કાલ – રવીન્દ્ર પારેખ

[‘નવનીત સમર્પણ’ માસિકમાંથી સાભાર.]

આજે વૃંદા કુલકર્ણીએ જવાબ આપવાનો હતો. વૃંદાએ જોયું કે વિનાયક સિને વિઝન પ્રાઈવેટ લિમિટેડના પ્રોડ્યુસર કારમાંથી નીચે ઊતરી રહ્યા હતા. ડો. નારાયણ આપ્ટેએ બેંઝમાંથી નીચે ઉતરતાં ઉપર નજર કરી. વૃંદાને જોઈને સ્મિત કર્યું. બેંઝને બારણે ઊભેલી જોતાં સૌમિત્ર કુલકર્ણી બહાર આવ્યા. કારથી પોતાની તરફ આવી રહેલા ડો. આપ્ટેને ‘નમસ્કાર’ કહી આવકાર્યા. આપ્ટેએ હાથ મેળવ્યા. સૌમિત્ર, આપ્ટેને ડ્રોઈંગરૂમમાં દોરી લાવ્યા. વૃંદા નીચે આવી. હાથ જોડીને આપ્ટેને આવકાર્યા.

પાણીબાણી પીને આપ્ટેએ સીધું જ પૂછ્યું, ‘સો ! મિસિસ કુલકર્ણી ! શું વિચાર્યું પછી ?’
વૃંદાએ અછડતી નજરે સૌમિત્ર તરફ જોયું. એ આંખોમાં દબાવ હતો. વગર બોલ્યે કહી દીધું, ‘હા, પાડી દે, વૃંદા !’
વૃંદા એ નજર જીરવી ન શકી. તેણે આપ્ટે સામે જોયું. એમ જ સ્મિત ફરક્યું. આપ્ટે સુધી એ માંડ પહોંચ્યું.
આપ્ટેએ ફરી પૂછ્યું, ‘વેલ, મિસિસ કુલકર્ણી ! તમે ફિલ્મોમાં કામ કર્યું નથી તેથી મૂંઝાતા હશો, પણ એ બધું તમે મારા પર છોડી દો ! આઈ’લ મેનેજ એવરિથિંગ. મને એક્ટ્રેસ મળતી નથી એવું નથી. આ તો તમે જે જીવ્યાં છો તે જ કરવાનું છે. તમારે માટે આ મુશ્કેલ ન બનવું જોઈએ.’

