સંપાદન કાર્ય મુશ્કેલ જણાયું અને સમજાયું કે કામગીરીને હળવી માની લેવાની તેની મોટી ભૂલ હતી.
***

તેમના નાણાકીય ભાવિની અનિશ્ચિતતા જોઈને કુમારનું સાદું ભોજન વધુ સાદું બનતું ગયું. તેમને નવો સોફા લેવાની ઈચ્છા હતી પરંતુ આવી મોંઘી ચીજવસ્તુ ખરીદવાનું તેમણે માંડી વાળ્યું. તેમણે ડિસ્કાઉન્ટથી મળતાં કપડાં ખરીદ્યાં અને આગળના સમય માટે સાચવી રાખ્યાં. પરંતુ અરવિંદે તેના પ્રોજેક્ટ માટે શબ્દકોશો – સંદર્ભ ગ્રંથો એકત્ર કર્યા. એપ્રિલ, ૧૯૭૬માં અરવિંદે રોજેટની પદ્ધતિ પ્રમાણે ક્રમ આપી શકાય એવાં નાનાં કાર્ડ પર શબ્દો નોંધવાનું વિચાર્યું. અરવિંદ ધાર્મિક ન હોવા છતાં મંદિરોના નગર એવા તેના પૂર્વજોના ઘર નાસિકમાં ગયા. ત્યાં ગોદાવરીમાં સ્નાન કરીને પિત્તળના એક પાત્ર પર તિથિ લખાવીને પ્રતિકાત્મક રીતે તેણે પ્રથમ કાર્ડ પર એક શબ્દ નોંધ્યો. પછી મુંબઈમાં તેના આ માનીતા પ્રોજેક્ટ પર તેનો વધારાનો સમય અજમાવ્યો.
મે, ૧૯૭૮માં તેમણે ‘માધુરી’માંથી રાજીનામું આપ્યું ત્યારે સુમીત તબીબી કોલેજમાં દાખલ થવાનો હતો અને મીતાએ ૮મું ધોરણ પૂરું કર્યું હતું, દિલ્હિમાં અરવિંદના પિતાના ઘરમાં તેઓ સેંકડો શબ્દકોશો સાથે ગયા, તેમાં માત્ર છ ફૂટની ઊંચાઈ ધરાવતો ૧૪ X૧૪ ફૂટનો એક વચલો માળ હતો. અરવિંદ તેમાં માંડ માંડ ઊભા રહી શક્તા હતા, આ માળ તેનો અભ્યાસખંડ બન્યો. અરવિંદે રોજેટને અનુસરીને વિવિધ વિષયોને અથવા ‘સંકલ્પનાઓ’ (જેમ કે પદાર્થ, સંવેદના, અથવા અવકાશ- શબ્દકોશ વિજ્ઞાની વર્ણવે એવાં વૈજ્ઞાનિક વર્ગીકરણો)ને અગાઉથી ભાગ આપ્યા હતા અને તેને કાર્ડ પર નોંધાવાનું શરૂ કર્યું. કુસુમની મદદથી તેણે કાર્ડને એક શ્રેણીમાં ગોઠવ્યાં.
‘અમે વિચાર્યું હતું કે હવે અમારે તેમના માટે હિન્દી પર્યાયોઓ જ લખવના બાકી હતા.’
અરવિંદ કહે છે, ‘એ કામગીરી એટલી સરળ ન હતી. હિન્દી શબ્દકોશ સાથે તપાસતાં મને લાગ્યું કે રોજેટમાં ઘણા ભારતીય સંદર્ભો ખૂટતા હતા. ક્રમ આપેલાં કાર્ડમાં હવે હજારો ક્રમ આપવા મારા માટે કોઈ રસ્તો ન હતો.’
***

clip_image0029_thumb‘રોજેટના વૈજ્ઞાનિક વર્ગીકરણમાં દરેક સંકલ્પના તેનું પોતાનું ખાસ વિશિષ્ટ, તાર્કિક સ્થાન ધરાવતી હતી.
