સત્યમેવ જયતે – ડો. ગુણવંત શાહ

[‘જનકલ્યાણ’ માસિકમાંથી સાભાર.]

તમે જો એમ માનતા હો કે તમે જૂઠું બોલો છો એની તમને પણ ખબર નથી તો તમે ભીંત ભૂલો છો. તમે જો એમ માનતા હો કે તમે વાતે વાતે જૂઠું બોલો છો એની લોકોને ખબર નથી તો તમે નાદાન છો. વારંવાર જૂઠું બોલવાથી શું લાભ ? પહેલો લાભ એ કે તમને તમારી જાત પ્રત્યે આદર નથી રહેતો. બીજો લાભ એ કે બીજા લોકોને તમારા પ્રત્યે આદર નથી રહેતો. શું આવું બને તે લાભ ગણાય ? તમારી ગેરહાજરીમાં મિત્રો કે સ્વજનો તમને જૂઠા, બેઈમાન કે લફંગા તરીક ઓળખાવે તો તમે જૂઠું બોલીને શું મેળવ્યું ? આવું લેબલ લાગી જાય પછી એક દુર્ઘટના બને છે. તમે ક્યારેક ગળે આંગળી અડાડીને કહો તોય તમારી સાચી વાત માનવા કોઈ તૈયાર નથી થતું. તમારી હલકી છાપ તમારી પત્નીને, તમારાં સંતાનોને અને તમારા મિત્રોને નીચાજોણું કરાવનારી બની રહે છે.

ટૂંકમાં, તમે એ બધાં માટે બોજ બનીને જીવી ખાવ છો. યહ જીના ભી કોઈ જીના હૈ લલ્લુ ? તમે જો એમ માનતા હો કે તમે જૂઠું બોલો અને વારંવાર જૂઠું બોલો એની તમારી તબિયત પર કોઈ જ અસર નથી પડતી તો તમે મૂર્ખ છો. તમે કેટલી વાર જૂઠું બોલ્યા એનો સ્કોર નોંધવાનું કામ તમારી હોજરી કરે છે. આખરે તમે માણસ છો, જાનવર નથી. જ્યારે પણ તમે જૂઠું બોલો ત્યારે મનમાં એક ખટકો પેદા થાય છે અને મિસ હોજરી આવા ખટકાની નોંધ લે છે. મનનો ખટકો તમારી હોજરીને પહોંચે છે. લાંબે ગાળે આવા અસંખ્ય ખટકાની ભેગી અસર શરીર પર પડે છે. તમારો રોકડો સ્વાર્થ સાચું બોલવામાં રહેલો છે. જૂઠું બોલવાને કારણે જે હંગામી લાભ થયો તે તમને થયેલા કાયમી નુકસાન આગળ કોઈ જ વિસાતમાં નથી. સાચું બોલો ને સાજા રહો !

પશ્ચિમના દેશોમાં લોકો સત્યવાદી હરિશ્ચન્દ્ર નથી હોતા, પરંતુ એ લોકો વાતે વાતે જૂઠું નથી બોલતા. આપણે ત્યાં સેવકો, સાધુઓ, પત્રકારો, પ્રાધ્યાપકો, પ્લમ્બરો, સુથારો, કડિયાઓ, દુકાનદારો અને નેતાઓ જૂઠને લલિત કલામાં ફેરવી નાખે છે. કેટલાક લલ્લુઓ કોઈ લાભ ન હોય એવી બાબતમાં પણ ટેસથી જૂઠું બોલે છે. એ લોકો આદત સે મજબૂર છે. જૂઠું બોલવાની પણ હોબી હોઈ શકે ? સાચું બોલવાની વાત આવે એટલે ગાંધીજીનું સ્મરણ થાય. શત્રુ પણ એમના પર વિશ્વાસ મૂકતો. દક્ષિણ આફ્રિકાની લડતમાં સામે પક્ષે ગોરો હાકેમ જનરલ સ્મટ્સ હતો. લડતને અંતે સમાધાન થયું. સમાધાનનો ખરડો ગાંધીજીએ તૈયાર કર્યો. કસ્તૂરબા ગંભીર માંદગીમાં સપડાયા હતાં. ગાંધીજી ખરડા પર જનરલના હસ્તાક્ષર ન થાય ત્યાં સુધી પ્રિટોરિયા છોડવા તૈયાર ન હતા. દીનબંધુ એંડરુઝના આગ્રહથી એ ખરડો પૂરો વાંચ્યા વિના જ જનરલ સ્મટ્સે પોતાના હસ્તાક્ષર કરી આપ્યા હતા. કારણ શું એ જ કે ગાંધી લડે ખરો, પરંતુ ખરડામાં નાનો કે જૂઠો ફેરફાર કે ઉમેરો કદી ન કરે. ગાંધીજી પર શત્રુઓ પણ વિશ્વાસ મૂકે, જ્યારે જૂઠા માણસ પર મિત્રો પણ વિશ્વાસ ન મૂકે ! હવે બોલો, ખરો स्वार्थी કોણ ? એક કલ્પના કરો. ભારતની સવા અબજ જેટલી વસતિમાંથી પચાસ કરોડ લોકો 90 ટકા જેટલું પણ સાચું બોલવાનો સંકલ્પ કરે તો ! આપણી કરોદો ઓફિસો તથા દુકાનો મંદિર જેવી બની જાય, આપણા આશ્રમોમાંથી છેતરપિંડી વિદાય થાય અને સમાજ તેજસ્વી બને. જૂઠું બોલવાને કારણે સમાજની કેટલી માનસિક શક્તિ (સાઇકિક એનર્જી) સતત વેડફાય છે એનો ખ્યાલ કરવા જેવો છે. વાયદો તૂટે છે અને બંને પક્ષે બળતરા શરૂ !

