- ReadGujarati.com - http://www.readgujarati.com -

આજે મોં મચકોડીને ‘સાલ મુબારક’ – કલ્પના દેસાઈ

ગઈ કાલે દિવાળીના સપરમા દિવસે અમે ઘરમાં સૌએ ભેગાં મળીને નવા વર્ષે સૌને ‘સાલ મુબારક’ કઈ રીતે કહેવું તેની લાંબી લાંબી ચર્ચા – મંત્રણા કરી. એકે કહ્યું કે, ‘હવે તો કોઈ આવતું નથી એટલે ‘સાલ મુબારક’ કહેવાની જરૂર જ નથી પડવાની.’ બીજાએ કહ્યું કે, ‘હવે તો ફોન કે મેસેજથી જ કામ પતાવી દેવાનું.’ (સાલ મુબારક’ કહેવાનું એટલે એક કામ પતાવવાનું ?) ચર્ચા જેમ જેમ આગળ વધી રહી હતી તેમ તેમ જૂના, પૂરા થવા આવેલા વર્ષનો છેલ્લો દિવસ ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યો હતો અને પોતાની અમીટ છાપ છોડી જવાની તૈયારીમાં પડ્યો હતો કે, મને એક વિચાર આવ્યો. (આવા કટોકટીના સમયે પ્રભુકૃપાથી મને એકાદ એવો વિચાર આવી જાય જે કટોકટીને કટ કરી નાંખે. એનો છેદ જ ઉડાડી દે.)

મેં ગંભીર મોં રાખીને કહ્યું, (વાતાવરણની ગંભીરતા પારખીને સ્તો વળી) ‘આપણે આ વખતે એક નવી જ રીતે, એકબીજાને, ને જે કોઈ રડ્યું ખડ્યું આવી ચડે તેને, ને કોઈ ન આવે તો સામે ચાલીને કોઈના ઘેર જઈને પણ સાલમુબારક કહીએ – બોલો તૈયાર છો ?’ ‘હા, પણ કઈ રીતે તે તો બોલ.’ ‘આપણે ‘સાલ મુબારક’ બોલતાં પહેલાં મોં મચકોડવું ને બોલાઈ ગયા પછી પણ મોં મચકોડવું, આમ.’ કહી મેં મોં મચકોડી બતાવ્યું. મારા મોં મચકોડવાની સાથે જ બધાના મૂડ ઠેકાણે આવી ગયા ને મને પહેલી વાર સૌએ કહ્યું, ‘વાહ ! આજે કંઈ અક્કલની વાત કરી.’ (!!) ને પછી તો સૌ એકબીજાની સામે મોં મચકોડી મચકોડીને ‘સાલ મુબારક’, ‘સાલ મુબારક’ એટલી બધી વાર બોલ્યા કે મારે મોં મચકોડીને કહેવું પડ્યું, ‘મને કોઈ થેંક યૂ તો કહો . . .’ સૌએ મોં મચકોડ્યું ને બોલ્યા, ‘થેંક યૂ’ ને પાછું સૌએ મોં મચકોડ્યું ને બોલ્યા , ‘થેંક યૂ’ ને પાછું સૌએ મોં બગાડ્યું ! ને પછી ખડખડાટ ઠહાકા !