પરંતુ જેમ જેમ મેં વધુને વધુ ભારતીય સંકલ્પના અને શબ્દ લીધાં તેમ તેમ મને જણાયું કે શબ્દો તૈયાર કર્યા છે તે બીજું કઈં પણ હોય, ભલે ક્યારેક તરંગી અને સંસ્કૃતિ સંસ્કૃતિએ ભિન્ન હોય પણ તે વૈજ્ઞાનિક હોવા જોઈએ, તે ખૂબ જ સુસંગત હોવા જોઈએ. ઈગ્લેંડમાં વરસાદી દિવસ કોઈ મોટો દિવસ ન હોય અને તેઓ તેના માટે ભલે પૈસા બચાવતા હોય પરંતુ હિન્દીમાં તે ખુશનુમા, ગીતો અને કવિતાઓ ગાવાનો દિવસ હોય છે.’ તેને લાગ્યું કે હિન્દીના મોટા ભાગના ખ્યાલોનો અંગ્રેજીમાં કોઈ સમાનાર્થી નથી. વધુમાં હિન્દીથી લઈને સંસ્કૃત સુધીની ભારતીય ભાષાઓમાં પુષ્કળ સમાનાર્થી શબ્દો છે. અરવિંદને હળદરના ૧૨૫ અને ૩૨ હેલ્મેટ (શીરસ્ત્રાણ)ના પર્યાયો મળ્યા.

ઘણા ભારતીય શબ્દસમૂહો પણ તદ્દન વિશિષ્ટ હતા. ‘એન ઈવનિંગ ઈન પેરિસ’ એટલે કેવળ ‘એન ઈવનિંગ ઈન પેરિસ.’ પરંતુ લખનૌમાં સંધ્યા એટલે ‘શામ- એ – અવધ’ ; વારાણસીમાં પ્રભાત એટલે ‘સુબહ – એ- બનારસ’ ; માળવામાં રાત્રિ એટલે ‘શબ – એ – માલવા’, તમામ શબ્દસમૂહો વિશિષ્ટ સાંસ્કૃતિક મહત્વ દર્શાવે છે. એક દિવસ, અરવિંદે દિલ્હીની બહાર ૨૦ કિ.મિ, દૂર આવેલા મુરાદનગરમાં એક મિકેનિકને ‘બેટરા’ શબ્દ બોલતો સાંભળ્યો. પછી તેને જાણ થઈ કે મોટા ટ્રેક્ટરની બેટરીને તેઓ પુરુષવાચક શબ્દ તરીકે આ રીતે ઓળખતા હતા. “હિંદી ભાષા”માં આવા ઘણા અરૂઢ શબ્દો ચલણમાં છે. ‘આનો અર્થ એ કે હિન્દી થેસોરસ બનાવવો એ મેં ધાર્યું હતું એના કરતાં દસ ગણું અઘરું કામ છે. જો કે મને તે દસ ગણું ગમતું કાર્ય પણ હતું જ.’ આમ, અરવિંદને અગાઉ કોઈએ ક્યારેય ન કર્યું હોય એવું ભારતીય સંસ્કૃતિનાં મૂળમાં ઊતરીને, લાખો શબ્દો શોધવાના અને નોંધવાના હતા. વધુ ને વધુ પોતાની અંત: સ્ફુરણા અને શબ્દ સાહચર્યના ખ્યાલમાં ભમતાં કાર્ડની સંખ્યા તો લાખોમાં પહોંચી ગઈ. અરવિંદ અને કુસુમ સવારે નવ વાગ્યાથી લઈને મોડી રાત સુધી તેમણે ઉમેરેલા શબ્દ અંગે ચર્ચા કરવાનું, તેમને વર્ગીકૃત કરવાનું, નોંધો લખવાનું કામ કર્યું.
નવેમ્બર, ૧૯૭૮માં છલકાયેલી યમુનાએ તેમનું ઘર જળબંબોળ કરી દીધું. એક માળના તે ઘરમાં લગભગ તમામ ચીજવસ્તુઓ નાશ પામી, સિવાય કે વચલા માળમાં હતાં તે શબ્દકોશો, નોંધો અને કાર્ડ !