જૂઠું બોલાય ત્યારે કશુંક ખોરવાય છે, ખોટકાય છે અને ખોરંભે પડે છે. સભા મોડી શરૂ થાય ત્યારે હજારો માનવકલાકો બરબાદ થાય છે. સમય વેડફાય તે સાથે જીવન વેડફાય છે. પશ્ચિમના દેશોમાં નાગરિકની માનસિક શક્તિનો આવો જબરદસ્ત અપવ્યય થતો નથી. એ લોકો રામની પૂજા નથી કરતા, તોય વચન પાળે છે. આપણું એથી ઊલટું ! પત્નીને જૂઠું બોલીને છેતર્યા પછી કોઈ પતિ અંદરથી બિલકુલ ખલેલ ન પામે એ શક્ય નથી. ક્યારેક બંને એકબીજાને છેતરે એવું પણ બને છે. પછી તો છેતરપિંડી કોઠે પડી જાય છે. ઇજ્જત એટલે શું ? બીજા લોકો મારે માટે શું વિચારે એવા ભયની બહેનપણીનું નામ ઇજ્જત ! વાત અહીં પૂરી નથી થતી. મારી ઇજ્જત મારી જાત આગળ કેટલી ? આવી ઇજ્જત માટે અંગ્રેજીમાં સુંદર શબ્દ છે : self esteem. સેલ્ફ એસ્ટીમ એટલે પોતાનો પોતાની જાત પ્રત્યેનો આદર. એક ફિલ્મી પંક્તિ યાદ છે ? ‘મૈં અપને આપ સે ઘબરા ગયા હૂં, મુઝે અય જિંદગી દીવાના કર દે’ હા, ક્યારેક આપણો માંયલો જૂઠું કર્યા પછી જેમને ખટકો રહે છે એ લોકોને આપણે સલામ પાઠવીએ. આખી પૃથ્વી એવા શુભ ખટકા પર ટકી રહી છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ભાવશે, ફાવશે અને ચાલશે. . – વિનોદ ભટ્ટ
જીવનયાત્રા : ગર્ભથી ભૂગર્ભ સુધી. . . . ! – હરેશ ધોળકિયા Next »   

4 પ્રતિભાવો : સત્યમેવ જયતે – ડો. ગુણવંત શાહ

 1. Khotu bolya pachhi jo te pakdai jashe eni fikar rakhie toy saru chhe. Ketlak ne to e jane majak chhe. Vastav maa tamaaraa par thi koino vishwas ochho thayo hoy…

 2. Dinesh hathaliya says:

  એવુ કહેવાય છે કે ખોટુ બોલવુ એ પાપ છે પણ પકડાવુ એ મહા પાપ છે કારણ કે ખોટુ બોલ્યા બાદ તેને છુપાવવાના જે કરતુત છે તે ભયાનક હોય છે.સત્ય એ તેજ છે ગમે તેવા અન્ધકારમા પણ તે દેખાય છે

  આદરણિય શાહ સાહેબને ખૂબજ ભાવપૂર્વક

  વન્દન્

 3. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  મુ. ગુણવંતભાઈ,
  આખા રામાયણનો નીચોડ … જૂઠ સમા નહીં પાપ … આપે બહુજ સુંદર રીતે સમજાવી દીધો. ગાંધી બાપુ સાચું જ કહેતા હતા ને — સત્ય એ જ ઈશ્વર છે.
  એક વાત સમજમાં નથી આવતી કે આપણે વાત વાતમાં, કોઈ પ્રકારનો સ્વાર્થ ન હોય તો પણ જુઠ્ઠું શા માટે બોલીએ છીએ ? નીતિ,સત્ય,ધર્મ,શાસ્ત્ર … વગેરે હજારો ગુણોની ચર્ચા કરનારા, અરે ! તેવા અસંખ્ય ગુણો પર બીજાને “બોધ” આપનારા આપણે નાખી દેવા જેવી વાતમાં ફટાક દઈને જુઠ્ઠું બોલી નાખીએ છીએ ! … જ્યારે જેઓને આપણે હંમેશાં વાત વાતમાં વગોવીએ છીએ તે ‘ગોરા’ કદાપિ જુઠ્ઠું બોલતા નથી. આ મારો વિદેશોમાં રહ્યા પછીનો જાત અનુભવ છે.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 4. Ashok Mehta says:

  Hats off to Respected Gunvantbhai.

  Only you can describe such tragic realities of our culture with such a great courage and simplicity.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.