બહાદુર બાપુની બહાદુરી – મણિભાઈ પટેલ ‘જગતમિત્ર’

[‘બાલરંજન’ સામાયિકમાંથી સાભાર.]

વાત છે જૂના જમાનાની. તે વખતે ગામનો વહીવટ ‘મુખી’ કરતા. મુખીનો મોટો છોકરો ‘બહાદુર’ શરીરે ભારે હતો. વળી થોડો તોફાની ને વાયડો પણ હતો. તે પોતાને ‘બહાદુર બાપુ’ તરીકે ઓળખાવતો. આ બહાદુર બાપુ વટ પાડવામાં નંબર વન હતા. કહેવાતા હતા બહાદુર, પણ હતા એવા બહાદુર કે સસલાથી પણ બીતા. હવે એક વખતની વાત. બહાદુર બાપુની સાસરીમાં લગ્નપ્રસંગ આવ્યો. બાપુને ભાવભીનું આમંત્રણ મળ્યું. બાપુએ વિચાર કર્યો – ‘સાસરીમાં આ વખતે જબરો વટ પાડું. સસરાજી પણ અંજાઈ જાય એવા શણગાર સજું.’ પછી તો એમણે શણગાર સજવા માંડ્યા. એક પહેરે ને બીજું કાઢે. વારે વારે પાછા દર્પણમાં જુએ. દર્પણ આગળ તો એમણે અડધો દહાડો કાઢી નાંખ્યો ! છેક સાંજના પાંચ વાગ્યે બાપુ તૈયાર થયા. એ તો જેમ બને તેમ ઝડપથી જઈ પહોંચ્યા સાસરીના ગામે. પણ મૂઈ રાત વહેલી પડી કે શું ? ઝટપટ અંધારું થઈ ગયું ! બાપુના મનમાં થયું – આ મારું જરીવાળું ધોતિયું, રેશમી સાફો, જરીભરતવાળો ઝભ્ભો, પગે ચમચમતી ચળકતી મોજડી – આ બધું રાતે કોણ ભાળશે ? લાવ, ક્યાંક આજની રાત પડી રહું. હવે તો સવારે સસરાના ઘરે જઈશ.

પછી બહાદુર બાપુ એક મંદિરમાં ગયા. જૂના જમાનામાં અજાણ્યો માણસ રાત રહેવા મંદિરમાં જતો. ત્યાં પૂજારી એને જમાડતો. રાત રોકાવું હોય તો સગવડ અપાતી. બાપુ ચારે બાજુએ નજર દોડાવી. ખૂણામાં એક ગાંડા જેવો માણસ બેઠો હતો. બાપુએ એને જઈને રુઆબ છાંટ્યો – ‘અલ્યા એ, તું પૂજારી છે ?’
પેલો બોલ્યો : ‘પૂજારી નથી. અહીં ગામના બધા માણસો વારાફરતી પૂજાકામ કરે છે. આજે મારો વારો છે. . . પણ તમે કોણ ?’
‘હું ? હું. . .બાપુ !’
‘કોના ?’ પેલાએ પૂછ્યું.
‘કોના તે તારાં !’ પણ પછી બાપુ થોડા ઢીલા થઈ ગયા ને બોલ્યા : ‘ભાઈ, આજની રાત અહીં પડ્યા રહેવા મળશે ?’
‘મળશે. બે મહિનાની રજા પર ગયેલા પૂજારીનાં ગોદડાં છે. પન ખાવાનું નહીં મળે.’
બાપુને ઘણા દિવસે દુ:ખ થયું – ‘લગનમાં આવ્યા, તેય પાછા સાસરીમાં ને ભૂખ્યા રહેવાનું ? આ તો ના પાલવે !’
પણ વટ પાડવો હોય તો તકલીફ વેઠવી પડે. શું થાય ? બાપુ તો મંદિરમાં રોકાઈ ગયા. પેલો માણસ બાપુ પર વહેમાઈ ગયો હતો. એનો વહેમ દૂર કરવા બાપુએ પોતાની ઓળખાણ આપી. મંદિરમાં કેમ રોકાવું પડ્યું તેનું કારણ પણ તેને કહ્યું.

