સંસ્કૃતસત્ર 13 : ગીતા સુગીતા કર્તવ્યા – આલેખન : કલ્પેશ સોની

[ તંત્રી : અગાઉ સંસ્કૃતસત્રના તમામ વક્તવ્યોનું આલેખન કરવાનો ઉપક્રમ રાખવામાં આવ્યો હતો પરંતુ ચાલુ વર્ષે થોડી ધીમી ગતિએ રીડગુજરાતી ચાલી રહ્યું હોવાથી, વધુ શ્રમ ન થાય અને થોડો આરામ મળી રહે તે હેતુથી અત્રે સારરૂપ વક્તવ્ય આપવાની કોશિશ કરી છે જેથી સારા-શુભ વાંચનનો પ્રચાર-પ્રસાર થઈ શકે. આશા છે કે આપ તેનો એટલો જ આનંદ માણી શકશો. વિડિયો પરથી આ વક્તવ્યોનું આલેખન કરવા માટે કલ્પેશભાઈનો હું ખૂબ આભારી છું.]

[1] ગીતામાં કર્મયોગ – શ્રી નગીનદાસ સંઘવી

કર્મ એટલે કામ, કર્તવ્ય, વિધિ-વિધાન, કર્મકાંડ, ફરજ. ગીતાએ બે નવા શબ્દો આપ્યા છે: અકર્મ અને વિકર્મ – જે તમને બીજે ક્યાંય જોવા નહિ મળે. ગીતાકારે અક્રિય તેમજ નૈષ્કર્મ્ય શબ્દો વાપર્યા છે. આ શબ્દો હિન્દુ વિચારમાં બહુ બેસે એવા નથી. બૌદ્ધો તેમજ જૈન વિચારમાં આ શબ્દો વધારે લાગુ પડે છે. ગીતાની દલીલ એવી છે કે કર્મ કર્યા સિવાય એક ક્ષણ પણ જીવી શકાતું નથી. શ્વાસ લઈએ, હાલીએ-ચાલીએ, વિચાર કરીએ, પ્રેમ કરીએ આ બધા કર્મ છે. ગીતાએ કહ્યું છે કે આ બધા જ કર્મો પ્રકૃતિના લીધે આપણે અવશ રીતે કરીએ છીએ. આજનું દાક્તરીશાસ્ત્ર વોલ્યંટરી તેમજ ઈંવોલ્યંટરી ફંક્શન એવા કર્મના બે પ્રકાર બતાવે છે. મારા શરીરમાં લોહી ફરે છે, ઈંસ્યુલિન તૈયાર થાય છે, શ્વાસમાંથી પ્રાણવાયુ છૂટો પડે છે. આ બધું મારી ઈચ્છાથી નથી થતું, અવશપણે થાય છે. એને ઈંવોલ્યંટરી ફંક્શન કહેવાય. ગીતાએ અવશની વાત કરી છે પણ આ કર્મોની વાત નથી કરી કારણ કે ગીતાકારને આ જ્ઞાનનો લાભ નથી મળ્યો.

ગીતાકાર કહે છે કે જે કામ કરીએ એમાં દોષ હોય જ, ખામી હોય જ. તમે ગમે એટલી મહેનત કરો, ગમે એટલા શુદ્ધ રહો તેમ છતાં કોઈ પણ કર્મ દોષ વગરનું હોઈ શકે જ નહિ. બુદ્ધે પોતાનું ઘર છોડી દીધું. સમાજને એનો લાભ થયો. યશોધરાનું શું ? કોઈકને ગેરલાભ થાય, નુક્શાન પણ થાય, સમાજને પણ નુક્શાન થાય, સમાજ આપણો વિરોધ પણ કરે. રામને વનવાસ મળ્યો એ બહુ અશુભ કહેવાય પણ રાવણની હત્યા થઈ એ સારું પણ થયું. દરેક કર્મમાં દોષ હોય જ છે: સર્વારંભા હિ દોષેણ ધૂમેનાગ્નિરિવાવૃતા. આ સાદી સમસ્યા છે. બીજી એક વધારે અઘરી સમસ્યા છે જેનો પૂરેપૂરો ઉકેલ ગીતામાં કૃષ્ણે પણ આપ્યો નથી, આપી શક્યા નથી. એ સમસ્યા છે: તમે જે કંઈ કામ કરો છો એ તમને વળગી પડે છે. કર્મ તમને બાંધી રાખે છે, જકડી રાખે છે, કર્મનો બોજ થઈ જાય છે, ત્રાસરૂપ થઈ જાય છે. જે માણસનો માનસિક વિકાસ થાય, તે સંવેદનશીલ બને, તેનો આધ્યાત્મિક વિકાસ થાય એને રોજિન્દા કામ પણ ત્રાસરૂપ થઈ પડે છે. એને થાય છે કે આ બધું છોડીને ભાગી જાઉં. એકાંતે સુખમાસ્યતામ . . . આનો શો ઉપાય ?

કર્મનું બંધન છૂટતું નથી. કર્મનું જે બંધન છે એ શારિરીક નથી પરંતુ માનસિક છે. અને શારિરીક ત્યાગ કરો એનાથી માનસિક સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવી શકે ? ઊલટું કૃષ્ણે તો એવું કહ્યું કે માણસ બધા કામો છોડીને બેસે પણ એના મનમાં તો બધી ગડમથલ ચાલતી જ હોય. કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન . . . મનમાંથી કંઈ એ બધું જતું નથી. એ તો મિથ્યાચાર છે, ઢોંગ છે. કૃષ્ણ કહે છે, કર્મ તમને વળગતું નથી. તમે કર્મને વળગીને બેઠા છો. તમારે તમારી જાતે જ એ વસ્તુને છોડી દેવાની છે. અપેક્ષા નહિ અને માત્ર ફરજના ભાગરૂપે જ જે કોઈ કામ કરે એ કર્મયોગીના ગુણો કૃષ્ણે વર્ણવ્યા છે. એક છરી હોય એનાથી શાકભાજી સમારું, કે એનાથી હું સર્જરી કરીને કોઈને જીવનદાન આપું, છરીને શું ? છરી કંઈ નથી. એને પાપ નથી, એને પુણ્ય નથી, એને બંધન નથી, એની જવાબદારી નથી. ગન નેવર કિલ્સ એનીબડી. બંદૂક કોઈને મારતી નથી, હું બંદૂકથી મારું છું. એટલા માટે કૃષ્ણ કહે છે: નિમિત્તમાત્રમ ભવ સવ્યસાચિન . . . આ બધાને મેં મારી નાંખ્યા છે. તારે કંઈ કરવાનું નથી. મેં બધું પતાવી દીધું છે. તું માત્ર નિમિત્ત છે.