‘આ એક સંકેત હતો’. અરવિંદે કહ્યું હતું, ‘મારી કામગીરી મારે ચાલુ રાખવાની હતી.’ પૂર પછી અરવિંદના પિતાએ એ ઘર વેચી દીધું, અને થેસોરસનું કામ ગાઝિયાબાદ, યુ.પીમાં નવા ઘરમાં લઈ જવાનું હતું, જેમાં અરવિંદ અને કુસુમ હજુ પણ રહેછે. બે વર્ષ શાંતિપૂર્વક પસાર થયાં પરંતુ એવું લાગતું હતું કે અરવિંદનું કામ તો હવે જ શરૂ થયું હતું. એક રૂપિયો કમાયા વિના આખો પરિવાર તેમના જૂના માલિકની નોકરીના પ્રોવિડંટ ફંડના વ્યાજની રકમમાં કરકસર કરીને જીવતો હતો. ૧૯૮૦માં પૈસાની ભીંસને કારણે એક અન્ય નવા સામયિક રિડર્સ ડાયજેસ્ટની હિન્દી આવૃત્તિ, ‘સર્વોત્તમ’ માં તેમણે તંત્રી તરીકે નોકરી સ્વીકારી. અરવિંદ યાદ કરે છે,’ડાયજેસ્ટમાં કામ કરતાં મને ઘણી જ મદદ મળી.’
‘કોઈ સામયિક મુદ્રિત શબ્દ માટે આટલી ચોકસાઈ રાખતું નથી. રિડર્સ ડાયજેસ્ટના તમામ લેખોની તેની શૈલી માટે પુનર્લેખન અને ઓપ આપવાનું થતું હતું અને હિન્દીના અનુવાદ તદ્દન યોગ્ય શબ્દો સાથે તેના મૂળ લેખોના પ્રતિબિંબ સમાન હતા. આ કામગીરી શિક્ષણાત્મક હતી.’ ૧૯૮૩માં હું રિડર્સ ડાયજેસ્ટમાં જોડાયો ત્યારે અરવિંદ કુમાર આપણા દિલ્હી તરફ વળ્યા. અરવિંદ કુમાર વિશે મારા સાથીદારોને મેં એવું કહેતા સાંભળ્યા હતા કે તેઓ અમારામાં એક વિદ્વાન સંપાદક હતા અને તેમણે ૧૯૮૫માં થેસોરસનું કામ કરવા આ નોકરી છોડી ત્યારે અમારે ભારતીય કંપનીમાં એક મોટો શૂન્યાવકાશ સર્જાયો હતો.(૧૯૯૭માં સર્વોત્તમનું પ્રકાશન બંધ થયું.)

રોજેટની પદ્ધતિ નિષ્ફળ ગઈ ત્યારે અરવિંદે અમરસિંઘની પદ્ધતિ અંગે વિચાર કર્યો. પરંતુ તે અર્વાચીન ભારત માટે ઘણી જ જૂની હતી. ઉપરાંત, તે જ્ઞાતિ આધારિત વધુ હતી: દા.ત.સિંહ અને ઘોડો ક્ષત્રિય સાથે અને ગાય, વૈશ્ય સાથે સંબંધ ધરાવતાં હતાં. સંગીત દિવ્ય પરંતુ સંગીતકાર નિમ્ન વર્ણના, શૂદ્ર ગણાતા હતા. ૧૯૯૦ સુધીમાં આશરે ૨,૫૦,૦૦૦ હસ્તલિખિત શબ્દો ધરાવતાં લગભગ ૬૦,૦૦૦ કાર્ડ હતાં આ કાર્ડથી ૭૦ જેટલી ટ્રે ભરાતી હતી. આ ટ્રેને જોઈને અરવિંદને તે પોતે નાના હતા ત્યારે કમ્પોઝિટરનું કામ કરતા હતા તે યાદ આવતું. કુસુમ ચીજવસ્તુઓને, નામ/સંજ્ઞાને લગતી તો અરવિંદ અમૂર્થ ખ્યાલો, ક્રિયાપદો/ધાતુઓ, રૂઢિપ્રયોગો, વિશેષણો લગતી કામગીરી સંભાળતા હતા. બાજુની ટ્રેમાં સુસંગત સંકલ્પનાઓ રહેતી : વિશ્વ, અવકાશી પદાર્થો, સૂર્ય મંડળ; બ્રેડ, શાકાહારી વાનગી, ઈંડાં અને માંસની વાનગી, અથાણાં, મસાલા; મૃત્યુ, વિષ, હત્યા, હિંસા, અહિંસા; દૃષ્ટિને લગતાં સાધનો, જોવું, પ્રકાશ, અંધારું, અને આ ખ્યાલોનાં તમામ પાસાંઓ તેની શાખાઓ બનતાં. દા.ત. જોવું, ધ્યાનમાં લેવું, જોવાની રીત, ત્રાંસી નજર, અથવા ઉપરછલ્લી નજર, – હિન્દીમાં આ બધાં માટે શબ્દો શબ્દસમૂહોની એક આખી યાદી છે. તે અનંત લાગે છે ! અરવિંદની પોતાની આ પદ્ધતિ ડૉ. રોજેટથી તદ્દન જુદી હતી જે વર્ષોનાં પ્રયત્ન અને ભૂલમાંથી નીપજી હતી.

