હજી તો પહાડો ખોદવાના છે. . . – ડૉ. ઝાકીર હુસેન (અનુ. સોનલ પરીખ)

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.]

હું ચોક્કસ માનું છું કે દેશનું ભવિષ્ય દેશની શાળાઓ અને કૉલેજોમાં આકાર લે છે. જો શાળાઓ અને કૉલેજો સંપન્ન નહીં હોય, તેમાં કામ કરનારનાં મન નિર્બળ અને નિષ્પ્રાણ હશે તો દેશવાસીઓ જ્ઞાનના મહત્વને નહીં સમજી શકે. યોગ્ય વાતાવરણ અને સાધનોના અભાવે આ જ શાળાઓ અને કૉલેજો દેશના ભવિષ્યને બગાડી પણ શકે. કામને માટે સાધનો તો જોઈએ જ, પણ સાધનોની વાત વિચારતાં મને યાદ આવે છે રાષ્ટ્રીય શિક્ષણની શરૂઆતનો એ કપરો કાળ અને મને થાય છે કે કદાચ એ તંગી અને અભાવના દિવસો વધુ સારા હતા. સાધનો ન હતાં, સપનાં તો હતાં. ધન ન હતું, હિમ્મત તો હતી. સામે એક આદર્શ હતો, મનમાં એક લગન હતી, હૃદયમાં અરમાનો હતાં. અધિકારો પર ધ્યાન નહોતું, કર્તવ્યો પૂરાં કરવાની ધૂન હતી. પગારવધારાનો ખ્યાલ નહોતો આવતો, ઘસાઈ જવામાં મન ખુશ રહેતું. જે પણ બાળક આવતું, તેની આંખોમાં અમને આઝાદીની ચમક દેખાતી. દરેક બાળકમાં અમને એક ગાંધી, એક ટાગોર, એક અરવિંદની છાયા દેખાતી – જે ભવિષ્યમાં પોતાના જીવન વડે, પોતાનાં કામ વડે, પોતાના વિચારો વડે દેશનું ભવિષ્ય રોશન કરી દે. જે કામ અમારી પેઢીથી પૂરાં નહીં થાય તે આ બાળકો પૂરાં કરશે, એવી આશા અમને તેમનામાં દેખાતી. અપાર પ્રેમથી અમારાં હૃદય ભરાઇ જતાં. તેઓ પણ અમને દિલ ખોલીને ચાહતાં. સુવર્ણ સમય હતો તે.

પછી આઝાદી આવી. સ્વાતંત્ર્યના એ સૂર્યનાં દર્શન થયાં, જેની ઝંખનામાં ગુલામીની અંધારી રાતો વિતાવી હતી, પણ ઉજાસ ફેલાતાં તો આકાશમાંથી લોહી વરસ્યું. દેશના ટુકડા થયા. ગલીઓમાં રક્તની નદીઓ વહી. ઘરઘરમાં આંસુ હતાં, આક્રંદ હતું. ભાઇભાઇ દુશ્મન બન્યા, ધંધા-રોજગાર બરબાદ થયા, ગામો ઉજ્જડ થયાં. આકાશ ઝાંખું થયું. આઝાદ ભારતનાં, નૂતન ભારતનાં જે અરમાનો ઉષ્મા આપતાં હતાં, ઠંડા પડી ગયાં. નવી વિપત્તિઓને સંભાળવામાં જ બધી શક્તિ ખર્ચાઇ ગૈ ને આઝાદીના શરૂઆતના તબક્કામાં નવસર્જનનું જે કામ ઊપડવું જોઈએ – ઊપડી શકત, તે ન ઊપડ્યું. એ સમય પણ વીત્યો. સમયની સૌથી મોટી ખૂબી એ જ છે કે તે વીતી જાય છે. હવે રાષ્ટ્રીય જીવનને ઊભું કરવાનું, તેનું સંમાર્જન કરવાનું કામ આપણી સામે છે. એ આપણું જ કામ છે, આપણે જ કરવાનું છે. આપણી ત્રુટિઓનો ટોપલો કોઇ બીજા પર ઢોળવાનો હક હવે આપણને નથી. નવનિર્માણનાં આ કામમાં ગાંધીજીના જીવનમાંથી આપણે ઘણું શીખવા જેવું છે. જીવનનું ઘડતર કરવા સૌથી પહેલી તો ઇચ્છાશક્તિ જોઇએ. બાળક મોહને હંમેશા સારપ શોધી, જેની પણ પાસેથી સદગુણ મળે, સદવિચાર મળે તે અપનાવતો રહ્યો. બીજાઓની ખામીને મહત્વ ન આપ્યું, પણ પોતાની ઊણપો પર બાજનજર રાખી. આમ સતત સાધનાથી ગાંધીજીએ પોતાનું જીવન પરિપૂર્ણ કર્યું. તેમનું મહાત્માપણું ઇશ્વરી દેન નથી, એ હિમ્મતવાન પુરુષાર્થી મનુષ્યની જીવનભરની કોશિશનું પરિણામ છે. એમની આ રીત દરેક સાચો ને પ્રામાણિક માણસ અપનાવી શકે, અજમાવી શકે ને વિકસી શકે.

