સંગીતને વરેલા સૂરયોગી – મીરા ભટ્ટ

[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.]

વિશ્વવિખ્યાત પંડિત રવિશંકરની સિતાર વીણાના સૂર તો અનેકાનેક લોકોએ સાંભળ્યા હશે, પરંતુ એમની જીવનવીણામાં ઘડીક રણઝણીને હવામાં વહી ગયેલા એક સૂરને બહુ થોડા લોકોએ સાંભળ્યો હશે. પરંતુ જે સદભાગીએ એ વિલાતા સૂરને સાંભળ્યો, તેમના માટે સંગીત સાધના પ્રભુને પામવાની આરાધના બની ગઈ. કયો છે આ વહી ગયેલો સૂર ! એ સૂર વહી ગયો નથી, આજે પણ એ વહે છે. વિષાદના ઊંડા પાતાળને ભેદી પરમેશ્વરના ઘરની લહેરખી બનીને આજે એ હવામાં ફેલાઈ ગયો છે. ફૂલને કોઈ કચડી શકે, ખુશબૂ ન કચડાય, ન કરમાય ! આપણને તો છાપાં દ્વારા એટલી ખબર કે પંડિત રવિશંકરને બે પત્ની હતી. પરંતુ પ્રથમ પત્ની આપણા ગુજરાતની આટલી નજીક હશે, તે તો ખૂબ ઓછા લોકો જાણે !

પતિએ એને અધવાટે જ છોડી દીધી, પણ એ હારી નહીં, થાકી નહીં. સામે ઊભેલી દુર્ઘટનાને ખાતર બનાવી, પોતાના જીવનને સંગીતભુવનનો પાવક તુલસીક્યારો બનાવ્યો. એમનું નામ અન્નપૂર્ણા દેવી, અને બીજું નામ ‘રોશન આરા’. ભારતના પ્રખ્યાત સંગીતકાર-નૃત્યકાર બાબા અલાઉદ્દીનની એ દીકરી. બાબા અલ્લાઉદ્દીન સંગીતક્ષેત્રે ઋષિ પદ પામેલા જીવનસાધક ! રાજા એના દરબારથી શોભે, એમ આ ઋષિબાબાનું શિષ્યવૃંદ પંડિત ઉદયશંકર, રવિશંકર, પન્નાલાલ ઘોષ, નિખિલ બેનરજી, વી.જી. જોગ અને અન્નપૂર્ણા દેવી જેવાં સંગીત-નૃત્યના પારંગતોથી ઓપતું. આવા દિવ્ય-ભવ્ય પિતા-પુત્રીનો પરિચય કરાવતું પુસ્તક ‘સૂરયોગીનું સુરોપનિષદ’ મિત્ર દ્વારા હાથમાં આવ્યું ત્યારે સંગીતની દુનિયાના એક અત્યંત પવિત્ર તીર્થધામની યાત્રા કરવાનો અનુભવ આવ્યો. લેખક ડૉ. સુનિલ શાસ્ત્રી ભલે વ્યવસાયે દંત-ચિકિત્સક પરંતુ સંગીતની ઉપાસના એ જ એમનું અંતરંગ ! પોતે પિતા-પુત્રી બંનેની ગુરુછાયામાં સંગીતમાં પ્રવેશ પામેલા.

