હું આવી કેમ ? – શરીફા વીજળીવાળા

[‘જનકલ્યાણ’ માસિકમાંથી સાભાર. આપ શરીફાબેનનો આ સરનામે skvijaliwala@yahoo.com સંપર્ક કરી શકો છો.]

મને કાયમ મારી જાત માટે થોડાંક પ્રશ્નો થાય : ગામ આખાયને આંટો વાઢે તોય વેંત્ય વધે એવડી લાંબી જીભ હોવા છતાંય હું કેમ ઝઘડી ના શકું ? ઝઘડાની આશંકાથી પણ મારા ટાંટિયા કેમ ધ્રુજવા માંડે ? ઝઘડવાની તાકાત ઘણી, દલીલો પણ બહુ આવડે તે છતાં બોલવા જાઉં તે પહેલાં દગાખોર આંખો સાથ કેમ છોડી દે ? દુનિયાને એકલા હાથે ભરી પીવાની હિંમત છતાંય હું ઝઘડાથી આટલી કાયર કેમ ? અડાબીડ વગડા વચાળે, કાળાડિબાંગ અંધારામાં મોટી થઈ હોવા છતાં ભૂતની કલ્પનાથી પણ હું કેમ કાંપું ? કદી ત્રાગા કરી ના શકું અને કોઈનાય ત્રાગા વેઠી ના શકું એવું કેમ ? લાખ કોશિશ કરું તોય ખોટું ના બોલી શકું, ખોટું ના કરી શકું એવું કેમ ? મને સોંપાયેલા કોઈ પણ કામમાં કદી વેઠ કેમ ના ઉતારી શકું ? મૂલ્યો બાબતે કદી બાંધછોડ કેમ ના કરી શકું ? દિવસ-રાત વાંચવાનો મને કંટાળો કેમ ના આવે ? બધાય ધર્મોનું વાંચ્યા પછી માણસાઈ સિવાયનો કોઈ ધર્મ મને મારો કેમ ન લાગે ? જાતિ, ધર્મ કે વ્યવસાયને કારણે મને કોઈ કદી પણ ઊંચ કે નીચ કેમ નથી લાગ્યું ? આવા કેટલાય ‘કેમ’ ના જવાબો મને મારા બાળપણમાંથી મળે છે.

સૌરાષ્ટ્રના ખોબા જેવડા ગામડામાં અભણ મા-બાપને ત્યાં મારો જન્મ. બહુ કાઠા કાળમાં જન્મેલી એટલે ભીંત્યું હાર્યે માથા પછાડીએ તો જ મારગ થાય એવું બાળપણ વીત્યું. મા અને દાદીએ હાથે ચણેલા ગારાના ઘર પર માથું અડી જાય એટલાં ઊંચા પતરાં છાયેલાં. અમે ગામ બારા આવળ, બાવળ, બોરડીને ઇંગોરિયાનાં જાળાં વચાળે અફાટ વગડામાં સાવ એકલાં રહેતાં હતાં. અમારા ઘરે લાઈટ તો અમે બધાએ ભણી લીધું ઈ પછી આવી છેક 1983માં. અમે તો બધાએ ફાનસના અજવાળે જ વાંચ્યું છે. મોસમે મોસમની ચીજુંની ફેરી કરતા મારા બાપુજી બોર, બરફ, કેળાંને બદલે છાપાંનાં ધંધામાં ઠરીઠામ થયાને ગામેગામના પાણી પીધા પછી ભાવનગર જિલ્લાના જિંથરી (ટી. બી. હોસ્પિટલ) ગામે સ્થિર થયા પછી મારો જન્મ. ચીનના યુદ્ધના પડછાયામાં જન્મેલી એટલે મા કાયમ કહેતી, ‘તું આવી ને કાળા કોપની મોંઘવારી લઈ આવી.’ પછી તો મોંઘવારી એટલી વધતી ગઈ કે ગમે એટલાં ટુંટિયાં વાળવા છતાંયે ચાદર ટૂંકી જ પડતી.

એ કાઠા કાળમાં ડોક ઊંચી રાખીને ટકી રહેવા ઝાંવા નાખવાં પડતાં. ટંક ચૂક્યા નો’તા પણ ચૂકી જવાની ધાસ્તી તો કેટલીયે વાર અનુભવી હતી. જે ઉંમરે છોકરાં નિશાળેથી આવીને માને ચૂપચાપ બેઠેલી જોઈને સમજી જાય કે ‘નક્કી કશુંક હશે’ ત્યારે અમે સમજી જતાં કે મા ચૂપચાપ બેઠી છે તે ‘નક્કી આજે કંઈ જ નહીં હોય.’ ને કંઈ પણ બોલ્યા વગર થેલાં મૂકી અમે રમવા દોડી જતાં. ડહાપણની દાઢ અમારે ભાઈબેનોને જરાક વેલી જ ઊગી ગયેલી. ખબર હતી કે ઉપરવાળાએ એવાં મા-બાપ દીધાં છે કે હોય તો માગ્યા વગર મળે જ. ને ખરેખર આ દિવસોએ એવી તો ખુદ્દારી શીખવી કે ખુદા પાસેય કદી કશુંય નથી માગ્યું. એક પાક્કો ભરોસો કે ભાગ્યમાં હોય તે આપમેળે મળે એમાં માંગવાનું ન હોય. એવા કાઠા કાળમાં અલ્લાઉદ્દીનના ચિરાગની જેમ દશેરાના દિવસે જલેબી ચખાડતા મા-બાપે દિવાળીની રાતે અર્ધો ખોબો ફટાકડા પણ કાયમ અપાવેલાં. ગામ આખાનાં કપડાં સીવતી મા અર્ધી રાતે રેશનિંગના એક જ તાકામાંથી અમારા બધાયના કપડાં પણ સીવી દેતી. પતંગ ટાણે બાપુ જ ભાઈઓને દોરી પાઈ દેતા ને ઉનાળે બધાને ભાગે કેરીની બે-ત્રણ ચીરીય આવતી. કોઈ અભાવ મા-બાપે ઊંડો નો’તો ઊતરવા દીધેલો. કીડીને કણ અને હાથીને મણ આપનારા હજાર હાથવાળા પર એટલે જ અમનેય મા-બાપ જેટલો જ ભારોભાર વિશ્વાસ. ગમે તેવા કપરા સંજોગો છતાં અમે કોઈ નાસ્તિક ન થયા એમાં બાળપણના અનુભવો જવાબદાર.

