- ReadGujarati.com - http://www.readgujarati.com -

બાળક એક ગીત (ભાગ-2) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”

[ ‘બાળક એક ગીત’ એટલે ગર્ભસ્થ શિશુ સાથે માતાનો સંવેદનાસભર વાર્તાલાપ. હીરલબેને આ વાર્તાલાપ પત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. આમ તો આ એક પુસ્તકરૂપે છે પરંતુ તેમાંનો થોડો અંશ આપણે (ભાગ-1 [1])અગાઉ માણ્યો હતો. આજે વધુ એક લેખ રૂપે તેનો બીજો ભાગ પ્રગટ કર્યો છે. આપ હીરલબેનનો આ સરનામે vasantiful@gmail.com અથવા આ નંબર પર +91 9099020579 સંપર્ક કરી શકો છો.]

[4]

બેટા,

ગયા રવિવારે અમે કુલ અઢાર જણ એકસાથે ‘કેવી રીતે જઇશ ?’ નામની ગુજરાતી ફિલ્મ જોવા ગયાં હતાં. સૌને ખૂબ જ મઝા આવી. અમારા બધા માટે થિયેટરમાં જોઈ હોય તેવી આ પહેલી ગુજરાતી ફિલ્મ હતી. આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક અભિષેક જૈન છે. એક તો તેઓ એકદમ યુવાન છે અને સાવ નવો જ વિષય લઈને આવ્યા છે. આજકાલ લોકોમાં વિદેશ જવાની અને પછી લગ્ન કરીને ત્યાં જ સ્થાયી થઈ જવાની ઘેલછા હોય છે. ફિલ્મનો આ મુખ્ય વિષય છે. એકદમ નાની વાતની સુંદર માવજત આ ફિલ્મમાં જોવા મળે છે. મેં અને તારા પપ્પાએ સાથે થિયેટરમાં જોઈ હોય તેવી આ ચોથી ફિલ્મ છે. તારા પપ્પા બહુ થિયેટરમાં જતાં નથી. એકવાર હું અને તારા પપ્પા સાથે ફિલ્મ જોવા ગયેલાં પરંતુ હું તો ખરેખર બહુ કંટાળી ગયેલી ! કારણ કે, થિયેટરમાં બસ માત્ર ચૂપચાપ ફિલ્મ જ જોવાની….સાથે મળીને એની ટીકા-ટિપ્પ્ણી કરવાનું કે અભિપ્રાયની આપ-લે કરવાનું એવું કશું જ નહિ. પછી તું જ કહે, કંઈ મજા આવે ખરી ?

સાચુ કહું તો મને ભરપૂર પ્રેમ કરે એવો માણસ ગમે. જ્યારે માથું ધોઉં ત્યારે ભીના વાળની સુગંધ લે એવો અને ક્યારેક ઉભરાતા દૂધની જેમ વ્હાલ ઊભરાવતો માણસ મને ગમે. એક ખાનગી વાત કહું તને ? તારા પપ્પા ચોક્કસ લાગણીશીલ છે પરંતુ એમને એ લાગણી બરાબર વ્યક્ત કરતાં નથી આવડતી. જો આપણને સામેની વ્યક્તિ પ્રત્યે લાગણી હોય પરંતુ એ આપણે બરાબર વ્યક્ત ન કરી શકીએ તો તે સામેની વ્યક્તિ સુધી પહોંચે કઈ રીતે ? હવે તું જ કહે મારી વાત ખોટી છે ? મને તો કોઈની નાની-નાની કાળજી લેવાનું બહુ જ ગમે. સ્ત્રી છું એટલે નહિ, પરંતુ એમ કરવું મને ગમે છે માટે. ફરજ સમજી ને તો કોઈ પણ કાળજી લે – જેઓ પ્રેમ કરે છે તેઓ પણ અને જેઓ પ્રેમ નથી કરતા તેઓ પણ; એમાં નવું શું છે ? મારી એ ઝીણી-ઝીણી કાળજીના છોડ પર તારા પપ્પાના સ્મિત અને સંતોષના ફૂલ ખીલતા જોવા મને બહુ ગમે છે. લાગણીથી વિશેષ મારી કોઈ માંગણી નથી. ખરેખર, મારો જીવ એક જ્ગ્યાએ બહુ જ અસંતોષી છે – પ્રેમની બાબતમાં.

