પુસ્તક અને તેના અંગો – નિર્મિશ ઠાકર

[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.]

મને ઘણી વાર લેખક પુસ્તકનું અંગ લાગે છે ને ઘણી વાર એથી અવળું પણ સત્ય લાગે છે ! ઘણી વાર એ બંને કલમની આડપેદાશ (બાય પ્રોડક્ટ !) પણ લાગે છે, કારણ કે કલમથી કરિયાણાનો હિસાબ પણ લખાય છે ! લાગવાનો કોઈ ઈલાજ કે અંત હોય છે ? આ લેખ લાગવામાંથી જન્મ્યો છે, શું લાગે છે ! ગોટાળા ઘણા છે. લેખક ઘડાય, પછી પુસ્તક લખે છે. વળી પુસ્તક લેખકને ઘડે છે, એય ખરું ! મને લાગે છે, પુસ્તકને ક્યારેય એવી લાગણી નથી થતી કે હું ફલાણા લેખકનું છું ! પણ એ હકીકત છે કે ફલાણા પુસ્તકનો હું લેખક છું, એમ વિચારી લગભગ દરેક લેખક ક્રમશ: પહોળા ને પહોળા ઝભ્ભા સિવડાવતો થઈ જાય છે ! મોટી વયે માંડ સગાઈ થઈ હોય, એટલા હરખથી લેખકશ્રી કહેતા હોય છે, ‘હવે મારું પહેલું પુસ્તક પ્રગટ થઈ ગયું હોં !’ એ પછી લગભગ દરેક લેખક નોબલ પારિતોષિકના દાવેદાર હોય, એમ સાહિત્યનાં વિવિધ સ્વરૂપોની ઊંડી ચર્ચા કરતા થઈ જાય છે! (એને લીધે સાહિત્યનાં સ્વરૂપોને પોતાના વિષે કેટકેટલી નવી જાણકારી મળતી હશે !) એક પુસ્તક છપાઈ ગયા પછી ચર્ચાપત્રીયે લેખકોની ડિરેક્ટરીમાં સ્થાન મેળવી લે છે, ત્યારે મને ‘ચર્ચાપત્ર’ પણ મૌલિક-સાહિત્યપ્રકાર લાગવા માંડે છે, બાય ગોડ !

પહેલું પુસ્તક પ્રગટ થઈ ગયા પછી લેખકના માથે શેષનાગથીયે વધુ ભાર આવી પડે છે ! સમગ્ર વિશ્વને નવી દિશા આપવાની લ્હાયમાં ઘણી વાર એ પોતાના ઘરની દિશાયે ભૂલી જાય છે ! પછી પોતાનો ‘હું’ સૌથી અલગ લાગતાં (?), એને પોતાની પ્રત્યેક કૃતિ અ-પૂર્વ લાગવા માંડે છે ! હું પ્રયત્નપૂર્વક કશુંયે લખતો નથી, પણ મારો ‘હું’ જ મને લખાવે છે – એવું એવું એ બોલતો થઈ જાય છે. પ્રથમ પુસ્તક જેટલું મોડું પ્રગટ થાય, એટલો લેખકને ફાયદો છે, કારણ કે એ પહેલાં એ યથાશક્તિ નૉર્મલ જીવન જીવી લે છે. પછી તો એકાંતમાંયે ચેન ન પડતાં વલવલાટ ચાલુ રહે છે. . આ બધું જાણ્યા પછી પ્રથમ પુસ્તક એ લેખક પર પડતો મરણતોલ ફટકો છે – એવું તમને નથી લાગતું ? (એ બધું તમને લાગે નિમ્મેસભૈ, લેખક તો તમે છો !) બે પૂંઠા વચ્ચે જાત સંતાડીને બેઠેલું પુસ્તક જોઉં છું, ત્યારે લાગે છે. . જાણે કે કાચબો અંગો સંકેલી, સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં પડ્યો છે !(પુસ્તકની કાચબા સાથેની તુલના અ-પૂર્વ લાગી ?) તો હવે કાચબાના અંગો. . માફ કરશો. . પુસ્તકનાં અંગો વિષે ચર્ચા કરી જ લઈએ, શું કહો છો ! પૂંઠાથી શરૂ કરીએ ?