ફળની આશા ન હોય તો કર્મ શું કામ કરું ? બેસી ના રહું, આનંદથી ! ગીતાકારને આ નિવૃત્તિ મંજૂર નથી. એણે કહ્યું, સમાજના મોટા ભાગના લોકો આ રસ્તે નથી ચાલી શકવાના. બધા લોકો કર્મયોગી નહિ થઈ શકે. બધા લોકો કર્મફળની આશા નથી છોડી શકવાના. માટે તેં કર્મના ફળની આશા છોડી દીધા પછી તારા માટે કશું કરવાનું નથી તેમ છતાં જો તું કામ કરવાનું છોડી દે તો તારું જોઈને બીજા ચાલે. આ દુનિયા શ્રેષ્ઠ માણસોનું અનુકરણ કરે છે. માટે તારી ફરજ બની જાય છે કે તારે એ લોકોમાં બુદ્ધિભેદ નહિ કરવો. બધા જ કામો કરવા, હોંશભેર કરવા, આસક્તિપૂર્વક કરવા. લોકો જેમ કરે એમ તારે કરવા. માત્ર તારું મન એ બધાથી જુદું – નિર્લેપ રાખવું. માટે કર્મયોગી સામાન્ય માણસ કરતાં અલગ હોવા છતાં સામાન્ય દેખાતો હોય છે.

બધી ચર્ચા, અનુભૂતિની વાતો કર્યા પછી કૃષ્ણે અર્જુનને પોતાનો છેલ્લો ફેંસલો સંભળાવ્યો – ‘તું કહે છે કે હું લડવાનો નથી. પણ તું લડવાનો જ છે. તારો સ્વભાવ લડવાનો છે. આખી જિન્દગી તું લડ્યા કર્યો છું. અહિંયા નહિ લડે તો બીજે જઈને લડીશ. આ કારણસર નહિ તો બીજા કારણસર લડીશ. એવું કરવા કરતાં અહિં જ લડ ને ! તું તારા સ્વભાવથી બંધાયેલો છું. પ્રકૃતિ જ તને પરાણે ખેંચીને લઈ જશે. પ્રકૃતિમ યાંતિ ભૂતાનિ નિગ્રહમ કિમ કરિષ્યતિ’ કૃષ્ણ કહે છે: નિરાશીર્નિર્મમો ભૂત્વા . . . તું લડ. તારે જે કંઈ કરવું હોય એ કર. તું બિલકુલ બંધાયેલો નથી. તું છૂટો ને છૂટો રહેશે.

મને અધ્યાત્મમાં બહુ ખબર નથી પણ હું જે રીતે સમજ્યો છું એ રીતે મેં આપની પાસે મૂક્યું છે. એ સાંખી લેવા બદલ હું આપનો આભારી છું.
.

[2] શ્રીમદભગવદગીતામાં તત્વજ્ઞાન અને કવિતા – શ્રી ગૌતમભાઈ પટેલ

જ્યાં સુધી બ્રહ્મસંસ્પર્શ ન થાય ત્યાં સુધી ઉત્તમ કવિતાનું સર્જન થઈ શકતું નથી. ગીતા સંસ્પર્શ પામેલાની નહિ, બ્રહ્મની પોતાની કવિતા છે. કૃષ્ણ પોતે જ બ્રહ્મ છે. કવિતાની કોઈ પણ વ્યાખ્યા લાવો અને ગીતામાં આરામથી એના લક્ષણો પ્રાપ્ત થશે. એક વ્યાખ્યા આ પ્રમાણે છે: ઉત્તમ રીતે સરસ શબ્દોમાં વ્યક્ત થતો શ્રેષ્ઠ વિચાર એનુ નામ કવિતા. ગીતાના પહેલા શ્લોકની અંદર ભૂતકાળનો પ્રયોગ છે: કિમ અકુર્વત સંજય. શા માટે ? વ્યાસની એક મોટામા મોટી વિશેષતા છે કે ગીતા આપણને ફ્લેશબેકમાં મળી છે. અન્ય એક વ્યાખ્યા છે: શબ્દાર્થૌ સહિતૌ કાવ્યમ – શબ્દ અને અર્થ એની સંહતિ એ જ કાવ્ય. અમારો એક બહુ મોટો ગુજરાતી કવિ કહે છે: વિદ્વાનને માટે પણ શબ્દ અને અર્થ બંને જોઈએ. નિયમ એવો છે કે શબ્દ દ્વારા અર્થની અભિવ્યક્તિ અને એ પણ એવી અભિવ્યક્તિ જેટલી મિતાક્ષરી એટલી ઉત્તમ કવિતા. ગીતામાં મિતાક્ષરી ઉદાહરણોનું લિસ્ટ:
સમત્વમ યોગ ઉચ્યતે, યોગ: કર્મશુ કૌશલમ, અશાંતસ્ય કુત: સુખમ, ન સુખમ સંશયાત્મન:, ઉદ્ધરેદાત્મનાત્માનમ, નિમિત્તમાત્રં ભવ સવ્યસાચિન, કરિષ્યે વચનમ તવ.

