અહો સુખમ – લતા જગદીશ હિરાણી

[‘વિચારવલોણું’ માસિકમાંથી સાભાર. આપ લતાબેનનોઆ સરનામે lata.hirani55@gmail.com સંપર્ક કરી શકો છો.]

‘દુનિયાનું શું થવા બેઠું છે ? હળાહળ કળિયુગ આવ્યો છે. રામ રામ ભજો. પહેલાંના જમાનામાં કેવું સારું હતું !’ – કોણ કરે છે આવો કકળાટ ? માફ કરજો મિત્રો. પણ આવી વાતો જેમની જીભે રમતી હોય એમને માટે. આ કળિયુગમાં મહોરેલી કળીઓ, અરે પુરબહારમાં ખીલેલા બાગબગીચાઓની અને જમાનો કેવો બે કાંઠે છલકાઈ રહ્યો છે એની વાત કરવી છે. થોડાક માત્રાભેદ હોય એટલે કે જરા ઓછુવત્તુ થાય, પણ એક ઉદાહરણ – કચભાઈ અને ચકબહેનનો આ સંસાર છે. બે બેડરૂમના સરસ ફર્નિશ્ડ ફ્લેટમાં તેઓ રહે છે. સવારમાં એમને વહેલા ઉઠવું છે. મોબાઈલમાં રોજ એની જાતે જ વાગે એમ એલાર્મ સેટ કરી દીધો છે. સવારે પલંગ પરથી ઉઠીને એટેચ્ડ બાથરૂમમાં ઘૂસે છે. નિત્યક્રમ પતાવે છે. ટી.વી. ઓન કરે છે. ચેનલ પર આવતા બાબા રામદેવના પ્રોગ્રામ સાથે યોગ કરે છે. દૂધવાળો આવે ત્યારે તપેલી લઈને એમને દોડવું નથી પડતું. ઘરની બહાર ખીંટી પર લટકાવેલી થેલીમાં દૂધના પાઉચ આવી જાય છે. ચા કોફી પતાવતાં જ મોબાઈલમાં કાકાની બર્થડેનું રિમાઈંડર આવે છે. તરત જ નંબર ડાયલ કરે છે. કાકા અને કાકી બંને ખુશ થઈ જાય છે. બ્રેકફાસ્ટ માટે ઘરે બનાવેલા અને તૈયાર નાસ્તાની અનેક વેરાઈટીઓ છે. ઓવન, ટોસ્ટ તો ખરાં જ. ચીઝ, બટર, સોસ, જામની કેટલીયે ફ્લેવર હાજર છે.

એમનો દીકરો અમેરિકા છે. બંને ઈંટરનેટ પર ચેટીંગથી પુત્ર-પરિવાર સાથે નિરાંતે વાત કરે છે. સંતાનો પૃથ્વીના બીજે છેડે વસે છે પણ એ શું જમ્યા, શું નવું ખરીદ્યું, કોને મળ્યા કે પછી કયો પ્રોગ્રામ જોયો એ બધી જ વાતો શેર થાય છે. વેબ કેમેરામાં એમના હસતા ચહેરા જોઈને સંતોષ મેળવી લે છે. માતાપિતાને લાગતું જ નથી કે સંતાનો દૂર છે. ચકબહેન ઘરના કામમાં પરોવાય છે. મદદ માટે નોકર છે. રસોડામાં ગેસ, કૂકર, ઓવન, મીક્સર જેવી અનેક સુવિધાઓ છે. કડાકૂટ સાવ ટળે એવા કેટલાય તૈયાર મસાલા અને ઈંસ્ટંટ સામગ્રી ઉપલબ્ધ છે. ઓફિસે કે બહાર જવા માટે દરેક પાસે પોતાનું વાહન છે. ગરમીમાં પંખા, કૂલર, એરકંડિશનર છે. વાંચવા માટે છાપાં મેગેઝીન ઘરે આવે છે. ઘરની ખરીદી માટે શોપિંગ મોલમાં એક જ સ્થળે પૂરી થતી તમામ જરૂરિયાતોમાં શું પસંદ કરવું એ દ્વિધા છે. આ અતિશયોક્તિ નથી, હકીકત છે. સરેરાશ સુખી વર્ગની આ વાત છે. આ વર્ગ નાના મોટા શહેરોમાં ઘણો છે અને વધતો જાય છે. હજી હું ફાર્મ હાઉસ માલિકોની કે પોશ ક્લબોમાં ફરતા ધનાઢ્ય વર્ગની વાત નથી કરતી. જો કે એવો વર્ગ પણ નોંધપાત્ર સંખ્યામાં છે ખરો. આપણે એમને બાકાત રાખીએ છીએ.

