એક અપ્રસિદ્ધ પુસ્તકની પ્રસ્તાવના – ડૉ.મૌલેશ મારૂ

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે શ્રી મૌલેશભાઈનો ખૂબ ખૂબ આભાર. તેમનો પ્રસ્તુત લેખ અગાઉ ‘નવચેતન’ સામાયિકના 1976ના અંકમાં સ્થાન પામેલ છે. આપ તેમનો આ સરનામે marumaulesh@yahoo.com સંપર્ક કરી શકો છો.]

સામાન્ય રીતે આપણા જીવનમાં ઘણી બધી વસ્તુઓ કરવા ખાતર જ થતી હોય છે. જૂના વખતની પ્રણાલિકા છે માટે ચાલુ રાખવી જોઈએ. આ વસ્તુ આપણા જીવનમાં બરાબર રૂઢ થઈ ગયેલ છે એ ન્યાયે પ્રસ્તાવના વગરનું પુસ્તક પણ પૂંછડી વગરના પ્રાણી જેવું લાગે છે. પુસ્તક પ્રસિદ્ધ થાય અને તેનું વિવેચન સારું થાય એ માટે એક વણલખ્યો નિયમ છે કે પુસ્તકની પ્રસ્તાવના કોઈ ખૂબ જાણીતો સાક્ષર લખે અગર તો ટીકાખોર વિવેચક લખે અથવા બહુ વગ ધરાવતી વ્યક્તિ લખે તે વધુ યોગ્ય ગણાય. તેથી તે નિયમ પ્રમાણે પહેલાં બેત્રણ વિવેચકોને સાધવાનો પ્રયત્ન કર્યો. એક વિવેચક પાસે ગયો ત્યારે તેઓ કંઈક પ્રાત:કર્મમાં પડ્યા હતા તેથી દોઢેક કલાક રાહ જોવરાવી ને મળ્યા. મેં બહુ જ સંકોચ સાથે કહ્યું, ‘મારે મારા પુસ્તકની પ્રસ્તાવના આપની પાસે લખાવવી છે,’ એક સંતોષનો ઘૂંટ ખેંચીને તેમણે કહ્યું: ‘જુઓ, મારી પાસે સમય તો નથી. પરંતુ તમારા લેખો મૂકતા જાઓ, હું વાંચીને લખવાનો પ્રયત્ન કરીશ.’ મેં કહ્યું : ‘જી, લેખો ?’ તો કહે ‘કેમ ! તમે લેખોનો સંગ્રહ નથી લાવ્યા ? તો પછી મોકલાવજો.’ મેં કહ્યું : ‘વાત એમ છે કે, મારે હજી લેખો લખવાના તો બાકી છે. પહેલાં પ્રસ્તાવના તૈયાર કરાવવી છે.’ તેમના મુખ પરના બદલાતા ભાવો જોઈને મને તેમની સમક્ષ વધુ સ્પષ્ટતા કરવાનું મન થયું કે ‘જુઓને સાહેબ, તમોએ જ્યારે પાઠ્યપુસ્તક લખ્યું ત્યારે હજી તે પ્રેસમાં ગયું તે પહેલાં જ અમે તમારી શરમે અમારી નિશાળમાં પાઠ્યપુસ્તક તરીકે મંજૂર નહોતું કર્યું ? તો આમાં પણ કેમ ન થાય ? પરંતુ તેમને એમ કહેવાની હિંમતના અભાવે હું ખરેખર લેખો લખવાના બાકી હોય તેવા મુખભાવ સાથે ચાલતો થયો.