કવિતામાં ધ્વનિ એનો આત્મા મનાયો છે. અને ગીતાની અંદર આવા ધ્વન્યાત્મક વિધાનો એક થિસિસ થાય એટલા બધા છે: તાંતિતિક્ષસ્વ ભારત, ‘ભા’ એટલે પ્રકાશ, એમાં રત – જેને પ્રેમ છે – વી આર ધ લવર્સ ઓફ લાઈટ. તિતિક્ષા એટલે સહનમ સર્વ દુ:ખાનામ અપ્રતીકાર પૂર્વકમ્
ચિંતા સંતાપ રહિતમ સા તિતિક્ષા નિગધ્યતે. આવા અનેક અરે. . .
કથમ ભીષ્મહમ સંખ્યે દ્રોણં ચ મધુસૂદન,
ઈસુભિ પ્રતિ યોત્સ્યામિ પૂજાર્હાવરિસૂદન.
ગીતા સાયકોલોજીકલ કવિતા છે. ગીતામાં અચ્યુત શબ્દ છે, જે વિશિષ્ટ ધ્વનિ આપી જાય છે. યુદ્ધમાં ફાયરિંગ શરૂ થઈ ગયું છે. એ વખતે કોણ મેદાનની વચ્ચે જઈને ઊભો રહે ? જે અચ્યુત હોય તે. નષ્ટોમોહ સ્મૃતિર્લબ્ધા ત્વત પ્રસાદાન્મયાચ્યુત – ગીતામાં પહેલેથી છેલ્લે સુધી તમે સ્થિર રહ્યા માટે મારો મોહ નાશ પામ્યો. ગીતામાં ઓછામા ઓછા 1000 ઉદાહરણો ધ્વનિના આપણને મળી શકે.

ગીતામાં શબ્દોની પસંદગી:
દેહિનોસ્મિન યથા દેહે કૌમારં યૌવનમ જરા.
તથા દેહાંતર પ્રાપ્તિર ધીરસ્તત્ર ન મુહ્યતિ.
ખખડી થઈ ગયેલો ઘરડો દેહ ભગવાન લઈ લે અને નવો નિર્મળ, નિરોગી દેહ ભગવાન આપે – ભગવાન કહે, ‘અલા આ હું આપું છું’ – આ તારી પ્રાપ્તિ છે. ‘મૃત્યુ’ શબ્દને બદલે ગીતાકારે ‘દેહાંતર પ્રાપ્તિ’ શબ્દ વાપર્યો છે.

વાક્યમ રસાત્મકમ કાવ્યમ – જેમાં રસ હોય એને કાવ્ય કહીએ છીએ. મેં રસની નવી વ્યાખ્યા કરી છે. રસ: કસ્માત ? સરતે ઇતિ રસ: – વર્ણ વિપર્યાત – નિરુક્ત મુજબ. સિંહ કસ્માત ? હિંસતે ઇતિ સિંહમ પ્રમાણે. ગીતામા રસ: વીરરસ – તસ્માત્વમ ઉત્તિષ્ઠ યશો લભસ્વ, જિત્વા શત્રુન ભુંક્ષ્વ રાજ્યમ સમૃદ્ધમ, હતો વા પ્રાપ્સ્યસિ સ્વર્ગમ. . ., બિભત્સ રસ – વક્ત્રાણિ તે ત્વરમાણા વિશંતિ, દંષ્ટ્રાકરાલાનિ ભયાનકાનિ – આ તમારું ભયંકર રૂપ – દાંતની અંદર કેટલાકનાં શ્રેષ્ઠ અંગ – માથાઓના ચૂરા થઈ ગયા છે. લેલિહ્યસે ગ્રસમાન: સમંતાત, લોકાન સમગ્રાન . . . વગેરે.
અદ્ભૂત રસ – દિવિ સૂર્ય સહસ્રસ્ય ભવેદ્યુગ પદુત્થિતા,
યદિ ભા સદૃશિ સા સ્યાત ભાસસ્તસ્ય મહાત્મન:

– આકાશમાં એક સાથે હજાર સૂર્યોનો ઉદય થયો હોય અને એનું જે તેજ હોય એવું તમારું વિશ્વરૂપનું તેજ છે. રેઈઝ ઓફ ધ થાઉઝંડ સન પુસ્તક કોપર હોગને લખ્યું. એણે એના પુસ્તકના પહેલા પાને ગીતાનો આ શ્લોક ક્વોટ કર્યો છે. વાત્સલ્ય પણ રસ છે, ભક્તિ પણ રસ છે –

કાર્પણ્યદોષો પહત સ્વભાવ, પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢ ચેતા.
યચ્છ્રેયમ સ્યાન્નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાધિ માં ત્વામ પ્રપન્નમ.
ભક્તિની આ પરાકાષ્ઠા છે. ગીતામાં ઘણી જગ્યાએ આ છે. ભક્તિનો કોંસેપ્ટ – કલ્પના છે. એમ કહેવાય છે કે ઈમર્સનને ગીતાનો 11મો અધ્યાય સૌથી વધારે ગમતો હતો. પોએટ ઇઝ નોન બાય ધ લેંથ & વેડ્થ ઓફ હિઝ વિઝન. કવિ એના દર્શનની વ્યાપકતા અને વિશાળતાથી ઓળખી શકાય. અને ભગવદગીતા અને એનો 11મો અધ્યાય જેને આપણે કોસ્મિક કોંસિયસનેસ ઓફ અ રાઈટર – વિશ્વ સભાનતા – આખું વિશ્વ એની નજરમાં પ્રગટી ગયું છે.

કવિ કોણ કહેવાય ? જેની કને દર્શન હોય અને સાથે-સાથે વર્ણન હોય. ગીતામાં: આત્માની અમરતાનું વર્ણન, વેદ વાદરતની પુષ્પિતા, સ્થિતપ્રજ્ઞ, ગીતાની યજ્ઞભાવના, અવતાર, જ્ઞાન, તૃપ્તિ, યોગ, યોગની પ્રક્રિયા, વિશ્વરૂપનું વર્ણન, ભક્તના લક્ષણો, કોઈ પણ વર્ણન તમે વાંચો, દૈવી અને આસુરી સંપત્તિનું વર્ણન. ઉપરાંત ગીતામાં ઉપમા, માલોપમા, રૂપક, અતિશયોક્તિ, સાર વગેરે અલંકારો છે પણ ઉત્પ્રેક્ષા અલંકાર નથી. ઉત્પ્રેક્ષાને અંગ્રેજીમાં પોસિબિલિટિ કહીએ છીએ. ગીતા કોઈ શક્યતાને સ્પર્શતી નથી. જે કહે છે તે વ્યવસ્થિત જ કહે છે. છંદની બાબતમાં જોઈએ તો પણ ગીતા સહેજે પાછી પડતી નથી. 645 અનુષ્ટુપ છે. આ બધું વિદ્વાને ગણીને આપ્યું છે, જો કે ગીતા છંદની વ્યાખ્યાઓમાં બંધાતી પણ નથી. પૂર્ણ પુરુષોત્તમની આ ગીતા છે, એમાં જોડાશો તો આનંદ, ન જોડાઓ તો આપની મરજી.
.

