અંતરા – રેણુકા દવે

[‘તથાગત’ દ્વિમાસિકમાંથી સાભાર.]

બેલ પડ્યો. પલ્લવીએ એની વાત પૂરી કરતાં ડાયરી બંધ કરી. થોડી પળો એમ જ શાંતિથી પસાર થઈ. મીરાંનાં વિરહકાવ્યો વિશે એ સમજાવી રહી હતી. અચાનક તેનું ધ્યાન ગયું. લગભગ 55 જેટલા વિદ્યાર્થીઓથી ભરેલો આખો ક્લાસ તેની સામે એકીટશે જોઈ રહ્યો હતો. એને લાગ્યું કે તે હજુ પણ મીરાંની કાવ્યસૃષ્ટિમાં ગરકાવ છે. મીરાંની વિરહવેદનાની વાત કરતાં કરતાં જાણે કે પોતાની જ લાગણીઓ બોલતી હોય તેમ તેને લાગ્યું. ‘. . .તો કાલે આગળ ચર્ચા કરીશું.’ કહી તેણે સમાપન કર્યું. હાજરીપત્રક અને ડાયરી લઈ સ્ટાફરૂમમાં આવી. આજે આ કોલેજમાં તેનો બીજો જ દિવસ હતો. મિસિસ ભટ્ટ કહેતાં હતાં, ‘છોકરાઓને ભણવામાં રસ જ નથી.’ પણ એને એવું ન લાગ્યું. ખુરશી પર બેઠી ને ખ્યાલ આવ્યો કે ખૂબ થાક લાગ્યો હતો. સળંગ ચાર લેક્ચર લીધાં તેથી હશે કદાચ ! તે પર્સ લઈ ઘરે જવા નીકળી. તાળું ખોલતાં જ એક ઉદાસી એને ઘેરી વળી. આમ પણ આજ સવારથી તે ઉદાસ હતી. લેક્ચરમાં પણ તેની અસર દેખાઈ. તે વિચારી રહી. સમય કેટલો ઝડપથી બદલાઈ ગયો ? તે ભણતી ત્યારે કૉલેજથી ઘરે આવતી ત્યારે મમ્મી તેની રાહ જોઈ રહેતી. તેને આવેલી જોઈને તરત જ રસોડામાં જઈ ચા મૂકતી ને તે ચિડાઈ જતી, ‘મમ્મી, તું મારી સાથે બેસ તો ખરી ! પછી કરજે બધું.’ ‘અરે હા ભઈ, તું જા ફ્રેશ થઈને આવ, તારો નાસ્તો તૈયાર છે અને હું ક્યારની રાહ જોઉં છું ચાની !’ તે ગાતાં ગાતાં ફ્રેશ થવા જતી. ઘણી વાર બાથરૂમમાંથી જ કૉલેજનો અહેવાલ આપવાનું શરૂ કરી દેતી. વચ્ચે વચ્ચે મોટેથી પૂછતી, ‘મા ! સાંભળે છે ને ?’

પપ્પા અને મોટા ભાઈ ઘણી વાર બિઝનેસના કામે બહારગામ જતા. તે અને મમ્મી એકલાં હોય તેવું ઘણી વાર બનતું. બન્ને બાલ્કનીના હીંચકા પર બેસી સાથે ચા પીતાં અને કેટલીય વાર સુધી વાતો કરતાં. આ તેમને બન્નેનો થાક ઉતારવાનો, રિલેક્સ થવાનો સમય હતો. પલ્લવીને લાગતું કે જેમ હું દેખાવમાં મમ્મી જેવી છું તેમ સ્વભાવે પણ એવી જ છું. તેને બહુ ગૌરવ થઈ આવતું એ વાતનું. મા માટે ખૂબ માન હતું તેને. અચાનક કેટલું બદલાઈ ગયું બધું ! પલ્લવીને અકસ્માતનો એ દિવસ યાદ આવી ગયો. તે મમ્મી-પપ્પા સાથે નીતા ફોઈનાં લગ્નમાં જઈ રહી હતી. શું થયું તેની કંઈ જ ખબર ના પડી, પણ તેની આંખ ખૂલી ત્યારે તે હૉસ્પિટલમાં હતી. તેના બન્ને પગે ફ્રેક્ચર્સ હતાં. વિસ્મરણની થોડી અસર વર્તાતી હતી. ચાર-પાંચ દિવસ હૉસ્પિટલમાં રહ્યા પછી એક સવારે અચાનક તેણે મોટેથી બૂમ પાડી હતી, ‘ડૉક્ટર, મમ્મી-પપ્પા ક્યાં છે ?’ આજે અનાયાસ બધું જ યાદ આવતું હતું. ખૂબ રડી પડવાની ઇચ્છા થઈ. તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ઊતરતી સાંજની સાથે જાણે કે એની ઘેરી પીડાનું એક મોટું વાદળું એના ઓરડામાં ઊતરી આવ્યું હોય એમ ઓરડો વજનદાર બની ગયો. એ કેટલીય વાર સુધી રડતી રહી. એકલતાનાં નવ વર્ષ ટીપે ટીપે ટપકતાં રહ્યાં. ઘણા વખત પછી એવું બન્યું હતું કે તે સાવ એકલી હોય. મોટા ભાઈ, ભાભી ને અંતરા થોડાં દિવસ માટે ગોવા ગયાં હતાં. મમ્મી પપ્પાની વિદાય પછી મોટા ભાઈએ સાદાઈથી લગ્ન કરી લીધાં હતાં. અપર્ણા ભાભી કરતાં સખી વધારે હતી. તે પલ્લવીનું દુ:ખ બરાબર સમજતી હતી. ખાસ કરીને તેની સંજય સાથેની ગાઢ મિત્રતાની અને અચાનક કશું જ કહ્યા વિના તેના વિદેશગમનની જાણ થયા પછી તે તેની વધુ નજીક આવી ગઈ હતી. નવા સંબંધ માટેના તેના દૃઢ નકાર પછી ઘરમાં આવી કોઈ પણ જાતની ચર્ચા ન કરવાનું તેમણે નક્કી કર્યું હતું. ગોવા આવવા માટે એમણે તેને ખૂબ સમજાવી પણ તે ઇચ્છતી હતી કે મોટા ભાઈ પણ તેના કુટુંબ સાથે તેમની રીતે આનંદ કરે. આવી એકલતાનો અહેસાસ અંતરાના જન્મ પછી આજે પહેલી વાર થયો.

