પરિવર્તન – રમણ મેકવાન

[‘અખંડઆનંદ’ સામાયિકમાંથી સાભાર.]

‘ડોહલી મરતીય નથી, ન માંચો મેલતીય નથી.’ વાસંતી અકળામણ કાઢતાં મનોમન બબડી. પછી પરસાળમાં ઓશિયાળી હાલતમાં બેઠેલાં નર્મદાબહેનની નજીક જઈ એમની સામે લાંબા, ટૂંકા હાથ કરતાં આવેશભેર બોલી ‘મર, મરતી કેમ નથી ? આખી દુનિયાનું આવે છે અને તારું જ નથી આવતું ? ઓ ભગવાન ! એનાથી ક્યારે મને છુટકારો મળશે ?’ બોલતાં વાસંતીએ માથું કૂટ્યું. માથુ કૂટતાં કૂટતાં ઘરમાં ચાલી ગઈ. નર્મદાબહેન માટે આ એક દિવસનું ન હતું. દરરોજ સવાર થતાં એમનો દીકરો દુકાને જવા ઘરમાંથી નીકળે કે તરત વાસંતી મનની દાઝ નર્મદાબહેન પર કાઢતી અને ન બોલવાનું બોલતી. એમને મ્હેણાં ટોણાં મારતી અને નર્મદાબહેન છેડો વાળીને રડતાં. આ લાચારી હતી. પતિના મરી ગયા પછી વહુ વાસંતીના પનારે એ પડ્યાં અને એમનું જીવવું વખ જેવું થઈ ગયું.

નર્મદાબહેનને બે દીકરા હતા. પતિ શહેરમાં કાપડની દુકાન ચલાવતા હતા. સારા કહી શકાય એવા વિસ્તારમાં સરસ બંગલા જેવું ઘર હતું. દુકાનની આવક સારી હતી. બે છોકરા અને એ પતિ-પત્ની ચાર જણનું મર્યાદિત કુટુમ્બ હતું. નર્મદાબહેન પરિવાર સાથે સુખી હતાં. ક્યાંય કશી અડચણ – મુશ્કેલી નજર આવતી ન હતી. બંને છોકરા ભણાય એટલું ભણ્યા. મોટો સરકારી ખાતામાં નોકરીએ જોડાયો. નાનો ભણી રહ્યો એટલે બાપાને દુકાનમાં મદદમાં લાગી ગયો. મોટાને માગું આવ્યું એટલે પરણાવ્યો. એ પછી એના શહેરથી દૂર બીજા શહેરમાં એની બદલી થઈ ગઈ. એટલે એની સ્ત્રીને લઈ, નોકરીના સ્થળે ચાલ્યો ગયો. નાનો દુકાનમાં પાવરધો થઈ ગયો. નર્મદાબહેનને અને એમના પતિને લાગ્યું, ‘છોકરો હવે ધંધામાં હોશિયાર થઈ ગયો છે. વેપારમાં એને ફાવટ આવી ગઈ છે.’ એટલે એમણે આખી દુકાન એને સોંપી દીધી. એ પછી એને પરણાવ્યો, વહુથી ઘરમાં વાસંતી આવી.

