મહાભારતના કેટલાક પ્રસંગો – અરુણ વિનાયક જાતેગાંવકર, વાસંતી અરુણ જાતેગાંવકર

[ આ પુસ્તક વિશે : ‘મહાભારતના કેટલાક પ્રસંગો : વિવેચન અને રસગ્રહણ’ નામના આ પુસ્તકના લેખકો છે શ્રી અરુણ વિનાયક જાતેગાંવકર તેમજ શ્રીમતી વાસંતીબેન અરુણ જાતેગાંવકર. આ પુસ્તકમાં ‘અસ્ત્રદર્શન’ તેમજ ‘દ્રોણવધ’ પ્રસંગો વિશે ખૂબ જ વિસ્તૃત અને વિવેચનાત્મક એવી અભ્યાસપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. મહાભારતને ઊંડાણપૂર્વક સમજવા ઈચ્છતા જિજ્ઞાસુઓ માટે આ પુસ્તક રસપ્રદ થઈ પડે તેવું છે. આ પુસ્તકના લેખકોએ ઘણા સંદર્ભો લઈને સમગ્ર પ્રસંગો ખૂબ સુંદર રીતે રજૂ કર્યા છે. આજે એમાંનો કેટલોક અંશ અત્રે પ્રકાશિત કરવામાં આવ્યો છે.]

આ પુસ્તક અમેરિકા તેમજ અન્ય દેશોમાં મેળવવા અંગે આપ તેમનો સીધો આ સરનામે vasantijategaonkar@yahoo.com સંપર્ક કરી શકો છો. ભારતમાં આ પુસ્તક આપ રીડગુજરાતી દ્વારા મેળવી શકો છો. આ પુસ્તકના સર્જકોની ઈચ્છા છે કે આ પુસ્તકના વેચાણમાંથી પ્રાપ્ત થતી રકમ રીડગુજરાતીના વિકાસમાં ઉપયોગી થાય. ભારતમાં આ પુસ્તક મેળવવા માટે આ ફોર્મ ભરીને Click Here આપનો ઓર્ડર નોંધાવવા માટે વિનંતી.]

[ લેખક પરિચય : અરુણ અને વાસંતી જાતેગાંવકર પતિપત્ની ૧૯૬૬ માં ગણિતના ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા આવ્યાં અને અભ્યાસ પૂરો થયા પછી ત્યાં જ સ્થાયિક થયાં. એ બંનેએ અમેરિકન વિશ્વવિદ્યાલયોમાંથી ગણિત વિષયમાં ડૉક્ટરેટ પદવી સંપાદન કરી. એ બંનેના ઘણા સંશોધન લેખો (research papers) ગણિત વિષય પરના સંશોધનને સમર્પિત એવા પાશ્ચાત્ય સામયિકોમાં પ્રગટ થયા છે. ડૉ. અરુણ જાતેગાંવકરે કરેલા ગણિત વિષય પરના સંશોધનના બે પુસ્તકો ગણિત વિષય પરના સંશોધનને સમર્પિત એવા પાશ્ચાત્ય પ્રકાશકો તરફથી પ્રગટ થયા છે. એ બંને અમેરિકન યુનિવર્સિટીઓમાં પ્રાધ્યાપક હતાં. ૨૦૦૧ની સાલમાં નિવૃત્ત થયાં પછી ડૉ.અરુણ અને ડૉ.વાસંતી જાતેગાંવકરે મહાભારત અંગે વાંચન અને લેખન શરૂ કર્યું. તેઓ બે પ્રકારના લેખો લખે છે. પહેલો પ્રકાર છે: મહાભારત અંગે સંશોધન. અંગ્રેજીમાં લખેલા તેમના આ પ્રકારના લેખો Annals of the Bhandarkar Oriental Research Instituteમાં પ્રગટ થાય છે. બીજો પ્રકાર છે: મહાભારતના મહત્ત્વના પ્રસંગોનું વિવેચન અને રસગ્રહણ. આ પ્રકારના તેમના લેખો પુણેની ભાંડારકર સંસ્થાએ પ્રસિદ્ધ કરેલી અને દુનિયાભરના સંશોધકોએ પ્રમાણભૂત માનેલી મહાભારતની સંસ્કૃત સંહિતાના અભ્યાસ ઉપર આધારિત હોય છે. તે લેખોની વિશિષ્ટતા એ કે વાચનીયતાની જેમ જ મહાભારતની સંહિતા જોડે પ્રામાણિક રહેવાનો તેમનો આગ્રહ. અસ્ત્રદર્શન અને દ્રોણવધ એ બંને પ્રસંગો પર તેમણે મરાઠીમાં લખેલા આ પ્રકારના લેખો પુસ્તકરૂપે ‘ग्रंथाली’ તરફથી પ્રગટ થયા છે. ]