મારા બાપુજીને છાપાંનો ધંધો. છાપાંના બિલ ન ભરાયા હોય અને છાપાં બંધ થયાં હોય ત્યારેય ઘરાકને તો છાપું જોઈએ જ. બાપુ મને ભળકડે ઉઠાડી દસ-પંદર ગાઉ આઘા શિહોર ગામે છાપાં લેવા મોકલતાં. ચોથા-પાંચમા ધોરણમાં હું રોજ દસ-પંદર ગાઉ આઘેથી 50-75 છાપાં લઈ આવતી. જે વાહન મળે એમાં જવાનું-આવવાનું, હિસાબ પાક્કો રાખવાનો. કોઈના બાપથીય ના બીવું એ મને આ સવારની સફરે જ શીખવાડ્યું હશે ને ? બાજુના સોનગઢ ગામે જૈનોના મેળાવડા થાય, ડોંગરેજી મહારાજની સપ્તાહ બેસે ત્યારે હજારોની સંખ્યામાં માણસ ભેળાં થાય. એ દિવસોમાં છાપાંની 50-60ના બદલે 1000-1200 નકલ ખપે. એક હાથમાં છાપાં ઊંચકી, બીજા હાથે છાપું ઊંચું પકડી, મોટા સાદે લહેકા કરી છાપાં વેચતા અમે બાપુને જોઈ જોઈને શીખી ગયેલાં. આમેય આખા ગામની બાયુંને બોળચોથ, નાગપાંચમ, શીતળા સાતમની વાર્તાયું કહેવાનો મારો એકહથ્થું ઈજારો સાવ નાનેથી જ. આજે કદાચ આટલા માણસ વચ્ચે જે ખુમારી અને આત્મવિશ્વાસથી બોલી શકું છું એના બીજ નાનપણમાં વવાયેલાં. પાસે બેસાડી લાડ કરવાનો કે વાર્તા સંભળાવી સુવાડવાનો વખત તો એ કાઠા કાળમાં દીવો લઈને ગોતો તોય જડે એમ ન હતો. પણ અભરાઈ ઊટકતાં, ગારિયા ખૂંદતાં, ગાર્યું કે દયણા કરતાં, ભીંત્યુંને થાપ દેતાં કે ત્રાટા ભીડતા બાએ મબલખ વાર્તાયું કીધી છે. ઉખાણા અને કહેવતો, ભડલી વાક્યો અને પંચીકડાનો ભંડાર મારા બાળપણની બહુ મોટી મૂડી છે.

આપણા સમાજમાં ઉંમરના ધોરણે નહીં પણ આર્થિક ધોરણે જ વ્યવહાર ચાલતો હોવાને કારણે આખું ગામ મારા બાપુજીને ‘તું’ કહીને જ બોલાવતું. અમારા મનમાં ચચરાટ તો બહુ થાય, લમણાં ફાટી જાય પણ કરીએ શું ? મનોમન ગાંઠ વળતી જાય. કંઈક એવા બનવું, એટલા આગળ વધવું કે આ ‘તું’ કહેનારાં મારાં મા-બાપને ‘તમે’ કહેતાં થાય. મનમાં એક બીજી ગાંઠ પણ વળી ગઈ કે જિંદગીમાં કદીએ મારાથી મોટી ઉંમરની વ્યક્તિને તુંકારે નહીં બોલાવું. હોદ્દો કે પૈસા નહીં પણ ઉંમર મહત્વની છે એ મને મારા બાળપણે સમજાવેલું. એટલે જ મને યાદ નથી કે મેં કદી મારા કામવાળા બહેન કે કોલેજના પટાવાળાને ‘તું’ કહીને બોલાવ્યાં હોય. અમે રોજ સવારે મન થાય ઈ દશે ડબલું ઉલાળતા હાલ્યા જતાં અને વળતાં એમને તલબાવળના તાજા તેલ જેવા દાતણ ચાવતાં ચાવતાં હાલ્યા આવતાં હાથ ઉલાળતા. એમાં એક દિવસ મોટોભાઈ (બારેક વર્ષનો હતો, હું આઠની) કોઈ ડાક્ટરના ઘરની પછવાડે પડેલું દાંતે ઘસવાનું રંગીન બ્રશ લઈ આવ્યો. પેલ્લીવાર બ્રશ હાથમાં પકડેલું એટલે અમારો હરખ ઝાલ્યો ઝલાય નહીં. બાપુના કાને અમારો કલબલાટ પહોંચ્યો એટલે કારણ જાણવા પાસે આવ્યા. જેવું બ્રશ જોયું કે મગજ છટક્યું. ‘ક્યાંથી લાવ્યો ? કોને પૂછીને લાવ્યો ?’ ધરબાઈ ગયેલ ભાઈએ ‘ત્રિવેદીસાહેબના ઘર પછવાડેથી’ એટલું માંડ માંડ કહ્યું. ‘હમણાં ને હમણાં જ્યાંથી લીધું ત્યાં જ પાછું નાખી આવ્ય. . .’ ભાઈ બારો ઘા કરવા તૈયાર. બાનો પણ ટેકો પણ બાપુ ધરાર નો માન્યા. સાઈકલ કાઢી અને સાથે ગયા. . . જ્યાંથી લીધું હતું ત્યાં ઘા કર્યો બ્રશનો પછી વળતા બાપુ ભાઈને સાઈકલ પર બેસાડીને ઘરે લઈ આવ્યા. જિંદગીમાં ગમે તેટલાં અભાવ હોય અને દુનિયા ગમે એટલી રંગીન હોય તોય કોઈની ચીજને કદી હાથ ન લગાડાય એ અમે બધા એ દા’ડે શીખી ગયા. કાયમ ઊંચા માથે લડી શકાય, બોલી શકાય એ માટે સાચું બોલવું ને સાચું કરવું એ મા-બાપે બાળપણમાં ડગલે ને પગલે શીખવાડ્યું.