પૂંઠુ:

પુસ્તક ટકાઉ છે કે તકલાદી, એ એના પૂંઠાથી સ્પષ્ટ થાય છે. (ટકાઉ લેખકના તો જમાના ગયા, પણ લેખક ઓછો તકલાદી છે કે વધુ, એ એના લખાણથી સ્પષ્ટ થાય છે, દાખલા તરીકે આ લેખ !) સાહિત્યક્ષેત્રે બે પ્રકારના દુકાળ કાયમી હોય છે. લેખકોનો લીલો દુકાળ અને વાચકોનો સૂકો ! આ લીલા અને સૂકા દુકાળનો સમગ્ર બોજ પ્રકાશકો ઉપર જ પડે છે. છતાં’સરકારી પુસ્તક ખરીદી યોજના’ને સહારે પ્રકાશક ટક્યા છે, એટલે લેખકો પણ અટક્યા નથી. તો. . . . કહેવાનું તાત્પર્ય એ જ કે પ્રકાશકો માપનું જોખમ લઈ, લેખકના સાહિત્યક્ષેત્રે પડતા વજનના હિસાબથી પુસ્તકનું વજન રાખે છે. જો ઝીરો ફિગર ધરાવતી યુવતી સમી પાતળી પુસ્તિકા ભાળો, તો સમજી લેજો કે એ કોઈ ઊગતા લેખકની જ હશે. વળી જો કસરતમાં કામ લાગે એવું (મગદળ સમું !) દળદાર પુસ્તક ભાળો, તો સમજજો કે એ કોઈ મૂર્ધન્ય સાહિત્યકારનું જ હશે. અલબત્ત, મૂર્ધન્ય સાહિત્યકારને ‘કોઈ’ કહેવા બદલ ક્ષમાપ્રાર્થી છું. તમે જાણો છો કે ‘પાવલો’ પતંગ કાચી દોરીથી ન ચગાવાય ! એમ. . દળદાર પુસ્તકને પાકું પૂંઠું (હાર્ડ બાઉંડ !) માફક આવે છે. એમાં ખર્ચો ખરો ! પણ પાકા પૂંઠાથી જ લેખકની મૂર્ધન્યતા મપાય છે. (પમાતી નથી !) જો પુસ્તક પર હવાયેલા પાપડ જેવું પૂંઠું હોય, તો સમજી જ લેવું કે લેખક હજી રોયલ્ટી મેળવવાને પાત્ર ઠર્યો નથી ! આમ, લેખકનાં પારખાં પુસ્તકના પૂંઠેથી થાય, હોં કે ! બે પૂંઠાની પાંખો વચ્ચે લેખકનું સાહિત્યગગન હિલોળા લેતું હોય છે, માટે બંને પૂંઠાં ખૂબ જ અગત્યનાં બની રહે છે. એ જ લેખકના સાહિત્યોડ્ડયનને શક્ય બનાવે છે, ગગન સાચવીને ! આથી પહેલું પૂંઠું (ટાઈટલ-1) જેના પર પુસ્તકનું મુખપૃષ્ઠ છપાય છે અને પાછલું પૂંઠું (ટાઈટલ-4) જેના પર લેખકનો પરિચય છપાય છે – એ વિષે અલગથી લખવું પડે, સમજ્યા ? (મ. . . માર્યા ઠાર !)

