બાળક એક ગીત (ભાગ-1) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”

[ ‘બાળક એક ગીત’ એટલે ગર્ભસ્થ શિશુ સાથે માતાનો સંવેદનાસભર વાર્તાલાપ. હીરલબેને આ વાર્તાલાપ પત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. આમ તો આ એક પુસ્તકરૂપે છે પરંતુ તેમાંનો થોડો અંશ આજે એક લેખ રૂપે પ્રગટ કર્યો છે. આપ તેમનો આ સરનામે vasantiful@gmail.com અથવા આ નંબર પર +91 9099020579 સંપર્ક કરી શકો છો.]

[1]

બેટા,

આજે સવારે જ્યારે મેં અને તારા પપ્પાએ પ્રેગ્નન્સી ટેસ્ટ કર્યો ત્યારે જાણે અમારું આખું વિશ્વ બદલાઈ ગયું હોય એમ લાગ્યું. તારા પપ્પાની આંખમાં ચમક હતી અને મારી આંખોમાં ચિંતા ! બધું બરાબર તો થશે ને ? કંઈ તકલીફ તો નહીં થાય ને ? – એ જ સ્તો વળી ! હજી તો તારા ધબકારા શરૂ પણ નથી થયા અને મારા ધબકારા અનેકગણા વધી ગયા છે. એમ સાંભળ્યું છે કે મા બનવું એ એક ચમત્કાર છે. હવે મારે એ ચમત્કારમાંથી પસાર થવાનું છે. તને એક સાચી વાત કહું ? આમ તો છે ને હું કોઈની સલાહ માનતી નથી પરંતુ હવે મેં ડૉક્ટર અંકલની બધી જ સલાહ માનવાનું શરૂ કરી દીધું છે. તારે માટે મારે હવે દરેક કામ બે ગળણે ગાળીને કરવાનું છે કારણ કે તું મારે મન સર્વસ્વ છે. ડૉક્ટર અંકલે તો બહુ મોટું લિસ્ટ આપ્યું છે. ભાત ભાતની દવાઓ છે. આમ થાય તો આ દવા અને તેમ થાય તો પેલી દવા ! મારે એમણે કહેલી દરેક બાબતનું ધ્યાન રાખવાનું છે.

મને આશા છે કે તારા પપ્પા મને પ્રેમથી સાચવશે. અમે સૌ અત્યંત આતુરતાથી તારા આગમનની રાહ જોઈ રહ્યા છીએ. તારી કુશળતા ચાહું છું.

લિ.
તારી વ્હાલી મમ્મી.

[2]

બેટા,

આજે પાંચમો દિવસ છે તારો. હજી તો કેટલા બધા દિવસની સફર બાકી છે ! વિચારું છું કે હું વાયોલિન શીખવાની શરૂઆત કરું. અગાઉ એક મહિનો શીખીને મેં છોડી દીધું હતું પરંતુ હવે થાય છે કે મારે ફરીથી શીખવાનું શરૂ કરવું જોઈએ. તને થશે કે તારી મમ્મીના મગજમાં તો જબરા તૂત આવે છે. વાત સાચી છે. ઘણીવાર મને એમ થતું કે કંઈક સાવ અલગ ક્રિએટીવ કામ કરું પણ સમય અભાવે કશું કરી શકતી નહોતી. પરંતુ હવે તું છે ને ! તારે માટે પણ તારી મમ્મીએ કંઈક નવું શીખવું જ પડશે. હેં ને ?

મારું એક સપનું છે કે આપણી વચ્ચેની આ વાતચીત પુસ્તક રૂપે પ્રકાશિત થાય. એટલે જ તો મેં આ ડાયરી લખવી શરૂ કરી છે. કદાચ ભવિષ્યમાં માતા બનનારી કોઈ સ્ત્રીને પણ આપણી વચ્ચેની આ વાતચીત ઉપયોગી થઈ શકે. જ્યારે હું અને તારા પપ્પા તને આ ધરતી પર લાવવાનું વિચારી રહેલા ત્યારે સાવ જોડકણા જેવા એકાદ-બે કાવ્યો મને સ્ફૂરેલાં. એ સમયે મારા મનમાં એમ હતું કે ‘બાળકાવ્યો’ લખીશ. પછી એમ થયું કે બાળક પોતે જ એક ગીત છે તેથી મારા પુસ્તકનું નામ ‘બાળક એક ગીત’ રાખીશ. આખરે તો મને તારી સાથે આ પત્રરૂપે વાતચીત કરવાનું જ વધુ યોગ્ય લાગ્યું કે જેથી હું તને આપણા પરિવારનો વિસ્તારથી પરિચય કરાવી શકું. બોલ, છે ને મજાની વાત !

આ જો ને, ડૉક્ટર અંકલે મને મોટી મોટી દવાઓ આપી છે. મને દવાઓ લેવાનું જરાય ગમતું નથી. પરંતુ તું ચિંતા ન કરીશ, તારા માટે હું નિયમિત દવાઓ લઈશ.

