લફંગો – દક્ષા બી. સંઘવી

[‘જલારામદીપ’ માસિકમાંથી સાભાર.]

આમ તો અમારા ફ્લેટની આ પૂર્વ દિશાની ગેલેરીનું બારણું સવારના સૂર્યનમસ્કાર કરવાના સમયે જ ઊઘડે. તુલસીના કૂંડામાં પણ ત્યારે જ પાણી રેડીને બારણું બંધ કરી દેવાનું, પછી આખો દિવસ એ તરફ જોવાનું જ નહીં. શું કરીએ ? એ ગેલેરીની સાવ નીચે જ રીક્ષા સ્ટેંડ છે. એ લોકો આખો દિવસ જોર જોરથી ફિલ્મી ગીતો વગાડ્યા કરે. કેવા કેવા માણસો હોય, શું ખબર પડે ? ને આમેય આદમીની જાતનો શું ભરોસો ? વળી આપણે તો આખો દિવસ ઘરમાં એકલાં રહેવાનું હોય. ભલેને પીસ્તાળીસની ઉંમર હોય. તો યે સ્ત્રીની જાતને સંભાળીને રહેવું સારું, એટલે એ બાજુનું બારણું બંધ જ સારું. પણ હમણાં હમણાં સવારે એકાદ કલાક આ ગેલેરીનો દરવાજો ખૂલ્લો રહે છે. વાત એમ છે કે હમણાંથી જરા સાંધાનો દુ:ખાવો થતાં ઓર્થોપેડિક ડૉક્ટરને કંસલ્ટ કર્યા, તો લાંબા-લચ્ચ પ્રિસ્ક્રીપ્શન સાથે રોજ સવારે એક કલાક તડકામાં બેસવાની સલાહ પણ મળી. એટલે હવે મને-ક-મને પણ આ ગેલેરીમાં જ બેસવું પડે. પણ ભૂલેચૂકેય રીક્ષાસ્ટેંડ સામે તો નહીં જ જોવાનું ! પણ આકાશ સુધીની સફર કરનાર આંખો રીક્ષા સ્ટેંડ તરફ ગયા વિના રહે ખરી ? એમાંય ન જોવાનું હોય ત્યાં તો પહેલાં પહોંચી જાય. હશે, એ બધાંય આપણા જેવા માણસો જ છે ને ! અને એમ કંઈ બધા ખરાબ થોડા હોય ! અને આ ઉંમરે વળી આટલું તે શું ડરવાનું ?

એકલા આરામખુરશી પર બેઠાં બેઠાં સાવ શાંતિથી બીજે માળેથી નીચેની દુનિયા જોયા કરવાની પણ એક મઝા તો ખરી જ. આપણે ઘરમાં જ હોઈએ, અને છતાંય જાણે બહાર. એકલા તો ય જાણે ભીડમાં. અરે એ એક કલાક તો ક્યાં પસાર થઈ જાય ખબરેય ન પડે. આમ તો આ રીક્ષાઓ કે રીક્ષાવાળાઓમાં કે પછી રોડ પર જતા-આવતા માણસો કે વાહનોમાં જોવા જેવું તો શું હોય ? પણ તો ય જોયા કરવાનું- બસ, જોવા ખાતર જોવાનું. થોડીવાર માટે આ ગેલેરીની પાછળ આવેલા ઘરના અસ્તિત્વને ભૂલી જઈને જોયા કરવાનું. આપણા પોતાના શ્વાસને પણ ભૂલી જવાના. અંદર-બહારની બધી દીવાલોને ઑગળવા દેવાની. જોવાનો આનંદ લેવાનો- જોય કરવાનો આનંદ. આમ તો બધી રીક્ષાઓના નંબર અલગ અલગ હોય એ તો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ રીક્ષાવાળાઓના ચહેરા પણ અલગ હોય એવું તો ક્યારેય વિચાર્યું જ નહોતું. પણ આજે એક કલાક સુધી ફરીને રીક્ષા સ્ટેંડ પર પહોંચી જતી નજરે નોંધ્યું કે દરેક રીક્ષાવાળાને પોતાનો એક અલગ ચહેરો છે. દરેક રીક્ષાવાળાને એના નંબરથી અલગ એવી પોતાની આગવી ઓળખ હતી. બધાના ચહેરા પર ફરતી ફરતી નજર અચાનક એક રીક્ષા પર પડી. રીક્ષાવાળો ખોળામાં બેઠેલી એક એક-બે વર્ષની બાળકીને સીધું પ્લાસ્ટિક પાઉચમાંથી જ્યૂસ જેવું કંઈક પીવડાવી રહ્યો હતો. બાળકી ગોળમટોળ –ગોરી ગોરી સુંદર હતી. અને રીક્ષાવાળો ? કાળો કાળો વાન, સૂકલકડી દેહ, આંખો લાલ અને ચહેરો નંખાયેલો-થાકેલો જેવો. રાત આખી ઢીંચીને પડ્યા રહે પછી બાજું શું થાય ? પણ આ ફૂલ જેવી સુંદર બાળકી એના ખોળામાં ક્યાંથી ? જરૂર કોઈની ઉઠાવી લાવ્યો હશે.