અંતરા. . . ! છે જ એટલી મીઠડી. . . ! વસુકાકી કહેતાં હતાં કે ભાભી જ આવ્યાં છે, તમારાં બધાનું ધ્યાન રાખવાં. . .જુઓને, આંખ-નાક તો એવાં જ છે. . ! કોણ જાણે કેમ પણ પલ્લવીને તેમની વાત એકદમ સાચી લાગી. આજે એકાએક એને ખ્યાલ આવ્યો કે ચાર વર્ષથી અંતરા જ એનું સઘળું દુ:ખ, પીડા, ઉદાસી બ્લોટિંગ પેપરની જેમ ચૂસી જતી હતી. કેટલું સુખદ છે તેનું પાસે હોવું ! એનું ઝીણા સાદે ‘પલ્લવી. .’ કહીને બોલાવવું એ ઝંખી રહી. આમ ને આમ એક-બે કલાક પસાર થઈ ગયા. તેણે ફ્રિજમાંથી દૂધ કાઢીને ગરમ કર્યું. જમવાની આજે પણ ઇચ્છા ન હતી. ગરમ દૂધ પીને તે સૂવા ગઈ ત્યારે થોડી હળવાશ અનુભવી રહી. કાલે તો ભાઈ-ભાભી આવશે અને અંતરા પણ. સવારે બેલ વાગ્યો ત્યારે જ આંખ ખૂલી.
નાનકડી અંતરા આવતાંવેંત પલ્લવીને વળગી પડી ને બોલી,
‘પલ્લવી, તારા માટે સરસ સરસ કંઈક લાવ્યાં છીએ . . .’
‘અરે !’ પલ્લવી ખુલ્લું ખુલ્લું હસી પડી. ભાભીના હાથમાંથી બેગ લેતાં બોલી, ‘ઑલ ફાઈનને ભાભી ?’
‘હા એકદમ, પણ અંતુ તને બહુ જ મિસ કરતી હતી. કાલે જરા તાવ જેવું પણ હતું.’
‘ઓહો. . . !’ પલ્લવી ચિંતિત થઈ બોલી, ‘અરે પણ એ ગઈ ક્યાં ?’
‘અંતરા. . . અંતુ બેટા !’ ભાભીએ બૂમ પાડી.
ત્યાં તો એ રૂમમાંથી મોટું પેકેટ ઊંચકીને આવી. ભાભી બોલી ઊઠ્યાં, ‘માતાજી, ઘડીક વાર તો શાંતિ રાખો . . . !’
અંતરા પલ્લવીના હાથમાં પેકેટ પકડાવતાં બોલી, ‘પલ્લવી, આ તારા માટે છે હોં . . . !’ તારી નવી ઑફિસમાં પહેરીને જજે. મસ્ત ડ્રેસ છે . . .’ સહુ ખડખડાટ હસી પડ્યાં.
પલ્લવીએ એને વહાલથી નવડાવી દીધી. ઘર આખું આળસ મરડીને જાગી ઊઠ્યું. અઠવાડિયાનો સન્નાટો એકાએક ગાયબ થઈ ગયો. અંતરાની કિલકારીથી ઘરનો ખૂણેખૂણો ચમકી ઊઠ્યો. સાંજે જ્યારે અપર્ણાએ ગરમાગરમ આલુ પરોઠાં પીરસ્યાં ત્યારે જાણે ઘણા દિવસની તેની ભૂખ ભાંગી રહી હતી અને અંતરના ઊંડાણમાં ઊઘડી રહી હતી એક નવી ક્ષુધા . . . નવા સંબંધની . . . !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “અંતરા – રેણુકા દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.