વાસંતી સંસ્કારી, સમાજમાં આગળ પડતા પ્રતિષ્ઠિત બાપની દીકરી હતી. એ જ સંસ્કાર લઈ સાસરે આવી હતી. આથી એના ગૃહપ્રવેશથી નર્મદાબહેનનું ઘર નંદનવન સમુ બની ગયું. રાતદિવસ વાસંતી સાસુ-સસરાની સેવા કરતી, એમને અમથુંય ઓછું ના આવે એની ખાસ તકેદારી રાખતી. નર્મદાબહેન એમને ભાગ્યશાળી માનતાં, વાસંતી જેવી કહ્યાગરી ઘરરખું વહુ મળ્યા બદલ. પણ વિધિની વક્રતા કહો કે, બીજું ગમે તે, લગ્નજીવનનાં પૂરાં પંદર વરસ પસાર થયાં છતાં, વાસંતીનો ખોળો ના ભરાયો. વાસંતીને એનું નિ:સંતાનપણું ડંખ બની એના જિગરને કોતરવા લાગ્યું. સંતાન માટે વાસંતીએ પથરા એટલા દેવ કર્યા. ડૉક્ટર, વૈદ્ય અને જેણે જે બતાવ્યા એ બધા જ ઘરગથ્થુ ઇલાજ કર્યા. પણ એની શેર માટીની ખોટ ના મટી, એને કારણે વાસંતી અંતરથી દુ:ખી દુ:ખી હતી. એ અરસામાં નર્મદાબહેનના પતિનું ટૂંકી માંદગીમાં મોત થયું. વૈધવ્યનો અભિશાપ નર્મદાબહેનને આભડી ગયો. પતિના વિયોગથી નર્મદાબહેન ભાંગી પડ્યાં, પન વાસંતી અને એના પતિ નર્મદાબહેનના પુત્રે એમને આશ્વાસન, હિંમત, હૂંફ આપી, ‘મમ્મી ! કોઈ વાતે દુ:ખી ના થશો, અમે છીએને ! તમારીય હવે ઉંમર થઈ, ઘરમાં બેસી રહો. પપ્પાની જગ્યાએ હવે તમે રહ્યાં. અમને તમારા સાથની હિંમતની-હૂંફની જરૂર છે. મમ્મી, ઘરમાંથી તમારે ક્યાંય જવાનું નહીં. સવાર-સાંજ મંદિરે દર્શન કરવા જજો અને ભગવાનને અમારી અરજ કરજો.’ વાસંતીએ હેતથી નર્મદાબહેનને કહ્યું, નર્મદાબહેન વાસંતીના હેતાળ શબ્દોએ ગદગદ થઈ ગયાં. આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.

પપ્પાની ઉત્તરક્રિયા અને બીજાં કામ માટે, નર્મદાબહેનને મોટો એના સ્ત્રી-બાળકો સાથે આવેલો. એને બે બાળકો, એક છોકરી એક છોકરો હતાં. હવે તો બંને ખાસ્સાં મોટા થઈ ગયાં હતાં. કૉલેજ કરતાં હતાં. બધું પતી ગયા પછી પપ્પાની મિલકતની વહેંચણી થઈ. સમાજના વડીલો ને વકીલની હાજરીમાં નર્મદાબહેનના મોટાએ કહ્યું ‘મારી મમ્મીને મારો નાનો ભાઈ પાલવે છે. મા જીવશે, ત્યાં સુધી અહીં રહેશે પણ એને મારે ત્યાં આવવું હોય તો કશો બાધ નથી. જ્યારે એની મરજી પડે ત્યારે મારી મમ્મી મારે ત્યાં આવી શકે છે, એના માટે મારા ઘરના દરવાજા ઉઘાડા છે.’ કહી એણે જાહેર કર્યું, ‘મારા પપ્પાની બધી મિલકત, દુકાન, જર-ઝવેરાત બધું હું મારા નાના ભાઈને આપી દઉં છું. મારે એમાંથી કંઈ જોઈતું નથી માત્ર મારી મમ્મીને સારી રીતે રાખે’ અને એ રીતે મિલકતનું લખાણ થયું. બધી મિલકત નાનાને મળી. મોટાની ઉદારતાથી બધાં આભાં બની ગયાં. એનાં અને એની પત્નીનાં ભરપેટ વખાણ કરવા લાગ્યાં. નર્મદાબહેન સાથે વાસંતી પણ, દરરોજ સવારમાં નિયમિત દેવ-દર્શને જવા લાગી. દેવ-દર્શનથી એને મનની અપૂર્વ શાંતિ મળતી. મહાદેવની વિશાળકાય મૂર્તિ સામે વાસંતી બંધ આંખે હાથ જોડી ઊભી રહેતી અને ભોળાનાથને એની વાત કરતી. ‘પ્રભુ ! દયા કર, મને માત્ર એક બાળક આપ. હજુ નાસી નથી ગયું. પ્રભુ, તારી કૃપા અપાર છે. તારા માટે કશું અશક્ય નથી.’

