ઉપાસના – ભૂપત વડોદરિયા

[ ‘ઉપાસના’ પુસ્તકમાંથી સાભાર.]

[1] અંતરતમ ઊંડાણમાંથી જાગેલો પોકાર

ભગીરથ પુરુષાર્થ કર્યા પછી ઓચિંતા નીચે પટકાઈ ગયા જેવું થાય ત્યારે માણસે શુ કરવું? આ પ્રશ્નનો જવાબ બ્રિટનના એક સમર્થ વડા પ્રધાન વિંસ્ટન ચર્ચિલે આપ્યો છે. ચર્ચિલની જિન્દગી એવી હતી કે તે 60 વર્ષના થયા ત્યાં સુધી એવું જ બનતું રહ્યું કે ચાર પગથિયાં ચઢે અને પછી છ પગથિયા ઊતરી જવું પડે ! એ સારામા સારી ભાવનાથી કંઈક કામ કરવા જાય પણ પરિણામ જ એવું આવે કે તેના વિષે લોકોનો તિરસ્કાર વધે. જે કંઈ લોકપ્રિયતા હોય તેમાં વધુ ઓટ આવે અને મિત્રો પણ ટીકાકાર બની જાય ! એમની ક્રૂર મશ્કરી પણ થઈ છે. એ જીનિયસ વિધાઉટ જજમેંટ ! માણસ છે દૈવતવાળો પણ વિવેકબુદ્ધિ, ન્યાયબુદ્ધિ વિનાનો ! ચર્ચિલના પિતાના જીવનમાં પણ આવું જ બનેલું. નાની ઉંમરે તે ઊંચા સ્થાને પહોંચેલા અને પછી પટકાઈ ગયા હતા. ચાળીસ વર્ષની ઉંમરે તે ભાંગી ગયા અને મૃત્યુ પામ્યા ! વિંસ્ટન ચર્ચિલને કોઈ કોઈ વાર એવી લાગણી થતી કે મારું જીવન મારા પિતાના જીવનનું દુ:ખદ પુનરાવર્તન તો બની નહીં જાય ! ચર્ચિલના જીવનમાં પંચાવન વર્ષની ઉંમરે એવો બનાવ બન્યો કે તેની જે કંઈ બચત હતી તે ઈ.સ. 1929ની મોટી મંદીમાં સાફ થઈ ગઈ ! અખબારોમાં લેખો લખીને તે પાંચ પૈસા મેળવવા મથે ! વાગવા-પડવાના, હાડકાં ભાંગવાના બનાવો તો ચર્ચિલના જીવનમાં બન્યા જ કરે ! એટલે એક સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ વારંવાર ઊભી થાય ! પછી જ્યારે સંજોગો એવા રચાયા કે બ્રિટનના વડા પ્રધાનનું પદ પાકેલા ફળની જેમ તેમના ખોળામાં આવી પડ્યું ત્યારે તેમણે નોંધ્યું : ‘જિન્દગીમાં વારંવાર પીછેહઠ થતી રહી ત્યારે હૃદયમાં નિરાશા અને કડવાશ ઊભરાતી. એમ થતું કે પોતાની લાયકાત છતાં પોતાને કોઈ નાની કે મોટી જગ્યા મળતી જ નથી ! આજે હવે શાંતિથી વિચાર કરું છું ત્યારે એવું લાગે છે કે આજે મળેલી સફળતા મારી ભૂતકાળની નિષ્ફળતાઓને લીધે જ શક્ય બની છે. એ બધી જ નિષ્ફળતાઓ આજની સ્થિતિ પર પહોંચવા માટેનાં અનિવાર્ય પગથિયાં જ હતાં !’

