- ReadGujarati.com - http://www.readgujarati.com -

ક્ષમા કરજો : સ્ત્રી અબળા છે અને અબળા જ રહેશે – દિનેશ પાંચાલ

[‘ધરમકાંટો’ પુસ્તકમાંથી સાભાર.  આ પુસ્તકના લેખક શ્રી દિનેશભાઈનો (નવસારી) આપ આ નંબર પર +91 9428160508 સંપર્ક કરી શકો છો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર.]

પુરુષો ઘણીવાર કહે છે ભગવાનનો પાર પામી શકાય પણ સ્ત્રીના હૃદયનો પાર પામી શકાતો નથી. એમ કહીને તેઓ ચાલાકીપૂર્વક સ્ત્રીને સમજવાની કડાકૂટથી દૂર રહેતા આવ્યા છે. કદાચ એ તેમનો પલાયનવાદ છે. વિચારો તો તરત સમજાય એવી વાત છે. સ્ત્રી પણ એક ઇંસાન છે. તેને ન સમજી શકાય એવી જટિલ બનાવવાની ઈશ્વરને કોઈ આવશ્યકતા ન હતી. (સ્ત્રી ક્યારેક તો પોતાના ગમા-અણગમાઓ ચીખીચિલ્લાઈને વ્યક્ત કરતી હોય છે, છતાં પુરુષ તેની આશા-અપેક્ષાઓને અવગણતો આવ્યો છે.) સ્ત્રીને સમજવા કરતાં તેને પોતાની ઇચ્છા મુજબ સમજાવી લેવામાં જ પુરુષોને વિશેષ મજા આવે છે. પ્રત્યેક શહેરોમાં હવે નાનાંમોટાં સ્ત્રી-સંગઠનો અસ્તિત્વમાં આવ્યાં છે. એમાં જોરશોરથી પ્રચારવામાં આવે છે કે સ્ત્રીઓ અબળા નથી. સ્ત્રીઓ પુરુષ સમોવડી છે. આવું સાંભળી વિચારમાં પડી જવાય છે. દિન-પ્રતિદિન વધી રહેલા સ્ત્રી પ્રત્યેના અત્યાચારો સામે સ્ત્રીઓને જાગૃત કરવા આવું પ્રચારાતું હોય તો ઠીક છે, અન્યથા સ્ત્રીના તનમનના ઋજુ બંધારણના પરિપ્રેક્ષ્યમાં વિચારશું તો સમજાશે કે સ્ત્રીને કુદરતે સહેતુક નાજુક બનાવી છે અને સ્ત્રીને પુરુષસમોવડી બનાવવાનો તો સવાલ જ પેદા થતો નથી. કેમકે ખુદ કુદરતને જ તેના અમુક ચોક્કસ લક્ષ્યાંકરૂપે તેમ કરવાનું પરવડ્યું નથી. અન્યથા કુદરત માટે સ્ત્રીઓને મજબૂત મસલ્સ કે દાઢી મૂછ આપવાનું અશક્ય ન હતું. સ્ત્રીને પુરુષ સમોવડી બનાવવાની વાતો મને તો ફૂલને પથ્થર સમોવડું બનાવવા જેવી લાગે છે.

