કેવળ પ્રેમ પૂરતો નથી – બંસીધર શુક્લ

[‘જનકલ્યાણ’ માસિકમાંથી સાભાર.]

સહદેવ જોશી હીંચકે બેઠા હતા. સામે આસન ઉપર સોનલ બેઠી હતી. સોનલ તેની દીકરી વિશે ચિંતિત હતી. દીકરી રૂપલ. સુંદર, ભણવામાં તેજસ્વી, કલાપ્રેમી, હસમુખી. . . કશી ઊણપ નહિ. સૌની માનીતી. થોડા દિવસ પહેલાં તેણે વધારે પડતી ઊંઘની ટીકડીઓ લીધી. તેણે આપઘાતનો પ્રયાસ કર્યો. સોનલ કહેતી હતી, ‘સહદેવજી, હું હજુ માની શકતી નથી. રૂપલ ? મારી લાડકી રૂપલ ? રૂપલ આવું કરે ? ના, ના. . .? પણ, વાત કઠોર સત્ય હતી. રૂપલે આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. અમે બંને – એના પિતા અને હું – એને બહુ ચાહીએ છીએ. તેને કશી વાતે ઓછું આવવા દેતા નથી. તે સગાંસંબંધી, મિત્રો, આડોશપાડોશ બધે સૌની માનીતી છે. છતાં. . .?’ સોનલને ડૂમો ભરાયો. સહદેવની પત્ની સાવિત્રી તેના માટે પાણી લાવી.

‘પાણી પીઓ, સોનલબહેન, અને મને વિગતે વાત કરો,’ સહદેવે સહાનુભૂતિ દર્શાવતા કહ્યું. ‘કારણ સમજવું અનિવાર્ય છે. કદાચ. . .’
‘મને એ જ ભય સતાવે છે, જોશીજી.’ સોનલે પુત્રી રૂપલ ફરી આવું ઉગ્ર પગલું ભરે એ વિશે સંકેત કર્યો.
પાણી પીને ગળું ખોંખારીને તેણે આરંભ કર્યો : ‘એ ગોઝારા દિવસે હું મહિલામંડળના વાનગી પ્રદર્શનમાં ગઈ હતી.
ત્યાં કાર્યાલયની એક બહેને મારી પાસે આવીને ધીમેથી કહ્યું, તમારો ફોન છે.
હું તરત કાર્યાલયે ગઈ. રૂપલનો ફોન હતો. ઘેરથી. મને લાગ્યું કે સાંજની રસોઈ વિશે પૂછવા માગતી હશે.
ફોન ઉપાડી મેં હલો કહ્યું.
કાને ધીમો ગૂંગળાતો સ્વર અથડાયો. મમી, ઝટ ઘેર આવો.’
મને કંઈ અજુગતું બન્યાની શંકા આવી. મેં સામે ઘાંટો પાડીને પૂછ્યું- ‘કેમ, શી વાત છે ?’
‘ઉત્તરમાં ફરી એ જ મંદ શબ્દો – ‘ઘેર આવો, મા. જલદી. . . આવો.’
મને તેનો સ્વર બદલાયેલો લાગ્યો. મેં ફરી પૂછ્યું- ‘રૂપલ, હું આવું છું. પણ, શું થયું એ તો કહે ? કંઈ નવાજૂની. . .?
સામેથી છેલ્લા શબ્દો ફોનમાંથી બહાર આવ્યા – મેં ઊંઘની ટીકડીઓ લીધી છે. . . ઊંઘની. . .’

