જીવન સંગીત – સુરેશ દલાલ

[ ‘હલચલ’ સામયિકમાંથી સાભાર.]

કાળ અખંડ છે. અનાદિ છે. પુરાતન અને સનાતન છે. આપણે ત્યાં ત્રણ ત્રણના ઘટક છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ઉત્પત્તિ, સ્થિતિ અને લય. સત્વ, રજસ અને તમસ. કાળના પણ ત્રણ ઘટક છે. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. વિગત, સાંપ્રત અને અનાગત. ગઈ કાલ, આજ અને આવતી કાલ. સમય એ કાળનું અત્યારે દેખાતું સ્વરૂપ છે. આ સમયના પણ આપણે કટકેકટકા કર્યા છે. આજનો સમય ઘડિયાળના બાર આંકડામાં ફેરફુદરડી ફરે છે. આજનો સમય કેલેંડરની તારીખના પાનામાં ફડફડે છે. એકેએક પળ ખબર ન પડે એમ ભૂતકાળ થતી જાય છે. વર્તમાન એ તો ક્ષણનું સ્વરૂપ છે. પળનો ચહેરો છે. સમયને આપણે ચીંથરેહાલ કરીએ છીએ. ક્ષણે ક્ષણે એના લીરા ઊડે છે. જાગવાનો સમય, નાહવાનો સમય, ઑફિસે જવાનો સમય, લંચ અવર્સનો સમય, ઑફિસેથી પાછા આવવાનો સમય, કોઈને મળવાનો સમય, કોઈથી છૂટા પડવાનો સમય, ઊંઘવાનો સમય. કાળ જાણે કે સમયના મયને પીધા જ કરે છે. બપોરનો સમય આક્રમક તડકો થઈને આપણને નખોરિયાં ભરતો હોય છે. રાતનો સમય ક્યારેક મધુર, કોમળ મલયનો લય લઈને વહે છે. કોઈકની ઊંઘ ઊડી ગઈ હોય ત્યારે નીંદવિહોણા નેણમાં લપાઈને રાતનો સમય જાગતો હોય છે, તો આ સમય ક્યારેક બંધ હોઠોની મૂગી ગોઠડીને મન ભરીને માણતો હોય છે. રાત કઈ રીતે વીતે છે એના પર બધો આધાર છે.
પ્રિય વ્યક્તિના સાન્નિધ્યમાં એમ જ લાગે કે રાતનો સમય રાતરાણીની સોડમાં સૂતો છે. એ તો એમ જ ઝંખે કે પરોઢિયું કદી થાય નહીં. હરીન્દ્ર દવેની લતા મંગેશકરના કંઠે પ્રસિદ્ધ થયેલી પંક્તિઓ યાદ આવે છે:

રૂપલે મઢી છે સારી રાત રે સજન,
એનું ઢૂકડું ન હોજો પ્રભાત.

ક્યારેક રાતનો સમય અંધારાની રેશમી રજાઈ ઓઢીને ઊંઘતો હોય છે. આકાશમાં તારલા ગમે એટલા દૂર હોય, પણ રાતના સમય પાસે એના તેજને સૂંઘવાની પણ તાકાત છે. મને રાતના સમયનું એક રૂપ બહુ ગમે છે. આ ગમતા રૂપને હું ગદ્યમાં નહીં ઉતારું.

ટ્રેનની તીણી વ્હિસલ થઈ વીંધતો રહે રાતનો સમય,
નાનકા સૂના સ્ટેશન પર ટહેલતો રહે રાતનો સમય.

રાતનું રળિયામણું રૂપ હોય છે તેમ એનું બિહામણું સ્વરૂપ પણ હોય છે. હૉસ્પિટલમાં સમય એક પગે ખોડંગાતો ખોડંગાતો ચાલે છે. હૉસ્પિટલની ધોળી દીવાલોમાં સમય કાળું કાળું કણસે છે. રાતને વખતે આ જ સમય છરી, ચાકુ અને ખંજર સાથે વણસે છે. શહેરમાં તો દીવાઓ એટલા બધા છે કે આટલી બધી ઝગમગાતી રોશનીની વચ્ચે અંધકારને ઊતરવું હોય તો પણ તસુભાર ભોંય નથી મળતી. ટ્યૂબના આંધળા અજવાળામાં એ ધૂંધળો હોય છે. શહેરમાં તો આખી રાત જાહેરાતના પાટિયે પાટિયે ઝૂલતી હોય છે. ઘડિયાળમાં જ સમયની બારાખડી ઘૂંટાતી હોય છે. આપણે સમય સાથે જીવવું પડે છે. જ્યોતીન્દ્ર દવે કહેતા કે આપણે ઘડિયાળને ચાવી આપીએ છીએ એ ભ્રમણા છે. હકીકતમાં ઘડિયાળ આપણને ચાવી આપે છે. બધું જ ઘડિયાળને પૂછી પૂછીને કરવું પડે છે. ઑફિસમાં જઈએ છીએ. ચાનો કપ હોઠે માંડીએ છીએ પછી સમય થોડીક ક્ષણ ખાલી કપની જેમ પડ્યો હોય છે. ઑફિસમાં સમય ખડે પગે ઊભો રહે છે. કાંડાને કાંઠે સમય તરફડે છે.