આમ તો નાનપણમાં અન્નપૂર્ણાને ‘સારેગમનો ‘સાર’ શીખવો પણ દુર્લભ હતું. એ માટે નહીં કે પિતાના દિલમાં છોકરી-છોકરાનો ભેદ હતો. પરંતુ દીકરીને સંગીતથી દૂર રાખવા માટે એક દુર્ઘટના જવાબદાર હતી. અન્નપૂર્ણાની મોટી બહેન હોંશે હોંશે સંગીત શીખી. લગ્ન પછી પણ જહાંઆરાની સંગીત સાધના ચાલુ રહે તે માટે બાબાએ દીકરીને દહેજમાં તાનપૂરો આપ્યો. પરંતુ સાસરિયાં એવા ઔરંગઝેબ-કુળનાં નીકળ્યાં કે તાનપૂરાને સળગાવી દઈને વહુને ગાતી જ બંધ કરી દીધી ! સ્વાભાવિક છે કે સંગીતસ્વામી પિતા પર વજ્રઘાત જ થાય. પરિણામે નાની દેકરી માટે સંગીતના દરવાજા જ બંધ થઈ ગયા. ભલે સામે દરવાજા બંધ થયા. પણ કાનનાં કણકણમાં સૂરો વહે. એક વાર બાબા બહાર ગયા. દીકરો રિયાઝ કરે. સૂરોમાં કશુંક આડું-અવળું ચાલ્યું. સાત વર્ષની બહેન અન્નપૂર્ણા પહોંચી જઈને કહે – ‘ભૈયા, બાબાએ તો આવું શીખવ્યું છે. જો, સાંભળ !’ . . .અને અન્નપૂર્ણાએ આલાપ લઈ ગાવાનું શરૂ કર્યું. એક વાર, બે વાર ! ભૈયા ચૂપચાપ સાંભળતા રહ્યા. ત્યાં અચાનક ચોટલો ખેંચાયો. જુએ તો બાબા ! ખેંચીને અંદર ઓરડામાં લઈ જઈ દીકરીના હાથમાં તાનપૂરો ધરી પ્રેમથી બોલ્યા, ‘શીખીશ ?’ – બસ, અન્નપૂર્ણાની તો જાણે દશે દશા ખૂલી ગઈ. પછી તો પૂછવું જ શું ? પંખીની પાંખો ફફડતી થઈ અને આકાશ ટૂંકું પડવા લાગ્યું. કુંવારી કન્યાનાં બીજા વ્રતો શરૂ થાય તે પહેલાં જ બાબા પાસેથી સંગીતની વ્રતની દીક્ષા મળી ગઈ અને બાબાને પણ ઘરમાં અને ઘરમાં જ ઉત્તરાધિકારી મળી ગયો.

પ્રખ્યાત નૃત્યવિદ ઉદયશંકરનો ભાઈ રવિશંકર એક વિદેશ યાત્રામાં બાબા સાથે થઈ ગયો. બાબાનું સંગીતનું અગાધ જ્ઞાન જોઈ એમની પાસે સંગીત શીખવાની ઇચ્છા થઈ, પરંતુ બાબા ભારે શિસ્તપ્રેમી. સાધનામાં કચાશ ન ચાલે. કાચું માટલું ગુરુના નીંભાડામાં ધીરે ધીરે પાકું થવા માંડ્યું. એક જ ગુરુના બે શિષ્ય, જાણે એક જ ડાળનાં બે પંખી ! ઉદયશંકરને થયું કે બંને સંગીતસાધક છે, જોડી સારી જામશે અને વિધાતાએ બ્રાહ્મણ કુળ અને ઇસ્લામ ધર્મને એક ગાંઠે જોડી દીધાં. પરંતુ વિધિનાં વિધાન જુદાં હતાં. સંગીત અને સંસ્કૃતિએ જે બે જણને જોડ્યા, તેમને ભિન્ન પ્રકૃતિએ જુદા કર્યા. અન્નપૂર્ણા ભારતીય રંગે રંગાયેલાં, રવિશંકરે દેશવિદેશનાં પાણી પીધેલાં. એકનું ચિત્ત, જીવનસાધનામાં રત, ગહન ગંભીર, બીજાનું ભ્રમર જેવું ચંચળ ! સંગીતના ક્ષેત્રમાં પત્ની વધારે પ્રશંસા પામે એ હકીકત ભારતીય પતિને પચાવવી અઘરી પડે છે. પરંતુ એનો નિકાલ તો અન્નપૂર્ણાએ જાહેર કાર્યક્રમોનો અસ્વીકાર કરીને લાવી દીધો. પરંતુ ચંચળ વૃત્તિએ પતિને ‘એક-સ્થ’ થવા ન દીધો. હૃદય પર વ્જ્રાઘાત સમો કુઠારાઘાત ! પરંતુ વિધાતાના ઇશારાને જીવનસંકેત માની, સંગીતની દુનિયામાં જાતને પરોવી દીધી. સંગીતની સાધના પાણીમાં ઉપર-ઉપર તરતા રહેવાની સાધના નથી. એમાં ડૂબી જવું પડે છે, ખોવાઈ જવું પડે છે. પોતાને કાયમ રાખવાથી કળા કદી પ્રગટ ન થાય. અન્નપૂર્ણા માટે સંગીત એ ગહન સમાધિ હતી. એ માન-સન્માન, ઇનામ-અકરામ, એવૉર્ડ-સમારંભોથી દૂર રહેતાં. સંગીત શીખવવા કેસેટ જેવાં સાધનો પણ એમને મંજૂર નહોતાં. એમના માટે ગુરુમુખી વિદ્યા જ સાચી વિદ્યા હતી.

