આજ થકી નવું પર્વ. . . – જયવતી કાજી

[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.]

આમ જુઓ તો અત્યાર સુધી મારા જીવનમાં બહુ મોટા ઉતાર-ચઢાવ આવ્યા નથી. જે કંઈ મળ્યું છે, જે કંઈ થયું છે, સહજપણે અને સ્વાભાવિકતાથી આવી મળ્યું છે. જીવનમાં કોઈ મહાન ધ્યેય મેં રાખ્યું નથી. જીવનમાં કોઈ મોટો સંકલ્પ કર્યો નથી. હા, મનમાં ક્યારેક વિચાર આવ્યા છે ખરા, ‘હવેથી હું આમ કરીશ, આમ નથી કરવું’ બસ, એટલું જ. પરંતુ એ વિચારો માત્ર વિચારો- તરંગો જ રહ્યા હતા. એણે કોઈ વ્રત કે સંકલ્પનું સ્વરૂપ નહોતું લીધું. એક સવારે હેંગિંગ ગાર્ડનમાં ફરતાં ફરતાં મારાં મિત્ર વીણાબહેન સાથે જૈન ધર્મમાં જે વ્રત-નિયમ આચરણ કહ્યાં છે એ વિષે વાત નીકળી. એમણે કહ્યું – ‘બધા નિયમોનો ઉદ્દેશ તો આપણે સંયમ કેળવીએ – ઇન્દ્રિયનિગ્રહ કરીએ એ છે. ગમે તેનાથી શરૂ કરો. મન પર – વૃત્તિઓ પર લગામ રાખવાની છે, ભલેને એ કોઈ નાની વાત હોય. .’ ‘વીણાબહેન? તમે શું કહો છો, એ તો કહો ! સૂર્યાસ્ત પહેલાં રોજ તમે જમી લો છો ?’ ‘ના રે ના. હું કંઈ એવી ચુસ્ત નથી. આપણો ઘરસંસાર રહ્યો. બધાનો ખ્યાલ રાખવો પડે એટલે એ બધું તો નથી કરી શકતી. હું નિયમ લઉં તો એક દિવસ પૂરતો હોય, આજનો નિયમ આજ માટે !’ ‘આજને માટે કંઈ નક્કી કર્યું છે ખરું ? મેં ઉત્સુક્તાથી પૂછ્યું.’ ‘આજે બપોરે બેથી પાંચ સુધી મૌન પાળવાનું નક્કી કર્યું છે. સુજુબહેન ! તમે નહિ માનો પણ એક દિવસના આચરણમાં પણ કેટલાંય વિઘ્નો આવે. . . ઘણી વખત તો એક દિવસ પૂરતું કરવાનું પણ અઘરું હોય છે. .’

મારા મનમાં થયું, એક દિવસ માટેનો સંકલ્પ ! માત્ર એક જ દિવસનો નિયમ ! એ તો હું પણ કરી શકું. એ કઈ મોટી વાત છે ! અમે છૂટાં પડ્યાં અને હું મારે ઘેર ગઈ. મારા મનમાં આવા વિચારો ઘોળાતા હતા, ત્યાં તો અમારા પાડોશી અજયભાઈ એક પુસ્તક સાથે ઘેર આવી પહોંચ્યા. તેઓ જીવનના સાડાસાત દાયકા વિતાવી ચૂક્યા છે, પણ ઉમ્મરની જાણે એમના પર કોઈ અસર નથી ! હંમેશાં હસતા – ઉત્સાહી અને જીવનરસથી છલકાતા. . . ‘સુજાતાબહેન ! શું વિચારમાં પડી ગયાં છો ? જરા હસતાં રહો – ખુશ રહો. જ્યોર્જ બર્નસ એમના આ પુસ્તક ‘હાઉ ટુ બી હંડ્રેડ’ (How to be hundred) માં શું કહે છે તે ફુરસદે વાંચજો’ એમ કહી એમણે મારા હાથમાં એ પુસ્તક મૂક્યું. એમના ગયા પછી થોડી વારે મેં એ પુસ્તકનાં પાના ઉથલાવવા માંડ્યા. મને જ્યોર્જ બર્નસના એ પુસ્તકમાં રસ પડ્યો, અને પછી તો એ વાંચવાની મઝા પડી ગઈ. જ્યોર્જ બર્નસ લખે છે, ‘ઘણી વખત લોકો કહેતા હોય છે, જિંદગી ચાળીસ વર્ષે શરૂ થાય છે, અને સાઠ વર્ષે તો જીવન પૂરું થાય, પરંતુ જીવનનો સાચો પ્રારંભ ક્યારે – કયે વર્ષે થાય છે એ કહેવું મુશ્કેલ છે.