Image (13) (407x640)દ્રોણવધ મહાભારતમાંનો એક અવિસ્મરણીય પ્રસંગ છે. દ્રોણના પ્રશ્નનો યુધિષ્ઠિરના મુખમાંથી ઉત્તર બહાર નીકળ્યો અને ત્યાં સુધી જમીનથી ચાર આંગળ અધ્ધર ચાલનારો તેનો રથ તત્ક્ષણે જમીન પર ઊતર્યો, એ આ પ્રસંગે ભારતીય મન પર કોરેલું દૃશ્ય આજે અઢી હજાર વર્ષો એમનું એમ ટકી રહ્યું છે. વ્યાસે કથામાં અહીં આણેલો ‘कुंजर’ અને તેમણે કરેલો તેનો ઉપયોગ તો અજોડ છે ! કુશલ અને નાટ્યપૂર્ણ પ્રસંગરચના એ વ્યાસની શૈલીનું વૈશિષ્ટ્ય દ્રોણવધની રચનામાં પણ જોવા મળે છે. કથામાં દ્રોણવધ એકાએક થયો નથી. કથામાં અગાઉ બનેલી વિવિધ ઘટનાઓ, કથામાંની સદ્ય:સ્થિતિ, દ્રોણનો સ્વભાવ, દ્રોણના વધમાં સહભાગી થયેલા પાંડવપક્ષમાંનાં કથાપાત્રોના સ્વભાવ, આ અને તત્સમ ઇતર બાબતોના સંમિશ્રણથી આ પ્રસંગે વિવિધ ક્રિયા-પ્રતિક્રિયાઓ થઈ રહી હતી. દ્રોણવધની ઘટના વ્યાસે તે ક્રિયા-પ્રતિક્રિયાઓ અને દૈવ એ બંનેના પરિપાકરૂપે મેળવી આણી છે. મહાભારતની કથામાં દ્રોણવધ પ્રસંગને મહત્વનું સ્થાન છે. કૌરવપક્ષનો બીજો અને છેલ્લો અતિરથિ અહીં રણભૂમિ પર ઢળી પડ્યો છે; કૃષ્ણે પાંડવોને કરેલી પહેલી ધર્મબાહ્ય સ્પષ્ટ સૂચના કથામાં અહીં જોવા મળે છે; અને યુધિષ્ઠિરને તેના આ પ્રસંગના વર્તનને કારણે કથામાં આગળ ઉપર નરકનું દર્શન કરાવવામાં આવ્યું છે. દ્રોણવધમાંનો અધર્મ, તે વધમાંનું છદ્મ, અને તે વધમાંની નીચતા, આ બધાં પરથી તે વધ થયા પછી થોડી વારમાં રણાંગણમાં બે મહત્વની ઘટનાઓ બની છે.