સદીઓથી પુરુષો દ્વારા સ્ત્રીઓનું શોષણ થતું આવ્યું છે. કાળક્રમે શિક્ષણનો વ્યાપ વધતાં સ્ત્રીઓમાં જાગૃતિ આવી અને પોતાના પર થતા અત્યાચારો સામે સ્ત્રીઓએ અવાજ ઉઠાવ્યો. એ ઠીક જ થયું. એનાં કેટલાંક સારાં પરિણામો પ્રાપ્ત થયાં છે, પરંતુ સ્ત્રી અને પુરુષના મનોદૈહિક બંધારણમાં ખુદ કુદરતે કેટલાક તફાવતો રાખ્યા છે. તેને નજર અંદાજ કરી શકાવાના નથી. કારણ ગમે તે હશે, પણ સ્ત્રીના મનોદૈહિક બંધારણમાં કુદરતે પુરુષની તુલનામાં ઋજુતાનું મોણ થોડું વધારે નાખ્યું છે ! વિજ્ઞાન જે અજીબોગરીબ સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે તેને પરિણામે બાવીસમી સદીમાં શક્ય છે વિજ્ઞાન માતૃત્વની જવાબદારી સ્ત્રીને માથેથી ઉઠાવીને પુરુષના શિરે લાદે ! પુરુષો બાળકને સ્તનપાન કરાવી શકે એવું પણ કદાચ શક્ય બને, પરંતુ એ કેવળ એક વિજ્ઞાનસર્જિત વ્યવસ્થા હશે. પ્લાસ્ટિકનાં ફૂલ સુંદર હોય પણ તેમાં રસ કે સુગંધ ન હોવાથી ભમરાને તેનું ખેંચાણ રહેતું નથી. એક સ્ત્રીના હૈયામાં હિલોળતો માતૃત્વનો મહાસાગર પુરુષના હૈયામાં નહીં ઊછળી શકે. સૃષ્ટિમાં થોડું વાત્સલ્ય ટકી રહ્યું છે તે માતાને કારણે. દાઉદ કે ઓસામા સહિતના આતંકવાદીઓમાં થોડીઘણી પણ માયા મમતા રહી હોય તો તેનાં મૂળિયાં માતાના દૂધમાં પડેલા છે. એ અલગ વાત છે કે ઘણા કુપુત્રો માતાના દૂધને લજવે છે. બાકી કોઈ માતા કદી દાઉદ ઇબ્રાહીમને જન્મ આપતી નથી. ગાંધારી કદી કૌરવોને જણ્યાનું ગૌરવ લેતી નથી.

સ્ત્રી યુદ્ધના મોરચે મશીનગન કે તોપ ચલાવી શકે છે. હવાઈ જહાજ ઉડાડી શકે છે. ચંદ્ર પર પહોંચી શકે છે. પ્રધાનમંત્રી બની આખા દેશનો કારભાર સંભાળી શકે છે. મૂળ વાત એ કહેવી છે કે આ બધી સિદ્ધિ કે પ્રગતિઓ જોયા પછી પણ સ્ત્રીને અબળા ગણીશું તો તે સત્યની વધુ નજીકની વાત હશે. બલકે હું તો કહીશ કે કુદરતને સાચી રીતે સમજી શક્યાની વિવેકબુદ્ધિ ગણાશે. ગેરસમજ ટાળવા એક સ્પષ્ટતા કરી દઉં કે અહીં અબળાનો અર્થ હું હરગિજ એવો નથી કરતો કે પુરુષસમાજે સ્ત્રીને અબળા ગણીને તેનું શોષણ કરતાં રહેવું. બલકે ફૂલની નજાકતતા જ તેની વિશેષ ઋજુ માવજતની જરૂરિયાત સૂચવે છે. રામચંદ્રજી સીતાજીની આવી માવજત નહોતા લઈ શક્યા. એમણે સીતાજીની સગર્ભા અવસ્થાને લક્ષમાં લીધા વિના ત્યાગ કરેલો. મને તે વાજબી જણાયો નથી ! અમારા બચુભાઈ કહે છે, ‘મને રામ પ્રિય છે, પરંતુ મારી રામભક્તિ અંડર પ્રોટેસ્ટ રહી છે. સીતાના વકીલ તરીકે અદાલતમાં મને રજૂ કરવામાં આવે તો હું સીતાજીને થયેલા અન્યાયો અંગે રામને એવા સવાલો પૂછું કે એમને ભોંય ભારે પડી જાય.’