ગામડામાં મોટા થવાને કારણે ધર્મના બધાનાં ઘરના ઉંબરાની અંદર જ રહેતો. નવરાત્રિ, હોળી, દિવાળી કે ખીહર અમને કદી પારકા નો’તા લાગ્યા. ગણેશચોથના દા’ડે આખું ઘર ખાય એટલા લાડવા પડોશમાંથી આવતા અને ઈદના દા’ડે એ બધા ઘરની ગણતરી સાથે જ ખીરનું તપેલું ચૂલે ચડતું. ગુરુકુળમાં ભણવાને કારણે મેં અને ભાઈએ સત્યાગ્રહ કરી આખા ઘરને શુદ્ધ શાકાહારી બનાવ્યું. કોઈને પણ ત્યાં કથા હોય કે ભજન, રાંદલનો ઘોડો ખૂંદવાનો હોય કે લગનના ગીત. . . અમારી અને નાનીબેન વગર કોઈનો પાટલો ન ખસતો. હું નરી માણસ બની તે આવા બાળપણને કારણે. આવા મા-બાપ અને આવી નિશાળને કારણે. આમ હું ભારે હિંમતવાળી. દુનિયાને એકલા હાથે ભરી પીવાની વાતું કરવાવાળી. પણ જ્યાં ઝઘડાની વાત આવે કે પાણીમાં બેસી જાઉં. કાગળ પર લડી શકું પણ આમને સામને નહીં. જ્યાં ઝઘડો મંડાય ત્યાં દગાખોર આંખો સાથ છોડી દે. હાથ-પગ માંડે ધ્રૂજવા. અને કહેવાની વાત મનમાં જ રહી જાય. આમ તો તરત જ ભડકો થઈ જાય એવો સ્વભાવ એટલે ઝઘડા ન થાય એવું તો બને જ નહીં. પણ બોલી ના શકું. નીતરતી આંખનો જવાબ શોધવા મથામણ કરું તો જવાબ છેક બાળપણમાંથી મળે છે અને એ જવાબ સાથે સંકળાયેલ છે એક અદભુત ‘ક્યારેક્ટર’.

મારા દાદા ફળિયામાં છૂટા ફેંકાતા વાસણ, ગાળોની રમઝટ, મરવાના ત્રાગા વચ્ચે થરથરતા અમે ભાઈ-બેનો ઊગે ત્યાંથી આથમે ત્યાં સુધી દાદા ‘કાં બાધ્ય અને કાં બાધવાવાળું દે’ના ન્યાયે લડતા જ રહેતા. સમરાંગણમાં શાંતિ ત્યારે જ થાય જ્યારે એ ઘરબારા જાય. અંગ્રેજોના જમાનામાં દાદાએ પોલીસપટલાઈ કરેલી. પોતે ઘોડે બેઠા હોય અને પસાયતા અડખે-પડખે શ્વાસભેર દોડતા હોય. દાદાના કંઈક જુલમોની વાતો બા પાસેથી મોટા પાયે સાંભળેલી. જાત માટે જીવવા સિવાય જિંદગીમાં એમણે બીજું કશું કર્યું જ નો’તું. સામો હરફ ઉચ્ચારવો તો એકબાજુ પણ આંખ્ય ઊંચી કરી જોવાતું પણ નંઈ એવો તા હતો દાદાનો. મારા બાપુ કદાચ એટલે જ મોઢાના મોળા રહી ગયા હશે. પણ આઝાદી પછી કરવી પડેલી નોકરીની તાબેદારીએ દાદાનો તાપ જરાક ઓછો કર્યો. પણ કાયમ એકલા જ રહેવાને કારણે ઘરના લોકો સાથેનો વહેવાર તો એવો ને એવો જ રહેલો. 1986માં નિવૃત્ત થઈ દાદા અમારા ભેળા રહેવા આવ્યા અને અમારા માઠા દા’ડા બેઠાં. પાશેર તેલમાં શેક કરીને ખાનારને અમારું ડબકડોયા જેવું શાક શે ગળે ઉતરે ? એટલે પછી ખાવા ટાણે રોજ ઠામનો ઘા સીધો ફળિયામાં પહોંચે. બધાનું ખાવાનું ઝેર કરીને પોતે તો કંદોઈને ત્યાં કંઈને કંઈ ખાઈ આવે. કોઈથી સામે ન બોલાય. જરાક બોલવા જાય તો મરવા દોડે. . . બહુ વર્ષો ચાલ્યો આ ત્રાસ. . .