પહેલી ઘટના છે: દ્રોણવધ થતી વખતે જે ત્યાં ઉપસ્થિત નહોતો તે અશ્વત્થામાને તે વધની સાદ્યંત હકીકત કૃપ પાસેથી જાણવા મળે છે અને કથામાં અહીં સુધી પાંડવો પ્રત્યે સદ્ભાવ અને પક્ષપાતી વલણ ધરાવનારો અશ્વત્થામા હવે પાંડવોનો હાડવેરી બને છે. વેરભાવ અશ્વત્થામાના મનમાં પેદા થાય છે તે અહીં ! અશ્વત્થામામાં થયેલો આ ફેરફાર કથાની દૃષ્ટિએ મહત્વનો છે. વેર લેવા તેણે કથામાં પાંડવસેના ઉપર છોડેલા નારાયણાસ્ત્રથી પાંડવોનો યુદ્ધમાં પરાજય થવાની વેળા આવી છે. અને વેર લેવા તેણે કથામાં આગળ ઉપર કરેલી બાબતોને લીધે પાંડવસેનાનો વિનાશ થયો છે અને ખુદ પાંડવો નિર્વંશ જવાની વેળા આવી છે. દ્રોણવધ પછી બનેલી બીજી મહત્વની ઘટના છે: તે વધ માટે પાંડવપક્ષે વાપરેલા અધર્મયુક્ત માર્ગને અનુષંગે તે પક્ષમાં થયેલો વિતંડાવાદ. વ્યાસે તે વિતંડાવાદનું રસભર્યું વર્ણન કર્યું છે. ભિન્ન પ્રકૃતિના ત્રણ કૌંતેયો પૈકી દરેકની – દ્રોણવધ ઘટના પ્રત્યે જોવાની, તે ઘટનામાંની પોતાની સહભાગિતા પ્રત્યે જોવાની, અને તે ઘટનામાંની ઇતર કથાપાત્રોની સહભાગિતા પ્રત્યે જોવાની – દૃષ્ટિ વ્યાસે વિતંડાવાદમાં ગૂંથી છે. પાંડવપક્ષમાં થયેલા વિતંડાવાદને મહાભારતની કથામાં મહત્વનું સ્થાન છે. યુદ્ધમાં આપણા પક્ષમાંના કોઈએ કાંઈક ખોટું કર્યું એવા શબ્દો પાંડવપક્ષમાંના કોઈ કથાપાત્રના મુખે કથામાં અહીં પ્રથમ જ આવે છે. મહાભારતમાંના દ્રોણવધ પ્રસંગનું અને તે વધના ઉપરિનિર્દિષ્ટ ઉત્તરવૃત્તનું સાહિત્યિક વિવેચન અને રસગ્રહણ એ પ્રસ્તુત લેખનું ઉદ્દિષ્ટ અને સ્વરૂપ છે. તે પ્રસંગ મૂળ સ્વરૂપમાં વાચકો સામે રજૂ કરવાનો અને તે પ્રસંગની રચનામાં વ્યાસે ઓતેલું સો ટચનું નાટ્ય વાચકો સુધી આણવાનો પ્રયત્ન અહીં કરવામાં આવ્યો છે. દ્રોણવધના સંદર્ભમાં આપણે સૌને જાણીતી ‘नरो वा कुंजरो वा’ ઉક્તિ વિશે બે શબ્દો. મહાભારતમાં ‘नरो वा कुंजरो वा’ શબ્દો કોઈ પણ જગ્યાએ કોઈના પણ મુખે નથી. મહાભારતમાં દ્રોણના પ્રશ્નનો યુધિષ્ઠિરના મુખનો ઉત્તર ભિન્ન અને અધિક નાટ્યપૂર્ણ છે.

લેખમાં ઉપોદ્ઘાત તરીકે વ્યાસની કથા, તેમની શૈલી, અને કથાપાત્રોના સ્વભાવ અને મનોવ્યાપાર કથામાં ગૂંથવાની તેમની પદ્ધતિ, આ બધાં વિશે પ્રસ્તુત પ્રસંગના સંદર્ભમાં બેચાર શબ્દો લખવું ઉચિત ઠરે. મહાભારત આશરે અઢી હજાર વર્ષો પહેલાં રચાયેલી કલાકૃતિ છે. તે કલાકૃતિ તે કાળની કુટુંબવ્યવસ્થા અને સમાજવ્યવસ્થા ઉપર આધારિત હોઈને તે કાળના શ્રોતાઓ માટે તે કાળની રચનાપદ્ધતિ વાપરીને તે કાળની ભાષામાં લખાઈ છે. તેમ છતાં તે કલાકૃતિમાં આપણે જેમ જેમ ઊંડું ઊતરીએ તેમ તેમ તે કલાકૃતિમાંનું પ્રાચીન વાતાવરણ, તેમના આચારવિચાર, તેમાંની પ્રાચીન સામાજિક અને ધાર્મિક માન્યતાઓ, આ બધાંથી આપણે ધીમે ધીમે ટેવાઈ જઈએ છીએ. તે કલાકૃતિમાંનું અદ્ભૂત આપણને પરિચિત થાય છે; વિસંગતિઓની પેલી પાર જઈને કથા તરફ જોતાં આવડે છે. બાકી રહે છે તે વ્યાસનિર્મિત કથાપાત્રો અને તે કથાપાત્રોની વ્યાસે રચેલી જીવનગાથાઓ. એકબીજા સાથે સંકળાયેલી તે જીવનગાથાઓ વ્યાસે તો એવી સરસ રચી છે કે તે વાંચતી વખતે તે ગાથાઓનાં કથાપાત્રો આપણાં જેવાં જ ખરેખરાં માણસો લાગવા માંડે છે. તેઓના મન ધીમે ધીમે સમજવા માંડીએ છીએ. તેઓ વચ્ચેની માયા, મૈત્રી અને નિષ્ઠા; દ્વેષ, વેરભાવ અને દ્રોહ; આ બધા ભાવો ધીમે ધીમે સમજવા માંડીએ છીએ. અને પછી વ્યાસનાં કથાપાત્રોનાં રાગદ્વેષ, હર્ષખેદ, આશાનિરાશા, માનાપમાન, યશના ઉન્માદ અને અપયશના દાહ, આ બધું આપણને એવા આવેશથી વળગી પડે છે કે આપણે એક પ્રાચીન કથા વાંચીએ છીએ એ ભૂલાઈ જવાય છે. વ્યાસની કલાકૃતિમાં આજ અઢી હજાર વર્ષો પછી પણ એ રીતે નિમગ્ન થઈ શકાય છે, એનાથી વધારે યશ તે શું !