ખેર, નવો વિચાર સૌને ગમ્યો એ જ મહત્વનું હતું. બાકી તો, નવા વર્ષે એકબીજાને ‘સાલ મુબારક’ કહેતાં પણ લોકો કંટાળવા માંડ્યા એટલે તો હદ જ થઈ ગઈ ને ? ‘નૂતન વર્ષાભિનંદન’ તો હવે કાર્ડમાં ય જોવા નથી મળતું. ફક્ત છાપાં, નવા વર્ષના અભિનંદનોની રંગબેરંગી વર્ષા કરે છે. થોડા સમયથી ‘હેપ્પી ન્યૂ ઈયર’ ચાલ્યું છે. તેનો ય વાંધો નહીં પણ એકની એક રીત ને એકની એક શુભેચ્છાઓ માણસ ક્યાં સુધી બોલે ને ક્યાં સુધી સાંભળે ? કોઈક નવી રીત, નવા શબ્દો ઉમેરાય તો નવું વર્ષ પણ ચમકે. બાકી તો, બધું જૂનું – ચવાઈ ગયેલું ને તદ્દન બોરિંગ. મોં મચકોડતાં તો સૌને આવડે કારણ કે એ કામ એકદમ સહેલું છે ને એમાં વિચારવા જેવું પણ ખાસ કંઈ નથી. પલક ઝપકે એટલી વારમાં જ મોં મચકોડી શકાય છે ને તે પણ પાછું જુદી જુદી રીતે ! ‘સાલ મુબારક’ બોલતાં પહેલાં અમસ્તું પણ હસવું કે સ્મિત બતાવવું જરૂરી બને છે. આ બૌ ભારી કામ છે કારણ કે આવી રીતે સ્મિત કરવાની કે હસવાની કોઈને આદત હોતી નથી. હસતાં પહેલાં વિચારવું પડે છે ને ન ગમે તો માંડી વાળવું પડે છે. એટલે મને લાગ્યું કે, મોં મચકોડવાનું સહેલું કામ જો બધાં જ કરી શકતા હોય તો એમાં કંઈ ખોટું નહીં. જોનારને જ્ઞાન સાથે ગમ્મત પણ મળશે. નવી નવી રીતે મોં મચકોડી શકાય તેનું પ્રત્યક્ષ નિદર્શન મળશે.

મોં મચકોડીને ‘સાલ મુબારક’ કહેવામાં એક ફાયદો એ પણ ખરો કે આપણે એક તીરથી બે નિશાન મારી શકીએ. ખરેખર જેમની સામે આપણે મોં મચકોડવા ઈચ્છીએ છીએ છતાં ક્યારેય એમ નથી કરી શકતાં ! (એમની પાછળ કોણ જાણે કેટલીય વાર મોં મચકોડતા હોઈશું.) એમને આમ મોં મચકોડીને ‘સાલ મુબારક’ કહીને પરમ સંતોષની લાગણીથી ભર્યાં ભર્યાં બની જઈશું. આ હા હા . . . . ! રોજ નવું વર્ષ આવે તો કેવું સારું ? ને જેમને આપણે દિલથી શુભેચ્છા આપવા માંગીએ તેમની સામે મોં મચકોડતાં મચકોડતાં હસી પડીને અને સામે એમને હસાવીને લોટપોટ કરીને સંતોષની પરમ લાગણીથી ભર્યાં ભર્યાં બની જઈશું. નવો વિચાર સારો હોય ને બધાંને ગમી જાય તો તરત જ લોકપ્રિય થઈ જતાં એને વાર નથી લાગતી. મને તો ખાતરી જ છે કે મારો આ તદ્દન મૌલિક ને નવો જ (હજી કાલે જ આવેલો !) વિચાર જરૂર સૌને ગમશે. તો પછી, હજી તો સવાર જ પડી છે. કોઈ તમારે ત્યાં અત્યારમાં તો નહીં જ પધાર્યું હોય ને તમે પણ નિરાંતે જ છાપું વાંચતાં હશો. અરીસામાં જોઈ મોં મચકોડવાની પ્રેક્ટિસ શરૂ કરી દો ને ઘરમાં પણ સૌને શીખવી દો. મજા આવશે. તમારું નવું વર્ષ નવી રીતે, હસતાં હસતાં શરૂ થશે ને એનો લાભ તમને આખું વર્ષ થશે. મને ઘણો જ અફસોસ છે કે, મારે તમને આ લેખ લખીને ‘સાલ મુબાર્ક’ કહેવું પડે છે. બાકી તો મોં મચકોડવાની કેટલી મજા આવે ? સૌને સાલ – મુબારક.