નિહારિકાનું વ્રત – કિરણ વી. મહેતા

[‘જલારામદીપ’ સામયિકમાંથી સાભાર.]
પ્રાથમિક શાળાની નોકરીએથી છૂટીને સાંજે છના ટકોરે ઘરમાં પ્રવેશતાં જ અસંખ્ય કામ નિહારિકાને તરત જ ભૂતાવળની જેમ વળગી પડ્યાં ! બંધ ઘરમાં બપોરથી કામો ભૂખ્યાં-તરસ્યાં જાણે એની રાહ જોઈને જ બેઠાં હતાં- એવું નિહારિકાને પ્રતીત થયું, પણ આ કંઈ આજની પ્રતીતિ હતી એવું નથી. આ તો રોજનું થઈ ગયું છે. બીજા ધોરણમાં ભણતા સૌરવનો ઘરે આવવાનો સમય પણ થઈ ગયો હતો. નિહારિકાએ બગલથેલો સોફા પર નાંખ્યો ને સોફા પર જ એ બેસી પડી. બપોરે બંધ કરેલા ઘરને એણે જ આવીને અત્યારે ખોલ્યું હતું. ઘર ખોલ્યાને ચાર-પાંચ મિનિટ થઈ ગઈ હતી, પણ વાસી હવા ઘરમાં આળસુની જેમ હજુ ઘોરાતી જ હતી. શરીર થોડુંક કળતું હતું. એ આંખો બંધ કરીને પળભર બેસી રહી. ‘જિંદગી કા સફર, હૈ યે કૈસા સફર . . . કોઈ સમજા નહીં, કોઈ જાના નહીં . . .’ રીંગટોનના શબ્દો મોબાઈલમાંથી સરી રહ્યા હતા. એણે ફોન ઊઠાવ્યો, સ્ક્રીન પર જોયું તો રાધાનો ફોન હતો. રાધા- કામવાળી બાઈ.

‘એ હેલ્લો, મેડમ.’ રાધાએ ફોન પર કહ્યું, ‘ઘરે આવી ગયાં છો કે રસ્તામાં છો ?’
‘હાલ જ આવી. બોલ, શા માટે ફોન કર્યો હતો ?’ નિહારિકાએ સીધું જ પૂછી નાખ્યું.
‘હું એમ કહેતી હતી કે હું આજ રાતે અને કાલ- એમ બે દિવસ નહીં આવું કામ કરવા.’
‘કેમ ? અત્યારે તો તારા વગર ચાલે એમ જ નથી. આ બે દિવસ તું ગમે તેમ કરીને આવી જા. તારે એવું હોય તો પછી બે દિવસ રજા પાડજે . . . હાલ તો . . .
‘ના મેડમ, આજે અને કાલે તો નહીં જ અવાય. મારા મરદને એના ધંધા પર રજા છે. શ્રાવણ મહિનો છે, તે બંને જણ દેવદર્શન કરવા બહાર જવાનાં છે . . .’ આટલું કહીને રાધાએ ફોન કટ કર્યો. કપાળે હાથ દઈને નિહારિકા સોફામાં જ બેસી રહી. આ લોકોને કોઈ ચિંતા ખરી ? આ ઈચ્છા થઈને ઊપડ્યા ફરવા ! ઝૂંપડી જેવી ખોલીમાં રહે છે એ લોકો ને જાણે એમને કશી ચિંતાનું વળગણ જ નહીં, અને પાકા મકાનમાં રહેવાનું ને મકાનની ઈંટો જેટલી અનેક ચિંતાઓ સતત કર્યા કરવાની !