એમનું વાદ્ય હતું – સૂરબહાર. આ વાજિંત્રની પ્રકૃતિ જ અતિગંભીર છે. સાત સાગરના પાતાળપાણી જેટલું ઊંડાણ, ઘૂંટાતા સૂરોનું ગાંભીર્ય અને મૌનના મહાસાગરમાં ડુબાડી દે તેવી શાંતિ ન હોય તે આ વાદ્યના સૂરોને ન્યાય આપી ન શકે. એટલે જ અન્નપૂર્ણાનું સંગીત મહેફિલનું સંગીત નહીં, મંદિરનું સંગીત બન્યું. આ મંદિરના દીપથાળમાં પ્રગટતી સૂર-જ્યોત અંતરને પાવન કરતી. એમની શાંત સ્વસ્થ, આત્મસ્થ મુખમુદ્રા અનિમેષ દૃષ્ટિ, નખશિખ સાદગીનું આગવું સૌંદર્ય, એમના વ્યક્તિત્વને અનોખો ઓપ આપતાં એટલું જ નહીં, એમના સંગીતને પણ પાંખો આપતાં. આ બધો ગાળો 1929 થી 1966 સુધીનો. પંડિત રવિશંકર સાથેના લગ્ન બાદ 1942માં એક પુત્ર પણ જન્મ્યો. જેનું નામ રાખ્યું – શુભેન્દ્ર. એ પણ સિતારના નિષ્ણાત સિદ્ધ થયાં. યુવાન થયા પછી પિતા પાસે ચાલ્યા ગયેલા. જીવનમાં ત્યાર બાદ એકાદ વાર મળવાનું થયું. 1992માં વિદેશમાં જ મૃત્યુ થયું. માની આંખોમાંથી વહેતાં આંસુ પણ જાણે સૂર બનીને જ વહ્યાં. ઘટનાઓ તો ક્રમે ક્રમે ઘટતી જ જાય છે. સંગીત સાધના શીખવતાં શીખવતાં જ પૂર્ણતા ભણી આગળ વધી રહી છે. એમાં વિદેશમાં રહેતા પોતાના ભાઈ અલી અકબર ખાનના એક શિષ્ય 1973માં ભારત પાછા ફરે છે ત્યારે મુંબઈમાં અન્ંપૂર્ણા દેવીનાં બારણાં ખખડાવે છે. આગંતુકનું નામ છે – પ્રો. ઋષિકુમાર પંડ્યા. આપણા ગુજરાતના જ વતની. પરદેશમાં અવરજવર થતી રહે. બહુરાષ્ટ્રીય કંપનીના ઑફિસર ખરા, પરંતુ જીવ કોળે સિતારવાદનમાં. સંગીતની આ મોહીની જ એમને અન્નપૂર્ણા પાસે લઈ આવી. અન્નપૂર્ણા દેવીનું વ્રત હતું કે શિષ્યો પાસેથી કશું લેવું નહીં અને કોઈને જમાડ્યા વગર પાછા જવા દેવા નહીં. આર્થિક કટોકટી તો રોજની. ભીતર સંબંધોની કટોકટીને કારણે ઊભા થયેલા સંઘર્ષને તો જીરવતાં જ હતાં, તેમાં આ આર્થિક સંઘર્ષનો ઉમેરો. શિષ્યો આ પરિસ્થિતિ જાણે. ઋષિકુમારે પણ જાણી. આઠ-આઠ વર્ષનાં વહાણાં વહી ગયાં અને એક સવારે એમણે પ્રસ્તાવ મૂકી જ દીધો કે – ‘મારો જીવનસાથ સ્વીકારશો ?’ આમ જીવને કરવટ બદલી અને ગુરુ-શિષ્ય પતિપત્ની બન્યાં – 1982ની 9મી ડિસેમ્બરે – એક અનોખું દામ્પત્ય !