હવે મારા શંકાશીલ મનમાં બધાં ચક્રો એકસાથે ફરવા લાગ્યાં. આમેય મારું મન શંકાશીલ. સારા કરતાં ખરાબ વિચાર પહેલાં આવે. ભીડવાળી જગ્યાએ હોઉં તો ડાબે-જમણે જોનારા બધા જ ખિસ્સાકાતરુ દેખાય, બેંકનું લૉકર ઑપરેટ કરતી વખતે લૂંટારાઓ ક્યાંથી કેવી રીતે ત્રાટકી શકે તેનો જ વિચાર આવતો હોય, કોઈ ડૉક્યૂમેંટ કે ચેક રેઢા જોઉં તો કોણ કેવી રીતે ફ્રોડ કરી શકે તેના વિચાર મન પર કબજો જમાવી દે. અરે ! ડૉક્ટરો પર પણ વિશ્વાસ ન આવે ! એટલે જ તો એપેંડીક્ષનું ઑપરેશન કરાવતી વખતે ડૉક્ટરે કીડની કાઢી લીધી હશે એવી શંકા થતાં ઑપરેશન પછી ફરી સોનોગ્રાફી કરાવી બંને કીડનીઓ સલામત હોવાની ખાતરી પણ કરી લીધી હતી ! શું થાય ? જમાનો જ એવો ખરાબ આવ્યો છે કે શંકાશીલ રહેવું સારું. એમાંય આ રીક્ષાવાળાના દરણ કાંઈ સારા તો નથી જ લાગતા, લફંગો જ લાગે છે. કોની છોકરી ઉઠાવી લાવ્યો હશે ! આ બાળકીના મા-બાપ બિચારા. . હવે આ અપહૃત છોકરીને આ લફંગાના પંજામાંથી છોડાવવાની મારી ફરજ હતી. એકવાર છોકરી હાથમાં આવે કે માણસને તો પોલીસમાં જ સોંપી દેવો છે. જેલની હવા ખાય – હાડકાં ખોખરાં થાય તો બીજીવાર આવા કામ કરતાં અટકે અને આ બાળકી ! હું જ દત્તક લઈ લઉં તો ? આમેય એટલી જ ખોટ રાખી છે ભગવાને. નજર હવે આકાશની પેલે પારનું જોવા લાગી હતી.