શૈશવ, યૌવન અને વૃદ્ધાવસ્થા આ પણ સમયનાં જ સ્વરૂપો છે. નાના હોઈએ છીએ ત્યારે સમય રાજાના કુંવર જેવો લાગે છે. આપણી આસપાસ હોય છે સમયનો સોનાનો પહાડ, રૂપાની નદી. એ વખતે સમય હોય છે પરીનું ઝાંઝર. આસપાસ વન હોય છે, વનમાં ઝાડ હોય છે, પંખીઓના લય હોય છે. એક સરોવર હોય છે. સરોવરમાં માછલીઓના રંગ હોય છે. પરી પોતાનું ઝાંઝર કિનારે મૂકીને સરોવરમાં નાહવા ઊતરે છે. કિનારા પર રાક્ષસ આવે છે. રાક્ષસ ઝાંઝરને હાથમાં લે છે. એ ખડખડાટ હસે છે. એના હાસ્યથી ઝાંઝર તૂટી જાય છે. રાક્ષસ ઉદ્યમી છે. પરીના ઝાંઝરમાંથી એ ફેક્ટરી બનાવે છે, પૈડાં બનાવે છે, ઘડિયાળ બનાવે છે, ઘડિયાળના કાંટા બનાવે છે, ટ્રેનના પાટા બનાવે છે. સમય હવે સમયસર થઈ જાય છે. સમય હવે 8:35, સમય હવે 9:55, સમય હવે આવનજાવન, જાવનઆવન. રાજાનો કુંવર કાળના કપૂરમાં સળગી જાય છે અને પરી હવે રાજાબાઈ ટાવર પર ઝૂલ્યા કરે છે.

સમયને વિધવિધ રૂપે જોયો છે. રવિવારની સાંજે શહેરના બગીચામાં કુટુંબના કૂંડાળાની બહાર એ ભીખ માગતો ઊભો હોય છે. માફ કરો એવું સાંભળી સાંભળીને સમયના કાન બહેરા થઈ ગયા છે. સમય બહુરૂપી છે. એના અજબગજબના વેશ છે. એ ટ્રેનને સળિયે લટકે છે. સ્મશાનમાં ભટકે છે. ભવાઈનો ખેલ કરે છે. કોઈક બગીચાને બાંકડે બેસી રહે છે. સમય ટાઈપરાઈટર પર છપાતો હોય છે તો ક્યારેક પિયાનોમાં વાગતો હોય છે. સમય ક્યારેક બસમાં બીજે માળે બેઠો હોય છે. એક દિવસ એવો ઊગે છે કે સમય મરી જાય છે. સમયની શોકસભા ભરાય છે. આ શોકસભામાં સમયનાં સગાંવહાલાં હાજર રહે છે. આ સગાંવહાલાં કોણ ? રેલવેનું ટાઈમટેબલ, અઠવાડિયાના સાત વાર, મહિનાના ત્રીસ દિવસ, મજૂરની ત્રણ પાળી, રેડિયો-ટીવીનો કાર્યક્રમ, સવાર, બપોર, સાંજ, રાત, પંચાંગના પીળા કાગળ, કૉલેજના પીરિયડ્ઝ, સવારે નિયમિત વાગતી સાયરન, છાપાંની પસ્તી, તારીખના દટ્ટા, ડિલે થતી ફ્લાઈટ્સ, બર્થ અને ડેથ કૉલમ-બધા જ ઊભા થઈ જાય છે અને બે મિનિટનું મૌન. માણસ સમયનો પર્યાય છે કે સમય માણસનો પર્યાય છે ? એ પ્રશ્ન હજી અણઊકલ્યો જ છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous અંતરા – રેણુકા દવે
ક્ષમા કરજો : સ્ત્રી અબળા છે અને અબળા જ રહેશે – દિનેશ પાંચાલ Next »   

2 પ્રતિભાવો : જીવન સંગીત – સુરેશ દલાલ

  1. Mamtora Raxa says:

    ખૂબ જ સરસ નિબંધ, ખરેખર સમયનું મહત્વ માણસના જીવનમાં જેટલું આંકીએ તેટલું ઓછુ છે.સમય જ માણસના જીવનની સાચી પૂંજી છે છતા માણસ તેને સાચવતો નથી.

  2. Gita kansara. says:

    Very nice artical. Time is very importent part of our life.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.