ભોલેનાથને એની વાત કહ્યા પછી વાસંતી મનથી હળવીફૂલ થઈ જતી એને આશા બંધાતી મહાદેવ પાસે માગ્યું છે એ મળશે – એવી શ્રદ્ધા સાથે પાછી ફરતી. એક દિવસ નર્મદાબહેનના શરીરમાં અસુખ જેવું હતું. આથી વાસંતી એકલી મંદિરે દર્શને ગઈ. દર્શ કરી પાછી ફરતાં, એને એની પડોશણનો સંગાથ થયો. બંને વાતો કરતાં સાથે ચાલતાં હતાં.
વાતમાંથી વાત નીકળી, એમાં પડોશણ વાસંતીને એના નિ:સંતાનપણાનો આડકતરો ઉલ્લેખ કરતાં કહ્યું ‘વાસંતી, ઘણી વખત અમુક એવાં માણસોની નજરે આપણે પડી જઈએ કે, પછી આપણું કદી સારું ના થાય, આપણે રાનરાન ને પાનપાન થઈ જઈએ.’
‘એટલે ? તમે કહેવા શું માગો છો ?’ વાસંતીએ વાતમાં રસ લેતાં પૂછ્યું.
પડોશણ પ્રૌઢ હતી. બે છોકરાંની મા હતી. બંનેને પરણાવી દીધાં હતાં. છોકરી એના સાસરે હતી અને છોકરો – વહુ એની સાથે રહેતાં હતાં, પણ એ સ્ત્રીને એની વહુ સાથે દરરોજના ઝઘડા થતા હતા. એની વહુ એને ગાંઠતી ન હતી અને સ્ત્રીને એની પર સાસુપણું કરવાની ચળ ઊપડતી હતી એમાં બંને વચ્ચે અહમ ટકરાતો, તણખા ઝરતા અને ભડકો થતો. જ્યારે વાસંતીને એની સાસુ નર્મદાબહેન સાથે મા-દીકરી જેવા સંબંધ હતા. બંને અરસપરસ પ્રેમથી રહેતાં. એમના ઘરની શાંતિ આ સ્ત્રીને ખૂંચતી હતી.