શિક્ષિકાની નોકરીમાં પણ હવે પહેલાં જેવી મજા નથી રહી. સતત જાતજાતની તાલીમોને ભાતભાતની નવાં કામની જવાબદારીઓ ! એમાં પણ નવા આવેલા પ્રિન્સિપાલનો વાંકદેખો અને અદેખો સ્વભાવ. પ્રિંસિપાલ થઈને એ જાણે શાળાનું ભલું કરવા નહીં, પણ સ્ટાફની કનડગતનો ધ્યેય રાખીને જ આવ્યા છે. બે-પાંચ મિનિટ કોઈકવાર શાળાએ પહોંચવાનું મોડું થઈ જાય તો સહી કરવા મસ્ટર એ પોતાના ખાનામાં મૂકીને બેસી જ ગયા હોય. તમે સહી કરવા મસ્ટર માગો, એટલે એમની ખરબચડી વાણીનો અસ્ખલિત પ્રવાહ તમને દુનિયાના મોટામાં મોટા ગુનેગાર ઠેરવવા જ વહેવા માંડે . . . રોજ દસ-પંદર મિનિટ શાળાએ વહેલા આવતા હોઈઈ પુણ્યો ધોવાઈ જાય, પણ એક દિવસ પાંચ મિનિટ મોડા પડ્યા એનું પાપ તો છાપરા પર, ના, ટેબલ પર ચડીને પોકારે. માણસ આદર્શવાદી-સત્યવાદીનું પૂછડું હોય તો આપણને આખરે એના માટે આદર પણ થાય. પણ, એ ગમે ત્યારે મોડા આવે, ચાલુ શાળાએ ગામમાં પોતાના પર્સનલ કામો પતાવવા જતા રહે, એનું કશું નહીં, પણ જો કોઈ શિક્ષક બે-પાંચ મિનિટ આઘોપાછો થયો, એ ય અનિવાર્ય સંજોગોમાં તો ય એનું તો આવી જ બને ! નાની નાની, નાખી દેવા જેવી વાતોમાં ય સાહેબનો ચંચુપાત ચાલુ જ હોય.

નિહારિકા ઊભી થઈને કીચનમાં ગઈ. સ્ટવ પર ચા બનાવવા તપેલી મૂકી. કામ કામ ને કામ ! અવતાર જ ઈશ્વરે જાણે કામ કરવા માટે આપ્યો છે ! આરામની તો કોઈ ગુંજાઈશ જ નહીં ! એમાંય ભવનું ભાથુ બાંધવાનું જો ચૂક્યા તો આ પળોજણના લખચોર્યાશી ફેરાઓમાંથી મુક્તિ મળી રહી ! જ્યારે તક મળે ત્યારે વ્રત-પુણ્ય કરી લેવાનાં. આવતીકાલે માતાજીનું વ્રત છે. અણે જઈને કબાટ ખોલીને જોયું કે લાલ સાડી તો ધોયેલી પડી છે ને ? હા, એ સાડી તો હતી, એના નીચે ફૂલવાળી સાડી પણ પડી હતી. એના પરનાં ફૂલો સૌરવને ખૂબ ગમે છે. નિહારિકા જ્યારે બહાર ક્યાંક ફરવા જવાનું હોય ત્યારે આ ફૂલવાળી સાડી પહેરતી ત્યારે સૌરવ એના પાલવમાં એવો માસૂમ હેતથી વીંટળાતો ને . . . રાતે નવ વાગ્યે યોગેશ આવ્યો નોકરી પરથી. એ જમતો હતો, ત્યારે એના મુખ પર રોજિંદો ગાઢ થાક હતો.

‘ટિફિન બનાવી આપજે. શિફ્ટ પર લેતો જઈશ.’
‘પણ . . કાલે તો . . .’ નેહા બોલતાં જ વિચારમાં પડી ગઈ.
‘કેમ કાલે શું છે ?’
‘મારે સ્કૂલમાં ઈંસ્પેક્શન છે. ડી.ઓ. સાહેબ આવવાના છે . . . એટલે થોડું વહેલા –દસ વાગ્યે સ્કૂલમાં પહોંચવું પડશે.’
‘સૌરવને તો સાડા અગિયારની સ્કૂલ છે. એ કઈ રીતે સ્કૂલ જશે ?’ યોગેશ બોલ્યો, ‘તું કાલે સી.એલ. મૂકે તો ?’
‘ના, રજા મુકાય તેમ નથી. સ્કૂલમાં ઈંસ્પેક્શન હોવાથી સાહેબે કહ્યું છે કે દરેકે ફરજિયાત કોઈપણ સંજોગોમાં હાજર રહેવાનું જ છે . . .’
‘તો સૌરવને જમાડીને તું માસીના ઘરે મૂકતી જજે. સૌરવ ત્યાંથી બપોરે સ્કૂલે જશે . . . બસ ! હવે તો કોઈ પ્રોબ્લેમ નથી ને ?’ યોગેશ હસ્યો.
‘ના !’ નિહારિકાએ પણ સ્મિત ફરકાવ્યું. પણ અંદરથી કંઈ હરખ જેવું અનુભૂત ન થયું.