ઈંટરનેટ પર ક્લીક કરો અને દુનિયાભરની માહિતી તમારા સ્ક્રીન પર ખડકાઈ જાય છે. કંઈ પણ જાણવા માટે તમારે તમારા ટેબલથી વધારે દૂર જવાની જરૂર નથી. રિઝર્વેશન કરાવવું છે ? ઘેર બેઠાં ખરીદી કરવી છે ? પ્રવાસમાં જવું છે ? માહિતીથી માંડીને બુકિંગ કે ડિલીવરી સુધીનું બધું જ ઘરમાં હાજર. એકલા કંટાળી ગયા છો ? ચેટિંગ રૂમમાં પહોંચી જાઓ. દેશવિદેશના પુસ્તકો, ફિલ્મો, સંગીત બધું જ સ્ક્રીન પર હાજર. વિડીયો ગેમ્સ રમો કે વોટરપાર્કમાં જાઓ. બારેમાસ જાતજાતના મેળાવડાઓ, એક્ઝિબિશંસ ચાલ્યા જ રાખે. તમે નોકરી નથી કરતા અને નવરાશમાં કંટાળો છો તો કોઈ કીટીમાં જોડાઈ જાઓ. મજા કરો. સમાજસેવામાં રસ છે ? કેટલીયે સંસ્થાઓ છે. એ હોંશ પણ પૂરી કરો. બાળકોનો સારી રીતે ઉછેર કરવા માટે પાર વગરની પ્રવૃત્તિઓ અને ઢગલાબંધ ક્લાસીસ ચાલે છે. ઈંટરનેશનલ લેવલનું ભણતર આપતી સ્કૂલો આપણે ત્યાં છે. પ્રેમમાં પડ્યા છો ? પત્ર લખવામાં મજા આવતી હોય તો એ ઓપ્શન છે જ. ફોન, મોબાઈલ પર એસ.એમ.એસ. કલાકો સુધી પ્રેમાલાપ કરવાની મોબાઈલ સેવાની સસ્તી ઓફરો, એમેઈલ, વૉટ્સ એપ અધધધ . . . કેટલી સગવડો !! અને બધી આંગળીને ટેરવે. એક જમાનામાં લોન મેળવવા માટે લાગવગ લગાવવી પડતી. હવે બેંકના એજંટો તમારા પગથિયા ઘસે છે. ક્રેડીટ કાર્ડ અને ડેબિટ કાર્ડ તમને આપવા માટે લાઈન લાગે છે. શોપિંગ કરવા માટે ઉધારીની બધી સગવડ ઉપલબ્ધ. મોટરકાર હવે સામાન્ય માનવી વસાવી શકે છે.

હવે જરા યાદ કરો. તમારા પિતાજી કે દાદા કે પરદાદા અરે, પાંચ સાત કે દસ વીસ પેઢીમાં યે કોઈએ આવી સગવડ ભોગવી હોય એવી કલ્પના તમે કરી શકો છો ખરા ? જવાબ ‘ના’માં જ આવે. પેઢીઓની વાત જવા દો. મધ્યમવર્ગીય પરિવાર માટે ઈતિહાસમાં આવો વૈભવ જોવા નહિ મળે. રાજા મહારાજાઓને કે શહેનશાહ અકબરનેય તાલી પાડતાં દાસદાસીઓ હાજર ભલે થતાં પણ હુકમના પરિણામ સુધી એને રાહ જોવી પડતી. આવી ટેક્નોલોજી ક્યાં હતી ? આજે આપણી પાસે જે છે એ આપણા પૂર્વજો પાસે ક્યારેય નહોતું. આરોગ્ય અંગે જે જાગૃતિ આજે છે એ પહેલાં નહોતી. તબીબી સગવડો કેટલી વધી છે ! પરિણામે સરેરાશ આયુષ્ય વધ્યું છે એ નિર્વિવાદ છે. રોગચાળામાં અસંખ્ય લોકો પિડાઈને મરતાં. અંધશ્રદ્ધામાં મરતાં લોકો જુદાં. આજે ય એવું થતું હોય પણ એનું પ્રમાણ ઓછું જરૂર થયું છે. કુદરતી હોનારતો પહેલાં પણ થતી. આટલી જલદી અને આટલી અસરકારક સેવાઓ પહેલાં આપી શકાતી નહોતી.

