માળો – જતીન મારૂ

[રીડગુજરાતીને આ સુંદર વાર્તા મોકલવા માટે યુવાસર્જક શ્રી જતીનભાઈનો (જામનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9033566487 અથવા આ સરનામે jeet.raj7@gmail.com સંપર્ક કરી શકો છો.]

હિંડોળા ના લયબદ્ધ કિચૂડાટ ના ધ્વનિ વચ્ચે અચાનક જ ભીંત પર ટીંગાડેલી ઘડિયાળ ના ડંકા થી જાણે લયભંગ થયો હોય એમ વિનોદરાયે જરા ઝબકીને ભીંત તરફ જોયું. ઘડિયાળ ના બે કાંટા ભેગા થઇ ને રાત્રી ના બાર વાગ્યા નો સમય બતાવતા હતા. પગ ની હળવી ઠેંસ થી હિંડોળો થોભાવીને વિનોદ રાય ઉભા થયા, સાથે જ લેમ્પ ના આછા અજવાળાં માં એક કાળી આકૃતિ પડછાયા રૂપે સામે ની દીવાલ પર ઉપસી આવી અને એ પડછાયો ધીરે ધીરે પાણીયારા સુધી લંબાયો. થોડુક પાણી પી ને વિનોદ રાય પાછા હિંડોળા પર આવીને બેસી ગયા.

વૃદ્ધાવસ્થા માં માણસ ની ઊંઘ આમેય ઘટી જાય છે પરંતુ આજ ના એમના આ અજંપા નું કારણ કંઇક જુદું જ હતું.વિનોદરાય મૂળેય સમય સામે ઝઝૂમી જનાર માણસ હતા.સમય સામે હારવાનું કે થાકવાનું એમના સ્વભાવ માં જ ન હતું, પરંતુ જીવન ની ઢળતી સંધ્યા એ ઘર પ્રત્યે નો એમનો તીવ્ર અનુરાગ એમની નબળાઈ બની ગયો હતો. ‘ઘર’ કે જેને તેમણે સપના માં સેવ્યું હતું અને પછી દિવસ રાત મહેનત કરીને, જેમ પંખી એક એક તણખલું એકઠું કરીને માળો બનાવે એમ વસાવ્યું હતું.

વિનોદ રાયે હિંચકતા હિંચકતા એક મમતા ભરી નજર ઓરડા ના ખૂણે ખૂણા માં ફેરવી લીધી. ભીંત પર લટકતી એન્ટીક ઘડિયાળ, બારી ઉપર ના ભાગ માં ટીંગાતું ચકલી અને તેના બચ્ચા સહીત ના માળા નું ચિત્ર, છત પર લટકતા કાંચ ના ઝુમ્મર, ખૂણામાં ગોઠવેલ નકશીદાર ફ્રેમ વાળો અરીસો, ભીંત ને અઢેલી ને વિશાળ મેજ, લાકડા ની કોતરકામ વાળી ખુરશી. એક એક વસ્તુ કેટલી ચીવટ થી પસંદ કરીને આણેલી હતી! દરેકે દરેક ચીજ સાથે ભરપુર સ્મૃતિઓ જોડાયેલી હતી.