[3] ગીતામાં જીવનવ્યવહાર – શ્રી વસંતભાઈ પરીખ

આદર્શની રીતે, જ્ઞાનની રીતે ઘણી ઊંચાઈ ગીતામાં હોવા છતાં આપણા રોજબરોજના જીવનમાં એનું અવતરણ થાય છે ખરું ? આવડુ મોટું 700-800 પાનાનું ગીતારહસ્ય અથવા કર્મયોગશાસ્ત્ર લખનાર લોક માન્ય ટિળકે અંદર લખ્યું છે કે મૂળભૂત રીતે ગીતા સામાન્ય લોકોના વહેવારને ઉપયોગી થાય એટલા માટે લખાઈ છે. વિનોબા ભાવેએ એમ કહ્યું કે ગીતા છે ને તે મારા વહેવારને શુદ્ધ કરવા લખાઈ છે. અને ‘એસેઝ ઓન ગીતા’ આવો અદ્ભૂત ગ્રંથ જેમણે આપ્યો શ્રી અરવિન્દ – એમ કહેવાય છે કે અરવિન્દે એ લખ્યો નથી, કોઈક શક્તિએ એની આગળ લખાવ્યો છે. એમાં એમણે એક જગ્યાએ લખ્યું છે કે અલબત્ત ગીતા વહેવારનો ગ્રંથ નથી પણ તમારા વહેવારને આધ્યાત્મિક કક્ષા સુધી લઈ જતો ગ્રંથ છે. ગીતાની અનન્યતા હોય તો આ છે એ આપણી પાસે એવો માર્ગ રજૂ કરે છે કે જે આપણને રોજબરોજના જીવનમાં આરામથી રહી શકાય, સંવાદથી રહી શકાય અને પાછા ઉપર – ઉપર – ઉપર આપણને ખબર ન પડે એમ જાતા જઈએ અને છેવટે પરમ સુખને પરમ આનન્દને પ્રાપ્ત કરી શકીએ.

આરંભથી લઈએ તો આરંભ જ દ્વિધામાંથી થયો છે. સ્વજન સામે યુદ્ધ કરવું પડે છે એની અર્જુનને પીડા હતી. ન કરું તો ન ચાલે ? ન ચેતવિદ્મ કતરન્નો ગરિય: – સ્વજનોને મારીને કથમ સુખીન સ્યામ – અમે સુખી કઈ રીતે થઈ શકીએ ? ભુંજીય ભોગાન રુધિર પ્રદિગ્ધાન – આ બધા લોહીથી ખરડયેલા ભોગો ભોગવવા – માટે – ન યોત્સ્ય – એની દ્વિધા નથી. એણે કહી દીધું છે. ‘નહિ લડું’ એમ કહીને – રથોપસ્થ – બેસી ગયો. કૃષ્ણે કોઈ પ્રતિભાવ ન આપ્યો એટલે અર્જુનને દ્વિધા થઈ. આ દ્વિધા અર્જુનને જ થાય એવું થોડું છે ? આપણને સૌને જીવનના કોઈ ને કોઈ તબક્કે થાતી જ હોય છે. આ પ્રકારની દ્વિધા થાય ને નિર્ણય ન આવે ત્યારે શું થાય ? માણસ ગાંડો થઈ જાય, ચિત્તભ્રમ થઈ જાય. એવું હેલ્મેટને થયું. આ દ્વિધામાંથી બહાર નિકળવાનો ગીતામાન્ય ઉપાય શું ? એનો ઉપાય ગીતાએ બતાવ્યો છે અને ઉચ્ચ કોટિનો બતાવ્યો છે.
કાર્પણ્યદોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢ ચેતા યચ્છ્રેયમ સ્યાન્નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાધિ માં ત્વાં પ્રપન્નમ.

કોઈ દ્વિધા આવે ત્યારે આવા કોઈ ઉચ્ચ કોટિના સંત, સાધુ પુરુષ, વિદ્વાન, શાણા પુરુષ, સમજદારની પાસે જાવું. એ ન મળે તો કોઈ ઉત્તમ ગ્રંથનું શરણું લેવું. અને એવુંય કાંઈ ન બને તો અંતરમાં બેઠેલા પરમાત્માનું શરણું લેવું. અને એ કેવી રીતે કરવું ?
તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિન:

આપણને કાંટાની જેમ જે ખૂંચી રહી છે એવી એક વાત છે. ગમે તેવી ઊંચી કક્ષાએ બેઠેલો માણસ હોય, અત્યંત સમૃદ્ધ હોય કે ગરીબ હોય, વિદ્વાન હોય કે અવિદ્વાન હોય દરેકને પીડતી એક બાબત છે અને એ છે ક્રોધ. માણસ માફક આવે ત્યાં ખીજાય જ. ઘરમાં આપણું હાલે એટલે ત્યાં ક્રોધ કરીએ. અનુકૂળ વાતાવરણ મળે જોરથી બમબમ કરતા હોઈએ છીએ. દરેકને ખબર છે કે ક્રોધ ન કરવો જોઈએ, ખરાબ કહેવાય. અનુકૂળ ક્ષણોમાં બધું બોલતા જ હોય છે. ગીતા પાસે એનો ઉપાય છે. મૂળને પકડો અને પહેલેથી જ મૂળને સિદ્ધ કરી લો તો પછી એના ફળફુલ કાંટા-બાંટા વાગશે નહિ. ગીતાના બીજા અધ્યાયમાં લખ્યું છે: કામાત ક્રોધોપિ જાયતે – આ કામ છે એ ક્રોધનું મૂળ છે. કામની પૂર્તિ ન થાય તો ક્રોધ આવે છે. કામનું મૂળ શું ? કામ એષ ક્રોધ એષ રજોગુણ સમુદ્ભવ: રજોગુણ કામનું મૂળ છે. હવે શું કરવું ? રજોગુણને કેમ કાબુમાં લેવું ? ઇન્દ્રિયાણિ મનોબુદ્ધિરસ્ય અધિષ્ઠાનમ ઉચ્યતે – ત્રીજા અધ્યાયમાં છે: ઇન્દ્રિય, મન અને બુદ્ધિ છે ને એમાં ક્રોધ રહેલો છે.