પેલાએ કહ્યું : ‘તમે રહ્યા બાપુ, પણ ભૂખ કંઈ થોડી તમારી શરમ રાખશે ? ભૂખે રાત કેમ કાઢશો ? હું તો સીંગચણા ને ગોળ ખાઈને આવ્યો છું. વળી એના પહેલાં જમ્યો પણ હતો. આ તમારી લગ્નની વાત જાણીને મોઢામાં પાણી આવ્યું છે. તમારું ને મારું – બંનેનું કામ થાય એવી વાત કરું. હું ક્યાંકથી મેલાં-ફાટેલાં કપડાં લઈ આવું. એ પહેરીને તમે તમારી સાસરીમાં જાઓ. ત્યાં ભિખારીઓની લાઇનમાં બેસી જજો. જે કંઈ મળે તે લેતા આવો. આપણે બંને સાથે ખાઈશું.’ બાપુને આ યુક્તિ ગમી ગઈ. પેલો માણસ મેલાં-ફાટેલાં કપડાં લઈ આવ્યો. બાપુએ એ વધારે ફાડ્યાં. પછી એ પહેરી લીધાં. પોતાના કીમતી કપડાંને એમણે ખૂણામાં મૂક્યાં. ખૂણામાં પડેલો ગોબાવાળો વાડકો બાપુની હડફેટે ચડ્યો. ઝટ દઈને બાપુએ એને ઉપાડી લીધો. પછી એ તો અંધારામાં ચાલ્યા સસરાના ઘરે.
સસરાના ઘરે મોઢું સંતાડીને ઝડપથી આવી ગયા. પછી ભિખારીઓની લાઇનમાં બેસી ગયા. મહેમાનો તથા મિત્રો જમીને પરવારી ગયા હતા. એંઠું-વધેલું ભોજન હવે ભિખારીઓને પીરસાતું હતું. બાપુના વાડકામાં પણ થોડી મીઠાઈ પડી. બાપુને ઘણું પાણી છૂટી ગયું હતું, પણ ખવાય કેમ ? ભીખ માગનારા હઠ કરીને વધુ માગવા લાગ્યા. પીરસનારો કંજૂસ હતો. એક ભિખારી પીરસનારાને જરા વધારે પડતું બોલી ગયો. પીરસનારો ગુસ્સે થયો. લાકડી લઈ તે બરાડ્યો : ‘જે મળ્યું છે, તે લઈને ભાગો, નહીંતર એક એક દેવા મંડું છું.’ આમાંથી થઈ ભાગદોડ. બાપુને આવી ભાગદોડનો મહાવરો ક્યાંથી હોય ? છતાં બાપુ પણ નાઠા. નાઠા તો ખરા, પણ કોઈની હડફેટમાં આવી ગયા. પછી બાપુ તો પડ્યા એંઠવાડના ગંદા પાણીના ખાડામાં ! ને પછી તો થઈ ગઈ બૂમાબૂમ :
‘અરેરે ! કોઈ ખાડામાં ડૂબી ગયું ! કોઈ ખાડામાં પડ્યું ! અલ્યા, કોઈ કાઢો એને.’ માણસો બધા ભેગા થઈ ગયા.
કોઈ બોલ્યું : ‘કાઢો એને જલદી બહાર. મરી જશે તો લગનમાં વિઘન આવશે.’
કોઈ ઝગારા મારતી બત્તી લઈ આવ્યું. એક મજબૂત માણસ ખાડામાં ઊતર્યો. એણે બાપુને બહાર ખેંચી કાઢ્યા. પણ બાપુ ઓળખાતા ન હતા. એમના મોઢે-માથે એંઠવાડના થર જામ્યા હતા.
કોઈકે સલાહ આપી – ‘બે ડોલ પાણી જોરથી છાંટો. ઓળખાય તો ખરું કે કોઈ મહેમાન છે કે ભિખારી ?’
પછી બાપુ પર પાણીનો મારો ચાલ્યો. બાપુ તો છીંકો પર છીંકો ખાવા લાગ્યા. છેવટે બાપુનો ચહેરો સાફ થયો.
‘અલ્યા ! આ તો બહાદુર બાપુ !! જમાઈરાજ !’

ઘડીભર સન્નાટો છવાઈ ગયો. બાપુ અને એય પાછા ભિખારીના વેશે ?! બધાને આવું કેમ બન્યું એ પ્રશ્ન મૂંઝવતો હતો.
એક અનુભવી અને ઠરેલ માણસે કહ્યું – ‘અરે, મને તો નક્કી આમાં કંઈક ભેદ લાગે છે !’
બીજું કોઈક બોલ્યું : ‘હા ! બાપુ એક તો મોડા આવ્યા. આવ્યા એવા પડ્યા ખાડામાં. એય પાછા ભિખારીના વેશે ! નક્કી મને તો આમાં ભેદ લાગે છે. બાપુ પોતે જ એ ભેદ વિશે કહે.’
બધાએ બાપુને એ ભેદ જણાવવા દબાણ કર્યું. હવે બાપુ બોલે નહીં તો ક્યાં જાય ? છેવટે બાપુએ માંડીને બધી વાત કહી. બધા ખડખડાટ હસતા હતા.
છેવટે ગંભીર થઈને કોઈ બોલ્યું : ;અરે, ઝટ કોઈ મંદિરે જાઓ. જઈને બાપુનાં કપડાં લઈ આવો.’
એક જણ દોડતો મંદિરે ગયો. ગયો એવો ખોટા રૂપિયાની જેમ એ પાછો આવ્યો. મંદિરે તો નહોતો પેલો ગાંડા જેવો માણસ કે નહોતાં બાપુનાં કપડાં ! નક્કી કોઈ બનાવી ગયું ! પૂજાના વારાવાળો માણસ તો અહીં હતો. પૂજા કરીને તે લગનમાં આવ્યો હતો. ગાંડા જેવા માણસ ચોર હશે. ગામનો પણ હોઈ શકે. વળી પાછા બધા હસવા લાગ્યા.
‘ચૂપ !’ બાપુના સસરા તાડૂક્યા. બધા ચૂપ થઈ ગયા. સસરાએ પોતાના દીકરાનાં કપડાં બાપુને પહેરવા આપ્યાં. આવી હતી બહાદુર બાપુની બહાદુરી !!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “બહાદુર બાપુની બહાદુરી – મણિભાઈ પટેલ ‘જગતમિત્ર’”

Copy Protected by Chetan's WP-Copyprotect.