[ મુંબઈ સ્થિત નવોદિત સર્જક આશુતોષભાઈની કેટલીક કૃતિઓ સુપ્રસિદ્ધ ટીવી સિરિયલ ‘છૂટાછેટા’માં ટૂંક સમયમાં આકાર લઈ રહી છે. નાટ્ય અને કલા ક્ષેત્રે તેઓ સક્રિય છે. તેમની એક કૃતિ અગાઉ પણ અહીં આપણે માણી છે. રીડગુજરાતીને આ ટૂંકીવાર્તા મોકલવા બદલ આશુતોષભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે ashutosh.desai01@gmail.com અથવા આ નંબર પર +91 7738382198 સંપર્ક કરી શકો છો.]
રિધમ હવે રીતસર અકળાઈ રહ્યો હતો. રોજ સવારે ૬.૨૫વાગ્યે મુંબઈ સેન્ટ્રલથી ઉપડતી શતાબ્દી એક્સપ્રેસની બોરિવલી સ્ટેશન પર ઉભા રહી રાહ જોતો રિધમ વારંવાર ટ્રેન આવવાની દિશા તરફ જોઈ રહ્યો હતો. કાંડા પર ભરાવેલી ટેગ હાયરની ઘડિયાળ પર દર એક મિનિટે નજર નાખી રહેલો રિધમ પોતાની સાથેજ વાતો કરતા બબડી રહ્યો હતો. ‘મારે ટ્રેન પકડવાની હોય ત્યારેજ અચૂક મોડા પડવાની ટ્રેનની આ આદત કોણ જાણે ક્યારે સુધરશે ?’ મન સાથે થઈ રહેલી આ વાત-ચીત દરમ્યાન એણે ગજવામાંથી ચોથીવાર ટિકિટ કાઢીને ફરી પોતાનો સીટ નંબર ચકાસી લીધો.
કોલેજનો લેકચર બંક કરી કોઈ યુવાન જે રીતે દરવાજે પોતાની પ્રેમીકાની રાહ જોતો હોય તેવી વિહ્વળતાથી હમણાં રિધમ આવનારી ટ્રેનની વાટ જોતો હતો. કોઈની પણ રાહ જોવી પડે એનો આમપણ રિધમને ખુબ મોટો અણગમો હતો, તેથીજ ટ્રેન જેમ-જેમ મોડી પડતી જતી હતી તેમ-તેમ રિધમની ઉતાવળ વધતી જઈ રહી હતી. એના મનના એ ભાવ ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. ખભાપર ભરાવેલી રૂફસેઈક અને હાથમાં પકડેલી નાની અટેચી જેવી બેગ. રિધમ એક ઓફિસ એકિઝક્યુટિવ અને એક પર્વતારોહકનાં સંમિશ્રણ જેવો સોબર અને ખડતલ દેખાઈ રહ્યો હતો. આંખ પર ચઢાવેલા રે-બેનના ગોગલ્સ, માથાપર ટૂંકા વાળ જેના પર જેલ જગાડી સ્પાઈક હેર સ્ટાઈલ બનાવેલી અને સ્લીવલેસ ટી-શર્ટ સાથે પહેરેલું કેપ્રી. ઠાંસો ઠાંસ યુવાની ભરેલા શરીરને ચાસ પાડતી છાતી એક મેગ્નેટીક લુક ઉભો કરી આપતી હતી.
સ્ટેશન પર ઉભેલી એની જેમજ ટ્રેનની રાહ જોઈ રહેલી યુવાન છોકરીઓ અને સ્ત્રીઓ આ સોહમણાં લાગતા યુવાન પર વારંવાર અછડતી નજર નાંખી લેતા મનોમન વિચારી રહી હતીકે આ યુવાનનો નંબર અગર અમારી બાજુમાં હોયતો અમદાવાદ સુધીની સફર આરામથી પસાર થઈ જાય.