કુદરતે સ્ત્રીને નાજુક બનાવી એથી એણે ચૂલાચૌકી અને બાળકોની દેખભાળ જેવાં ઘરગથ્થુ કામ સંભાળ્યાં. પુરુષને મજબૂત બનાવ્યો એથી એણે દુનિયાની તડકી-છાંયડી વેઠી રોટલો રળી લાવવાનું કઠિન કામ સ્વીકાર્યું. સહજ રીતે, આપમેળે આ બધું ગોઠવાયું. સ્ત્રી પુરુષની જવાબદારીના આવા બટવારા ભગવાને જાતે ધરતી પર આવીને કરી આપ્યા નથી. કાળક્રમે માનવસમાજનો વિકાસ થતો ગયો તેમ તેની જરૂરિયાતો વધતી ગઈ. તે મુજબ વ્યવસ્થાઓ પણ બદલાતી રહી. અસલની સ્ત્રી ઘર અને બાળકો સંભાળીને બેસી રહેતી. તે સમયમાં માણસને એ પરવડતું, પરંતુ હવે દિનપ્રતિદિન થઈ રહેલા માનવવિકાસને કારણે વધુ મેનપાવરની આવશ્યકતા ઉદ્ભવી. મોંઘવારી વધી. સ્ત્રીઓમાં પણ શિક્ષણને કારણે જાગૃતિ આવી, એથી સ્ત્રીઓ પણ ઘર છોડી નોકરી કરવા લાગી. પુરુષને પણ સ્ત્રી તરફથી પ્રાપ્ત થતો આર્થિક સહયોગ રાહતજનક લાગ્યો. હવે બધા નોકરી કરતી કન્યા શોધે છે, ત્યારે દીકરીને અભણ રાખવાનું કોઈને પરવડતું નથી. પરંતુ ઉપર કહ્યું તેમ આ બધું કુદરતી નથી. જરૂરિયાતલક્ષી પરિવર્તનો છે. જેમજેમ પ્રાકૃતિકતા તરફથી માણસની દોટ પ્રાકૃતિકતાથી આધુનિકતા તરફ વધતી ગઈ, તેમ માણસે કુદરતના કાયદા-કાનૂનો તોડીને પોતાની રીતે જીવન ગોઠવવા માંડ્યું. એમાં ઘણું સારું થયું અને કેટલુંક ખરાબ પણ થયું, પરંતુ એ બધી વ્યવસ્થા વચ્ચે માણસમાં કુદરતે મૂકેલા પ્રકૃતિદત્ત ટાઇમબોમ્બ સમયે સમયે ફૂટતા જ રહ્યા છે. બાળકને નાનપણથી ઓછી માત્રામાં ઝેરની ટેવ પાડવામાં આવે તો શક્ય છે તે મોટી ઉંમરે સો ગ્રામ ઝેર પણ પચાવી શકે, પરંતુ તેથી એમ ન કહી શકાય કે ઝેર એ માનવીનો ખોરાક છે. એક સ્ત્રી નોકરી કરવા નીકળે છે, ત્યારે એ સ્ત્રી મટીને સંપૂર્ણ પુરુષ બની જતી નથી. તે પોતાની તમામ સ્ત્રીસહજ કમજોરીઓ કે ખૂબીઓ સાથે જ નોકરી કરે છે. તેઓ કોઈ મનદુ:ખ અનુભવે તો ઑફિસનો ખ્યાલ કર્યા વિના આસાનીથી રડી પડે છે. (રડવું એ કાયરતા નથી. સ્ત્રીની સહજ પ્રકૃતિ છે.) પુરુષો માટે રુદન એટલું સહજ નથી હોતું.