અમે દસ-બાર વર્ષના થયા એટલે મેં અને ભાઈએ સામો મોર્ચો માંડ્યો. પેલ્લીવાર કોઈને થાળી પરથી ના ઊભા થવા દીધા. મરી જવાના એમના ત્રાગા સામે નમવાને બદલે ભાઈએ કાતર હાથમાં રહેવા દીધી. જરાક ઘસરકો કરવા સિવાય દાદાએ કંઈ ના કર્યું. ઘરમાં માત્ર શાકાહારી ભોજન જ થશે એ માટે મેં અને ભાઈએ રીતસરનો સત્યાગ્રહ આદર્યો. (આનેય આમ તો ત્રાગુ જ કહેવાય !) બે-ચાર દિવસમાં દાદાએ હથિયાર હેઠા મૂક્યા. અઠવાડિયે એકવાર તાલુકે જઈ એ ખાતા થયા પણ ઘર આખું શાકાહારી થયું. મને લાગે છે કે આ ઘટનાક્રમે મારા પર બહુ લાંબાગાળાનો પ્રભાવ પાડ્યો. જે મળે તેમાં ચલાવી લેવું, સાચા અને સારા હેતુ સિવાય ત્રાગુ કદી ના કરવું, અન્નનું અપમાન કદી ના કરવું એ હું રોજેરોજના તાયફાઓમાંથી શીખી. ને આ જ ઘટનાક્રમે મને કાયમી ધોરણે ઝઘડાની કાયર બનાવી. આમ કશાથી નહીં ડરનારી હું એક ઝઘડાની વાતે ધ્રુજુ અને બીજી ભૂતની વાતે કાંપી ઊઠું. આમ તો વર્ષોથી હું ભૂતની જેમ સાવ એકલી રહું છું પણ કદી ભૂતની વાતો સાંભળી કે વાંચી ન શકું, ભૂતની ફિલ્મો જોઈ ના શકું. આનું કારણ પણ મારું બાળપણ જ. વેરાન વગડા વચાળે, કાજળકાળા અંધારામાં ફાનસના ટમટમતા અજવાળામાં મારા દાદા, મારા મોસાળવાળા બધાં ભેળા થઈ ભૂતની વાતું માંડતા. બધાય જાણે ભૂતડા ભેળી એમની ભાઈબંધી હોય એવી મોજથી વાતુંના તડકા મારતા. એક એક વાતે મારા રુંવાડા ઊભાં થઈ જાય, હું કાન આડા હાથ દઈ દઉં, રોઉં, ઘરમાં પાણી પીવાય એકલી ના જાઉં. . . પણ તોય વાતું કરવાવાળા તો હાંક્યે જ રાખતા. કોઈને મારી દયા ન આવતી. એટલે જ કોઈના બાપથી નહીં બીનારી હું આજેય ભૂતની વાતે રાડ્ય નાખું છું. . . કદાચ નાનપણના ભૂતોએ હજીયે મારો કેડો નથી મેલ્યો.

ગામની નિશાળમાં ચાર ધોરણ ભણ્યા પછી પાંચમાથી બે ગાઉ આઘા સોનગઢ ગામે જવું પડતું. ચોથા ધોરણ સુધી તો ઉઘાડા પગ ને ગમે તેવા ફ્રોક ચાલી ગયા પણ પાંચમા ધોરણથી સફેદ બુસકોટ અને ભૂરું સ્કર્ટ ફરજિયાત બન્યા. ઉઘાડા પગ સામે નિશાળને વાંધો નો’તો એટલો પાડ માનવો પડે. મારા વાંભ એક લાંબા બોથડ મોવાળા છ મહિનામાં ધોળા બૂસકોટની પીઠ ખાઈ જતા. જાન્યુ-ફેબ્રુ. આવતા સુધીમાં તો થીંગડાની બે-ત્રણ નકલ પણ ખવાઈ જતી ને યુનિફોર્મ વગર જવા માટે લગભગ રોજ વર્ગની બહાર ઊભા રહેવું પડતું. અમારા ગામના ડાક્ટરની દીકરી મનિષા મારાથી બે વર્ષ આગળ ભણે. આ ખેલ એ રોજ જોતી હશે. એક દિવસ એના મમ્મીએ મને ઘરે બોલાવી રાજી થઈ જવાય એવો યુનિફોર્મ આપ્યો. આપણા રામ તો બીજા દા’ડે ભારે ઉત્સાહથી એ યુનિફોર્મ ચડાવીને નિશાળે ગયા પણ મને જોતાની સાથે જ બધી છોકરીઓ કાબરની જેમ ‘હેય માંગેલા કપડાં પહેર્યાં. . . માંગેલા કપડાં પહેર્યાં. . .’ કહેતી રીતસરની મારા પર તૂટી જ પડી. હંમેશા બધાને ભરી પીનારી હું સાવ હેબતાઈ ગઈ. આંખ નીતારવા સિવાયની કોઈ પ્રતિક્રિયા આપવાની સમજ ના પડી. ઘરે જઈ યુનિફોર્મનો મા પર સીધો ઘા કરી ભીષ્મપ્રતિજ્ઞા જાહેર કરી : ‘જિંદગીમાં હવે કદી કોઈનું ઉતરેલું નંઈ પેરું. . .’ મા થોડી વાર મારી સામે તાકી રહી પછી સપાટ અવાજે બોલી : ‘રોજેરોજ બારા ઊભા રે’વું એના કરતાં એક બે દિ’ હાંભળી લેવામાં નાના બાપની થઈ જાવાની ? બે દિ’ બોલીને બધા ભૂલી જાશે. આપડે ક્યાં તાલેવંતના સોકરા સીએ તે વાતે વાતે વાંકું પાડવાનું પોહાય ? જે મળ્યું એ ખુદાએ દીધું એમ માનીને પે’રી લેવાનું. . .’ ખબર નંઈ માના ઓ સપાટ અવાજમાં કેવી તો લાચારી હતી. . . પણ પછીથી મેં એ સ્કર્ટ પટ્ટો ઉતારીને છેક 10મા ધોરણ સુધી પેરેલું. . . દુનિયાના બોલવાથી ડગી જવું કે ડરી જવું એકેય ન પોસાય એ મને આ અનુભવે શીખવાડ્યું. . . સાથે સાથે ફી કે કપડાંની જરૂરિયાતવાળા વિદ્યાર્થીને મારી આંખ આજે ગમે ત્યાંથી શોધી કાઢે છે એનું કારણ પણ આ અનુભવ. હું જ્યારે પણ કોઈ વિદ્યાર્થીની ફી ભરું કે પુસ્તક લઈ આપું ત્યારે નાનપણમાં માથે ચડાવેલું ઋણ ફેડતી હોઉં એવું જ લાગે છે કાયમ.