‘તારી સાસુના કારણે તને બાળક નથી થતું’, સ્ત્રીએ એકદમ સીધું જ કહ્યું.
સાંભળી વાસંતી અવાચક સ્ત્રી સામે જોઈ રહી. સ્ત્રી આગળ બોલી, ‘એણે તારા સસરાનો ભોગ લીધો. બાકી તારા સસરા હરતા ફરતા હતા. દરરોજ દુકાને જતા હતા. એક જ દિવસ માંદા પડ્યા ને ?’ બોલી સ્ત્રીએ જવાબ માટે વાસંતી સામે જોયું.
વાસંતીએ ડોકી હલાવતાં તરડાયેલા અવાજે કહ્યું ‘હા, આ. . .આ. . .આ. . . !’
‘એણે, તારી સાસુએ જ એમનો ભોગ લીધો. ભૂંડી એની નજર તો જો, મોટી મોટી ભુખાવળી આંખો કાયમ એનો શિકાર શોધતી જ હોય’, સ્ત્રી બોલી.
‘પ. . .ણ એમનું શું કરવાનું ?’ વાસંતીએ પૂછ્યું.
‘જો સાંભળ, એ મરશે નહીં ત્યાં સુધી તારો ખોળો ભરાવાનો નથી. તું એને એવી હેરાન કર કે, એને મરે છુટકો થાય.’
અને બસ વાસંતીના મનમાં બેસી ગયું. ગઈકાલ સુધી પ્રેમાળ મા સમી સાસુ હવે એને આંખમાં કાચની જેમ ખૂંચવા લાગી. એણે નર્મદાબહેન સાથે તોછડો વહેવાર કરવો શરૂ કર્યો. એનો પતિ દુકાને ચાલ્યો જાય પછી વાસંતી નર્મદાબહેન સાથે શરૂ થઈ જતી ‘મર, મરી જા, આખી દુનિયાનું આવે છે અને તારું કેમ નથી આવતું, કોકના બદલે તો જા ! વાસંતીના વર્તન, હાવભાવ અને શબ્દોમાં ઓચિંતો બદલાવ આવેલો જોઈ નર્મદાબહેન અવાક થઈ ગયાં. ગઈકાલે પોતાની જનેતા કરતાંય વધારે હેત-પ્રેમ બતાવતી વાસંતીમાં આવેલા ઓચિંતા પરિવર્તનથી નર્મદાબહેન ક્ષુબ્ધ થઈ ગયાં. એમણે વાસંતીને એનું કારણ પૂછ્યું. આથી એ વધારે વીફરી. ‘પાછી કાલી થાય છે, મારું ધનોત-પનોત તારા કારણે જવા બેઠું. જા રેલમાં પડ, ધાબા પરથી ભૂસકો માર કે ઝેર લાવ. લે, ઝેર ખરીદવાના પૈસા હું આપું. ખાવામાં કે દૂધમાં લઈ લે એટલે મારા જીવને શાંતિ થાય પણ ટળ મારી આંખો આગળથી.’

નર્મદાબહેન ધ્રૂજી ગયાં. મનોમન કંઈ વિચાર કરી ઊભાં થયાં. સીધા શહેરના વૃદ્ધાશ્રમમાં ગયાં. ‘મને અહીં આશ્રમમાં રાખો મારી વહુ મને રેલમાં પડીને, ધાબા પરથી ભૂસકો મારીને કે ઝેર ખાઈ મરી જવાનું કહે છે.’ વૃદ્ધાશ્રમનો સંચાલક ચમકી ગયો. એણે તરત વાસંતીને બોલાવી અને વૃદ્ધ સાસુને મરવા માટે દબાણ કરવા બદલ પોલીસ કાર્યવાહીની ચીમકી આપી. વાસંતી હલી ગઈ. ‘સર, મારે બાળક નથી. એના ટેંશનમાં મારાથી આવું વર્તન થઈ ગયું, સોરી.’ વાસંતી રડી પડી. સંચાલકે નર્મદાબહેનના પુત્રને બોલાવ્યો. પણ એ તો આમાં કાંઈ જાણતો જ ન હતો અને એને મા સામે કશી ફરિયાદ પણ ન હતી. નર્મદાબહેન પણ એના પુત્રને કશો દોષ આપતાં ન હતાં. તરત સંચાલકે ફોનથી વાસંતીના પપ્પાને વિગતે વાત કરી. એમણે વાસંતી સાથે વાત કરતાં કહ્યું ‘બેટા ! તારી ભાભીને બાળક નથી. એને કારણ બનાવી તારી ભાભીએ તારી મમ્મી સાથે તારા જેવું વર્તન કર્યું હોત તો ?’ વાસંતીની આંખ ઊઘડી ગઈ. નર્મદાબહેનના પગે લાગી. માફી માગતાં રડી પડી અને નર્મદાબહેનનો હાથ પકડી ઘેર લઈ ગઈ.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વેલકમ મોર્નિંગ – આશુતોષ દેસાઈ
હું આવી કેમ ? – શરીફા વીજળીવાળા Next »   

11 પ્રતિભાવો : પરિવર્તન – રમણ મેકવાન

 1. ketan patel says:

  nice lekh. ma te ma. game teva samay ma prem tem no tem j rahe che.

