ધ્યાનનિષ્ઠ વિનોબા – સંકલિત

[‘ભૂમિપુત્ર’ પાક્ષિકમાંથી સાભાર.]

મેં અનુભવ્યું છે કે મારો સ્વભાવ ધ્યાનનિષ્ઠ છે. પરંતુ ધ્યાન, કર્મ, જ્ઞાન, ભક્તિ, સેવા – આ બધાં વચ્ચે મારાથી ભેદ નથી કરી શકાતો. વસ્તુ એક જ હોય છે. આ બધાં તો જુદાં જુદાં પાસાંઓ છે. મારું ચાલત તો હું ધ્યાનમાં ડૂબી જાત. સાત-આઠ વરસથી મારી પદયાત્રા ચાલે છે. એક એક પ્રાંતમાં અનેક મહિનાઓ વીતે છે. પછી એ પ્રાંતમાંથી વિદાય લઈ બીજા પ્રાંતમાં પ્રવેશ – આ નાટક ચાલે છે તે મારા સ્વભાવમાં નથી. પણ બાપુ ગયા પછી મેં જોયું કે મારે વ્યાપક કર્મયોગના ક્ષેત્રમાં ઊતરવું જ પડશે. એમ તો ધ્યાનની સાથે સાથે મારો કર્મયોગ પણ ચાલતો જ હતો. પણ એ વિશિષ્ટ કર્મયોગ હતો. વ્યાપક કર્મયોગ ન હતો. એટલે એમાં ધ્યાન જ પ્રધાન હતું. અને કર્મયોગ એ ધ્યાનનું અંગ હતું. હવે ભૂદાનયાત્રા નિમિત્તે વ્યાપક કર્મયોગ માટે નીકળી પડ્યો છું. પણ અંદરથી તો મારું ધ્યાન જ ચાલે છે. હું જ્યારે મારું પરીક્ષણ કરું છું કે આખો દિવસ શું કરું છું તો ‘ધ્યાન કરું છું’ એવો જ ઉત્તર અંદરથી આવે છે. મારી સામે કોઈ ચિત્રલેખન થતું હોય અથવા તો કોઈ ઘટના બનતી હોય અથવા ભજન સંભળાતું હોય કે પક્ષીનો અવાજ સંભળાતો હોય, સામે પહાડ કે બીજું કોઈ દૃશ્ય હોય, સૂર્યોદય થતો હોય કે હવા વહેતી હોય – જે કંઈ હોય તે બધું મને ધ્યાનમાં જ મદદ કરે છે. અને તેથી મને રોજ નવું નવું સૂઝે છે. મને આશ્ચર્ય થાય છે કે ભગવાને જીવનમાં કેટલું બધું ભરી રાખ્યું છે !

વિવિધ અનુભૂતિઓ
1916 થી 1920 દરમિયાન હું સાબરમતી આશ્રમમાં હતો. ત્યાં રાત્રે બધું શાંત થઈ ગયા પછી ઓરડામાં બેઠાં બેઠાં મેં અંધારામાં ધ્યાન કરવું શરૂ કર્યું. શીઘ્ર એકાગ્રતા સધાઈ. ચિત્તમાં સમાધાનનો ભાવ રહેવા લાગ્યો. પરંતુ પછી શંકા આવી કે શુદ્ધ સમાધિ ન પણ હોય, તેમાં થોડી ઊંઘ પણ ભળી હોય ! તો વિચાર આવ્યો કે સમાધિનો આભાસ તો નથી ને ? અને ત્રણ મહિનાથી ચાલતા એ પ્રયોગને છોડી દીધો. તેને બદલે સવારના વહેલા ઊઠીને ધ્યાન કરવા લાગ્યો. તેમાં જલદી સફળતા ન મળી. સતત પ્રયત્નને પરિણામે એકાગ્રતાનો અનુભવ આવવા લાગ્યો. છ મહિના સુધી આ અભ્યાસ ચાલુ રાખ્યો. ધ્યાન અને સમાધિની, આ મારી પહેલી અનુભૂતિ !