વૃંદાને શું કહેવું તે સમજાયું નહીં. ડો. નારાયણ આપ્ટે નાનું નામ નો’તું. પ્રોડ્યુસર ડાયરેક્ટર તરીકે તેમનું આંતરરાષ્ટ્રીય સ્તરે નામ ગાજતું હતું. પહેલીવાર વૃંદાને ફંક્શનમાં જ મળી ગયા હતા. રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ વિતરણ થયું. તે પછી ડો. આપ્ટે વૃંદાને હોલમાં મળવા ઊભા રહ્યા હતા. વૃંદા અભિવાદન અને અભિનંદન સ્વીકારતી કોરિડોર તરફ આવી રહી હતી, ત્યાં આપ્ટે ‘નમસ્કાર’ કરતા બહાર આવ્યા. બોલ્યા, ‘વેલ, મિસિસ કુલકર્ણી, મારાં હૃદયપૂર્વકનાં અભિનંદન સ્વીકારશો ! તમારાં નામ અને કામથી હું પરિચિત છું. બહુ જ સંઘર્ષ વચ્ચે તમે-‘ આપ્ટે અટક્યા હતા, ‘વેલ, મારે તમને મળવું છે. તમારો કોંટેક્ટ નંબર આપશો તો હું ફોન કરીને આવી જઈશ. વૃંદાએ પોતાનું કાર્ડ આપ્યું હતું. બીજે જ દિવસે આપ્ટે સીધા કુલકર્ણી સદન પર પહોંચ્યા હતા. આપ્ટેની ઇચ્છા હતી કે વૃંદા તેમની ફિલ્મમાં કામ કરે. 76 વર્ષની વયે વૃંદા ફિલ્મો કરે તેવું તો કુલકર્ણી ખાનદાનમાં કોઈને સપનુંય પડ્યું ન હતું. વૃંદાને બહુ જ વિચિત્ર લાગતું હતું. આ ઉંમરે ફિલ્મી ફિલ્મ જોવા પણ વૃંદા ભાગ્યે જ તૈયાર થતી ત્યાં ફિલ્મમાં અભિનય ? અજુગતું લાગતું હતું. તે દિવસે તો તેણે વિચારવાનો સમય માગ્યો ને અઠવાડિયા પછી આપ્ટેને ફરી બોલાવ્યા હતા. વૃંદાને એવું પણ હતું કે આપ્ટે ફરી આવવાનું પસંદ નહીં કરે. પણ આપ્ટે સામે હતા
પૂછી રહ્યા હતા, ‘વૃંદા ! તમને ખરેખર પ્રોબ્લેમ શું છે ?’
‘એજ કે 76 વર્ષે અભિનય-‘
‘લૂક મિસિસ કુલકર્ણી !’ તમે આત્મકથા ક્યારે લખી.’
‘2010માં’
‘2010માં આત્મકથા લખી શકાય તો 2013માં અભિનય પણ થઈ શકે. વેલ, તમારે જુદું કંઈ કરવાનું નથી. તમારા લાઈફ પરથી ફિલ્મ બને છે તે તમારે એવું કંઈ કરવાનું નથી જે તમે અનુભવ્યું નથી.’
‘તમે સાચું જ કહો છો, આપ્ટે સાહેબ ! પણ આ ઉંમરે હવે-‘
‘ઓ.કે.’ તમારે સમય જોઈતો હોય તો ભલે ! ફોન કરજો. હું ફરી આવીશ.’ આપ્ટે ગયા.
વૃંદા ઠણઠણી ગઈ. મૂંઝારો થઈ આવ્યો. સૌમિત્ર તેની ગડમથલ જોઈ જ રહ્યા હતા. તેમને વૃંદા પર ગુસ્સો પણ આવતો હતો. ‘આટલી મોટી તક આવી હતી તે સારા એવા પૈસા મળવાના હતા ને વૃંદા. . .’
એકદમ કિચનમાંથી રિયા બહાર ફુટી, ‘મોમ ! ડોંટ બી સ્ટુપિડ ! તારી લાઈફ પરથી ફિલ્મ બને છે ને તારે જ તેમાં કામ કરવાનું છે, તેમાં ક્યાં જગન ભડાકા કરવાના છે કે આમ-‘ ?
‘જગન ભડાકા’ વૃંદાનો શબ્દ હતો. રિયાને મોઢે તે સાંભળીને તેને હસવું આવી ગયું. મોઢે નવવારીનો છેડો દાબતાં તે બોલી, ‘માઝી મુલગી મલા વિકુણ ટાકેલ !’
સાત કરોડ ઈઝ નોટ એ સ્મોલ એમાઉંટ, મોમ !’
‘એ જ તો હું પણ કહું છું,’ સૌમિત્રએ ટાપસી પૂરી, પણ મેડમ હજુ વિચારે જ છે. વિચારવાનું સાત કરોડ લઈને હોય, તે પહેલાં નહીં !