હવે અરવિંદનો પુત્ર સુમિત સર્જન બની ગયો હતો. એક દિવસ અરવિંદ તેને દિલ્હી ખાતે મળવા ગયા ત્યારે તેને હૃદયમાં દુ:ખાવો થયો, જે હૃદય રોગનો હુમલો હતો. સુમિતે તેમને તરત જ હોસ્પિટલમાં દાખલ કરી દીધા.
‘હું જીવી જ જઈશ, કારણ કે મારે મારું કામ પૂર્ણ કરવાનું જ છે.’ અરવિંદે કહ્યું હતું. તેઓ સાજા થયા પછી અગાઉ કરતાં તેની કામગીરી વધુ મહત્વની બની ગઈ હતી. ‘હિન્દી થેસોરસનો સમય હવે આવી ગયો છે’ અરવિંદે તેમના મિત્રોને કહ્યું. ‘કારણ કે આ કામ માટે મને પસંદ કરવામાં આવ્યો છે અને થેસોરસ મને છોડશે નહીં. તેણે ખુદને બચાવવા માટે પણ મને બચાવવો જ રહ્યો.’ ૧૯૯૧માં અરવિંદે તેના અપૂર્ણ થેસોરસ જેનું નામ તેમણે ‘સમાંતર કોશ’ રાખ્યું હતું, તેના માટે એક ભાવિ પ્રકાશક શોધ્યો. પરંતુ ત્યારે તેના પ્રેસના જૂના સાથીદારને ચિંતા થતી હતી. ‘ટાઈપિસ્ટ મારાં કાર્ડની શ્રેણીને અસ્તવ્યસ્ત કરી દે કે તેને આડાંઅવળાં કરી દે તેની હું કલ્પના કરતો હતો. તેઓ જોડણીની ભૂલો કરી શકે. પ્રેસમાં ટાઈપ શીટ એકબીજામાં ભળી શકે અને વધુ ભૂલો થઈ શકે.’ લાગતું હતું કે આ પ્રોજેક્ટ ખતમ થઈ ગયો.
સુમિત હવે આ પ્રોજેકટમાં સામેલ થયો. ‘આપણે આ તમામ ડેટાનું કમ્પ્યુટરીકરણ કરવાની જરૂર છે.’ તેણે કહ્યું. પરંતુ એક નવું કમ્પ્યુટર ત્યારે લગભગ રૂ. ૧,૦૦,૦૦૦/-નું થતું હતું અને આ રકમ ખૂબ મોટી હતી. કોઈ વ્યક્તિ અરવિંદને આ કામ માટે નાણાં આપે એમ ન હોવાથી સુમિતે ઈરાનમાં એક હોસ્પિટલમાં નોકરી સ્વીકારી.