કેવા તો અદભુત દિવસો હતા બાળપણના ? ચોરના માથાની જેમ રખડવા સાથે, મોસમે મોસમની બદલાતી રમતો રમવા ઉપરાંત ઢગલોએક વાંચવાનું પણ ખરું. . . ‘બાવલાના પરાક્રમો’, ‘બત્રીસ પુતળીની વાર્તાઓ’, જૂલે વર્નના મૂળશંકરદાદાના અનુવાદો, ગીજુભાઈની વાર્તાઓ પાછળ હું ઘેલી હતી. આ બધું નિશાળમાંથી મળી રહેતું. વળી ઘરે બાપુને છાપાનો ધંધો એટલે ‘ફૂલવાડી’, ‘ઝગમગ’, ‘બાલસંદેશ’, ‘રમકડું’, ‘ચાંદામામા’ એ બધું પણ વાંચવા મળી રહેતું. દિવસે લીમડાને છાંયે કે થોરની વાડ્ય પાછળ ખાટલો ઢાળીને વાંચ્યે રાખતી તો રાતે ફાનસના બાદશાહી અજવાળે વંચાતું રહેતું. આમેય હું રસનું ઘોયું ને યાદશક્તિ જરાક સારી તે વાંચેલી વાર્તાઓ નિશાળમાં કહેતી થઈ. બે ધોરણના ટાબરિયાંવને ભેળાં કરી વાર્તાઓ કહેવાતી. હું હાથ વીંઝતી, મલાવી મલાવીને એયને ટેસથી ઝીંક્યે રાખતી. આમેય ગામની બાયુંને શ્રાવણ મહિનાની વાર્તાઓ કહેવાથી મને ટેવ. વળી લાંબા સાદે છાપાંય વેચતી. ઘર્યે મા-દાદી પાસેય જાતભાતની વાર્તાયું સાંભળેલી. એટલે વગર અટક્યે કલાક-દોઢ કલાક ખેંચી કાઢતી. આમેય સત્યનારાયણની કથા, ઓખાહરણ કે ભાવાયાના વેશ. . . હું આમાંનું કાંય ના છોડતી. . . મોડી રાત સુધી ભવાયા રમે તો મારી જેવા પાંચ-સાત રસના ઘોયા માંડવા હેઠળ જ સૂઈ જતા. સવારે ઊઠીને ઘરભેળા થતા પણ મા-બાપને પાક્કો વિશ્વાસ હતો કે આ બીજે ક્યાંય નંઈ જાય અને ના કહીશું તોય ભવાયા જોવા તો જાવાની જ . પણ આ બધાને કારણે કોઈ જાતના આયાસ વગર બોલવાની ફાવટ આવી જતી હતી, શબ્દભંડોળ અને ભાષાની અભિવ્યક્તિ સમૃદ્ધ થતા જતાં હતાં, લોકસાહિત્ય જીભના ટેરવે રમતું થઈ ગયું હતું. . . એ તો છેક હવે સમજાય છે.

જરાક સારા વરસાદમાં ઘરની કાચી દીવાલો શ્વાસ ઊંચો કરી દેતી. ઘર પર પતરાં હતાં એટલે ત્રમઝટ વરસતો મે’ નગારા પર આડેધડ પડતી દાંડી જેવો લાગતો. એટલે જ હવે મને વરસાદ સાવ મુંગો લાગે છે ! એકાદી દીવાલ નમે ત્યારે મજૂર, ઇંટ વગેરે અપનામાંય નો’તા આવતાં. ભાઈ ત્રિકમથી પથરા ખોદે, અમે તગારામાં લાવીએ અને બા ગારા સાથે માંડતા જાય બે દાડામાં ભીંત પાછી હોય એવી થઈ જાય. ભલે ખાવાના ફાંફાં હતા ને કમાવા માટે બધાએ કંઈ ને કંઈ કરવું પડતું પણ સૌથી હુંફાળા, પ્રેમાળ દિવસો બાળપણે જ આપ્યાં. પરસ્પર પ્રત્યેનો ઊભરાતો પ્રેમ, એકમેક માટે જતું કરવાની ભાવના, મુશ્કેલી સામે છાતી કાઢીને ઊભા રહેવાની ટેવ બાળપણે જ આપી. અમે એક વાત જાણતા હતા કે અમારા બાપદાદા વારસામાં સિવાય સંઘર્ષ બીજું કંઈ આપી નો’તા ગયાં. મા વારેવારે કહેતી : ‘આપડે ક્યાં તાલેવંતના છોકરાં છીએ તે બાપદાદાની મિલકતું વાટ જોતી હોય. તમારે અમારી જેમ તૂટી ના મરવું હોય તો ભણો. . . ભણશો તો જ દા’ડા વળશે. નઈતર તમેય કરજો અમારી જેમ ઢસરડા. . .’ માના રોજના આવાં વેણ અને બાપુનાં સપનાંની લંગારે અમને ભણવા બાજુ વધુ ગંભીર કર્યા. ભણવા ઉપરાંત છાપાંના ધંધાને કારણે રમતગમત, રાજકારણ, ફિલ્મ, સાહિત્ય. . . એ બધાંય ક્ષેત્રમાં મને સરખો રસ. ઘરમાં સામસામી દલીલો ચાલે એમાં બાપુ પણ ભાગીદાર. . . દરેકને પોતીકો મત વ્યક્ત કરવાની પૂરી સ્વતંત્રતા.