હમણાંજ નવો નવો ઈન્જિનીઅર થઈ બહાર આવેલા યુવાન રિધમે નવી નવી ઓફિસ જોઈન કરી હતી અને, આજે ઓફીસના કામને લીધે એણે અમદાવાદ જવાનું થયું હતું. રિધમ દેસાઈ એટલે કેમિકલની બદબૂ નાકમાં ભરતો, સાહિત્યની સુવાસ સાથે જીવતો માણસ. ઈન્જિનીઅરીંગ અને સાહિત્યને ક્યાંય દૂર દૂરસુધી સંબંધ નહીં પણ છતાં આ બન્નેના અસ્તિત્વવાળું એક વ્યકિતત્વ એટલે રિધમ. રિધમને વાંચવાનો, સાંભળવાનો, માણવાનો, જોવાનો ભારે શોખ. સંગીતનો કાર્યક્રમ હોય, કવિ સમ્મેલન હોય કે ફિલ્મો રિધમને હાથમાં આવેલી તક ઉજવવાની મજા પડે. પુસ્તકના નામે એનાં લીસ્ટમાં ભાગ્યે જ કોઈ પ્રકાર બાકી હશે. નોવેલ, નવલિકા, નિબંધ, પ્રવાસવર્ણન, આત્મકથાઓ વગેરે તમામ બુક્સ રિધમ એકસરખા રસથી વાંચે. આ તમામની સાથે રિધમને પોતાનો એક અંગત શોખ હતો, અંગત એટલા માટે કે એના આ શોખ વિષે એને કોઈની સાથે ચર્ચા કરવાનું યા જણાવવાનું પસંદ નહોતું. અને તે શોખ એટલે રેડિયો. રેડિયો સાંભળવું રિધમને પોતાની અંગત ક્ષણો સાથે જીવ્યા જેવું લાગતું. અને એ પણ કોઈ ખાસ ચેનલ, કોઈ ખાસ સમય અને કોઈ ખાસ કાર્યક્રમ. આ ‘ખાસ’ શબ્દ વારંવાર આવવાનું કારણ માત્ર એટલુંજ કે રિધમ આ કાર્યક્રમનો સમય ભૂલમાંય ચૂકતો નહીં, જો કોઈ દિવસ એ ટ્રાવેલ કરી રહ્યો હોય યા બહાર હોય તો પણ એ દિવસના કાર્યક્રમનું રિકોર્ડીંગ થાય એવી જોગવાઈએ કરી લેતો અને પાછો આવે ત્યારે એ રિકોર્ડીંગ સાંભળતો. ૯૩.૫૦ રેડ એફ. એમ પર રોજ સવારે આવતા ‘વેલકમ મોર્નિંગ’ કાર્યક્રમને સાંભળતી વખતે રિધમનું હૈયું એના કાનમાં આવીને ગોઠવાઈ જતું. શબ્દે શબ્દને પી રહ્યો હોય તેમ એ ‘વેલકમ મોર્નિંગ’ સાંભળતા તલ્લીન થઈ જતો, સવારના સ્લોટનાં કંઈ કેટલાય રિકોર્ડીંગ્સ રિધમ પાસે હતા અને એ એકના એક રિકોર્ડીંગ્સ એણે કંઈ કેટલીયવાર સાંભળ્યા હતા. ખાસ અને અંગત એટલા માટે કે ‘વેલકમ મોર્નિંગ’ કાર્યક્રમની એન્કર ગઝલ એને ખુબ ગમતી. મખમલી લાગણીને ઝાકળની હથેળીમાં પકડી રાખી હોય તેવી મુગ્ધ ઝંખના હતી ગઝલ એના માટે. ગઝલના અવાજનો એ દિવાનો હતો. ગઝલના બોલવાની લઢણ રિધમને સવારના પહોરમાં ગુલાબની પાંદડી પર પડેલી બૂંદોથી નવડાવી જતી. એના ઘરની પૂર્વ દિશાની બારીમાંથી સવારનાં સૂર્યના કિરણ અને ‘વેલકમ મોર્નિંગ’ કાર્યક્રમમાંથી ગઝલનો અવાજ બન્ને એક સાથે રિધમનાં ઓરડામાં પ્રવેશતા. અને રિધમ જાણે ગઝલના લયબધ્ધ આરોહ-અવરોહવાળા તાજગીભર્યા અવાજનો પ્રત્યુત્તર આપતો હોય તેમ નિર્મળ મલકાટ સાથે આળસ મરડી પથારી માંથી ઉભો થતો.
પહોળા ખભાવાળું ચાસ પાડતું સપ્રમાણ શરીર અને આકર્ષક રૂપના માલિક રીધમે આજ સુધી ગઝલને જોઈ ન હતી કે ન એને કોઈવાર મળ્યો હતો, પણ છતાં ગઝલ માટે દિલના ખૂણામાં એ કૂણી લાગણી અનુભવતો હતો. કંઈ કેટલીયવાર એ એકાંતમાં ગઝલ સાથેના એક ગુલાબી કલ્પના વિશ્વમાં જઈ ચઢતો અને ક્યાંય લગી એની સાથે જાત-જાતની ને ભાત-ભાતની વાતો કરતો રહેતો. ૯૩.૫ રેડ એફ.એમ. પર એ અનેકવાર ફોનપર વાત કરી ચૂકેલો અને એક ચાહક તરીકે મેઈલનો સિલસિલો પણ શરૂ કર્યાને ૨ વર્ષ જેટલો લાંબો સમય થઈ ગયો હશે. રિધમ એટલે ગઝલને પોતાના ચાહત વિશ્વમાં ટોચ પર બેસાડી ચૂકેલો માણસ.
