અમારી બીજી કોઈ શાખા નથી. . .!! – ડૉ. નલિની ગણાત્રા

[‘ગુજરાત’ સામાયિક દીપોત્સવી અંકમાંથી સાભાર.]

શક્ય હોય ત્યાં સુધી હું વિચારવાની ભાંજગડમાં પડતી જ નથી. કારણ કે, વારંવાર વિચારવાથી વિચારવાયુ થઈ જતો હોય છે અને વાયુ બિચ્ચારો ‘વા.સ્વ.’ એટલે કે વાયડા સ્વરૂપ છે. મતલબ એ ગમ્મે તે દિશામાં ફંટાય. એવું જ વિચારોનું છે. તેથી જ હું મોટે ભાગે બધા કામ વગર વિચાર્યે જ કરે રાખું છું, પરંતુ હું પણ એક મન-મગજ ધરાવતી હયાત વ્યક્તિ છું. એટલે આખીર કબ તક ? ક્યાં સુધી સંયમ રાખી શકું વિચારવા ઉપર ? અને એટલે જ પેલા, બહુ વિચાર્યા પછી જ બળદનાં શિંગડામાં માથું ભરાવી બેઠેલા મૂળચંદની જેમ હું પણ આખરે વિચારવમળમાં ભરાઈ જ પડી. અચાનક એક દુકાનનાં કપાળ (બોર્ડ) પર દુ:વાક્ય (દુ:ખી વાક્ય) લખેલું, તેની પર મારી નજર પડી. તેમાં લખેલું હતું કે. . . ‘અમારી બીજી કોઈ શાખા નથી.’ પંચલાઈનનાં બચ્ચાં જેવા આ પાંચ શબ્દો વાંચીને હું અટકી ગઈ અને મારા વિચારો ચાલવા લાગ્યા એટલે આજે મારું વિચાર્યું તમને વાગશે, ઓ. કે. ? આ પાંચ શબ્દો વાંચીને ઘડીક તો મને મારા ખુદ પર ફક્ર થઈ આવ્યો કે. . . હું એકડે એકથી આગળ વધું જ નહીં એવી પાક્કી ગણતરીથી ઈશ્વરે મને મોટે ભાગે બધું એકની સંખ્યામાં જ આપ્યું છે. છતાં મેં કદી એવો અફસોસ કરીને રોદણાં નથી રોયા કે મારે બીજી કોઈ સાસુ નથી. . . ! મારે સરકારી નોકરી સિવાય બીજી કોઈ નોકરી નથી ! મારે બીજું કોઈ ‘ટુ બી.એચ.કે.’ નથી ! મારા ચાલુ સ્કૂટરને (એક જ પૈડું છે) બીજું કોઈ પૈડું નથી ! મારે બીજું કોઈ નાક નથી ! મારે બીજું કોઈ પેટ નથી ! કે મારો બીજો કોઈ જન્મારો નથી !

મેં મારા આવા દુ:ખો જણાવીને માણસ જાતને ખુશ થવાની ક્યારેય તક આપી નથી. બલ્કિ, હું તો મને પ્રાપ્ય આ ‘વન એન્ડ ઓન્લી’ ચીજવસ્તુઓથી સંતુષ્ટ એટલા માટે છું કે, ‘ઓછા ગૂમડે ઓછી પીડા’ એવું તત્વજ્ઞાન મેં હજમ કરેલું છે. અને તેથી જ ‘અમારી બીજી કોઈ શાખા નથી’ એવા રોદણાં રોવા બેઠેલા અસંતોષી મૂળચંદ પ્રત્યે મને દયામિશ્રિત દાઝની લાગણી થઈ આવી. હું એને મનોમન ઠપકો આપવા લાગી કે, હે મૂળચંદ, આજે જ્યારે સત્તાણું ટકા લોકોને એક શાખાનાય ફાંફા છે ત્યારે તું બોર્ડ મારીને બીજી માટે રોવા બેઠો છે, એ સારું લાગે છે ?!! અને હે, મોહાંધ, તને બીજી જ શાખાનો મોહ હોય તો એક કામ કર. આ તારી પાસે જે પહેલી છે તે વેચીને એ પૈસામાંથી જ બીજી ખરીદી લે, પણ આમ બોર્ડ મારીને બીજી શાખા માટે ફંડફાળો ઉઘરાવવાનું બંધ કરી દે, પ્લીઝ ! મારાથી નથી જોયું જાતું !