ઇન્દ્રિયથી શરૂ થાય કારણ કે આપણને જો’તું હોય ને ન મળે એટલે મન કે’ લે લે લે. પણ હામાવાળો ના પાડે એટલે ઇન્દ્રિય કે’ કે નહિ મેળ પડે. આમાં એટલે મન પછી ખીજાય. આંખને પણ ગમતું હોય અને મનને પણ લાલચ થાતી હોય ને વાતાવરણ અનુકૂળ ન હોય તો આઘું વયું જાવું પડે. બુદ્ધિ છે એ નિશ્ચય કરે કે ભાઈ ગમે એમ કરીને લેવું જોઈએ પણ એ નહિ મેળ પડે. આમાં હું ભંગાઈ જાય એવું છે. એમાંથી ક્રોધ ઉત્પન્ન થાય. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ અધિષ્ઠાન તો છે આના પણ એ અધિષ્ઠાનનો નાશ કેમ કરવો ? તો કે – યો બુદ્ધે પરતસ્તુ સ: – કે જે બુદ્ધિનીયે ઉપર છે ને એની આગળ વયા જાવ એટલે બેડો પાર થઈ જાય. પછી એ (પરમતત્વ – પરમાત્મા) કહેશે, બુદ્ધિને કે ‘એએએએએય, આ મારો દિકરો છે. એને હેરાન કર મા. પછી બુદ્ધિની સાથે-સાથે મન અને ઇન્દ્રિય પણ માની જશે. આમ ક્રોધની સમસ્યાનું સમાધાન થઈ જાય છે. ગીતાનો આ સંદેશ છે. આપ સૌને પરમાત્મા એને ચરિતાર્થ કરવાની ક્ષમતા આપે એવી પ્રાર્થના સાથે . . .
.

[4] શ્રીમદભગવદગીતામાં અધ્યાત્મવિદ્યા – પૂજ્ય શ્રી ભાણદેવજી

જીવન સત્યની શોધ છે, સુખની શોધ નથી પણ કંઈક અગમ્ય કારણસર જીવન સુખની શોધ બની ગયું છે. જાણે કે અજાણે આપણે સતત દુ:ખમુક્તિ અને સુખપ્રાપ્તિ માટે પ્રયત્નશીલ હોઈએ છીએ. આખરે તો સુખ પ્રાપ્તિ દ્વારા પણ આપણે સત્ય જ શોધીએ છીએ પણ ગલત રીતે, ગલત સ્થાને. માનવની સર્વ વૃત્તિઓ, પ્રવૃત્તિઓ – એની શોધના આઠ કેન્દ્રો છે. આ આઠ કેન્દ્રોમાંના કોઈ એક કે અધિકની પ્રાપ્તિ માટે આપણે ફાં-ફાં મારીએ છીએ. આઠ કેન્દ્રો છે: 1.શાંતિ, 2.આનન્દ, 3.પ્રેમ, 4.જ્ઞાન, 5.શક્તિ, 6.સૌંદર્ય, 7.સ્વાતંત્ર્ય, 8.અમરત્વ. આત્માની પ્રાપ્તિથી આ આઠે આઠની પ્રાપ્તિ થાય છે અને યથાર્થત:, શાશ્વતરૂપે. બહાર બધું બરાબર છે પરંતુ અંદર કાંઈ બરાબર નથી એવું લાગે ત્યારે આધ્યાત્મિકતાનો પ્રારંભ થાય છે. સુખના માધ્યમ દ્વારા સત્યને બહાર શોધવું તે ભોગ છે અને અંદર શોધવું તે યોગ છે અને તે છે અધ્યાત્મવિદ્યા. અધ્યાત્મ એ અહંકારની પુષ્ટિ માટે નહી, અહંકારના વિસર્જન માટે છે. જીવનયુદ્ધના મેદાનમાં અધ્યાત્મવિદ્યા સૌથી વધુ પ્રાસંગિક છે. એનું પ્રથમ સોપાન છે વિષાદયોગ. કોઈ પણ પ્રવૃત્તિ અધ્યાત્મપરક હોય તો એ યોગ સંજ્ઞાને પાત્ર બને છે.

શિષ્યત્વથી અર્જુનની અધ્યાત્મયાત્રાનો પ્રારંભ થાય છે. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને સૌથી પહેલા બુદ્ધિયોગ આપે છે. શ્રીમદભગવગીતામાં અધ્યાત્મવિદ્યા એ ગંગાજીની જેમ વહેતી અને વિકસતી અધ્યાત્મવિદ્યા છે. એ ન સમજાતી એનું એક કારણ છે એ સરોવર નથી, નદી છે. એમાં અનેક પ્રવાહો ભળતા જાય છે. હવે ભગવાન અર્જુનને બે નિષ્ઠા બતાવે છે: એક છે – સાંખ્ય નિષ્ઠા અને એક છે – કર્મયોગ નિષ્ઠા. નિવૃત્તિ પરાયણ, જ્ઞાનપ્રધાન અભિગમ એટલે સાંખ્ય યોગ અને પ્રવૃત્તિપરાયણ, કર્મપ્રધાન અભિગમ એટલે કર્મયોગ. આ બે યોગ છે આધ્યાત્મિકતા. ભગવાન કર્મયોગ વિશિષ્યતે . . . કહીને કર્મયોગને વિશેષ પ્રાધાન્ય આપે છે. અધ્યાય 3, 4, 5 માં કર્મયોગનું વિશદ અધ્યયન છે.