ટાઈટલ-1 (મુખપૃષ્ઠ)
શબ્દકલાનો (કહેવાતા) જાણકાર લેખક મોટે ભાગે અન્ય કલાઓમાં ‘ઢ’ હોય છે, ઔરંગઝેબના સ્તરનો ! અર્જુનને પક્ષીની આંખ દેખાય, એમ એને માત્ર બે શબ્દસમૂહ દેખાય છે, પ્રથમ પોતાનું આખું નામ અને બીજું તે પુસ્તકનું શીર્ષક. બાકી અંદરખાને એને મુખપૃષ્ઠ પરના ચિત્ર કે તસવીર સાથે ખાસ કોઈ લેવાદેવા હોતી નથી. મુખપૃષ્ઠ પર તમે ગમે તે અગડમ-બગડમ ચિત્ર છાપી નાખો (એબસ્ટ્રેક્ટ પેઈંટિંગ સમું !) તો ચાલે. લેખકના. . . આઈ મિન. . કવિના ગઝલસંગ્રહના મુખપૃષ્ઠ પર તમે લાલ બેકગ્રાઉંડ પર લીલું કાંટાવાળું – વૃક્ષ છાપી નાખો, તો ચાલે જ નહીં. . . બલ્કે જામે ! લાલ બેકગ્રાઉંડ જોઈ આખલો ભડકે, એમ ભડકેલા ગઝલકારને તમે મુખપૃષ્ઠની શ્રેષ્ઠતા વિશે આ રીતે સમજાવી શકો, ‘સાહેબ, અત્યંત કલાત્મક મુખપૃષ્ઠ છે આ ! તમારા આંત:વિશ્વને અને તમારા ગઝલવિશ્વને એક સાથે અભિવ્યક્ત કરે છે, જુઓ ! તમે ખુદ આકરા સ્વભવના, ગુસ્સાવાળા છો. . . પણ તમારું હૃદય નિર્મળ, કોમળ ભાવોથી ભર્યું, એક લીલા વૃક્ષ સમું છે. તમારા સ્વભાવને અનુરૂપ આ લાલ બેકગ્રાઉંડ છે, પણ એના પર તમે અને તમારું ગઝલવિશ્વ છવાઈ ગયા છો. . . એક લીલમલીલા વૃક્ષરૂપે. વૃક્ષના કાંટા – એ તમારી વેદનાઓનું પ્રતીક છે, બહુ વેઠ્યું છે તમે ! ને અંતે. . આ વૃક્ષના મૂળ પાસે છાપ્યું છે તમારું તખલ્લુસ. મૂળમાં તો તમે જ છો. . . ને એટલે તો. . . સાહેબ અમે છીએ. . . . !’ તમે આટલું સમજાવો, એટલે એ સાહેબ અઠવાડિયાથી ન ધોયેલા રૂમાલ વડે ભીનાં આંખ-નાક લૂછતાં કહેશે, ‘અદભૂત. . . અકલ્પ્ય. . અપૂર્વ ! અજોડ મુખપૃષ્ઠ છે, આ. . .અભિનંદન !’ ખરેખર તો મુખપૃષ્ઠને ‘મૂર્ખપૃષ્ઠ’ (મૂર્ખ બનાવતું પૃષ્ઠ !) કહેવું જોઈએ !

ટાઈટલ – 4 (પાછલું પૂંઠું)
આ પૂંઠે સાહિત્યકારની તસવીર અને પરિચય છપાય છે, મોટે ભાગે ! પોતાની નજરમાં મહાન ન હોય – એવો એક પણ સાહિત્યકાર તમે જોયો છે ? (તમે અપવાદ છો, નિમ્મેસભૈ ?) એટલે સાહિત્યકારનાં તસવીર અને પરિચય અનિવાર્ય ગણાય, વાચકો માટે નહીં, એમના ખુદના માટે ! આ પૂંઠે, આમ તો માથે ધોળા વાળ ધરાવતા ગમે તે મનુષ્યની પહોળા ઝભ્ભા સાથેની તસવીર ચાલી જાય. પણ નોર્મલી, શક્ય હોય ત્યાં સુધી. . . મૂળ સાહિત્યકારની તસવીર છાપવાનો જ રિવાજ રહ્યો છે. પરિચયમાં એ ક્યારે અને ક્યાં જન્મ્યા, શું ભણ્યા, કુલ કેટલાં પુસ્તકો લખ્યાં, કેટલા વિદેશપ્રવાસો કર્યા, કેટલા પારિતોષિકોના મેળ પાડ્યા. . . આઈ મીન. . . મેળવ્યાં – એની વિગતો અપાય છે. છતાં વાચકોની લાગણી તો એ જ હોય છે કે તમે ગમે ત્યારે. . . ગમે ત્યાં જન્મો, ગમે તે ભણો, ગમે ત્યાં ફરો – એથી કાંઈ ફરક ન પડે, પણ અમે ખરીદેલ પુસ્તક માથે ન પડે એવું લખો, એટલે ભયો ભયો ! હવે, તમે જો વિવેચક ન હો, તો તમારે પુસ્તકનાં બે પૂંઠાં વચ્ચે ખરેખર શું છે, એ જાણવું જોઈએ. એમ કરવાથી પુસ્તકના અન્ય અંગો પણ જોવા મળશે, ઓકે ? પુસ્તકનાં આરંભનાં કેટલાંક વિશિષ્ટ પૃષ્ઠો (લેખક માટે) અતિ મહત્વનાં હોય છે, જેમ કે. . . . ‘અર્પણ’નું પાનું, લેખકનાં અન્ય પુસ્તકોની યાદી, ‘ઋણ સ્વીકાર અને વિશેષ સ્મરણ’નું પાનું, પ્રસ્તાવના, અનુક્રમ. . વગેરે.

