સુહાસિની – આશા વીરેન્દ્ર

[‘ભૂમિપુત્ર’ પાક્ષિકમાંથી સાભાર.]

નંદિતાને હવે બાંસઠ-ત્રેસઠ તો થયાં હશે પણ સદા પ્રફુલ્લિત ચહેરો, એકવડો બાંધો, ચીવટપૂર્વક સુઘડ રીતે પહેરાયેલી સાડી – આ બધાંને લીધે એના સંપર્કમાં આવનાર સૌ કોઈને એ પ્રિય થઈ પડતી. આ જુઓને, બે દિવસ સવારે એ લાફીંગ ક્લબમાં ન જઈ શકી ત્યાં તો આજે સવારે રેણુ, રંજના, મુકેશ સૌ ફરિયાદ કરવા લાગ્યાં, ‘કેમ નહોતાં આવતાં ? તમે આમ ગાપચી મારો એ ન ચાલે હં ! તમારા વિના સૂનું સૂનું લાગે છે.’ ‘સાચ્ચે જ, આંટી, તમારા હસવાનો રણકાર એટલો મીઠો છે કે, એ સાંભળીને દિવસ સુધરી જાય.’ રેણુએ વ્હાલથી કહ્યું. ‘મારો દીકરો અને વહુ એના નાનકાને લઈને ફરવા ગયા છે એટલે ઘરમાંથી નીકળી નહોતી શકી. આજે રાત સુધીમાં તો એ લોકો આવી જશે એટલે કાલથી પાછી હું નિયમિયપણે આવીશ, બસ ?’ નંદિતા ઘર તરફ જતાં વિચારી રહી, એ હતા ત્યારે એ પણ રેણુની જેમ જ કહેતાને ! ‘તું હસે ત્યારે એવું લાગે છે કે, મંદિરમાં એકસાથે ઘંટડીઓ રણકી ઊઠી. તારા હાસ્યને કદી વિલાવા ન દઈશ. બધા માટે ભલે તું નંદિતા હોય, મારે માટે તું સુહાસિની. દિલ ખુશ કરી દે એવું સુંદર હસનારી મારી સુહાસિની.’

ઘરે જઈને પહેલું કામ એણે મોબાઈલમાં મિસ્ડ કૉલ જોવાનું કર્યું એક્કે ફોન નહોતો. એનું મન ઉદાસ થઈ ગયું. એણે નક્કી કર્યું કે, જો ગૌરવનો ફોન નહીં આવે તો પોતે પણ સામેથી ફોન નહીં કરે. કોણ જાણે કેમ પણ રહી રહીને લાગતું હતું કે, એ હવે પહેલાંનો ગૌરવ નથી રહ્યો. એ ચાર-પાંચ દિવસ પહેલાંની વાત યાદ કરી રહી. સવારે નાસ્તો કરતાં ગૌરવે કહ્યું હતું, ‘મમ્મી, મારે એ તરફ ઑફિસિયલ વિઝિટ પણ છે તો વિચારું છું કે આલોકા અને બિટ્ટુને બે-ત્રણ દિવસ મહાબળેશ્વર ફેરવી આવું.’ ‘હા હા, ચોક્કસ. આનંદથી ફરી આવો બેટા, ને મારી ફિકર જરાય ન કરશો.’ નંદિતાએ ખુશીથી કહ્યું તો હતું પણ મનમાં જરાક ખટકો તો રહ્યો જ કે, ‘ઑફિસિયલ વિઝિટ’ શબ્દ વાપરવાને બદલે ગૌરવ સીધે સીધુ ન કહી શકત કે મારો જન્મદિવસ ઊજવવા જવું છે ? એ શું એમ માનતો હશે કે, 20મી ઑગસ્ટને રવિવારે એનો જન્મદિવસ આવે છે એ એની જન્મદાત્રી મા ભૂલી ગઈ હશે ? એને યાદ આવ્યું કે, ગયે વર્ષે એના જન્મદિવસે ગૌરવ અને આલોકા નવું ટી.વી. લઈ આવેલાં. સરસ મજાનું રૂપકડું ટી.વી. જોઈને બિટ્ટુ ખુશ થઈ ગયેલો. તાળીઓ પાડતો જાય અને બોલતો જાય, ‘દાદીનું નવું ટી.વી., દાદીનું નવું ટી.વી. . . .’ ‘દાદીનું નવું ટી.વી. ? મારે માટે જુદું ટી.વી. લેવાની શી જરૂર હતી ? ઘરમાં એક ટી.વી. તો છે. આપણે બધા સાથે બેસીને જોઈએ જ છીએ ને ?’ ગૌરવ અને આલોકાની નજર એકમેક સાથે ટકરાઈ એનંદિતાના ધ્યાન બહાર ન રહ્યું. આલોકાએ જરા થોથવાતા કહ્યું, ‘એ ટી.વી. તો છે જ, પણ આ તો તમારી બર્થ-ડે ગીફ્ટ.’ ‘ને મમ્મી, તું રૂમમાં બેસીને તને ગમતા પ્રોગ્રામ જોયા કરે તો બીજી કોઈ માથાકૂટ નહીં ને અમને પણ જરા પ્રાયવસી. . .’ આલોકાએ ઈશારો કરીને એને બોલતો અટકાવી દીધેલો.