પણ આ સમય વિચારવાનો નહોતો. મારો ફ્લેટ લૉક કરીને પહેર્યે કપડે જ હું નીચે ઊતરી અને એની જ રીક્ષામાં બેસીને બીગબજાર લેવા કહ્યું. થોડીવાર પછી મેં ધીરેકથી એને એનું નામ પૂછ્યું. એની રીક્ષાનો નંબર તો મેં પહેલેથી જ મારી ડાયરીમાં નોંધી લીધો હતો. થોડી આડીઅવળી વાતો કર્યા પછી ધીરે રહીને મેં એને બાળકી વિશે પૂછ્યું. છોકરીના નામથી જ એના નંખાયેલા ચહેરા પર જરા રોનક આવી ગઈ.
‘મારી દીકરી છે.’ એણે કહ્યું.
‘એની મા ?’
‘સવારના કૉલેજમાં ભણવા જાય છે. એમ.એ.ના છેલ્લા વર્ષમાં છે. બી.એ.ના બીજા વર્ષમાં હતીને જ એની મા મરી ગઈ, બાપ પૂરો દારૂડિયો ને પાછી બીજીને બેસાડી બેઠો. છોકરીની હાલત તો સાવ ખરાબ. ઉપરથી નવી માનો ત્રાસ. પૈસા માટે એનો બાપ એને વેચી મારવાની તૈયારીમાં હતો એટલે મેં એની સાથે લગ્ન કરી લીધાં. એને આગળ ભણવું હતું એટલે. . .
લૂચ્ચો સાલો, કેટલી સફાઈથી જૂઠ્ઠું બોલે છે. એને એમ હશે કે આ બહેનને શું ખબર પડે ? પણ મેં ય ઠાવકું મોઢું રાખી વાત વાતમાં એને એનું એડ્રેસ, બેબીની મમ્મીનો છૂટવાનો ટાઈમ અને કૉલેજનું નામ પૂછી લીધાં.

બીગ બજાર પહોંચતાં બાર વાગવા આવ્યા હતા. એની પત્નીનો કૉલેજથી છૂટવાનો ટાઈમ હતો. અત્યારે જ મોકો હતો. ડીટીક્ટિવની જેમ રીતસરનો એનો પીછો જ કરવો પડશે. એમ તો નાનપણમાં કેટલીય ડીટેક્ટિવ વાર્તાઓ-નવલકથાઓ વાંચી હતી. એ બધું વાંચેલું આજે કામ લાગશે ! બધું હજી યાદ છે. ગુરુબક્ષસિંહ, શ્યામસુંદર, બીના. . . અરે ! એ બીનાડી કરતાં તો હું વધારે સારી જાસૂસી કરી શકું ! રીક્ષામાંથી નીચે ઊતરી થોડે દૂર જઈ મેં બીજી રીક્ષા પકડી. એક મેગેઝીનમાં મોઢું છૂપાવી રીક્ષાવાળાને આગળની રીક્ષાની પાછળ પાછળ લેવા કહ્યું. હવે એ લફંગો આગળ હતો ને હું એની પાછળ. થોડીવાર પહેલાં જ એણે બોલેલા સફાઈદાર જૂઠનો પર્દાફાશ થવાને બસ થોડી જ મિનિટોની વાર હતી. કૉલેજના ગેટ પાસે આવીને એની રીક્ષા ઊભી રહી. મેં પણ એનાથી થોડા અંતરે રીક્ષા ઊભી રખાવી અને એને દેખાઉં નહીં એવી રીતે ઊભી રહી. થોડીવારે એક સુંદર યુવતી આવી, પેલી બાળકીને પોતાના ખોળામાં લઈને રીક્ષામાં બેસી ગઈ. રીક્ષાવાળાની વાત તો સાચી નીકળી. પણ આ યુવતી, આટલી સુંદર અને વળી ભણેલી. લાગે છે પણ કોઈ સારા ખાનદાનની, જરૂર બાપડીને આ લફંગાએ ફસાવી હશે. આજકાલ તો આવું બધું ચાલતું જ રહે છે. જો એમ જ હોય તો મારે આ લફંગાની ચુંગાલમાંથી આ યુવતીને બચાવવા જરૂર કંઈ કરવું જોઈએ.