વિનોદરાય હિંડોળા પર થી ઉતરીને ધીમા પગલે મેજ પાસે ગયા,એક ખાનું ખોલીને જૂની ડાયરી કાઢી અને પીળા પડેલા પૃષ્ઠો ઉથલાવીને વાંચવાનું શરૂ કર્યું…. “ આજે વિશ્રામવિલા માં પહેલો દિવસ છે, આ મકાન ની ચાર દીવાલો વચ્ચે ઘર વસાવવા જઈ રહ્યો છું…” ગૃહ પ્રવેશ ના દિવસે જ
પોતે ડાયરી માં ટપકાવેલ એ લખાણ ને વિનોદરાય ભાવાવેશ માં આગળ ના વાંચી શક્યા, બસ ડાયરી ના પૃષ્ઠ ને એને છાતી સરસું ચાપી દીધું. કોણ જાણે કેમ આજે એમને ડાયરી હંમેશ કરતા વધુ વહાલી લાગી. ઝભ્ભા ની બાંય થી આંખ ના ભીના ખુણા લુછી ને એમણે ડાયરી ના વધુ થોડાં પાનાં ફેરવ્યા…
“આનંદ ના આગમન થી અમારા માળા માં જાણે ટહુકો ઉગ્યો છે,પાર્વતી એ ખરેખર માળા ને ગુંજતો કરી દીધો છે….” પાર્વતી શબ્દ નજરે પડતા જ વિનોદરાય ની નજર મેજ પર પોતાની સ્વર્ગસ્થ પત્ની ના ફોટા વાળી ફ્રેમ ને શોધવા લાગી,પરંતુ પછી યાદ આવ્યું કે એ ફ્રેમ તો એમણે પોતાના સામાન સાથે જ પેક કરી દીધી છે. સહેજ નિરાશા સાથે તેમની નજર ત્યાં થી પાછી ફરી. પોતાના પુત્ર આનંદ ના જન્મ વખતે ની એ ટાચણ હતી. એ સાથે જ એમણે તે પૃષ્ઠ પર આંગળી ના ટેરવા ફેરવીને લખાણ માં કેદ એ ક્ષણો ને સ્પર્શવાનો પ્રયાસ કર્યો અને બીજી જ ક્ષણે પીળા જર્જરિત પૃષ્ઠો તરડાઈ જવાના ડર થી પોતાનો હાથ પાછો ખેંચી લીધો.

થોડા વધુ પાનાં ઉથલાવતાં એમના હાથ કંપવા લાગ્યા. કાળા અક્ષરો માં લખાયેલી એ નોંધ વાંચતા એમના ગળે ડૂમો બાઝી ગયો… “અલવિદા પ્રિયે….તારા સંચાર થી જેનો ખૂણે ખૂણો ધબકતો હતો એવું વિશ્રામવિલા આજે તારી વિદાય થી જડ બની ગયું છે….અને સાથે મારું જીવન પણ!” ડાયરી નું એ પાનું વિનોદરાય ની જાણ બહાર જ ભીનું થઈ ગયું. પરંતુ આ વખતે તેમણે એ સરવાણી ને ઝભ્ભા વતી લુછવાનો યત્ન ના કર્યો. ડાયરી ને બંધ કરીને ચુપચાપ ખાના માં મૂકી દીધી. પછી રાત્રી ને અંધકાર માં પણ ઘર નો ખુણેખૂણો ફરી વળ્યા. ઘર છોડતા પહેલા તેઓ આ ઘર ને ધરાઈ ધરાઈ ને જોઈ લેવા માંગતા હતા, શ્વસી લેવા માગતા હતા. સવાર પડતા ની સાથે જ એમની જિંદગી માં રાત પડવાની હતી.એમનું વહાલસોયું ઘર કે જે માત્ર ઈંટ પત્થર નુ માળખુ નહિ પણ એમની જીવનસંગીની નું સ્મૃતિસ્થાન બની ગયું હતું તે છૂટી જવાનું હતું, સદા ને માટે!

શહેર માં સ્થાયી થયેલો તેમનો એક નો એક પુત્ર આનંદ અને એની પત્ની એવું ઈચ્છતા હતા કે બાપુજી પણ શહેર માં આવીને તેઓ ની સાથે રહે. વળી ગામ ના આ મકાન ને કોઈ પાર્ટી સારી કીમતે ખરીદવા તત્પર પણ હતી. પછી વિચાર શું કરવાનો હોય? ઘણી આનાકાની બાદ વિનોદરાય ને પુત્રહઠ પાસે ઝૂકી જવું પડ્યું.પણ પોતાના સુખ દુઃખ ના સાથી એવા આ ઘર ને છોડતા એમનો જીવ કપાતો હતો. વિચાર માં ને વિચાર માં ક્યારે ઊંઘ આવી ગઈ એનું વિનોદરાય ને ધ્યાન જ ના રહ્યું.ખટારા ની ઘરઘરાટી થી જયારે તેમની આંખ ખુલી ત્યારે ખબર પડી કે આનંદ એમને લેવા માટે આવી પહોંચ્યો હતો. “ચાલો…ચાલો…ફટાફટ કરો, પેલો મોટો કબાટ ઉપાડી ને ગાડી માં ચડાવી ધો,પછી પેલું મેજ અને પછી….” આવતા ની સાથે જ આનંદે ઉતાવળા થઇ ને ખટારા ના ડ્રાયવર અને સાથે આવેલા બીજા મજુરો ને સુચના આપવા માંડી.

