ગૂટર-ગું, કા-કા, ચીં-ચીં – હેમંત કારિયા

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.]

એક વખત સાંજના સમયે ભગવાન સ્વર્ગમાં બેઠા બેઠા વિચારતા હતા, ત્યાં દેવી આવ્યાં. બોલ્યાં ‘શું વિચારો છો પ્રભુ ?’ ભગવાને કહ્યું ‘આ આકાશ સામે જુઓ દેવી, કેવું ખાલી ખાલી લાગે છે !’ દેવી કહે’ હા, મને પણ એ વિચાર આવ્યો હતો.’ ભગવાને કહ્યું, સુંદર રમકડાં બનાવીને આકાશમાં છોડી દઇએ તો આકાશ ભરેલું લાગશે અને આપણને પણ જોવાની મજા આવશે.’ તો દેવી કહે, ‘યોજના તો બહુ સરસ છે તો પછી વિચાર શું કરો છો, બનાવવા મંડો રમકડાં.’ ભગવાને આજુબાજુ જોયું કંઈ ન મળ્યું તો પોતાના હૃદય પર હાથ મૂક્યો અને એના અંશમાંથી થોડો ભાગ લીધો અને કરોડો નાનાં નાનાં રમકડાં બનાવી દીધાં અને એમને પાંખો આપી દીધી. દેવીએ કહ્યું ‘આ તો બધા એક જ રંગના છે એટલે હું અલગ રંગ અને કદ આપું છું.’ એટલે એમણે અલગ રંગ અને કદ આપ્યાં. પછી ભગવાને બધામાં પ્રાણ ફૂંક્યા અને બધાં જીવતાં થઈ ગયાં અને આજુ બાજુ ઊડવા લાગ્યાં. દેવી કહે ‘આ બધા તો શાંત છે પ્રભુ, એમને વાણી પણ આપો.’ ભગવાને બધાના મુખમાં એક એક શબ્દ આપ્યો. કોઈને ગૂટર ગું તો કોઈને કા-કા તો કોઈને કૂઊઊઊ. દેવી કહે ‘આ શું પ્રભુ ? બધાને માત્ર એક જ શબ્દ ! તો પછી બધા વિવિધ ભાવ કેવી રીતે વ્યક્ત કરશે ?’ પ્રભુએ કહ્યું, ‘બધા હાવભાવથી પોતાના ભાવ વ્યક્ત કરશે. વધારે શબ્દો આપીશું તો બધા ભાવ વગરના થઈ જશે.’ બધાને નામ આપી દીધા અને ગરૂડ સિવાય બધાને આકાશમાં છોડી દીધાં અને કહ્યું, ‘હવે તમારે ધરતી પર રહેવાનું અને રોજ ઊડવાનું.’ ગરૂડને આવ-જા કરવાની છૂટ આપી. બધાં પંખીઓ ધરતી પર આવી ગયાં. ધરતી પર સૌથી પહેલાં વૃક્ષો આવ્યાં એટલે બધાં વૃક્ષો પર બેઠાં. વૃક્ષો પર ગમી ગયું એટલે ત્યાં જ ઘર બનાવીને રહી ગયાં.

આ વાતને લાખો વર્ષ વિતી ગયાં અને અસલ વાત ભુલાઈ ગઈ. એક વખત એક કબૂતરનું બચ્ચું કહે ‘આ શું ? ખાલી ગૂટર ગું જ બોલવાનું ! બીજું કંઈ નહીં અને હાવભાવ જ બતાવવાના. મને આ નથી ગમતું. મારે તો નવા નવા શબ્દો બોલવા માટે જોઈએ.’ એણે તો કબૂતર પપ્પા પાસે જિદ પકદી કે મને આ એક જ શબ્દ બોલવાની મજા નથી આવતી. મને નવા નવા શબ્દો જોઈએ છે.’ તો કબૂતર પપ્પા કહે ‘અરે ! નવા શબ્દો હું કેવી રીતે આપું ! ભગવાને આપણાં માટે એવી વ્યવસ્થા જ નથી કરી. આપણે જે કંઈ કહેવું હોય એ હાવભાવથી કહીએ છીએ ને !’ પણ એ બચ્ચું ન માન્યું અને ઘર છોડીને નીકળી પડ્યું. બસ એક જ ધૂન કે મને પણ નવા નવા શબ્દો બોલવા જોઈએ છે. રસ્તામાં એને કાગડાભાઈનું બચ્ચું મળ્યું. એણે ‘કા કા’ કરીને પૂછ્યું શીદ જાવ છો ? તો આણે ‘ગૂટર ગું ગૂટર ગું’ કરીને આખી વાત કરી અને સમજાવ્યું કે હું તો નવા શબ્દો શોધવા નીકળ્યો છું. તો કાગડા ભાઈનાં બચ્ચાંએ કહ્યું ‘મારે પણ આવવું છે.’ ‘તો ચાલ તું પણ મારી સાથે.’ એમ કરતાં ચકલીબેનનાં બચ્ચાં પોપટલાલના બચ્ચાં અને બીજા ઘણાં પંખીઓના બચ્ચાં પણ સાથે થયાં.