આજે સવારથી તારા પપ્પાને ચક્કર આવે છે. હકીકતે તો મને ચક્કર આવવા જોઈએ. પણ આ તો સુખ-દુઃખમાં સરખી ભાગીદારી હોવી જોઈએ ને એટલે દવા હું લઈશ અને ચક્કર, માથું દુઃખવું વગેરેનો હવાલો તારા પપ્પા સંભાળશે ! લે, આ સાંભળીને તને ખડખડા હસવું આવે છે ? મારું પણ એમ જ છે ! તો બસ…. આજે આટલી વાતો પૂરતી છે. હવે તું આરામ કર અને હું મારા કામે વળગું. તારી કુશળતા ચાહું છું.

લિ.
તારી વ્હાલી મમ્મી.

[3]

બેટા,

આજે સવારે હિંચકે બેઠાં બેઠાં મને એક વિચાર આવતો હતો કે તારા પપ્પા તો તને કોન્વેન્ટમાં જ ભણાવશે એટલે તને સ્લેટ હલાવતાં ‘ચકી ચકી પાણી પી, બે પૈસાનો બરફ લાવ…’ એવું ગાવા નહીં મળે. હું તો ગુજરાતી માધ્યમમાં ભણી છું અને કક્કો સ્લેટમાં જ લખતાં શીખી છું. પરંતુ તું ચિંતા ન કરીશ, તારી મમ્મી તારી સાથે એના બધાં જ અનુભવો વહેંચશે. તને એ બધી જ રમતો રમાડશે જે તેણે બાળપણમાં રમી હતી. આજની નવી પેઢી વધારે હોંશિયાર છે અને કદાચ એટલે જ તે બાળપણનો નિર્દોષ આનંદ માણવાનું ભૂલી ગઈ છે. ખરેખર તો એ ખોટું છે. અમે તો નાના હતા ત્યારે સ્કૂટરનું પૈડું પણ રમકડાની જેમ ફેરવતાં અને બાળપણની મજા માણતાં. એના બદલે, આજના બાળકો આખો દિવસ કમ્પ્યુટર ગેમ્સ, વિડ્યો ગેમ્સ કે મોબાઈલ ગેમ્સમાં વ્યસત રહે છે. વેકેશનમાં અમે પત્તાંની અવનવી રમતો, સતોડિયું, સંતાકૂકડી, અમદાવાદી બાજી, પાંચિકા વગેરે રમતાં અને થોડું ઘણું એકબીજાને પજવતાં પણ ખરાં ! હું તને એ બધી જ રમતો શીખવાડીશ અને તારી સાથે રમીશ પણ ખરી. જિંદગીની કોઈ ક્ષણ ફરી વાર નથી મળતી. હું તને દરેક ક્ષણ આનંદથી કેમ જીવવી તે શીખવીશ. તું શીખીશને મારી સાથે ?

હું ઈચ્છું છું કે તું સરસ્વતીનું વરદાન થઈને અમારે ત્યાં અવતરે. તું એક સંવેદનશીલ ઋજુ વ્યક્તિ બને. માણસ થઈને જન્મવું એ એક વાત છે અને માણસાઈ કેળવવી એ જુદી વાત છે. આપણું જીવન સાર્થક ત્યારે જ કહેવાય જ્યારે આપણે આપણા વિશે નહીં પરંતુ બીજાના વિશે વિચારતા થઈએ અને બીજાને માટે કંઈક કરી છૂટવાની ભાવના કેળવતા થઈએ. વ્યવહારુ બનવા કરતાં વિચારવાન બનવું વધારે અગત્યનું છે, બેટા.

અત્યારે તો તું અંદર છે. તારી ચારે તરફ અંધારું જ અંધારું છે. ગભરાઈશ નહીં હોં, અંદર કંઈ લાઈટ નથી જતી રહી !! અત્યારે તારો સમય છે ઈશ્વરની સમીપ રહેવાનો. એમને પ્રાર્થના કરીને ‘તમસો મા જ્યોર્તિગમય’ કહેવાનો. અહીં બહાર તો પુષ્કળ અજવાળું છે તે છતાં કેટલાંય લોકોના હૃદયમાં ઘોર અંધારું છે ! એના કરતાં અત્યારે તું જ્યાં છે ત્યાંનું અંધારું ઓછું ડરામણું છે. હમણાં તો તું એ અંધારાને માણતા શીખ. બહાર આવીને તો તારે આ અજવાળું જ સહન કરવાનું છે. પરંતુ એમ કરતાં કરતાં જો જીવનમાં કોઈક વાર અંધકાર છવાઈ જાય તો ડરીશ નહીં, કારણ કે અંધકાર પછી અજવાળું થતું જ હોય છે.