‘અર્પણ’નું પાનું
કોઈ મિકેનિક એના હેલ્પરને કહે કે ‘અલ્યા, ત્રૈણ નંબરનું પાનું લાય !’ . . . તો એ કામનું જ હોય છે, પણ પુસ્તકનું આ ‘અર્પણ’નું ‘પાનું’ કશું ખોલવા કે ફિટ કરવામાં કામ લાગતું નથી, કારણ કે એ પોતે જ ‘મિસફિટ’ હોય છે. આ પાનું હોવા કે ન હોવાથી માત્ર લેખકને જ ફરક પડે છે, વાચક કે પુસ્તકને નહીં. ઘણી વાર લેખક ખૂબ જ ભાવવિભોર થઈ પોતાનું પુસ્તક કોઈ સ્વજન કે સન્માન્ય સાહિત્યકારને અર્પણ કરે છે. પછી એમની સાથે મતભેદ થતાં, એ જ પુસ્તકની નવી આવૃત્તિમાં એ પાનું ગાયબ થઈ જાય છે. (આથી નવી આવૃત્તિમાં પુસ્તકની હજાર નકલ છપાઈ હોય, તો સીધેસીધા હજાર પાનાંની બચત થાય છે, યુ સી !) . . .છતાં ‘અર્પણ’નાં પાનાં હોય જ છે, શું કરીએ ? ધારો કે કોઈ કવિ મહાશય ‘ગાલિબ’ની ગઝલોની ઉઠાંતરી કરી સંગ્રહ પોતાને નામે છપાવે, તો એનો એ સંગ્રહ ‘ગાલિબ’ને અર્પણ કરી લખવું જોઈએ કે. . . ‘તેરા તુઝકો અર્પણ, ક્યા લાગે મેરા ?’ ટૂંકમાં, મહદ અંશે ‘અર્પણ’નાં પાનાં હાસ્યપ્રેરક હોય છે. મેં તો મારાં અનેક પુસ્તકો કૈંકને અર્પણ કર્યા છે, એટલે મને તો આ બાબતની પાકી ખબર હોય જ ને ?

લેખકનાં અન્ય પુસ્તકોની યાદી વાચકો પુસ્તક ખરીદીને વાંચતા બંધ થઈ ગયા હોય, એવા કાળમાં સાહિત્યિક પાપોની યાદી આપી શું કરવાનું ? ‘પ્રાયશ્ચિત હવે શક્ય નથી’ એટલું તારણ કાઢવા જ એ નિમિત્ત બને ! પાપની. . . સોરી ‘આપની યાદી’ કાવ્યમાં કલાપીએ પણ લખ્યું છે કે. . . ‘ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી. . .’ વાત સાચી છે ! આજકાલ યાદ રાખવા લાયક પુસ્તકો લખાય છે જ ક્યાં ?

‘ઋણ સ્વીકાર’નું પાનું
આ પ્રકારના પાનાને કારણે પ્રથમ પ્રશ્ન તો એ થાય કે આ તે પુઉસ્તક છે કે જમા-ઉધાર દર્શાવતો નામાનો ચોપડો ? હું પૂછું છું કે અંગત બાબતો વાચકોને માથે શા માટે મારો છો ? ને. . . છગનભાઈ, મગનભાઈ કે ચમનભાઈનું ‘વિશેષ સ્મરણ’ તમે એમને ફોન કરીને ન કરી શકો ? ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ મુજબ પૂંછડી એ મનુષ્યનું અંગ હતી, પણ ઉપયોગી ન હોવાથી એ ઘસાઈને નીકળી ગઈ ! તમે જોજો કે પુસ્તકનાં આવાં અંગો ભવિષ્યમાં નહીં હોય. ભવિષ્યમાં હું નહીં હોઉં, પણ તમે મારા શબ્દો યાદ રાખજો ! (તમેય નહીં હોવ નિમ્મેસભૈ ? ઉપયોગી નથી, એટલે ?)