શૂન્યતાનો અનુભવ
1937માં નાલવાડીમાં આઠ-આઠ કલાક સૂતર કાંતવાના પ્રયોગથી મને નબળાઈ આવી. તાવ અને ખાંસીએ મને પરેશાન કરી મૂક્યો. સ્વાસ્થ્ય સુધારવા 1938માં 7 માર્ચે પવનાર પહોંચ્યો. બધાં કામો અને સંસ્થાઓની ચિંતા છોડી, નિશ્ચિંત મને બંગલામાં પ્રવેશ કર્યો. ત્યાં કલાકો સુધી મન શૂન્ય રાખીને પડ્યો રહેતો. એ મારો શૂન્યતાનો અનુભવ હતો. ઘડિયાળને જે રીતે બંધ રાખીએ તે રીતે મનને બંધ કરી મૂકી દીધું હતું. કલાકોના કલાક શૂન્યાવકાશમાં રહેતો. વિકારમુક્તિ તો પહેલાં જ સધાઈ હતી. હવે વિચાર-મુક્તિનો પ્રશ્ન હતો. બુદ્ધિબળની રમતમાં બુદ્ધિ વિચાર કરે છે. રમત તો મિથ્યા છે જ. પરંતુ તેમાં પણ બુદ્ધિ થોડો વિચાર કરે છે. તેટલું પણ નહીં. તે પણ છોડ્યું. તેનું પરિણામ એટલે સુધી આવ્યું કે બધું શૂન્ય લાગતું. આ બધું જ નહીં તેમ અનુભવાતું. ‘નથી’નો એટલો તો અનુભવ આવતો કે ‘છે કે કેમ’ તે સમજવા જાગૃતિમાં પણ હાથથી સ્પર્શીને અનુભવ લેવો પડતો. અને હાથને કાંઈ કઠણ સ્પર્શ થતો, એટલું જ. સૃષ્ટિના લોપનો એ અનુભવ હતો. ફક્ત આપણે આપણા સ્થાનમાં છીએ, તેટલી જ અનુભૂતિ રહેતી.

ભરત-રામ
1932માં હું ધુળિયા જેલમાં હતો. ત્યાં ગીતા પર મારાં પ્રવચનો થયાં. બારમા અધ્યાયમાં સગુણ-નિર્ગુણ ભક્તિનું વર્ણન કરતાં, મેં લક્ષ્મણ અને ભરતની ભક્તિનો ઉલ્લેખ કર્યો છે. અને ભરત અને રામ પ્રેમપૂર્વક એકબીજાને મળી રહ્યા છે તેનું એક શબ્દચિત્ર રેખાંકિત કર્યું હતું. 1938માં હું પરંધામ, પવનારમાં રહેવા ગયો. ત્યાં કોદાળીથી થોડી મિનિટો ખોદવાનો મારો રોજનો કાર્યક્રમ હતો. એક જગ્યાએ કોદાળીને પથ્થર લાગ્યો. આસપાસ ખોદતા જણાયું કે પથ્થર થોડો મોટો છે. તેટલો ભાગ છોડી દીધો. અને આગળ ખોદવા લાગ્યો. સાથીઓએ આવીને એ પથ્થર બહાર કાઢ્યો. તો શું દેખાયું ? ભરત-રામની સુંદર શિલા ! ‘ગીતા-પ્રવચનો’માં શબ્દાંકિત કરી હતી તેની જ જાણે પ્રતિમૂર્તિ ! મેં તે ભગવાનનો પ્રસાદ માન્યો. અને મારી બધી શ્રદ્ધા-ભક્તિ એના પર એકાગ્ર કરી. આ પ્રકારના ભગવત-અનુગ્રહના પ્રસંગો મેં અનેક સંતોના ચરિત્રમાં સાંભળ્યા હતા. એ મૂર્તિ-દર્શનથી હું ગદગદ થઈ ગયો.