સવારે વહેલી ઊઠીને, નાહીધોઈને એણે લાલ સાડી પહેરી ટિફીન બનાવ્યું ને જતાં યોગેશના હાથમાં ટિફીન આપતાં એણે હોઠ મરકાવ્યા. એટલે યોગેશ પણ જતાં જતાં કૉમ્પ્લીમેંટનું પતાકડું નાખતો ગયો . . .
‘લાલ સાડીમાં તું સરસ લાગે છે. એકદમ ગોર્જીયસ!’
સવારના પહોરમાં જ થોડાક સારા શબ્દોની ભેટ મળી જતાં નિહારિકાની મંદ મંદ થઈ ગયેલી નાડીઓમાં ચૈતન્ય ઊભરાઈ રહ્યું. કૉલેજના દિવસોમાં તો કેવાં કેવાં સપનાં પાંપણના દેશમાં રાતવાસો કરતાં હતાં ! આરામવાળી અને નવરાશથી ભરેલી સુંદર જિંદગી હશે . . બાળકોને રમાડવા-ભણાવવા ઉત્સાહી નવરા હાથ હશે. થાકેલા હસબંડને હસાવવા મીઠી મીઠી વાતોનો ખજાનો હશે. દર રવિવારે ક્યાંક બહાર જવાનું હશે. પાંદડાંઓની પાંખો ફેલાવીને આભના હોઠ ચૂમતી નાળિયેરીઓ સુવર્ણકણોની જેમ ઝગારા મારતી દરિયાની રેતી ખુશીનાં ઊઠી આવતાં ફૂલફટાકિયાં મોજાં . . . આમાંનું કશું નથી. એમ વિચારતાં એણે માતાજીની પૂજાની તૈયારી કરવા માંડી. બાજઠ ઉપર લાલ કાપડ પાથરી માતાજીનો ફોટો મૂક્યો. દીવો ગોઠવ્યો. વ્રતની વાર્તા વાંચવાની ચોપડી લીધી. અગરબત્તી કરી. સૌરવ હજુ સૂતો હતો. એણે વાર્તા વાંચી, માતાજીની આરતી કરીને એમાં ખ્યાલ જ ન રહ્યો કે સૌરવ જાગી ગયો છે ને પલંગ પર બેઠો બેઠો એને જોઈ રહ્યો છે.
‘ક્યારે ઊઠ્યો મારો દીકરો ? મને તો ખબર જ ના પડી.’ એ સૌરવ પાસે જતાં બોલી, ‘લે બેટા, આરતી . . .’ સૌરવે આરતી લીધી.

