ભગત- નિશા નિરવ સચદેવ

[ નવોદિત સર્જક નિશાબેનનો (ગાંધીનગર) આ કૃતિ મોકલવા માટે ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે : nishamansata@yahoo.co.in અથવા આ નંબર પર +91 9016771811 સંપર્ક કરી શકો છો.]

‘એ ભગત ફળિયા નો ડેલો બંધ કરી દે, કૂતરું અંદર આવી જશે.’ સામે વાળા આશા કાકી રાડો પાડી પાડીને બોલતા હતા. આ આશા કાકી એટલે અમારી શેરી ની એવી વ્યક્તિ કે જેને અમારી આખી શેરી માં શું ચાલી રહ્યુ છે એની જાણકારી રહેતી. અમે તેને ‘ઓલ ઈન્ડિયા રેડિયો’ કહેતા. કોઇ વિશે તેમને સારુ બોલતા તો આવડતું જ નહિ. અને તેમાં પણ તેમનો અતિ પ્રિય વિષય હોય તો ભગત. એ ભગત અને એય ભગલાથી વાત શરુ થતી અને ત્યાં સુધી ચાલતી કે ભગતના ગંગા કાકી આવી ને ભગત ને અંદર ન લઇ જતા.

આજે પણ ‘એ ભગત ફળિયા નો ડેલો બંધ કરી દે, કૂતરું અંદર આવી જશે., એય ભગલા સંભળાતુ નથી કે…….’ અને ગંગા કાકી આવ્યા, ખાલી એક તીખી નજર આશા કાકી તરફ ફેંકી ને ડેલો બંધ કરી, પ્રેમથી ભગતનો હાથ પકડી ને તેને અંદર લઇ ગયા. હું એટલે કે પ્રિયા, મારી સખી આરાધના અને પીન્ટુ કે જે એ જ આશા કાકી નો એક નો એક લાડકવાયો પુત્ર હતો. અમે બધા રોજ સાંજે કોલેજ થી આવી અમારા ઓટલે બેસી વાતો કરતા અને રોજ ભજવાતા આવા આશા કાકીના નાટકો ને જોતા રહેતા અને જોતા રહેતા તો ભગત ને પણ.

ભગત એના નામ ની જેમ જ ભગત માણસ હતો. ભગવાનનો માણસ હતો. એકદમ ધૂની માણસ હતો. અને આશા કાકી ની ભાષા માં તે પાગલ હતો. એ આખો દિવસ કાંઇ બોલતો નહિ. ફક્ત ફળિયા ના હિંચકા પર બેઠો રહેતો, તો ક્યારેક એના ગંગા કાકી સામે જોઇ ને જરાક અમથું હસી દેતો. બાકી જાણે કોઇ ને ઓળખતો જ ન હોય એમ કોઇ ની આવન-જાવન કે બોલ્યા પર નજર પણ ન નાખતો. વાતો સાંભળતો તો તે ફક્ત ગંગા કાકી ની જ. એ હિંચકો જ તેનુ આશ્રય સ્થાન હતુ એમ કહીએ તો પણ ચાલે. ત્યાં જ સૂવા નું, બેસવાનું અને જમવાનું. છેલ્લાં કેટલાય વર્ષો થી એ ઘર ની અંદર નહિ ગયો હોય. એ કંઇ નાનપણ થી આવો નહોતો. એ અમારો બાળપણ નો સાથીદાર હતો.

અમે ચારેય એટલે કે હું, આરાધના, પીન્ટુ અને ભગત સાથે જ સ્કુલે જતા, રમતાં, ભણતાં અને જમતાં પણ. એક દિવસ અમે ચારેય જ્યારે સ્કુલે થી પાછા આવ્યા, ”ભગત, ભગત જલ્દી આવ, એના ગંગા કાકી એ રડતાં રડતાં બૂમ પાડી. ભગત અને એની પાછળ અમે બધાં પણ દોડી જઇ ને જોઇએ છીએ તો ત્યાં એના મમ્મી-પપ્પા ના અંતિમ યાત્રા ની તૈયારી ચાલતી હતી.ભગતના મમ્મી-પપ્પા એક્સીડન્ટ માં મૃત્યુ પામ્યા હતા. નાનકડાં ભગત ને સમજાયું નહી કે આ શું થઇ રહ્યુ છે, મમ્મી-પપ્પા ને બધા ક્યાં લઇ જાય છે ? એ કેમ કાંઇ બોલતા નથી ? મમ્મી કેમ મને વ્હાલ નથી કરતી ? મમ્મી મને કેમ પુછતી નથી કે આવી ગયો બેટા, શું જમવું છે ? ગંગા કાકી કેમ આટલુ બધું રડે છે ? આવા અચાનક લાગેલા આઘાતથી ભગત ગૂમસૂમ રહેવા લાગ્યો, અમે રોજ એનામાં આવતા બદલાવ ને જોવા લાગ્યા, કોઇ કહેતું કે ભગત મૂંગો થઇ ગયો છે, તો કોઇ કહેતુ કે પાગલ થઇ ગયો છે.