વેદમાં ઝાંખા-ઝાંખા અવતારવાદના ઉલ્લેખો મળે છે પણ એક અવતારવાદના સિદ્ધાંતનો સ્પષ્ટ અને નિશ્ચયાત્મક કથન સૌથી પહેલા શ્રીમદભગવદગીતામાં છે. અવતાર એટલે માનવ સ્વરૂપમાં આવેલા પરમાત્મા. અવતારને બે ચેતના હોય છે, જીવને એક ચેતના હોય છે. અવતાર એટલે માત્ર ભગવાન નહી. ભગવાન + માનવી – બન્ને ચેતના. અવતાર માનવીય ગુણધર્મ પણ સ્વીકારે છે. સીતાના વિયોગમાં રામ રડે એ જીવ ચેતના છે. પછી તરત જ કહે છે: કરિષ્યે પૃથિવીં અપૈશાચિનીં રાક્ષસી. . . આ ભાગવત ચેતના છે. ભગવાનની નીચે નમવાની ક્રિયા અવતરણ છે – અવતરતિ ઇતિ અવતાર: – ઉપરથી નીચે. જીવની પ્રક્રિયા ઉપર ઉપર જાય છે. જીવના ઉર્ધ્વીકરણ માટે એની આંગળી પકડીને ઉપર લઈ જવા માટે અવતાર નીચે આવે છે, જેથી એ ઉપર જઈ શકે. અવતાર માનવની જેમ જીવીને બતાવે છે કે આમ જીવાય. અવતાર માનવચેતાને એક સોપાન ઉપર લઈ જાય છે.

અધ્યાત્મપથ ઉપર ભિન્ન ભિન્ન અનુભૂતિઓ થાય છે. મનસાતીત ભુમિકામાં જ્યાં દિવ્ય ચેતના છે એમાં આરોહણ કરીને જોઈએ તો દિવ્ય ચક્ષુની પ્રાપ્તિ થઈ એમ કહેવાય. અર્જુન આ દર્શન કરે છે, એકી સાથે અનેક આસ્પેક્ટ્સ જુએ છે. કાલોસ્મિ લોકક્ષય કૃત પ્રવૃત્તૌ. . . એમાં વાત્સલ્ય પણ છે, મહાકાલ પણ છે, એમાં રુદ્ર પણ છે, બ્રહ્માજી પણ છે, એમાં સગુણ – સાકાર, નિર્ગુણ – નિરાકાર ભગવાનના બધા જ સ્વરૂપનાં દર્શન અર્જુનને થયાં. ભગવાનનો કૃપાપાત્ર હોવા છતાં અર્જુન કંપી ગયો. કહે છે: હવે તમે હતા તે થઈ જાઓ. ભગવાન અર્જુનને કહે છે, ‘મારું આ રૂપ તપથી, જ્ઞાનથી કે પોતાની વૃત્તિથી નથી જોઈ શકાતું. એને જોવાનો એક જ ઉપાય છે અને એ છે મારી અનન્ય ભક્તિ.’ એમાંથી એક નવા અધ્યાયનો પ્રારંભ થાય છે – ભક્તિયોગ. અધ્યાત્મનો અર્થ બાઘા રહેવું એવો નથી. બધી સમસ્યાઓ સમજના અભાવમાં ઉત્પન્ન થાય છે અને સમજના પ્રકાશમાં બધી સમસ્યાઓનું નિરાકરણ થાય છે. નારદ પોતાના નારદભક્તિસૂત્રમાં ભક્તિની વ્યાખ્યા આપે છે: સા તુ અસ્મિન પ્રેમરૂપા. પરમાત્મામાં પરમ પ્રેમ (પ્રીતિ) એટલે ભક્તિ. ભગવાનને સમર્પિત થયેલ સાધક આખરે એને પામે છે એટલે ગીતાનું સર્વોચ્ચ રહસ્ય એ છે સમર્પણ. અને એ ગીતામાં . . . સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ.
અહં ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ:.

ગીતાનો પહેલો શ્લોક ધૃતરાષ્ટ્ર – અંધજન બોલે છે અને ગીતાનો અંતિમ શ્લોક સંજય બોલે છે, દિવ્યદૃષ્ટિવાળા. એનો અર્થ એ કે ગીતા અંધત્વથી દિવ્ય દૃષ્ટિ તરફની યાત્રા છે. અધ્યાત્મના ગ્રંથ લેખે ગીતાની તોલે આવે એવા ગ્રંથની રચના આ પૃથ્વી પર થવાની બાકી છે.
.

[5] નવી પેઢી, નવી દૃષ્ટિ, નવી સંસ્કૃતિ સંદર્ભે ગીતાજ્ઞાન – શ્રી જયભાઈ વસાવડા

જે ગ્રંથને જીવન માટેના ગ્રંથ તરીકે કહેવામાં આવ્યો એ ગ્રંથને આપણે મૃત્યુ પછી વાંચવાનો અધ્યાય બનાવી દીધો. જો કે મારા મતાનુસાર ગીતામાં ક્યાંક ક્યાંક વિરોધાભાસ છે. એક બાજુથી આત્માની અવિનાશી ગતિની વાત કરવામાં આવી છે ને બીજી બાજુથી કયા મુરતની અંદર મરી જાઉં તો આત્માની કેવી સદગતિ થાય એની વાત કરવામાં આવી છે. આ બેય ભેગું કેમ કરવું મને સમજાવો. નૈનં છિન્દંતિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવક: સાચું હોય, જો આત્માને કશું જ સ્પર્શી શકતું ન હોય તો ઉત્તરાયણની અંદર આમ જાઉં તો મોક્ષ થાય . . . આ તો કે.લાલના જાદુ જેવી વાત થઈ ગઈ.

શ્રીમદભગવદગીતા અદ્ભૂત ગ્રંથ છે અને મને ગમે છે એનું મુખ્ય કારણ એ છે કે એ ગવાયો છે, કહેવાયો નથી, એમાં આદેશ નથી, ગીત છે અને એમાં છેલ્લે કહે: ‘સર્વધર્માન પરિત્યજ્ય’ કહી દીધા પછી પણ છેલ્લે કૃષ્ણ એમ કહે છે: ‘યથેચ્છસિ તથા કુરુ.’ મને આ અત્યંત પ્રિય વાક્ય છે. ગીતા મોસ્ટ ડેમોક્રેટિક અને મોસ્ટ ડીલાઈટફુલ ગ્રંથ હોય તો એનું મુખ્ય કારણ આ છે. કૃષ્ણ કહે. ‘મેં તો તને જ્ઞાન કહી દીધું જે કહેવાનું હતું તે. હવે તું સીધેસીધુ અમલ કરે એવું હું ઈચ્છતો નથી. તને મરજી પડે એમ કર. આજની જનરેશનના કોઈ પણ છોકરા-છોકરીને મળો તો એને સૌથી વધારે ગમતી બાબત હોય તો આ લિબર્ટી છે, આ ફ્રીડમ છે, આ સ્વતંત્રતા છે. તમે નક્કી કરી દો મારી કરિયર – એમ નહીં. બક્ષીસાહેબ એવું કહેતા, ‘ગુજરાતી મા-બાપો સંતાનોની 80% જિન્દગી જીવી દે છે.’ મને એવા માબાપ મથી મળ્યા એ મારું પરમ સદભાગ્ય છે. ગીતામાં જે સ્વતંત્રતા મળે છે એ બીજા કોઈ ધર્મગ્રંથમાં નથી મળતી.

