તાજમહેલ ?….વેરીટેસ્ટી…. -વિનોદ ભટ્ટ

[‘નવનીત સમર્પણ’ દીપોત્સવી અંકમાંથી સાભાર.]

‘આ વખતે રજાઓમાં કઈ તરફ ઊપડવાનું વિચારો છો ?, બાપુ ?’
‘હજી કંઈ નક્કી નથી કર્યું, છોકરાઓ આગ્રા જવાનું કહે છે. તાજમહેલ જોવાની એમની બહુ ઈચ્છા છે.’
‘વાહ, સરસ. ટેસ્ટી.’
‘તાજમહેલ અને ટેસ્ટી ?’
‘એમ નહિ, ત્યાં તાજમહેલની ઉત્તરે ખાડામાં એક દાળવડાંવાળો ઊભો રહે છે, સાલો શું બ્યુટિફુલ દાળવડાં બનાવે છે ! સુપર્બ…. અમે તો જ્યારે જ્યારે આગ્રા જઈએ ત્યારે ત્યારે હું તો તાજની બહાર બેસીને દાળવડાં ખાઈ લઉં છું.’
‘બાકી તાજમહેલ અદ્દભુત છે, નહિ.’
‘સાચું પૂછો તો બોસ, મેં અંદર જઈને તાજમહેલ જોયો જ નથી.’
‘ગજબ કહેવાય, સર્વજ્ઞભાઈ….’

‘એમાં ગજબ શું છે યાર ! એક માણસ ચૌદમી ડિલિવરીમાં મરી ગયેલી પોતાની બૈરી પાછળ આ રીતે પૈસા બરબાદ કરે એ વાત જ આપણને પસંદ નથી. બીજો કોઈ સમજુ માણસ હોય તો બૈરી પાછળ આખું આગ્રા શહેર જમાડે કે પછી તેની યાદમાં તાજમહેલ જેવી કોઈ મોટી હોટલ બાંધે….. લાખ્ખો રૂપિયા ખરચીને તેણે બાંધી તો એક કબર જ ને !’
‘સર્વજ્ઞભાઈ, માથેરાન જવા જેવું ખરું ?’
‘દાદાગીરી બોસ, માથેરાન એટલે માથેરાન, આપણા પુરોહિતવાળાની જ ત્યાં એક હોટેલ છે. એ હોટેલનાં દાળભાત ! આંગળાં કરડ્યા કરીએ. ફેન્ટાસ્ટિક.’

‘ત્યાં જો જોવા જેવી કોઈ ખાસ જગ્યા ?’
‘છે ને…. ઘણાં પોઈન્ટ્સ છે….. સનસેટ પોઈન્ટ, એકો પોઈન્ટ, પેનોરમા પોઈન્ટ, પેનોરમા પોઈન્ટ પર એક નાળિયેરવાળો બેસે છે. અમે તો ઘણીવાર નાળિયેરનું પાણી પીવા માટે જ પેનોરમા પોઈન્ટ પર જતા. બીજા કશા ખાતર નહીં તો નાળિયેરપાણી ખાતરેય તમારે માથેરાન જવું.’
‘દાર્જીલિંગ આ સીઝનમાં મોંઘું પડે ?’
‘સહેજ પણ મોંઘું નહિ શેઠિયા, તમારે એમ કરવાનું, એક ટંક જમવાનું ને સાંજે નાસ્તાથી ચલાવી લેવાનું, ત્યાં દિલ્હી ચાટ સેન્ટરની બાજુમાં એક દહીંવડાંવાળો બેસે છે. પઠ્ઠો શું ફક્કડ દહીંવડાં બનાવે છે. બસ ખાધા જ કરીએ…..’
‘કહે છે કે ત્યાંના ખળખળ વહેતા ઝરણામાં પગ બોળીને બેસી રહેવાની મઝા આવે છે… એ એક લહાવો છે.’
‘અરે સાવ હમ્બગ યાર, એક વાર પેલા ઉલ્લુના પઠ્ઠા જગદીશિયા સાથે ઝરણામાં પગ બોળીને બેસી રહ્યા એમાં તો સાલી હોટેલ બંધ થઈ ગઈ ને ફ્રૂટની દાળઢોકળી ગુમાવવી પડી. ત્યારથી પ્રતિજ્ઞા કરી નાખી છે કે ખાધા વગર હોટેલની બહાર પગ ન મૂકવો અને હવે તો આતંકવાદીઓને કારણે સાલી કાશ્મીરમાંય ગરમી પડે છે.’