‘ચાલ બેટા, હવે બેસી ન રહેવાય, બ્રશ કર . . . મમ્મીને આજે વહેલા સ્કૂલે જવાનું છે, તારે બકીમાસીના ઘરે જવાનું છે,’
‘ના, હું બકીમાસીના ઘરેથી સ્કૂલે નહીં જાઉં.’ સૌરવની આંખોમાં અણગમો તરી આવ્યો.
‘કેમ બેટા, આમ બોલે છે ? તારો સ્કૂલનો ટાઈમ થતાં બકી માસી તને સ્કૂલ મૂકી જશે.’
‘ના. મને ત્યાં ફાવતું નથી. ગઈ વખતે તું મને ત્યાં મૂકી ગઈ હતી, તો મને સાવ એકલું એકલું લાગતું હતું. મારી સાથે ત્યાં કોઈ રમતું નથી, મને ત્યાં કોઈ બોલાવતું નથી, મને ત્યાં ગમતું નથી.’
‘હવે બેટા, મૂક બધી માથાકૂટ ને બ્રશ કરવા જા. બકીમાસીના ઘરે તારે કલાક-બે કલાક રોકાવાનું છે. એમાં આમ શું કરે છે મારા દીકરા ?’
ગમે તેમ કરીને નિહારિકાએ સૌરવને સમજાવ્યો તો ખરો, પરંતુ સૌરવ કમને બકીમાસીના ઘરે થઈને સ્કૂલ જવાની વાત સ્વીકારતો હોય એમ લાગ્યું. દૂધ ને બ્રેડ ટેબલ પર ગોઠવીને એણે સૌરવને નાસ્તા માટે બેસાડ્યો તો એ દૂધ જોઈને બબડ્યો, ‘મમ્મી, આજે દૂધ નહીં, બ્રેડ સાથે ફ્રુટ જામ જોઈએ છે.’
‘બેટા, ફ્રુટ જામ ખલાસ થઈ ગયો છે.’
‘પણ તેં ગઈકાલે ય મને દૂધ ને બ્રેડ જ આપ્યાં હતાં ને કહ્યું હતું કે હું નવો જામ લઈ આવીશ.’
‘બેટા, ગઈકાલે લાવવાનું ભૂલી ગઈ . . . સૉરી ! બસ, આજે યાદ રાખીને ચોક્કસ લઈ આવીશ.’
‘ના, હું નાસ્તો નહીં કરું . . .’
‘ના, બેટા, બ્રેકફાસ્ટની ના ન પાડીએ દીકરા. સાંજે છે ને આપણે માતાજીના મંદિરે જઈશું દર્શન કરવા. હું, તું અને તારા પપ્પા. મજા પડશે તને. આજે મારે વ્રત છે. બેટા, સમજ, જલદી જલદી નાસ્તો કરી લે . . .’
‘હંઅ. . . એટલે તેં આજે ડ્રેસને બદલે સાડી પહેરી છે, નહીં ?’ સૌરવ બોલ્યો.
‘હા, બેટા, આજે વ્રત છે એટલે ડ્રેસ ન પહેરાય, સાડી જ પહેરાય.’ સૌરવની વાત સાચી હતી. એ સ્કૂલે ભાગ્યે જ સાડી પહેરીને જતી. પરંતુ, વ્રતના દિવસે એ ખાસ સાડી પહેરતી’
‘મમ્મી, તારે સાડી જ પહેરવી હતી તો પેલી ફૂલવાળી સાડી પહેર.’ સૌરવ બોલ્યો, ‘આ લાલ સાડી મને જરા પણ ગમતી નથી.’
‘જો બેટા, ફૂલવાળી સાડીમાં પીળો રંગ છે. આજે પીળા રંગની સાડી તો ન પહેરાય. વ્રત પ્રમાણે આજે લાલ રંગની જ સાડી પહેરાય, મારા દીકરા. તું સમજ.’
‘તો પછી આપણે સાંજે મંદિરે જઈએ ત્યારે તારે ફૂલોવાળી સાડી પહેરવી પડશે. તો હું નાસ્તો કરું, નહીંતર નહીં. સૌરવે જિદ કરી.
‘એકવાર તો કહ્યું ને કે આજે તો લાલ સાડી જ પહેરવાની છે. કાલે ફૂલવાળી સાડી પહેરીશ, બસ, તું નાસ્તો શરૂ કર, મારા દીકરા. મારે મોડું થાય છે.’
‘ના, હું નાસ્તો નહીં કરું.’ એમ કહીને સૌરવે બ્રેડની પ્લેટને ધક્કો માર્યો. દૂધ ભરેલો કપ ડાઈનીંગ ટેબલ પરથી ગબડીને નીચે પડ્યો. કપ ફૂટ્યો ને ફર્શ પર દૂધ જ દૂધ થઈ ગયું.
‘આ શું કર્યું તે ?’ નિહારિકા ગુસ્સાથી ખૂબ મોટેથી બોલી. ‘તું ફૂલવાળી સાડી પહેરીશ તો જ હું બકીમાસીના ઘરે જઈશ નહીંતર સ્કૂલ જ નહીં જાઉં.’ સૌરવ પણ ગુસ્સો કરવા લાગ્યો.
‘ના પહેરાય મારાથી પીળા રંગની ફૂલવાળી સાડી. મારું વ્રત તૂટે. . .એક તો મોડું થાય છે ને તું મારું કીધું માનતો નથી સૌરવિયા? ચાલ, ફરીથી નાસ્તો લાવું, ચૂપચાપ નાસ્તો કરી લે નહીંતર. .’
‘નહીં કરું નાસ્તો.’ સૌરવ માન્યો જ નહીં.