જ્ઞાનદેવનો અનુગ્રહ
પરંધામમાં મનની એક વિશેષ અવસ્થામાં જ્ઞાનદેવનો મારા પર વિશેષ અનુગ્રહ થયો. પરંધામમાં મને ત્રણ લાભ થયા છે. 1. શૂન્ય ચિત્તનો અનુભવ 2. ભરત-રામની પ્રીતિ 3. જ્ઞાનદેવનો અનુગ્રહ

ભલાઈ જગાડી શકાય છે
તેલંગણમાં (18 એપ્રિલ 1951) પોચમપલ્લી ગામમાં હરિજનોએ જમીનની માંગણી કરી અને સો એકર જમીન દાનમાં મળી. તે રાત્રે મને ત્રણ-ચાર કલાક જ ઊંઘ આવી. આ તે કેવી ઘટના બની ? હું વિચારમાં પડી ગયો. મને ભગવાન પર શ્રદ્ધા છે અને ત્યાર બાદ નંબર બેની શ્રદ્ધા ગણિતશાસ્ત્ર પર છે. તો મેં ગણતરી શરૂ કરી. ભારતના બધા ભૂમિહીનો માટે જમીન માંગવી હોય તો પાંચ કરોડ એકર જમીન જોઈએ. માંગવાથી આટલી જમીન મળી શકે ? અને પછી સાક્ષાત ઈશ્વર સાથે સંવાદ શરૂ થયો. સામે બેઠેલી વ્યક્તિ સાથે વાત કરું છું તેવી જ વાત થઈ. તેણે કહ્યું, ‘જો આમાં આશંકા કે ડર રાખીશ તો તારે અહિંસા પરના વિશ્વાસનો દાવો છોડવો પડશે. શ્રદ્ધા રાખ અને માંગતો જા.’ અને પછી કહ્યું કે ‘જેણે બાળકના પેટમાં ભૂખ પેદા કરી છે તેણે માતાના સ્તનમાં દૂધ મૂક્યું છે. તેની યોજના અધૂરી નથી હોતી.’ અને મારું સમાધાન થઈ ગયું.

તેલંગણાના આ અનુભવને કયા શબ્દમાં વર્ણવું એ વિચાર કરતાં મને ‘સાક્ષાત્કાર’ શબ્દ જ સૂઝ્યો. ત્યાં મને એક પ્રકારનો ઈશ્વરનો સાક્ષાત્કાર જ થયો. મનુષ્યના દિલમાં ભલાઈ છે અને તેને જગાડી શકાય છે – આ શ્રદ્ધાથી મેં કામ કર્યું અને ભગવાને તેનું દર્શન કરાવ્યું. માનવના ચિત્તમાં અસૂયા, મત્સર, લોભ આદિ પ્રવૃત્તિઓ ભરી છે એવું માનીને હું ગયો હોત તો ભગવાને તેવું જ દર્શન કરાવ્યું હોત. તો મેં જોઈ લીધું કે ભગવાન કલ્પતરુ છે. જેવી આપણે કલ્પના કરીએ છીએ, તેવું રૂપ તે પ્રગટ કરે છે. આપણે જો શ્રદ્ધા રાખીએ કે ભલાઈ મોજૂદ (હાજર) છે, બુરાઈ નાચીજ છે તો તેવો અનુભવ આવી શકે છે.

નિર્વિકલ્પ સમાધિ
ભૂદાનયાત્રા દરમ્યાન 1952માં ચાંડિલમાં મને મેલિગ્નંટ મેલેરિયા થયો. તાવ હટતો નહોતો. અને નબળાઈ ખૂબ વધી ગઈ. 17 ડિસેમ્બરે હાલત ગંભીર થઈ ગઈ. પાસેના લોકોને કહ્યું, મને બેસાડો. તેમણે મને બેઠો કર્યો. અને હું સમાધિમાં ડૂબી ગયો. શાસ્ત્ર જેને નિર્વિકલ્પ સમાધિ કહે છે, તે પ્રકારની એ અનુભૂતિ હતી. એ અનુભવ શબ્દોમાં કરવો કઠણ છે. નિર્ગુણ સ્વરૂપની એ અનુભૂતિ હતી.