જિંદગી બનાવવા માટે જરૂરી છે સાચો વિચાર, સાચી સમજ. આ સૂઝથી માણસ પોતાના રસ્તાને, તેના ખાડાટેકરાને નજીકથી ને દૂરથી પારખી શકે છે. આ સૂઝ કેળવવી પડે છે. તેની એક શિસ્ત હોય છે. તેને કેળવવાનો રસ્તો પણ સરળ નથી. જાતજાતના અવરોધો આવે છે. ક્યાંક સ્વાર્થ છેતરી જાય છે, ક્યાંક લાલચ દગો દઇ જાય છે, ક્યાંક અધીરાઇ પછાડ ખવડાવે છે. ઉપરાંત, આસપાસની ઘટનાઓ જમીનમાં રોપાતાં બીજની જેમ માણસના મનમાં રોપાય છે. કોઇ કરમાઇને નષ્ટ થઇ જાય છે, કોઇ મૂળ નાંખીને વિકસે છે. દક્ષિણ આફ્રિકામાં વતનના લોકોની અસહાયતાનો જે વેધક અનુભવ ગાંધીજીને થયો, તેનો તેમના મન પર એવો અવિચળ પ્રભાવ પડ્યો કે ત્યાર પછી એ પીડાને દૂર કરવામાં જ તેમની જિંદગી વીતી. સંવેદનાનું આ ઊંડાણ અને આ સ્થૈર્ય આપણે પણ મેળવવું જોઇશે કેમ કે આ અસહાયતા, આ પીડા અને તેને નિર્મૂળ કરવાનું કામ તેમની સાથે પૂરું થઈ ગયું નથી. એ કામ એવું વિરાટ છે કે કદી પૂરું ન થાય. તેમના જેવા મહાત્માથી પણ નહીં. સાચો માણસ ને સાચો સમાજ બનાવવો, સારા માણસોને સેવાનાં કામમાં પ્રયોજવા અને સમાજને વિશ્વની ખિદમત માટે તૈયાર કરવા તે શું એકાદ-બે પેઢીમાં પૂરું થઈ શકે તેવું કામ છે ? આ તો સતત ચાલતું, અનંત ચાલતું કામ છે. હવે વિદેશી બેડી નથી, પણ બેડી તૂટ્યા પછી ક્યાં જવું તેની ખબર ન હોય અથવા ખબર હોય તો બેદરકારી કે આળસ પગલાં ઉઠાવવા ન દેતા હોય તો આઝાદી નિરર્થક છે, ભ્રમણા જેવી છે ને છેવટે ચાલી જવાની છે.

જ્યાં સુધી આ દેશમાં માણસ માણસ પર જુલમ કરે છે, ત્યાં સુધી બળવાનો નિર્બળોને ઊભા થવામાં મદદ નથી કરતા, જ્યાં સુધી કોઇની મહેનતનો લાભ બીજો કોઇ ઉઠાવી જાય છે, જ્યાં સુધી દેશના કરોડો લોકોને ભૂખ્યા સૂવું પડે છે, તેમની બીમારીમાં ન ડૉક્ટર મળે છે, ન દવા, તેમના બાળકો શાળાનો દરવાજો જોવા નથી પામતા ત્યાં સુધી શાંતિનો શ્વાસ લેવાનો આપણને હક્ક નથી. હેજી તો પહાડો ખોદવાના છે, સમુદ્રો તરવાના છે, ખાઇઓ પૂરવાની છે, પ્રવાહોની દિશા બદલવાની છે, રણમાં ફૂલો ખીલવવાનાં છે. ગાંધીજીની આંખો જેનું સ્વપ્ન જોતી હતી તે ભારતનું નિર્માણ તો હજી બાકી જ છે, તેને માટે ઝઝૂમવાનું છે. તેઓ માર્ગ ચીંધી ગયા છે, હવે આપણે હૃદયપૂર્વક, બુદ્ધિપૂર્વક નિશ્ચય કરવાનો છે કે આપણે આ માર્ગ પર આગળ વધીશું – આપણા પુરુષાર્થથી, આપણા પ્રેમથી, આપણા વિચારોથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “હજી તો પહાડો ખોદવાના છે. . . – ડૉ. ઝાકીર હુસેન (અનુ. સોનલ પરીખ)”

Copy Protected by Chetan's WP-Copyprotect.