જીવનનો સાચો આરંભ થાય છે, આપણે કરેલા કોઈક સાચા નિષ્ઠાપૂર્વકના નિર્ણયથી. જીવનને બદલતી કોઈક પળથી – અંતરને પ્રકાશીત કરતી – અંધકારમાં માર્ગ ચીંધતી કોઈક અલૌકિક દિવ્ય ક્ષણથી. એ ક્ષણ ગમે તે વર્ષની – ગમે તે દિવસની ક્ષણ કેમ ન હોય ? એ નિર્ણયાત્મક મંગલમય ક્ષણનું જ મહત્વ છે. એ શુભ સંકલ્પ ભલે ને એક દિવસ માટેનો હોય તો પણ શું ? પ્રત્યેક દિવસમાં થોડુંક જીવન રહેલું છે. દરેક વખત આપણે જાગ્રત થઈએ અને ઊઠીએ એમાં નાનકડો જન્મ રહેલો છે. આનું જ નામ નવું જીવન અને એ પ્રત્યેક પળે આરંભી શકીએ. આ જાગૃતિ એટલે આપણી અંદર રહેલી ચેતનાની જાગૃતિ. એ જાગૃતિની પળ એ જ જીવનનો સાચો પ્રારંભ – નવજીવનનો સૂર્યોદય. તમારા મનનાં દ્વાર ખોલી નાંખો. એમ ને એમ બેસી ન રહો ! કંઈક કરો. જીવનમાં અનેક સ્જક્યતાઓ ભરેલી છે. જો કંઈ જ પડકારરૂપ ન થઈ શકે તો પછી કંઈક જુદું કરો – કોઈકનું એણે ધાર્યું પણ ન હોય એ રીતે શુભ કરો, પછી જુઓ, તમને કેટલું સરસ લાગે છે તે ! પ્રત્યેક દિન નવો પડકાર છે. એને ઝીલી લો. પરિવર્તન માટે પોતાની જાત સાથે પણ લડાઈમાં ઊતરવું પડે છે. જે ગયું તેનો અફસોસ ન કરો. નવા દિવસે નવી શરૂઆત કરો.’

જ્યોર્જ બર્નસનું પુસ્તક મને ખૂબ જ સ્પર્શી ગયું. હું એમની વાતોમાં ખોવાઈ ગઈ. શરૂઆત તો એક દિવસથી કરવાની હતી. એક દિવસ માટેનો પણ હું કોઈક સંકલ્પ કરું – નિયમ લઉં તો શેનો ? મને થયું, એક દિવસ માટે પણ હું જુદી રીતે જીવી ન શકું ? એ માટે મારે મારી જાતને ઢંઢોળવાની જરૂર હતી. આત્મસંશોધનની- આત્મવિશ્લેષણની જરૂર હતી. આમાં ને આમાં રાત વીતી ગઈ એની પણ ખબર ન પડી ! બીજા દિવસનું પરોઢ થયું. પૂર્વાકાશમાં ઉષાનું આગમન થયું. સમગ્ર વાતાવરણ આહ્લાદક હતું. દિવસ સરસ હતો ! મને થયું મારા સંકલ્પનો આ દિવસ ન હોઈ શકે ? ભૂતકાળને ભૂલીને, ભવિષ્યની ચિંતા કર્યા વગર હું આજના આ દિવસે ફક્ત ‘આજ’માં જ શા માટે ન જીવું ? મારે આજે કોઈ ચિંતા કરવી નથી, એને બદલે હું નક્કી કરીશ : જીવનની મળી જે પળ, ચલ મન, માણી લઈએ ! સુફિ કવિ રુમિએ કેટલું સરસ કહ્યું છે:- ‘ભૂતકાળ અને ભવિષ્યકાળ બન્ને પરમાત્માને આપણી દૃષ્ટિથી બહાર રાખે છે. આ બંનેને હડસેલી જે અત્યારની ક્ષણ તમારી પાસે છે – એ વર્તમાન ક્ષણમાં રહેલી શક્તિને અનુભવો અને તમારા સંપૂર્ણ અસ્તિત્વને પિછાનો. આ અસ્તિત્વ પ્રત્યે જાગૃત થવું અને ‘સ્વ’ની પ્રાપ્તિમાં રહેવું એનું નામ જ્ઞાન.’