ચર્ચિલ વડા પ્રધાન બન્યા એટલે એમની કસોટી ત્યાં પૂરી થતી નહોતી. ચર્ચિલ સમજતા હતા કે ભાગ્યની દેવીએ કે પુરુષાર્થની દેવીએ પોતાને ઊંચામાં ઊંચી પરીક્ષામાં બેસવાની પરવાનગી આપી છે ! નાપાસ થવાની શક્યતાઓ બેસુમાર છે અને પાસ થઈ શકાશે તો નામ અમર થવાની તક છે ! બીજા વિશ્વયુદ્ધના એ તબક્કે બ્રિટન ખોખરું થઈ ગયું હતું. આખા યુરોપ ઉપર જર્મનીના હિટલરનો ઝંડો લહેરાતો હતો અને બ્રિટનની પ્રજા બેસુમાર હાડમારીઓ વચ્ચે જીવી રહી હતી. નાણાં નહોતાં, સાધનો નહોતાં, શસ્ત્રસરંજામના પણ વાંધા હતા. સર્વત્ર નિરાશા અને નાસીપાસની આબોહવા ફેલાયેલી હતી ! આવા કાળાધબ્બ ચિત્રની વચ્ચે નવો રંગ પ્રગટ કરવાનો હતો. ચર્ચિલની પાસે શું હતું ? વૃદ્ધ ચર્ચિલની તબિયત પણ કંઈ રાતોરાત સુધરી ગઈ નહોતી. માત્ર ઇચ્છાશક્તિ અને કઠિન પરિશ્રમ કરવાની તૈયારી – એ બે મોટાં તીર તેમના ભાથામાં હતાં. શસ્ત્રો નહોતાં, શબ્દોથી કામ ચલાવવું પડે તેવું હતું ! લડીને – બહાદુરીથી લડીને – ગમે તે ભોગે વિજય હાંસલ કરવાનો જુસ્સો લોકોના દિલમાં જગાવવાનો હતો. ચર્ચિલની ભાષામાં આ તાકાત પ્રગટ થઈ પણ એવી તાકાત કંઈ કોઈ શબ્દોની ચાલાકી કે પોલું ભૂંગળું વગાડવાની ચેષ્ટામાંથી પ્રગટ થઈ ના શકે. મોતના મુખમાં આવી પડેલા માનવીના પ્રાણનો એ પોકાર હતો – અંતરતમ ઊંડાણમાંથી જાગેલો પોકાર.

આવી જ શક્તિ અમેરિકાના પ્રમુખ ફ્રાંકલિન ડિલાનો રૂઝવેલ્ટે બતાવેલી. રૂઝવેલ્ટ પ્રમુખ બન્યા ત્યારે ઘંટડી વગાડે તો હાજર થનારું પણ કોઈ નહોતું અને આવા સંજોગોમાં તેણે આખી પ્રજાને બેઠી કરવાની હતી. આર્થિક સુધારાઓ કરવાના હતા. સમય નહોતો. બધું જ તાબડતોબ કરવું પડે તેવું હતું અને કાંઈક પરિણામ તરત આવે એવું કશુંક કરવું પડે તેવું હતું. દૃઢ મનોબળ અને નીડર પરાક્રમ વડે રૂઝવેલ્ટે પણ પોતાના દેશને બહાર કાઢ્યો. વ્યક્તિગત આપત્તિમાં હોવા છતાં રાષ્ટ્રીય આપત્તિનો પણ મુકાબલો સફળપણે કરનારાં આ બે ચરિત્રો કહેવાય, પણ કેટલાંક એવાં ચરિત્રો છે જેમાં આવા કોઈ જાહેર હોદ્દા કે ફરજ સંભાળવાની વાત નથી પણ એમણે પોતાના અંગત દુર્ભાગ્ય પર વિજય મેળવીને કોઈ ને કોઈ વિશેષ જ્ઞાનની શાખામાં બેનમૂન પ્રદાન કર્યું હોય. ગેલીલિયો, ન્યૂટન, ડાર્વિન જેવા વૈજ્ઞાનિકો, હોમર, મિલ્ટન, દાંતે જેવા કવિઓ, વિંસંટ વાન ગોગ, પોલ ગોગાં જેવા ચિત્રકારો-ખગોળશાસ્ત્રીઓ, સંશોધકો, પર્વતારોહકો અને ઉદ્યોગ સાહસિકોની એક મોટી યાદી તૈયાર કરવી પડે ! પોતાની જિન્દગીને જોખમમાં મૂકીને આરોગ્યના ક્ષેત્રે કીમતી સંશોધનો કરનારા તબીબોની કથા તો વળી અનોખી જ છે ! આ તબીબોને અંગત જીવનની આકરામાં આકરી ભીંસની વચ્ચે આ બધું કરવાનું હતું. રેડિયો-એક્ટિવિટીના શોધક ક્યૂરી દંપતિની ગરીબીની કથા જાણીતી છે. મેરી ક્યૂરીએ રેડિયમ શોધ્યું અને તેને કારણે જ લોહીના કેંસરથી મૃત્યુ પામી. પતિ પિયરે પણ એવાં જ જોખમો ઉઠાવ્યાં હતાં.

