અન્નનો ઓડકાર – તેજલ ભટ્ટ

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ નવસર્જક તેજલબેનનો ખૂબ ખૂબ આભાર. પોતાના લેખન વિશે વાત કરતા તેઓ વાચકોને કહે છે કે : ‘આપ સૌની જેમ જીંદગીમાં ભાગદોડ કરું છું. આ ભાગદોડમાં ખોવાઈ ગયેલી માનવતાને સજીવન કરવાનો પ્રયાસ વાર્તા કે લેખોરુપે કરુ છું. જીવનની નાની-નાની ઘટનાઓ ઘણું શીખવી જાય છે. આ ઘટનાઓ આપણી મરી પડેલી માનવતાને જીવનદાન આપી જાય તો આ કલમની શાહી વસૂલ થઈ જાય.’ આપ તેમનો આ સરનામે tejal.bhatt.29@gmail.com સંપર્ક કરી શકો છો.]

મોહિત અને રીના એક ભણેલ ગણેલ સુખી યુગલ. મોંઘવારીમાં થોડું સારું જીવન જીવી શકાય એ આશામાં બન્ને નોકરી કરતા. સોમવારથી શુક્રવાર તો નોકરી અને ઘરની ભાગદોડમાં નીકળી જાય.શનિ-રવિ આવે એટલે મશીનની જેમ ભાગતા દંપતીના જીવનમાં જીવ આવે.આવા જ એક ’વીકએન્ડ્માં’ મોહિત અને રીનાએ ઘરના રસોડાને રજા આપી હોટલની મુલાકાત લેવાનું નક્કી કર્યું. રોજ કરતા વધારે સારી રીતે તૈયાર થયેલી રીના આજે મોહિતને મજાની લાગી.ઘણા સમય પછી આજે બન્ને હાથમાં હાથ પરોવી રસ્તે નીકળ્યા. શાકભાજી કે કરિયાણું લેવા નહિ પરંતુ ખોવાઈ ગયેલા મોહિત અને રીનાને ગોતવા.

મોંઘવારીમાં જીવતા માણસે બજેટનો પહેલા વિચાર કરવો પડે છે.રીનાએ મનમાં બજેટની ગણતરી કરી અને સારી હોટેલમાં પ્રવેશ કર્યો.કેટલાય દિવસો પછી આજે બન્નેએ નિરાંતે વાતો કરી.અક્બીજાને પૂછી પૂછી મનપસંદ વાનગીઓના ઓર્ડર આપ્યા.રીનાને ભાવતી પાવભાજી, આઈસક્રીમ , મોહિતને ભાવતી ચાયનીઝ વાનગીઓ,જ્યુસ વગેરેથી ટેબલની સજાવટ થઈ ગઈ.જમ્યા પહેલા જ બન્નેને ભોજન જોઈ ઓડકાર આવી ગયો.વાતો કરતા કરતા બન્નેએ જમવાની શરુઆત કરી.કેટલાય દિવસની વાતોનો ભાર આજે ઓછો થયો.વાતો થતી ગઈ અને ભોજન ખવાતું ગયું.નવાઈની વાત તો એ હતી કે ભોજનની મજા કરતાં વાતોની મજા કંઈક અનેરી હતી.વાનગીઓ મનપસંદની હતી પરંતુ વાતો મનથી મનને જોડી દે તેવી હતી.અન્નનો આવો સંતોષભર્યો ઓડકાર આજે વર્ષો પછી આવ્યો હતો. મોહિત અને રીના બન્ને જાણતા હતા કે તે કમાલ ભોજનનો નહિ પરંતુ સંગાથ અને સંવાદનો છે.વાતોના વમળમાં તેમણે ઓર્ડર કરેલું ભોજન બચી ગયું હતું.સંતોષના ઓડકાર સામે આ વધેલા ખોરાકની કાંઈ વિસાત ન હતી.