વ્યાસે નિર્માણ કરેલા પાત્રો તો એવા નાટ્યપૂર્ણ છે ! રથ જમીનથી ચાર આંગળ અધ્ધર ચાલનારો તેમનો યુધિષ્ઠિર કહેવો કે છેલ્લી ઘડીએ શત્રુસેનાની સામે રથમાં બેસી જઈને ‘न योत्स्ये’ – હું લડીશ નહિ – કહેનારો તેમનો અર્જુન કહેવો ! દુ:શાસનનું લોહી લહેજતથી પિનારો તેમનો ભીમસેન કહેવો કે સાથળો ભાંગી જઈને ધૂળમાં પડી ગયા પછી પણ ભાંગી ન પડેલો તેમનો દુર્યોધન કહેવો ! કૃષ્ણ વિશે તો કહેવું જ ન પડે ! વ્યાસનાં આ બધાં કથાપાત્રો આપણી વચ્ચે એકસો પેઢીઓથી વાસ કરીને રહ્યા છે. વ્યાસે તેમના કથાપાત્રોમાં ઓતેલો મનુષ્ય સ્વભાવ તો આજ અઢી હજાર વર્ષો પછી પણ સર્વથૈવ પરિચિત લાગે છે. વ્યાસનાં કથાપાત્રોના સ્વભાવમાં ક્રોધ અને લોભ, પ્રેમ અને દ્વેષ, આ બધાં સાથે અહંભાવ, લુચ્ચાઈ, પોતાના દોષો ન જોવા, પોતાના માટે એક માપદંડ અને દુનિયા માટે બીજો માપદંડ, એ સુદ્ધાં છે. આત્મપ્રતારણા અને પોતાના વિશેના ભ્રમને તો અહીં અંત નથી ! વ્યાસે નિર્માણ કરેલા કથાપાત્રોના સંબંધે એક બાબત ધ્યાનમાં લેવા જેવી છે; તે કથાપાત્રોમાં સદૈવ શુક્લવર્ણ કોઈ નથી. દુષ્પ્રવૃત્ત કથાપાત્રોના સ્વભાવને કાળી બાજુ હોવું આપણને અપેક્ષિત હોય છે. પરંતુ વ્યાસનાં સત્પ્રવૃત્ત કથાપાત્રોના સ્વભાવને પણ કાળી બાજુ હોય છે, અને તે કથાપાત્રોના સ્વભાવની તે બાજુ તે રંગમાં આપણી સામે રજૂ કરવાની પ્રામાણિકતા અને સમર્થતા વ્યાસમાં છે. પરિણામે વ્યાસે તેમનાં સત્પ્રવૃત્ત કથાપાત્રોનાં દુષ્કૃત્યો પર રચેલા પ્રસંગો નાટ્યપૂર્ણ જ નહીં તો અસ્વસ્થ કરનારા હોય છે. ભીષ્મવધ, દ્રોણવધ, કર્ણવધ તથા દુર્યોધનવધ આ ચારે પ્રસંગો એ જાતના છે. દ્રોણવધ પ્રસંગ વિશેષ અસ્વસ્થ કરી મૂકનારો છે, કારણ તે પ્રસંગ વ્યાસના સૌથી સત્પ્રવૃત્ત કથાપાત્રે સ્વાર્થ સાધવા માટે જાણીજોઈને કરેલા વ્યાજયુક્ત જ નહીં તો કાજળકાળા કૃત્ય પર રચાયો છે.