તે પરત આવ્યો ત્યારે તેના પિતા માટે એક કમ્પ્યુટર લાવ્યો. આ સમય દરમિયાન સુમિતે આ પ્રોજેક્ટમાં અરવિંદને મદદ કરવા જાતે કમ્પ્યુટર શીખવાનું શરૂ કર્યું હતું. સુમિતે તૈયાર કરેલા ડેટામાં આ માહિતી દાખલ કર્યા પછી કમ્પ્યુટરે સમૂળું ચિત્ર જ બદલાવી નાખ્યું. હવે અરવિંદ કોઈ પણ જગ્યાએ નવી સંકલ્પનાઓ અને શબ્દો ઉમેરી શકતા હતા. કોઈ પણ શબ્દ બેવડાતો હોય તો તે જોઈ શકાતો હતો. દરેક વસ્તુની અનુક્રમણિકા તૈયાર થઈ ગઈ હતી, જુદી પાડવામાં આવી હતી અને પ્રેસ માટે તૈયાર હતી.

ડિસેમ્બર, ૧૯૯૬માં હિન્દી થેસોરસની સર્વ પ્રથમ પહેલી આવૃત્તિ પ્રકાશિત થઈ. તેમાં બે નહીં પણ ૨૦ વર્ષનો સખત પરિશ્રમ રેડાયો હતો. ડિસેમ્બર, ૧૯૯૬માં રાષ્ટ્રપતિ ભવનમાં એક કાર્યક્રમમાં કુસુમે રાષ્ટ્રપતિ શ્રી શંકરદયાળ શર્માને ‘સમાંતર કોશ’ ની એક નકલ સાદર કરી. પ્રાચીન સમયથી ‘નિઘંટુ’ અને ‘અમરકોશ’ પછી ભારતીય શબ્દકોશની એક લાંબી યાત્રા પૂર્ણ થઈ હતી. ‘સમાંતર કોશ’ સત્વરે સફળ થયો અને તેને ‘હિન્દીના ભાલ પર સુવર્ણ બિંદી’ તરીકે વર્ણવવામાં આવ્યો હતો. એક વિવેચકે તો તેની ‘સદીના ગ્રંથ’ તરીકે પ્રસંશા કરી હતી. પોતાનાં ગુણગાન અને સિદ્ધિથી પગ વાળીને બેસે એવા અરવિંદ ન હતા. તેમણે એક્ઠા કરેલા આશરે ૩,૫૦,૦૦૦ હિન્દી શબ્દ અને શબ્દસમૂહો અંગેના તેના ડેટા માટેની અંગ્રેજી સંકલ્પનાઓ ઉમેરવા એક નવી યાત્રા તેમણે આરંભી. તેમની પુત્રી મીતા, જે પોષણવિદ હતી તેમણે ‘સમાંતર કોશ’ માંથી તથા તમામ સંકલ્પના માટે શક્ય અંગ્રેજી શબ્દો લખીને થાય એટલી મદદ કરી. અરવિંદ કહે છે કે તે ઘણી જ મદદ હતી.
કુમાર પરિવારને તેમના નવા ગ્રંથ : ‘ધી પેંગિન ઈંગ્લિશ-હિન્દી/ હિન્દી-ઈંગ્લિશ થેસોરસ એંડ ડિક્શનરી'(૨૦૦૭, ત્રણ ભાગ ) લાવતાં બીજાં દસ વર્ષ થયાં. અરવિંદનાં અન્ય સર્જનોમાં ‘શબ્દેશ્વરી’ છે જે ભારતીય પૌરાણિક નામોનો થેસોરસ છે. આમાં અન્ય નામો સહિત, શિવનાં ૨૪૧૧ નામ આપેલાં છે !
અરવિંદલેક્સિકોન.કોમ (arvindlexicon.com) ઉપર ઓન લાઈન, અરવિંદ લેક્સિકોન એક દ્વિભાષી હિન્દી-ઈંગ્લિશ-હિન્દી થેસોરસ છે જેમાં રોમન લિપિ(હિન્દી વાંચી ન શકતા અથવા ટાઈપ ન કરી શકતા લોકો માટે) માં હિન્દીનો ઉપયોગ કરવાનો વિકલ્પ/ પસંદગી આપવામાં આવી છે. હવે ટેબલેટ પીસી અને સ્માર્ટ ફોન માટે આ થેસોરસ એન્ડ્રોઈડ વર્ઝન કામ કરે છે અને અન્ય સેલ ફોનમાં એપ્લિકેશન તરીકે પ્રાપ્ય છે. ‘આ એક પરિવારનો પ્રયાસ છે’ અરવિંદ કહે છે. હવે તેઓ અરવિંદ લિંગ્વિષ્ટિક્સ પ્રા.લિ. નામની એક કંપની ધરાવે છે અને મીતા તેની સીઈઓ છે. પરંતુ સૌથી વધુ સંતોષ તો તેમને સમાંતર કોશ આપે છે જેનાં પાંચ પુનર્મુદ્રણ થયાં છે અને ૨૦,૦૦૦ નકલો વેચાઈ છે.

