લગ્ન માટે હા-ના કરવામાં વિલંબ કરશો તો પસ્તાશો હોં ! – રોહિત શાહ

[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘લાઇક OR કૉમેંટ’ પુસ્તકમાંથી સાભાર. ]

Image (12) (419x640)યુવાનીનો સૂરજ ઉંમરથી ઊગતો નથી, એમ ઉંમરથી આથમતો પણ નથી. યૌવન એ કોઈ એજ-ગ્રૂપ નથી. વ્યવસ્થા ખાતર ભલે આપણે શિશુઅવસ્થા, બાળવય, કિશોરાવસ્થા, યુવાની, પ્રૌઢાવસ્થા, ઘડપણ જેવાં ખાનાં બનાવ્યાં હોય અને એનું અનુસંધાન ઉંમર સાથે જોડી દીધું હોય; હકીકતમાં એ દરેક તબક્કાની આગવી ઓળખ હોય છે અને આ ઓળખ કદીયે ઉંમરને ગાંઠતી નથી. કોઈ તોફાની ગીત સાંભળતી વખતે પગ તાલ આપતો હોય ત્યાં સુધી યુવાની છે અને પગ સ્થિર થવા માંડે, પગને બદલે માથું હાલતું થાય ત્યારે સમજવું કે હવે યુવાનીએ ગૂડ બાય કહી દીધું છે.

જાદુની જપ્પી ’ચીની કમ’ પડે તોય ‘નિ:શબ્દ’ થવાનું મન ન થાય, પૌત્રને બે હાથે ઉપર ઉછાળીને કેચ કરવાનું સાહસ ખૂટી ન જાય, ચાર-પાંચ કિલોમીટર ચાલવાનું હોય તોય પોતાના પગની ત્રેવડ ઉપર શંકા ન જાગે, ક્યાંય પણ અન્યાય થતો જોઈને ઊકળી ઊઠતું લોહી ઠંડુ પડી ન જાય ત્યાં સુધી યુવાની અકબંધ છે એમ માનવું. જીંસ પેંટ, ટી-શર્ટ અને સ્પોર્ટ્ઝ શૂઝ પહેરવાથી શિથિલ બની રહેલી ચાલ થોડી ટટ્ટાર થાય છે. ઘડપણને છેટું રાખવું હોય તો જીવનસાથીને દરરોજ એકાદ વખત જાદુની જપ્પી જરૂર આપવી.

વિલંબ ન કરો
લગ્ન કરવા માટેની આદર્શ ઉંમર સ્ત્રી માટે વીસથી બાવીસ વર્ષ અને પુરુષ માટે બાવીસથી પચીસ વર્ષની ગણી શકાય. જો કોઈ ખાસ અનિવાર્ય કારણ ન હોય તો આ ઉંમરે વ્યક્તિએ અચૂક પરણી જવું જોઈએ. ઘણા લોકો હા-ના કરવામાં વિલંબ કરે છે. લગ્ન માટે જેટલો વિલંબ થાય છે એનું પાછલી ઉંમરે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવું પડે છે. દરેક વ્યક્તિને પોતાની અપેક્ષાઓ હોય છે. કઈ અપેક્ષા સાથે કૉમ્પ્રોમાઇઝ કરવું એ વ્યક્તિએ જાતે નક્કી કરવું પડે. છોકરો થોડોક પગભર થયો હોય અને છોકરી પોતાની જવાબદારીઓ સમજતી થઈ હોય તો લગ્ન માટે વિલંબનું કોઈ કારણ રહેતું નથી.