અને તને એ ખબર છે કે, શાખાઓ ફૂટવા માટે પહેલાં એક શાખ (આબરૂ) હોવી જોઈએ. ‘શાખ’ હોય તો શાખાઓ ફટ ફટ ફૂટવા માંડે !! પણ તેં તો ‘અમારી બીજી કોઈ શાખા નથી.’ એવું જાહેર કરીને સામે ચાલીને તારી ઇજ્જત (શાખ)નો ફાલુદો કરી નાંખ્યો. આપણી શાખ નથી એવી આપણા કાકા-અદાના દીકરાનેય શું ખબર પડે ? તું એય ભૂલી ગયો કે, બાંધી મુઠ્ઠી લાખની કહેવાય ? તારી આવી જાહેરાતથી તો જેને નહોતી ખબર એમનેય ખબર પડી ગઈ કે, તારી પાસે બીજી કોઈ શાખા નથી અને વરસોથી તું એક જ શાખા પર લટકી રહ્યો છે ! અને બીજું કે તું ઝાડ લઈને બેઠો છે તે બીજી, ત્રીજી, ચોથી એમ શાખાઓ ફૂટે ?! ડાળીઓ ઝાડને ફૂટે, દુકાનને નહીં, દબંગ ! અને હું એમ પૂછું છું કે, શાખા ઉર્ફે ડાળીઓ વધારીને તારે શું એની ઉપર કૂદાકૂદ કરવી છે ? ગુલાંટો ખાવી છે ? ભગવાને ચાર પગને બદલે બે પગ આપ્યા છે તો શાંતિથી પલાંઠી વાળીને બેસ ને !

અને એવું વિચાર કે, જેટલી દુકાન ઓછી એટલા ઓછા શટર્સ પાડવા ! હે શટર શોખીન, તું જ્યારે પહેલા ધોરણમાં ભણતો હતો ત્યારે મોટે મોટેથી એકડે. . . એ. . .ક, બગડે. . . બે. . . ય. . . ! એવા પલાખા બોલતો’તો એ યાદ છે ? એનો મતલબ હતો કે, બે હોય તો બેય બગડે અને બેય આંખે રોવાનો વારો આવે. (બેય બગાડવા માટે દરેક વખતે બાવા હોવું જરૂરી નથી) હું તો તને અત્રેથી એટલું જ આશ્વાસન આપવા માંગું છું કે, ઈશ્વરે જેટલું જલ આપ્યું હોય એમાં જ છબછબિયા કરીને ‘જલ-સા’ કરવાનું રાખ. આવ, તને એક રૂડા વ્યક્તિત્વની ઝાંખી કરાવું. અમારા સંબંધીનો એક દીકરો કોલેજમાં ‘ભણીને’ ગ્રેજ્યુએટ થયેલો છે. ગ્રેજ્યુએટ થયા પછી કોઈ જ કામ ધંધો કર્યા વગર ત્રણ વરસથી ઘેર બેઠો આરામ ફરમાવી રહ્યો છે. મા-બાપ તો કહી કહીને થાક્યા, પરંતુ લાગતા વળગતા લોકો પણ એને કહે કે, લૂઝી ! તું કંઈક નોકરી – ધંધો ચાલુ કર ને. . .! તો આ ‘લુઝી’ શાંતિથી બોલે કે, થોય સે લ્યા. . .! (થાય છે, લ્યા) સાચું કહું તો તારે આવા બરખુરદારને આદર્શ બનાવવાની જરૂર છે. જેથી ‘બીજી શાખા’ની તારી ઘેલછા સૂકી ડાળીની જેમ તૂટી જશે અને કદાચ પહેલી શાખા પણ ભાડે આપીને કે વેચીને તું નિરાંતે જીવવા લાગીશ.