બધાં પંખી મમ્મી-પપ્પાને ખબર પડી કે કબૂતરનાં બચ્ચાંએ બધાં બચ્ચાંને ભડકાવ્યાં છે અને પોતાની સાથે લઈ ગયું છે એટલે બધા આવ્યાં કબૂતર પાસે. આવીને ફરિયાદ કરવા લાગ્યાં. કબૂતરે તો કોઈ ભાષણકર્તાની જેમ બોલવાનું શરૂ કર્યું. ‘ગૂટર ગું’ કરીને જય શ્રી કૃષ્ણ કર્યું. બધાએ પણ કર્યું, એમ વધારે ને વધારે ગૂટર ગું, કા કા, ચીંચીં વગેરેની આપ લે થઈ. એક ગૂટર ગું માં તો ઘણું બધું આવી ગયું, ન કોઈ શબ્દોની માથાકૂટ કે ભાષા બચાવવાની પળોજણ. જે કહેવું હોય તે કહો બસ ગૂટર ગું કરો. લાંબી ચર્ચાને અંતે નક્કી એ થયું કે બધું ભૂલી જઈને પહેલાં આપણા બચ્ચાંને શોધીએ અને બધાં નીકળી પડ્યાં. રસ્તામાં જે કોઈ મળે એને એમનાં બચ્ચાં વિશે પૂછે, કોઈ સંતોષકારક જવાબ આપે નહીં. આમ ને આમ એક આખો દિવસ વીતી ગયો. બધા ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયાં. આ બાજુ બચ્ચાં ખૂબ રખડ્યાં પણ વધારે શબ્દો બોલી શકે એવું કંઈ મળ્યું નહીં. બધાં ખૂબ ભૂખ્યાં થયાં હતાં. થાક્યાં પણ હતાં. એમાં રસ્તો ભૂલ્યાં. બધાને અફસોસ પણ થતો હતો કે ઘર છોડીને ન નીકળ્યાં હોત તો સારું હતું. બધાને ઘરની યાદ પણ ખૂબ આવતી હતી. એમાં એક જગ્યાએ ઘણા બધા દાણાં જોયાં. ભૂખ્યાં હતાં, લલચાઈ ગયાં. બધા દાણા ચણવા નીચે ઊતરી આવ્યાં અને મજાથી દાણા ચણવા લાગ્યાં. અચાનક એમને લાગ્યું કે કોઇએ એમને જાળમાં ફસાવી દીધા છે. હકીકતમાં એક શિકારીએ ત્યાં જાળ પાથરેલી એમાં આ બધાં સપડાઈ ગયેલાં. શિકારી તો બચ્ચાંને જોઈને ખુશ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે આજે આ પંખીઓને વેચીશ તો સારા પૈસા મળશે. એમ કરીને એણે તો બધાં બચ્ચાંને એક મોટા પાંજરામાં પૂર્યાં, પાંજરુ લઇને એ તો વેચવા નીકળ્યો. બચ્ચાં ખૂબ ડરી ગયાં હતાં એટલે ચૂપચાપ હવે શું થાય છે એની કલ્પના કરતાં પડ્યાં હતાં.