[2] સ્નેહ આપો અને સ્નેહ મેળવો

ફ્રાંસની ક્રાંતિના પિતા તરીકે ઇતિહાસનાં પાનાં પર નોંધાયેલા જીન જેક્સ રૂસો ઈ.સ. 1712-1778)એ પ્રકૃતિ તરફ પાચા વળવાની કરેલી હાકલથી માંડીને બીજી ઘણી બાબતમાં તેમણે કરેલી હિમાયતો માટે માનવજાત તેમની ઋણી છે, પણ રૂસોના ચરિત્રમાં વિરોધાભાસો ઘણા છે. તેમાં એક પોતાની જ દયા ખાધા કરવાની તેમની એક આદત ક્યારેક આપણને દંગ કરે છે, તો ક્યારેક રમૂજ પેદા કરે છે. તે હંમેશા પોતાની જાતની દયા ખાઈને કહેતા : ‘મારી તબિયત એટલી નરમ છે કે કંઈ ખબર પડતી નથી કે હું શું કરું ? અંગેઅંગમાં કળતર-આવી તબિયત સાથે, ભાગ્યે જ કોઈ લાંબું ખેંચી શકે !’ પણ હકીકતે રૂસોની તબિયતમાં એવી કોઈ ખરાબી હતી જ નહિ. એ કહેતા, કે રાત્રે મને ઊંઘ આવતી નથી. મને અનિદ્રાનો વ્યાધિ છે. પણ અનેક માણસોએ એવી જુબાની આપેલી છે કે અમે તેમને ઘણી વાર નસકોરાં બોલાવતાં સાંભળ્યા છે ! રૂસો દરેક બાબતમાં પોતાની જ દયા ખાય છે. મારી ગરીબી, મારી લાચારી, મારી માંદગી, અનેક લોકો દ્વારા મારી કનડગત. પણ એમની આવી લાગણી હકીકતો સાથે મુદ્દલ મેળ ખાતી નથી. એ ખરેખર ઈરાદાપૂર્વક જૂઠું બોલતા હતા એવું કહેવાનો આશય નથી પણ એ પોતે બીજાઓના સ્નેહ અને સહાનુભૂતિના એટલા ભૂખ્યા હતા કે તે મેળવવા માટે સતત બીજાના હૈયા ઉપર ટકોરા માર્યા કરતા અને બીજાનાં બારણા ઉપર એમના ટકોરા એટલે એમણે પોતાની જાત પ્રત્યે જ દયાના કાઢેલા આ બધા બુલન્દ ઉદ્ગારો ! હકીકતમાં રૂસોએ કિશોરકાળમાં અને જુવાનીમાં દુ:ખો-હાડમારીઓ જરૂર વેઠ્યાં હતાં પણ આમાં કશુ6 જ અસાધારણ ગણી શકાય તેવું જોવા મળતું નથી. રૂસો કરતાં સર્જક વોલ્ટરે ઘણું વધારે સહન કર્યું હતું.