અધિરૂઢ – સમાધિયોગ
ત્યાર બાદ મુંગેર જિલ્લામાં ઉલાવ ગામમાં શિવમંદિરના તલઘરમાં લિંગની નીચે બેઠો હતો. અનુભવ આવ્યો કે શિવજી મારા ઉપર આરૂઢ થયા છે અને હું તેમનો નંદી છું. તે દિવસે મારે માટે ‘અધિરૂઢ સમાધિયોગ’નો નવો અર્થ ખૂલ્યો. ત્યાર સુધી હું એનો અર્થ યોગારૂઢ અર્થાત યોગ પર આરૂઢ જ સમજતો હતો. પરંતુ તે દિવસે સમજાયું કે એનો અર્થ છે, જે યોગનું વાહન બન્યો છે તે. એ હતો સગુણ સ્પર્શ !

ઈશ્વર-સ્પર્શ
યાત્રા દરમ્યાન બિહારમાં વૈદ્યનાથધામ જવાનું થયું. ત્યાં કેટલાક મિત્રોએ કહ્યું કે તમે હરિજનોની સાથે મંદિરમાં જાઓ. મેં કહ્યું, મંદિરમાં માલિકોની રજા હશે તો જઈશ, અન્યથા નહીં જાઉં. હું મંદિરના દેવતાનો ભક્ત છું. દેવ-પૂજામાં મારી શ્રદ્ધા છે. છતાંયે મને સર્વત્ર પરમેશ્વર દર્શનનો અભ્યાસ છે. તો ત્યાંના લોકોની પરવાનગી સિવાય હું મંદિરમાં ન જાત. તેમણે મને પરવાનગી આપી. તે પ્રમાણે હું મારા સાથીઓ સાથે દર્શન માટે નીકળ્યો. સાથીઓમાં હરિજન પણ હતા. ત્યાં પહોંચતાં જ ત્યાંના લોકોએ અમને તડાતડ મારવું શરૂ કર્યું. પાંચ-છ મિનિટ સુધી પ્રહાર કરતા રહ્યા. તેઓ મારા પર જ પ્રહાર કરવા માંગતા હતા. પરંતુ સાથીઓએ તે પ્રહાર પોતાના પર ઝીલી લીધા. પરંતુ પરમેશ્વર થોડો પણ પ્રસાદ આપ્યા વગર શેનો છોડે ? એક વ્યક્તિનો પ્રહાર મારા ડાબા કાન પર પડ્યો. કાન પહેલેથી કમજોર તો હતો જ. એ પ્રહાર ખાઈને કાનમાં અવાજ શરૂ થઈ ગયો, જે નાક-કાનમાં ચાર-પાંચ દિવસ ચાલુ રહ્યો. મેં કોઈ દવા ન લીધી. વિચાર્યું, આ પરમેશ્વરનો પ્રહાર છે. તેના પર દયા ન હોય. અને જ્યારે હું મુકામ પર પાછો ફર્યો ત્યારે ખૂબ આનંદમાં હતો એ. મેં કહ્યું, હું ઈશ્વરના દર્શન માટે ગયો હતો. પરંતુ ઈશ્વરનો સ્પર્શ પણ મળ્યો. ભક્તિ અને પ્રેમને કારણે મને એ માર રુચિકર લાગ્યો.

આલિંગન
22 ઓગસ્ટ 1957ના દિવસે મચ્છરદાનીમાં સૂતો હતો. કાંઈક કરડ્યું તો મચ્છરદાનીમાંથી બહાર નીકળ્યો. જોયું તો પથારીમાં કાળોતરો વીંછી હતો. ખૂબ વેદના ઊઠી. વેદના એટલી તીવ્ર હતી કે એક જગ્યાએ બેસવું મુશ્કેલ થઈ ગયું. અહીંથી ત્યાં, ત્યાંથી અહીં બેચેન બનીને આંટા મારવા લાગ્યો. લગાતાર પાંચ કલાક ચાલ્યું. વેદના અસહ્ય થતી ગઈ. છેવટે જઈ પથારીમાં આડો પડ્યો. આંખોમાંથી આંસુ વહી રહ્યા હતાં. વલ્લભ પીઠ પર હાથ ફેરવવા લાગ્યો. મેં એને કહ્યું, તૂં સૂઈ જા, હું પણ સૂઈ જાઉં છું. મનમાં ગણગણતો હતો –
नान्या स्पृहा रघुपते स्मदीये
सत्यं वदोमि च भवान अखिलात्रात्मा भक्तिं प्रयच्छ रघु-पंगव निर्भरां मे कामादि दोष रहितं कुरू मानसं च.
કહેતો તો હતો – નાન્યા સ્પૃહા – બીજી કોઈ ઈચ્છા નથી. પરંતુ વેદના દૂર થાય તેવી ઈચ્છા તો હતી જ. એકદમ મનમાં ને મનમાં બોલી પડ્યો – ‘ક્યાં સુધી સતાવીશ ?’ અને મારી વેદનાઓ શાંત થઈ ગઈ. મને આલિંગનનો અનુભવ આવ્યો. બે મિનિટમાં ગાઢ નિદ્રામાં ડૂબી ગયો.

