દરિદ્રનારાયણ – અમૃતલાલ હિંગરાજીયા

[ રીડગુજરાતીને આ સત્યઘટના મોકલવા બદલ શ્રી અમૃતલાલભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે aghingraj@yahoo.com અથવા આ નંબર પર +91 9427416188 સંપર્ક કરી શકો છો.]

‘કોરબેન્કિંગ’ અને ‘કોમ્પ્યુટરાઈઝેશન’ પહેલાની વાત છે. ત્યારે બધાં વ્યવહારો મેન્યુઅલ થતાં. લોનના એક અરજદાર કે ખાતેદાર સાથે હું વાતચીતમાં હતો તે દરમ્યાન શરીરથી ક્ષીણ અને વસ્ત્રોથી જીર્ણશીર્ણ થયેલ એક ભાઈ આવ્યા. ઊંડી ઉતારી ગયેલી આંખો, ઝાંખો પડી ગયેલ દેહ, બોલે તો પણ શબ્દો ધ્રુજે. હોઠ અને હાથ પણ કંપે.

‘આ લોન વિભાગ છે ?’ ધ્રુજતા અવાજે પૂછ્યું.
‘હા. આ ભાઈ સાથે વાતચીત પૂરી થાય ત્યાં સુધી બેસો.’
મોતને દરવાજે નહિ તો મોતની નજદીક ઉભેલો માણસ પણ ખોટી રીતે બેંકમાંથી લોન લેવા આવતાં અચકાતો નથી અને પછી ભરપાઈ કરવાની દાનત નહીં. સગો ભાઈ પણ પાંચીયુંય ન પરખાવે તેવા તેવા લોકો પણ અધધ…. લોન માટે આવે. આગંતુક ભાઈને શું બાકી રહ્યું હશે તે ‘લોન વિભાગ’માં આવ્યા હશે ?! આવી મનોદશામાં ચાલુ વાતચીત પૂરી કરીને એ ભાઈને બોલાવ્યા.

‘આવો શું કામ હતું ?’
‘સાયબ, આ બેંકમાંથી મેં લારી તથા વાસણો રીપેર અને રેણ કરવા માટેના સાધન સામગ્રીની લોન લીધેલી.’ આટલું બોલતાં પણ તેમણે હાંફ ચઢ્યો.
‘લોન લીધાના એકાદ મહિના પછી હું લારી લઈને રોડ ઉપર ઉભો હતો ત્યાં મ્યુનીસીપાલીટીની દબાણ ખસેડવાની વાન આવી. સમાન સાથે લારી ઉપાડી ગયા તે પછી પાછી ન આવી. જેમતેમ મજુરી કરીને દર મહિને રૂપિયા ચાલીશ લોન ખાતામાં ભરું છું.’
બેંકની ઓછા વ્યાજની યોજનામાં તેમને ધિરાણ કરેલું. દર મહીને નિયમિત રૂપિયા ચાલીશ ભરાતા હતાં. હમણાંથી તે ખાતામાં હપ્તા ભરતા ન હતાં.
‘હા પણ બેક મહિનાથી તેમાં પૈસા ભરતા નથી.’ મેં કહ્યું.
‘એ જ કહેવા આવ્યો છું સાયબ. બે મહિના પહેલાં મને પક્ષઘાતનો હુમલો આવ્યો. શરીર કામ કરતું બંધ થયું તેથી ઝીણીઝીણી આવક હતી તે પણ બંધ થઇ ગઈ અને બેંકનો હપ્તો ભરાતો નથી.’ તેમનો દેખાવ જ તે વાતની સચ્ચાઈની ખાતરી આપતો હતો.
‘કોઈ વાંધો નહિ. શરીર કામ નથી આપતું અને આવકના અન્ય કોઈ સાધનો નથી તેથી લોન માંડવાળ કરવા ભલામણ કરી દઈએ.’ સામેવાળો ખુશ થઇ જશે તેવા ભાવથી મેં તેમની સામે જોયું.

‘એમ નહિ સાયેબ. રે’વા ઘર નથી. પાછળ કોઈ કુટુંબકબીલો નથી. પક્ષઘાતના હુમલા પછી એવું લાગે છે કે ક્યારે જતો રહું તેનો ભરોસો નથી. તેથી મારી પાસે જે બચત મૂડી છે તે હું જમા કરાવવા આવ્યો છું. તે ભરતાં બાકી નીકળે તે મને માફ કરી દયો તો હું ભાર વિના મરું. મારી પાસે પાંચ પૈસા હોય ત્યાં સુધી સરકારી દેવું માથે રાખીને મારે નથી મરવું.’ કહી તેણે મેલાં-ઘેલાં રૂમાલમાં બાંધેલા પૈસાની મરણમૂડીની પોટલી મારી સામે મૂકી. પિત્તળ જેવા નહિ પણ પતરા જેવા માણસો પણ પોતાને સોનાનો ગણાવે તેવાઓની વચ્ચે હીરા જેવા માણસને જોઈ મારી આંખો ચાર થઇ ગઈ.
‘આ પૈસા પાછા લઈ જાઓ. તમે જશો ત્યારે જે લોકો અત્યારે તમારું ધ્યાન રાખે છે તેને મળશે.’ મેં કહ્યું.
‘મારા સારા દિવસોમાં મેં એમનું ઘણું કર્યું છે તેથી એ તો શરમના માર્યા મારું ધ્યાન રાખે છે પણ બેંકે મને લોન આપી એમાં બેંકનો શો સ્વાર્થ ?’ કહી રૂમાલની પોટલી મારા ટેબલ પાર મૂકી એ માણસ હું શું કહું છું કે કરું છું તેની પરવા કર્યા વિના ઉભો થઈને ચાલવા માંડ્યો.

એક સમૃદ્ધ ગરીબ !!
વેંતિયાઓની વચ્ચે એક વિરાટ માણસ !!
સાક્ષાત ‘દરિદ્રનારાયણ’ !!
અહોભાવથી આંખમાં બાઝેલાં આંસુઓના પડળમાંથી વિરાટ અને ઝાંખી થતી જતી એ માનવ આકૃતિને બેંકમાંથી બહાર જતો જોઈ રહ્યો.

દરિદ્રનારાયણ તો અદ્રશ્ય થઇ ગયા. આજે પણ જયારે હું એ પ્રસંગ યાદ કરું છું કે કોઈને કહું છું ત્યારે આંખ ભીની થાય છે. ખરેખર માણસ આવે છે ત્યારે તેના બહારના દેખાવને માન મળે છે પણ જયારે જાય છે ત્યારે તેના અંદરના વૈભવને માન મળે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

12 thoughts on “દરિદ્રનારાયણ – અમૃતલાલ હિંગરાજીયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.