કર્મ કરવાનું પેસન રાખવું પણ દરેક કર્મનું રીઝલ્ટ તમારી ફેવરમાં આવશે એવું ટેંશન ન રાખવું. શીરાની જેમ ઝડપથી ગળે ઉતરી જાય એવી આ વાત છે. પણ તો પછી શીરો હલાવનારનું શું? એટલે એ એમાં બદામ નાંખે, પીસ્તા નાંખે પછી એ ગળે ઉતરે જ નહીં. તમારે ચાવ્યે જ રાખવું પદે., સતત. નવી પેઢીને ગમે એવી આ વાત છે. તમે એક્ઝામમાં પેપર આપો તો જોશપૂર્ણ રીતે આપો, તમારું કર્મ છે. પણ પરિણામ શું થશે એ તમારા હાથમાં નથી. ભગવાન કૃષ્ણ પાવરને બદલે નોલેજની પસંદગી કરે છે એને પાવર ફોલો કરતો કરતો આવે છે. પોતાની બાપીકી મિલકત પર ના બેસે દ્વારિકા આવીને પોતાની સોનાની નગરી વસાવે.

કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન – જે પરાણે ઇન્દ્રિયોનું દમન કરી મનમાં ભોગોનું ચિંતન કરે છે એ મુરખ દંભ કરે છે – મિથ્યાચાર: સ ઉચ્યતે. ભગવાને મિથ્યાચારી અને મૂઢાત્મા એમ એક સાથે બે વખત ફટકાર્યા છે. નવી પેઢીને ગમે એવી વાત છે. આટલી પારદર્શક અને આટલી સાહજિક વાત કરનારી ગીતા તમને કેમ ન ગમે ? અંદર મનમાંથી તમે બદલાતા નથી તો તમે તનના રંગ બદલાવો તો એનાથી કોઈ અર્થ સરતો નથી. ગીતા કહે છે કે આ સાહજિક પ્રક્રિયાના ભાગરૂપે થવું જોઈએ, આ આપમેળે થવું જોઈએ. અને નથી થતું હોતું. ભલભલા લોકો આ કસોટીની અંદર પાર નીકળે ત્યારે ખબર પડે. હું સમષ્ટિના કલ્યાણ માટે નિર્ણય લઉં કે અંગત કલ્યાણ માટે નિર્ણય લઉં ? આ દેશની દુર્દશા થઈ હોય તો બધાએ પોતાના કલ્યાણ માટે નિર્ણય લીધા છે માટે થઈ છે. ગમે તેટલા ગીતાપાઠ કરીએ પણ નિર્ણય લેવાની વાત આવે ત્યારે જનકલ્યાણનો નિર્ણય જવા દઈને અંગત કલ્યાણનો, ધન કલ્યાણનો, તન કલ્યાણનો નિર્ણય લઉં ત્યાંથી આ શરૂ થાય છે અને બદલાવું હશે તો નવી પેઢીને આ ગીતાજ્ઞાન આપવું પડશે.

ક્રોધ પરચુરણ નથી, બલ્કે હીરો છે. અહમ ઓગાળવો એનું નામ પ્રેમ. આપણી જાત કરતા બીજાને પ્રાથમિકતા આપવી એ પ્રેમ છે. નરસિંહ મહેતા કહે છે: પ્રેમરસ પાને તું મોરના પીચ્છધર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. પ્રેમપૂર્વક કર્મ કરો એટલે આપોઆપ નિષ્કામ કર્મ થવા લાગશે. કારણ કે તમે તમારા માટે તો કંઈ કરતા જ નથી. વિભૂતિ એટલે આત્મગૌરવ. ભગવાન કહે છે: ‘હું છું.’ ‘હું જ છું’ એમ નહીં. ‘જ’ કાઢી નાંખવાનો છે. પ્રેમને પ્રાથમિકતા આપો. નવી પેઢીને પ્રેમધારાથી ગીતાને સમજવાનું શીખવીએ. બે પશુઓને તમે પાળ્યા હોય એમાંથી કયું પશુ જીતે ? જેને તમે ખવડાવી-પીવડાવીને તગડું કરો એ જીતે. તમે ઇવિલને વધારે ટુકડા આપે રાખો તો ઇવિલ મોટું થાતું જાશે, તમે ગુડને વધારે ટુકડા આપે રાખો તો ગુડ મોટું થાતું જાશે. આ સત્ય છે અને એ જગતમાં ક્યારેય જુનું થવાનું નથી માટે આજની નવી પેઢી આવતીકાલે જૂની થવાની છે પરંતુ ગીતા જગતની અંદર ક્યારેય જૂની થવાની નથી.
.

[6] પૂજ્ય મોરારિબાપુ

આપ સહુએ જે અહીં આહૂતિઓ આપી છે, અમને જે પ્રસાદ મળ્યો છે – યજ્ઞની પાસે બેસીએ તો એક તો અજવાળુ મળે અને એમાંય ઠંડીના દિવસોમાં હોય તો ઉષ્ણતા મળે. એમાંય કોઈ પણ સમયે યજ્ઞ થતો હોય તો વાતાવરણ પ્રદુષણમુક્ત બને. આપણે આ બધાના સાક્ષી થયા અને આપણને કેટલી ઉષ્ણતા મળી ! પ્રેમ લાયક-ગેરલાયકને ક્યાં જોવા બેસતો હોય છે ? તેથી મારી વ્યાસપીઠ વિશ્વને પ્રેમ આપવા નિકળી છે ત્યારે રામકથાને હું જ્ઞાનયજ્ઞ કહેવાની હિંમત નથી કરતો. એ મારો પ્રેમયજ્ઞ છે. અહીંયા જે આપ પધાર્યા, મને લાગે છે આપ સૌ અહીંયા આવો છો એ પ્રેમને લીધે આવો છો અને એનો મને બહુ જ આનન્દ છે. ગીતા વિશે બોલવાનું મારું ગજુ નથી.