વૃંદા શું કરે ? તે ગૂંચવાતી જ રહી. રાષ્ટ્રપતિએ એવોર્ડ આપ્યો તે જાણે ભૂલ થઈ હોય તેમ તે કબાટમાં એવોર્ડને જરા ઘૃણાથી જોઈ રહી. દુ:ખ જ બધું લખવાનું છે. આત્મકથા લખી ન હોત તો એવોર્ડ મળ્યો ન હોત ને નારાયણ આપ્ટે મળ્યા ન હોત ને ફિલ્મ. . . તેણે જોયું તો આખું ઘર તેને ફોલી રહ્યું હતું. બધાંની લાચારી તે જીરવી ન શકી. આપ્ટેની વાત ખોટી ન હતી. જે જીવી તે ફરી જીવવાનું એટલે શું ? એ શક્ય હતું ? સાત વર્ષની હતી ને તેના સગા મામાએ તેને વાડાના અંધારામાં. . . એ ફરી જીવવાનું હતું. જોકે એ તેણે જીવવાનું ન હતું. તેને બદલે કોઈ સાત વર્ષની છોકરી એ ભૂમિકા કરશેને. . . હા, તે, તેણે કરવાનું નહોતું. પણ કોઈ સાત વર્ષની છોકરીએ, વૃંદાનું સાતમું વર્ષ જીવવાનું હતું. શા માટે તેણે એનું સાતમું વર્ષ જીવવું જોઈએ ? સાત વર્ષની હતી ત્યારે છોકરીને પણ શું ગતાગમ હશે. તેને રૂપિયાની લાલચે સભાન જ કરવાની હતીને ! થોડીક નોટોમાં તેની નિર્દોષતા જ દાનથી લેવાની હતીને ! ચૌદ વર્ષની ઉંમરે તો તે વિધવા થઈ હતી. જેને પરણવું જ ખબર નો’તી તેને જીવન જીવવા પહેલાં તો વૈધવ્ય આવી પડ્યું હતું. જે ધની હતો તે તો માટી થઈ ગયો હતો. વૃંદાને થયું કે એ ફરી જીવવાનું, ફિલ્મમાં ? જે જીવવા જેવું જ ન હતું તે ફરી જીવવાનું ? પણ આ બધું રિયાને કે સૌમિત્રને કેવી રીતે સમજાવવું ? તેમને તો સાત કરોડ દેખાતા હતા, પોતાની સાત વર્ષની ઉંમરને બદલે. ને આજે કંઈ ખોટ નો’તી. પૈસાની એવી જરૂર પણ નો’તી ને પ્રતિષ્ઠા પણ કંઈ બહુ મળી જાય તેવું પણ નો’તું. તો શું કામ તેણે ફિલ્મ કરવી જોઈએ ?

વૃંદાએ તેની આત્મકથાનું પુસ્તક હાથમાં લીધું. પવનમાં થોડાં પાનાં ફરફર્યાં. અધૂરું ભણતર નામનું પ્રકરણ ફડફડ્યું. તેણે 21 વર્ષે વળી ભણવાનું શરૂ કર્યું હતું. સ્ત્રીઓના પ્રશ્નો સંદર્ભ તેણે લખવાનું શરૂ કર્યું. તેના વિચારો મૌલિક હતા. એક કોંફરંસમાં સૌમિત્રનો પરિચય થયો. ડો. સૌમિત્ર કુલકર્ણી. તેમની સંસ્થા એક મુખપત્ર પણ કાઢતી હતી. સૌમિત્રને વૃંદામાં રસ પડ્યો. તેમણે તેને વિદેશ મોકલી અને ભારતીય સ્ત્રી તથા વિદેશી સ્ત્રીની સમસ્યાઓનો અભ્યાસ કરાવ્યો. વૃંદાએ તેના પર થિસિસ કર્યો. પેપર્સ વાંચ્યાં. પોતાના અનુભવો ટાંક્યા. સૌમિત્ર ખૂબ રાજી થયા તેના વિચારોથી. થિસિસ તેમણે છાપ્યો ને એક દિવસ તેમણે વૃંદાને કહ્યું. ‘વૃંદા મને પરણીશ ?’ ને બધું જ્ઞાન હવા થઈ ગયું. વિધવાનાં લગ્ન ? તેણે સૌમિત્રને મળવાનું બંધ કરી દીધું. સૌમિત્રએ ખૂબ સમજાવી, પણ તે એકની બે ન થઈ.
સૌમિત્રએ ગુસ્સે થઈને કહ્યું, ‘વૃંદા, જગતનાં આપણે પહેલાં સ્ત્રીપુરુષ નથી જે પરણવા જઈ રહ્યાં છીએ.’
‘તમે નથી જાણતા, મિત્ર ! હું કેવી રીતે વિટંબણાઓ વચ્ચે જીવી છું.’
‘તું નહીં પરણે તો એ વિટંબણાઓ દૂર થઈ જશે ?’
‘ના.’
‘આપણે સાથે બેસીને તારી વિટંબણાઓ જીવીએ તો તારો ભાર થોડો હળવો થશે.’
‘કોઈ શું કહેશે ?’
‘કોઈ પણ આપણને અભિનંદન જ આપશે.’
-ને એમ જ થયું.