પંઢરપુરનો અનુભવ
મહારાષ્ટ્રની પદયાત્રા દરમ્યાન હું પંઢરપુર પહોંચ્યો. ત્યાંના વિઠોબાના મંદિરના સંચાલકોએ મને દર્શન માટે આવવાનું આમંત્રણ આપ્યું. મારી સાથે બધા ધર્મ, જાતિની વ્યક્તિઓ હતી. તે સહુની સાથે મેં વિઠોબાનાં દર્શન કર્યાં. (29-5-58). તે દિવસે ત્યાં મેં જે દૃશ્ય જોયું, તેને હું જિંદગીભર નહીં ભૂલું. મારા હૃદય પર તેની ઘણી ઊંડી છાપ પડી છે. વિઠોબાનાં ચરણ પાસે હું ઊભો હતો, તે વખતે મને જે અનુભવ થયો તેનું શબ્દોમાં વર્ણન કરવું કઠણ છે. લગભગ એક કલાક સુધી મારી આંખોમાંથી અશ્રુધારા વહેતી રહી. એ મૂર્તિમાં મને પથ્થર ન દેખાયો. ત્યાં મેં સાક્ષાત ઈશ્વરનું રૂપ પ્રગટ ભાળ્યું. હું જ્યારે ત્યાં જવા નીકળ્યો ત્યારે કોની સંગતિમાં જઈ રહ્યો હતો ? એ હતા – રામાનુજ, નમ્મલવાર, જ્ઞાનદેવ, ચૈતન્ય, કબીર, તુલસીદાસ, બાળપણથી જેમની સંગતિમાં હું રહ્યો, તે સહુની યાદ મને આવતી હતી. એ મૂર્તિની સામે મેં માથું નમાવ્યું ત્યારે મેં મારી માને ત્યાં જોઈ, પિતાને ત્યાં જોયા, ગુરુને ત્યાં જોયા. મેં ત્યાં કોને ન જોયાં ? મને જે કોઈ પ્રિય છે તે સહુ મને ત્યાં દેખાયાં, તૃપ્ત અંત:કરણથી મેં એ સહુને ત્યાં નીરખ્યા.

સામૂહિક સાક્ષાત્કાર
ચંબલ ઘાટીમાં જે કાંઈ થયું (બાગીઓનું આત્મસમર્પણ) તે ઈશ્વરની કૃપા છે. તેનું 16 આના શ્રેય ઈશ્વરને છે. આ ‘અહિંસાનો ચમત્કાર’ મનાશે. મને આવો સામૂહિક સાક્ષાત્કાર ત્રણ વાર થયો છે. પહેલો પોચમપલ્લીમાં, બીજો બિહારમાં વૈદ્યનાથધામમાં અને ત્રીજો ચંબલમાં.