ધમધમ કરતી શતાબ્દી એક્સપ્રેસ પ્લેટફોર્મ પાસે આવી પહોંચી અને છેલ્લાં કેટલાંય વખતથી થઈ ગયેલા બોરીંગ વાતાવરણ વાળા સ્ટેશન પર અચાનક મોટી ચહલ પહલ થવા માંડી. બધા પોતાની બેગ અને બીજું લગેજ ઉપાડી આમ-તેમ હાંફળા ફાંફળા થવા માંડ્યા. ટ્રેનનાં ડબ્બાને પોતેજ પહેલાં પકડે એની જાણે હરીફાઈ લાગી હોય તેમ દોડધામ થઈ ગઈ અને બધાની સાથે રિધમ પણ એ ટોળામાં જોડાયો. ટ્રેનનાં ડબ્બા પર લગાડેલું કોચ નંબરનું બોર્ડ જોઈ એણેપોતાના કોચમાં જઈ એનો નંબર ખોળી કાઢ્યો. બધા પોતપોતાની બેઠક પર ગોઠવાય ત્યાંસુધીમાં રીધમે પણ બેગમાંથી એ વાંચી રહ્યો હતો તે પુસ્તક કાઢી પોતાનો સામાન વ્ય્વસ્થિત મૂકી દીધો અને એક ઊંડો શ્વાસ લઈ હાંફી ગયેલી ધમણને શાંત કરતા પોતાની જગ્યા પર ગોઠવાયો. વાતાવરણ શાંત થવાની રાહ જોતા એણે આમ-તેમ નજર ફેરવી લીધી અને આજ કોચમાં એણે આગલા ૭ કલાક કાઢવાના હોય એની સાથે ટ્રાવેલ કરવાવાળા પાડોશીઓને આંખમાં ભરી રહ્યો હતો એટલામાં, એની નજર સામે બેઠેલી છોકરી પર પડી અને પછી જાણે એ નજર ત્યાંથી પાછા વળવાનું જ ભૂલી ગઈ.
યુવાન ગુલાબી ચહેરો, બ્રાઉનવાળનો ચમકદાર શેડ અને એને કારણે વધુ આકર્ષક લાગતું રૂપ. રિધમને એમ લાગ્યુ કે જાણે આ પહેલા એણે કોઈ દિવસ આવું રૂપ નથી જોયુ જેના પર નજર પડ્યા પછી નખશિખ તાજગી, લાવણ્ય અને ભીનાશનો અનુભવ થાય. જાંબુડી રંગના ડ્રેસમાં જાણે આ છોકરીની ચામડી હતી એના કરતા વધુ ગોરી લાગી રહી હતી. જોતાંજ એમ લાગે કે જાણે કુદરતે આ સૌંદર્યનું સર્જન હાડ-માંસથી નહી પણ માખણથી કર્યું છે. નકશીદાર વળાંકવાળી આંખોમાં વાતો કરી શકવાની કાબેલિયત, નેણના કાળા ભમ્મર વાળ, આંખોમાંથી છલકતી માદકતાને ઓર નશીલી બનાવે. ચામડીના એક-એક અણુમાંથી નર્યા રૂપ સિવાય બીજું કંઈજ જોવા ન મળે. સમગ્રરૂપમાં આંખે ઊડીને વળગે તેવો ઉપરના હોંઠની જમણી બાજુએ ભૂખરો તલ એમ લાગે કે જાણે કુદરતે કોઈની નજર ન લાગે એટલાં માટેજ એને ત્યાં ગોઠવ્યો હોય. એ તલ એના રૂપને વધુ ચુંબક્ત્વ બક્ષતો હતો. આ તલને કારણે એનો ચહેરો વધુ સુંદર લાગે છે યા ચહેરાને કારણે એનો તલ વધુ આકર્ષક લાગતો હતો એ નક્કી ન કરી શકાય. પણ બન્ને એકબીજાના પૂરક હોય તે રીતે જોનારને વધુ નશીલી હાલતમાં નાખી દેતા.
બન્નેની નજર મળી અને ઔપચારિક સ્મિતની આપ-લે થઈ. રિધમને લાગ્યુ કે આ સ્મિત ભરઉનાળે ખીલેલા ગરમાળા જેવું છે. બાળી નાખતા તડકાંમાં પણ પુર બહારે ખીલેલા ગરમાળાની કૂમળી પાંદડીઓ જે રીતે આંખે ઉડીને વળગે તે રીતે એનું સ્મિત રિધમને અંદરથી હચમચાવી મીઠો આંચકો આપી ગયુ. એણે મનોમન આ રૂપને એની સામે મોકલવા બદલ કુદરતનો આભાર માની લીધો.