જરૂર પડી એટલે સ્ત્રીઓએ યુદ્ધને મોરચે જવું પડ્યું. પણ ઘરમાંથી સાપ નીકળે તો સ્ત્રી મારતી નથી. પુરુષ જ એ કામ કરે છે. સ્ત્રી આકાશમાં હવાઈ જહાજ ઉડાવતી થાય તેથી તેની પ્રકૃતિદત્ત ઋજુતા નષ્ટ થઈ જતી નથી. આકાશમાં વીજળીના પ્રચંડ કડાકા-ભડાકા થાય છે, ત્યારે તે ભયભીત બની પુરુષની છાતીમાં લપાઈ જવાનું પસંદ કરે છે. જરૂર પડ્યે તે ઝાંસીની રાણી બની દુશ્મનોના પેટમાં ભાલા ભોંકી શકે છે, પરંતુ ટી.વી.ની વાઇલ્ડ લાઇફમાં હરણને ફાડી ખાતો વાઘ જુએ છે ત્યારે આપોઆપ તેની આંખ મીંચાઈ જાય છે. આજપર્યંત એકાદ સમ ખાવા પૂરતોય એવો કિસ્સો નોંધાયો નથી, જેમાં પોતાની છેડતી કરનાર કોઈ ગુંડાને કોઈ સ્ત્રીએ સેંડલો મારી ખતમ કરી નાખ્યો હોય. એની તુલનામાં મહોલ્લામાં ચોર પકડાયો હોય તો પુરુષો તેને એવો માર મારે છે કે ક્યારેક તે મૃત્યુ પામે છે. અરે . . . ક્યારેક તો જે ઘરમાં ચોરી થઈ હોય એ ઘરની સ્ત્રી જ પુરુષોને કહે છે, ‘બસ થયું હવે એને વધુ મારશો નહીં, ક્યાંક મરી જશે. પોલીસને હવાલે કરી દો.’ સ્ત્રી અબળા નથી, સબળા છે એવું તેને હિંમત આપવા કહેવાતું હોય ત્યાં સુધી ઠીક, બાકી રોજરોજ એવી સબળાઓને ખૂબ સરળતાથી સળગાવી દેવામાં આવે છે. સ્ત્રીની ઋજુતા અને પુરુષની કઠોરતા વચ્ચેના જંગમાં પુરુષની કઠોરતા હંમેશા જીતી જાય છે. સમાજમાં એ કઠોરતાની બિનહરિફ વરણી થઈ જાય છે.

ખૂબ ભણેલી સ્ત્રીઓને પણ મેં પતિનો માર ખાઈને હીબકાં ભરતી જોઈ છે. (ક્યારેક તો પતિદેવની દેહસમૃદ્ધિ સૂકા દાતણ જેવી હોય. પત્ની અડબોથ મારે તો પતિદેવ બે ગુલાંટ ખાઈ જાય એવી સ્થિતિ હોય છે) છતાં એવા સંજોગોમાં પણ માર સ્ત્રીઓ જ ખાતી હોય છે. મારવા માટે હાથ કરતાં હિંમતની વધુ જરૂર પડે છે. આક્રમક પ્રકૃતિની જરૂર પદે છે. સ્ત્રીઓ પાસે એવી પ્રકૃતિ નથી હોતી. (સ્ત્રીઓ પુરુષોને મારતી નથી એ વાત સાથે કેટલાક વિક્ટીમાઈઝ્ડ પતિઓ સંમત નથી થવાના પણ અત્રે એવા અપવાદોને લક્ષમાં લેવાના નથી.) સમાજમાં જિવાતા જીવનમાંથી ડગલે ને પગલે સ્ત્રીની ઋજુતાના પુરાવાઓ પ્રાપ્ત થઈ શકે છે. દુ:ખદ બીના એ છે કે સ્ત્રીના એ પ્રકૃતિદત્ત સદ્ગુણોનો મલાજો પુરુષ જાળવી શક્યો નથી. પુરુષે તો બોરડી જેટલી વધુ નીચી તેટલી તેને વધુ ઝૂડી છે. અને આપણો આખો સમાજ જાણે બોરડીઓનું વન જોઈ લ્યો !