નિશાળમાંથી જાતભાતની નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાઓમાં ભાગ લેવા બહાર મોકલતા. નિબંધો જાતે લખતી થઈ. નાનપણમાં શિક્ષકો પણ એવાં મળ્યાં કે જેમણે ગણિત, ભાષા અને ઇતિહાસ-ભૂગોળને સરખું મહત્વ આપતા શીખવ્યું. મૌલિક વિચારને જાતે અભિવ્યક્ત કરતા ચોથા-પાંચમાના શિક્ષકોએ શીખવાડ્યું. જાતે લખેલા જવાબો વર્ગ વચ્ચે વંચાવતા શિક્ષકોએ મૌલિક લખાણની સાથે શુદ્ધ ઉચ્ચારણની પણ અનાયાસ જ તાલીમ આપી. શિક્ષકો કદી પણ મશીનની જેમ ‘બે પાઠ લખી આવો’ કે ‘પાંચ વાર લખો’ એવું ન કહેતા. રોજેરોજ જવાબો તપાસતા ને જાહેરમાં ખભો પણ થાબડતા. પૈસા કે ધર્મ આધારિત કોઈ ભેદભાવ મેં નિશાળમાં નો’તો અનુભવ્યો. મંત્રોચ્ચાર કે હોમહવનમાં મારી પણ સરખી જ ભાગીદારી રહેતી. શ્રેષ્ઠ વિદ્યાર્થીની પસંદગીમાં પણ કોઈ પક્ષપાત કે પૂર્વગ્રહનો અનુભવ નો’તો થયો. આ નિશાળે મને કહેવાતા ધર્મથી દૂર રાખી માત્ર માણસ બનાવી. મા-બાપ, શિક્ષકો ઉપરાંત વાંચને મને ધરમૂળથી બદલી. પોતાની રીતે વિચારવાની, પૃથક્કરણ કરવાની ટેવ પડી, રજૂઆતની તાકાતને વાંચને ધાર કાઢી આપી, તર્ક અકાટ્ય થતા ચાલ્યા. ખોબા જેવડા ગામડામાં જીવતા મારા જેવા જીવને પુસ્તકોએ બૃહદ જાળ સાથે જોડી આપ્યો. મારા આંતરસત્વને પુસ્તકોએ ઝળાંહળાં કર્યું. ગમે તેટલું જાણો, વાંચો તોય ઓછું જ પડવાનું કારણ કે જ્ઞાનને કોઈ સીમા નથી હોતી એ પણ મને પુસ્તકોએ જ શીખવ્યું. ગીતા, રામાયણ, મહાભારત કે બાઈબલ મને કુરાન જેટલાં જ મારાં લાગ્યાં. મને કોઈ ધર્મના માણસ બનવામાં કદી રસ ના પડ્યો. માત્ર માણસ બનવામાં જ રસ પડ્યો એની પાછળ મારા મા-બાપ, મારી નિશાળ, મારા શિક્ષકો જેટલો જ ફાળો પુસ્તકોનો પણ ખરો જ. નાનપણમાં શીખેલું કદી અફળ નથી જતું. બાળપણમાં ઉત્તમ વાવો તો આવતીકાલ ઉજળી જ ઉગે એ વાતનો સૌથી મોટો પુરાવો અમે ભાઈબહેન છીએ. ટી.વી, મોબાઈલ અને કમ્પ્યૂટરની માયાજાળમાં અટવાઈ ગયેલા આજના બાળપણને જોઉં છું ત્યારે મને મારા બાળપણનું મહત્વ સમજાય છે. ભલા ભગવાન, સારું થયું તે અમને અફાટ વગડા વચાળ આવું ભર્યું ભર્યું હુંફાળું બાળપણ દીધું. . . એટલે જ આજે હું આવી છું. આવું બાળપણ બધાને મળે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous પરિવર્તન – રમણ મેકવાન
અહો સુખમ – લતા જગદીશ હિરાણી Next »   

33 પ્રતિભાવો : હું આવી કેમ ? – શરીફા વીજળીવાળા

 1. patel says:

  heart touching

 2. Moxesh Shah says:

  Excellent Sharifaben. Heart touching.

 3. સંતોષ એકાંડે says:

  ખૂબ સરસ વર્ણન બાળપણ નું..લગભગ દરેક વ્યક્તિનાં કે પછી મોટાભાગનાં વ્યક્તિઓનું બાળપણ આવી તંગદીલીનું વાતાવરણ જોઇ ચૂક્યું હશે.
  ખૂબજ સરસ શબ્દનિરૂપણ

  સંતોષ’ એકાંડેનાં
  વંદે માતરમ્

 4. Piyush S. Shah says:

  ખુબ જ ચોટદાર રજુઆત …

 5. Nitin says:

  શરિફા બેન ની અંતર ની સચ્ચાઇ થીૅ ભરેલ વાત હ્ર્દય સ્પર્શિય હોય છે.તક્લિફો સામે જઝુમિને તે બન્ને ભાઇ બહેને સાહિત્ય અને સમાજ મા
  મુકામ હાંસલ કર્યો છે તે ખરેખર અભિનન્દન ને પાત્ર છે.