ઈશ્વરનું અસ્તિત્વ
કોઈએ મને પૂછ્યું, સામે દીવો છે, તેના અસ્તિત્વની જેટલી નિશ્ચિતતાથી તમે ખાતરી આપી શકો છો તેટલી જ નિશ્ચિતતાથી ઈશ્વરના અસ્તિત્વ વિશે કહી શકો ? મેં કહ્યું ઈશ્વરના અસ્તિત્વ માટે હું નિશ્ચિત જ છું. પરંતુ સામે દીવો છે કે નહીં તે સંબંધમાં હું કોઈ ગેરંટી નથી આપી શકતો. ઈશ્વરને સાક્ષાત જોયાનો અભ્યાસ મને કેટલીયે વાર થયો છે. કાંઈક અમારા કુટુંબમાંથી મળેલી શ્રદ્ધાને કારણે પણ હોય, કંઈક અંશે જે ગ્રંથો પર મારી શ્રદ્ધા છે તેને કારણે પણ હોય. પરંતુ મારી શ્રદ્ધા ફક્ત તેટલા પર જ નિર્ભર નથી. એ તો આંખો વડે જુએ છે કે સામે ઈશ્વર છે. બાકી જે ભિન્ન-ભિન્ન પ્રાણીઓ, જીવો, મનુષ્યો આપણી સામે ઊભાં છે, તે સઘળાં તો ઈશ્વરના અનેક સંકલ્પો છે.

પ્રાચીન સંતોનો સંપર્ક
હું ઘણીવાર કહું છું કે બાપુ સાથે મારી વાતચીત થાય છે. જ્યારે તે જીવતા હતા ત્યારે પાંચ માઈલ ચાલીને તેમને મળવા જવું પડતું. બે કલાક તેમાં જતા. તકલીફ પણ થતી, હવે તો આંખો બંધ કરું છું અને એક સેકંડમાં તેમની મુલાકાત થઈ જાય છે. પ્રશ્ન પૂછી શકું છું, ઉત્તર પણ મળે છે. કોઈ તકલીફ નથી થતી. ત્યારે તેમને શરીરનું બંધન હતું. હવે તેમાંથી મુક્તિ મળી છે. અને તેઓ બધે જ છે. કોઈ જાતનું બંધન નથી. હું છું હજી બંધનમાં. પરંતુ જ્યાં સુધી શરીરમાં છું, તેમની પાસેથી પ્રેરણા મળતી રહેશે. આ જાતના કેટલાક વ્યાપક સાક્ષાત્કાર પણ થાય છે, જેમાં અનેક પ્રાચીન પુરુષોનો અવાજ વાતાવરણમાં ફેલાયેલો પડ્યો છે. તે ગ્રહણ કરવાની શક્તિ જેની પાસે હશે તેને તેનો અનુભવ આવશે. મેં કેટલીયે વાર કહ્યું છે કે હું યાત્રા કરી રહ્યો છું તો મારી આગળ રામ જઈ રહ્યા છે, પાંચ પાંડવ જઈ રહ્યા છે, બુદ્ધ, મહાવીર, શંકર, રામાનુજ, કબીર, નામદેવ જઈ રહ્યા છે. તેમની પાછળ પાછળ હું જઈ રહ્યો છું. બાબા એકલો નથી, એ સહુનો સથવારો છે. ક્યારેય એકલાપણું નથી અનુભવાતું. નિરંતર અનુભવ આવે છે કે તમનો સથવારો છે. તુફાનયાત્રાના એ દિવસો. મારો પડાવ બેતિયામાં હતો. એક દિવસ રાતના સ્વપ્ન આવ્યું. એક સાત્વિક મુખમુદ્રા ધરાવનાર વ્યક્તિ મારી સામે બેસી, મારી સાથે વાતચીત કરી રહી હતી. ચર્ચાનો વિષય હતો, તુલસીદાસજીની વિનયાંજલિ. તેણે બે ભજનોનો અર્થ પૂછ્યો હતો; કેટલીક શંકા પણ ઉપસ્થિત કરી હતી. હું સમજાવી રહ્યો હતો. તે એકાગ્રતાથી સાંભળી રહી હતી અને વચ્ચે વચ્ચે માથું હલાવી સંમતિ પ્રકટ કરી રહી હતી. ઘણી વાર પછી મારા ખ્યાલમાં આવ્યું કે આ તો સાક્ષાત તુલસીદાસજી છે, જે મારી સાથે વાત કરી રહ્યા છે. અને મારી ઊંઘ ઊડી ગઈ. હું વિચારવા લાગ્યો કે આને શું કહેવું ? યાદ આવ્યું કે આજે તુલસીદાસજીની જયંતી છે. પ્રત્યેક વરસે તુલસી-જયંતિને દિવસે હું રામાયણ અથવા વિનયપત્રિકા જોઈ તુલસીદાસનું સ્મરણ કરી લેતો. પરંતુ તે દિવસ તુલસી-જયંતિનો દિવસ મારી ખ્યાલ બહાર રહ્યો. અને રાતના આવીને મને એ બે ભજનોના નવા અર્થ સૂઝ્યા.