બીજા દિવસથી બાળકીના બહાને ધીરે ધીરે મેં તેની સાથેનો પરિચય વધાર્યો. ક્યારેક બાળકી માટે ઘરે બનાવેલો જ્યૂસ, ક્યારેક દલીયો, ક્યારેક ચીકુનો પલ્પ લઈને જઉં. હવે બાળકી પણ ખાસી હેવાઈ થઈ ગઈ હતી. મને ગેલેરીમાં જોતાં જ હાથ લાંબા કરે. ક્યારેક એ લફંગો એને ઉપર મારી પાસે રમવા મૂકી જાય. છોકરી ભલે અંદર આવે, પણ એ લફંગો તો ઘરની બહાર જ ! ભલું પૂછવું, એકને ફસાવીને બેઠો હોય એનો વિશ્વાસ કેમ કરાય ? વાતો ભલે ને મોટી મોટી કરે- છોકરીની માને ભણાવીશ. . છોકરીને ખૂબ ભણાવીશ વગેરે વગેરે. પણ આવાનો શો ભરોસો ? આવી મોટી મોટી વાતોમાં ભોળવીને પછી ક્યાંક વેચી મારે ! મા તો ઠીક, બાપડી આ ફૂલ જેવી છોકરીનું જીવન નરક થઈ જાય. ના, ના, આ કિસ્સામાં જરા જેટલુંય રેઢિયાળપણું ન ચાલે. બરાબર જાસૂસી કરવાની અને એની પોલ બધાની સામે ખુલ્લી કરવાની. કદાચ એ યુવતીને પ્રેમના નશામાં રાખીને છેતરતો હોય. અને આ ઉંમર જ એવી છે ભોળવાઈ ગઈ હોય બિચારી. તો એ છોકરીની આંખો પર બાંધેલો લવ બેલ્ટ છોડવો જ પડશે. સાચી હકીકત સમજાશે એટલે પસ્તાવો તો થવાનો જ. અને ભૂલ થઈ તેથી શું થયું ? હજી આખી જિંદગી પડી છે એની સામે. કોઈ ને કોઈ તો હાથ પકડનાર મળી જ રહેશે. અરે ! હું મહેનત કરીશ એના માટે. જો એની ફૂલ જેવી બાળકીને કોઈ ન સ્વીકારે તો હું બેઠી છું ને ! હું જ દત્તક લઈ લઈશ, હા, આટલી મોટી વાતમાં એમને પૂછવું પડે. પણ એ ક્યાં ના પાડે એવા છે ? અને આ યુવતી ? એ પોતાને ઘેર સુખી. આવતી-જતી રહેશે અહીં. કેમ ન આવે ? પેટના જણ્યાનું એટલું તો ખેંચાણ તો હોય જ ને. ભલે ને આવતી બાપડી. હું ય સમજીશ કે મારે બે દીકરી છે.

પણ આ લફંગો ? એને તો જેલભેગો કરવાનો. બે બે જિંદગી બગાડનારને સજા તો મળવી જ જોઈએ. આવાઓને પોતાને તો પોતાની ભૂલ સમજાય જ નહીં. બહાર નીકળે એટલે પાછા એના એ જ. ફરી કોઈની જિંદગી સાથે અડપલાં કરે. એના કરતાં આજીવન કેદની સજા હોય એ જ સારું. આવા નરાધમો તો આખા સમાજને બગાડી નાંખે. પણ ધીરે ધીરે બધું ચૂપચાપ કરવાનું, એને તો આનો અણસાર સરખોય ન આવવો જોઈએ. હું તો બસ, બાળકીના બહાને જઉં એની પાસે. ધીરે ધીરે બધી વિગત તો જાણવી પડે ને ? બાળકીને ઉપર લઈ આવું. આ ખાલી ઘરમાં થોડાં રમકડાં ય વસાવી લીધા છે. અત્યારથી થોડી હેવાઈ થઈ જાય તો સારું ને ! પછી એને અમારી સાથે રહેવાનું થાય ત્યારે મુશ્કેલી ના પડે ! જો કે આ લફંગો છે ભારે ખંધો. એકનું એક જૂઠ એવું ગોખીને રાખ્યું છે કે કાંઈ પૂછીએ તો પોપટની જેમ ચાલુ થઈ જાય. સાચી વાત તો મોંમાંથી ઑકતો જ નથી. પણ માણસની આંખો તો જે હોય તે સાચું જ કહી દે. આ લાલઘૂમ આંખો જોઈને ખબર પડી જ જાય કે રાત્રે ફૂલટાઈટ થઈને ઘેર જતો હશે. પેલીને મારકૂટ-ગાળાગાળી કરીને ક્યારે આ બિચારા ફૂલ પર પણ ઝેર ઑકતો હોય તો નવાઈ નહીં ! મેં કંઈ મારાં પિસ્તાળીસ વર્ષ પાણીમાં કાઢ્યા છે ? મારી જાસૂસી નજરથી કંઈ જ ન છટકી શકે. એ મોઢેથી ભલે બોલવું હોય એટલું જૂઠું બોલી લે. પણ એની ભીતરની ગંદકી મારી X-RAY જેવી આંખોએ આરપાર જોઈ લીધી છે.