 6. Gunvant Rajyaguru says:

  ખુબજ ભાવવાહ્રેી અને હ્રદયસ્પર્શેી લેખ.
  “મને કોઈ ધર્મના માણસ બનવામાં કદી રસ ના પડ્યો. માત્ર માણસ બનવામાં જ રસ પડ્યો.”
  આ એક જ વાક્યનો મર્મ સમ્જાય જાય તો દુનિયા ના ધણા ચમકલાઓ,ઝઘડાઓ,યુદ્ધો,તોફાનો બન્ધ થઇ જાય.

 7. Manish Patel says:

  ખુબ સરસ

  પહેલ થયુ કે લામ્બો લેખ છે પણ વાચતો ગયો તો વાચતો જ ગયો …

 8. V. A. Patel, Tampa, Florida, USA says:

  Childhood plays important roll to build up future life.Sharifaben my childhood also taught me to developed so many good things in life.It is excellent article,keep it up.

 9. nilam doshi says:

  સલામ..સલામ…બસ..એટલુ જ..એમા બધુ આવેી ગયુ.

 10. kartik makwana says:

  ખુબ સરસ mem

 11. Manhar Sutaria says:

  શરિફાબેન, દિલ ની સચ્ચાઈ અને વાસ્તવીકતાને સ્વિકારવાની હિમ્મત કોઇ આપની પાસેથી શીખે, સલામ…..

  મ્રુગેશભાઈ આવા સુન્દર લેખ આપવા આપનો ખૂબ ખૂબ આભાર

 12. hiralal chhodavdia says:

  ખુબ સરસ ભુત્કાલ યાદ અપાવિ જાય તેવો લેખ અભિનનદન્

 13. સરસ લેખ.
  તેમનો પરિચય તૈયાર કરવામાં મદદ કરવા વિનંતી.

 14. Jagdish B.Parmar says:

  કોઇ લોટા દે મેરે બિતે હુએ દિન …યાદે યાદે.ખુબ સરસ

 15. katha gajjar says:

  શરિફાબેન આપ્ નો આર્ટિકલ સચે જ ખુબ જ સુન્દર ચ્હે
  સાચિ વાત હોય તો કહેવા માટે ખરેખર્ હિમ્મત જોઇએક
  અને જો વાર્તા કહિ હોય તો પણ ખુબ ખુબસુર્તિ થિ કહેલિ ચે

  એડમાયરિન્ગ અને એપ્રિસિએબલ ચે

 16. Bina says:

  કેટ્લી વાર લેખ વાચ્યો છતા ફરી ફરી ને વાચવા નુ મન થયા કર્યુ. એવુ લાગ્યુ કે જાણે શરીફાબેને મારી લાગણીઓ ને સુન્દર વાચા આપી છે.

  આ તબક્કે જ્યારે જીવન ની બધી જ સુખ સુવિધા છે છતા એ અભાવભર્યા દિવસો ની ખોટ સૌથી વાધરે સાલે છે.

 17. ashish dave says:

  ખરેખર હ્ર્દય સ્પર્શિ, લેખ મોટો જોઇ વાચવા નો નહ્તો પણ વાચ્યો ત્યારે એવુ થતુ કે કે જલ્દિ પતે ન તો સારુ….ખુબ સરસ… આભાર્….

 18. Triku C . Makwana says:

  હ્રદયસ્પર્શેી , લેખન મા રસાળ પ્રવાહ, મન ને જકડી રાખે તેવુ લખાણ. મારા ખુબ ખુબ અભિનન્દન.

 19. shital says:

  DEAR MADAM AA LAST FAKARO DIL NE LAGE TEVO CHE…ખૂબ સરસ વર્ણન બાળપણ નું……….. નિશાળમાંથી જાતભાતની નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાઓમાં ભાગ લેવા બહાર મોકલતા. નિબંધો જાતે લખતી થઈ. નાનપણમાં શિક્ષકો પણ એવાં મળ્યાં કે જેમણે ગણિત, ભાષા અને ઇતિહાસ-ભૂગોળને સરખું મહત્વ આપતા શીખવ્યું. મૌલિક વિચારને જાતે અભિવ્યક્ત કરતા ચોથા-પાંચમાના શિક્ષકોએ શીખવાડ્યું. જાતે લખેલા જવાબો વર્ગ વચ્ચે વંચાવતા શિક્ષકોએ મૌલિક લખાણની સાથે શુદ્ધ ઉચ્ચારણની પણ અનાયાસ જ તાલીમ આપી. શિક્ષકો કદી પણ મશીનની જેમ ‘બે પાઠ લખી આવો’ કે ‘પાંચ વાર લખો’ એવું ન કહેતા. રોજેરોજ જવાબો તપાસતા ને જાહેરમાં ખભો પણ થાબડતા. પૈસા કે ધર્મ આધારિત કોઈ ભેદભાવ મેં નિશાળમાં નો’તો અનુભવ્યો. મંત્રોચ્ચાર કે હોમહવનમાં મારી પણ સરખી જ ભાગીદારી રહેતી. શ્રેષ્ઠ વિદ્યાર્થીની પસંદગીમાં પણ કોઈ પક્ષપાત કે પૂર્વગ્રહનો અનુભવ નો’તો થયો. આ નિશાળે મને કહેવાતા ધર્મથી દૂર રાખી માત્ર માણસ બનાવી. મા-બાપ, શિક્ષકો ઉપરાંત વાંચને મને ધરમૂળથી બદલી. પોતાની રીતે વિચારવાની, પૃથક્કરણ કરવાની ટેવ પડી, રજૂઆતની તાકાતને વાંચને ધાર કાઢી આપી, તર્ક અકાટ્ય થતા ચાલ્યા. ખોબા જેવડા ગામડામાં જીવતા મારા જેવા જીવને પુસ્તકોએ બૃહદ જાળ સાથે જોડી આપ્યો. મારા આંતરસત્વને પુસ્તકોએ ઝળાંહળાં કર્યું. ગમે તેટલું જાણો, વાંચો તોય ઓછું જ પડવાનું કારણ કે જ્ઞાનને કોઈ સીમા નથી હોતી એ પણ મને પુસ્તકોએ જ શીખવ્યું. ગીતા, રામાયણ, મહાભારત કે બાઈબલ મને કુરાન જેટલાં જ મારાં લાગ્યાં. મને કોઈ ધર્મના માણસ બનવામાં કદી રસ ના પડ્યો. માત્ર માણસ બનવામાં જ રસ પડ્યો એની પાછળ મારા મા-બાપ, મારી નિશાળ, મારા શિક્ષકો જેટલો જ ફાળો પુસ્તકોનો પણ ખરો જ. નાનપણમાં શીખેલું કદી અફળ નથી જતું. બાળપણમાં ઉત્તમ વાવો તો આવતીકાલ ઉજળી જ ઉગે એ વાતનો સૌથી મોટો પુરાવો અમે ભાઈબહેન છીએ. ટી.વી, મોબાઈલ અને કમ્પ્યૂટરની માયાજાળમાં અટવાઈ ગયેલા આજના બાળપણને જોઉં છું ત્યારે મને મારા બાળપણનું મહત્વ સમજાય છે. ભલા ભગવાન, સારું થયું તે અમને અફાટ વગડા વચાળ આવું ભર્યું ભર્યું હુંફાળું બાળપણ દીધું. . . એટલે જ આજે હું આવી છું. આવું બાળપણ બધાને મળે.