વધેલું ભોજન છોડી અંતરમાં આનંદનો ઓડકાર લઈ બન્ને બહાર નીકળ્યા.રસ્તા પર ચાલતા ચાલતા તેમની નજર રસ્તાને ખૂણે પડેલા કચરાના ઢગલા પર પડી.થોડા સડેલા ફળો રસ્તા પર કોઈએ ફેંક્યા હતા.સફરજન અને બીજા ફ્ળો ઘણા બગડેલા અને થોડા સારા હતા.બન્નેના આશ્ર્ચર્ય વચ્ચે એક બાળકી ત્યાં કશુંક ગોતી રહી હતી.૫-૬ વર્ષની બાળકીના શરીર પર સમ ખાવા જેટલ વસ્ત્રો હતા.સવારથી ભૂખી હોય તેવું તેનું અશ્કત શરીર અને સંકોચાયેલું પેટ કહેતું હતું.બન્ને જણાના પગ ત્યાં જ થંભી ગયા.તેમણે ઊભા રહીને નિરિક્ષણ કરવાનું નક્કી કર્યુ.બાળકીએ કચરાના ઢગલામાંથી સારું હોય તેવું ફળ ગોતવાની શરુઆત કરી. થોડીવારમાં કચરો ફેંદયા બાદ તેને એક -બે સફરજન મળ્યા. તે સફરજન જોતા તેના ચહેરા પર આનંદની રેખા ઉપસી આવી.તે ખુશી કાંઈક તો જમવા મળશે તેની હતી.બાળકીએ કપડાથી સફરજન લૂછ્યા અને ખાવા મંડ્યા. તેના ચહેરા પર ખુશીની કોઈ સીમા ન હતી.ભૂખ સાથે ભટક્યા બાદ મળેલા અન્નનો તે ઓડકાર હતો.મોહિત અને રીના એક્બીજા સામે જોઈ જ રહ્યા.અચાનક જ તેમને કાંઈક યાદ આવ્યું.હોટલમાં વધેલું ભોજન જેના તેમણે પૈસા ચૂકવ્યા હતા તે પણ આવા જ કોઈ કચરામાં જશે અને કોઈ ભૂખ્યું બાળક તેની રાહ જોતું હશે.આ વિચાર આવતા જ બન્નેના શરીરમાંથી કમક્માટી પસાર થઈ ગઈ.હોટેલના ભોજનનો બધો ઓડકાર હવે ખટાશ બની તેમને ગળે પાછો આવી રહ્યો હતો.

તે જ ક્ષણે મોહિત અને રીનાએ નક્કી કર્યું કે વધેલું અનાજ કચરામાં નહિ પરંતુ કોઈના પેટ સુધી પહોંચાડવું.અન્ન માટે તરસતા લોકોની વાતો રીના વાંચતી પરંતુ નજોરનજર જોયેલું દ્ર્શ્ય તેને હચમચાવી ગયું.તેણે નક્કી કર્યું હોટલમાં જમવા જાય અને ભોજન વધશે તો તે બંધાવી રસ્તે બેઠેલા ગરીબને આપી દેવું.

આપણે એવા દેશમાં રહીએ છીએ જ્યાં હજારો લોકો ભૂખથી મરે છે અને બાકીના હજારો વધુ ખાવાથી.અન્નનો વ્યય ન કરતા જોઈએ તેટલું જ ખાવું જેથી બીજા બે ભૂખ્યા પેટ સંતોષનો જ નહિ પરંતુ અન્નનો ઓડકાર લઈ શકે.અન્નનો બગાડ નહી પરંતુ ઉપયોગ થાય તેવી ચિનગારી મોહિત અને રીનાના જ નહિ પણ આપણા સૌના દિલમાં પ્રગટી જાય તો ભૂખમરાનો ઉકેલ આવી જાય.

Leave a Reply to Mamtora Raxa Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “અન્નનો ઓડકાર – તેજલ ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.