પ્રેમમાં નિષ્ફળતા
કેટલાક લોકોને પ્રેમમાં નિષ્ફળતા મળે એટલે જીવન પ્રત્યે ધિક્કારભાવ પેદા થઈ જાય છે. આમ થવું અસ્વાભાવિક નથી. લાગણી ઘવાય ત્યારે કેવી પીડા થાય એ તો જેણે અનુભવ્યું હોય તે જ સમજી શકે. સર્વસ્વ સમર્પણ કર્યા પછીયે જ્યારે વિશ્વાસઘાત થાય, આપણા તરફથી પ્રેમમાં કશી ઓટ કે ખોટ ન હોય છતાં આપણી ઉપેક્ષા થાય ત્યારે આઘાત લાગે જ લાગે; પરંતુ એ આઘાતને ગળે વળગાડીને આખી જિંદગી રિબાયા કરવું અનિવાર્ય નથી. ડહોળાયેલા જળમાં જેમ પ્રતિબિંબ સ્થિર અને સ્વચ્છ નથી હોતું, એમ ડહોળાયેલી લાગણીઓમાં જીવનના સાચા નિર્ણયો નથી થતા. કોઈ પણ પરિસ્થિતિમાં જીવનને ધિક્કારવું એ સૌથી મોટું પાપ છે એમ હું સમજું છું. એટલે પ્રેમમાં નિષ્ફળતા મળી હોય તોપણ લગ્નથી દૂર ભાગવું ન જોઈએ.

ગલત ખ્યાલ
કેટલાક લોકો બીજાઓનાં દુ:ખી લગ્નજીવન જોઈને ગભરાઈ જાય છે : ‘અરેરે ! લગ્ન કર્યા પછી આટઆટલી તકલીફો વેઠવી પડે છે ?’ અનમેરિડ વ્યક્તિને તકલીફ નથી હોતી એવું માનીને આગળ ચાલવું એ તો ખોટી દિશામાં પ્રવાસ કરવા જેવી વાત છે. તકલીફોથી દૂર ભાગવું એ પલાયનવૃત્તિ છે અને પલાયનવૃત્તિ દ્વારા કદીયે કોઈને સુખ મળતું નથી. બીજાઓની ડિસ્ટર્બ્ડ મેરિડ લાઇફ જોઈને ડરી જવાની જરૂર નથી. એ લોકોનાં જીવનમાં જે કંઈ અનિષ્ટ બન્યું એ આપણાં જીવનમાં પણ બને જ એવો કોઈ નિયમ નથી.

તમારા હાથમાં
કેટલાંક યુવક-યુવતીઓ રૂપાળાં ન હોવાને કારણે અસ્વીકૃત બની જાય છે. વારંવાર નવી-નવી વ્યક્તિઓ સાથે મુલાકાતો ગોઠવાય છતાં પરિણામ ન મળે એવું બને છે. એમાંથી હતાશા પેદા થાય છે. ‘મને કોઈ વ્યક્તિ પસંદ કરતી નથી’ એ વાતનો ડંખ તેના જીવનના ઉત્સાહને ખતમ કરી નાખે છે. આવાં યુવક-યુવતીઓ માટે મારે એટલું જ કહેવું છે કે રૂપ મળવું – ન મળવું તમારા હાથની વાત નથી. તમે ભલે રૂપાળાં ન હો તોપણ થોડાંક અપ-ટુ-ડેટ રહેવાથી ફરક પડશે. વળી તમે તમારી પર્સનાલિટી એવી બનાવો કે જે તમારા કદરૂપાપણાને ઓવરટેક કરી નાખે. તમારા રૂપથી નહીં તો તમારી પર્સનાલિટીથી તમે સ્વીકૃત બની જ શકો છો અને એમ કરવાનું તમારા હાથમાં જ છે.

ખોટો ભય
લગ્ન પહેલાં છોકરીઓના મનમાં એવા ખોટા ભય હોય છે કે લગ્ન કરવાથી ફ્રીડમ નહીં જળવાય, જવાબદારીઓ વધી જશે, મારાં રસ-રુચિ છોડવાં પડશે. લગ્ન પહેલાં છોકરાઓના મનમાં પણ એવા ખોટા ભય હોય છે કે લગ્ન પછી મારા માથે આર્થિક બોજો વધી જશે, પરિવારમાં કલહ-કંકાસ શરૂ થશે, સ્વતંત્રતા જોખમાશે. આવા ભયને કારણે પણ કેટલાંક યુવક-યુવતીઓ લગ્ન કરવાનું પાછળ ઠેલતાં રહે છે. હકીકતમાં લગ્ન પછી મળનારાં સુખોનો વિચાર કરવાની જરૂર છે. પ્રેમ મળશે, હૂંફ મળશે, સામાજિક પ્રતિષ્ઠા મળશે, સુખ-દુ:ખમાં સાથીદાર બનશે – એવું પૉઝિટિવ થિંકિંગ કરવું જોઈએ.