ફોનનું રિસિવર પડવાનો ધ્વનિ આવ્યો. રૂપલનો સ્વર સંભળાતો બંધ થઈ ગયો. ‘ક્ષણભર હું મૂઢ થઈ ગઈ. મને જાણે લકવા મારી ગયો. પણ, પછી હું ગાડીમાં તાબડતોબ ઘેર પહોંચી. માર્ગમાં એમ્બ્યુલંસ ગાડી માટે ફોન કરી લીધો. એમ્બ્યુલંસની પાછળ હું રુગ્ણાલયે પહોંચી. રૂપલને આપાતકાલીન કક્ષમાં લઈ જવાઈ. મને બહાર રખાઈ. સ્મરણ થતાં મેં પતિ પ્રદ્યોતને ફોન કરી તત્કાલ રુગ્ણાલયે આવવા જણાવ્યું. હું હીબકે ચડી ગઈ. પરિચારિકા મને પ્રતીક્ષા કક્ષમાં દોરી ગઈ. પળો વહેતાં વાસ્તવિકતાના દર્શને મને આંચકો આપ્યો. ‘રૂપલે ઊંઘની ટીકડીઓ લીધી હતી. જાણી જોઈને લીધી હતી. કેમ ? ઉત્તરમાં દૃષ્ટિ સમક્ષ એક ભયાનક શબ્દ તરવા લાગ્યો. મેં તેને ધક્કો મારીને હડસેલી મૂક્યો. તે ફરી મારી સામે પ્રગટ થયો. હું તેને ભૂસી શકી નહિ. આત્મહત્યા ! રૂપલે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. ના, ના. રૂપલ મારી દેકરી ? ના, બને જ નહિ. ‘રૂપલ વિશ્વમાં સૌથી વધારે પ્રેમ પામતી બાળકી હતી. તે સૌની લાડકી હતી. સંપૂર્ણ હતી. સ્વયંસિદ્ધા હતી. અમારે માટે તે આનંદનો સ્રોત હતી. તે અમારું ગૌરવ હતી. તેની શિક્ષિકાઓ તેની પ્રશંસા કરતાં થાકતી નહોતી.

‘બીજા બાળકો પક્વ વય ભણી ગતિ કરતાં હતાં. રૂપલ સદા બાળકી હતી. તે તેની વયની બીજી છોકરીઓની જેમ ટીવી શ્રેણીઓની ચર્ચા કરતી નહોતી. તે છોકરાઓને ફ્રેંડ બનાવતી નહોતી. અમે કદી તેના પર દબાણ કર્યું નહોતું. તે સ્વયં અભ્યાસમાં નિમગ્ન રહેતી. તે સદા ઊંચા ગુણ લાવતી. સિતાર વગાડતી. કવિતા લખતી. નિયમિત રીતે ગૃહકાર્ય કરતી. અમે તેને પ્રાણથી અધિક ચાહતાં હતાં. આવી રૂપલે આવું પગલું ? . . . પણ, શા માટે ? અમારી પાસે તેનો ઉત્તર નથી.’ સોનલ અટકી. થોડી વારે તેણે ઉમેર્યું, ‘રુગ્ણાલયમાં વચ્ચે વચ્ચે તે ભાનમાં આવતી, ત્યારે ગાંડાની જેમ લવારો કરતી. અમારાં, શિક્ષકોનાં, સગાંવહાલાંનાં, પાડોશીઓનાં. . . એમ જાતજાતનાં નામો બબડતી. રોષ ઠાલવતી. જેમ ફાવે તેમ બોલતી. અમે એને મોંએ પહેલા કદી આવી હલકી અને ઉગ્ર ભાષા સાંભળી નથી.’
સહદેવે સોનલની વાત શાંતિ અને સહાનુભૂતિથી સાંભળી. અને પૂછ્યું, વારુ, સોનલબહેન, હું રૂપલને મળી શકું ? એકાંતમાં ?’