 2. Renuka Dave says:

  Good story…Good message. Particularly today it is more meaningful as today is a Vishwa Vrudhdha Diwas.

 3. બી.એમ.છુછર says:

  છેવટે…ખાધુ પીધુ ને રાજ કર્યુ જેવા અંતવાળી સરસ પોઝીટીવ કહાની.પરંતુ હાલનો સમય અને વાતાવરણ જોતા આવુ પરિવર્તન આવવુ શક્ય લાગે છે?

 4. નાટ્યાત્મક અંત સાથેની વાંચી જવા જેવી વાર્તા.
  અત્યારના સમયે સંદેશાઓ પણ બે ઘડીના આનંદથી વિશેશ ખપના નથી.

 5. Rutvi says:

  સારો લેખ ,પણ થોડી ત્રુટિઓ છે.

  શરુઆત મા લેખકે લખ્યુ છે કે “એમને મ્હેણાં ટોણાં મારતી અને નર્મદાબહેન છેડો વાળીને રડતાં. આ લાચારી હતી. પતિના મરી ગયા પછી વહુ વાસંતીના પનારે એ પડ્યાં અને એમનું જીવવું વખ જેવું થઈ ગયું.”

  That means it happened every day. But toward end of the story, Narmadaben decides to go to vrudhdhashram as soon as her daughter in law talked to her in those manner.
  In this case, this incident cannot happen “every day”, as issue was resolved the very next day (or second day).

  If Narmadaben went to someone else for help after several months, then above opening sentence would be justify.

  Otherwise, whole article is really nice and depicted mentality of Vasanti in various situations.

  Rutvi

  • matang says:

   I also felt the same. At the starting the plot said something else(or may be i misinterpreted )and and at the end the story comes to a dramatic end.

  • jignisha patel says:

   હુ પણ સહમત છુ આ વાત સાથે. શરુઆત મા લાગે છે કે આ દરરોજ બનતુ હશે પણ અંત મા લાગે છે કે એક દિવસ ની વાત હોય અને તરત નિકાલ આવી જાય.જો કે વાર્તા રસ પડે તેવી છે. સારી છે.

 6. 'સંતોષ' એકાંડે says:

  પંદર વીસ વર્ષોથી પુત્રી જેવું વર્તતી વહુ ફક્ત એક વાર સાસુ સાથે મંદિરે ન જતાં, પડોશણને મળેલી કુથલીની તકને ઝડપીને, તેને વશ થઇને સાસુ સાથે દુર્વ્યવહાર કરે,વળી સાસુ તરતજ નિર્ણય કરીને વ્રુધ્ધાશ્રમ પહોંચે,સંચાલક વહુને પોલીસકેસનો તતડાટ આપે અને વહુ સુધરીને અગાઉ જેવીજ સુવ્યવહારી થઇ જાય.
  ક્યાંક કશું ખૂટતું લાગે છે વાર્તામાં…. હજું સરસ મઠારી શકાઇ હોત વાર્તાને.એવો મારો અંગત અભિપ્રાય છે.
  ‘સંતોષ’ એકાંડેનાં
  વંદે માતરમ

 7. pjpandya says:

  બહુ જ સરસ આપના ઘરન દાખલાથિજ આપને વિચારવુ જોઇએ

 8. tank rupal says:

  વાર્તા નુ શિર્શક એ કે માનવિ એના જ કર્મ નુ ફલ ભોગવતો રહ્યો હોય ચે પરન્તુ દોશ બિજિ વ્યક્તિ નો માને ચે માનવિ એ આરિસો જોવાનિ જરુર ચે.પોતાના કરેલા કરમો નિ સજા સમજિ ને મુશ્કેલિઓ નો સામનો કરવો જોઇએ

 9. SHARAD says:

  padosan ni vat sambhline avel parivartan swabhavik chhe, pan vahune sudharvi hoy to piyar e vache lavvathi privrtanni asha rakhi shakay

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.