બધી અણગમતી વાતોને ખંખેરી નાખવી હોય એમ એણે માથું ઝાટકી નાખ્યું. પોતાની પર્સમાંથી 500, 500ની બે નોટ કાઢીને એણે બૂમ પાડી, ‘સવિતા, ઓ સવિતા, આ યાદીમાં લખેલી બધી વસ્તુ લઈ આવ. બે લીટર દૂધ, નાની નાની બટેટી એક કિલો, લીલીછમ જોઈને કોથમીરનો એક ઝૂડો લેજે ને. . . . ‘ સવિતા તો જોતી જ રહી. ‘બા, આજે કેમ આટલા બધાં ખુશ છો ? આટલું બધું હસતા તો મેં તમને કોઈ દિ’ નથી જોયાં !’ ‘ખુશ તો હોઉં જ ને ! આજે તારા નાના શેઠનો જન્મદિવસ છે. આજે બધી એને ભાવતી વાનગીઓ બનાવવી છે. ખીર, પૂરી, બટેટાનું ભરેલું શાક, ખાંડવી. . . . .’ ‘બા આટલું બધું તમે બનાવશો ?’ ‘અરે, તને ખબર નથી ચાલીસ-પચાસ માણસની રસોઈ તો હું હાલતાં-ચાલતાં બનાવી કાઢતી. હવે એવું છે કે, આલોકા રસોડાના કોઈ કામને હાથ લગાડવા નથી દેતી એટલે ટેવ છૂટી ગઈ છે ને થાકી પણ જવાય છે.’ તો યે નંદિતાએ પાંચ વાગ્યા સુધીમાં બધી તૈયારી કરી લીધી. નવી ક્રોકરી, નવા ટેબલ મેટ્સ, નવા નેપકીન અને ટેબલની વચ્ચોવચ મોટી, કલાત્મક મીણબત્તીય ખરી. એને થયું, ગૌઅવ વિચારતો જ હશે કે, ત્રણ દિવસથી મમ્મી એકલી છે તો રાત્રે આઠેક વાગ્યા સુધીમાં પહોંચી જઈએ. ઘડિયાળમાં સાતના ટકોરા થયા એટલે એ નાહી-ધોઈ, નવી સાડી પહેરીને તૈયાર થઈ. બસ, હવે થોડી વારમાં એ લોકો આવવા જ જોઈએ. આ સરપ્રાઈઝ જોઈને ગૌરવ આશ્ચર્યથી ઊછળી પડશે અને કેહેશે, ‘મોમ, યુ આર ગ્રેટ. મને ભાવતી રસોઈ બનાવવા તેં કેટલી મહેનત કરી ?’

નવ, દસ અને અગિયાર થયા ત્યારે નંદિતાને ઝોકાં આવવા લાગ્યાં. લેચ-કીથી દરવાજો ખોલી ગૌરવ ઊંઘતા બિટ્ટુને તેડીને અંદર આવ્યો. ‘આ શું મા ? તને કોણે કહ્યું’તું આ બધું બનાવવાનું ? બહાર નીકળ્યા હોઈએ તો જમીને જ આવીએ ને ?’ ‘બેટા, તને ભાવતી ખીર. . . .’ ‘જે હોય એ બધું ફ્રીજમાં મૂકી દે મમ્મી. બહુ થાકી ગયો છું. કાલે મૂડ હશે તો ખાઈશ.’ બેમાંથી કોઈને નંદિતાને પૂછવાનું ન સૂઝ્યું કે એ જમી છે કે નહીં ? દીકરો પગે લાગશે એમ કરીને નંદિતાએ ગૌરવને આપવા કવર તૈયાર રાખ્યું હતું એ એણે ટેબલ ક્લોથ નીચે દબાવી દીધું. આલોકા નાઈટી પહેરીને ધમધમ કરતી આવીને ટેબલ પરથી બધું ઉપાડતાં બબડતી હતી, નકામી આટલી મહેનત કરીને ! ને બગાડ પણ કેટલો ?’ નંદિતાની આંખો ભરાઈ આવી પણ તરત જ એની નજર દીવાલ પર લટકતા ફોટા તરફ ગઈ. એને યાદ આવ્યું એણે રડવાનું નથી, હસવાનું છે. એણે આલોકાને કહ્યું, ‘આલોકા ચિંતા ન કરીશ. સવિતાને બધું લાવવા મેં જ પૈસા આપ્યા હતા ને આમાંથી કશું બગડશે નહીં. કાલે અનાથાશ્રમમાં બાળકોને ખવડાવી આવીશ.’ રૂમમાં આવીને આંખો લૂંછતા એ લાફીંગ ક્લબમાં હસતી એમ જોરજોરથી હસવા લાગી હા. . .હા. . .હા.

(અનન્યા દાસની અંગ્રેજી વાર્તાને આધારે)

Leave a Reply to Asha Virendra Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

19 thoughts on “સુહાસિની – આશા વીરેન્દ્ર”

Copy Protected by Chetan's WP-Copyprotect.