દ્રોણવધ વિશે વધુ લખવા પહેલાં તે પ્રસંગની રૂપરેખા આપવું ઉચિત ઠરે. કૌરવ-પાંડવોના યુદ્ધનો પ્રારંભ થયો ત્યારે ભીષ્મ કૌરવસેનાના સેનાપતિ હતા. યુદ્ધના દસમે દિવસે ભીષ્મનું રણમાં પતન થયું અને તે પછી દુર્યોધને દ્રોણને કૌરવસેનાના સેનાપતિ બનાવ્યા. દ્રોણનો વધ યુદ્ધના પંદરમે દિવસે બપોરે થયો છે. તે બપોરે દ્રોણે દિવ્યાસ્ત્રોની સહાયથી પાંડવસેનાનો એવો ગજબનાક સંહાર આરંભ્યો કે પાંડવસેના હવે થોડા જ સમયમાં નામશેષ થઈ જઈને પાંડવોનો યુદ્ધમાં કારમો પરાજય થશે એવો રંગ દેખાવા લાગ્યો. તે જોઈને દ્રોણનો ઇલાજ કરવાના ઉદ્દેશથી પાંડવપક્ષે ‘અશ્વત્થામા માર્યો ગયો’ એવી અફવા ફેલાવી. આપણા કાને આવતી વાર્તામાં કાંઈક પેચ છે એવી શંકા આવવાથી દ્રોણ ખુદ યુધિષ્ઠિર પાસે ગયા અને તેમણે તેને અશ્વત્થામા વિશે ‘જીવતો છે કે માર્યો ગયો ?’ એ પ્રશ્ન પૂછ્યો. અશ્વત્થામા જીવતો હોવા છતાં યુધિષ્ઠિરે તેમને ‘માર્યો ગયો’ એ ઉત્તર આપ્યો. તેના ઉત્તરમાં આપણે સૌને પરિચિત ‘कुंजर’ પણ છે. પરંતુ યુધિષ્ઠિરે જાણીજોઈને હળવેથી ઉચ્ચારેલો તે શબ્દ તેની અપેક્ષા મુજબ દ્રોણને સંભળાયો નહીં. સત્યવાક્ય તરીકે વિખ્યાત યુધિષ્ઠિરના મુખમાંથી ‘માર્યો ગયો’ એ ઉત્તર સાંભળ્યા પછી પાંડવપક્ષે ફેલાવેલી અફવા ઉપર દ્રોણનો વિશ્વાસ બેઠો. તે પછી પુત્રવધના દુ:ખથી આર્ત થયેલા દ્રોણે હાથમાનું ધનુષ્ય નીચે મૂકીને રણમાં પ્રાયોપવેશનનો આરંભ કર્યો; અને તે અવસ્થામાં ધૃષ્ટદ્યુમ્ને તેમનો ખડ્ગથી શિરચ્છેદ કર્યો.

દ્રોણવધ યુધિષ્ઠિરની ફરતે રચાયો હોત તો પણ તે વધમાં ભીમની પ્રત્યક્ષ અને અર્જુનની અપ્રત્યક્ષ સહભાગિતા છે. વ્યાસે તે ત્રણેય કૌંતેયોના સ્વભાવનું અને મનનું ઉત્કૃષ્ટ દર્શન દ્રોણવધ પ્રસંગેના અને ત્યાર પછી થયેલા વિતંડાવાદના પ્રસંગેના તે ત્રણેના વર્તન દ્વારા કરાવ્યું છે. પ્રસ્તુત પ્રસંગનું યથાયોગ્ય રસગ્રહણ થવાની દૃષ્ટિએ તે દર્શન મહત્વનું છે. તેમજ કથાપાત્રોના ગૂંચવણભર્યા મનોવ્યાપાર, કથાપાત્રોની પોતા પ્રત્યે અને બીજા પ્રત્યે જોવાની દૃષ્ટિ, આવી બાબતો કથાપાત્રોના વર્તન દ્વારા કથામાં ગૂંથવાની વ્યાસની પદ્ધતિનો તે દર્શન એક ઉત્તમ નમૂનો છે. તેથી તે વિશે અહીં થોડી તપશીલ આપવી ઉચિત ઠરે. પ્રથમ જ્યેષ્ઠ કૌંતેય. વ્યાસનો યુધિષ્ઠિર સત્પ્રવૃત્ત છે. બલ્કે એમ કહી શકાય કે સત્પ્રવૃત્ત ગૃહસ્થ કેવો હોય છે એની વ્યાસની વ્યાખ્યા છે – યુધિષ્ઠિર. કથામાંનાં સર્વ સત્પ્રવૃત્ત કથાપાત્રોનો તેને વિશે ઉચ્ચ મત છે. નોંધ લેવા જેવી વાત એ છે કે યુધિષ્ઠિરનો પોતાની જાત વિશેનો મત એટલો જ, બલ્કે તેથી પણ અધિક, ઉચ્ચ છે. કથામાં અગાઉ તેના મુખે મૂકેલો ઉદ્ગાર જુઓ:
न मे वागनृतं प्राह नाधर्मे धीयते मति: – મારી વાણી (કદી) અસત્ય ન વદે અને મારી મતિ (કદી) અધર્મ તરફ ન વળે.