હા, સિક્કાની બીજી બાજુ જરૂર છે. સમાજમાં ગરીબી છે. દુ:ખ છે, ખરાબી છે. ખોટું છે પણ યાદ રાખો મિત્રો, સિક્કો પહેલાં પણ એવો જ હતો, બે બાજુવાળો. શું રામરાજ્યમાં રાક્ષસો નહોતા ? કુથલી નિંદા નહોતા ? લોભ, મોહ, ઈર્ષા, દ્વેષ, છળ, કપટ બધુંજ હતું. ગરીબી હતી અને મજબૂરી પણ હતી. રાવણ, મંથરા, કૈકેયી, દશરથ, દુર્યોધન, દુશાસન, ધૃતરાષ્ટ્ર, કર્ણ, કુંતી, જાબાલા આ બધા શાના પ્રતીકો છે ? ભગવાન કૃષ્ણે એટલે તો સત્વ, રજસ અને તમસ ત્રણેય ભાવો વર્ણવવા પડ્યા. આજે જે કંઈ ખોટું છે એ પહેલાં યે હતું. ફરક એટલો કે પહેલાં એકબીજા સાથે સંપર્ક અઘરો હતો. મિડિયા નહોતું, છાપાં નહોતાં, રેડિયો, ટી.વી. નહોતાં. ટેક્નોલોજી નહોતી. આજે જે થાય છે એ તરત બધા સુધી પહોંચી જાય છે. પહેલાં બાજુના ગામમાં બનતો બનાવ ખબર પડતાં યે દિવસો લાગી જતાં. યાદ કરો, મોરબીબી હોનારતની કે હમણાં થયેલી ઉત્તરાખંડની તબાહીની ગણતરીની મિનિટોમાં સેટેલાઈટ દ્વારા વિશ્વને ખબર પડી ગઈ હતી.

આપણી પાસે હંમેશા પસંદગી છે જ. છાપામાં લૂંટફાટની, ગુંડાગર્દીની, ગંદા રાજકારણીઓની કે બળાત્કારોની વાતો ભલે છપાતી. એની સામે ઢગલાબંધ પૂર્તિઓમાં વિશાળ વિષયવૈવિધ્ય સાથે સારું સાહિત્ય પણ છપાય છે. વલ્ગર અને અશ્લિલ પ્રોગ્રામો કે ફિલ્મો સાથે ડિસ્કવરી ને આસ્થા-સંસ્કાર જેવી ચેનલો આવે જ છે. ટૂથપેસ્ટથી માંડીને ટીવી પ્રોગ્રામ સુધી, કોફીથી માંડીને કલર્ડ લેંસ સુધી અને હરડેથી માંડીને હાર્ટ સર્જરી સુધી આજના માનવી પાસે પસંદગીના જેટલા વિકલ્પો છે, મેળવવાની જેટલી સુવિધાઓ છે કે માણવાની જેટલી તકો છે એ ભૂતકાળમાં ક્યારેય નહોતી. આ વાતનો જરાય એ મતલબ નથી કે લોકોએ પોતાના સુખમાં ડૂબી જઈ સ્વાર્થી બનવું. બિલકુલ નહીં. દુ:ખી લોકોની બની શકે એટલી મદદ જરૂર કરીએ. કોઈની સેવા માટે સમય, શક્તિ અને નાણાં ખર્ચીએ. મિત્રો, સમૃદ્ધિની ટોચ પર પહોંચ્યા પછી યુવાનવયે નિવૃત્તિ લઈ લેનારા બિલ ગેટ્સ અને નારાયણમૂર્તિ આ યુગના જ છે. કર્મયોગી કિરણ બેદી કે અબ્દુલ કલામ જેવા મહાનુભાવો આ ધરતી પર જ વસે છે. રક્તપીડિતો માટે જીવન સમર્પિત કરી દેનાર સુરેશ સોની કે પછી હજારો બાળકોના મા-બાપ બનીને ઝૂંપડપટ્ટીમાં સૂરજ ઉગાડનાર જીતુ-રેહાના અને આવાં તો કેટલાય ઉમદા માનવીઓ આ યુગની જ દેન છે. બાકી કોઈ પોતાનું બધું જ ન્યોછાવર કરી દે તો પણ આ દુનિયાના દુ:ખોમાં રતિભાર ફેર ના પડે. સુખ-દુ:ખ, અમીરી-ગરીબી, આનંદ-પીડા બધું જ માનવજાતના અસ્તિત્વ સુધી સાથે જ રહેવાનું, એનો સમૂળગો નાશ શક્ય જ નથી. મિત્રો, આ કળિયુગ નથી. અમારા એક મિત્ર કહે છે આ સુવર્ણયુગ છે. આપણને આ સુવર્ણયુગમાં જીવવાનું અહોભાગ્ય મળ્યું છે. એટલે આપણી પાસે જે છે એ બધું ઉત્તમ છે. સમય ઉત્તમ છે. સાધનો ઉત્તમ છે. જીવન ઉત્તમ છે. પસંદગી આપણી !!! દૃષ્ટિ આપણી !!!