તેવી જ રીતે એક વાર કોઈ એક પ્રશ્નના સંદર્ભમાં મેં જ્ઞાનેશ્વરીની એક ઓવીનું વિવેચન કર્યું. તે રાત્રે ઊંઘમાં જ્ઞાનેશ્વર મહારાજની વિન્યા સાથે વાતચીત થઈ. જ્ઞાનદેવ મહારાજે કહ્યું, ‘વિન્યા, તું એટલું તો ઠીક સમજ્યો છે કે यतो वाचा निवर्तंते अप्राप्य मनसा सह એ ઉપનિષદ વાક્ય પરથી મેં જ્ઞાનેશ્વરીમાં बोला बुद्धिसी अटक શબ્દપ્રયોગ કર્યો છે. ઉપનિષદના ‘वाचा मनस ને બદલે મેં ‘बोला बुद्धि’ શબ્દ વાપર્યો છે, તે સકારણ છે. ઉપનિષદના ‘મનસ’માં બુદ્ધિનો અંતર્ભાવ માનવો જોઈએ અને જ્ઞાનેશ્વરીની બુદ્ધિમાં ‘મનસ’નો અંતર્ભાવ. પરંતુ મેં ત્યાં બુદ્ધિ શબ્દ કેમ મૂક્યો તે સમજવા ઉપનિષદના ‘મનસ’ શબ્દ પર ચિંતન કર – આમ, મારી જ્ઞાનેશ્વર મહારાજ સાથે આટલી વાત થઈ. ‘सब महैं रम रहिया प्रभु एकै’

મારા કેટલાક મિત્રો મને કહે છે, ‘તમે પણ શું મૂર્તિમાં શ્રદ્ધા રાખો છો ? કેવું નર્યું ભોળપણ છે !’ ‘હું કહું છું, મારું એ ભોળપણ જતું નથી. મારે માટે એ ભોળપણ ભલું છે. મૂર્તિનાં દર્શનથી મારી આંખો છલકાય છે. અને નામદેવની સાથે જે રીતે મૂર્તિ વાતો કરતી હતી, તેવી રીતે મારી સાથે પણ વાતો કરે છે. મને એ અનુભવ થાય છે. લોકો પૂછે છે, ‘તમને ભગવાનનાં દર્શન થયાં છે ?’ કહું છું, જી હા ! દર્શન જ નહીં, વાતચીત પણ કરું છું. મારી સામે આ બધું શું છે ? પદયાત્રામાં सहस्रशीर्ष: सहस्रपाद: પરમાત્માનું દર્શન થયું. જેની સાથે વાત કરું છું, તે ભગવાન જ છે. અહીં આશ્રમમાં જે મૂર્તિઓ નીકળી છે, તે પણ ભગવાન છે. સામે ઊભેલાં વૃક્ષો પણ ભગવાન જ છે. પરમાત્મા સ્મરણની વિસ્મૃતિ નથી થતી. વરસોથી એ સ્મરણ છે કે ઈશ્વર મારી સાથે છે. આ કોઈ ઇતિહાસ-ભૂગોળનું સ્મરણ નથી. આને જ્ઞાન પણ ન કહેવાય. આ તો અંદરની અનુભૂતિ છે. તેને ભાન કહે છે. ભાન એટલે શું ? सब महं रम रहिया प्रभु एकै – સર્વત્ર એક જ પરમાત્મા રમી રહ્યા છે – એનું ભાન. (સંકલિત)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “ધ્યાનનિષ્ઠ વિનોબા – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.