બીજા એક લેખક મહોદય તો વળી પ્રસ્તાવના લખી દેવાથી તેમને શું મળે ? તેની ચિંતામાં પડ્યા હતા એટલે સર્વમાન્ય નિયમને ત્યજીને એમ નિશ્ચય કર્યો કે ચાલો, લેખો હું લખવાનો છું તો પ્રસ્તાવના પણ હું જ લખું. જો કે પોતે જ પ્રસ્તાવના લખવાથી લેખોની ટીકા કરતાં વખાણ જ થવાનો સંભવ ખરો પરંતુ ; આમેય બીજો કોઈ પ્રસ્તાવના લખે તો પણ લેખકના વખાણ માટે જ ને ? જો કે આમેય બીજા ક્ષેત્રના લેખકો કરતાં કટાક્ષ લેખકોમાં એક સૂક્ષ્મ ભેદ જોવા મળે છે કે પોતાની ક્ષતિ પર પોતે હસે અને બીજાને પણ હસાવે. તેમનું જીવન એટલું બધું ખુલ્લું હોય છે કે લગભગ વાચકો કટાક્ષ લેખકના તેમની પત્ની સાથેના ખાનગી સંવાદો પણ જાણતા જ હોય છે. આ બાબતમાં મારા એક મિત્રનો દાખલો યાદ આવે છે. એક કટાક્ષ લેખની હરીફાઈમાં તેમને બીજું ઈનામ મળ્યું. ઈનામ લેવા ગયા ત્યારે સમારંભમાં પ્રથમ વિજેતા બહેન સાથે ઓળખાણ થતાં એ બહેને પૂછ્યું : ‘તમને મારી ઈર્ષ્યા થતી હશે કેમ ?’ તેમના જવાબમાં મિત્રે કહ્યું, ‘બહેન ! ખોટું ન લગાડિ તો એક પ્રશ્ન પૂછું : ‘આ તમારો પહેલો જ લેખ હતોને ?’ લેખિકા બહેન કહે ‘તમારી વાત તો સાચી પરંતુ તમને તે કેવી રીતે ખબર પડી ?’ મિત્ર કહે ‘તમે જે પ્રશ્ન પૂછ્યો તે જ દર્શાવે છે કે તમારામાં અનુભવનો અભાવ છે. કટાક્ષ લેખકો કોઈની ઇચ્છા કરે જ નહીં અને જો ઇચ્છા કરે તો કટાક્ષ લેખક થઈ શકે નહીં, હકીકતમાં કટાક્ષ લેખક જ ને અનુસરીને દરેક વસ્તુને, પોતાની જાતને પણ, તટસ્થ રીતે જોવાને ટેવાયેલો હોય છે.

જેમ ઘણા પ્રેક્ષકોને મુખ્ય ચિત્ર શરૂ થયા પહેલા દેખાડાતાં ‘ન્યુઝરીલ’માં કંટાળો આવતો હોય છે તેમ મોટા ભાગના વાચકોને પ્રસ્તાવના વાંચવાનો કંટાળો આવતો હોય છે. તેમાં યે જો પ્રસ્તાવના ભારેખમ હોય તો તો અમારા પેલા વિજ્ઞાન લેખો લખતા મિત્ર કહે છે તેમ લેખ વિષે ‘પ્રુફરીડર’નો જ અભિપ્રાય પૂછવો જોઈએ. કારણ બીજા કોઈએ આખો લેખ વાંચ્યો હોય તો અભિપ્રાય પૂછાયને ? જો કે વિજ્ઞાન લેખ વિષે મારો તો અભિપ્રાય છે કે પ્રુફરીડર પણ ઘણી વખત તો તેમના પર કામનો બોજો એટલો બધો હોય છે કે વાંચ્યા બાદ તેમને ખ્યાલ પણ નથી હોતો કે તેમણે કટાક્ષ લેખ વાંચ્યો કે વિજ્ઞાન લેખ ! પરંતુ કોઈક વ્યક્તિએ લેખનો શબ્દેશબ્દ વાંચ્યો છે તેવો સંતોષ અને ગર્વ જરૂર લઈ શકાય. પ્રસ્તાવના લખવાનો એક હેતુ ઘણી વખત પુસ્તકના કાર્યમાં જેમણે મદદ કરી હોય તેનો આભાર માનવાનો પણ હોય છે. હું લખતો થયો અને પુસ્તક છપાવવા સુધી પહોંચ્યો એ માટે જો આભારવિધિ કરવા માટે લિસ્ટ બનાવું તો ખૂબ ખૂબ લાંબું થાય. પરંતુ મુખ્ય મુખ્ય વ્યક્તિઓનો વિચાર કરું તો મારા લેખકપણામાં વિશેષ ફાળો પિતાશ્રી તથા માતુશ્રીનો છે. એ બંનેનો સ્વભાવ એટલો બધો ભીરુ અને ચિંતાળુ કે મારા માતુશ્રી તો અમે કોઈ ઘરની બહાર અમસ્તા પણ નીકળીએ તો પાછા હેમખેમ ઘેર આવી જઈએ એને માટે ભગવાનને માળા અને દીવા માને. પિતાશ્રી બહાર ગયેલ વ્યક્તિને સહેજ મોડું થાય એટલે ઘરમાં રહેલ સભ્યો પર ઊકળી ઊઠે અને મોદું કરનાર વ્યક્તિ આવે એટલે એમનો ગુસ્સો અદૃશ્ય થઈ જાય. આમ અમારે ઘરમાં જ રહેવું પડે તેવી પરિસ્થિતિમાં લખવા સિવાય બીજી કઈ પ્રગતિ થઈ શકે ? તેમની ભીરુ વૃત્તિ મારામાં પણ વારસાગત ઊતરી છે અને એટલે જ મારો પહેલો લેખ છપાવવા મોકલવાની હિંમત જ ન ચાલે.