‘તો મહાબળેશ્વર કેમ રહે ?’
‘અરે ડોન્ટ મિસ ઈટ બાબા, પણ મહાબળેશ્વર જવું હોય તો કોઈ ટ્રાવેલ ટૂરમાં જ જવું. સાલી પછી કોઈ ઝંઝટ જ નહિ. બે ટાઈમ ખાવાનું, ત્રણ ટાઈમ ચાનાસ્તો પ્રહલાદ ટ્રાવેલ્સવાળા આપે છે. તમે કહો એ નાસ્તો આપે, બટાટા પૌંઆ, સેવખમણી, બ્રેડનાં ભજિયાં-જે માગો એ નાસ્તો તૈયાર.’
‘વહેલી સવારે પોણાચાર વાગે મહાબળેશ્વરમાં સૂર્યોદય ગાંડા કરી મૂકે એવો હોય છે એ વાત ખરી ?’
‘પણ એવા ગાંડપણમાં ન પડવું મારા ભૈ. સૂરજ તો નવરો છે તે વહેલો ઊગી જાય. એને માટે થઈને આપણે શા માટે ઉજાગરો વેઠવો ! સૂરજ તો બધે સરખો, માટે એવી કોઈ બબાલમાં પડવું નહિ. પણ વેકેશનમાં મહાબળેશ્વરમાં હાડમારી બહુ પડશે. એના કરતાં સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાતરા જેવું કરવું. એવું હોય તો આબુ ઊપડી જાઓ. કહેતા હો તો રમેશ દાણી પાસે ચિઠ્ઠી લખાવી દઉં. એક બ્લોક કાઢી આપશે. રાંધવાનાં વાસણો પણ મળે છે. એક વાર રાંધવાનું ને બે વખત ખાવાનું. બીજી કોઈ ઝંઝટ જ નહિ. ખાઈને સાંજ સુધી ઘોર્યા કરવાનું. સાંજે નખી લેક પર ચક્કર લગાવવાનાં, નખી લેકની ત્રાંસમાં એક રબડીવાળો બેસે છે. તેને ત્યાંથી અઢીસો-ત્રણસો ગ્રામ રબડી લઈને ઝાપટી જવાની. પણ આબુમાં સાલી એક તકલીફ રહેવાની. તમને અડધું અમદાવાદ ત્યાં જોવા મળશે. અમદાવાદમાં જે લોકોને ટાળવા આપણે પોળની ગલીમાં છુપાઈ જવા મથીએ એ બધા ત્યાં સામે ભટકાવાના. ત્યાંના પાછા રસ્તાય થોડા પહોળા એટલે ભાગીનેય ક્યાં ભગાય ? એ વખતે સાલું એમ થાય કે આટલા પૈસા ખરચીને આબુ આવ્યા એ કરતાં અમદાવાદમાં જ રહ્યા હોત તો વધુ સારું થાત.’

‘આઈડિયા ખોટો નથી. થાય છે કે આ વખતે ક્યાંય જવું નહિ. સાંજે છ વાગ્યે ધાબામાં પાણી છાંટીને ઠંડકમાં પથારી કરી લેટી જવું. અમદાવાદની સાંજ આમેય ઠંડકવાળી હોય છે.’
‘વાહ, એ તો ઉત્તમ. ધાબામાં બેસીને નાથાલાલનો આઈસક્રીમ ખાતાં ખાતાં ગપ્પાં મારવાની જે મઝા છે તે સાલી બીજે ક્યાંય નથી. એટલે તો કહું છું કે પૃથ્વીનો છેડો ઘર, એટલે બાપુ, આપણી તો એ સલાહ છે કે…. સમજી ગયાને !’


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous મહાભારતના કેટલાક પ્રસંગો – અરુણ વિનાયક જાતેગાંવકર, વાસંતી અરુણ જાતેગાંવકર
બાળક એક ગીત (ભાગ-3) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ” Next »   

10 પ્રતિભાવો : તાજમહેલ ?….વેરીટેસ્ટી…. -વિનોદ ભટ્ટ

 1. Chintan says:

  Nice one !!!

 2. સાચ્ચે જ સ્વાદીષ્ટ, સોરી, ટેસ્ટી !!

 3. Devina Sangoi says:

  Good one,crispy

 4. Triku C . Makwana says:

  આમેય ગુજરાતિઓ ફોરેન મા પણ ગુજરાતિ થાળી શોધતા હોય છે.

 5. Ketan Mankad says:

  Excellent Vinodbhai . Your unique way of presentation is unmatched.

 6. RUTVI RUPANI says:

  બહુ સરસ

 7. બી.એમ.છુછર says:

  ટૂર………વેરી વેરી ટેસ્ટી.

 8. S.R.MAKWANA ( I.P.C.L-BARODA) says:

  VinodbhaI…..The great…

 9. hiren kava says:

  I like it

 10. કાલિદાસ વ.પટેલ {વાગોસણા} says:

  મુ. વિનોદભાઈ,
  ગુજરાતી માણસને મન ફરવા, જોવા કે નવું જાણવા કરતાં ” શું ખાવાનું મળશે ? ” એમાં જ રસ હોય છે. … તે હાસ્ય સાથે સમજાવવા બદલ આભાર.
  કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.