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous હું આવી કેમ ? – શરીફા વીજળીવાળા
અંતરા – રેણુકા દવે Next »   

10 પ્રતિભાવો : અહો સુખમ – લતા જગદીશ હિરાણી

 1. Moxesh Shah says:

  Feel like it has come from my heart.
  “Whatever and whoever, doesn’t change with the time, it destroys.” – This is applicable to all live things and human beings- young or old (by age).

 2. Nikul H. Thaker says:

  ખુબ જ સાચી વાત

 3. DIPTI Trivedi says:

  સાચી વાત . વિવેક્થી વાપરીએ તો સુવર્ણયુગ છે.

 4. upendra parikh says:

  VERY VERY APPEALING & BEFITTING TO THE PRESENT WORLDLY SITUATION. SALUTE TO LATAJI & TO MRUGESHBHAI . I FORWARD TO MY ALL MAILING FRIENDS. THANX. UPENDRA

 5. Pravin V. Patel says:

  વર્તમાન સમયને અનુલક્શીને આપે જે વાસ્તવિક સુવિધાઓનો લાભ સાથેસાથે પરહિતની ભાવનાઓને વેગ આપ્યો છે એ વાતથી સોનામાં સુગંધ ભળી છે. સુંદર રજુઆત.
  આભાર.ા
  વાનગીઓ પિરસતા રહેશો.
  અભિનંદન.

 6. Aarti Bhadeshiya says:

  Very Nice Article…………
  Feeling Good

 7. Nitin says:

  ખુબ સરસ લેખ્.મોટૅરા ઓ નો આજ સુર હોય છે.સિક્કા ની બિજિ બાજુ ને જોવાની વ્રુતીૅ કેળવવા ની ટૅવ પાડવી પડશે.હકારાત્મક અભિગમ્
  દર્શાવતો લેખ્ .આભાર્

 8. સૌ વાચકોનો આભાર અને ખાસ તો મૃગેશભાઇનો આભાર કે જેમણે આ લેખ આટલા વિશાળ વાચકવર્ગ સુધેી પહોચાડ્યો. આપને ગમ્યુઁ એ મારો આનઁદ..

  લતા હિરાણેી

 9. Triku C . Makwana says:

  રક્તપિડીતો માટૅ સુરેશ સોનિ કરતા મધર ટેરેસા નુ વધારે યોગદાન કહેવાય.

 10. Arvind Patel says:

  ભૂતકાળ ને વળગી રહેવું નહિ. ગઈકાલ સારી હતી છતાં જે પસાર થઇ ગયું છે તેને ભૂલી જવું. વર્તમાન માં જ જીવવું. ભૂતકાળ માં થી સીખવા જેવું શીખી લેવું. બસ તેથી વધારે કઈ જ નહિ. પરિવર્તન એ દુનિયા નો ક્રમ છે. બદલાતો સમય સ્વીકારે તે સુખી. નહીતર દુખ જ દુખ. આ દુનિયા ભગવાને બનાવી છે. આપણું ધ્યાન રાખી ને બનાવી છે. આનંદ માં રહેવું અને સાથે ના ને પણ આનંદ માં રાખવા.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.