માનવજીવન એ તો પરમાત્માએ આપણને આપેલી અણમોલ ભેટ છે. એને ક્ષુલ્લક બાબતોમાં વેડફી નાંખવાનું ન હોય. એ માટે આપણે નક્કી કરવું પડશે કે ખરી- ખોટી ચિંતા કરી મનને મૂરઝાવી દેવું નથી. સમસ્યાઓ તો આવવાની જ. જીવન એટલે જ સતત સંઘર્ષ – કુરુક્ષેત્રનું મેદાન. સમસ્યાઓથી – મુશ્કેલીઓથી આપણે ગભરાઈ જઈએ – દુ:ખી થઈએ એ સ્વાભાવિક છે, પણ એમાંથી આપણે કોઈ જ છટકી શકતા નથી. એ વખતે આપણે એટલું જ યાદ રાખીએ કે આપણા જીવનની મોટાભાગની ઘટનાઓ અને સંજોગો પર આપણો કોઈ જ અંકુશ હોતો નથી. આપણે માટે તો એ બધાને કેવો પ્રતિસાદ આપવો – કેવો અભિગમ રાખવો – કેવું ‘react’ કરવું એ જ આપણા હાથમાં છે. એ જ આપણે નક્કી કરવાનું છે. જીવન પ્રત્યે આશાવાદી, વિધેયક દૃષ્ટિ કેળવી શકીએ તો પછી સંજોગોથી આપણે બહુ વિચલિત નહિ થઈએ. એટલું જ આપણા હાથમાં છે. નાની નાની બાબતોમાં ચિંતા કરવાનો મારો સ્વભાવ છે. ચિંતા કરવાને લીધે મનમાં ‘ટેંશન’ પણ થવાનું. મનમાં સતત ઉદ્વેગ રહે – અજંપો રહે ત્યાં શાંતિ ક્યાંથી હોય ? ત્યાં આનંદ – ઉલ્લાસ કેવી રીતે હોય ! પ્રશ્ન એ છે કે આ ‘ટેંશન’નો મનમાં પ્રવેશ કેવી રીતે બંધ કરી શકીએ ? એને કેવી રીતે અટકાવી શકીએ ?