સ. .ટ્ટા. .ક. . કરતો તમાચો માર્યાનો ધ્વનિ ફેલાઈ ગયો રૂમમાં. સૌરવ ગાલ પંપાળતા મોટા અવાજે રડવા માંડ્યો.
‘તારે મારું કહ્યું કરવું છે કે નહીં ?’ નિહારિકાએ એની વાતનું પુનરાવર્તન કર્યું. સૌરવ ઊભો થઈને પલંગમાં જઈને સૂતો. એ બોલતો હતો, ‘બકીમાસીના ઘરે જઈશ, પણ નાસ્તો નહીં જ કરું. . મને કેમ માર્યો તેં ? જા. . તારી સાથે નહીં બોલું. .કીટ્ટા. . .’
નિહારિકાએ બાકીનું કામ આટોપવા માંડ્યું. છોકરો વહાલો તો ઘણો હતો ને જિદે ચડ્યો હતો. એકબાજુ કામવાળી રજા પર હતી, નોકરીએ જવાનું મોડું થાય એમ હતું ને બીજી બાજુ સૌરવની જિદ. નિહારિકાએ કામ કરતાં કરતાં જોયું, સૌરવ આંખો બંધ કરીને કપાળે હાથ મૂકીને પલંગ પર પડ્યો હતો. એ હજુ રડતો હતો. બોર બોર જેવડાં આંસુડાં એના ગાલ પરથી દડી જઈને પલંગની સૂકી ચાદરમાં સમાઈ જતાં હતાં. બધું કામ પતાવીને એણે સૌરવની સ્કૂલબેગ તૈયાર કરી દીધી. પછી એણે સૂતેલા સૌરવને જગાડવા એના પર હાથ મૂક્યો.
‘ઊઠ બેટા. . .’ સૌરવ ઊંઘી ગયો હતો.
એ ફરીથી બોલી, ‘ઊઠ બેટા, બકીમાસીના ઘરે તને મૂકીને હું સ્કૂલે જાઉં. ત્યાં જ બકીમાસી તને જમાડશે. ઊઠ, મારા દીકુડા. . .’

સૌરવે આંખો ખોલી. એ આંખો લાલ થયેલી હતી. નિહારિકા ઝંખવાઈ, પણ સૌરવના ચહેરા પર ખુશીના ફૂલો ખીલી ઊઠ્યાં.
‘મમ્મી, તેં પીળી ફૂલવાળી સાડી પહેરી. . .!
‘હા, બેટા, તને ગમે છે ને એટલે. . . ચાલ જલદી હવે. . .’ થોડીવાર અગાઉનો તોફાની સૌરવ પલંગ પરથી કૂદતોક ને ઊભો થઈ ગયો ને ડાહ્યોડમરો બની ગયો.
મા-દીકરો એકબીજાનો હાથ પકડીને ઘર બહાર નીકળ્યાં ત્યારે ગુલમહોરના ઝાડ પર લાલચટ્ટાક ફૂલો લૂમેઝૂમે લટકેલા હતાં. નિહારિકા મનમાં પ્રાર્થતી હતી કે હે માતાજી, મેં પીળી સાડી પહેરીને વ્રત તોડ્યું છે, મને ક્ષમા કરજે.’ ને ટપ દઈને ગુલમહોરનું લાલ ફૂલ ઝાડ પરથી નિહારિકાના માથા પર પડ્યું. જાણે માતાજીએ આશીષ પાઠવ્યા ! એણે નીચા નમીને ફૂલ ઉપાડી લીધું ને દીકરાના હાથમાં મૂકતાં એ બોલી, ‘બેટા, તું ખુશ છે, તો માતાજી પણ ખુશ છે ! તું જ મારા વહાલનું વ્રત છે બેટા !’ મા-દીકરાના ચહેરાઓ પર ગુલમહોરનાં ફૂલો જાણે લહેરાતાં હતાં !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

14 thoughts on “નિહારિકાનું વ્રત – કિરણ વી. મહેતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.