બોરિવલી સ્ટેશનથી ઉપડેલી ટ્રેનની સ્પિડ જેમ જેમ વધતી ગઈ તેમ-તેમ રિધમની પણ પેલી સામે બેઠેલી સૌંદર્ય સામ્રાજ્ઞી સાથે વાત કરવાની તાલાવેલી વધતી ગઈ. રિધમ રીતસર બહાના શોધવા માંડ્યો વાત કરવાના. ‘હાય, ટ્રાવેલીંગ ફોર અમદાવાદ ?’ રિધમ બોલ્યો. ‘યસ એન્ડ યુ ?’ સામે બેઠેલા મધપૂડાએ એકાક્ષરી જવાબ આપ્યો. રિધમના કાનમાં જાણે મધ રેડાયુ. ‘યસ, ગોઈંગ ફોર ઓફીસ વર્ક.’ ફરી ઔપચારિક સ્મિત અને પાછી શાંતિ. માત્ર એક વાક્યની વાત થઈ હોવા છતાં એ એક વાક્ય પણ જાણે રિધમના કાનમાં ઈકોની જેમ વારંવાર રિપીટ થતું રહ્યું. રિધમ હવે નક્કી નહોતો કરી શકતો કે સામે બેઠેલી છોકરીનું રૂપ વધારે સુંદર હતું કે અવાજ. આ એક વાક્ય સામા છેડેથી સાંભળ્યા બાદ તો રિધમ જાણે હવાતિયા મારવા માંડ્યો એની સાથે વાત કરવા માટે. કયો વિષય, કયા શબ્દો, કયું એવું તો કોઈ કારણ મળે કે વાત-ચીતનો એક લાંબો દોર ચાલુ કરી શકાય. રિધમના મનની વાત જાણે પેલી સામે બેઠેલી રૂપગર્વિતાએ વાંચી લીધી હોય તેમ એ મનોમન મલકી રહી. આખરે રઘવાયા થયેલા રિધમે બેગમાંથી કાઢેલું પુસ્તક ખોલ્યું અને એમાં છપાયેલા અક્ષરો પર નજર ટેકવવાનો પ્રયાસ કરી રહ્યો પણ એટલામાંજ પેલી કોયલે ટહૂકો કર્યો.
‘કુન્દનિકા કાપડીયા રાઈટ ?’ રિધમને જાણે વરસાદ અડકી ગયો. જે બૂંદમાં ભીંજાવા તરસી રહ્યો હતો તે વાંછટ બારી માંથી અંદર પ્રવેશી સામે ચાલીને એને ભીંજવી રહી હતી. ‘હેં, હા કુન્દનિકા કાપડીયા. અદભૂત વર્ણન, અદભૂત લઢણ અને રોમાંચક વિષય. તમે વાંચી છે હિમાલયના સિદ્ધ પુરૂષો ?’ ‘હા, આ પણ અને સાત પગલા આકાશમાં પણ.’ સામેથી પ્રત્યુત્તર આવ્યો.
રિધમ જાણે એક નશીલા ઘેનમાંથી જાગ્યો અને છેલ્લા વાક્યની વાતને એણે પોતાના મગજમાં વારંવાર રિવાઈન્ડ કરવા માંડી. એની સ્મૃતિઓ એ જાણે એને એક ટકોર કરી હોય તેમ આ સુમધુર અવાજ એને ચિરપરિચિત લાગ્યો. એને એના કાન પર અને મનમાં આવી ગયેલા વિચાર પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. એને લાગ્યુંકે આ ટહૂકો, આ કંપન અને એના અણુએ અણુમાં વહી રહેલો અવાજ ક્યાંક મળતા આવે છે. આ અવાજ એજ વાણીના પ્રવાહનો અંશ છે જે પ્રવાહ સાથે એ વર્ષોથી જીવ્યો છે. આ રણકાર એજ રણકાર છે જેના મધુર કંપનથી એના મનોજગતમાં તાજગીનું લખલખું ફરી વળે છે. આ એજ અવાજ છે જે અવાજ સાથે એ ઉંઘ્યો છે અને જાગ્યો છે. પણ પોતાનું સપનું આમ અચાનક સામે આવી શકે છે એ વાત પર એના મગજની તાર્કિક દલીલો સહમતી નહોતી આપી રહી.