એકવાર મેં એ યુવતીને મળવાની કોશિશ પણ કરી જોઈ-એને હૈયાધારણ બંધાવવા માટે જ ! ક્યાંક હિંમત હારી જાય અને કશુંક ન કરવાનું કરી બેસે ને આપણા કર્યા-કારવ્યા પર પાણી ફરી વળે એ કરતાં એને મળી લેવું એમ વિચારી એના છૂટવાના સમયથી પહેલાં જ કૉલેજ પહોંચી ગઈ અને એને મળી પણ ખરી. પણ એને તો જાણે મને મળવામાં કંઈ રસ જ ન હતો. ક્યાંથી હોય ? પોતે કરેલી ભૂલની શરમના ભારથી આંખ કેમ મીલાવે ? ગમે તેમ તો યે હું તો એને માટે સાવ અજાણી જ ને ? આવી ખાનદાન પરિવારની દીકરી એમ ટપ લઈને કોઈ અજાણ્યા સામે પોતાનાં દુ:ખ ઠાલવવા તો ના જ બેસે ને ! એણે આમ મારી અવગણના કરી એનું ય મને જરાયે દુ:ખ નથી, એનું નામ જ ખાનદાની ! એની અંદરની પીડા હું નહીં સમજું તો બીજું કોણ સમજશે ? બસ એનું એમ.એ. પૂરું થાય- રીઝલ્ટ આવે કે બધો પર્દાફાશ કરવાનો. અને હવે ક્યાં વધારે સમય કાઢવાનો છે ? બે-ચાર મહિના તો ઘડીકમાં પસાર થઈ જશે. આ લફંગાએ એને ફસાવી હશે ત્યારે તો ઉંમરે શું હશે બાપડીની ? વળી અધૂરું ભણતર, કોઈ હાથ પકડનાર પણ નહીં હોય. હવે એની પાસે એમ.એ.ની ડીગ્રી હશે અને હું છું એને સહારો આપનાર-હું એને આ કળણમાંથી બહાર કાઢીને જ રહીશ.