આ ઋષિકુમાર પંડ્યા ગુજરાતના. સોળ વર્ષની વયથી જ સિતારવાદનનો શોખ. પન્નાલાલ ઘોષના શિષ્ય. પન્નાલાલ અલ્લાઉદ્દીન બાબાના શિષ્ય. આમ ગુરુ-શિષ્યપરંપરા ચાલી આવે. યૌવનકાળમાં જ અમેરિકા તથા કેનેડામાં શિક્ષણ અને વ્યવસાય. અન્નપૂર્ણાદેવી કરતાં સોળ વર્ષ નાના. પણ સંગીતે જોડી આપેલા સંબંધને અત્યંત સ્નેહ તથા સંનિષ્ઠાપૂર્વક નિભાવતા આવ્યા છે. એક વિદૂષી પત્ની, સમર્થ શિક્ષક અને સમર્પિત જીવનસાથી. અ શિષ્યરૂપે કશી જાણ રાખી, ન સાથીરૂપે. શિષ્યરૂપે ઋષિભાઈ કહે છે, ‘જ્યારે તેઓ શિખવાડવા બેસે છે ત્યારે એક જુદી જ વ્યક્તિ બની જાય છે. સંગીતની સાધના કેટલી ઉત્કટ છે એ જ એમની પારાશીશી છે.’ આ એક અનોખો સંબંધ છે. ભક્તિ અને પ્રીતિ જ્યારે એક જ સિક્કાની બે બાજુ બની જાય, ત્યારે જ આવો સંબંધ પ્રગટ થાય. પણ અહીં માત્ર એક શિષ્ય થોડો જ હતો ? નામ ગણાવવા બેસું તો લાંબું થઈ જાય. પંડિત ઉદયશંકર, રવિશંકર, પન્નાલાલ, હરિપ્રસાદ ચોરસિયા પ્રમુખ શિષ્યો. પ્રખ્યાત ડૉ. સુનીલ શાસ્ત્રી વ્યવસાય દંત-ચિકિત્સક, પરંતુ અત્યંત સંનિષ્ઠ સૂરસાધક. એમણે પિતા-પુત્રી બંનેને ગુરુપદે સ્થાપીને સંગીતના જગતને ગુંજતું કર્યું છે. એમણે બે મહાન સૂરયોગીના સાંનિધ્યમાં સ્વર સાધના કરી છે. એમના માટે આ અન્નપૂર્ણા સૂરજગતનાં ઉજ્જવળ સિતારા હતાં, તો બાબા અલાઉદ્દીન સ્વરાકાશના પૂર્ણચંદ્ર. આ પિતા-પુત્રી બંને માટે સંગીત તો પરમાત્મા સુધી પહોંચાડનારી સીડી. તેમાંય બાબા તો સંગીત સમ્રાટ. મા કરતાંય બાબાનું જીવન વધારે ભાતીગળ. મૂળ બાંગ્લાદેશના વતની પણ મહિયરના મહારાજાના પોતે દરબારી સંગીતકાર અને મહારાજાના સંગીતગુરુ પણ ખરા. લગભગ 29 જેટલાં વિવિધ વાંજિત્રો પર એમની આંગળીઓ સહજતાથી રમતી. એમણે કેટલાય નવા રાગ સર્જ્યા. એમનું સંગીત ભીતરના કરુણા સાગરમાંથી ઊઠતું. મહિયરના આસપાસના પ્રદેશમાં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે અનાથ થયેલાં બાળકોને ઘરમાં રાખી સૌને સંગીત શીખવાડી એમનું ‘મહિયર-બેંડ’ તૈયાર કર્યું. જેમાં એક હજાર જેટલી વિવિધ સંરચનાઓ બનાવી. બાબાના ‘મહિયર ઘરાના’ની સુગન્ધ ચોમેર પ્રસરેલી છે.