રિધમ ક્યાંય લગી એ અવઢવમાં અટવાતો રહ્યો કે આ વસંતની ભીની હવામાં રગદોળાયેલા ટહૂકાની ખુશ્બુ જે એના નાકમાં આવી રહી છે તે એની ગઝલનો અવાજ છે યા માત્ર એનો વહેમ છે. અચાનક વાત કરતા અટકી જઈ, કોઈ ગહેરા વિચારમાં અટવાઈ ગયેલા રિધમને સામે બેઠેલી પેલી સુવર્ણત્વચા અચંબીત આંખે અને મોહક મલકાટે જોઈ રહી. વારંવાર બદલાય રહેલા રિધમના મનોભાવ અને એના ચહેરા પર અંકીત થઈ રહેલી રેખાઓ દ્વારાએ રિધમના મનોવિશ્વને કળવાની કોશિશ કરી રહી હતી. રૂપનો રણકાર ફરી શબ્દોમાં ફેરવાયો. ‘ so, ગૂઢ સત્યને સ્પર્શતા રોમાંચક વિષય વાંચવાનો શોખ છે તમને !’ અચાનક આવેલા મીઠા ટહૂકાને ઝીલતા રિધમે જવાબ આપ્યો. ‘રિધમ દેસાઈ, મારૂ નામ. અને મારી જો ભૂલ ન થતી હોય તો તમે ગઝલ રાઈટ ? બસ માત્ર ગઝલ’ છેલ્લા ત્રણ શબ્દો એ મનમાંજ ગણગણ્યો.
ચોંકવાનો વારો હવે સામા છેડે હતો, નવાઈ અને અચંબામાં અંજાયેલી આંખોએ સૂચક પ્રશ્નાર્થ સામે ધર્યો. ‘એક મિનિટ, મી. રિધમ આ પહેલા મેં તમને ક્યારેય જોયા નથી તો પછી તમે મને કેવી રીતે ? અને મારૂ નામ તમે કઈ રીતે ? રિધમે સામેથી આવતા પ્રશ્નોને વચમાંજ અટકાવી દીધા. ‘હા, તમે તમારૂં નામ નથી જણાવ્યુ, પણ મારે તમને ઓળખવા માટે તમારો અવાજ જ કાફી છે. ગઝલ, મોર્નિંગ ૭.૦૦ to ૧૧.૦૦, ૯૩.૫ રેડ એફ. એમ., વેલકમ મોર્નિંગ. am I right ?’ આખાય પ્રશ્નાર્થનો જવાબ ગઝલને મળી ગયો, અને એ વાત એના આનંદમાં ઓર વધારો કરી ગઈ કે એનો અવાજ એટલો બધો તો વાગોળવા લાયક છે કે હવે એ અવાજ માત્ર એની ઓળખ માટે પૂરતો છે. એક પછી એક સામેથી આવી રહેલા પોતાના વખાણના વાક્યને ગઝલ આનંદ, શરમ અને ઉન્માદથી ઝીલતી રહી. રિધમ ગઝલ પ્રત્યેની પોતાની દિવાનગીને એની નજરસામે પાથરવા માટે રીતસર શબ્દોની શોધખોળ ચલાવી એને સુવ્યવસ્થિત ગોઠવી એક પછી એક વાક્યોને વખાણોના ઘરેણાં પહેરાવવા શરૂ કરી દીધા. ગઝલ મનોમન ખુશ થતા એ સાંભળતી રહી. ગઝલને આ સુખદ આંચકો ખુબ આનંદિત કરી રહ્યો હતો. એને જોયા વગર માત્ર સાંભળીને પણ કોઈ આટલી હદસુધી પ્રેમ કરી શકે એ વાત એને રોમાંચિત કરી રહી હતી પણ, આનંદની આ પગલીઓને અચાનક એક મોટો કાંટો વાગ્યો હોય તેમ એ ઉદાસ થઈ ગઈ. કોઈ અકળ વિચાર એને આગળની સ્વપ્નદોડમાં આડખીલી બની અટકાવી રહ્યો હતો. એ શાંત થઈ ગઈ.
રિધમના અવિરત ચાલી રહેલા વાક્યો જાણે હવે એના કાનસુધી પહોંચતાજ નહોતા યા એ નહોતી પહોંચવા દઈ રહી. એ સ્થિતપ્રજ્ઞ થઈ બસમાત્ર સાંભળતી રહી. એની આ ઉદાસી, આ અજંપો એને ઠરવા નહોતા દઈ રહ્યા. આ તરફ રિધમ ગઝલના વખાણશાસ્ત્રનું અસ્ખલિત વાણી પ્રવાહ દ્વારા પઠન કરી રહ્યો હતો. બન્ને યુવાન હૈયા ક્યાંય લગી વાતો કરતા રહ્યાં.
ગઝલના અવાજના વખાણથી શરૂ થયેલી વાતો અનેક વિષયો, દલીલો અને અલગ અલગ પાસાંઓના વિચારોથી લઈ નવી રિલીઝ થયેલી મૂવિ, જુની ફિલ્મો અને નાટકોની વાતો સુધી વિસ્તરતી રહી. સામે છેડે વાત કરવા મનગમતો સાથી હતો અને હોંઠપર દુનિયાભરનાં વિષયો. રિધમ અને ગઝલની વાતો ખૂટતી નહોતી.