ગંગા કાકી એ ખૂબ પ્રયત્નો કર્યા બધા ને સમજાવવા ના કે ભગત ઠીક જ છે પણ કોઇ સમજવા તૈયાર જ ન હતુ અને ભગતનું વર્તન પણ દિવસે દિવસે ગંગા કાકી ની આશા ઓ પર પાણી ફેરવતુ હતુ. અંતે ગંગા કાકી એ પણ આશા છોડી દીધી. અને તેની પરિસ્થિતિ ને સ્વીકારી લીધી હતી. ભગતના ગંગા કાકીને કોઇ સંતાન ન હતું. તેમણે ભગતને એટલો પ્રેમ આપ્યો કે ભગત એની જ વાતો સાંભળતો અને ક્યારેક એની સામે જરાક અમથુ હસી દેતો. આજે પણ હું, આરાધના અને પીન્ટુ વાતો એ ચડ્યા હતાં ત્યાં જ આરાધનાને યાદ આવ્યુ કે એના મમ્મી એ ગંગા કાકી પાસે થી કંઇ લાવવાનું કહ્યુ હતું, તો અમે ભગત ના ઘરે ગયા. ભગત રોજ ની જેમ જ હિંચકા પર બેઠો હતો પણ તે ધીમું-ધીમું રડતો હતો. અમને આશ્ચર્ય થયું કે તે રડે છે કેમ ? અમે તેને ક્યારેય રડતા જોયો ન હતો. તેના ઘર ના બંધ દરવાજા પાછળ થી વિચિત્ર અવાજો સંભળાતા હતા. ગંગા કાકી ને તેમના પતિ એટલે કે ભગતના દિલિપ કાકા મારતાં હતા. અમે અવઢવમાં હતાં કે શું કરવું ? ભગત અમારી સામે દયામણી નજરે જોતો હતો. કદાચ તેનાથી કાકીની રાડો સંભળાતી નહોતી. ભગતના કાકા રાડો પાડી પાડી ને ગંગા કાકી ને ખીજાતાં હતા, ‘ આ ભગત ના જન્મ-દિવસ પર આજે શીરો-પૂરી બનાવવાની શું જરુર હતી ? શું કમાઇ ને દઇ દે છે આ ભગલો તને ?’ અને ધીમે-ધીમે બધું શાંત થઇ ગયું અને અમે ત્યાંથી ચાલ્યા ગયા.

ભગતના કાકા ને ભગત ક્યારેય ગમતો જ નહી. તેને હંમેશા ભગત ભારરૂપ જ લાગતો. તે રોજ સાંજે ઘરે આવીને પોતાનો ગુસ્સો, ધંધા માં થતું નુકસાન કે બીજી કોઇ પણ વાતનો ગુસ્સો તે ભગત પર જ ઉતારતા. ભગત પણ જાણે એને પોતાનું કામ સમજતો હોય કે શું પણ પુરી ઇમાનદારી થી કાકાના દરેક ગુસ્સા નો ભાર પોતાના પર લઇ લેતો. કાકા ઘરે ન હોય ત્યારે તો કાકી ભગતને સારું સારું જમાડતાં, રોજ નવી નવી વાતો શીખવતાં, વ્હાલ કરતાં. તેને માથે હાથ ફેરવી સૂવડાવતા. પણ કાકા આવતા જ તે સંકોચાઇ જતાં, એટલી હદ સુધી કે તે ફળીયામાં જવાનું ટાળતા પણ ભગતને આવું થોડી સમજાય ? એ તો ઊંબરે બેસી ને કાકી ને કામ કરતી જોતો અને જરાક અમથુ હસી દેતો.

આજે સવાર થી જ અમારી શેરીમાં દોડધામ હતી. આશા કાકી દરેકના ઘરે જઇ જઇ ને બધાં ને કહેતા હતા, ‘સાંભળ્યું? ભગતના ગંગા કાકીને હોસ્પિટલ લઇ ગયા છે, ભગત ના કાકા દિલિપ ભાઇએ ગંગા કાકીને ખૂબ જ માર માર્યો છે. અમે સવારથી જોતા હતા, ભગત હિંચકા પર બેસી રહેવાને બદલે બેબાકળો બની આખા ફળિયાંમાં આંટા મારતો હતો. થોડી-થોડી વારે ડેલા ની બહાર જોતો હતો કે ગંગા કાકી આવ્યા કે નહી. અમને તો પાછળ થી ખબર પડી કે ગંગા કાકી એ ભગતને સૂવા માટે નવી ગોદડી સીવડાવી અને એ પણ કાકાએ આપેલી સાડી માંથી. આથી કાકાની અત્યાર સુધી ની અધિરાઇ નો અંત આવી ગયો અને આટલી અમથી વાતમાં આજ સુધી નો બધો ગુસ્સો કાકા એ કાકી પર ઉતાર્યો. ગંગા કાકી માર ખાઇ ખાઇ ને બેભાન થઇ ગયા હતા. સવારે કાકા ખુદ ગંગા કાકીને હોસ્પિટલ લઇ ગયા હતા.

ભગત ની બેચેની વધતી જતી હતી. તેના ગંગા કાકી આવતા જ નહોતા. ત્યાં જ એમ્બ્યુલન્સનો અવાજ સંભળાયો. ભગતે એના કાકી ને જોયા અને ખૂશ-ખૂશ થઇ ગયો. કાકા અને અન્ય સગાં-વ્હાલાં રડતાં હતા પણ ભગત એના મૃત્યુ પામેલા ગંગા કાકીને જોઇ ને જરાક અમથું હસતો હતો અને ત્યાં જ પેલા આશા કાકી મોકાનો ફાયદો ઉઠાવીને બોલ્યા, ‘પાગલ’.

Leave a Reply to Mansi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “ભગત- નિશા નિરવ સચદેવ”

Copy Protected by Chetan's WP-Copyprotect.