ધર્મ અને સત્ય વિશે આવા જ ભારે ઉદ્ગારો વ્યાસે યુધિષ્ઠિરના મુખે ઇતરત્ર પણ મૂક્યા છે. પ્રસ્તુત પ્રસંગે યુધિષ્ઠિરે દ્રોણના પ્રશ્નનો ઉત્તર તરીકે તેઓને અસત્ય સહેતુક કહ્યું એ વ્યાસે સંજયના મુખે મૂકેલા તે પ્રસંગના વર્ણનનો સામાન્યત: બેસાડવામાં આવતો અર્થ છે. તો પછી ‘न मे वागनृतं प्राह’ નું શું થયું ? ઉપરાંત યુધિષ્ઠિરે દ્રોણને આપેલો ઉત્તર અર્જુને તે ઉત્તરમાંના જાણીજોઈને હળવેથી ઉચ્ચારેલા ‘कुंजर’ શબ્દ સહિત સાંભળ્યો છે. યુધિષ્ઠિરે ‘कुंजर’ શબ્દ ઉચ્ચાર્યો એટલાથી અર્જુન છેતરાયો નથી. તે ઉત્તરમાં યુધિષ્ઠિરે અધર્મ કર્યો છે અને તે અસત્ય બોલ્યો છે એમ અર્જુનને લાગ્યું હોઈને તેણે દ્રોણવધ પછી થયેલા વિતંડાવાદમાં યુધિષ્ઠિર ઉપર તે દોષારોપ બધાના દેખતાં કર્યા છે. પોતાની જાત વિશે ઉચ્ચ મત ધરાવનારા યુધિષ્ઠિરને અર્જુનના દોષારોપોમાં કંઈ તથ્ય હોવાનું જણાયું છે ? તે દોષારોપો કરનારો અર્જુન યુધિષ્ઠિરને તે સમયે કેવો દેખાયો છે ?

વ્યાસે આપણી સામે ઊભો કરેલો યુધિષ્ઠિર સમજવાની દૃષ્ટિએ એ અને તત્સમ ઇતર પ્રશ્નો મહત્વના છે. વ્યાસ આવા મનોવિશ્લેષણાત્મક પ્રશ્નોના સીધાસાદા ઉત્તરો સામાન્ય રીતે કથામાં મૂકતા નથી. બલ્કે સંવાદના રૂપે રચાયેલી તેમની કથામાં તે સામાન્ય રીતે આવા પ્રશ્નો પણ સ્પષ્ટ શબ્દોમાં ઊભા કરતા નથી. એ બાબતમાં તેમની પદ્ધતિ છે: તેઓ તે વિશે કથામાં ક્યાંક કોઈક અર્થગર્ભ પ્રસંગો મૂકે છે અને તે પ્રસંગોનો સંબંધ અને અર્થ બેસાડવાનું કામ આપણને સોંપે છે. યુધિષ્ઠિરે દ્રોણને આપેલા ઉત્તર વિશે અને તેની અર્જુનના દોષારોપો પ્રત્યેની પ્રતિક્રિયા વિશે આવા અર્થગર્ભ પ્રસંગો વ્યાસે કથામાં મૂક્યા છે. તે પ્રસંગોનો સંબંધ અને અર્થ પ્રસ્તુત લેખમાં બેસાડવામાં આવ્યો છે. યુધિષ્ઠિરને પોતાનું વર્તન કેવું દેખાયું હોવાનું વ્યાસે બતાવ્યું છે તે પણ પ્રસ્તુત લેખમાં વિશદ કરવામાં આવ્યું છે.

[ કુલ પાન :  174.   કિંમત રૂ. 100.   પ્રાપ્તિસ્થાન :  Click Here. ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

12 thoughts on “મહાભારતના કેટલાક પ્રસંગો – અરુણ વિનાયક જાતેગાંવકર, વાસંતી અરુણ જાતેગાંવકર”

Copy Protected by Chetan's WP-Copyprotect.