આ તો ઠીક છે કે, મોંઘવારીનાં માર્યા માણસો મૂંગા થઈ ગયા છે. બાકી આવું બોર્ડ વાંચીને પબ્લિક પ્રકોપિત થઈને પુકારી ઊઠે કે, તમારે બીજી કોઈ શાખા નથી એમાં અમારો વાંક છે તે અમને જણાવો છો ? પહેલી શાખાના ઉદ્ઘાટનમાં તો અમને યાદ નહોતા કર્યા અને બીજી નથી એનો ખરખરો અમારી સમક્ષ કરવા આવ્યા છો ?! શરમાતા નથી ? મારા મનમાં પણ કદાચ આ પ્રકારની છૂપી દાઝ હશે એટલે જ જ્યારે મેં પહેલી વાર આવું બોર્ડ વાંચ્યું કે, ‘અમારી બીજી કોઈ શાખા નથી’ ત્યારે મારાથી સહસા બોલાઈ ગયેલું કે, આ છે એય માંડ હાલે છે !!! આ જાહેરાતની સ્ટાઈલ મારવા એકવાર મેં મારી ગાડી ઉપર લખ્યું કે, ‘અમારી બીજી કોઈ ગાડી નથી. . .’ તો એની નીચે કોઈ લખી ગયું કે, ‘આ ગાડી તમારી પોતાની છે ?!! જોકે, મારી એક ચોક્કસ પ્રકારની શાખ છે એટલે આવું તો બને. એકદમ હૃદયદ્રાવક ઘટના વિશે જણાવી દઉં. મિત્રો, ‘અમારી બીજી કોઈ શાખા નથી.’ આવી જાહેરાત તમે પણ વાંચી હશે અને વાંચીને તમે આગળ જતાં રહ્યા હશો, પરંતુ મને કોઈએ ‘આગળ જાવ. . .’ એવું કહ્યું નહીં એટલે હું ત્યાં હકથી ઊભી રહીને વિચારે ચડી ગઈ’તી. વિચારમાં કેટલો સમય વીતી ગયો, ખ્યાલ જ ન રહ્યો. પછી અચાનક જ દુકાન માલિકે મને તતડાવી કે, ‘એ બેન, ક્યારના કેમ અહીં ઊભા રહ્યા છો ?’ હું તંદ્રામાંથી જાગી જતાં બોલી કે, તમારી બીજી કોઈ શાખા નથી, પછી હું અહીં જ ઊભી રહું ને ? અને એમણે મારી સામે મોટા ડોળા કાઢ્યા. મેં મારી જિંદગીમાં એટલા મોટા ડોળા કદી જોયેલા નહીં, એટલે મને અનુકૂળ ન આવતાં હું નિસ્પૃહ ભાવે ત્યાંથી ચાલી નીકળી !

જો કે આવી જાહેરાતથી કંઈ કેટલાય એવું આશ્વાસન પામી શક્યા હશે કે, માત્ર આપણી જ નહીં, આની પણ બીજી કોઈ શાખા નથી. લોઢું લોઢાને કાપે એમ બીજાની તકલીફ જોઈને માણસની પોતાની તકલીફમાં વગર ઈલાજે પંચોતેર ટકા રાહત થઈ જાય છે. એ રીતે આવી જાહેરાતો પોતાની જાણ બહાર જ રાહતકાર્ય કરી નાખતા હોય છે ! અંતે આવા બોર્ડબંધુઓને જત જણાવવાનું કે, આપના ‘ડાયલોગ’ની મેં રમૂજ રબડી બનાવી દીધી એ બદલ આપશ્રીને દુ:ખ લાગ્યું હોય તો અંતરથી ક્ષમા યાચના, કિંતુ મારા હાથમાં હાથીની સૂંઢ આવી અને મારી ઉંમરલાયક સંવેદનાએ જે અનુભવ્યું તે શબ્દોમાં ઉતરી આવ્યું. આખરે મને મારો વિચાર વાયુ જે દિશામાં લઈ ગયો એ દિશામાં મેં વિચારપ્રયાણ કર્યું. દિશા બદલાઈ જાય તો સ્વાભાવિક છે દશા પણ ફરી જાય છે !

છમ્મવડું :
‘મારે તો મકાન અને દુકાન બેય ભાડાનાં છે, તોય હસું છું.’
‘એટલે જ હસી શકો છો મુરબ્બી, પોતાનાં જ પીડા આપે !?’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “અમારી બીજી કોઈ શાખા નથી. . .!! – ડૉ. નલિની ગણાત્રા”

Copy Protected by Chetan's WP-Copyprotect.