પણ અચાનક હમણાં બે દિવસથી એ લફંગો અને એની રીક્ષા કેમ દેખાતા નથી ? ક્યાં ગયો હશે ? પરીક્ષાઓ પતી, વેકેશન પડ્યું એટલે બાળકી તો એની મા પાસે ઘરે હોય. પણ આ લોફરિયો ? ક્યાંક મારા મનની ગતિવિધિઓ જાણી લઈને મારાં પહેલાં જ એણે એના ગંદા ઈરાદા પાર પાડવાના શરૂ તો નથી કરી નાખ્યાને ? ભલું પૂછવું ! રાતોરાત ક્યાંક વેચી આવ્યો હોય બંનેને ! અને પોતેય છૂ થઈ ગયો હોય. મારો તો જીવ અધ્ધરતળે થઈ ગયો છે. કોને પૂછું ? નીચે જઈને બીજા કોઈ રીક્ષાવાળાને પૂછું. . એ ય આ કાવતરામાં ભળેલા હોય તો કોને ખબર ? આ બીજા બે દિવસ પણ ગયા, હજી પેલા બદમાશ કે એની રીક્ષાનો કોઈ અતોપતો નથી. શું કરું ? એમને કહી જોઉં ? ના, ના, એમના જેવા સીધા માણસનું આમાં કંઈ કામ નથી. એના ઘર તરફ પણ એક ચક્કર મારી આવી. તાળું લટકે છે, આજુબાજુવાળાને પૂછું ને કંઈ હોબાળો થાય એ કરતાં પોલીસમાં ફરિયાદ કરી હોય તો ? પણ કંઈ આધાર વિના તો ફરિયાદે ય શું કરવી ? મનમાં ને મનમાં મૂંઝાયા કરું છું. કોઈ કામમાં ચિત્ત ચોટતું નથી, વારે વારે ગેલેરીના ચક્કર લગાવું છું, કદાચ પેલો ક્યાંક નજરે ચડે. આમ હાથ પર હાથ ધરી બેસી રહેવાથી શું થાય ? તરત કંઈક કરવું જોઈએ, નહીંતર પેલા બદમાશને સમય મળી જશે એના બદઈરાદા માટે ! પણ હવે ખરા વખતે જ બુદ્ધિ બહેર મારી ગઈ છે અને બધી બહાદુરી પણ ગાયબ ! આમ ને આમ બીજા બે દિવસ થઈ ગયા. આ ચિંતામાં ને ચિંતામાં ઘરના કામકાજમાંય મન નથી લાગતું.

મન લાગે કે ન લાગે. ઘરનું કામ કર્યા વિના છૂટકો ખરો ? અને આજે તો શનિવાર, આજે રદ્દીવાળાનો દિવસ. હમણાં નીચેથી એની બૂમ સંભળાશે. હું મને કમને બધી પસ્તી લઈ સરખી કરવા બેઠી. આ બધી મ્હોંકાણમાં છાપાંઓ પર તો નજર ફેરવવાની જ રહી ગઈ છે. આમેય શું હોય છે છાપામાં ? એકની એક જાહેરાતો ને રોજ એના એ જ સમાચાર ! છાપાંની થપ્પી સરખી કરતાં જોયું તો એક છાપાંના છેલ્લા પાને રીક્ષાવાળાનો ફોતો ! ના, ના, એ ક્યાંથી હોય ? એના જેવો બીજો કોઈ હશે ! પણ ના, છે તો એ જ. એનો ફોતો છાપામાં શા માટે હોય ? જરૂર કંઈ ના કરવાના કામ કર્યા હશે, કે પછી પેલીને મારી-કૂટી હોય કે વેચવા જતાં પકડાયો હોય, પેલીનું ખૂન-બૂન તો નહીં કર્યું હોય ને ! એવું કંઈ કર્યું હોય તો પેલા નાનકડા ફૂલની શી દશા ? મારા તો હાથપગ પાણી પાણી થઈ ગયા. ધ્રૂજતા હાથે મેં એ છાપું હાથમાં લીધું અને એ ફોટા નીચે લખેલા સમાચાર એકી શ્વાસે વાંચી ગઈ- વાંચતા જ પગ નીચેની ધરતી સરકી ગઈ- છાપાંમાં લખ્યું હતું :

“પત્નીની બેવફાઈથી આઘાત પામેલા પતિએ મોત વ્હાલું કર્યું.
પોતાની પત્નીને કૉલેજ ભણાવવા રાત-દિવસ જોયા વિના મહેનત કરનાર રીક્ષાવાળાની પત્ની તેની બે વરસની બાળકીને લઈને કોઈ કૉલેજીયન યુવક સાથે ભાગી જતાં પતિએ કાંકરિયામાં પડતું મૂકી પોતાના જીવનનો અંત આણ્યો !!”

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

18 thoughts on “લફંગો – દક્ષા બી. સંઘવી”

Copy Protected by Chetan's WP-Copyprotect.