તારી સાથે ઘણી વાતો થાય છે પરંતુ સમયના અભાવે ચાર-પાંચ દિવસોથી કંઈ લખાયું નથી. આખરે આજે ભગવાને મારી વાત સાંભળી ખરી ! અત્યારે હું ઑફિસમાં છું પરંતુ ઈલેક્ટ્રીસિટી જતી રહી છે તેથી થોડી નવરાશ છે. મને થયું કે ચાલ થોડું લખી લઉં. અંદર શું ગડમથલ ચાલી રહી છે તે સમજાતું નથી. કદાચ મારી પાસે તે જાણવાની પદ્ધતિ હોત તો કેટલું સારું, હેં ને ? ખેર, આજનો દિવસ કંઈક વિશેષ છે. તું પૂછીશ કે આજે વળી શું છે ? આજે અષાઢી બીજ છે. અષાઢી બીજ એટલે રથયાત્રા. આ દિવસે ભગવાન જગન્નાથ નગરવિહાર કરવા નીકળે છે. સૌને દર્શન આપે છે. રથયાત્રાની વાર્તા તો હું તને પછી કહીશ પણ અત્યારે તો બારીમાંથી કોરું આકાશ જોઈને મારું મન નિરાશ થઈ જાય છે. આ વરસાદની યાત્રા ક્યારે નીકળશે ? વરસાદને તો જ્યારે આવવું હોય ત્યારે આવે. હું કંઈ એની રાહ જોવાની નથી. મેં તો ગયા રવિવારે જ ગીતાબાના હાથે દાળવડા અગાઉથી જ ખાઈ લીધા છે ! વરસાદને તો ડીંગો….

કાલે રાત્રે મેં તારા પપ્પાને કહ્યું કે મને વાર્તા કહો. એમણે મને એક ગરીબ બ્રાહ્મણ અને એક ધનિક વાણિયાની વાર્તા કહી. વાર્તાનું નામ સાંભળીને તું બહુ ખુશ ના થઈશ હોં ! એમણે તો મને હજુ એટલું જ કહ્યું છે કે ‘એક ગરીબ બ્રાહ્મણ અને એક ધનિક વાણિયો હતો….’ પછી આગળ વાર્તામાં શું આવે છે એ તો રામ જાણે ! જોઈએ તારા પપ્પા આ વાર્તા કેટલા હપ્તામાં પૂરી કરે છે…

બે-એક દિવસ પહેલાં મેં તારા પપ્પાને આમ અમસ્તું જ પૂછ્યું કે સગર્ભા સ્ત્રીને તળપદી ભાષામાં શું કહેવાય એ ખબર છે તમને ? એમને તો ન આવડ્યું. એટલે મેં કહ્યું કે ગામડામાં લોકો ‘બે જીવી’ – એટલે કે બે જીવવાળી – એવો શબ્દ વાપરે છે. આ સાંભળીને ત્યારે તારા પપ્પાએ શું કહ્યું ખબર છે ? એ કહે કે તું તો બેજીવી છે કે બેજીબી (2GB) ? ખરેખર, તારા પપ્પા તો તારા પપ્પા જ છે ! તારી કુશળતા ચાહું છું.

લિ.
તારી વ્હાલી મમ્મી.

.

[5]

બેટા,

આજે મને જરા ઠીક નહોતું લાગતું….જરા ચિંતા થઈ ગઈ કે કંઇ તકલીફ તો નહિ થાય ને ? તારા પપ્પાને વાત કરી, ત્યાર પછી તારા પપ્પાએ દિવસ દરમ્યાન બે-ત્રણ વાર મને ફોન કર્યો. આજકાલ તારા પપ્પા મારી વધારે સંભાળ લેવા લાગ્યાં છે. કારણ તને ખબર છે? કારણકે તારા પપ્પા તને બહુ વ્હાલ કરે છે. તું જ વિચાર કે તું હજી અંદર છે ને તને તારા પપ્પા આટલું બધું વ્હાલ કરે છે તો બહાર આવીશ ત્યારે તને કેટલું વ્હાલ કરશે ?

અમે ડોક્ટર અંકલને બતાવવા ગયાં હતાં. ડોક્ટર અંકલે સોનોગ્રાફી કરી અને એક અઠવાડિયું સંપૂર્ણ આરામ કરવાનું કહ્યું છે. મારા માટે એક અઠવાડિયું એ એટલો મોટો સમયખંડ છે કે જેમાં મારે જે કંઈ કરવું હોય તે કરી શકાય, પરંતુ મારે તો કરવાનો છે માત્ર આરામ! મારા માટે ‘માત્ર આરામ’ કરવું જરા અઘરું છે પણ તારા માટે એ પણ કરવું પડશે. અઠવાડિયાનો મારે સારામાં સારો ઉપયોગ કરવાનો છે અને આરામ પણ કરવાનો છે… એટલે એક રીતે તારી સાથે વાત કરવાનો થોડો વધુ સમય મળવાનો છે એમ કહું તો ખોટું નહિ.