સમાલાપ ગોઠવાયો. નિયત સમયે સહદેવ સોનલને ઘેર પહોંચ્યા. રૂપલને તેના ઓરડામાં બંધ બારણે મળ્યા. કલાક-સવા કલાકે તે બહાર આવ્યા. ચિંતાતુર માતાપિતા તેમની સામે દોડી આવ્યાં. બેઠક ખંડમાં બધાં બેઠાં. પાણી આવ્યું તે પીને સહદેવે વાતનો આરંભ કર્યો.
‘સોનલબહેન, રૂપલ બાળકી હતી. તે હવે સ્ત્રી છે. અને અત્યંત વ્યથિત વ્યક્તિ છે. તેને પોતાને વિશે સારો અભિપ્રાય નથી. જીવન નિષ્ફળ વહી રહ્યું છે, એવું લાગવાથી એવા નકામા જીવનનો અંત લાવવાના હેતુથી તેણે ટીકડીઓ લીધી. . .’
‘ના, ના, જોશીજી, એવું નથી,’ સોનલ બોલી ઊઠી. તે તો અદ્ભુત છોકરી છે. સૌ તેના માટે ગર્વ અનુભવે છે. એને એની જાણ હોય જ. . .’
સહદેવે ધીમા સ્વરે વાત આગળ ચલાવી, ‘તમે બધાં તેના વિશે આવું ધારો છો, એ તે જાણે છે. તમારા તેના વિશેના ઊંચા અભિપ્રાયને અનુરૂપ થવું તેને આવશ્યક લાગ્યું. તમારી મહત્વાકાંક્ષાઓને પાત્ર નીવડવા તેણે સ્વ ઉપર અત્યાચારો કરવા માંડ્યા. . .’ ’અરે !’ માતાને આંચકો લાગ્યો. ‘તેણે અમને કહ્યું કેમ નહિ ? અમે તો સદા મુક્ત મને વાતો કરતા રહ્યા છીએ.’
‘તે જાણે છે કે તમે એને બહુ ચાહો છો. તમારી ઇચ્છાઓને છેહ દઈને એ તમને નિરાશ કરવા માગતી નહોતી. તમે ધારો છો, એવી જ હું છું. અથવા, તેવી થઈને રહીશ, એવું દબાણ એના ઉપર ઉત્પન્ન થયું. તેણે માન્યું કે તે બધાની દૃષ્ટિમાં તેમના માપે સારી રહે – સારે ટકી રહે તો જ બધાં તેને ચાહશે. માતાપિતા પણ. તે પોતાને સ્વતંત્ર વ્યક્તિરૂપે જોતી નથી. તે બીજા બધાની માગ પ્રમાણે જીવે છે. આવું જીવન ના હોય તો પણ શું ? એટલે આપઘાત ઉચિત છે, એવું તારણ કાઢ્યું. તાત્કાલિક ઉપચારથી તેનો પ્રાણ તો રક્ષી શકાયો છે, પણ. . .’ સહદેવ અટક્યા.
‘પણ, હજુ ભય ટળ્યો નથી, એમ જ ને ?’ સોનલે અને પ્રદ્યોતે એક સાથે પૂછ્યું.
‘એમ જ,’ સહદેવે સ્પષ્ટતા કરી. તે ઊભા થયા. સોનલ અને તેનો પતિ બેઠાં હતાં, તે સોફાના હાથટેકણ ઉપર બેઠા. જરા નમ્યા, અને બોલ્યા, ‘રૂપલ તમને બહુ ચાહે છે, તમે જાણો છો.’
‘હા. અને અમે પણ એને પુષ્કળ ચાહીએ છીએ.’
‘હું જાણું છું. . .’
‘તો પછી. . . તો પછી આવું થયું જ કેમ ?’
‘કેવળ પ્રેમ પૂરતો નથી. તમે બીજા કોઈનું પ્રતિબિંબ કે પડછાયો બનીને જીવી શકો નહિ. અન્યના પ્રેમની પૂતળી નિર્જીવ પદાર્થ બની જાય છે. તમે તમે છો, અને તમે તમે બનવા ઇચ્છો છો. જો તમે તમારું સ્વતંત્ર વ્યક્તિત્વ અનુભવી શકો નહિ, તો પરિણામ. . .’ સહદેવે આગળ કંઈ કહ્યું નહિ. પળવાર અટકીને બોલ્યા, ‘રૂપલને સોનલ બની રહેવું નથી. એને રૂપલ બનવું છે. અને એ રૂપલ બની શકશે. . .’

સહદેવ સોનલ દંપતીને રૂપલના કક્ષમાં લઈ ગયા. રૂપલ સૂતી હતી. બહારથી બધાં જાણે છે તેવી. . . શાંત, સસ્મિત, લાડકી. . . અંદરથી કોઈએ કદી તેને ઓળખી નહોતી, તે ઉગ્ર વિરોધ કરતી. સ્વને કચડી નાખતી, સૌના પ્રેમના બંધનમાંથી છૂટવા તરફડતી, મૂંગા પશુની જેમ યાતનામાંથી છૂટવા મથતી. . . સૌની વહાલી રૂપલ ! સહદેવની સૂચનાથી રૂપલનો ઉપચાર મનોરોગ ચિકિત્સક પાસે આરંભાયો. પાંચેક મહિના પછી ફરી એક વાર રૂપલ એવી જ હસતી, રમતી, સૌની લાડકી, સૌને જીતી લેતી ઘેર પાછી ફરી. પણ, હવે તે સોનલનું પ્રતિબિંબ નહોતી. હવે તે પોતે હતી. રૂપલ હતી. તે સ્વની શોધ સમાપ્ત થઈ હતી. રૂપલને તેની ખોવાયેલી રૂપલ – સાચી રૂપલ જડી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “કેવળ પ્રેમ પૂરતો નથી – બંસીધર શુક્લ”

Copy Protected by Chetan's WP-Copyprotect.