રિધમની કલ્પનામાં તરવરતી ગઝલની છબી કરતા પણ વધુ સૌંદર્ય સામે બેઠેલી ગઝલમાં પામી રિધમ પૂનમના દરિયાની ભરતીના મોજાની જેમ ઉછળી રહ્યો હતો અને ગઝલ વારંવાર ઉન્માદના વહેણમાં તણાતી, એક મજબૂત વ્યકિતત્વને નજર સામે જોઈ ઓગળી રહી હતી પણ હિમશિલાપર પડતા આકરા તડકાસમ કોઈ વેદના ગઝલને રિધમની નજીક આવતા રોકી રહી હતી. ટ્રેને પોતાની ધમ ધમ કરતી ગતિ દ્વારા સાડા છ કલાકનો સમય પુરો કરી નાખ્યો અને અમદાવાદના કાલુપુર સ્ટેશન તરફ આવી પહોંચી. દરેકજણ પોતાનો સામાન જોઈ ચકાસી ઉતરવાની તૈયારી કરવા માંડ્યા. ઈચ્છા ન હોવા છતાં રિધમે પણ પોતાની બેગ ઉતારવી પડી. ગઝલનો સામાન પણ એણે જ ઉતારી આપ્યો. બન્નેએ સેલફોન નંબર, મેઈલ આઈ ડી વગેરેની આપ-લે કરી લીધી. રિધમે એ કાગળ પોતાની લગ્ન કંકોતરી હોય તે રીતે સાચવીને મૂકી દીધો, ગઝલે પણ સુંવાળા સ્પર્શ સાથે રિધમના નંબરવાળું કાગળ એના પર્સમાં સરકાવી દીધું.
જેમ-જેમ કાલુપુર નજીક આવતું ગયું તેમ-તેમ ગઝલ વધુને વધુ ઉદાસ થતી ગઈ અને કોઈ અકળામણ અનુભવતી હોય તેમ એણે બહાના કાઢી રિધમને પહેલા ઉતરી જવા માટેના કારણો સામે ધરવા માંડ્યા. પણ રિધમ કેમેય કરી એનાથી છૂટો પડવા માંગતો નહોતો.
‘ચાલ ઉભી થા ગઝલ, કમસે કમ સ્ટેશનના દરવાજા લગી તો સાથે જઈએ.’ એ બોલ્યો. ‘ના રિધમ મને લેવા મારા અંકલ આવી રહ્યા છે. તું નીકળ. હું જતી રહીશ.’ હમણાં સુધી મખમલ હતુ તે શિલ્પ જાણે અચાનક પત્થર થઈ ગયું. રિધમના લાખ સમજાવવા છતાં ગઝલ ઉભી ન થઈ. ‘શું કામ નાહકની જીદ્દ કરે છે રિધમ ? હું જતી રહીશ મારા અંકલ બહાર આવી ગયા હશે તું નીકળને પ્લીઝ.’
એક યુવાન રૂપગર્વિતા સાથેની તહેઝીબ ભરી વર્તણૂકમાં ખોટી જીદ્દ ન હોય તે યાદ કરતા એ પોતાનો સામાન લઈ ઉતરીતો ગયો પણ એની અંદરના પ્રેમીએ એને સ્ટેશનના એક ખૂણે રોકી લીધો. ટ્રેનમાંથી બધા યાત્રીઓ ઉતરી ગયા બાદ ૫૦-૫૫ની આસ પાસનો એક આડેધ પુરૂષ એ કોચમાં ચઢ્યો અને થોડીવારમાં એક છોકરીને ઉંચકી બહાર આવ્યો. એની સાથે નોકર જેવા લાગતા બીજા માણસે હાથ વડે પકડી રાખેલી ફોલ્ડીંગ વ્હીલચેર ખોલી અને પેલા પુરૂષે એ છોકરીને એમાં બેસાડી દીધી, એ ગઝલ હતી. રિધમે છેલ્લાં સાડા છ કલાક જેની સાથે ગમતીલા સપનાની જેમ વિતાવ્યા હતા તે ગઝલ. ચુંબકીય અવાજની માલિક ગઝલ પોતાના નિષ્પ્રાણ પગ સાથે વ્હીલચેર પર બેઠી. રિધમની આંખો ફાટી ગઈ. એ પોતાની જાતને વિશ્વાસ નહોતો અપાવી શકતો કે જેને જોઈ એ મંત્રમુગ્ધ થઈ ગયો હતો તે ગઝલ અપંગ હતી ? આ વાત પર એનું ધ્યાનજ કેવી રીતે નહી ગયું ? આટલી મોટી કડવી વાસ્તવિકતા એની સાથે જોડાયેલી છે એ વાતથી એ હમણાંસુધી અજાણ રહ્યો ? રિધમને લાગ્યુંકે અપાર તરસના જીવ સામે ધસમસતી નદી આવી અને તરસ છિપાવ્યાં વગરજ એ ક્યાંક ધરતીના પેટાળમાં સમાઈ ગઈ.