મોટી ઉંમરે સમાધાન
હા-ના કરવામાં ક્યારેક એટલું બધું મોડું થઈ જાય છે કે છેવટે મોટાં સમાધાન કરવાં પડે છે. એટલું જ નહીં, એંજોય કરવાની ઉંમરમાં દસ-બાર વર્ષ તો માત્ર પ્રતીક્ષા કરવામાં જ વેડફાઈ ચૂક્યાં હોય છે. પોતાની જરૂરતથી કે સમાજની પરંપરાથી આખરે લગ્ન તો કરવાં જ પડે છે, પરંતુ એનો ચાર્મ ઝાંખો પડી ગયો હોય છે. શરૂ-શરૂમાં જે અપેક્ષાઓ હોય છે એમાં થોડીક જ બાંધછોડ કરવાની હોય છે, પરંતુ પાછળથી ઘણી બાંધછોડ કરવી પડતી હોય છે. એક રમૂજ સાંભળેલી કે એક ભાઈ શરૂ-શરૂમાં તો ડબલ ગ્રેજ્યુએટથી ઓછા ભણતરવાળી છોકરીને જોવા-મળવાની પણ ના પાડતા હતા, પરંતુ પાત્રીસ વર્ષની ઉંમર સુધી ઠેકાણું ન પડ્યું અને છેલ્લે તો એસએસસી કન્યા પણ ન મળતાં એ ભાઈએ જાહેર કર્યું કે કન્યા અભણ હશે તોપણ ચાલશે, હું જાતે તેને ભણાવીશ. આવું સમાધાન જીવનને બરબાદ કરી નાખે છે. લગ્ન માટે વિલંબ ન થઈ જાય એટલી સમજણ જરૂર કેળવવી જોઈએ.

કૉમ્પ્રોમાઇઝ જરૂરી
કેટલાક લોકો ઊંચી અને અયોગ્ય અપેક્ષાઓને કારણે મોટી ઉંમર સુધી પરણી શકતા નથી. ખાસ કરીને છોકરીઓની મેંટાલિટી એવી હોય છે કે મનગમતું પાત્ર મળે તો જ લગ્ન કરવાં જોઈએ. પરંતુ ‘મનગમતું’ની વ્યાખ્યા પણ સ્થિર નથી હોતી. અપેક્ષાઓ વધતી જાય છે. મા-બાપ પણ સમજાવી-સમજાવીને થાકી જાય છે. તેમના ઉજાગરા ભારે વ્યથાભર્યા હોય છે. એક જમાનામાં એમ કહેવાતું કે ‘કન્યા વરયતે રૂપમ’, અર્થાત કન્યા રૂપ જુએ છે. આજની કન્યાઓ છોકરાના રૂપ કરતાં તેની પર્સનાલિટીને વધુ મહત્વ આપે છે. સામે પક્ષે છોકરાઓ હંમેશાં કન્યાના રૂપને પ્રાયોરિટી આપે છે. રૂપાળી, સમજુ અને કમાતી છોકરી મળે તો સારું એવાં પલાખાં આજના છોકરાઓ માંડે છે. જ્યારે આખી લાઇફનો વિચાર કરવાનો હોય ત્યારે થોડીક પ્રતીક્ષા કરવી જરૂરી છે; પરંતુ વિલંબ ન થાય એની તકેદારી અનિવાર્ય છે. ક્યારેક કૉમ્પ્રોમાઇઝ કરવાથી જ જીવનને નવું અજવાળું જડી જતું હોય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “લગ્ન માટે હા-ના કરવામાં વિલંબ કરશો તો પસ્તાશો હોં ! – રોહિત શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.