ભગવદગીતા શીખવાડે છે: તુલ્ય નિન્દા સ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેન ચિત. . . તુલસીદાસજી કહે છે: નિન્દા અસ્તુતિ ઉભય સબ. . . ગીતા એ યોગશાસ્ત્ર છે પણ રામચરિતમાનસ પ્રયોગશાસ્ત્ર છે. જેમ કે ગીતામાં કહ્યું છે: ક્રોધાત ભવતિ સંમોહ. . . રામાયણમાં એના પ્રયોગો થયા છે. ગીતા કેટલી કેટલી એંગલથી જોઈએ તો પુરું થાય જ નહીં. રામાયણમાં પણ રામગીતા છે, લક્ષ્મણગીતા છે, અનસૂયાગીતા છે, ભૂસુંડીગીતા છે એને ગીતા નામ આપી દીધું છે. યુદ્ધના મેદાનમાં ભગવદગીતા અવતરી એમ રામાયણમાં મહાભારતનું ધર્મક્ષેત્ર નથી પરંતુ રામાયણના યુદ્ધના રણાંગણમાં ધર્મરથ છે અને સૌથી પહેલા વિષાદ વિભીષણને થયો છે :

રાવણ રથી બિરથ રઘુબીરા, દેખી બિભીષણ ભયઉ અધીરા.
અધિક પ્રીતિ ભા સન્દેહા, કેહી બિધિ જીતહુ રીપુરાણધી. – આ દુશ્મનને કેમ જીતાશે ? ભગવાન ધર્મરથમાં કહેવાયેલ ગીતાનો બોધ કહે છે: ‘જેનાથી વિજય મળે એ રથ જુદા જ હોય છે.’ ગીતાના સૂત્રો ક્યાં નથી પડ્યા ? આ રથના બે ચક્રો શૌર્ય અને ધૈર્ય હોય છે. ધર્મરથની ધજા અને પતાકા સત્ય અને શીલ દૃઢ છે.

ભગવાન યુદ્ધમાં છે. રાવણની સામે લડવાનું છે. પગમાં પદત્રાણ નથી. આને કેમ જીતાશે ? આ રથનો સારથિ કોણ ? ભગવાનનું ભજન એ જ સારથિ છે. માળા ઇન્દ્રિયોને રોકવાની લગામ છે. સાચી-ખોટી રીતે કોઈ માળા કરે એની ટીકા ના કરશો. ગીતા જો બધે ન રહે તો ગીતા સુગીતા કર્તવ્યા. . . ગંગાસતીના ભજનમાં પણ ગીતા આવે. આ તો વિરાટપતિનું ગાયન છે. ગીતાનો પ્રારંભ મને હંમેશા સંશય લાગ્યો છે. ગીતાનો મધ્ય મને હંમેશા સમાધાન લાગ્યો છે. અને ગીતાનો અંત મને હંમેશા શરણાગતિ લાગ્યો છે. દ્વિધા શરૂ થઈ – સંદેહ શરૂ થયો. આ સંશયોમાંથી ગીતાનો આરંભ થાય છે. બીજા અધ્યાયમાં અર્જુન શિષ્ય થયો પરંતુ વચન માનતો છેક છેલ્લે થયો. બહુ અનુભવને અંતે છેલ્લે કહે : કરિષ્યે વચનમ તવ. સંશયો ત્રણ પ્રકારના છે: એક દૃશ્ય જોવાથી, બીજું સાંભળવાથી અને ત્રીજું કેટલાકની સ્વભાવગત પ્રકૃતિ જ સંશય કરવાની હોય છે. સમાધાન પણ ત્રણ પ્રકારના છે. એક વિશ્વરૂપદર્શન જોવાથી, બીજું ભગવાનની વાણીથી અને ત્રીજું અર્જુન ભગવાનનો જ અંશ છે તેથી તેની શંકાનું સમાધાન થઈ શક્યું.

શરણાગતિ – ભરોસો છે તેથી થાય છે. રુક્મિણી કહે છે, હે ગોવિન્દ, તારા વિશે સાંભળ્યું છે તને જોયો નથી. હવે જવાબદારી તારી છે – શ્રુત્વા ગુણાન. . . વિભીષણ ભગવાન રામને કહે છે : શ્રવણ સુજશ સુનિ આયો. . . વાનર પૂછે છે: ‘આ તો ઠીક છે મારા ઠાકોરે તારો સ્વીકાર કરી લીધો પણ ના પાડી દીધી હોત તો ? પાછો જાત ?’ ‘ના, પાછો તો જાત જ નહી’ – વિભીષણ. વાનર પૂછે છે: ‘તો તું શું કરત ?’ વિભીષણ કહે, ‘હજુ વિમાનનું મશીન ચાલુ છે. અહીંથી સીધો અયોધ્યા જાત, ને રામની જનેતાને ફરિયાદ કરત કે તારા દીકરાએ મને રાખ્યો નથી.

કાંટાવાલાબાપાએ એવોર્ડ સ્વીકાર્યો એ માટે હું મારો સાધુવાદ વ્યક્ત કરું છું. ભગવાન રામે અયોધ્યા પરત પહોંચ્યા બાદ બધાને વિદાય આપી. કેવટને વિદાય આપી. એક અકિંચન, અછૂત, સમાજનો છેલ્લો માણસ સુધી રામકથાને પહોંચાડવાની. . . ગુહને, એક ભીલને વિદાય આપી ત્યારે ભગવાન કહે છે: તુમ મમ પ્રિય ભરત સમ ભ્રાતા. સદા રહો પુર આવત જાતા. સમય મળે ને બાપ, તું અયોધ્યા આવતો જતો રહેજે. બાપ, સમય મળે ને તલગાજરડા આવતા રહેજો.

[સમાપ્ત]
(આલેખન : કલ્પેશ સોની)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “સંસ્કૃતસત્ર 13 : ગીતા સુગીતા કર્તવ્યા – આલેખન : કલ્પેશ સોની”

Copy Protected by Chetan's WP-Copyprotect.