પૃથ્વીનાં પેટાળમાં જઈ પડેલી રિધમની લાગણીઓએ ધીમે ધીમે દલીલોના પગ લઈ ઉભા થવાનો પ્રયત્ન કર્યો. ‘પ્રેમ શું શરીર માત્રનો મહોતાજ છે ? મનમાં ઉઠતી લાગણીઓને શું એકબીજાના શીતળ જળથી ઉછેરી ન શકાય ?’ ‘પ્રેમનું નામ અગર પરમતત્વને પામવું છે તો શરીરના માધ્યમનું મહોતાજ શું કામ થવું પડે ?’
બસ, આ છેલ્લાં વાક્યએ રિધમના આખાય શરીર, મન અને મગજમાં ચેતનાનું કામ કર્યું. આ વાક્ય રિધમના રૂંવે રૂંવે દ્રઢ થઈ ધીમે-ધીમે વિશ્વાસ પછી આત્મ વિશ્વાસ અને પછી દ્રઢવિશ્વાસમાં માં પરિણમી એક અફર નિર્ણય સુધી લઈ ગયું. એણે ગજવામાંથી કાગળ કાઢ્યો. ‘હલ્લો, ગઝલ ? રિધમ વાત કરૂં છું. ગઝલ, રોજ સવારે મારા પડખેથી ઉભી થઈ આપણા સહવાસની તાકાત અને મારા પ્રેમના પગ વડે ચાલીને મારા ઘરથી રેડીયો સ્ટેશન જવાનું પસંદ કરીશ ? મારી સાથે લગ્ન કરીશ ?’
સામા છેડેથી ત્રુટક ત્રુટક શબ્દો આવ્યા. ‘કોણ રિધમ ? રિધમ હું…..’
‘ગઝલ, પ્રેમનું નામ અગર પરમતત્વને પામવું છે તો શરીરના માધ્યમનું મહોતાજ શું કામ થવું પડે ?’ રિધમને સામેથી હર્ષ, લાગણી, પ્રેમ અને હકારના વ્હાલભર્યા રડમસ હુંકાર સિવાય બીજું કંઈ જ ન સંભળાયું.
30 thoughts on “વેલકમ મોર્નિંગ – આશુતોષ દેસાઈ”
Aajkal na wtsappiya yug ma jyare I love you shabd ne uchchhavas jetli sahajtathi vina sankoche fekvama aave chhe tyare aa story prem shabd no sachho arth samjavi jay chhe. Samvedanshil varta. Abhinandan.
ખરેખર અદભુત વર્ણન કર્યુ છે કહેવા માટે વધુ કાઇ શબ્દ નથી . . . .
ખુબ જ સુન્દર વાર્તા ! હ્દય ના ઝીણા તાર ઝણકી ઉઠ્યા આ વારતા વાચી ને બહુજ મજા આવી. આશુતોસ ભાઇ નો ફેન બની ગયો આજ્થી
અફલાતુન…
સુંદર વર્ણન સહીતની અંત સુધી વાતનુ રહસ્ય ન પામી શકાય તેવી ખુબ જ મઝાની વાત.
Very beautiful and descriptive story.
આભાર, આપ સર્વેનો આભાર માનુ એટલો ઓછો છે.આટલા સુંદર પ્રતિભાવો જ વધુ લખવા માટે પ્રેરે છે.હમણાં બે નોવેલ અને બે નાટક લખેી રહ્યો છું. અને વાર્તાઓ લખવાનું તો સ્વાભાવિકરેીતેજ ચાલુ હોય.
ફરેીવાર આપના સકારાત્મક પ્રતિભાવ માટે આભાર.
આશુતોષ દેસાઈ.
ઘણી જ સુન્દર વાર્તા…જો પ્રેમનું નામ અગર પરમતત્વને પામવું છે તો શરીરના માધ્યમનું મહોતાજ શું કામ થવું પડે ?’અને આ વિચાર ધારા ધરાવતા સમાજ નુ ચિત્રણ્ આનન્દ દાયક છે……
congrats and we are eager to read more and more….again its really heart touching…
mind blowing Aashu,
one of the best till now from your stable.
hope more better and better would flow out from your pen
pritesh
Adbhut varta ajana beautiful world aavi love story.anand thayo varta vachi .jay jay garvi gujarat
ભાઈશ્રી આશુતોષભાઈ,
આપની મોહક વર્ણન શૈલી આબાદ ચિત્ર ઉપસાવે છે.
વાર્તાપ્રવાહ મન તેમજ શરીરને ભીંજવતો સરકે છે.