મને લાગે છે કે ‘ટેંશન’નું મુખ્ય કારણ છે આપણો ‘અહં’ – ‘અહંકાર’ – આપણો હું કાંઈક છું, મારું માન, સન્માન સચવાવું જોઈએ. હું કહું તે પ્રમાણે ઘરમાં થવું જોઈએ. મારી સાથે આવો વર્તાવ ! આ અહંકાર થોડો પણ આપણે છોડી શકીએ અને જિન્દગીને બહુ જ ગંભીરતાથી ન લઈએ તો જીવન ઘણું સરળ થઈ જાય – ભારમુક્ત થઈ જાય ! આપણે છીએ માટે આ બધું ચાલે છે, એવા ભ્રમમાંથી મુક્ત થઈએ તો ! હું ઈચ્છું છું કે સતત આ સ્મરણ રાખી હું જિન્દગીને હળવાશથી લઉં – હસતી રહું – ખુશ રહું અને ઘણું બધું ન ગમતું હોય તેને હસી કાઢી મનમાંથી ફેંકી દઉં ! મને થયું આટલો નિશ્ચય જ પૂરતો નથી. જિન્દગીને હું સમસ્યાઓનો ભારો નહિ સમજું પણ એક સુન્દર અવસર સમજું. બસ ! રોમ રોમ જીવું – ઉત્કટતાથી જીવું અને જિન્દગીના પ્રત્યેક દિનને આવકારું – પ્રત્યેક ક્ષણને સજાવું. એ માટે મનને અશાંત, વિક્ષુબ્ધ, વિહ્વળ કરે એવા તમામ વિચારોને મનમાંથી હાંકી કાઢું અને એને સ્થાને પ્રસ્થાપિત કરું શુભ વિચારો – આશાવાદી દૃષ્ટિ અને પરમાત્મામાં શ્રદ્ધા.

આપણે બધાંને સુખ જોઈએ છે. સુખી થવું છે પણ સાચું સુખ શું છે – શેમાં છે તેનો ખ્યાલ નથી હોતો. સુખ તો અહીંયાં છે – ત્યાં છે – બધે જ પડેલું છે પરંતુ એને જોતાં અને પામતાં શીખવાનું છે. એને દૂરદૂર શોધવાની જરૂર નથી. આપણે સુખને પુષ્પની મધુર સુવાસની માફક શ્વાસમાં ભરવાનું છે. સુખ બહારથી નથી મળતું, એ તો માનસિક અવસ્થા છે. ગમે તે સંજોગોમાં સુખી રહેવાનો સંકલ્પ આપણે જ કરવાનો હોય છે. મનમાં સંતોષ નહિ હોય ત્યાં સુખ નહિ જ મળે, કારણ કે, આપણી ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી ! સુખી થવા માટે જે મળ્યું છે તેનો આનન્દ માણીએ. પ્રાપ્ત થયેલી અનેકવિધ અનુકૂળતાઓ માટે પરમકૃપાળુ પરમાત્માનો અંદરથી આભાર માનતાં શીખવું પડશે. કૃતજ્ઞતા કેળવવી પડશે, એટલે કે ‘Count the blessings’ એ ખાસ ચિત્તમાં ઉતારવા જેવું છે. આટલું જો આવડે તો પછી જીવનમાં અસંતોષ અને અભાવ નહિ સતાવે. પ્રસન્નતાની એક મધુર લહર આપણાં મનને – ચિત્તને સાર્થકતાથી ભરી દેશે. જીવનમાં મારે શું કરવું જોઈએ – શું છોડવું જોઈએ કે જેથી જીવન એક આનન્દનો અવસર બની રહે – અસ્તિત્વનો ઉત્સવ બની રહે – એનું લિસ્ટ કરવા બેસું તો ઘણું મોટું થાય ! એ વિચાર કરતાં જ થયું, ફક્ત એક દિવસ – માત્ર એક દિવસ મારે પણ આવો સંકલ્પ કરવો એ કેટલું ભગીરથ કામ છે ! – છતાં – છતાં જો એક દિવસ માટે પણ આ કરી શકું તો ? તો કદાચ બીજા-ત્રીજા-ચોથા દિવસે પણ થાય ! ધીમે ધીમે એ મારા સમગ્ર અસ્તિત્વમાં વણાઈ જાય. . પ્રભુ ! એ માટે તું મને બળ આપજે. મારા ડગમગતા પગને સ્થિર રાખજે અને મારા ચંચલ, તોફાની મનને તું સાચવી લેજે – સંભાળી લેજે કે જેથી હું મારા એક દિવસના સંકલ્પથી મારા જીવનનું નવું પર્વ શરૂ કરી શકું. . .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “આજ થકી નવું પર્વ. . . – જયવતી કાજી”

Copy Protected by Chetan's WP-Copyprotect.