આવા અનેક માણસો આપણે જોઈએ છીએ, જે હંમેશા પોતાની પીડાને ખૂબ ઘેરા રંગમાં ચીતરે છે. એ પોતાની જાત ઉપર કરુણાનો એટલો મોટો અભિષેક કરે છે કે બીજાઓ પ્રત્યે દાખવવા માટે તેમની પાસે દયાની ઝાઝી મૂડી રહેતી જ નથી. આત્મદયા કે આત્મઘૃણાની એક ગ્રંથિ બંધાઈ ગઈ હોય છે. અલબત્ત, તેના મૂળમાં સ્નેહ અને સહાનુભૂતિની ભૂખ જ પડેલી હોય છે પણ તે પ્રાપ્ત કરવા માટેનો આ સાચો માર્ગ નથી. તમે વધુ ને વધુ સ્નેહ આપો તો તમને પણ ક્યાંકથી અને ક્યાંકથી સ્નેહ પ્રાપ્ત થવાની શક્યતા ઉજ્જવળ બને છે. તમે તમારી સહાનુભૂતિ તેની સંપૂર્ણ સચ્ચાઈ સાથે અન્ય પ્રત્યે પ્રગત કરો તો તમારી તરફ પણ અન્યોની સહાનુભૂતિ પ્રગટ થવાનો પૂરો સંભવ છે. પણ તમે તો તમારી જાત પ્રત્યે બીજાની સહાનુભૂતિ જગાડવા માટે તમારી ‘દયાપાત્રતા’નું જ પાટીયું છાતી પર લટકાવો તો શું પરિણામ આવે ? કોઈ માને કે તમને તમારાં દુ:ખનાં ગાણાં ગાવાની આદત પડી ગઈ છે. આપણે સ્વીકારવું જોઈએ કે આ સંસારમાં દરેક મનુષ્યને સ્નેહની ભૂખ હોય છે અને કેટલીક વાર તો પેટની ભૂખ કરતાં પણ આ ભૂખ કધુ તીવ્ર રીતે સતાવે છે. એટલે દરેક માણસ કોઈ ને કોઈ પ્રસંગે પોતાનાં દુ:ખ કે પરેશાની અંગે એવી રીતે ફરિયાદ કર્યા વિના રહી શકતો જ નથી કે જેમાં પોતાની જાત પ્રત્યેની દયાનો જ એન નાનકડો રેલો સંતાયેલો ના હોય, પણ મોટા ભાગે માણસો આ બાબતમાં વિવેકથી વર્તતા હોય છે. તેમને સ્નેહ જોઈએ છે, સહાનુભૂતિ જોઈએ છે પણ એ મેળવવા માટે પોતાની જાતની દયા ખાવાનું ગમતું નથી. બીજી બાજુ કેટલાક સહેજ પણ સંકોચાયા વગર કહેશે : ‘ભગવાન, મારા જેવું દુ:ખ મારા વેરીને પણ ના આપશો. ખરેખર તમને મારું દુ:ખ બતાવું તો તમારી છાતી ફાટી પડે – એટલે તો હું મારું દુ:ખ સંતાડીને બેઠો છું. આ દુનિયામાં મારા જેવો કમનસીબ માણસ બીજો કોઈ હોય એવું હું માનતો નથી.’ આ રીતે અનેક માણસો પોતાની ‘અનન્યતા’ જાહેર કરે છે ! માણસ પોતાના દુ:ખની વાતમાં મીઠુંમરચું ભભરાવીને આડકતરી રીતે એવો દાવો આગળ કરે છે કે આ દુનિયામાં માણસો માથે ઘણાંબધાં દુ:ખો પડ્યા છે – પડતાં રહ્યા છે અને હજુ પડે છે પણ મારી ઉપર આવી પડેલા દુ:ખને કારણે હું ‘જુદો’ પડી જાઉં છું.

મનોવિજ્ઞાન કહે છે કે કેટલીક વાર માણસો પોતાના સ્વજનની માન્દગીના પ્રસંગે પોતાની માન્દગી ભૂલી જાય છે અને એકદમ સાજા થઈ જાય છે ! તેમના અંતરમાં પોતાના સ્વજન પ્રત્યે સ્નેહ છે અને સ્નેહમાં ચમત્કાર કરવાની શક્તિ છે. એક વૃદ્ધ અશક્ત નારી પોતાના જકડાઈ ગયેલા હાથપગની પીડા ભૂલીને પોતાની પૌત્રી કે પ્રપૌત્રીને જોખમમાં મુકાયેલી જોઈને તેની મદદે પરિણામની પરવા કર્યા વિના દોડી જાય છે. મનોવિજ્ઞાન સાથે સાથે એવું પણ કહે છે કે કેટલાક માણસો પોતાના સ્વજનને માન્દગી આવેલી જોઈને તેમની સહાનુભૂતિમાં માંદા પડી જાય છે. આમ તો આ પ્રદર્શન ‘સહાનુભૂતિ’નું લાગે છે પણ ઊંડે ઊંડે માંદા માણસને મળતી ‘વી.આઈ.પી.’ ટ્રીટમેંટમાં ભાગીદાર થવાની તૃષ્ણા પણ હોઈ શકે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “ઉપાસના – ભૂપત વડોદરિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.