સમગ્ર ચેતના મસ્ત બને છે.
સહુનો પ્રેમ માણતા રહો!!!!!!!
આભાર.
પરમક્રુપાળુ આપ પર મહેર વરસાવે, નમ્ર પ્રારથના.
after long long time i read such a touching story
superb……. no words
આસુ દોસ્ત્ , સારિ કલ્પના સક્તિ વાપરિ છે.
superb… very nice….great love story.hart thouching & discrib
true love in very very beautifull words.
Good writing, n expressed d feelings of d characters very well so, keep it up. But try to be more original in choosing d concept, as most of the time, it’s d heart of a story. As u’ve developed it very well, but d story line is very similar to a Hindi movie ( which again was a copy of another English movie), Mann, starring Aamir Khan.
Pls, take my comment as constructive criticism n not negative.
I wish u all d best in ur journey of becoming a widely apriciated writer.
Amruta
nice one ….!!!!!!!
સુપર્બ મારિ પાસે બોલવા શબ્દ નથિ વાહ વાહ વાહ………..
આભાર, આપ સર્વેનો ખુબ ખુબ આભાર. અમૃતા આપના અભિપ્રાય બદલ આભાર, આપના મંતવ્યને આવકારુ છું. મિત્રો, મૃગેશભાઈએ જ્યારે આપ સર્વેને મારેી સાથેભેગા કરવા જેવું ઉત્સાહેી કાર્ય કર્યુ છે ત્યારે એમના ખરા દિલથેી આભાર માનતા એટલું કહું છું કે મારુ લખાણ આપને ખરેખર ગમતુ હોય તો મને વાંચતા રહેજો અને આપના અભિપ્રાય આપતા રહેજો.
આશુતોષ
Supab story pan real life ma bahu jaldi nathi thatu but story is mindblowing.
સ્વદેશ થી સૂદૂર ઓસ્ત્રેલિઆ મા બેસી આવુ વાન્ચ્તા યુવા લેખક ભાઈ આશુતોશ દેસાઈ પ્રત્યે માન થવૂ તદન સ્વાભાવિક છે. ” તમારી કલમ ભવિશ્ય મા ગુજરાતી સાહિત્ય ને વધુ સમ્પન્ન બનાવ્શે તેમા કોઇ બે-મત નથી. જેીવન ના સાડા-સાત દશક વિતવ્યા બાદ પણ વાન્ચન જરુરિ લગે ચ્હે.
Jyare pranay ni jag ma sharuaat Thai hashe tyare pratham gazal ni rajuaat Thai hashe
Unbelievable & very Nyc Story..
Superb Story… Actually I have a little difficulty with Gujarati writing so.. But the feelings never required any language so you can understand my feelings.. Really awsome story…
I love this story,
Yo are superb, sir.
ગયા વરસે એક સુપરહિટ મલયાલમ ફિલ્મ ‘બેન્ગ્લોર ડૅય્સ’ જોયેલેી તેમ પણ રેડિઓ જોકેી અને ફિલ્મ ના હેીરો નેી સેમ આવેી જ ક્યુટ સ્ટોરેી હતેી. જેમા રેડિઓ જોકેી હેીરોઈન પણ અપન્ગ હોય છે અને હેીરો ફક્ત તેનો અવાઝ સાંભળીને જ તેને પ્રેમ કરેી બેસે છે. અને સત્ય જાણ્યા પચ્હિ પણ તે પ્રેમ કરતો રહે છે. પણ ફિલ્મ આ વાર્તા લખાયા પછી આવેલેી છે એટલે ખુબ જ ખુશેી થઈ આ વાર્તા વાંચીને. સુપર્બ સ્ટોરેી સર.
નયન ભિનાં થઈ ગયાં !!!!
પ્રેમનું નામ અગર પરમતત્વને પામવું છે તો શરીરના માધ્યમનું મહોતાજ શું કામ થવું પડે ?
સાચે જ મન સોંસરવી ઊતરી જાય એવી પંચ-લાઈન !!!!!!
Aashutoshbhai,
khub sunder rite prem ni anubhuti karave tevi varta. tema pacha nayak nayika Kundanikabahen na fans. Wah, sone pe suhaga jevu thayu.
varta to sunder chej parantu apna shabdo thi evi rite gunthai che, mano sachvine ek ek moti parovyu hoy.
tamara bija lakhano ni vat jota,
Keta
Toronto, canada
ખુબ જ સરસ મને ખુબ જ ગમ્યુ જે રિતે તમે ગઝલ માતે અલગ અલ્ગ અને બે વાર વઆચવાનુ મન થઆય અએવા સબ્દ અધ્ભુત
varta ne madhur mahakavya kahevu joie.
rasik shailima sucharu varnan.