વિનોદરાય તૈયાર થઇ ને ઓસરી માં આવ્યા. તેમની નજર છત ના ખુણા માં ચકલી એ બાંધેલા માળા તરફ ગઈ. માળો શાંત હતો…કદાચ ચકલી એના નવું નવું ઉડતા શીખેલા બચ્ચાઓ સાથે આજે વહેલી જ ઉડી ગઈ હતી. માળા માં ખાલી સુનકાર ફરફરતો હતો. ફળિયામાં વાવેલા ઝાડ પાન ને પાણી પીવડાવતા એમના મન માં વિચાર ઝબકી ગયો કે હવે પછી આ મૂંગા ઝાડવા ને પાણી કોણ પીવડાવશે? એક ઊંડો નિશ્વાસ એમના થી નખાઈ ગયો. થોડો થાક લાગ્યો હતો એટલે ઓટલા પર બેસી ગયાં.
“ચાલો, બાપુજી બધો સામાન ખટારા માં ગોઠવાઈ ગયો છે. તમે મારી સાથે ગાડી માં બેસી જાઓ એટલે આપણે નીકળીએ. આપણે હજી લાંબો પંથ કાપવાનો છે.” આનંદ બોલ્યો.
“ જવું તો છે જ બેટા..પછી આટલી ઉતાવળ શીદ ને ? ઘડીક આ ઓટલે થાક ખાઈ લેવા દે, પછી તો આ બેઠક કોણ જાણે ક્યારે નસીબ થશે!” બોલતા બોલતા વિનોદરાય થોડા વધુ આરામપ્રદ સ્થિતિ માં ગોઠવાઈ ગયા અને ટેકો લેવા માથું દીવાલ પર ટેકવ્યું અને રાહત અનુભવતા હોય એમ આંખો મીંચી ને બેસી રહ્યા.

આનંદ અકળાયો પણ કઈ બોલ્યો નહિ. થોડી વાર સુધી વિનોદ રાય ઉઠ્યા નહિ એટલે અંતે ધીરજ ખોઈ ને ફરી થી બાપુજી ને ઢંઢોળ્યા
“બાપુજી..ઓ! બાપુજી! હવે ચાલો ને મોડું થાય છે.” વિનોદ રાય મૌન જ રહ્યા..!
“બાપુજી…ચાલો ને હવે” આનંદે વિનોદરાય ને હાથ પકડી ને હલબલાવ્યા…પણ એમની મીંચાયેલી આંખો ના ખુલી તે ના જ ખુલી, તેમના ચહેરા પર રાહત ની રેખા ઓ અંકાઈ ગઈ!
“ ટ્રીન…ટ્રીન..!” આનંદ ના ખીસ્સા માં ફોન રણકી ઉઠ્યો, સ્ક્રીન પર દેખાતો નંબર એની પત્ની નો હતો. આનંદે ફોન ઉપાડ્યો “ હેલ્લો”.
“ હેલ્લો! આનંદ.” સામે છેડે થી અવાજ આવ્યો
“ સામાન ભરાઈ ગયો…? બાપુજી એ મકાન ખાલી કર્યું?”
“ હા, બાપુજી એ ઘર છોડી દીધું….” બોલતા બોલતા આનંદનો અવાજ ફાટી ગયો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

20 thoughts on “માળો – જતીન મારૂ”

Copy Protected by Chetan's WP-Copyprotect.