તે હિંમત સૌથી પહેલાં મારી પત્નીએ દર્શાવી અને એમાં પણ પુરસ્કાર મળ્યો ત્યાર પછી તો સહેજ નવરો બેઠો હોઊં તો ‘હવે આમ નવરા કેમ બેઠા છો, એકાદ લેખ લખી નાખોને’ એવી રીતે મને લખવાની સતત અને સખત પ્રેરણા મળ્યા જ કરે તે કંઈ નાનોસૂનો ફાળો કહેવાય ? આ ઉપરાંત બચપણથી મને મનમાં એમ ઠસી ગયેલું કે લેખક એટલે સાક્ષાત દરિદ્રતા ! તેને તો પેટમાં રોટલી નાખવાને બદલે બહારથી પાટા જ બાંધવાના હોય. સાયકલ તો એક બાજુ રહી પણ પગમાં ચંપલનું પણ ઠેકાણું ન હોય. આપણા જૂના લેખકોના જીવનચરિત્રો પરથી પણ કંઈક એવો ખ્યાલ બંધાઈ ગયો હોય તે શક્ય છે. અને એટલે જ મનોવૈજ્ઞાનિક રીતે લેખક તરીકે બહાર આવતાં કંઈક ડર લાગતો હતો. પરંતુ જ્યારથી ‘ફિલસૂફ’ (ચીનુભાઈ પટવા)ને વાંચ્યા ત્યારથી ખબર પડી કે લેખક સ્કૂટર કે મોટરમાં પોતાનાં પાત્રોને જ ફેરવીને સંતોષ પામે તેવું નથી પોતે પણ તેવાં વાહનોમાં ફરી શકે છે. આમ આ બધાં પરિબળોનો મારે આ તકે આભાર માનવો જોઈએ. જો કે હું કદાચ લેખનને બદલે દારૂ કે જુગારના વ્યસન પર ચડ્યો હોત તો પણ ઉપરના ઘણાખરાં પરિબળોને કારણભૂત દર્શાવી શક્યો હોત એટલે મને લાગે છે કે હું લેખન તરફ વળ્યો તે મારે માટે મારો અને ફક્ત મારો જ આભાર માનવો જોઈએ ! પુસ્તકમાં આવા પ્રકારની પ્રસ્તાવના કેવી શોભી ઊઠે તે વિશે એક લેખક મિત્રનો અભિપ્રાય પૂછતાં તેમણે કહ્યું કે ‘મને તો લાગે છે કે પુસ્તક છપાયા પહેલાં જેમ તેમાના ઘણા લેખો જુદી જુદી જગ્યાએ પ્રસિદ્ધ થઈ ગયા હોય છે અને હકીકતમાં તેની પ્રસ્તાવના જ પ્રથમ વખત છપાતી હોય છે તેમ પ્રસિદ્ધિ પહેલાં આ પ્રસ્તાવના પણ છપાવીને પુસ્તકમાં કંઈપણ નવું ન રહેવા દેવાનો તમારો વિચાર ખરેખર મૌલિક છે. અને તેથી જ પુસ્તક પહેલાં મારા અપ્રસિદ્ધ પુસ્તકની પ્રસ્તાવના વાચકો સમક્ષ આવી શકી છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous આજ થકી નવું પર્વ. . . – જયવતી કાજી
જેણે કચ્છ ના જોયું તેણે કંઈ જ ના જોયું – નરેશ અંતાણી Next »   

7 પ્રતિભાવો : એક અપ્રસિદ્ધ પુસ્તકની પ્રસ્તાવના – ડૉ.મૌલેશ મારૂ

 1. GPJ says:

  આ અપ્રસિધ્ધ પુસ્તક ની પ્રસ્તાવના વાંચી ને એવું લાગે છે કે પ્રસ્તાવના નું જ એક પુસ્તક પ્રસિધ્ધ કરો તો એ પણ સુપ્રસિધ્ધ થઈ જાય !!
  🙂

 2. Vismay Dave says:

  Very Nice Article, worth reading 🙂 🙂

 3. mrigendra antani says:

  Really intereating preface …I am now eager to read the book for which this is written.
  I also wish that it be series of articles and not just one !

 4. p j pandya says:

  બહુ જ સરસ લેખ ચ્હે

 5. rahul k.patel says:

  Khub saras lekh

 6. આપનો આભાર ,
  બહુ જ સરસ લેખ,આ લેખ ખુબ ગમ્યો માટે મારા બ્લોગ પર મુક્યો છે ,જેથી બ્લોગના વાંચકો માણી શકે ,પરવાનગી લીધા વગર મોક્યો છે માટે નારાજગી હોય તો જરૂરથી જણાવશો તો કાઢી નાખીશ। બાકી તો જ્ઞાન વેચાય એટલું સારું એમ હું માનું છું….

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.