પેલું હિન્દી વાક્ય છે ને કે ‘आज कल पांव जमी पर नहीं टीकते मेरे…..’ મારા મનની પણ આવી જ હાલત છે. ક્યારેક બહુ ઉદાસ થઈ જઉં છું તો ક્યારેક કારણ વગર ખુશ થઈ જઉં છું. અમુક વાર તો અચાનક ગુસ્સો પણ આવી જાય છે. આ અવસ્થામાં મૂડ સતત બદલાતો રહે છે એમ સાંભળ્યું છે. કદાચ એની જ આ અસર હશે. કોણ જાણે ? કોઈવાર એમ થાય છે કે ઘણું બધું જાણવું પણ નકામું છે. ખરું ને ? કશી ખબર જ ના હોય તો કેટલું સારું ! સહદેવનું અતિજ્ઞાન જ તો એને શાંતિથી જીવવા દેતું નહોતું. અમારે ભણવામાં ‘અતિજ્ઞાન’ નામની એક કવિતા આવતી હતી. એ કવિતા તો આજે યાદ નથી પરંતુ એમાં એવું આવતું હતું કે દ્રૌપદીના ચીરહરણ વિશેની બધી જ વાત સહદેવને પહેલેથી ખબર હોય છે. પરંતુ જ્યાં સુધી એને કોઈ કશું પૂછે નહિ ત્યાં સુધી તે કોઈને કશું જ કહી શકે નહીં. પોતાની પત્નીનું જાહેરમાં અપમાન થવાનું હોવા છતાં સહદેવ તે રોકી શકતો નથી. આજે આ ‘અતિજ્ઞાન’ જેવા જ કેટલાક યંત્રો શોધાયા છે જેની મદદથી માતાના પેટમાં રહેલા બાળકની સ્થિતિ જાણી શકાય છે. ખરેખર તો આ યંત્રોનો ઉપયોગ બાળકની શારીરિક સ્થિતિ જાણવા માટે થવો જોઈએ પરંતુ કોઈ પણ વસ્તુનો દૂરુપયોગ કરવાનું જાણે માણસના લોહીમાં વણાઈ ગયું છે ! કેટલાક લોકો તેનો ઉપયોગ બાળકની જાતિ જાણવા માટે કરે છે અને એ પછી બાળકના માતા-પિતા ડૉક્ટર સાથે મળીને એ હિચકારું કૃત્ય કરે છે જે તેમનામાં રહેલી પશુતાને ઉજાગર કરે છે. આ રીતે આ અતિજ્ઞાન શાપરૂપ જ સાબિત થાય છે.

મારે મન તો તું જે હોઈશ તે, હું તને ભરપૂર વ્હાલ કરવાની છું. મારે જોઈએ છે મારો એવો એક અંશ જે અંધારામાં અજવાળું કરી શકે, પ્રકાશના કિરણોને આવકારી શકે, કોઈકનો પથ પ્રકાશિત કરી શકે…. તને થશે કે અરે….અરે… મમ્મીને તો બહુ મોટી અપેક્ષાઓ છે ! પણ ના… એવું જરાય નથી. હું મારી અપેક્ષાઓ ક્યારેય તારી પર લાદીશ નહીં. આ તો એક સારા માણસ બનવાની વ્યાખ્યા તને સમજાવું છું…. બરાબર ને ?

બારી બહાર ઘેરાયેલાં વાદળોને જોઈને એક જોડકણું યાદ આવે છે :

આવ રે વરસાદ
ઢેબરિયો પરસાદ
ઊની ઊની રોટલીને
કારેલાનું શાક

બસ હવે એકાદ-બે દિવસમાં વરસાદ તૂટી પડશે અને મારું મન કાબૂ બહાર થઈ જશે. વરસાદની ઋતુમાં મને લાગે છે કે હું વાદળ છું અને જાણે આ…ખા…. આકાશમાં આમથી તેમ ફર્યા કરું છું. ક્યારેક આમથી તેમ ફર્યા કરતા વાદળો મને બાળકની ચિંતામાં આંટા મારાતા બાપા જેવા લાગે છે. તેઓ આખી રાત જાગે છે અને ક્યારેક અનરાધાર વરસાદની જેમ વરસી પડે છે. વરસાદમાં આદુ-ફૂદીનાની ચા પીવાની તો બહુ જ મજા પડે. વરસાદની ઋતુમાં જ્યારે હું આવી ચા પીઉં છું ત્યારે તારા ગીતાબાને બહુ યાદ કરું છું. અમે ઘણી વાર આ રીતે બાલ્કનીમાં બેસીને ચા પીધી છે. મેં મારી દરેક વાત એમની સાથે વહેંચી છે. હવે એમની જેમ શાંતિથી સાંભળનારું કોઈ નથી. પરંતુ વાંધો નહીં, હવે તો તું છે ને…. તું સાંભળીશ ને મને ? તારી કુશળતા ચાહું છું.

લિ.
તારી વ્હાલી મમ્મી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

27 thoughts on “બાળક એક ગીત (ભાગ-1) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ””

Copy Protected by Chetan's WP-Copyprotect.