અનુક્રમણિકા
જો પુસ્તકમાં અનુક્રમણિકા ખોટી છપાય, તો વાચકો એ પાનું ફાડવાને બદલે છપાયેલી કૃતિઓ ફાડવા માંડે છે ! છતાં વાચકો માટે આ પાનાની આવશ્યકતા રૂપિયે બે આની જેટલી ખરી. આમાં ક્રમ પ્રમાણે કૃતિઓનાં શીર્ષક એક સાથે મુકાય છે, યાદી રૂપે. એટલે કઈ કૃતિ ન વાંચવી – એનો નિર્ણય વાચક બહુ ઝડપથી લઈ શકે છે. ઘણા વાચકોની સેવામાં એવી કૃતિઓનાં શીર્ષક સામે નિશાન પણ કરે છે અને નોંધ લખે છે કે પાગલખાનામાં જલદી જવું હોય તો આ કૃતિઓ અવશ્ય વાંચજો !

પ્રસ્તાવના
ફાલતુ ફિલ્મ પ્રેક્ષકોને માથે મારવા એનું ભવ્ય ટ્રેલર બનાવાય, એ રીતે વાચકો માટે (?) લેખક દ્વારા પ્રસ્તાવના પણ લખાતી હોય છે. ઘણા લેખક દોષનો ટોપલો પોતાને માથે ન આવે, એટલા ખાતર પોતાના પુસ્તકની પ્રસ્તાવના બીજા લેખક પાસે લખાવે છે. પોતાનાં પુસ્તકો કરતાં બીજાની પ્રસ્તાવનાઓ વધુ લખનાર ‘પ્રસ્તાવનાખોર’ લેખકો પણ વિદ્યમાન છે જ. આમાં જો છેતરપિંડી થઈ હોય (બે આંખને શરમે મેં ‘જો’ વાપર્યું છે, બાકી તો. . .) તો પોતાને ખર્ચે છેતરાતા વાચકોએ એના પર ‘ગ્રાહકસુરક્ષા ધારો’ લાગી શકે, એવી જોગવાઈ કરવા સરકાર પર દબાણ લાવવું જોઈએ ! એક વડીલ લેખકે મારા પુસ્તકની સામગ્રી વાંચ્યા વિના જ પ્રસ્તાવના લખી આપેલી (ઓહ નિમ્મેસભૈ, તમે પણ બીજા પાસે પ્રસ્તાવના લખાવો છો ? યુ ટુ ???) , એના કેટલાક અંશ અહીં પ્રસ્તુત છે. એની વિશેષતા એ છે કે એ પ્રસ્તાવના કોઈ પણ પુસ્તકમાં ફિટ થઈ શકે એવી છે, લો માણો. . .’આ પુસ્તક નિમિત્તે હું ફ્રેંચ લેખક બફોનને ટાંકવાનું પસંદ કરીશ. એમણે કહ્યું છે કે The style is the man himself. શૈલી એ જ માણસ છે ! શૈલીવિજ્ઞાન – અભિગમ દ્વારા કૃતિને મૂલવતાં અને ભાષા વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં ભાષાકીય સંયોજનની વિશેષતા કે વક્રતાને નાણતા જણાય છે કે સર્જક અભિવ્યક્તિની પ્રગટ અને પ્રચ્છન્ન ભાત શોધવાના પ્રામાણિક પ્યત્ન આદરે છે, પણ એ રસપ્રદ ગતિને દિશા ન સાંપડવામાં અનેક સાહિત્યિક પરિબળો કારણભૂત હોઈ, સર્જક નોંધપાત્રપણે નિષ્ફળ ગયા છે – એમ કહેવું ઇષ્ટ નહીં ગણાય. વૉલ્ટર પેટરે પણ લખેલું કે – Every style, in fact, creates its own universe by selecting and incorporating such elements of reality as to enable the artist to focus the shape of things or some essential part of man. માટે જ, આ ક્ષણે હું સર્જકને માત્ર શુભેચ્છાઓ પાઠવીશ, બાકી તો સમય જ મોટો વિવેચક છે, એ કોણ નથી જાણતું ? અસ્તુ.’ બોલો મિત્ર, ઉપરના લખાણમાં ‘અસ્તુ’ સિવાય કશું સમજાયું ? આવી કલાત્મક પ્રસ્તાવનાઓને અવળી (નીચેથી ઉપર ભણી) વાંચવાથી વધુ કલાત્મક લાગે છે, પણ હાલ પુસ્તકો-નિમિત્તે કલાત્મકતાનો ઓવરડોઝ થઈ ગયો હોઈ, મારા મગજમાં ખાલી ચડવા લાગી છે. એ કારણે હું અટકું છું, અસ્તુ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “પુસ્તક અને તેના અંગો – નિર્મિશ ઠાકર”

Copy Protected by Chetan's WP-Copyprotect.