આજે મેં ડિસ્કવરી ચેનલ પર ‘I shouldn’t be alive’ નામનો એક કાર્યક્રમ જોયો. એમાં એવા લોકોના અનુભવ જોવા મળ્યાં કે જેઓ મરતાં-મરતાં બચ્યાં હોય. એમની જીજીવિષા એટલી પ્રબળ હતી કે મરવાની અણી પર હોવા છતાં તેવી પરિસ્થિતિમાં પણ તેઓ જીવી ગયા. પૃથ્વી પર દરેક સજીવે જીવવા માટે સંઘર્ષ કરવો પડે છે….મારે ને તારે પણ સ્તો ! હવે મારે આવતા છ અઠવાડિયાં બબ્બે ઇંન્જેક્શન લેવાના છે. એ પણ એક જાતનો જીવન સંઘર્ષ જ છે ને ?

આજે કેટલીયે રાહ જોવડાવ્યા પછી વરસાદ પડ્યો. પરંતુ હજી જોઇએ એવી ઠંડક થઇ નથી. વરસાદને કારણે માટી ભીની થઈ ગઈ છે. એ ભીની માટીની સુગંધ મારા નાકથી નાભી સુધી પહોંચે છે, ને એક અદ્દભુત પ્રકારની અનુભૂતિ થાય છે. આપણા ઘરની સામેના પીપળાએ તો પહેલા વરસાદમાં નાહી પણ લીધું છે. આપણા જે થોડા ઘણાં છોડ છે એના પાંદડા પર એવી રીતે પાણી બાઝી ગયું છે જાણે કોઇ છોકરું પોતાની માને વ્હાલથી ન બાઝ્યું હોય ! કપડાં સૂકવવાના તાર પર પણ પાણીનાં ટીપાં લટકે છે જાણે મોતીની માળા જ જોઇ લો !

તું આવશે પછી આપણે સાથે પહેલા વરસાદમાં નાહીશું. તારા પપ્પાને તો આમ કોઇ પાણી ઉડાડે તો ન ગમે અને વરસાદમાં પલળવું પણ ન ગમે, પણ તું આવીશ પછી જોઇએ કે એ તને લઇને પહેલા વરસાદમાં પલળે છે કે નહિ.

જો કે તારા આવ્યા પછી પહેલો વરસાદ આવશે ત્યારની વાત ત્યારે પણ એ પહેલાં અમે તને અમારા વ્હાલના વરસાદમાં ભીંજવી દઇશું!
લિ.
તારી વ્હાલી મમ્મી.

.

[6]

બેટા,

ગઈ કાલે નિશિતમામાનો ‘કુંવર માંડવો’ હતો એટલે અમે નંદીનીમામીના ઘરે ગયાં હતાં. સવારથી લઈને સાંજની ચા સુધી અમે બધા ત્યાં જ હતાં. પહેલા નિશિતમામાના લગ્ન ફેબ્રુઆરી મહિનામાં લેવાનું નક્કી થયું હતું પરંતુ ફેબ્રુઆરી મહિનામાં તું આવીશ એટલે હવે એમનાં લગ્ન નવેમ્બર મહિનામાં થશે.

આજે સવારમાં અમે ડોક્ટર અંકલને બતાવવા ગયાં હતાં. ડોક્ટર અંકલે સોનોગ્રાફી કરીને અમને તારા ધબકારા થતાં બતાવ્યાં. સાચુ કહું તો મને લાગે છે કે ઇશ્વરે માનવ શરીરની બહુ જટીલ રચના બનાવી છે ! તને હાથમાં લેવા માટે મારે કેટલી બધી રાહ જોવાની બોલ ! ડૉક્ટર અંકલે એમ પણ કહ્યું છે કે હવે હું બુલેટિન બહાર પાડી શકું છું કે હું મા બનવાની છું…. કેવું ફિલ્મી લાગે છે, નહિ ?! બપોર પછી એક કંપનીમાં ઈન્ટરવ્યૂ આપ્યો. ઠીક રહ્યો. હજુ ત્યાં ત્રીજો ઈન્ટરવ્યૂ આપવા પણ જવાનું છે. જોઈએ આગળ શું થાય છે !

આ વરસાદ તો બહુ ખેંચાયો ભૈ’સાબ ! સખત ગરમી અને ઉકળાટ થાય છે. ઘરમાં તો જાણે રહેવાતું જ નથી. તું કહે અંદર શું હાલચાલ છે ? બધું બરાબર તો છે ને ? ગીતાબાને તારી બહુ ચિંતા થાય છે. આજે મેં એમને વાત કરી કે તારા ધબકારા શરૂ થઈ ગયા છે તો એ સાંભળીને તેઓ ખૂબ ગળગળા થઈ ગયાં.

બસ ત્યારે, હવે વાત પૂરી કરું કારણ કે કાલથી પાછું નોકરીએ જવાનું છે….. મનોમન તને વ્હાલભરી પપ્પી કરીને તારી કુશળતા ચાહું છું…

લિ.
તારી વ્હાલી મમ્મી.