એક ઠેકાણે મેળો ભરાયો હતો. શિકારી એ બચ્ચાંને લઈને એ મેળામાં આવ્યો. મેળામાં આવીને એક સરસ જગ્યા શોધીને એ ઊભો રહી ગયો. બચ્ચાંને થોડો થોડો અંદાજો તો આવી ગયેલો કે હવે અંત નજીક છે પણ શું કરવું એ ખબર નહોતી પડતી, ત્યારે થયું કે નવા શબ્દોની શોધ કરવા કરતાં આવી પરિસ્થિતિમાં શું કરવું એ જો શીખ્યા હોત તો સારું થાત. બધાં પાંજરામાંથી બહાર નીકળવાની કોશિશ કરતાં હતાં, પણ ફાવે શેનાં ? બચ્ચાંને શોધતાં પંખી બચ્ચાંના મમ્મી-પપ્પા પણ આ મેળામાં આવી પહોંચ્યાં. અચાનક કબૂતરની નજર પાંજરા પર પડી તો એમાં બધાં બચ્ચાંને જોયા. એ તો ખૂબ જ ખુશ થઈ ગયું. બધાં પંખીઓને એણે જાણ કરી ને બધા એ પાંજરા પાસે આવ્યાં. ખૂબ કોશિશ કરવા લાગ્યાં કે કેવી રીતે બચ્ચાંને બહાર કાઢવાં. પાંજરાની આસપાસ ઊડાઊડ કરવા લાગ્યાં. બચ્ચાંને ખબર પડી તો એમના જીવમાં પણ જી આવ્યો. ‘ગૂટર ગું, કા કા. ચીંચીંમાં એમણે ઘણી વાતો કરી લીધી. બચ્ચાંને ધરપત થઈ કે હવે જીવ બચી જશે. શિકારી પણ આ જોઈને નવાઈ પામ્યો કે આ પંખીઓ પાંજરાની આસપાસ શા માટે ઊડાઊડ કરે છે. પણ એણે ખાસ ધ્યાન ન આપ્યું.

એટલામાં મેળામાં ફરવા આવેલાં ચાર પાંચ નાનાં નાનાં છોકરાં ત્યાં આવી ચડ્યાં. તેમણે જોયું કે કેટલાક પંખીઓ એક પાંજરામાં પૂરાયા છે અને કેટલાક એ પાંજરાની બહાર ઊડાઊડ કરે છે એમને એ જોવાની મજા પડી. શિકારીને ખૂબ ભૂખ લાગી હતી એટલે એ કંઈ ખાવાનું લેવા પાંજરુ ત્યાં જ રાખીને મેળામાં જ્યાં ખાણીપીણીના સ્ટોલ હતાં ત્યાં ગયો. શિકારી ગયો એટલે છોકરા બચ્ચા સાથે રમત કરવા લાગ્યાં. પાંજરામાં હાથ નાખીને બચ્ચાને અડવા લાગ્યાં. અચાનક પુન્નુ નામના એક છોકરાની નજર પાંજરાના દરવાજા પર પડી તો દરવાજાને તાળું નહોતું મારેલું. એણે એનાં મિત્રને દેખાડ્યું અને કહ્યું, આપણે દરવાજો ખોલી નાંખવો છે ? તો બીજો કહે, ના ના, પેલો માણસ આવશે તો આપણને મારશે. ચાલો આપણે જઈએ. એમ કહીને એ ચાલવા લાગ્યો. તો બીજા છોકરા પણ એની પાછળ ચાલવા લાગ્યાં, પુન્નુ પણ બધા સાથે ચાલવા લાગ્યો, પણ પુન્નુને શાંતિ ન વળી. અચાનક દોડતો દોડતો તે પાછો આવ્યો અને ઝડપથી પાંજરાનો દરવાજો ખોલી ને ભાગી ગયો. જેવો દરવાજો ખૂલ્યો કે બધા બચ્ચાઓ બહાર આવી ગયાં અને પોતાના મમ્મી-પપ્પાની ચાંચમાં ચાંચ ભરાવીને ખૂબ વહાલ કરવા લાગ્યાં. ખાવાનું લઈને શિકારી આવ્યો અને જોયું તો પાંજરુ ખાલી. ત્યારે એને ખબર પડી કે એ પાંજરાને તાળું મારતાં ભૂલી ગયેલો. એ તો માથે હાથ દઈને બેસી ગયો. એણે ઉપર નજર કરી તો બધા પંખીઓ ઝાડ ઉપર બેઠા બેઠા કિલ્લોલ કરતાં હતાં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “ગૂટર-ગું, કા-કા, ચીં-ચીં – હેમંત કારિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.