વૃંદા-સૌમિત્ર પરણ્યાં. વૃંદાએ ધાર્યું નો’તું તેટલો આવકાર તેને મળ્યો. સૌમિત્ર સાચા અર્થમાં મિત્ર બની રહ્યા. વૃંદા સમાજસેવિકા તરીકે કાઠું કાઢવા લાગી. કોંફરંસમાં જવા લાગી. વિદેશ ગઈ. પ્રવચનો કર્યાં. પેપર્સ રજૂ કર્યાં. સૌમિત્રએ કદી તેની આગલી જિંદગી વિશે જાણવાની કોશિશ કરી ન હતી. તેમને અંદાજ હતો કે એમાં પીડા સિવાય ખાસ કંઈ ન હતું. વૃંદાએ જે અછડતી વાત કરેલી તેમાં સાડી, ચિતાની આગની ગરમીમાં સૂકવવાની સ્થિતિ આવી હતી, ચકલા પર મુકાયેલ પ્રેતભોજનથી પેટ ભરવાનું આવ્યું હતું. સાવકીમાએ કાઢી મૂકી હતી. ઘરમાંથી ને જીવનમાંથી પણ ! પણ જીવન કાઢી નખાય તેવું ન હતું. તે તો સાથે જ હતું. અટકી જવાય તેવું નો’તું. જીવને તો જવાનું જ હતું. એ જીવન જતાં જતાં આત્મકથા સુધી આવ્યું હતું. ત્યાંથી રાષ્ટ્રપતિ એવોર્ડ સુધી ને ત્યાંથી ફિલ્મ સુધી-‘ સૌમિત્ર જાણતા હતા કે વૃંદાને પ્રતિષ્ઠા મળી ચૂકી હતી. તે ફિલ્મ કરે તેથી કોઈ ખાસ ફેર પડવાનો નો’તો. પણ તેમને પોતાને એક જુદા માધ્યમમાં થતો પ્રવેશ ગમતો હતો. વૃંદાથી વિરુદ્ધ જવાનો ને પોતાની વાત મનાવવાનો તો કોઈ સવાલ જ ન હતો.
એક સાંજે વૃંદા સત્કાર સમારંભમાંથી પાછી ફરી ત્યારે સૌમિત્રએ કહ્યું, ‘આપ્ટેનો ફોન હતો.’
‘કંઈ કહ્યું ?’
‘તેં અભિનયનો નિર્ણય લીધો કે નહીં તે અંગે પૂછતા હતા ને ફોન કરવા કહ્યું છે.’
‘સારું.’
ડો. સૌમિત્રએ આપ્ટેનો નંબર જોડી આપતાં કહ્યું, ‘લે વાત કર !
વૃંદાએ જરા અણગમાથી ઊભા થઈને રિસીવર ઊંચું કર્યું, ‘હું વૃંદા બોલું છું.’
‘પછી શું વિચાર્યું, મિસિસ કુલકર્ણી ?’
‘સોરી, આપ્ટે સાહેબ ! હું અભિનય નહીં કરી શકું.’
‘પણ-‘
‘માફ કરજો, પણ હું જે જીવી છું, તેનો અભિનય કઈ રીતે કરું ? સોરી !’ વૃંદાએ રિસીવર મૂકી દીધું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “કાલ – રવીન્દ્ર પારેખ”

Copy Protected by Chetan's WP-Copyprotect.