 20. Yatindra Bhatt says:

  I have heard much about u from myfather in law D L Bhatt and his brother Rameshbhai Bhatt.That is visulize in your writing.
  Very nice and heart toching.

 21. E. P. Desai says:

  જોસેફ દાદા ની ‘વ્યથા ના વીતક’ ની યાદ અપાવી દીધી.
  નાનપણ માં મા એ આપેલી શિખામણ જિંદગીનું ભાથું બની રહે છે.
  આપણું બાળપણ અને આજના બચ્ચાઓની હાલત જોઇને ખરેખર મન વ્યથિત થઇ જાય છે !

 22. suresh trivedi says:

  આ લેખ વાંચ્યા પહેલા “સરદાર વલ્લભભાઈ પટેલ”વિષે મહુવા કેળવણી મંડળ વતી આપનું વક્તવ્ય સાંભળ્યું એ મારો પ્રથમ પરોક્ષ તમારા વિશેનો પરિચય અને ત્યાર બાદ તુરત જ આ લેખ વાંચ્યો તો આપણી “કાઠીયાવાડી સંસ્કૃતિ”ની ભવ્યતા કેટલી મહાન છે તેનો ગર્વ કરી શકાય!મારો જન્મ નાનકડા ગામડામાં થયો હતો પરંતુ બાળપણથી લઈને જીવનમાં કરેલી નોકરી “મુંબઈ”માં પૂરી કરી અને નિવૃત કહી શકાય એવી ઝીંદગી વિશ્વમાંના અગ્રીમ હરોળમાં મૂકી શકાય તેવા “ન્યુઝીલેન્ડ”માં વિતાવું છું ત્યારે આપણી સંસ્કૃતિની જીવનમાં કેટલી મીઠાશ છે તે અનુભવાય છે !તમે કરેલું કૌટુંબિક નિખાલસ વર્ણન ખરેખર કેટલું સચોટ છે!તમને રૂબરૂ મળવાનું અસંભવ છે એટલે મારા હૃદયથી આપનો આભાર વ્યક્ત કરું છું। સ્વીકારશો એવી અભિલાષા સહ!

 23. neerav patel says:

  સલામ સલામ !

 24. Manisha vakil says:

  શરિફાબેન્,જ્યારે જ્યરે તમારા લેખો વાન્ચુ ત્યારે દરેક વખતે લખાન ના દશ્ય નજર સામે આવે ચ્હે….ખુબ જ હ્રદયસ્પશ્રઇ લખાન્…

 25. Hitesh Dave says:

  hu shrifaben ni vat sathe puro sahamat 6u…hu a j gamma moto thayo…a j prakarnu balpan malyu….He prabhu bijo janma aape to DASBABU j va matma guruji aapvanu na bhulto…aaje j kai pan 6u…a matra n matra amni prerana thi j 6u.

 26. vinod Darji Prantij says:

  hu sarifaben n nu bachpan no saxi 6u.Jithari (T.B. Hispital) ni yad avi gai.Ba Bapuji Nani bahen tatha Bhai ni yad avi gai, karan ke SARIFABEN sathe me pan jivanna thodo samay vitavyo 6.1980 thi 1983 sudhi SARIFABEN sathe temana gare rahi. aje pan hu te divaso yad kri rhyo 6U.

 27. સલામ બાપ મારા દેશ નેી ખમેીરવન્તિ નારિ ને…..

 28. Kartik makwana says:

  Khub Sara’s chhe mem

 29. KULIN SANGHANI says:

  You have not only written about your childhood but inspirational thesis on real culture & life of Saurastra till 70s but sometimes I feel its changing now. We too used to read a lot those days. I have read one of your article somewhere and believe that prevailing social & political environment is far from what we were dreaming about but still hope is there until we are alive.

 30. Priti Mistry says:

  Very nice !! Love the story!

 31. Bharat kheni says:

  Speechless madam

 32. parshottam patel says:

  Excellent inspiration Sharifaben

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.