લેખકો, પત્રકારો,જાહેરાતના વ્યવસાયમાં રોકાયેલા કોપી રાઈટરો, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહુ કોઈ તેનો ઉપયોગ કરે છે. પ્રખ્યાત ‘થમ્સ અપ તૂફાની ઠંડા,’ સોફ્ટ ડ્રિંક ઝિંગલ તૈયાર કર્યું છે એવા, મુંબઈ એડવર્ટાઈઝિંગ કોપી રાઈટર અને અનુવાદક લક્ષ્મીનારાયણ બૈજલ કહે છે કે ‘હું નિયમિત રીતે અરવિંદ કુમારના થેસોરસનો ઉપયોગ કરું છું. ખરેખર તો ઓન લાઈન હિન્દી અનુવાદકો જ તમને કહેશે કે તે કેટલો ઉપયોગી છે.’ દિલ્હી યુનિવર્સિટીના હિન્દી વિભાગના ભૂતપૂર્વ વડા અને કોલેજના ડિન જે પ્રખ્યાત લેખક, પ્રોફેસર સુધીશ પચુરી જણાવે છે કે અરવિંદ કુમારનું પ્રદાન અમુલ્ય છે. તે ઉમેરે છે કે ‘હું હિન્દીનો નિષ્ણાત હોવા છતાં જ્યારે મારા મનમાં વધુ વિદ્યામુલક /સૈદ્ધાંતિક શબ્દ હોય અને દરેક વ્યક્તિ સમજી શકે એવા સરળ શબ્દની જરૂર હોય ત્યારે આ થેસોરસ મને ખૂબ જ કામ લાગે છે.’ હકીકતમાં તો અરવિંદ શબ્દ ખુદ જ શબ્દકોશકારો માટે કેટલાંક વર્તુળોમાં એક પર્યાય બની ગયો છે. અરવિંદને કેટલાક સાહિત્યિક પુરસ્કારોથી પણ નવાજવામાં આવ્યા છે.
છતાં, એક સમયના ડાયજેસ્ટના મારા સાથીને આ બધાં વર્ષો પછી, તેમના ગાઝિયાબાદ ખાતેના ઘરે મળ્યો ત્યારે અરવિંદજી ૮૨ વર્ષના છે અને હવે મને જણાવ્યું કે તેમનું કામ હજી પૂર્ણ થયું નથી. તેઓ વહેલી સવારે ૫ વાગ્યે તેમના આ મહાગ્રંથને અદ્યતન કરવા, તેમના વિશાળ ડેટામાં તમિલથી શરૂ કરીને તમામ મુખ્ય ભારતીય ભાષાઓને ઉમેરવાના સ્વપ્ન સાથે જાગે છે. તેઓ વિદેશી ભાષાઓનો સમાવેશ કરવાની આશા પણ સેવે છે. સુમિતે તૈયાર કરેલું એક નવું સોફ્ટવેર આ રીતે વિકસતા જતા કાર્યની એક મહાકાય, ‘શબ્દોની વિશ્વ બેંક’નું નિર્માણ કરવા અને બહુભાષી થેસોરસ તૈયાર કરવા પણ સક્ષમ છે.

આપણા આ અદ્ભુત શબ્દશિલ્પી કહે છે, ‘આમાં વિશાળ શક્યતાઓ પડેલી છે. ભાષા જ્યાં સુધી વિસ્તરતી રહે અને સમૃદ્ધ થતી રહે ત્યાં સુધી મારા કાર્યનો અંત આવી શકે નહીં.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “અદ્દભુત શબ્દશિલ્પી : અરવિંદ કુમાર – શ્રી મોહન શિવાનંદ (અનુ. એન. પી. થાનકી)”

Copy Protected by Chetan's WP-Copyprotect.