બાબાનું જીવન સંઘર્ષમય હતું. નાનપણથી જ સંઘર્ષ આરંભાઈ ગયો. નિશાળે ન જતાં, ગામના શિવાલયના પખવાજના ગુંજારવમાં એને વધારે રસ પડે. કુટુંબીજનોએ ખાડી વાડો રચી, તો થનગનતું હૈયું છલાંગ મારવા તૈયાર જ હતું. સંગીતના ગુરુની શોધમાં કોલકાતા આવ્યા. રામકૃષ્ણ પરમહંસ તથા શારદામાના સંપર્કમાં આવ્યા અને પછી તો સૂરોની આરાધના એવી ચાલી કે વિધવિધ ગુરુ પાસે વિધવિધ સંગીતવિદ્યા શીખવાનું મળ્યું. તેમાંય પ્રખ્યાત વીણાવાદક વજીરખાન સાહેબ પાસે વીણા શીખવાનું દુર્લભ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું, કારણ કે વજીરખાં પોતાના કુટુંબીજન સિવાય બીજા કોઈને વીણા શીખવતા નહોતા. બાબા પોતે મુસ્લિમ, પણ મહિયર ગામની બહારના મંદિરમાં બિરાજેલી મા શારદા એમની આરાધ્યદેવી ! મંદિરની બહાર ઊભા રહી દર્શન પામતા. એક રાતે પૂજારીના સપનામાં આવીને માએ કોપિત સ્વરમાં કહ્યું, ‘મારા જ ભક્તને તું રોકીશ ?’ – પૂજારી માટે તો ધર્મસંકટ ઊભું થયું. મહારાજાએ માનો સંકેત ઝીલી ગુરુને ગર્ભગૃહમાં પહોંચાડી દીધા. બાબા હસતાં હસતાં કહેતા – ‘ભલે હું મંદિરની બહાર હતો, પરંતુ મારી મા તો મારી ભીતર જ હતી ને !’ પદ્મવિભૂષણની પદવી કે દેશવિદેશની યાત્રા આવા જીવનસાધકો માટે તો પાશેરાની પહેલી પૂણી પણ નથી હોતી. પૂરાં એકસો બે વર્ષનું આયખું પૂરું થવા આવ્યું ત્યારે બોલી ઊઠ્યા, ‘अभी संगीत की थोडी समज आने लगी है, तब जाने का वक्त आ गया.’ જેમ રામકૃષ્ણ પરમહંસને સમાધિમાં જોવા તે જીવનનો એક અદ્ભૂત લ્હાવો બની જતો, એ જ રીતે બાબાને રિયાઝમાં સમાધિસ્થ થયેલા જોવા તે પણ આવો જ દુર્લભ લ્હાવો હતો. જેમ જેમ સૂર ઘૂંટાતા જાય, તેમ તેમ દેહની કાંતિ તેજમાં ઝબોળાતી પ્રગટ થાય. જોનારાથી બોલાઈ જવાય – ‘અરે ! આ તો દેવપુરુષ !’ એવો દેવપુરુષ જેણે અનંત સાથે પોતાનો સાર જોડી દીધો હતો.

પિતા-પુત્રીની આ અદ્ભૂત બેલડી હતી. સંગીત જ એમના માટે ધ્રુવતારક રહ્યો. સરકારનાં માન-અકરામ, પદ્મવિભૂષણ કે પદ્મશ્રી, કશું જ એમને લોભાવી ન શક્યાં. સંગીત જગતનું એ ઋષિકુળ હતું. એ કાંઈ પ્રોફેશનલ સંગીતકાર નહોતા. ‘સાધના’ જ એમની ફી હતી અને સાધના જ એમનો પુરસ્કાર ! ડૉ. સુનીલ શાસ્ત્રી કહે છે – બાબા અને મા બંને સૂરયોગીઓએ પોતાની આજીવિકાને નહીં, જીવનતત્વને સૂર સાથે જોડ્યું. યોગ સાધ્યો અને પરમતત્વને સાધ્ય બનાવ્યું. નિરપેક્ષ ભાવે સાધના કરી અને ફળશ્રુતિ રૂપે જે કાંઈ પામ્યા તેને શિષ્યો દ્વારા ઠેઠ જગત સુધી વહાવ્યું. સંભવ છે કે આજે ગુરુ કરતાં શિષ્યો વધારે જાણીતા હોય. પરંતુ આ મૌન યાત્રિકોને જગત જાણે ન જાણે, એમની જીવનવીણામાં ઊઠેલા સ્વર આજે પણ આકાશમાં ફેલાયેલા છે. કળા એને કહેવાય જે અવ્યક્તનું આકલન કરાવે, અપ્રગટને પ્રગટ કરે. ઈશ્વરે આ આકલનની સંભાવના ધરાવતી ઇન્દ્રિય માનવમાત્રમાં મૂકી છે. પરંતુ સ્વરોની આંગળી પકડી પ્રભુના પ્રદેશનું સરનામુ ગોતી કાઢે એવા વિરલા તો કોઈક જ હોય !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “સંગીતને વરેલા સૂરયોગી – મીરા ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.